અકબર/સોળમા સૈકાના મધ્ય ભાગમાં હિંદુસ્તાનની સામાન્ય સ્થિતિ.

વિકિસ્રોતમાંથી
← પિતાની ગાદી માટે અકબરનો વિગ્રહ. અકબર
સોળમા સૈકાના મધ્ય ભાગમાં હિંદુસ્તાનની સામાન્ય સ્થિતિ.
ઉત્તમલાલ ત્રિવેદી
બેરામના રક્ષણમાં અકબરનું બાલ્ય. →


પ્રકરણ ૯ મું.


સોળમા સૈકાના મધ્ય ભાગમાં હિંદુસ્તાનની સામાન્ય સ્થિતિ.

મોગલ બાદશાહની પૂર્વના અફઘાન બાદશાહોએ જીતેલા સતલજની દક્ષિણના રાજ્યનો હિંદુસ્તાનના રાજ્ય તરીકે લેખાવાનો કાંઈ હક નહતો. ખરી રીતે એ દિલ્હીનું રાજ્ય હતું. એટલે એમાં સને ૧૮૫૭ સુધી વાયવ્ય પ્રાંતોને નામે ઓળખાતા પ્રદેશોનો, બંગાળા ઇલાકાના હાલ પશ્ચિમ બિહારને નામે ઓળખાતા મુલકનો અને મધ્ય દેશો અને રજપુતાનાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો. તેમજ પંજાબ પણ એના પેટામાં હતું. ક્ષણભર તઘલખ વંશના બાદશાહો બંગાળા અને લગભગ આખા દક્ષિણ હિંદુસ્તાન ઉપર સામ્રાજ્ય ભોગવતા પણ ઉત્તરમાંથી પહેલવહેલી ચડાઇએજ હિંદુ રાજાઓને અણગમતી ધુરા કાહાડી નાંખવાનો લાગ આપ્યો. તેનો લાભ એઓએ લીધો અને એ ધુરા ફરીથી પાછી નંખાઈ નહતી. ગંગાના મુખથી તે ગોદાવરીના મુખ સુધીના વિસ્તારવાળું ઓરીસાનું તેજસ્વી રાજ્ય હમેશાં પોતાનું સ્વાતંત્ર્ય સાચવી રહ્યું હતું. પશ્ચિમ હિંદુસ્તાન પણ થોડા વખત સૂધી પરદેશી વીરપુરુષોની આણ માનતું બંધ થયું હતું અને તેનાં જુદાં જુદાં સંસ્થાનો થઈ રહ્યાં હતાં.

આ પ્રમાણે કબર ગાદીએ આવ્યો ત્યારે હિંદુસ્તાનના પશ્ચિમ ભાગ ઉપર એટલે ગુજરાતના રાજ્ય ઉપર રાજ્ય કરતો અફઘાન વંશનો મુસલમાન બાદશાહ સ્વતંત્ર હતો. હુમાયૂંએ એ રાજ્ય ઉપર પોતાની છત જણાવી હતી. પણ એ હિંદુસ્તાનમાંથી નાઠો ત્યારે તે પાછું સ્વતંત્ર થયું હતું, અને ત્યાર પછી એને છેડવામાં આવ્યું ન હતું. એના સીમાન્ત પડોશી માળવાના રાજ્ય સાથે પણ એણેજ લડાઈ ચલાવી હતી અને એમાં એને છેક નિષ્ફળતા મળી નહતી. એ માળવાના રાજ્યમાં પણ હાલના મધ્ય હિંદુસ્તાનના ઘણા ભાગનો સમાવેશ થતો હતો. કબર ગાદીએ આવ્યો ત્યારે તે રાજ્ય પણ સ્વતંત્ર હતું. તેમ ખાનદેશ અને રજપૂતાનામાં રાજ્યો પણ સ્વતંત્રજ હતાં. આ રજપૂતાનાના રાજ્યોની કંઈક સવિસ્તર નોંધ લેવી યોગ્ય લાગે છે.

