જોઈ લ્યો આ જગતના બાવા

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

જોઈ લ્યો આ જગતના બાવા ધર્યો ભેખ ધૂતીને ખાવા

પ્રેમદાઓ ઘણી પાણી ભરે ત્યાં બાવોજી જાય નહાવા
રાંડીછાંડી ઘેર નર ન હોચ ત્યાં બાવોજી બેસે ગાવા

જોઈ લ્યો આ જગતના બાવા ધર્યો ભેખ ધૂતીને ખાવા

લોકોનાં છોકરાં તેડી રમાડે બાવો પરાણે પ્રીતડી થાવા
ગૃહસ્થની સ્ત્રી રિસાઈ જાય ત્યારે બાવો જાય મનાવા

જોઈ લ્યો આ જગતના બાવા ધર્યો ભેખ ધૂતીને ખાવા

ધૂપ કરે ને વળી ધ્યાન ધરે બાવો ભોળાને ભરમાવા
ભોજો ભગત કહે ભાવે સેવો એને જમપૂરીમાં જાવા

જોઈ લ્યો આ જગતના બાવા ધર્યો ભેખ ધૂતીને ખાવા

  • * * * *

દુનિયા ભરમાવવા ભોળી હાલ્યો બાવો ભભૂતિ ચોળી

દોરા ધાગા ને ચિઠ્ઠી કરે બાવો દે ગુણકારી ગોળી
અનેક જાતનાં એવાં બને છે કોઈ કણબી કોઈ કોળી

દુનિયા ભરમાવવા ભોળી હાલ્યો બાવો ભભૂતિ ચોળી

નિત્ય દર્શન નિયમ ધરીને આવે છે તસ્કરિયા ટોળી
માઈ માઈ કહી માન દિએ પણ હૈયે કામનાની હોળી

દુનિયા ભરમાવવા ભોળી હાલ્યો બાવો ભભૂતિ ચોળી

ચેલા ચેલીને ભેગાં કરી બાવો ખાય ખાંડ ને પોળી
ભોજો કહે કે ભવસાગરમાં બાવાઓએ માર્યાં બોળી

દુનિયા ભરમાવવા ભોળી હાલ્યો બાવો ભભૂતિ ચોળી