અકબર/દિગ્‌દર્શન.

વિકિસ્રોતમાંથી
અકબર
દિગ્‌દર્શન.
ઉત્તમલાલ ત્રિવેદી
બાબરનું કુટુંબ અને તેનું નાનપણ. →


અકબર.

પ્રકરણ ૧ લું.

દિગ્‌દર્શન.

હિંદુસ્તાનમાં મુઘલવંશનું દૃઢ સ્થાપન કરનાર પ્રતાપી મહારાજા (કબર ) ના ચરિત્રનો આ ટુંકો હેવાલ કયા ધોરણ ઉપર લખાયેલો છે તે હું જરા સમજાવી લઉં ત્યાં લગી વાંચનારને ક્ષમા દૃષ્ટિ રાખવાની વિનંતી કરૂં છું.

આવા રાજ્યની પ્રથમ ધારણા કબરે પોતે ઉદ્ભાવી નહતી. એના દાદા બાબરે હિંદુસ્તાનનો મોટો ભાગ જીત્યો હતો. પણ તે જીત્યા પછી તે તેના મરણ સુધી જે પાંચ વર્ષ ગયાં તેની અંદર રાજ્યવ્યવસ્થાકારનો પોષાક ધારણ કરવાની જરીયે તક તેને મળી નહતી. તેણે હરાવેલા તેના હરીફો તેમજ આ દેશના વતનીઓ પણ તેને એક વિજયાસક્ત વીર ગણી તેનામાં વિશેષ કાંઈ હશે એમ સમજતા નહતા. વખાણવા લાયક સામર્થ્યવાળા અને સશસ્ત્ર રહીને આખી જીંદગી ગાળેલી એવો તે ખરેખર પરમ સાહસિક નર હતો. પોતાના સમકાલીનોથી બહુ ચઢતી પ્રતિભાવાળો અને વિપત્તિના વિષમ બોધથી શીખાયલા એવા તેણે કાબુલમાંના પોતાના ગૉખમાંથી ફળદ્રૂપ હિંદુસ્તાનની અસ્તવ્યસ્ત સ્થિતિ જોઈને તેના પ્રદેશો ઉપર અનિવાર્ય બળથી ધસારો કર્યો હતો. આમ બાબર પોતાના વખતથી બહુજ આગળ વધેલો ઉદાર દીલનો માયાળુ અને વિચારે ઉન્નત હતો તોપણ હિંદુસ્તાનની સાથેના તેના સંબંધમાં તો તે એક વિજયાસક્ત વીર કરતાં વધારે કાંઈજ નહતો. પ્રત્યેક પ્રાંતોમાં મુખ્ય મુખ્ય સ્થળોનો કબજો કરીને રહેલી અને પોતપોતાનું સંભાળનારા અકેકા સેનાપતિથી અધિષ્ઠિત મોટી છાવણીઓ નાખીને રાજ્ય કરવાનો જે રસ્તો તેને પોતાની આખી જીંદગીમાં પરિચિત હતો, અને જે રસ્તો તેના અફઘાન પૂર્વ પુરુષોએ હિંદુસ્તાનમાં દાખલ કર્યો હતો તે રસ્તા વિના બીજા કોઈ પણ વ્યવસ્થાતંત્ર વિષયે તેને વિચાર કરવાનો વખત મળ્યો નહતો. અને હિંદુસ્તાનમાં એક રાજ્ય ઉભું કરવું કે મધ્ય એશિયામાં એક રાજ્ય ઉભું કરવું એ બાબરની નીતિનું પ્રધાન ધોરણ હતું કે નહિ તેજ હજી એક પ્રશ્ન છે.

