દરિયાની માછલી

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
દરિયાની માછલી (ઝવેરચંદ મેઘાણી)
ઝવેરચંદ મેઘાણી


દરિયાના બેટમાં રે’તી
પ્રભુનું નામ લેતી
હું દરિયાની માછલી.

મને બારણે કાઢવી નો’તી
હું દરિયાની માછલી.

જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી
મરજો પ્રીત્યુના તોડનારા….. હું દરિયાની માછલી…

દરિયાનાં નીર મને પાતાળે ગોતશે
આભ લગી મારશે ઉછાળા….. હું દરિયાની માછલી….

તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે
ચંદ્ર કોને પાશે અજવાળાં….. હું દરિયાની માછલી…..

છીપલીની છાતીએથી કોણ હવે ઝીલશે
મોં ઉઘાડી મોતીડાં રૂપાળાં…. હું દરિયાની માછલી…..

દરિયાના દેશથી વિછોડી
દુનિયા શું શીદ જોડી
હું દરિયાની માછલી.

ઝવેરચંદ મેઘાણી