સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૯. વધુ હાડમારી

વિકિસ્રોતમાંથી
← ૮. પ્રિટોરિયા જતાં સત્યના પ્રયોગો અથવા આત્મકથા
વધુ હાડમારી
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૦. પ્રિટોરિયામાં પહેલો દિવસ →


૯. વધુ હાડમારી

ચાર્લ્સટાઉન ટ્રેન છેક સવારે પહોંચે. ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ સુધી પહોંચવાને સારુ તે કાળે ટ્રેન નહોતી પણ ઘોડાનો સિગરામ હતો. અને વચમાં સ્ટૅન્ડરટનમાં એક રાત રહેવાનું હતું. મારી પાસે સિગરામની ટિકિટ હતી. એ ટિકિટ કાંઇ હું એક દિવસ મોડો પહોંચ્યો તેથી રદ થતી નહોતી. વળી અબદુલ્લા શેઠે ચાર્લ્સટાઉન સિગરામવાળા ઉપર તાર પણ મોકલાવ્યો હતો. પણ એને તો બહાનું જ કાઢવું હતું તેથી મને કેવળ અજાણ્યો જાણી કહ્યું, 'તમારી ટિકિટ તો રદ થઈ છે.' મેં યોગ્ય જવાબ આપ્યો. ટિકિટ રદ થઈ છે એમ કહેવાનું કારણ તો જુદું જ હતું. ઉતારુઓ બધા સિગરામની અંદર જ બેસે. પણ હું તો 'કુલી' ગણાઉં, અજાણ્યો લાગું, તેથી મને ગોરા ઉતારુઓની પાસે બેસાડવો ન પડે તો સારું, એવી સિગરામવાળાની દાનત. સિગરામની બહાર, એટલે હાંકનારને પડખે ડાબી અને જમણી બાજુએ, એમ બે બેઠકો હતી. તેમાંથી એક બેઠક ઉપર સિગરામની કંપનીનો એક મુખી ગોરો બેસતો. એ અંદર બેઠો અને મને હાંકનારની પડખે બેસાર્યો. હું સમજી ગયો કે આ કેવળ અન્યાય જ છે, અપમાન છે. પણ અપમાનને પી જવું યોગ્ય ધાર્યું. મારાથી બળજોરી કરીને અંદર બેસી શકાય એવું તો નહોતું જ. હું તકરારમાં ઊતરું તો સિગરામ જાય અને વળી મારે એક દિવસ ખોટી થાય; ને બીજે દિવસે વળી શું થાય એ તો દૈવ જાણે. એટલે હું ડાહ્યો થઈને બહાર બેસી ગયો. મનમાં તો ખૂબ કોચવાયો.

ત્રણેક વાગ્યે સિગરામ પારડીકોપ પહોંચ્યો. હવે પેલા ગોરા મુખીને હું જ્યાં બેઠો હતો ત્યાં બેસવાની ઇચ્છા થઈ. તેને બીડી પીવી હતી. જરા હવા પણ ખાવી હશે. એટલે એણે મેલું સરખું ગૂણિયું પડ્યું હતું તે પેલા હાંકનારની પાસેથી લઈ પગ રાખવાના પાટિયા ઉપર પાથર્યું ને મને કહ્યું, 'સામી, તું અહીયાં બેસ, મારે હાંકનારની પાસે બેસવું છે.' આ અપમાન સહન કરવા હું અસમર્થ હતો. તેથી મેં બીતાં બીતાં તેને કહ્યું, 'તમે મને અહીં બેસાડ્યો એ અપમાન મેં સહન કરી લીધું; મારી જગ્યા તો અંદર બેસવાની, પણ તમે અંદર બેસીને મને અહીં બેસાડ્યો. હવે તમને બહાર બેસવાની ઇચ્છા થઈ છે અને બીડી પીવી છે, તેથી તમે મને તમારા પગ આગળ બેસાડવા ઇચ્છો છો. હું અંદર જવા તૈયાર છું, પણ હું તમારા પગની પાસે બેસવા તૈયાર નથી.'

