સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૨. ધર્મનિરીક્ષણ

વિકિસ્રોતમાંથી
← ૨૧. ત્રણ પાઉંડનો કર સત્યના પ્રયોગો અથવા આત્મકથા
ધર્મનિરીક્ષણ
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૩. ઘરકારભાર →


૨૨. ધર્મનિરીક્ષણ

આમ જો હું કોમી સેવામાં ઓતપ્રોત થઈ ગયો હતો તો તેનું કારણ આત્મદર્શનની અભિલાષા હતું. ઈશ્વરની ઓળખ સેવાથી જ થશે એમ ધારી સેવાધર્મનો સ્વીકાર કર્યો હતો. હિંદની સેવા કરતો હતો કેમ કે તે સેવા મને સહજપ્રાપ્ત હતી, તેની મને આવડતી હતી. તેને મારે શોધવા નહોતું જવું પડ્યું. હું તો મુસાફરી કરવા, કાઠિયાવાડની ખટપટમાંથી છૂટવા અને આજીવિકા શોધવા દક્ષિણ આફ્રિકા ગયો હતો. પણ પડી ગયો ઈશ્વરની શોધમાં-આત્મદર્શનના પ્રયત્નમાં. ખ્રિસ્તી ભાઈઓએ મારી જીજ્ઞાસા બહુ તીવ્ર કરી મૂકી હતી. તે કેમે શમે તેમ ન હતી; ન ખ્રિસ્તી ભાઈબહેનો, હું શાંત થવા માગું તોયે, થવા દે તેમ હતું; કેમ કે ડરબનમાં મિ. સ્પેન્સર વૉલ્ટન, જે દક્ષિણ આફ્રિકાના મિશનના મુખી હતા, તેમણે મને ખોળી કાઢ્યો. તેમના ઘરમાં હું કુટુંબી જેવો થઈ પડ્યો. આ સંબંધનું મૂળ પ્રિટોરિયામાં થયેલા સમાગમ હતા. મિ. વૉલ્ટનની શૈલી કંઈક જુદા પ્રકારની હતી. તેમણે મને ખ્રિસ્તી થવા નોતર્યો હોય એવું યાદ નથી. પણ પોતાના જીવનને તેમણે મારી આગળ મૂકી દીધું ને પોતાની પ્રવૃત્તિઓ મને જોવા દીધી. તેમની ધર્મપત્ની અતિ નમ્ર પણ તેજસ્વી બાઈ હતી.

મને આ દંપતીની પદ્ધતિ પસંદ પડતી હતી. અમારી વચ્ચે રહેતા મૌલિક ભેદો અમે બંને જાણતાં હતાં. એ ભેદો ચર્ચા કરી ભૂંસી શકાય તેવું નહોતું. જ્યાં જ્યાં ઉદારતા, સહુષ્ણુતા અને સત્ય છે ત્યાં ભેદો પણ લાભદાયક નીવડે છે. મને આ દંપતીનાં નમ્રતા, ઉદ્યમ, કાર્યપરાયણતા પ્રિય હતાં. તેથી અમે વખતોવખત મળતાં.