પ્રસંગવશાત્ રાણાસંગનાં પરાક્રમોનું પૂર્વના એક પ્રકરણમાં કંઈક સૂચન થઈ ગયું છે. બાબરે મેવાડને હંફાવ્યાથી એ દેશના બળ ઉપર ઘણી અસર થઇ હતી. અને જ્યારે શેરશાહે હુમાયૂંને હિંદુસ્તાનમાંથી કહાડી મૂક્યો ત્યારે તે દેશના રાજાઓને આખરે વિજેતાનું સામ્રાજ્ય કબુલ કરવાની ફરજ પાડવામાં આવી હતી. પણ શેરશાહના મરણ પછી જે ખટપટો ચાલી તે દરમિયાન તે સહુ સ્વતંત્ર થયાં હતાં અને કબર ગાદીએ આવ્યો તે વખત રજપૂતાનાના રાજ્યોએ પોતાના ઊંચો મરતબો સાચવી રાખ્યો હતો. બીજા રાજ્યોના સંબંધમાં ટુંકામાં આટલું કહેવું બસ છે કે જેપૂરના રાજ્યે બાબરના વખતમાંજ મુગલ બાદશાહને નમતી આપી હતી. તે વખતના રાજા હારમાએ આ બાદશાહોને લશ્કરની મદદ આપી હતી અને શેરશાહના હરાવ્યા પહેલાં હુમાયૂંએ એને ‘અમ્બરના રાજા’ એવો ઊંચો બાદશાહી ઈલ્કાબ બક્ષ્યો હતો. કબરે પાણીપતની લડાઈમાં વિજય કર્યો ત્યારે હારમાનો દીકરા ગવાનદાસ ગાદીએ હતો. તે વખતમાં જેપુરના કરતાં જોધપુરનો મરતબો ઘણો ભારે હતો. ત્યાંના રાજા લદેવસિંહે શેરશાહને રણભૂમિમાં જેટલી તકલીફ આપી હતી તેટલી તેના બીજા કોઈ શત્રુએ આપી નહતી. તોપણ નાસતા હુમાયૂંને એણે શરણ આપ્યું નહતું. કબર દિલ્હીની ગાદી ઉપર બેઠો ત્યારે તે જીવતો હતો, સ્વતંત્ર હતો અને રજપૂતાનાના રાજાઓમાં બલિષ્ઠ રાજા હતો. જેસલમીર, બીકાનેર અને રણના છેડાનાં રાજ્યો બધાં સ્વતંત્ર હતાં. સિંધ અને મુલતાન પણ તેમજ મેવાત અને બુદેલખંડ કોઈ બહારના રાજાને માનતા નહતા. પણ ગ્વાલીયર, ઓર્ચ્છા, ચન્દેરી, નરવાર અને પનાઉ એ બધાંને આગ્રાની સમીપ હોવાથી કાંઈક ખમવું પડ્યું હતું. અને પોતાની સત્તા બેસારવાનો કોઈ વિજેતાને વખત મળતો તો તે પ્રમાણમાં તેઓ વધારે ઓછી ખંડણી ભરનારાં થઈ રહ્યાં હતાં.

પણ જે જીલ્લાઓ મહોમદન વિજેતાને પોતાના બાદશાહ રૂપે માનતા તેમનામાં પણ સંબંધનો અભાવ હતા. રાજા, સુલતાન, બાદશાહ, જે કહેવાતા હોય, તે, જુદા જુદા ઈલાકાઓના તથા તેમને સોંપેલા ઉમરાવના સરદારજ હતા. પોતાના મુલકમાં તેઓ સ્વતંત્ર રાજ્ય ચલાવતા. રણભૂમિમાં લશ્કરના તેઓ સરદાર રહેતા, પણ ઇલાકાઓની આંતર વ્યવસ્થામાં તે વચમાં આવતા નહિ. આ બધા ઈલાકાઓ વાતમાં તો નહિ પણ ખરૂં જોતાં સૌ સૌના સુબાઓના હાથમાં સ્વતંત્ર રાજ્યો હતાં.

સર્વ સંમત પ્રમાણ મુજબ આ વખતે મુસલમાન રાજ્યનાં સાત અષ્ટમાંશ ભાગની વસતિજ હિંદુઓની હતી. તેઓ સંતુષ્ટ હતા. બધાં રાજ્યો પોતપોતાની પ્રજાને સ્વધર્મનું આચરણ છૂટથી કરવા દેતાં. ફક્ત બીજા ધર્મની તમામ વસ્તી ઉપર નાંખેલો જઝીઆ વેરોજ તેમને આપવો પડતો. પણ રાજ્યના તમામ ખાતામાં હિંદુ તત્વ બહુ બળવાન હતું. ઘણાખરા જીલ્લાઓમાં આ ધર્મની ઊંચી જાતના પુરુષોના હાથમાં સુબાના હાથ નીચે વંશપરંપરાની સત્તા હતી. અને લડાઈના વખતમાં તેઓ પણ રણક્ષેત્રમાં નોકરી બજાવવા સારૂ પોતાના હિસ્સા પ્રમાણે લશ્કર પુરૂ પાડતા.

