રચનાત્મક કાર્યક્રમ/પ્રાંતિક ભાષાઓ

વિકિસ્રોતમાંથી
← તંદુરસ્તીના નિયમોની કેળવણી રચનાત્મક કાર્યક્રમ
પ્રાંતિક ભાષાઓ
મોહનદાસ કરમચંદ ગાંધી
રાષ્ટ્ર ભાષાઓ →


૧૧. પ્રાંતિક ભાષાઓ


આપણી પોતાની માતૃભાષાઓના કરતાં અંગ્રેજી પર આપણે વધારે પ્રેમ રાખ્યો તેથી કેળવાયેલા તેમ જ રાજકીય દ્રષ્ટિથી જાગ્રત એવા ઉપલા વર્ગોના લોકોથી આમસમુદાય છેક વિખૂટો પડી ગયો છે ને તે બન્ને વચ્ચે ઊંડી ખાઈ પડી ગઈ છે. વળી તેજ કારણે હિંદુસ્તાનની ભાષાઓ ગરીબ બની છે ને તેમને પૂરતું પોષણ મળ્યું નથી. અટપટા ને ઊંડા તાત્વિક વિચારો આપણી માતૃભાષામાં દર્શાવવાની ફોગટ મહેનત કરતી વખતે આપણે ગોથાં ખાઈએ છીએ. આપણી પાસે વિજ્ઞાનની ચોક્કસ પરિભાષા નથી. આ બધાંનું પરિણામ ખતરનાક આવ્યું છે. આપણી આમજનતા આધુનિક માનસથી એટલે કે નવા જમાનાના વિચારોથી છેક અળગી રહી છે. હિંદુસ્તાનની મહાન ભાષાઓની જે અવગણના થઈ છે, ને તેને પરિણામે હિંદને જે પારાવાર નુકશાન થયું છે તેનું માપ આજે આપણાથી કાઢી શકાય તેમ નથી કેમકે આપણે તે બનાવની બહુ નજીક છીએ. પણ એટલી વાત તો સમજવી સહેલી છે કે આજ સુધી થયેલા નુકશાનનો ઈલાજ નહીં થાય, એટલે કે ગયેલી ખોટ પૂરવાની મહેનત આપણે નહીં કરીએ તો આપણી આમજનતાનું માનસ મુક્ત નહીં થાય , તે રૂઢિ ને વહેમોમાં પુરાયેલું રહેશે, અને આમસમુદાય સ્વરાજના ચણતરમાં કશો સંગીન ફાળો નહીં આપી શકે. અહિંસાના પાયા પર રચાયેલા સ્વરાજની વાતમાં એ વાત આવી જાય છે કે અપણો એકેએક માણસ આપણે સ્વતંત્રતાની લડતમાં પોતાનો સ્વતંત્ર સીધો ફાળો આપે. પણ આપણી આમજનતા લડતનું એકેએક પગથિયું જાણે નહીં અને તે દરેકમાં સમાયેલું રહસ્ય પૂરેપૂરું સમજે નહીં તો સ્વરાજના ઘડતરમાં પોતાનો ફાળો કેમ આપશે? અને આમજનતાની પોતાની બોલીમાં લડતના એકેએક પગથિયાની બરાબર સમજૂતી નહીં અપાય તો એ બનવાની આશા કેમ રખાય?