સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૧. ખ્રિસ્તી સંબંધો

વિકિસ્રોતમાંથી
← ૧૦. પ્રિટોરિયામાં પહેલો દિવસ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
ખ્રિસ્તી સંબંધો
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૨. હિંદીઓનો પરિચય →


૧૧. ખ્રિસ્તી સંબંધો

બીજે દિવસે એક વાગ્યે હું મિ. બેકરની પ્રાર્થનાસમાજમાં ગયો. ત્યાં મિસ હૅરિસ, મિસ ગેબ, મિ. કોટ્સ આદિની ઓળખાણ થઈ. બધાંએ ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી. મેં પણ તેમનું અનુકરણ કર્યું. પાર્થનામાં જેની જે ઈચ્છામાં આવે તે ઈશ્વર પાસે માગે. દિવસ શાંતિથી જાઓ, ઈશ્વર અમારાં હૃદયનાં દ્વાર ખોલો, ઇત્યાદિ તો હોય જ. મારે સારુ પણ પ્રાર્થના થઈ: 'અમારી વચ્ચે જે નવો ભાઈ આવ્યો છે તેને તું માર્ગ બતાવજે. જે શાંતિ તેં અમને આપી છે તે તેને પણ આપજે. જે ઈશુએ અમને મુક્ત કર્યા છે તે તેને પણ મુક્ત કરો. આ બધું અમે ઈસુને નામે માગીએ છીએ.' આ પ્રાર્થનામાં ભજનકિર્તન નહીં. સહુને બપોરનું ખાણું ખાવાનો આ વખત, એટલે સહુ આમ પ્રાર્થના કરી પોતપોતાના ખાણા સારુ જાય. પ્રાર્થનામાં પાંચ મિનિટથી વધારે ન જ જાય.

મિસ હૅરિસ અને મિસ ગેબ એ બે પીઢ કુમારિકાઓ હતી. મિ. કોટ્સ ક્વેકર હતા. આ બે બાઈઓ સાથે રહેતી. તેમણે મને દર રવિવારે તેમને ત્યાં ચાર વાગ્યાની ચા લેવાને સારુ નોતર્યો. મિ. કોટ્સ મળે ત્યારે દર રવિવારે મારે તેમને અઠવાડિયાની ધાર્મિક રોજનીશી સંભળાવવાનું હોય. શાં શાં પુસ્તકો વાંચ્યાં, મારા મન ઉપર તેમની શી અસર થઈ, એ ચર્ચા કરીએ. આ બાઈઓ પોતાના મીઠા અનુભવો સંભળાવે અને પોતાની પરમ શાંતિની વાત કરે.

મિ. કોટ્સ એક નિખાલસ મનના ચુસ્ત જવાન ક્વેકર હતા. તેમની સાથે મારો સંબંધ ગાઢ થયો. અમે ઘણી વેળા ફરવા પણ જઈએ. તે મને બીજા ખ્રિસ્તીઓને ત્યાં લઈ જાય. કોટ્સે મને પુસ્તકોથી લાદ્યો. જેમ જેમ તે મને ઓળખતા જાય તેમ તેમ તેમને યોગ્ય લાગે તે પુસ્તકો વાંચવા મને આપે. મેં પણ કેવળ શ્રદ્ધાથી તે તે પુસ્તકો વાંચવા કબૂલ કર્યું. આ પુસ્તકોની અમે ચર્ચા પણ કરીએ.

