ગરજ હોય તો આવ ગોતવા
ગરજ હોય તો આવ ગોતવા,
હું શીદ આવું હાથ, હરિ !
ખોજ મને જો હોય ખેવના,
હું શીદ સ્હેલ ઝલાઉં, હરિ !
ગેબ તણી સંતાકુકડીમાં
દાવ તમારે શિર, હરિ !
કાળાન્તરથી દોડી રહ્યા છો
તોય ન ફાવ્યા કેમ, હરિ !
સૂફીઓ ને સખી ભક્તો ભૂલ્યા,
વલવલિયા સૌ વ્યર્થ, હરિ !
‘સનમ! સનમ!’ કહીને કો' રઝળ્યા
કોઈ ‘પિયુ! પિયુ!’ સાદ કરી
પોતાને પતિતો દુષ્ટો કહી
અપમાને નિજ જાત, હરિ !
એ માંહેનો મને ન માનીશ,
હું સમવડ રમનાર, હરિ !
તલસાટો મુજ અંતર કેરા
દાખવું તો મને ધિક, હરિ !
પતો ન મારો તને બતાવું
હું-તું છો નજદીક, હરિ !
મારે કાજે તુજ તલસાટો
હવે અજાણ્યા નથી, હરિ !
હું રિસાયલને તું મનવે
વિધવિધ રીતે મથી, હરિ !
પવન બની તું મારે દ્વારે
મધરાતે ઘુમરાય, હરિ !
મેઘ બનીને મધરો મધરો
ગાણાં મારાં ગાય, હરિ !
વૈશાખી બળબળતાં વનમાં
દીઠા ડાળેડાળ ભરી,
લાલ હીંગોળી આંગળીઆળા
તારા હાથ હજાર, હરિ !
માછલડું બનીને તેં મુજને
ખોળ્યો પ્રલયની માંય, હરિ !
હું બન્યો કાદવ, તું બની
ડુક્કર રગદોળાયો — શરમ, હરિ !
પથ્થર લક્કડ પશુ પંખી થૈ
નજર તમારી ચુકાવી, હરિ !
માનવ થઈ પડું હાથ હવે,
તો જગ કહેશે, ગયો ફાવી, હરિ !
લખ ચોરાશીને ચકરાવે
ભમી ભમી ઢુંઢણહાર, હરિ !
ડાહ્યો થૈ કાં દાવ પૂરો દે,
કાં તો હાર સ્વીકાર, હરિ !