સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૬. કાર્યપદ્ધતિ

વિકિસ્રોતમાંથી
← ૧૫. કેસ ખેંચાયો સત્યના પ્રયોગો અથવા આત્મકથા
કાર્યપદ્ધતિ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૭. સાથીઓ →


૧૬. કાર્યપદ્ધતિ

ચંપારણની તપાસનો હેવાલ આપવો એટલે ચંપારણના ખેડૂતનો ઇતિહાસ આપવા જેવું છે. એવો હેવાલ આ પ્રકરણોમાં ન આપી શકાય. વળી ચંપારણની તપાસ એટલે અહિંસા અને સત્યનો મોટો પ્રયોગ. આને લગતું જેટલું મને પ્રત્યેક સપ્તાહમાં સૂઝે છે તેટલું આપું છું. તેની વધારે વિગત તો વાંચનારને બાબુ રાજેન્દ્રપ્રસાદના આ લડતના (હિંદીમાં છપાયેલા) ઇતિહાસમાં ને ’યુગધર્મ’ પ્રેસે કરાવેલા તરજુમામાંથી જ મળી શકે.

હવે આ પ્રકરણના વિષય ઉપર આવું. ગોરખબાબુને ત્યાં રહીને આ તપાસ થાય તો ગોરખબાબુએ પોતાનું ઘર ખાલી કરવું પડે. મોતીહારીમાં ઝટ કોઈ પોતાનું મકાન ભાડે માગતાંયે આપે એવી નિર્ભયતા લોકોમાં આવી નહોતી. પણ ચતુર બ્રજકિશોરબાબુએ એક વિસ્તારવાળી જમીનવાળું મકાન ભાડે મેળવ્યું ને તેમાં અમે ગયા.

છેક દ્રવ્ય વિના અમે ચલાવી શકીએ એવી સ્થિતિ નહોતી. આજ લગીની પ્રથા પ્રજાવર્ગ પાસેથી જાહેર કામને સારુ ધન મેળવવાની નહોતી. બ્રજકિશોરબાબુનું મંડળ મુખ્યત્વે વકીલમંડળ હતું, એટલે તેઓ પ્રસંગ આવ્યે પોતાના ખીસામાંથી ખર્ચ કરી લેતા ને કંઈક મિત્રોની પાસેથી ઉઘરાવતા. પૈસેટકે સુખી એવા પોતે લોકો પાસે દ્રવ્યભિક્ષા કેમ માગે ? આ તેમની લાગણી હતી. ચંપારણની રૈયત પાસેથી એક કોડી પણ ન લેવી એવો મારો દૃઢ નિશ્ચય હતો. તે લેવાય તો ખોટો જ અર્થ થાય. આ તપાસને અર્થે હિંદુસ્તાનમાં જાહેર ઉઘરાણું ન કરવું એ પણ નિશ્ચય હતો. એમ કરતાં આ તપાસ રાષ્ટ્રીય અને રાજ્યપ્રકરણી સ્વરૂપ પકડે. મુંબઈથી મિત્રોએ રૂ. ૧૫,૦૦૦ની મદદનો તાર મોકલ્યો. તેમની મદદનો સાભાર અસ્વીકાર કર્યો. ચંપારણની બહારથી પણ બિહારના જ સુખી લોકો પાસેથી બ્રજકિશોરબાબુનું મંડળ મદદ મેળવી શકે તે લેવી ને મારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતાની પાસેથી ખૂટતું દ્રવ્ય મેળવી લેવું એવો નિશ્ચય કર્યો. દાક્તર મહેતાએ જે જોઈએ તે મંગાવી લેવાનું લખ્યું. એટલે દ્રવ્યને વિષે અમે નિશ્ચિંત થયા. ગરીબાઈથી ઓછામાં ઓછે ખર્ચે રહી લડત ચલાવવાની હતી, એટલે ઘણા દ્રવ્યની જરૂર પડે તેમ નહોતું. હકીકતમાં પડી પણ નહીં. બધું થઈને બે કે ત્રણ હજારથી વધારે ખર્ચ નહોતું થયું એવો મારો ખ્યાલ છે. જે એકઠું કર્યું હતું તેમાંથી રૂપિયા ૫૦૦ કે ૧,૦૦૦ બચેલા એવું મને સ્મરણ છે.

