સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૭. મુંબઈમાં સભા

વિકિસ્રોતમાંથી
← ૨૬. રાજનિષ્ઠા અને શુશ્રૂષા સત્યના પ્રયોગો અથવા આત્મકથા
મુંબઈમાં સભા
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૮. પૂનામાં →


૨૭. મુંબઈમાં સભા

બનેવીના દેહાંતને બીજે જ દિવસે મારે મુંબઈની સભાને સારુ જવાનું હતું. જાહેર સભાને સારુ ભાષણ વિચારવા જેટલો મને વખત નહોતો મળ્યો. ઉજાગરાઓનો થાક લાગ્યો હતો. સાદ ભારે થઈ ગયો હતો. ઈશ્વર જેમતેમ મને નિભાવી લેશે એમ મનમાં વિચારતો હું મુંબઈ ગયો. ભાષણ લખવાનું તો મને સ્વપ્નેય નહોતું.

સભાની તારીખને આગલે દહાડે સાંજે પાંચ વાગ્યે હુકમ પ્રમાણે હું સર ફિરોજશાની ઑફિસે હાજર થયો.

'ગાંધી, તમારું ભાષણ તૈયાર છે કે?' તેમણે પૂછ્યું.

'ના જી, મેં તો ભાષણ મોઢેથી જ કરવાનો વિચાર રાખ્યો છે,' મેં બીતાં બીતાં ઉત્તર આપ્યો.

'એ મુંબઈમાં નહીં ચાલે. અહીં રિપોર્ટિંગ ખરાબ છે, ને આ સભાથી આપણને કશો લાભ ઉઠાવવા માગતા હોઈએ તો તમારું ભાષણ લખેલું જ હોવું જોઈએ અને રાતોરાત છપાવું જોઈએ. ભાષણ રાતોરાત લખી શકશો ના?'

હું ગભરાયો. પણ મેં લખવાના પ્રયત્નની હા પાડી.

'ત્યારે મુનશી તમારી પાસે ભાષણ લેવા ક્યારે આવે?' મુંબઈના સિંહ બોલ્યા.

'અગિયાર વાગ્યે,' મેં ઉત્તર આપ્યો.

સર ફિરોજશાએ મુનશીને તે કલાકે ભાષણ મેળવી રાતોરાત છપાવવા હુકમ કરી મને વિદાય કર્યો.

બીજે દહાડે સભામાં ગયો. ભાષણ લખવાનું કહેવાનું કેટલું ડહાપણ હતું એ હું જોઇ શક્યો. ફરામજી કાવસજી ઈન્સ્ટિટ્યુટના હૉલમાં સભા હતી. મેં સાંભળેલું કે સર ફિરોજશા બોલવાના હોય તે સભામાં ઊભવાની જગા ન હોય. આમાં મુખ્યત્વે વિદ્યાર્થીવર્ગ રસ લેનારો હોય.

આવી સભાનો મારો પહેલો અનુભવ હતો. મારો સાદ કોઈ નહીં સાંભળી શકે એવી મારી ખાતરી થઈ. મેં ધ્રૂજતાં ધ્રૂજતાં ભાષણ વાંચવાનું શરૂ કર્યું. સર ફિરોજશા મને ઉત્તેજન આપતા જાય. મને તો લાગે છે કે મારો સાદ તેમ તેમ નીચો પડતો જતો હતો.

પુરાણા મિત્ર કેશવરાવ દેશપાંડે મારી વહારે ધાયા. તેમનાં હાથમાં મેં ભાષણ મૂક્યું. તેમનો સાદ તો બરાબર જ હતો. પણ પ્રેક્ષકગણ શેનો સાંભળે? 'વાચ્છાવાચ્છા'થી હૉલ ગાજી રહ્યો. વાચ્છા ઊઠ્યા. તેમણે દેશપાંડે પાસેથી કાગળ લીધો ને મારું કામ થયું. સભા તુરત શાંત થઈ, ને અથથી ઈતિ સુધી સભાએ ભાષણ સાંભળ્યું. શિરસ્તા મુજબ જોઈએ ત્યાં 'શેમ શેમ' ને જોઇએ ત્યાં તાળીઓ હોય જ. હું રાજી થયો.

સર ફિરોજશાને ભાષણ ગમ્યું. મને ગંગા નાહ્યા જેટલો સંતોષ થયો.