આવાં પુસ્તકો મેં સને ૧૮૯૩ના વર્ષમાં ઘણાં વાંચ્યાં. તેમાંનાં બધાંનાં નામ તો મને યાદ નથી. પણ તેમાં સિટી ટેમ્પલવાળા દા. પારકરની ટીકા, પિયર્સનનાં 'મૅનિ ઇનફૉલિબલ પ્રૂફ્સ', બટલરની 'ઍનેલૉજી' ઇત્યાદિ હતાં. આમાંનું કેટલુંક ન સમજાય, કેટલુંક ગમે, કેટલુંક ન ગમે, આ બધું કોટ્સને હું સંભળાવું. 'મૅનિ ઇનફૉલિબલ પ્રૂફ્સ' એટલે ઘણા સચોટ પુરાવા; એટલે કે, બાઈબલમાં જે ધર્મ કર્તાએ જોયો તેના સમર્થનના પુરાવા. આ પુસ્તકની મારા ઉપર કાંઈ જ છાપ ન પડી. પારકરની ટીકા નીતિવર્ધક ગણી શકાય, પણ જેને ખ્રિસ્તી ધર્મોની ચાલુ માન્યતાઓ વિષે શંકા હોય તેને મદદ કરે તેવી નહોતી. બટલરની 'ઍનેલૉજી' બહુ ગંભીર ને કઠણ પુસ્તક લાગ્યું. તે પાંચ સાત વાર વાંચવું જોઈએ. તે નાસ્તિકને આસ્તિક બનાવવા સારુ લખાયેલું પુસ્તક જણાયું. તેમાંની ઈશ્વરની હસ્તી વિષે રજૂ કરવામાં આવેલી દલીલનો મને ઉપયોગ નહોતો. કેમ કે આ સમય મારો નાસ્તિકતાનો નહોતો. પણ જે દલીલો ઈશુના અદ્વિતીય અવતાર વિષે ને તેના મનુષ્ય અને ઈશ્વર વચ્ચે સંધિ કરનાર હોવા વિષે હતી તેની છાપ મારા પર ન પડી.

પણ કોટ્સ કંઈ હારે એમ નહોતા. તેમની માયાનો પાર નહોતો. તેમણે મારા ગળામાં વૈષ્ણવની કંઠી જોઈ. તેમને આ વહેમ લાગ્યો ને તે જોઈ દુ:ખ થયું. 'આ વહેમ તારા જેવાને ન શોભે, લાવ તે તોડું.'

'એ કંઠી ન તૂટે; માતુશ્રીની પ્રસાદી છે.'

'પણ તમે તેને માનો છો?'

'એનો ગૂઠાર્થ હું જાણતો નથી. એ ન પહેરું તો મારું અનિષ્ટ થાય એવું મને નથી લાગતું. પણ જે માળા મને માતુશ્રીએ પ્રેમપૂર્વક પહેરાવી, જે પહેરવામાં મારું શ્રેય માન્યું, તેનો વિના કારણ હું ત્યાગ નહીં કરું. કાળે કરીને તે જીર્ણ થઈ તૂટી જશે ત્યારે બીજી મેળવી પહેરવાનો મને લોભ નહીં રહે. પણ આ કંઠી ન તૂટે.'

કોટ્સ મારી દલીલની કદર ન કરી શક્યા કેમ કે તેમને તો મારા ધર્મને વિષે જ અનાસ્થા હતી. તે તો મને અજ્ઞાનકૂપમાંથી ઉગારવાની આશા રાખતા હતા. અન્ય ધર્મોમાં ભલે કંઈક સત્ય હોય, પણ પૂર્ણ સત્યરૂપ ખ્રિસ્તી ધર્મના સ્વીકાર વિના મોક્ષ ન જ મળે, અને ઈશુની દરમ્યાનગીરી વગર પાપપ્રક્ષાલન થાય જ નહીં ને પુણ્યકર્મો બધાં નિરર્થક છે, એ તેમને બતાવવું હતું. કોટ્સે જેમ પુસ્તકોનો પરિચય કરાવ્યો તેમ જેમને તે ધર્મચુસ્ત ખ્રિસ્તી માનતા હતા તેમનો પરિચય પણ કરાવ્યો.

