રચનાત્મક કાર્યક્રમ/નવી તાલીમ અથવા પાયાની કેળવણી

વિકિસ્રોતમાંથી
← ગામ સફાઈ રચનાત્મક કાર્યક્રમ
નવી તાલીમ અથવા પાયાની કેળવણી
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રૌઢશિક્ષણ →


૭. નવી તાલીમ અથવા પાયાની કેળવણી

આ વિષય નવો છે. પણ મહાસભાની કાર્યવાહક સમિતિના સભ્યોને તેમાં એટલો બધો રસ પડ્યો ને તેમને તે એટલો બધો મહત્વનો લાગ્યો કે હરિપુરાની મહાસભાની બેઠક વખતે તેમણે હિંદુસ્તાની તાલીમ સંઘને મહાસભાની મંજૂરીનો લેખ કરી આપ્યો ને ત્યારથી તે પોતાનું કાર્ય કરતો આવ્યો છે. ઘણા મહાસભાવાદીઓને રોકી શકે એટલું મોટું આ કામનું ક્ષેત્ર છે. ગામડાંનાં બાળકોને ઘડીને નમૂનેદાર ગામવાસીઓ બનાવવાનો આ કેળવણીનો આશય છે. તેની યોજના મુખ્યત્વે તેમનો ખ્યાલ રાખીને કરવામાં આવી છે, એ યોજનાની મૂળ પ્રેરણા પણ ગામડાંઓમાંથી આવી છે. જે મહાસભાવાદીઓ સ્વરાજની ઇમારતનું ઠેઠ પાયામાંથી ચણતર કરવા માગે છે તેમને દેશના બાળકોની ઉપેક્ષા કરવી પરવડે તેવી નથી. પરદેશી અમલ ચલાવનારા લોકોએ, અજાણપણે ભલે હોય, કેળવણીના ક્ષેત્રમાં પોતાના કાર્યની શરૂઆત અચૂકપણે ઠેઠ નાનાં છોકરાંઓથી કરી છે. આપણે ત્યાં પ્રાથમિક કેળવણીને નામે જે નમૂનો ઓળખાય છે તે એક ફારસ છે; ગામડાંઓમાં જે હિન્દુસ્તાન વસે છે તેની જરૂરીયાતો કે માગણીઓનો જરાયે વિચાર કર્યા વિના તેની યોજના થઈ છે; અને આમ જુઓ તો શહેરોનો પણ તેમાં કશો વિચાર થયેલો નથી. પાયાની કેળવણી ગામડાંમાં શું કે શહેરોમાં શું, હિન્દુસ્તાનનાં બધાંયે બાળકોને હિંદનાં જે કંઈ ઉત્તમ તેમ જ કાયમનાં તત્ત્વો છે તેમની સાથે સાંકળી દે છે. એ કેળવણી બાળકનાં મન તેમ જ શરીર બંનેનો વિકાસ કરે છે; બાળકને પોતાની ભૂમિ સાથે જડી રાખે છે; તેને પોતાના તથા પોતાના મુલકના ભાવિનું ગૌરવભર્યું ચિત્ર બતાવે છે, અને તે ચિત્રમાં જોયેલું ભાવિ હિંદ રચવાના કાર્યમાં દરેક છોકરો કે છોકરી પોતે નિશાળે જતાં થાય તે દિવસથી જ પોતાનો ફાળો આપે એવી ગોઠવણ કરે છે. પાયાની કેળવણીનું કામ મહાસભાવાદીઓને અખૂટ રસ આપે તેવું છે અને તેમાંથી જે બાળકોની સાથે તેઓ સંબંધમાં આવશે તેમને જેટલો ફાયદો થશે તેટલો જ ફાયદો ખુદ તેમને થશે. જે મહાસભાવાદીઓને આ કામ ઉપાડવાની ઇચ્છા હોય તેમણે સેવાગ્રામને સરનામે તાલીમી સંઘના મંત્રીને લખીને જોઈતી માહિતી મેળવવી.