સુભાષિતો:મ
વિકિસ્રોતથી
- મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ,
બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું માંદુ
- મધ ,આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર
શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર
- મન મક્કમ, મજબૂત જેમનાં હૃદય વિશાળ મહાન,
સાચી શ્રદ્ધા સાથ બાવડાં કામગરાં બળવાન.
- મર્યાદા મૂકે નહિ, સજ્જન લડતાં કોઈ,
જ્યમ કુલવંતી નારીનું હસવું હોઠે હોય.
- મહેમાનોને માન દિલ ભરીને દીધાં નહિ
એ તો મેડી નહિ મસાણ સાચું સોરઠિયો ભણે
- મા પડ મારા આધાર ચોસલાં કોણ ચડાવશે
ગયા ચડાવણહાર જીવતા જાતર આવશે
- માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર
છતઅછત સમજે નહિ કહે લાવ લાવ ને લાવ
- માગ્યા સમી જગતમાં ચીજ એક પ્રીતિ,
માગ્યે કદી નવ મળે ચીજ એય પ્રીતિ.
- ‘મારું, તારું’ કરે તેને લોકો કહે, ‘મારું, મારું.’
‘તારું, મારું’ કહે તેને લોકો કહે, ‘તારું, તારું.’
- માર્ગને મંઝિલ અગર જો હોય તો તે ત્યાં જ છે,
ચાલનારાનાં ચરણ ને પંખીઓના પગ સુધી.
- માહ મહિનાનું માવઠું, જંગલ મંગલ ગીત,
સમય વિનાનું બોલવું, એ ત્રણ સરખી રીત.
- મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય
સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય
- મુખ મોરો માથે મણિ, ઝેર તજ્યું નહિ નાગ,
સંગત છતાં સુધર્યો નહિ, મોટું તેનું અભાગ.
- મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,
હીરો સંઘાડે ચડે તો જ ચમક પરખાય.
- મૂરખને મોભો નહિ, કાસદને નહિ થાક,
નિંદકને લજ્જા નહિ, નકટાને નહિ નાક.
- મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ;
ઘોડો ભાંગ્યો ખેડતાં,એને નહીં સાંધો નહીં રેણ
- મૈત્રી કે પ્રીતિને કાજે છે નાલાયક દુર્જન,
અંગારો બાળતો ઊનો, ઠંડો કાળું કરે તન.