આટલું હું માંડ કહી રહું તેટલામાં તો મારા ઉપર તમાચાનો વરસાદ વરસ્યો અને પેલાએ મારું બાવડું ઝાલીને મને ઘસડવા માંડ્યો. મેં બેઠકની પાસે પીતળના સળિયા હતા તે ઝોડની જેમ પકડી રાખ્યા, અને કાંડું ખડે તોયે સળિયા નથી છોડવા એમ નિશ્ચય કર્યો. મારા ઉપર વીતી રહી હતી તે પેલા ઉતારુઓ જોઇ રહ્યા હતા. પેલો મને ગાળો કાઢી રહ્યો હતો, ખેંચી રહ્યો હતો, ને મારી પણ રહ્યો હતો, પણ હું ચૂપ હતો. પેલો બળવાન અને હું બળહીન. ઉતારુઓમાંના કેટલાકને દયા આવી અને તેમનામાંના કોઇ બોલી ઊઠ્યા: 'અલ્યા એ, એ બિચારાને ત્યાં બેસવા દે; તેને નકામો માર નહીં. તેની વાત સાચી છે. ત્યાં નહીં તો તેને અમારી પાસે અંદર બેસવા દે.' પેલો બોલી ઊઠ્યો: 'કદી નહીં.' પણ જરા ભોંઠો પડ્યો ખરો. તેથી મને તેણે મારવાનું બંધ કર્યું, મારું બાવડું છોડ્યું. બે ચાર ગાળો તો વધારે દીધી, પણ એક હૉટેન્ટૉન નોકર પેલી બાજુએ હતો તેને પોતાના પગ આગળ બેસાડ્યો અને પોતે બહાર બેઠો. ઉતારુઓ અંદર બેઠા. સીટી વાગી. સિગરામ ચાલ્યો. મારી છાતી તો થડકતી જ હતી. હું જીવતો મુકામે પહોંચીશ કે નહીં એ વિષે મને શક હતો. પેલો મારી સામે ડોળા કાઢ્યાં જ કરે. આંગળી બતાવી બબડ્યાં કરે: 'યાદ રાખ, સ્ટૅન્ડરટન પહોંચવા દે, પછી તને ખબર પાડીશ.' હું તો મૂંગો જ રહ્યો અને મારી વહાર કરવા પ્રભુને અરજી કરતો રહ્યો.

રાત પડી. સ્ટૅન્ડરટન પહોંચ્યા. કેટલાક હિંદી ચહેરા જોયા. મને કંઈક શાંતિ વળી. નીચે ઊતરતાં જ હિંદીઓએ કહ્યું: 'અમે તમને ઈસા શેઠની દુકાને લઈ જવાને જ ઊભા છીએ. અમારા ઉપર દાદા અબદુલ્લાનો તાર છે.' હું બહુ રાજી થયો. તેમની સાથે શેઠ ઈસા હાજી સુમારની દુકાને ગયો. મારી આસપાસ શેઠ અને તેમના વાણોતરો વીંટળાઇ વળ્યા. મારા ઉપર જે વીતી હતી તેની વાત કરી. તેઓ બહુ દિલગીર થયા અને પોતાના કડવા અનુભવો વર્ણવી મને આશ્વાસન આપ્યું. મારે તો સિગરામ કંપનીના એજંટને મારા ઉપર વીતેલી જણાવવી હતી. મેં એજંટ ઉપર ચિઠ્ઠી લખી, પેલા માણસે ધમકી આપી હતી તે પણ જણાવ્યું, અને સવારે આગળ મુસાફરી થાય ત્યારે મને અંદર બીજા ઉતારુઓને પડખે જગ્યા મળે એવી ખાતરીની માગણી કરી. ચિઠ્ઠી એજંટને મોકલી. એજંટે મને સંદેશો મોકલ્યો: 'સ્ટૅન્ડરટનથી મોટો સિગરામ હોય છે અને હાંકનારા વગેરે બદલાય છે. જેની સામે તમે ફરિયાદ કરી છે તે માણસ આવતી કાલે નહીં હોય. તમને બીજા ઉતારુઓની પડખે જ જગ્યા મળશે.' આ સંદેશાથી મને કંઈક નિરાંત વળી. પેલા મારનારની ઉપર કાંઇ પણ કામ ચલાવવાનો વિચાર તો મેં કર્યો જ નહોતો, એટલે આ મારનું પ્રકરણ અહીં જ બંધ રહ્યું. સવારે મને ઈસા શેઠના માણસો સિગરામ પર લઈ ગયા. મને યોગ્ય જગ્યા મળી. કોઈ જાતની હાલાકી વિના તે રાત્રે જોહાનિસબર્ગ પહોંચ્યો.

