અકબર/બાબરની હિંદુસ્તાન ઉપર સવારીઓ.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બાબરે કાબુલ મેળવ્યું. અકબર
બાબરની હિંદુસ્તાન ઉપર સવારીઓ.
ઉત્તમલાલ ત્રિવેદી
હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ. →


પ્રકરણ ૪ થું.

બાબરની હિંદુસ્તાન ઉપર સવારીઓ.

હિંદુસ્તાનના ઇતિહાસના પ્રથમ યુગમાં, એટલે એક પુરાતન કાળથી તે અગીઆરમા સૈકાની શરૂઆતના મહમદ ગીઝનીની સવારી સુધીના સમયમાં, ઉતરવાની મારી મરજી નથી. તે સમયનું સવિસ્તર જ્ઞાન આપણને કંઈજ નથી. આપણે ફક્ત આટલુંજ જાણીયે છીયે કે સિંધુ નદીથી કેપકોમોરીન સુધી આ દેશમાં જુદી જુદી ભાષાઓ બોલતી કેટલીક ભિન્ન ભિન્ન જાતો વસતી હતી, બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈનના ધર્મો પ્રવર્તતા હતા, અને જુદા જુદા રાજાઓ વચ્ચે વખતો વખત માંહોમાંહે લડાઇઓ થતી હતી અને તે ઘણે ભાગે ધર્મહેતુક હતી.

ચાલતા તંત્રમાં ભેદ પાડવા પહેલવહેલી મહમદ ઘઝનીની સવારી ઈ. સ. ૧૦૦૧ માં આવી. પણ મહમદ અને તેની પછી આવનારા ઘઝની વંશના બાદશાહો દિલ્હી, રાજપૂતાના અને ગુજરાતના દૂરતમ સીમાન્ત સુધી પહોંચી વળ્યા હતા તોપણ પંજાબની આણી તરફ તેમણે ચિરસ્થાયી સત્તા સ્થાપી નહતી. સતલજના અગ્નિકોણનો પ્રદેશ હજી હિંદુ રાજાઓનાજ હાથમાં હતો પણ સને ૧૧૮૬ માં ઘઝનીના વંશનો ઘોર અથવા ઘુર નામના વંશે નાશ કર્યો. આ વંશ હીરાતની અગ્નિકોણમાં તે શહેરથી એકસો વીસ માઈલ દૂર કાબુલના રસ્તા ઉપર આવેલા પશ્ચિમ અફગાનિસ્તાનના એક ઘુર નામના જીલ્લાના કોઈ અફગાને સ્થાપ્યો હતો. ઘોરી વંશને ઠેકાણે વળી સને ૧૨૮૬ માં ખીલજી અથવા ઘીલજી વંશ આવ્યો. આ વંશના બાદશાહોએ દિલ્હી અને હાલમાં વાયવ્ય પ્રાંત (હવે સંયુક્ત પ્રાન્ત) ને નામે ઓળખાતા તેની આસપાસના પ્રદેશમાંના કેટલાક ભાગ ઉપર બહુ કીર્તિથી રાજ્ય ચલાવ્યું, તેમજ નર્મદા અને દખ્ખણ સુધી પોતાની આણ વર્તાવી. પણ તેમણે સને ૧૩૨૧ માં તઘલક ગુલામોમાંથી ઉત્પન્ન થયેલા તઘલક વંશને માટે જગા કરી. તઘલકોમાં એકીકરણની કળાનો અભાવ હતો. તેમના નવાણું વર્ષના રાજ્યમાં તેમના ભૂતપૂર્વ બાદશાહોએ સર કરેલા કેટલાક પ્રાંતો દિલ્હીની ગાદીથી જુદા પડ્યા. સને ૧૩૮૮–૮૯ માં આવેલી તૈમુરની સવારીથી તેની લથડતી સત્તાને એક કારી ઘા વાગ્યો. ત્યાર પછી તે વખતના તે વંશના પ્રતિનિધિના હાથમાં મરતી મરતી બાર વર્ષ સુધી સત્તા રહી. પછીથી થોડા વખત સુધી રાજત્વનો હક ન ધારણ કરનારા એક વંશના હાથમાં ગાદી ગઈ. ઇતિહાસમાં સૈયદ વંશને નામે ઓળખાયેલા આ કુટુંબે ઉત્તર હિંદુસ્તાનમાં આશરે તેત્રીસ વર્ષ સુધી નામનું રાજ્ય કર્યું. પણ તે રાજ્ય કેવળ છિન્નભિન્ન હતું, અને લોદી જાતના એક બલવાન અફઘાને પોતાના હાથમાં સઘળી સત્તા જમાવવાનો પ્રયત્ન કરવાની તક લીધી.

