નવા કલેવર ધરો
વિકિસ્રોતથી
નવા કલેવર ધરો હંસલા! નવા કલેવર ધરો,
ભગવી કંથા ગઈ ગંધાઈ, સાફ ચદરિયાં ધરો,
હંસલા! નવા કલેવર ધરો.
મોતી તણો તે ચારો માની ચણિયા વિખના ફળો;
કણ સાટે છો ચૂટી કાંકરી, કૂડના બી નવ ચરો,
હંસલા! નવા કલેવર ધરો.
ગગન તારલે અડવા-ઊડતાં પૃથ્વી થીય ટળ્યો;
ઘૂમો સીમાડા આભ તણા પણ ધરણી નવ પરહરો,
હંસલા! નવા કલેવર ધરો.
અધૂધડી આંખે જોયું તે સૌ પૂર્ણ દીઠું કાં ગણો?
આપણ દીઠાં અસત ઘરેણાં, નીરખાં નો શો બરો,
હંસલા! નવા કલેવર ધરો.
રાત પડી તેને પરોઢ સમજી ભ્રમિત બહાર નીસર્યો,
હવે હિંમતમાં રહો જી રુદિયા! અનહદમાં સંચરો.
હંસલા! નવા કલેવર ધરો.