સ્ટૅન્ડરટન નાનકડું ગામ. જોહાનિસબર્ગ વિશાળ શહેર. ત્યાં પણ અબદુલ્લા શેઠે તાર તો કર્યો જ હતો. મને મહમદ કાસમ કમરુદ્દીનની દુકાનનાં નામઠામ પણ આપ્યાં હતાં. તેમનો માણસ જ્યાં સિગરામ ઊભો રહેતો ત્યાં આવેલ, પણ ન મેં તેને જોયો, ન માણસ મને ઓળખી શક્યો. મેં હોટલમાં જવાનો વિચાર કર્યો. બે ચાર હોટેલનાં નામ જાણી લીધાં હતાં. ગાડી કરી, ગ્રેન્ડ નેશનલ હોટેલમાં હાંકી જવા તેને કહ્યું. ત્યાં પહોંચતાં મૅનેજરની પાસે ગયો. જગ્યા માગી. મૅનેજરે ક્ષણ વાર મને નિહાળ્યો. વિવેકની ભાષા વાપરી, 'હું દિલગીર છું, બધી કોટડીઓ ભરાઇ ગઈ છે.' આમ કહી મને વિદાય કર્યો! એટલે મેં ગાડીવાળાને મહમદ કાસમ કમરુદ્દીનની દુકાને હાંકી જવાને કહ્યું. ત્યાં તો અબદુલ ગની શેઠ મારી રાહ જ જોઈ રહ્યા હતા. તેમણે મને વધાવી લીધો. હોટેલમાં મારા ઉપર વીતેલી વાત તેમને કહી બતાવી. તેઓ ખડખડ હસી પડ્યા. 'હોટેલમાં તે વળી આપણને ઊતરવા દે કે?'

મેં પૂછ્યું: 'કેમ નહીં?'

'એ તો તમે જ્યારે તમે થોડા દિવસ રહેશો ત્યારે જાણશો. આ દેશમાં તો અમે જ રહી શકીએ. કારણ, અમારે પૈસા કમાવા છે. એટલે, ઘણાંય અપમાન સહન કરીએ છીએ, અને પડ્યા છીએ' એમ કહી તેમણે ટ્રાન્સવાલમાં પડતાં દુઃખોનો ઇતિહાસ કહી સંભળાવ્યો.

આ અબ્દુલ ગની શેઠનો પરિચય આપણે આગળ જતાં વધારે કરવો પડશે. તેમણે કહ્યું, 'આ મુલક તમારા જેવાને સારુ નથી. જુઓને, તમારે કાલે પ્રિટોરિઆ જવું છે. તેમાં તમને તો ત્રીજા વર્ગમાં જ જગ્યા મળશે. ટ્રાન્સવાલમાં નાતાલ કરતાં વધારે દુઃખ. અહીં આપણા લોકોને પહેલા કે બીજા વર્ગમાં ટિકિટ આપતા જ નથી.'

મેં કહ્યું, 'તમે એનો પૂરો પ્રયત્ન નહીં કર્યો હોય.'

અબદુલ ગની શેઠ બોલ્યા, 'અમે કાગળવહેવાર તો ચલાવ્યો છે, પણ આપણા માણસો ઘણા પહેલાબીજા વર્ગમાં બેસવા ઇચ્છે પણ શાના?'

મેં રેલવેના કાયદા માગ્યા. તે જોયા. તેમાં બારી હતી. ટ્રાન્સવાલના અસલી કાયદાઓ બારીકીથી નહોતા ઘડાતા. રેલવે ધારાનું તો પૂછવું જ શું હોય?

મેં શેઠને કહ્યું, 'હું તો ફર્સ્ટ ક્લાસમાં જ જઈશ. અને તેમ નહીં જવાય તો પ્રિટોરિયા અહીંથી સાડત્રીસ જ માઇલ છે ત્યાં હું ઘોડાગાડી કરીને જઈશ.'