આ વખતે હિંદુસ્તાનમાં મુસલમાની રાજ્યે, કોઈ પણ એક સત્તાને અધીન રહ્યા વિના જુદા જુદા સરદારોનું જુદા જુદા જીલ્લાઓ ઉપરના રાજ્યનું રૂપ લીધું હતું. આ પ્રમાણે સને ૧૪૫૦ માં દિલ્હી તેની આસપાસની થોડી હદ સાથે સૈયદ વંશના એક પ્રતિનિધિના હાથમાં હતું. આ રાજધાનીની ચૌદ માઈલની અંદર અહમદખાં મેવાતમાં સ્વતંત્ર રાજ્ય કરતો હતો. છેક દિલ્હીની કોટની રાંગ સુધી પહોંચતો, શંભાળ અથવા હમણાં રોહિલખંડને નામે ઓળખાતો જીલ્લો ર્યાખાં લોદીને કબજે હતો. જાલેશ્વર આજનો ઇટાવા છેલ્લો તે સાખાં તુર્કના હાથમાં હતો. ફરૂખાબાદના નામથી હાલ ઓળખાતો જીલ્લો રાજા પ્રતાપસિંગના, બીયાના, દાઉદખાં લોદીના, અને લાહોર દીપાલપુર તથા છેક પાણીપત સુધી સરહિંદનો મુલક બેહલુલખાં લોદીના હાથમાં હતો. મુલતાન, જુઆનપુર, બંગાળા, માળવા, અને ગુજરાત એ દરેકમાં જુદા જુદા રાજાઓ રાજ્ય કરતા હતા.

સૈયદ વંશ નાશ પામ્યા પછી પૂર્વમાં ઉપરમાંના ઘણાખરા જીલ્લાઓ ઉપર અને પશ્ચિમે બીહારની લગોલગ ઉત્તર તરફ આવેલા મુલક સુધી સુલતાન બેહ્‌લુલને નામે ઓળખાતો બેહ્‌લુલ લોદી પોતાની સ્વતંત્ર સત્તા જમાવવામાં વિજય પામ્યો. સને ૧૪૫૦–૮૮ એજ પુત્ર અને ઉત્તરાધિકારી સિકંદર લોદીએ બિહાર સર કર્યું અને મધ્ય હિંદુસ્તાનના કેટલાક ભાગ ઉપર ફરી વળ્યો. તેણે બંગાળા ઉપર હુમલો કર્યો. પણ બંગાળાનો મુલક તો ત્યાંનો બાદશાહ લ્લાઉદ્દિન રાખી રહે, તો તેને રાખી રહેવાની રજા આપી અને ફરીથી હુમલો નહિ કરવાનું વચન આપ્યું. સને ૧૫૧૮ માં જ્યારે તે મરી ગયો ત્યારે પંજાબને નામે હાલ ઓળખાતો મુલક, વાયવ્ય પ્રાંતો, જુઆનપુર, મધ્ય હિંદુસ્તાનનો ઘણોખરો ભાગ અને પશ્ચિમ બીહારનો મુલક તેણે પોતાના રાજ્યમાં ભેળવી દીધો હતો. પણ ખરૂં જોતાં આ જમાવટ બધી નામનીજ હતી. લોદી સુલતાને જે અફઘાન અમીરોને જરૂર પડ્યાથી જુદા જુદા જીલ્લાઓની સુબેદારી આપી હતી, તે અમીરો એક જાતના માંડલિક રાજ્ય તંત્રથી બંધાયલા હતા છતાં પોતપોતાની સુબેદારીમાં સર્વે સ્વચ્છંદથી વર્તતા અને ફક્ત પોતાનાજ હુકમોનો અમલ થવાનો આગ્રહ રાખતા.