આ સંબંધે મને જાગ્રત રાખ્યો. ધાર્મિક વાચનને સારુ જે નવરાશ મને પ્રિટોરિયામાં મળી ગઈ તે તો હવે અશક્ય હતી, પણ જે કંઈ વખત બચતો તેનો ઉપયોગ હું તેવા વાંચનમાં કરતો. મારો પત્રવ્યવહાર જારી હતો. રાયચંદભાઈ મને દોરી રહ્યા હતા. કોઈ મિત્રે મને નર્મદાશંકરનું 'ધર્મવિચાર' પુસ્તક મોકલ્યું. તેની પ્રસ્તાવના મને મદદરૂપ થઈ પડી. નર્મદાશંકરના વિલાસી જીવનની વાતો મેં સાંભળી હતી. તેમના જીવનમાં થયેલ ફેરફારના પ્રસ્તાવનામાં કરેલા વર્ણને મને આકર્ષ્યો, ને તેથી તે પુસ્તક પ્રત્યે મને આદર થયો. હું તે ધ્યાનપૂર્વક વાંચી ગયો. મૅક્સમૂલરનું પુસ્તક 'હિંદુસ્તાન શું શીખવે છે?' એ મેં બહુ રસપૂર્વક વાંચ્યું. થિયૉસૉફિકલ સોસાયટીએ પ્રગટ કરેલ ઉપનિષદનું ભાષાંતર વાંચ્યું. મારો હિંદુ ધર્મ પ્રત્યે આદર વધ્યો. તેની ખૂબી હું સમજવા લાગ્યો. પણ બીજા ધર્મો પ્રત્યે મને અભાવ ન થયો. વૉશિંગ્ટન અરવિંગકૃત મહમદનું ચરિત્ર અને કાર્લાઇલની મહમદસ્તુતિ વાંચ્યાં. પેગંબર પ્રત્યે મારું માન વધ્યું. 'જરથુસ્તનાં વચનો' નામનું પુસ્તક પણ વાંચ્યું.

આમ મેં જુદા જુદા સંપ્રદાયોનું ઓછુંવત્તું જ્ઞાન મેળવ્યું. આત્મનિરીક્ષણ વધ્યું. જે વાંચવું ને પસંદ કરવું તેનો અમલ કરવો એ ટેવ દૃઢ થઈ, તેથી હિંદુ ધર્મમાં સૂચવેલી પ્રાણાયામ વિષેની કેટલીક ક્રિયાઓ, જેવી હું પુસ્તકમાંથી સમજી શક્યો તેવી, મેં શરૂ કરી. પણ મારો મેળ ન જામ્યો. હું તેમાં આગળ ન વધી શક્યો. હિંદુસ્તાન પાછો જાઉં ત્યારે તેનો અભ્યાશ કોઈ શિક્ષકની દેખરેખ નીચે કરવાનો ઇરાદો રાખ્યો. તે કદી પાર ન પડી શક્યો.

ટૉક્સટૉયનાં પુસ્તકોનું વાચન વધારી મૂક્યું. તેનું 'ગૉસ્પેલ્સ ઈન બ્રીફ' (નવા કરારનો સાર), 'વૉટ ટુ ડુ' (ત્યારે શું કરીશું?) વગેરે પુસ્તકોએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી. વિશ્વપ્રેમ મનુષ્યને ક્યાં લગી લઈ જઈ શકે છે એ હું વધારે ને વધારે સમજવા લાગ્યો.

આ જ સમયે એક બીજા ખ્રિસ્તી કુટુંબ સાથે મારે સંબંધ બંધાયો. તેની ઇચ્છાથી હું વેસ્લિયન દેવળમાં દર રવિવારે જતો. ઘણે ભાગે દર રવિવારે સાંજે તેને ઘેર જમવાનું પણ મને હોય. વૅસ્લિયન દેવળની મારા ઉપર સારી અસર ન પડી. ત્યાં અપાતાં પ્રવચનો મને શુષ્ક લાગ્યાં. પ્રેક્ષકોમાં મેં ભક્તિભાવ ન ભાળ્યો. આ અગિયાર વાગ્યાની મંડળી મને ભક્તોની ન લાગી, પણ કઈંક વિનોદ કરવા ને કઈંક રિવાજને વશ થઈને આવેલા સંસારી જીવોની જણાઈ. કોઈ કોઈ વેળા આ સભામાં અનિચ્છાએ મને ઝોલાં આવતાં. હું શરમાતો. પણ મારી આસપાસના પણ કોઈને ઝોલાં ખાતા જોઉં તેથી મારી શરમ હળવી પડે. મારી આ શ્થિતિ મને ન ગમી. છેવટે મેં આ દેવળમાં જવાનું મૂકી દીધું.