દરેક જીલ્લામાં આ પ્રમાણે એક સ્થાનિક લશ્કર જ્યારે જરૂર પડે ત્યારે સુબાને માટે તૈયાર રહેતું, પણ આ સિવાય અને આની સાથે કાંઈ પણ સંબંધ વિનાનું એક અમુક સંખ્યાનું બાદશાહી લશ્કર પણ રહેતું હતું. બાદશાહી એટલે આ લશ્કરનો પગાર સુલતાનને આપવાનો અને આની સરદારી સુલતાને નીમેલા અમલદારના હાથમાં રહેવાની. આ અમલદાર ઘણે અંશે સ્થાનિક સુબાથી સ્વતંત્ર હતો અને તે બાદશાહને સીધો જવાબદાર હતો.

વાતમાં તો ઇન્સાફની વ્યવસ્થા પરિપૂર્ણ હતી કારણ કે રાજ્ય કાયદાને વશ છે એ મુસલમાન ધોરણને અનુસારે ઈન્સાફ અપાતો હતો. ઈન્સાફ કરનારા કાજી લોકો હતા. અને તે ઈન્સાફ કુરાનને અનુસારે કરેલા ફેંસલાઓ એકઠા કરીને તારવી કહાડેલા એક સંગ્રહને અનુસરીને અપાતો. દીવાની એટલે કે રાજ્યની સલામતી સાથે કોઈ સંબંધ ન હોય એવાં કામો કાજી ચૂકવતા. પણ ફોજદારી કામો એવાં માણસો પાસે જતાં કે જેમની કામ કરવાની રીત ખરી રીતે બીલકુલ અચોકસ હતી અને જેઓ બાદશાહના નીમેલા અને બાદશાહના પગારદાર હોઈ કોઈ કોઈ વાર કાજીની સત્તામાં દરમિયાનગિરી કરતા હતા. તે પણ લોકોના સામાન્ય સંતોષ ઉપરથી બધું જોતાં આટલું બીનશક કહી શકાય કે ઇન્સાફ લોકોને સંતોષ રહે એમ અપાતો. કાળે કરીને પહેલવહેલા મુસલમાન આગન્તુકોના કુટુંબોનાં અને હિંદુ વતનીઓનાં હિતાહિત એક થઈ ગયાં હતાં અને તેઓ બન્નેને જે કાંઈ રક્ષણ થઈ શકે એવું રક્ષણ મેળવવા માટે, કાયદા સામું જોવાનું હતું.

ઘણી લડાઈઓ છતાં પણ લોકોની સામાન્ય સ્થિતિ–લોકોના લેખો ઉપર વિશ્વાસ રાખીએ તો, બહુ આબાદ હતી.

આપણે જે રાજ્યકારભાર ઉપર વિચાર કરવાનું કરીએ છીએ તેના સંબંધમાં આટલું આ ઠેકાણે જણાવવું અવશ્યનું છે કે હિંદુસ્તાનમાં પૂર્વે થઈ ગયેલા અફધાન બાદશાહોએ ચલાવેલા રાજ્યતંત્રમાં બાબર કે હુમાયૂં કોઇએ કાંઈ ફેરફાર કર્યો નહતો. બાબર તેમના કરતાં વધારે સ્વાશ્રયી રાજ્યનીતિના પરિચયવાળો હતો. ફરઘાના, સમરકંદ કે કાબુલ જ્યાં હોય ત્યાં રાજધાનીમાં પોતે સર્વોપરિ ધણી હતો એટલું જ નહિ પણ પોતે નીમેલા બહારના ઈલાકાના સુબાઓનો પણ પોતેજ શિરોમણિ હતો. આ સુબાઓ, આ જાગીરદારો અથવા જીલ્લાઓના સરદારો પોતપોતાની હદમાં સ્વતંત્ર જેવીજ સત્તાનો અમલ કરતા. પણ બાદશાહની મરજી મુજબ તેઓની એકથી બીજે ઠેકાણે બદલીઓ થઈ શકતી.