આ ગોઠવણનું પરિણામ એ આવ્યું કે જ્યારે સુલતાન સિકંદર મરણ પામ્યો ત્યારે આ સર્વ અમીરો આવી નામની તાબેદારી પણ સહન કરવાની વિરૂદ્ધ હતા. અને તેમણે એકઠા મળીને એવો ઠરાવ કર્યો કે સિકંદરના પુત્ર ઈબ્રાહીમ લોદીને માત્ર દિલ્હીનો મુલક આપવો અને મર્હૂમ સુલતાનનો જુઆનપુર સિવાયનો બાકીનો બધો મુલક પોતપોતામાં વહેંચી લેવો. આ જુઆનપુરનો જીલ્લો ઇબ્રાહીમના નાના ભાઈને દિલ્હીના એક માંડલિક પણ જુદા રાજ્ય તરીકે આપવાનો હતો. આના સંબંધમાં એમ જણાય છે કે જ્યારે આ દરખાસ્ત પહેલવહેલી ઇબ્રાહીમની સમક્ષ રજુ થઈ ત્યારે કંઈ પણ ઉપાય નથી એમ સમજીને તેણે પ્રથમ તો હા પાડી, પણ તેના સગા ખોજ્હાં લોદીના સમજાવવાથી એણે પોતાની કબુલાત પાછી ખેંચી લીધી, અને જુઆનપુર તરફ ઉપડી ગયેલા પોતાના ભાઇને પાછો બોલાવ્યો. ભાઈએ પાછા આવવાની ના કહી. અંદર અંદર લડાઈ સળગી અને તેમાં ઇબ્રાહીમને જય મળ્યો. સન ૧૫૧૮ માં એનો ભાઈ પણ મરણ પામ્યો ત્યારે ઈબ્રાહીમે એના રાજ્યલોભી અમીરો ઉપર પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. જેઓ સામે થયા તેમને તેણે શમાવ્યા. પણ આ વિજયનો એણે એવો ક્રૂર ઉપયોગ કર્યો કે જેથી બેદીલી શાન્ત પડવાને બદલે નવાં હુલડો પેદા થયાં. બીહાર, અયોધ્યા, અને જુઆનપુરના અમીરોએ હથીયારનું શરણ લીધું, પંજાબ પણ એમનેજ પગલે પગલે ચાલ્યું. આ આંતર સંક્ષોભ બહુ જુસ્સાથી ચાલ્યો અને બન્ને પક્ષને અવારનવાર જયપરાજય મળ્યે ગયા. આવે ખરે અણીને વખતે સુલતાન બ્રાહીમના કાકા લ્લાઉદ્દીને દિલ્હીની ગાદી મેળવવા બાબરની મદદ માગી. આ વખત બાબર કંદહારમાં શાંતિ સ્થાપવામાં રોકાયલો હતો તેને આ વખતેજ લાહોરના સુબા દૌલતખાં તરફથી, કાબુલના બાદશાહને આથી પણ વધારે લલચાવે એવી માંગણી આવી. આ દૌલતખાંની ઇબ્રાહીમના સેનાપતિએ બહુ અવદશા કરી નાખ્યાથી તેણે પોતાની મદદે આવવા બાબરને અરજ કરી અને બદલામાં પોતાના બાદશાહ તરીકે તેને માનવાની કબુલાત આપી. બાબરે હા પાડી અને એકદમ લાહોર તરફ કુચ કરી. હું ધારૂં છું કે મહમદ ઘઝનીની ચઢાઈ પછીના પાંચ સૈકાની દરમિયાન ખુદ હિંદુસ્તાનની સ્થિતિની ઉપરની નોંધથી એક પછી એક આવેલા જુદા જુદા વંશવાળામાંના કોઈથી આ ભૂમિમાં ઊંડા મૂળ શા કારણથી ન નખાયાં તે સ્પષ્ટ સમજાશે. ઘઝનવી ઘોરી તઘલક સૈયદ લોદી, એ બધા વંશો ફક્ત પોતાનાજ સ્વાર્થને માટે લડાઈમાં ઉતર્યા હતા. ગાદી ઉપર વિરાજતા બાદશાહના અમીરો પણ આ બાબતમાં બાદશાહને ડગલે ડગલે ચાલતા. આ પ્રમાણે હિંદુસ્તાનના બાદશાહોના સામંતો અને મોટાં મોટાં વતનખાનારા અમીરો સઘળા મુલકમાં ફરી વળ્યા હતા અને કેટલોક મુલક તો તેઓએ કબજે કર્યો હતો. બદલામાં તેઓને બાદશાહની કેટલીક નોકરી કરવાની હતી. પણ તે નોકરી બાદશાહની સત્તા અને જોરના પ્રમાણમાં તેઓ કરે કે ન કરે. ઈંગ્લંડમાં નોર્મન વિજય પછી જેમ બન્યું તેમ વિજેતા અને પરાજિત પ્રજાના સ્વાર્થો એક ન થયા. મુસલમાનો ભિન્ન કોમના લોકો ઉપર આપખુદીથી રાજ્ય ચલાવવા લાગ્યા. અને તે લોકો તેમને વશ રહેતા, કારણ કે તેમનામાં સામા થવાની શક્તિ ન હતી. એમના ઉપર સદ્ભાવ રાખીને અથવા તો એથી વધારે ગાઢા કોઈ બીજા સંબંધથી રાજ્યવંશ ઉપર તેમને પ્રીતિવાળા કરવાનો વિચાર કોઈને થયો ન હતો. વિજેતાઓ પરાયા લોક તરીકે આવ્યા હતા, અને પરાયા લોકો તરીકે જ તેઓ રહ્યા. આને લીધે એમનો આ દેશનો કબજો ઉપર ઉપરનોજ રહ્યો. લોકોની મનોવૃત્તિઓમાં મૂળ ન નંખાતાં માત્ર તલવારથીજ પોતાને કબજે સાચવી રાખવાનું તેમને પ્રાપ્ત હતું. આ વંશો એમની પછી આવનારા અકબરવાળા મોગલવંશથી આ બાબતમાં આવી રીતે જુદા હતા.