આ સભાને પરિણામે દેશપાંડે તેમ જ એક પારસી ગૃહશ્થ પલળ્યા. પારસી ગૃહસ્થ આજે હોદ્દો ભોગવે છે, એટલે તેમનું નામ પ્રગટ કરતાં ડરું છું. તેમના નિશ્ચયને જજ ખરશેદજીએ ડોલાવ્યો, ને તે ડોલવાની પાછળ એક પારસી બહેન હતી. વિવાહ કરે કે દક્ષિણ આફ્રિકામાં આવે? વિવાહ કરવાનું તેમણે વધારે યોગ્ય ધાર્યું. પણ આ પારસી મિત્રની વતી પારસી રુસ્તમજીએ પ્રાયશ્ચિત કર્યું, ને પારસી બહેનની વતીનું પ્રાયશ્ચિત બીજી પારસી બહેનો સેવિકાનું કામ કરી ખાદી પાછળ વૈરાગ્ય લઈને કરી રહી છે. તેથી આ દંપતીને મેં માફી આપી છે. દેશપાંડેને પરણવાનું પ્રલોભન નહોતું, પણ તે ન આવી શક્યા. તેનું પ્રાયશ્ચિત તો તેઓ પોતે જ કરી રહ્યા છે. વળતાં ઝાંઝીબાર આવતું હતું ત્યાં એક તૈયબજીને મળેલો. તેમણે પણ આવવાની આશા આપેલી. પણ દક્ષિણ આફ્રિકા કંઇ એ આવે? આ ન આવવાના ગુનાનો બદલો અબ્બાસ તૈયબજી વાળી રહ્યા છે. પણ બારિસ્ટર મિત્રોને દક્ષિણ આફ્રિકા આવવા લલચાવવાના મારા પ્રયત્નો આમ નિષ્ફળ ગયા.

અહીં મને પેસ્તનજી પાદશાહ યાદ આવે છે. તેમની સાથે મને વિલાયતથી જ મીઠો સંબંધ હતો. પેસ્તનજીની ઓળખ મને લંડનની અન્નાહાર આપનારી વીશીમાં થયેલી. તેમના ભાઇ બરજોરજીની દીવાના તરીકેની ખ્યાતિ હું જાણતો હતો, મળ્યો નહોતો. પણ મિત્રમંડળ કહેતું કે તે 'ચક્રમ' છે. ઘોડાની દયા ખાઇને ટ્રામમાં ન બેસે; શતાવધાની જેવી સ્મરણશક્તિ છતાં ડિગ્રીઓ ન લે; મિજાજે એવા સ્વતંત્ર કે કોઇની શેહમાં ન આવે; અને પારસી છતાં અન્નાહારી! પેસ્તનજી છેક તેવા ન ગણાતા. પણ તેમની હોંશિયારી પંકાયેલી હતી. તે ખ્યાતિ વિલાયતમાં પણ હતી. પણ અમારી વચ્ચેના સંબંધનું મૂળ તો તેમનો અન્નાહાર હતો. તેમની હોંશિયારીને પહોંચવું મારી શક્તિબહાર હતું.

મુંબઈમાં પેસ્તનજીને ખોળી કાઢ્યા હતા. એ પ્રોથોનોટરી હતા. હું મળ્યો ત્યારે બૃહદ ગુજરાતી શબ્દકોષના કામમાં રોકાયેલા હતા. દક્ષિણ આફ્રિકામાંના કામમાં મદદ માગવાની બાબતમાં એકે મિત્રને મેં છોડ્યા નહોતા. પેસ્તનજી પાદશાહે તો મને પણ દક્ષિણ આફ્રિકા ન જવાની સલાહ આપી! 'મારાથી તમને મદદ તો શી થાય, પણ તમારું દક્ષિણ આફ્રિકા પાછા જવું જ મને તો પસંદ નથી. અહીં આપણા દેશમાં જ ક્યાં ઓછું કામ છે? જુઓની આપણી ભાષાની જ સેવા ક્યાં ઓછી કરવાની છે? મારે વિજ્ઞાનને લગતા શબ્દોના અર્થ કાઢવાના છે. આ તો એક જ ક્ષેત્ર. દેશની ગરીબાઈનો વિચાર કરો. દક્ષિણ આફ્રિકામાં આપણા લોકોને મુસીબત છે, પણ તેમાં તમારા જેવા ખરચાઇ જાય એ હું સહન ન કરું. આપણે જો અહીંયાં આપણા હાથમાં રાજ્યસત્તા મેળવીએ તો ત્યાં એની મેળે મદદ થઈ રહે. તમને તો હું નહીં સમજાવી શકું, પણ તમારા જેવા બીજા સેવકોને તમારો સાથ કરાવવામાં હું મદદ તો નહીં જ કરું.' આ વચન મને ન ગમ્યાં, પણ પેસ્તનજી પાદશાહને વિષે મારું માન વધ્યું. તેમનો દેશપ્રેમ-ભાષાપ્રેમ જોઈ હું મોહિત થયો. અમારી વચ્ચેની પ્રેમગાંઠ આ પ્રસંગથી વધારે સજ્જડ થઈ. તેમનું દૃષ્ટિબિંદુ હું પૂરેપૂરું સમજી શક્યો. પણ દક્ષિણ આફ્રિકાનું કામ છોડવાને બદલે તેમની દૃષ્ટિએ મારે તો એને વધારે વળગી રહેવું જોઇએ એમ મને લાગ્યું. દેશપ્રેમી એક પણ અંગને બને ત્યાં લગી જતું ન કરે, ને મારે સારુ તો ગીતાનો શ્લોક તૈયાર જ હતો:

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ।। [૧]

ચડિયાતા પરધર્મ કરતાં ઊતરતો સ્વધર્મ સારો છે. સ્વધર્મમાં મોત પણ સારું, પરધર્મ એ ભયકર્તા છે.

  1. ૧. અ ૩, શ્લોક ૩૫.