રચનાત્મક કાર્યક્રમ/સવિનયભંગનું સ્થાન

વિકિસ્રોતમાંથી
← વિદ્યાર્થીઓ રચનાત્મક કાર્યક્રમ
સવિનયભંગનું સ્થાન
મોહનદાસ કરમચંદ ગાંધી
ઉપસંહાર →


સવિનયભંગનું સ્થાન

આ પાનાંઓમાં મેં એમ જણાવ્યું છે કે રચનાત્મક કાર્યક્રમના અમલમાં આપણે આપણી આખી પ્રજાનો સહકાર મેળવી શકીએ તો શુદ્ધ અહિંસક પુરુષાર્થથી આઝાદી હાંસલ કરવામાં સવિનયભંગની લડતની જરૂર પડે જ એવું નથી. પણ શું વ્યક્તિ કે શું રાષ્ટ્ર કોઈનું એવું સારું નસીબ ભાગ્યે જ હોય. તેથી સમસ્ત રાષ્ટ્રવ્યાપી અહિંસક પુરુષાર્થમાં સવિનયભંગની લડતનું સ્થાન શું છે તે સમજી લેવાની જરૂર છે.

સવિનયભંગ ત્રણ જુદાં જુદાં કામ બજાવે છે:

૧. કોઈક એક સ્થાનિક અન્યાય કે ફરિયાદનું નિવારણ કરવાને સવિનયભંગની લડત પૂરેપૂરી કામ આવે.
૨. કોઈ એક ચોક્કસ અન્યાય કે ફરિયાદની કે અનિષ્ટની સામે તેને દૂર કરવાની બાબતમાં ખાસ કશી અસર પાડવાનો ઇરાદો રાખ્યા વિના તે અન્યાય કે ફરિયાદ કે અનિષ્ટનું સ્થાનિક પ્રજાને ભાન કરાવવાને અથવા તેના દિલ પર અસર કરવાને કુરબાની આપવાના આશયથી પણ કાયદાનો સવિનયભંગ થઈ શકે. મારા કાર્યની શી અસર થશે તેની ગણતરી કર્યા વિના અને લોકો કદાચ કશીએ લાગણી નહીં બતાવે તે હું બરાબર જાણતો હતો છતાં ચંપારણમાં મેં કાયદાનો સવિનયભંગ કરેલો તે આ જાતનો હતો. મારા કાર્યનું પરિણામ અણધારેલું જુદું આવ્યું તેને સૌ પોતાને રુચે તેમ ઈશ્વરની મહેરબાની કે નસીબનો ખેલ માને.
૩. રચનાત્મક કાર્યનો પૂરતો જવાબ ન મળે તો તેની અવેજીમાં ૧૯૪૧ની સાલમાં ઉપાડવામાં આવી હતી તે રીતે સવિનય કાનૂનભંગની લડત ઉપાડી શકાય. તે લડત આપણી આઝાદીની સળંગ લડતના ભાગ લેખે અને તેમાં ફાળો ભરવાના ઉદ્દેશથી ઉપાડવામાં આવી હતી
છતાં વાણીસ્વાતંત્ર્યના ચોક્કસ મુદ્દા પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી. સવિનયભંગની લડત કોઈ એક મોઘમ હેતુને માટે, જેમ કે, પૂર્ણ સ્વરાજને માટે ન થઈ શકે. લડતની માગણી ચોક્કસ, સામા પક્ષને સ્પષ્ટ સમજાય તેવી ને તેનાથી પૂરી પાડી શકાય તેવી હોવી જોઈએ. આ પદ્ધતિ જો બરાબર અમલમાં મુકાય તો આપણને ઠેઠ આપણા અંતિમ લક્ષ્ય સુધી જરૂર લઈ જાય.

અહીં સવિનયભંગનું આખું ક્ષેત્ર અથવા તેની બધી શક્યતાઓની તપાસ મેં માંડી નથી. વાચકને રચનાત્મક કાર્યક્રમ અને સવિનયભંગનો સંબંધ સમજવામાં કામ આવે તેટલા ખાતર જેટલો છેડવો જોઈએ તેટલો જ તે વિષય મેં અહીં છેડ્યો છે. અહીં ગણાવેલા પહેલા બે દાખલાઓમાં મોટા પાયા પરની રચનાત્મક પ્રવૃત્તિની જરૂર નહોતી, ને હોય નહીં. પણ કાયદાના સવિનયભંગ મારફતે પૂર્ણ સ્વરાજ સિદ્ધ કરવાનો આશય હોય તો પહેલેથી તૈયારી કરવાની જરૂર રહે છે અને તે તૈયારીને જે જે લોકો તે તે લડતમાં ભાગ લેતા હોય તેમના સહેજે દેખાય તેવા તેમ જ બરાબર સમજપૂર્વક આદરેલા પુરુષાર્થનો આધાર હોવો જોઈએ. આ રીતે સવિનયભંગ લડત લડનારા લોકોને ઉત્સાહ ને સામાવાળાને પડકાર આપે છે. વળી વાચકને એટલું સમજાયું હશે કે પૂર્ણ સ્વરાજની સિદ્ધિ માટેની સવિનયભંગની લડત આપણી કરોડોની વસ્તીની રચનાકાર્ય માટેના સહકાર વિના કેવળ મોટી મોટી ને ખાલી બડાશોનું રૂપ લે છે ને તદ્દન નકામી બલ્કે નુકસાનકારક છે.