પાછળ જણાવેલી (પ્રકરણ ત્રીજું) ઉતાવળી મુલાકાત ન ગણતાં બાબરની હિંદુસ્તાન ઉપરની પહેલી સવારી સને ૧૫૧૯ માં થઈ. કેટલાક ઈતિહાસકારો કહે છે કે એજ વર્ષમાં એક બીજી સવારી પણ તે લાવ્યો હતો. પણ ઘણે ભાગે ફેરીસ્તા ખરૂં કહે છે કે આ કહેવાતી ચઢાઈ ઇસૂફઝાઈ લોકો ઉપર હતી અને તેમાં તે છેક પેશાવર સુધી આવ્યો હતો પણ તેણે સિંધુ નદી ઓળંગી ન હતી. તોપણ સને ૧૫૨૦ માં તેણે એક ત્રીજી ચઢાઈ કરી હતી, એમાં કાંઈ શક નથી. આ વખતે સિંધુ નદી ઓળંગી હાલ રાવળપિંડી જીલ્લાને નામે ઓળખાતા મુલક સુધી તે આવી પહોંચ્યો. ત્યાંથી જેલમ નદી ઓળંગી શીયાલકોટ પહોંચ્યો. પણ તે શહેરને જેમનું તેમ રહેવા દઈ સૈયદપુર ઉપર સવારી કરી અને તે શહેર લૂટ્યું. તેવામાં પોતાની રાજધાની ઉપર ઝઝુમી રહેલા એક હુમલા સ્હામી જોગવાઈ કરવાને તેને કાબુલ જવું પડ્યું.