આ (ઉપર બતાવેલા) રાજ્યતંત્રમાં દેશના વતનીઓના કલ્યાણનો સમાવેશ નહતો. જો બાબર જીવ્યો હોત અને જીવીને તેના મોટા સામર્થ્યનો ઉપયોગ તેનાથી થઈ શક્યો હોત તો તેના પૌત્ર કબરની પેઠે, તેને પણ, પરિણામ જોતાં આ રસ્તાનું પોલાપણું સૂઝત. આમાં ઘાટ સંબંધની એટલે રાજા પ્રજાના હિતાહિતને એક કરવારૂપી મુખ્ય ધોરણની ખામી છે; આનાથી પ્રેમ બંધન નિઃશંક થતું નથી; પૂર્વે બાંધેલા સારા ખોટા અભિપ્રાયોનું સમાધાન થતું નથી, અને ઉંડા મૂળ નાંખ્યા વિના આ તંત્ર ભાવિના તોફાનને વશ થઇનેજ રહે છે. આપણે બાબરને તેના આત્મલેખથી ઓળખીયે છીએ. આમાં તે પોતાના અંતઃકરણના રહસ્યો ખુલ્લાં કરે છે, પોતાના દોષો કબુલ કરે છે, પોતાના રાજ્યાદિના લોભ વિસ્તારથી દર્શાવે છે, અને તે ઉપરથી આપણે ધારી શકીયે કે જો તેને તક મળી હત તો તેને પણ આ બધું સૂઝત; પણ તેને તક મળવાનું લખેલું જ નહિ. પાણીપતની પહેલી લડાઈ કે જેથી તેને હિંદુસ્તાનના વાયવ્ય પ્રાંતો મળ્યા ત્યારથી તે તેના મરણ સુધીનો વખત એટલો ટુંકો હતો કે તેણે જે જીત મેળવી હતી તેને નિર્ભય કરવાના અને તેમાં બીજા વધારાના પ્રદેશો ઉમેરવાના વિચાર સિવાય બીજો કોઈ વિચાર કરવાનું તેનાથી બની શક્યું નહિ. હિંદુસ્તાનમાં તેણે વિજયાસક્ત વીર તરિકે પ્રવેશ કર્યો. અને આગ્રામાં તેણે પાંચ વર્ષ સુધી રાજ્ય કર્યું તે દરમિયાન કાંઈ પણ વિશેષ વિજયાસક્ત જ રહ્યો.

બાબરને જે કામ વિસારે નાંખવાની જરૂર પડી હતી તે કામ કરવાને તેનો શાહજાદો હુમાયુ પ્રકૃતિથીજ નાલાયક હતો. તેનો સ્વભાવ ચઢાઉ અને અસ્થિર હતો. એની બુદ્ધિમાં યોજનાશક્તિનો અભાવ હતો; જેથી આ ફરજ અદા કરવાને નાલાયક હતો. તેણે ટકી શકે એવી રીતના રાજ્યના પાયામાં એક પણ પત્થર મુક્યા વિના આઠ વર્ષ સુધી રાજ્ય કર્યું. અને આ મુદતને અંતે જ્યારે રણક્ષેત્રમાં એકજ પરાજયના પરિણામમાં જેવી રીતે તેના અફગાન પૂર્વ પુરુષોનાં રાજ્યો પડી ભાગ્યાં તેવી રીતે અને તેજ કારણથી, એટલે કે (જીતેલી) ભૂમિમાં કોઈ પણ જાતનાં મૂળના અભાવે, તેનું પણ રાજ્ય પડ્યું, ત્યારે સિંધુ નદીની દક્ષિણમાં બાબરે મેળવેલો બધો મુલક તેણે એક ઘાએ ખોયો. અને તે સમયે તો, મોઘલના હાથથી હમેશને માટે હિંદુસ્તાન ગયું એમ સ્પષ્ટ દેખાયું.

બાબરનો શાહજાદો પોતાના કરતાં એક વધારે શક્તિવાળા સેનાપતિથી પરાભવ પામ્યો અને એકદમ હુમાયુની જગાએ પોતાની પૂર્ણ સ્થાપના કરી. મોઘલ વંશના સદ્ભાગ્યે અને હિંદુસ્તાનના લોકોના એથી પણ વધારે સારા નશીબે આ સરદાર ભારે શક્તિવાળો પણ વંશ સ્થાપન કરવાના હુન્નરમાં ભૂતપૂર્વ અફધાન સરદારોના વિચારોના જેવાજ વિચારોનો વારસ થયેલો હતો. તેના રાજ્યતંત્રમાં હિંદુસ્તાનના કરોડો વતનીયોનાં મન મેળવવાની વાત પ્રવેશ પામી નહતી. તે પણ જે જે મુલકો જીતાયા તે તે મુલકોમાં છાવણી મૂકીનેજ રાજ્ય કરતો બેશી રહ્યો. આનું પરિણામ એ આવ્યું કે જ્યારે તે મરણ પામ્યો ત્યારે રાજ્યને સારૂ હરીફાઈ કરવા બીજા માણસો ઉભા થયા. થોડા વર્ષમાં તો અવ્યવસ્થા એટલી બધી વધી પડી કે સને ૧૫૫૪ માં એટલે કનોજની રણભૂમિમાંથી નાઠા પછી બરાબર ચૌદ વર્ષે હુમાયુએ ફરીથી સિંધુ નદી ઓળંગી અને ઉત્તર હિંદુસ્તાન પુનઃ મેળવ્યું. હજી તે જુવાન હતો તોપણ સ્થાયી રાજ્ય સ્થાપવાને માટે જેવો તે તેના પિતાની ગાદીએ બેઠા ત્યારે નાલાયક હતો તેવોજ આ વખતે પણ નાલાયક હતો.