આજ રીતે બાદશાહી લશ્કર પણ બાદશાહની જીવાઈદારોનુંજ બનેલું હતું. અને તેમની સંખ્યામાં તેના સામંતો અને ખંડીયા રાજાઓના જીવાઈદારોથી તથા સર કરેલા ઇલાકાઓની વતની ટોળીઓથી ઉમેરો થતો હતો.

બાબર તેમજ તેના શાહજાદાનું રાજ્ય શુદ્ધ સ્વાયત્તસિદ્ધિનું હતું. રાજ્યનિયંત્રણ વિનાની સંસ્થાઓનું તો નામ પણ નહોતું. એક બાદશાહે પસાર કરેલા કાયદાઓ બીજો બાદશાહ રદ્દ કરી શકતો. સર્વત્ર અહંતા ઉત્કટપણે દેખાતી, ફતેહમંદ ફિતુર સિવાય બાદશાહની મરજી ઉપર બીજો દાબ નહતો. પણ જો બાદશાહો સમર્થ હોય તો ફિતુરની ફતેહ કેવળ અશક્યજ હોય.

હવે બાબરે હિંદુસ્તાનના જે ભાગો જીત્યા એ ભાગોમાં ચાલતી રાજ્યનીતિ તત્વ વિચારતાં ઉત્તરના દેશમાં જે નીતિનો એને પરિચય હતો, તેના કરતાં જરા પણ જૂદી નહતી. એ તંત્ર ફેરવવા તરફ તેનું લક્ષ હોત તોપણ એને વખત નહતો. એના ઉત્તરાધિકારીને વખત ન હતો તેમ મન પણ નહતું. એના મરણ પહેલાં જે તંત્ર એણે વિચાર કરીને ઘડી કહાડ્યો હતો તે હિંદુસ્તાનમાં ચાલતા આવેલા તંત્રથી મુદ્દાની વાતમાં જરા પણ આગળ વધેલો નહતો. એણે એના રાજ્યના છ મોટા વિભાગ કરવાનો અને દિલ્હી, આગ્રા, કનોજ, જુઆનપુર (પાંડુ) અને લાહોર એ એમનાં મુખ્ય મથકો બનાવવાનો વિચાર કર્યો હતો. આ બધાં શહેરોમાં એક વિશ્વાસુ સેનાપતિના હાથમાં મોટાં લશ્કરી થાણાં રાખવાનાં હતાં. આ લશ્કરો એવાં જબરાં રાખવાનાં હતાં કે કોઈને બીજાની મદદની જરૂર ન રહે. અને બાદશાહે આ બધા વિભાગોની વારાફરતી બાર હજાર ઘોડેસ્વારોની સાથે મુલાકાત લેવાની અને સ્થાનિક લશ્કરોને તપાસવામાં અને દરેક વિભાગની સામાન્ય સ્થિતિનું અવલોકન કરવામાં આમને એકત્રિત કરવાના. આ યોજના ખામીઓની ભરેલી હતી. પોતાના સેનાપતિઓ કરતાં બાદશાહ હમેશાં વધારે સમર્થ હોય તો પણ રાજ્યવ્યવસ્થાની આ રીત ખોટીજ કહેવાય. પણ જો એ ઓછો શક્તિમાન હોય તો તો આ તંત્ર એક વરસ પણ ચાલે નહિં.