આ ચઢાઈની નિષ્ફળતાથી બાબરને હવે સંપૂર્ણ ખાત્રી થઈ કે કંદહારનો પૂરો બંદોબસ્ત કર્યા વિના હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરવામાં નિર્ભયતા યુક્ત ફતેહમંદી મળશે નહિ. આમ સમજી તેણે આ પછીનાં બે ત્રણ વર્ષ કંદહારના કીલ્લાનો અને ઘઝની અને ખોરાસાન વચ્ચેના મુલકનો પાકો બંદોબસ્ત કરવામાં ગાળ્યો. આ બંદોબસ્ત પૂરો થયો તેવામાં જ લ્લાઉદીન લોદી અને લાહોરના દૌલતખાં તરફથી પેલાં કહેણ આવેલાં અને દૌલતખાંના કહેણે ચોથી સવારી માથે લેવાનો ઠરાવ કરાવ્યો. વળી એણે સિંધુ, જેલમ અને ચિનાબ નદીઓ ઓળંગી અને લાહોરથી દસ માઈલ સુધીમાં આવી પહોંચ્યો. અહીંયાં તેને લોદી વંશનું લશ્કર ભેટ્યું અને ત્યાંજ તે વિજયી થયો. લાહોર પડ્યું અને એના લશ્કરને એક ઈનામ રૂપ થઈ પડ્યું. પણ તે ત્યાં ચાર જ દિવસ ટક્યો. અને આગળ વધી દીપાલપુર જઈ તે શહેર ઉપર હલ્લો કર્યો: આ ઠેકાણે તેને દૌલતખાં અને તેના પુત્રો મળ્યા. પણ આ લોકોએ મળેલા લાભથી અસંતુષ્ટ થઈ તેમના આ નવા સરદારની સામે કાવતરાં કરવા માંડ્યાં. દિલ્હીના રસ્તામાં સરહિંદ આગળ તેને આ કાવતરાની ખબર પડી તેથી તેણે તે વખત તો ત્યાંથી આગળ વધવું માંડી વાળ્યું અને કાબુલ તરફ પાછા ફરવાનો ઠરાવ કર્યો. અને તેને વિશ્વાસપાત્ર લાગ્યા એવા પોતાના સરદારોમાં પંજાબ વહેંચી નાંખી તે ઠરાવ અમલમાં આણ્યો.

તેણે સીંધુ નદી ઓળંગી ન ઓળંગી તેટલામાં તો પંજાબમાં નવા કજીઆ ઉભા થયા. અલ્લાઉદીન લોદી જેને દીપાલપુરનો મુલક સોંપ્યો હતો તે બાબર ૫ંડેજ હિંદુસ્તાન ઉપર હુમલો લાવવાનું માથે લેશે એવી આશાથી કાબુલ ભણી નાઠો. આ વખત બાબર હા પાડી શકે તેવું નહતું કેમકે ઉઝબેક લોકો બલ્ખને ઘેરો ઘાલતા હતા. તોપણ બાબરે તેને લશ્કર પુરૂ પાડ્યું અને પંજાબમાંના પોતાના સરદારોને તેને મદદ કરવાનો હુકમ કર્યો. પણ આખર સવારી નિષ્ફળ ગઈ અને ફરીથી એને દિલ્હીથી પંજાબ તરફ નાસવું પડ્યું. નાસતો નાસતો જે વખતે તે પંજાબમાં દાખલ થયો તે વખતે બાબર હિંદુસ્તાન ઉપર પાંચમી એટલે છેલ્લી સવારી લઈ આવવાની તૈયારી કરતો હતો.