અબદુલ ગની શેઠે તેમાં થતા ખર્ચ અને લાગતા વખત તરફ મારું ધ્યાન ખેંચ્યું. પણ મારી સૂચનાને અનુકૂળ થયા, અને સ્ટેશન-માસ્તર ઉપર ચિઠ્ઠી મોકલી. ચિઠ્ઠીમાં હું બારિસ્ટર છું એમ તેને જણાવ્યું; હમેશાં પહેલા વર્ગમાં જ મુસાફરી કરું છું એમ પણ જણાવ્યું; પ્રિટોરિયા તુરત પહોંચવાની આવશ્યકતા તરફ તેનું ધ્યાન ખેંચ્યું; અને તેને લખ્યું કે, તેના જવાબની રાહ જોવા જેટલો મને વખત નહીં રહે તેથી એ ચિઠ્ઠીનો જવાબ લેવા હું પંડે જ સ્ટેશન ઉપર પહોંચીશ અને પહેલા વર્ગની ટિકિટ મેળવવાની આશા રાખીશ. આમાં મારા મનમાં થોડોક પેચ હતો. મેં એમ ધાર્યું હતું કે સ્ટેશન-માસ્તર લેખીતવાર જવાબ તો 'ના'નો જ આપશે. વળી 'કુલી' બારિસ્ટર કોણ જાણે કેવાય રહેતા હશે એ પણ એ કાંઈ વિચારી ન શકે. તેથી હું અણિશુદ્ધ અંગ્રેજી પોશાકમાં તેની સામે જઈ ઉભો રહીશ, અને તેની સાથે વાતો કરીશ એટલે સમજી જઈ તે કદાચ મને ટિકિટ આપશે. તેથી હું ફ્રોકકોટ, નેકટાઇ વગેરે ચડાવીને સ્ટેશને પહોંચ્યો. માસ્તરની સામે ગીની કાઢીને મૂકી અને પહેલા વર્ગની ટિકિટ માગી.

તેણે કહ્યું, 'તમે જ મને ચિઠ્ઠી લખી છે કે?'

મેં કહ્યું, 'એ જ હું. મને તમે ટિકિટ આપશો તો હું આભારી થઈશ. મારે પ્રિટોરિયા આજે પહોંચવું જોઇએ.'

સ્ટેશન-માસ્તર હસ્યો. તેને દયા આવી. તે બોલ્યો, 'હું ટ્રાન્સવાલર નથી. હું હોલૅન્ડર છું. તમારી લાગણી સમજી શકું છું. તમારા તરફ મારી દિલશોજી છે. હું તમને ટિકિટ આપવા ઈચ્છું છું. પણ એક શરતે—જો તમને રસ્તામાં ગાર્ડ ઉતારી પાડે અને ત્રીજા વર્ગમાં બેસાડે તો તમારે મને સંડોવવો નહીં, એટલે કે, તમારે રેલવે ઉપર દાવો ન કરવો. હું ઇચ્છું છું કે તમારી મુસાફરી નિર્વિઘ્ને પાર ઊતરો. તમે સજ્જન છો એમ હું જોઇ શકું છું.' આમ કહી તેણે ટિકિટ કાપી. મેં તેનો ઉપકાર માન્યો અને તેને નિશ્ચિંત કર્યો. અબદુલ ગની શેઠ વળાવવા આવ્યા હતા. આ કૌતક જોઇ તેઓ રાજી થયા, આશ્ચર્ય પામ્યા, પણ મને ચેતવ્યો: 'પ્રિટોરિયા સાંગોપાંગ પહોંચો એટલે પત્યું. મને ધાસ્તી છે કે ગાર્ડ તમને પહેલા વર્ગમાં સુખે બેસવા નહીં દે. અને ગાર્ડ બેસવા દેશે તો ઉતારુઓ નહીં બેસવા દે.'

હું તો પહેલા વર્ગના ડબામાં બેઠો. ટ્રેન ચાલી. જર્મિસ્ટન પહોંચી ત્યાં ગાર્ડ ટિકિટ તપાસવા નીકળ્યો. મને જોઇને જ ચિડાયો. આંગળી વતી ઇશારો કરીને કહ્યું: 'ત્રીજા વર્ગમાં જા.' મેં મારી પહેલા વર્ગની ટિકિટ બતાવી. તેણે કહ્યું: 'તેનું કંઇ નહીં; જા ત્રીજા વર્ગમાં.'

આ ડબામાં એક જ અંગ્રેજ ઉતારુ હતો. તેણે પેલા ગાર્ડને ધમકાવ્યો: 'તું આ ગૃહસ્થને કેમ પજવે છે? તું જોતો નથી કે એની પાસે પહેલા વર્ગની ટિકિટ છે? મને તેના બેસવાથી જરાયે અડચણ નથી.' એમ કહીને તેણે મારી સામું જોયું અને તેણે કહ્યું: 'તમે તમારે નિરાંતે બેઠા રહો.'

ગાર્ડ બબડ્યો: 'તમારે કુલીની જોડે બેસવું હોય તો મારે શું?' એમ કહીને ચાલતો થયો.

રાતના આઠેક વાગ્યે ટ્રેન પ્રિટોરિયા પહોંચી.