અમારી આરંભકાળની રહેણી વિચિત્ર હતી, ને મારે સારુ તે રોજનો વિનોદનો વિષય હતો. વકીલમંડળને દરેકની પાસે નોકર રસોઇયા હોય, દરેકને સારુ નોખી રસોઈ બને. તેઓ રાતના બાર વાગ્યે પણ જમતા હોય. આ મહાશયો રહેતા તો પોતાના ખર્ચે, છતાં મારે સારુ આ રહેણી ઉપદ્રવરૂપ હતી. મારી ને મારા સાથીઓ વચ્ચે સ્નેહગાંઠ એવી મજબૂત બંધાઈ હતી કે અમારી વચ્ચે ગેરસમજણ થવા ન પામે. તેઓ મારાં શબ્દબાણ પ્રેમે ઝીલતા. છેવટે એમ ઠર્યું કે, નોકરોને રજા આપવી, સહુએ સાથે જમવું ને જમવાના નિયમ સાચવવા. બધા નિરામિષાહારી નહોતા; અને બે રસોડાં ચલાવતાં ખર્ચ વધે; તેથી નિરામિષ ભોજન જ રાંધી એક જ રસોડું ચલાવવાનો ઠરાવ થયો. ભોજન પણ સાદું રાખવાનો આગ્રહ હતો. આથી ખર્ચમાં ઘણો ફાયદો થયો, કામ કરવાની શક્તિ વધી અને વખત બચ્યો.

વધારે શક્તિની આવશ્યકતા બહુ હતી. કેમ કે ખેડૂતોનાં ટોળેટોળાં પોતાની કહાણી લખાવવા આવતાં થઈ ગયાં. કહાણી લખાવનારની પાછળ લશ્કર તો હોય જ. એટલે મકાનની વાડી ભરાઈ જાય. મને દર્શનાભિલાષીથી સુરક્ષિત રાખવાને સારુ સાથીઓ મહાન પ્રયત્નો કરે ને નિષ્ફળ જાય. અમુક વખતે દર્શન દેવાને સારુ મને બહાર કાઢ્યે જ છૂતકો થાય. કહાની લખનારની સંખ્યા પણ પાંચસાતની હંમેશાં રહે ત્યારે પણ દિવસને અંતે બધાની જુબાની પૂરી ન થાય. એટલે બધાની હકીકતની જરૂર ન જ હોય, છતાં તે લેવાથી લોકોને સંતોષ રહેતો હતો ને મને તેમની લાગણીની ખબર પડતી હતી.

કહાણી લખનારાએ કેટલાક નિયમોનું પાલન કરવાનું હતું. દરેક ખેડૂતની ઊલટતપાસ કરવી જોઈએ. ઊલટતપાસમાં જે તૂતી જાય તેની જુબાની ન લેવી. જેની વાત મૂળમાં જ પાયા વિનાની લાગે તે ન લેવી. આમ નિયમોના પાલનથી જોકે કંઈક વખત વધારે જતો હતો, છતાં જુબાનીઓ ઘણી સાચી, સિદ્ધ થઈ શકે એવી મળતી.

આ જુબાની લેતી વખતે છૂપી પોલીસના કોઈ અમલદાર હાજર હોય જ. આ અમલદારોને આવતા રોકી શકાતા હતા, પણ અમે મૂળથી જ નિશ્ચય કર્યો હતો કે, આ અમલદારોને આવતા રોકવા નહીં એટલું જ નહીં, પરંતુ તેમની પ્રત્યે વિનયથી વર્તવું ને આપી શકાય તે ખબર આપવી. તેમના સાંભળતાં ને દેખતાં જ બધી જુબાની લેવાતી. આનો લાભ એ થયો કે લોકોમાં વધારે નિર્ભયતા આવી. છૂપી પોલીસથી લોકોને બહુ ડર રહેતો તે ગયો ને તેમના દેખતાં અપાય એ જુબાનીમાં અતિશયોક્તિનો ભય થોડો રહે. ખોટું બોલતાં અમલદારો તેમને ફસાવે એ બીકે તેમને સાવધાનીથી બોલવું પડતું.

મારે નીલવરોને ખીજવવા નહોતા, પણ તેમને વિનયથી જીતવાનો પ્રયત્ન કરવો હતો, તેથી જેની સામે વિશેષ ફરિયાદ આવે તેને કાગળ લખતો ને તેને મળવાનો પણ પ્રયત્ન કરતો. નીલવરમંડળની પણ મુલાકાત લીધી હતી ને રૈયતની ફરિયાદો તેમની પાસે મૂકી તેમની હકીકત પણ સાંભળી લીધી હતી. તેમનામાંના કેટલાક મને તિરસ્કારતા, કેટલાક ઉદાસીન હતા ને કોઈ વિનય જણાવતા.