[૧] આ ચઢાઈનું કેવળ દિગ્‌દર્શન કરાવીનેજ મારે સંતોષ રાખવો પડશે. પોતાના શાહજાદા હુમાયૂંને સાથે લઈને ખઈબર' પાસ ઉતરી તે પેશાવર આવ્યો. ત્યાં બે દિવસ વિશ્રામ લઈ તા. ૧૬ મી ડિસેમ્બરને દિવસે સિંધુ નદી ઓળંગી અને શીયાલકોટ ઉપર એકદમ ચાલ્યો. ત્યાં ડીસેંબરની ઓગણીસમીએ એ પહોંચ્યો કે એણે લ્લાઉદીન હાર્યાના અને નાઠાના સમાચાર સાંભળ્યા. લગાર પણ ચકિત થયા વિના બીજે દીવસે સવારે શીયાલકોટ અને રાવી નદી ઉપર આવેલા કલાનોરની વચ્ચે સરખે અંતરે આવેલા પરસારોર આગળ કુચ કરતો તે આવ્યો. ત્યાંથી કલાનોર આવી રાવી ઓળંગી ત્યાંથી બીયાસ નદી ઓળંગીને મીલવત નામના જે મજબૂત કીલ્લામાં તેનો પ્રથમ સહાયક દૌલતખાં ભરાઈ પેઠો હતો ત્યાં આગળ આવી પહોંચ્યો. મીલવત તરતજ વશ થયું. પછી જાલંદર દુઆબમાં થઈ તે લખે છે તેમ દૃઢ નિશ્ચય રૂપ પેંગડામાં પગ મુકી અને સર્વશક્તિમાન પ્રભુ ઉપર વિશ્વાસ રૂપી લગામ હાથમાં લઈ, તે સતલજ સુધી વધ્યો અને રૂપર આગળ તે નદી ઓળંગી ત્યાંથી અંબાલાને રસ્તે સીરાસવાને સામે કિનારે જમના નદી ઉપર આવ્યો. ત્યાંથી બે મજલ સુધી નદીને કિનારે કિનારે નીચાણમાં કુચ કરી બીજી મજલે તે દિલ્હીથી–વાયવ્ય કોણમાં–તેપન માઈલ ઉપર આવેલી પાણીપતની રણભૂમિ આગળ પહોંચ્યો. ત્યાં તે થંભ્યો અને છાવણી નાંખી. તા. ૧૨ મી એપ્રીલ સને ૧૫૨૬.

નવ દિવસ પછી બ્રાહીમ લોદીએ બાબરની ગણતરી પ્રમાણે એક લાખ લશ્કર લઈ તેની ખાઈથી રક્ષિત થયેલી છાવણી ઉપર હલ્લો કર્યો. બાબર લખે છે કે સૂર્ય એક કાઠી જેટલે ઉંચે આવ્યો તે વખતે પહેલો હલ્લો થયો. અને મધ્યાહ્ન સુધી લડાઈ ચાલી. પરિણામમાં બાબરના દુશ્મનોએ સખત હાર ખાધી. આ લડાઈ દરેક રીતે નિર્ણયકારક હતી. બહાદુરીથી લડતાં લડતાં બ્રાહીમ મરાયો. અને આખુ હિંદુસ્તાન વિજેતાને પગે આવી પડ્યું. તેજ દિવસે બાબરે દિલ્હી અને આગ્રાનો કબજો લેવાને પોતાનું લશ્કર મોકલ્યું. અને તા. ૨૪ મી એપ્રિલ અને ૪ થી મેને દિવસે અનુક્રમે આ બે કાર્યો સિદ્ધ થયાં.

  1. ❋બાબર પોતાની તવારીખમાં આનો હેવાલ આપતાં લખે છે કે–થોડે થોડે લેતાં આખરે હિંદુસ્તાનના ઉમદા મુલકનો હું વિજેતા થયો. આ બધું મારા પોતાના બળથી નહિ તેમજ મારા બળથીજ પ્રાપ્ત થયેલા સારા નશીબે પણ નહિ પણ સર્વશક્તિમાન પ્રભુના કૃપા અને સદ્ભાવના ઝરાથી સિદ્ધ થયું છે.