કુસુમમાળા/મેઘાડમ્બર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સન્ધ્યા કુસુમમાળા
મેઘાડમ્બર
નરસિંહરાવ દિવેટિયા
લાગટ હૅલી ઊઘડતી વખતની રચના →


મેઘાડમ્બર

[[૧] ★ગરબી -]

આડમ્બર રચી ભવ્ય આ રે
ગગન ઘને ઘેર્યું, હાં હાં રે ગગન ઘને ઘેર્યું,
આછું પીળું જળતેજ આ રે
નભમંડળ વેર્યું. હાંહાં રે નભમંડળ વેર્યું. ૧

ક્ષેત્રભૂમિ રૂડી ઉપરે રે
વાદળી વરસે છે, હાંહાં રે વાદળી૦

મરકતકશો ઘેરો લીલો રે
ત્ય્હાં વર્ણ વસે છે. હાંહાં રે ત્યહાં ૨

વૃક્ષઘટા ભીની અહિં રે
ગમ્ભીરી ઊભી, હાંહાં રે ગમ્ભીરી○
તે મહિં દ્વાર બન્યાં કહિં રે
ત્ય્હાં શી દીસે ખૂબી ! હાહાં રે ત્યહાં○ ૩

પીતવસન ધરી ટેકરી રે
તૃણશૂન્ય જ પેલી, હાંહાં રે તૃણશૂન્ય○
ગાયમહિષની તે પરે રે
સૅર શી આ રેલી ! હાંહાં રે સૅર○ ૪

પ્હણે દ્વાર બીજે થકી રે
ગગન દીસે ઘેરું ;- હાંહાં રે ગગન○
જો ! આ પ્રિય ! શું ત્હેં સુણ્યું રે
ગર્જન ઘન કેરું ! હાંહાં રે ગર્જન○ ૫

દૂર જેહ ગિરિગવ્હરે રે
પ્રતિરવથી નાચે, હાંહાં ર પ્રતિરવ○
સુણી તે આ હઇડે બીજું રે
રવનૃત્ય વિરાજે. હાંહાં રે રવનૃત્ય○ ૬

ગિરિશિખરોને ચુમ્બતી રે
વાદળિયો દોડે; હાંહાં રે વાદળિયો○

ભૂમિગોળ આલિંગી લે રે
ઘનઘટા શી કોડે ! હાંહાં રે ઘનઘટા○ ૭

તો આ સ્થળ પ્રિય ! તું હવાં રે
અટકે ક્યમ લાજે ? હાંહાં રે અટકે○
કાં ભેટી ન લે ચુમ્બનો રે
લટકે કંઈ આજે ? હાંહાં રે લટકે કંઈ આજે ! ૮



ટીકા[ફેરફાર કરો]

કડી ૧. જળતેજ - 'મેઘવૃષ્ટિવાળી એક સાંઝ' (પૃ. ૧૮) કડી ૧ ની ટીકા (પૃ. ૧૦૩) જુઓ.

નભમંડળ - (સપ્તમીનો પ્રત્યય લુપ્ત) - નભમંડળામાં.

કડી ૬. ઉત્તરાર્ધ - ગર્જનરવ સાંભળીને તરત હૃદયમાં ત્‍હેવા જ ગમ્ભીર ભાવના ધ્વનિ ઊઠે તે જ 'હઈડે બીજું રવનૃત્ય વિરાજે.'

કડી ૭.'આલિંગી લે'- નો કર્તા - 'ઘનઘટા,' કર્મ - 'ભૂમિગોળ'.

-૦-
  1. ★‘સમી સન્ધ્યાએ હમે સાંચર્યાં રે જમુનાંની તીરે, હાંહાં રે જમુનાંની તીરે.’ — એ ઢાળ