કવિ તને કેમ ગમે ?

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

ધરતીને પટે ડગલે પગલે
મૂઠી ધાન વિના નાનાં બાળ મરે
પ્રભુહીન આકાશેથી આગ ઝરે
અહોરાત કરોડ ગરીબોના પ્રાણ
ધનિકોને હાથ રમે
ત્યારે હાય રે હાય, કવિ !
તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે ?

લથડી લથડી ડગલાં ભરતી
લાખો નાર ગલી ગલીએ ફરતી
સારી રાત ભૂખે મજૂરી કરતી
મારા બાળ પરોઢિયે જાગીને માગશે
ભાત વિચારી એ દેહ દમે
ત્યારે હાય રે હાય, કવિ !
તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે ?

મન ! છોડ નિહાળવા તારલિયા
કાળાં કેદખાના કેરા સળિયા
એનાં ક્રંદન શું નથી સાંભળિયાં ?
એની ભીતર મૌન એકાકી રિબાઈ
હજારોના પ્રાણ શમે
ત્યારે હાય રે હાય, કવિ !
તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે ?

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ નિશ્વાસભર્યાં જગમાં
સિતમે સળગંત ધરા તલમાં
રસ સુંદરતા કેરી શાયરી છે બધી
જાળ સુનેરી ભૂખ્યાં જનોને
ત્યારે હાય રે હાય, કવિ !
તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે ?

દિનરાત જેઓની નસેનસમાં
પડે છે ઘોષ ભયંકર યંત્ર તણા
પીએ ઝેરી હવા જે દમદમમાં
એને શાયર શું ? કવિતા શું ?
ફૂલો ને તારલિયામાં એ કેમ રમે ?
ત્યારે હાય રે હાય, કવિ !
તુંને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે ?

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે
પૂરી રોટી પ્રતિજનને જડશે
કવિ ! તે દિન નીલ આકાશ તારા
કેરી સુંદરતા સહુ સાર્થ બને
તારા કૂજન આજ જલાવી દે
પ્રાણ ! રે દંભ ગાવા તને કેમ ગમે ?