તેણે કેટલાક લેખો પોતાની પાછળ મૂક્યા છે જે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જો તેની જીંદગી બચી હત તો તેણે પણ જે જુના ધોરણથી તેના પહેલાં થઈ ગયેલા આટલા બધા વિજેતાઓના હાથમાંથી અને પોતાના હાથમાંથી પણ રાજ્ય ગયું તેજ ધોરણે રાજ્ય ચલાવવાનો પ્રયત્ન કર્યો હોત. તેના મૃત્યુ પહેલાં થોડાજ વખત ઉપર તેણે હિંદુસ્તાનના રાજ્યતંત્રની એક યોજના ઘડી કહાડી હતી. તે યોજના પેલી મુકરર કરેલા કેન્દ્રસ્થળોમાં એક બીજાથી સ્વતંત્ર પણ બધી ઉપર બાદશાહની દેખરેખ રહે એવી જુદી જુદી છાવણીઓ નાંખવાની જ હતી. બેશક જીતેલા મુલકને નિર્ભય કરવાને માટે તે ઉત્તમોત્તમ યોજના હતી. પણ છુટાછવાયા બધા ઇલાકાઓને અને ત્યાંના લોકોને સુસંબદ્ધ એકમય કરવાની કોઈ પણ યુક્તિનો આમાં અભાવ હતો.

જે અકસ્માતથી–પાણીપતની બીજી લડાઈ પહેલાં હુમાયુની જીંદગી ગઈ અને તે વખતે ચૌદ વર્ષના બાળક શાહજાદા અકબરને બાબરના રાજ્યનો ઉત્તરાધિકાર મળ્યો તે અકસ્માત આ વખતે દરેક રીતે હિંદુસ્તાનને શુભકારી હતો. હુમાયુ તેની આ દેશમાંથી લાંબા વખતની ગેરહાજરીમાં અને નશીબની સાથે તરફડીયાં મારવામાં ગાળેલાં આટલાં બધાં વર્ષોમાં નવું કાંઈ શીખ્યો નહતો તેમજ જુનું કાંઈ વિસર્યો નહતો. આ કુમાર જેને એનો અધિકાર મળ્યો અને જેણે હજી કોમળ વયનો છતાં પણ કોઈ સાધારણ માણસને આખી જીંદગી પર્યંત ચાલે તેટલાં સાહસો અનુભવ્યાં હતાં તથા નશીબના અનેક રંગો જોયા હતા, તેનામાં શું છે તે હજી જણાયું નહતું. તે અણકસાયેલો હતો. એની હજુરમાં અલબત એવો એક માણસ હતો કે જે તે વખતમાં સર્વોત્કૃષ્ટ લશ્કરી અમલદાર ગણાતો, પણ તેને રાજ્યનીતિનો ખ્યાલ તો તેને સોંપેલા આ સગીર વયના શાહજાદાના પિતાની અણધડ નિશાળમાંજ થયો હતો. આ શાહજાદામાં બીજી કેટલીક મોટી શક્તિઓની સાથે યોજનાશક્તિ પણ હતી. પોતાના નામજાદા સરદારને તેણે જે થોડાં વર્ષો પોતાને નામે રાજ્ય ચલાવવા દીધું તેટલા વખતમાં પાછળના બધા રાજ્યવંશો શા કારણથી નશ્વર થયા અને શેને લીધે જમીનમાં મૂળની પેઠે ચોંટતાં અટક્યા તેના ઉપર ઉંડો વિચાર કર્યા કર્યો. જ્યારે પોતાની યોજનાઓ પાકી થઈ ત્યારે તેણે રાજ્યસૂત્ર હાથમાં લીધું અને એક વંશ સ્થાપ્યો. આ વંશ તેણે પાડેલા રસ્તાને વળગી રહ્યો ત્યાં સુધી આબાદ થયે ગયો અને સમાનભાવ અને સમાધાની જે તે રસ્તાના મુખ્ય ધોરણોમાંનું એક હતું તે ધોરણ જ્યારે ઉંચું મૂક્યું ત્યારેજ તેની પડતી થવા માંડી.