જે કુટુંબમાં હું દર રવિવારે જતો ત્યાંથી તો મને રજા જ મળી કહેવાય. ઘરધણી બાઈ ભોળાં, ભલાં, પણ સાંકડા મનવાળાં લાગ્યાં, તેમની સાથે દર વખતે કઈંક ને કઈંક ધર્મચર્ચા તો થાય જ. તે વેળા હું ઘેર 'લાઇટ ઑફ એશિયા' વાંચી રહ્યો હતો. અમે જિસસ અને બુદ્ધના જીવનની સરખામણીમાં પડ્યાં:

"જુઓને ગૌતમની દયા. તે મનુષ્યજાતને ઓળંગી બીજાં પ્રાણીઓ સુધી ગઈ. તેના ખભા ઉપર રમતા ઘેટાનો ચિતાર આંખો સામે આવતાં જ તમારું હ્રદય પ્રેમથી નથી ઊભરાતું? આ પ્રાણીમાત્ર પ્રત્યેનો પ્રેમ હું ઇશુના ઈતિહાસમાં નથી જોતો."

બહેનને દુઃખ લાગ્યું. હું સમજ્યો. મેં મારી વાત આગળ ન લંબાવી. અમે ખાવના ઓરડામાં ગયાં. તેમનો પાંચેક વર્ષનો હસમુખો બાળક પણ અમારી સાથે હતો. છોકરાં મને મળે એટલે બીજું શું જોઇએ? તેની સાથે મેં દોસ્તી તો કરી જ હતી. મેં તેની થાળીમાં પડેલા માંસના ટુકડાની મજાક કરી, ને મારી રકાબીમાં શોભી રહેલા સફરજનની સ્તુતિ શરૂ કરી. નિર્દોષ બાળક પલળ્યો, ને સફરજનની સ્તુતિમાં ભળ્યો.

પણ માતા? તે બિચારી દુભાઈ.

હું ચેત્યો. ચૂપ રહ્યો. વાતનો વિષય બદલ્યો.

બીજે અઠવાડિયે સાવધાન રહી. હું તેમને ત્યાં ગયો ખરો, પણ મારો પગ ભારે થયો હતો. મારે જ ત્યાં જવાનું બંધ કરવું એ મને ન સૂઝ્યું, ન ઉચિત લાગ્યું. ભલી બહેને જ મારી મુશ્કેલીનો નિકાલ કર્યો. તે બોલી, 'મિ. ગાંધી, તમે દુઃખ ન લગાડશો, પણ મારે તમને કહેવું જોઈએ કે તમારી સોબતની મારા બાળક ઉપર માઠી અસર થવા લાગી છે. હવે તે રોજ માંસ ખાવાની આનાકાની કરે છે ને પેલી તમારી ચર્ચા યાદ દેવડાવી ફળ માગે છે. મને આ ન પરવડે. મારો છોકરો માંસાહાર છોડે તો માંદો ન પડે તોયે નબળો તો થાય જ. એ મારાથી કેમ સહન થાય? તમે જે ચર્ચા કરો તે આપણી ઘડાયેલાંની વચ્ચે શોભે. બાળકો ઉપર તેની ખરાબ અસર થાય.'

'મિસિસ...., હું દિલગીર છું. તમારી માતા તરીકેની લાગણી હું સમજી શકું છું. મારે પણ છોકરાં છે. આ આપત્તિનો અંત સહેલાઈથી આવી શકે છે. હું બોલું તેની અસર થાય તેના કરતાં જે ખાઉં ન ખાઉં તે જોયાની અસર બાળક ઉપર ઘણી વધારે થાય. એટલે સારો રસ્તો એ છે કે મારે હવેથી તમારે ત્યાં રવિવારે ન આવવું. આપણી મિત્રતામાં તેની કશી ખલેલ નહીં આવે.'

'તમારો પાડ માનું છું,' બાઈએ રાજી થઈને ઉત્તર આપ્યો.