આ પરિચયોમાં એક 'પ્લીમથ બ્રધરન'નું કુટુંબ હતું. 'પ્લીમથ બ્રધરન' નામનો એક ખ્રિસ્તી સંપ્રદાય છે. કોટ્સે કરાવેલા ઘણા પરિચયો મને સારા લાગ્યા. તે માણસો ઈશ્વરથી ડરનારા હતા એમ લાગ્યું. પણ આ કુટુંબમાં મારી સાથે આવી દલીલ થઈ: 'અમારા ધર્મની ખૂબી જ તમે ન સમજી શકો. તમારા બોલવા ઉપરથી હું જોઉં છું કે, તમારે હંમેશાં ક્ષણે ક્ષણે તમારી ભૂલનો વિચાર કરવો રહ્યો, હંમેશાં તેને સુધારવી રહી, ન સુધરે તો તમારે પશ્ચાતાપ કરવો રહ્યો, પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું. આ ક્રિયાકાંડમાંથી તમે ક્યારે મુક્તિ પામો? તમને શાંતિ તો ન જ મળે. આપણે પાપી છીએ એ તો તમે કબૂલ કરો જ છો. હવે જુઓ અમારી માન્યતની પરિપૂર્ણતા. આપણો પ્રયત્ન ફોગટ છે. છતાં મુક્તિ તો જોઈએ જ. પાપનો બોજો કેમ ઊપડે? આપણે તે ઈશુ ઉપર ઢોળીએ. તે તો ઈશ્વરનો એક માત્ર નિષ્પાપ પુત્ર છે. તેનું વરદાન છે કે જેઓ તેને માને તેનાં પાપ તેં ધુએ છે. ઈશ્વરની આ અગાધ ઉદારતા છે. ઈશુની આ મુક્તિની યોજનાનો અમે સ્વીકાર કર્યો છે તેથી અમારાં પાપ વળગતાં નથી. પાપ તો થાય જ. આ જગતમાં પાપ વિના કેમ રહેવાય? તેથી જ ઈશુએ આખા જગતના પાપનું એકીવખતે પ્રાયશ્ચિત્ત કર્યું. તેના મહાબલિદાનનો સ્વીકાર કરવો હોય તે તેમ કરીને શાંતિ મેળવી શકે છે. ક્યાં તમારી અશાંતિ ને ક્યાં અમારી શાંતિ?'

મને આ દલીલ મુદ્દલ ગળે ન ઊતરી. મેં નમ્રતાપૂર્વક જવાબ વાળ્યો: 'જો સર્વમાન્ય ખ્રિસ્તી ધર્મ આ હોય તો તે મારે ન ખપે. હું પાપના પરિણામથી મુક્તિ નથી માગતો, હું તો પાપવૃત્તિમાંથી, પાપી કર્મમાંથી મુક્તિ માગું છું. તે ન મળે ત્યાં લગી મારી અશાંતિ મને પ્રિય રહેશે.'

પ્લીમથ બ્રધરે ઉત્તર આપ્યો: 'હું તમને ખાતરી આપું છું કે તમારો પ્રયત્ન ફોગટ છે. મારું કહેવું ફરી વિચારજો.'

અને આ ભાઈએ જેવું કહ્યું તેવું પોતાના વર્તનમાં કરી પણ બતાવ્યું: ઇરાદાપૂર્વક અનીતિ કર્યાનું દર્શન કરાવ્યું.

પણ કંઈ બધા ખ્રિસ્તીની આવી માન્યતા ન હોય, એટલું તો હું આ પરિચયો પૂર્વે જ જાણી શક્યો હતો. કોટ્સ પોતે જ પાપથી ડરીને ચાલનારા હતા. તેમનું હૃદય નિર્મળ હતું. તે હૃદયશુદ્ધિની શક્યતા માનનાર હતા. પેલી બહેનો પણ તેવી જ હતી. મારા હાથમાં આવેલાં પુસ્તકોમાંનાં કેટલાંક ભક્તિપૂર્ણ હતાં. તેથી આ પરિચયથી કોટ્સને થયેલો ગભરાટ મેં શાંત પાડ્યો ને ખાતરી આપી કે એક પ્લીમથ બ્રધરની અનુચિત માન્યતાથી હું ખ્રિસ્તી ધર્મ સામે ભરમાઈ જાઉં તેમ નથી. મારી મુશ્કેલીઓ તો બાઇબલ વિષે ને તેના રૂઢ અર્થ વિષે હતી.