શૂરવીરની પહેલી મિલન-રાત
વિકિસ્રોતથી
પહેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ;
પિયુ કંટાળો કેવડો, ધણ્ય કંકુની લોળ્ય.
બીજો પહેરો રેનરો, વધીયા નેહ-સનેહ;
ધાણ્ય ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ.
ત્રીજો પહોરો રેનરો, દિવડા સાખ ભરે;
ધણ્ય જીતી પિયુ હારીયો, રાખ્યો હાર કરે.
ચોથો પહેરો રેનરો, બોલ્યા કૂકડ કાગ;
ધણ્ય સંભાળે કંચવો, પિયુ સંભાળે પાઘ.
આઠમો પહોરો દિવસરો, ચડી દિવડલે વાટ;
ધણ મરકે ને પિયુ હસે, ફેર બિછાવો ખાટ.