હું ધારૂં છું કે ઉપરનાં ટાંચણમાં મેં વાંચનારને સ્પષ્ટ બતાવી આપ્યું છે કે એક રીતે હિંદુસ્તાનમાં મુઘલ વંશનો સ્થાપનાર બાબર હતો પણ તેના ઉત્તરાધિકારીને તો તેણે વિજયાસક્તિજ વારસામાં આપી હતી. નક્કીજ હુમાયુ એજ વિચારનો વારસ થયો હતો અને તે વિચારને બીજા કોઈ વિચાર સાથે સંબંધ ન કરાવતાં એના પિતાએ મેળવેલું તે એણે ગુમાવ્યું. અલબત આખરે તેણે કાંઈક ભાગ પાછો મેળવ્યો પણ તે પણ વિજ્યાસક્ત વીર તરીકેજ. એના પૌત્રેજ જમીનમાં મૂળ નાંખ્યાં કે જે મૂળ ઊંડાં ગયાં, ઊગી નીકળ્યાં–અને જેનાં જીતાયેલી પ્રજાને સુખ અને સંતોષરૂપી–ઉમદા ફળ મળ્યાં

આટલા વસ્તુના પૂર્ણ વિસ્તાર માટે આ આગળનાં પાનાં લખાયલાં છે. મને લાગે છે સ્વાભાવિક રીતે જ આ પુસ્તકના ત્રણ ભાગ થઈ જાય છે. હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરવાના વિચારને પુખ્ત કરનાર અને આખરે તેની જીત મેળવનાર બાબરમાં પહેલો ભાગ રોકાયેલો છે. તે પ્રશંસાપાત્ર વીર પુરુષ હતો અને તે ગમે તે કાળમાં પ્રસિદ્ધિ પામ્યો હત. જ્યારે તે અડતાળીસ વર્ષની અપક્વ વયે મરી ગયો ત્યારે તે એક એવો લેખ મુકી ગયો છે કે જે વાંચવામાં આ ઓગણીસમા સૈકાના અંતમાં પણ રસ પડે અને બોધ મળે. એને માટે વધારે જગ્યા રોકવાનું મને વધારે અવશ્ય લાગ્યું છે તે એમ કે પૌત્રનાં કાર્યોમાં પિતામહનો જુસ્સો વેગ અને લક્ષણની સહજ ઉદારતા વાંચનાર લક્ષમાં લેવાને ચૂકે નહિ. હુમાયુ કે જેના ચરિત્રનો વાજબી રીતે પહેલા ભાગમાં સમાવેશ થવો જોઈએ તેના સંબંધમાં–તેની પડતીનું કારણ સ્પષ્ટ કરવાને તથા હિંદુસ્તાનમાંથી નાસતાં સિંધમાં જન્મેલા આ પુસ્તકના નાયકનું નાનપણ વર્ણવવાને જેટલું જરૂરનું લાગ્યું એટલુંજ લખ્યું છે.

આ ગ્રંથના બાકીના બે ભાગમાં કબર વિષે લખાયલું છે. પણ અહિંયાં પણ મારા વિષયના મેં પેટા ભાગ પાડેલા છે. અવશિષ્ટ બે ભાગમાંના પહેલા ભાગમાં તે કાળના મુસલમાન ઇતિહાસ લખનારાઓના લેખમાંથીજ તેમને પ્રમાણ માની તેના વખતના રાજકીય બનાવોનું વર્ણન કર્યું છે. છેલ્લા પ્રકરણમાં કબરનું એક મનુષ્ય તરીકેનું શબ્દચિત્ર આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. ઈ–ની–કબરી–અને બીજા ગ્રંથોનાં લખાણોને આધારે રાજ્યવ્યવસ્થાકાર તરીકે, વળી જે રાજ્યનીતિ કેટલેક દરજ્જે આપણને (ઇંગ્રેજોને) વારસામાં મળી છે તે નીતિના યોજનાર અને પ્રવર્તાવનાર તરીકે, અને પાંચસે વર્ષ સુધી ચાલી આવેલી તકરારોનું અને છેક કલ્પના આરંભથી ચાલ્યા આવેલા વહેમોનું સમાધાન કરનાર તરીકે તે કેવો હતો તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. પતિ તરિકે, પિતા તરિકે અને ધર્મની બાબતમાં પોતાથી જુદા મતવાળા તમામ લોકો ઉપર શત્રુભાવ રાખવો એ વિચારની જેમાં ઉંડી છાપ પાડવામાં આવે છે, એવા બોધથી પૂર્ણ, ધર્મની કેળવણી પામ્યા છતાં પણ જેણે પોતાની બુદ્ધિને પૂર્ણ સ્વતંત્રતાથી ફેરવી અને એ બુદ્ધિનાજ ઉપદેશને અનુસરીને વર્તણુક ચલાવી–એવા એક સાધારણ મનુષ્ય તરિકે પણ મેં તેને વર્ણવ્યો છે. હું છૂટથી કહી દઉં છું કે આ પ્રકરણ આ પુસ્તકનો સર્વથી વધારે રસવાળો ભાગ છે. અને આની પહેલાં વાંચનારને અપ્રિય લાગે તેવું મેં જે લખેલું છે તે બાબત આની ખાતરજ વાંચનાર મને ક્ષમા કરશે એવી મારી વિનંતિ છે.