 હુમાયૂંના અચાનક મરણે આ યોજનાને અમલમાં મુકવા ન દેતાં અટકાવી. ત્યાર પછી પેલા લડાઈના બનાવો બન્યા, જેના પરિણામમાં પાણીપતનો વિજય થયો. આ લડાઈઓએ બાબરે ત્રીસ વરસ ઉપર જે સ્થિતિનો અનુભવ કર્યો હતો તેજ સ્થિતિમાં કબરને મૂક્યો. તે વખતે વાયવ્ય પ્રદેશો, બિહાર અને મધ્ય હિંદના કેટલાક ભાગો ઉપર જય મેળવવાની તક મળી હતી. તે તકનો તેણે પૂર્ણ લાભ લીધો પણ હતો. કબરને પણ પાણીપતની બીજી લડાઈથી એજ લાગ મળ્યો હતો. એની સાથે કટોકટીથી લડી શકે એવો એકજ શત્રુ હતો અને તેને એણે અહીંઆં હરાવ્યો હતો. ત્યારે હવે મુલક મેળવવા એટલોજ પુરુષાર્થ છે એમ ધારીએ તો એનું કામ હવે બહુજ સહેલું હતું. પણ એનું ખરૂં કામ એ હતું કે મેળવેલા વિજયો ચિરસ્થાયી કરવા; જુદા જુદા ઈલાકાઓને અને ભિન્ન ભિન્ન પ્રજાઓને એકત્ર કરવી; બાદશાહનો અમલ દરેક શહેરમાં અને દરેક જીલ્લામાં વ્યાપી રહે એવી કેન્દ્રાવલંબી એક રાજ્યરીતિ ઘડી કહાડી તે દાખલ કરવી. અને તે રીતિ કેન્દ્રાવલંબી છતાં પણ એટલી બધી સખ્ત ન રાખવી કે જે સ્થાનિક સંપ્રદાયો સ્થાનિક રીતરીવાજો અને સ્થાનિક વ્યવહારનો લોપ કરે. આ કામ એના દાદાએ અજમાવ્યુંજ નહતું. એજ કામ એના બાપને સૂઝયું હોત અથવા એની સમક્ષ કોઈ એ રજુ કર્યું હતુ તો પણ અશક્ય જ લાગત. પણ એમના રાજ્યવ્યવહારમાં આવા ક્રમને અભાવોજ સને ૧૫૨૬ માં પાણીપતને પ્રભાતે જીતેલું રાજ્ય ભૂમિમાં ઊંડા મૂળ નાંખ્યા વિનાનું, અવિચ્છન્ન લશ્કરી વિજય ઉપરજ આધાર રાખીને રહે એવું એક પ્રચંડ ઝપાટાની સાથે ઉડી જાય એવું તથા ઘઝની, ઘોર ખીલજી, તઘલક, સૈયદ અને લોદી વંશના રાજ્યો કરતાં અંશમાત્રમાં પણ ચડતું નહિ: એવું જ રહ્યું, આના કરતાં વધારે સજ્જડ નહતું—એ વાત તો શેરશાહના હુમલાથી બાબરે સ્થાપેલું રાજ્ય એના પછીના રાજ્યમાં કેવી સહેલાઈથી પડી ભાગ્યું એ વાત ઉપરથી સિદ્ધ થાય છે. એક્વાર આપણે એમ માનીએ કે બાબર અમર રહ્યો હત તો ઘણે ભાગે એણે શેરશાહને મારી કહાડ્યો હત, પણ એમ માન્યાથી મારી દલીલ જ સાબીત થાય છે. બાબર બહુ સમર્થ સેનાપતિ હતો. તેમ શેરશાહ પણ તેવોજ હતો. હુમાયૂં અદૃઢ અને કાર્યકુશળતા વિનાનો હતો અને સેનાપતિ તરીકે તો તે હીસાબમાં પણ નહતો. હુમાયૂં ઉપર વિજય મેળવનાર શેરખાંને બાબરે હઠાવ્યો હત એ શક્ય છે. પણ આ ઉપરથી એટલુંજ સિદ્ધ થાય છે કે બાબરે પ્રચારેલો રસ્તો જે એને જીંદગીભર પરિચિત હતો અને જે રસ્તાથી એણે ફરઘાના અને સમરકંદમાં વારાફરતી ખોયાં તથા મેળવ્યાં; જેણે એને કાબુલ તથા થોડાં વર્ષ પછી હિંદ મેળવી આપ્યું: તેજ રસ્તો એટલે કે “બળીઆના બે ભાગ” વાળોજ રસ્તો હતો. ફરઘાના, સમરકંદ, કાબુલ, પંજાબ, કે હિંદુસ્તાન કોઈ પણ ઠેકાણે એણે ઊંડાં મૂળ નાંખ્યાં નહતાં. એનાથી ઊંડાં મૂળ નંખાઈ શકે એમજ નહતું કારણ કે એનામાં અંકુર લાવવાની શક્તિ નહતી.

અને અત્યારે સને ૧૫૫૬ ના અંત ભાગમાં એક વાર મેળવેલું અને ખોયેલું તથા વળી ફરીથી મેળવેલું રાજ્ય, ચૌદ વરસ અને એક માસની ઉમરના વિપત્તિ અને અનુભવની શાળામાં ઉછરેલા, એક કુમારના હાથમાં આવ્યું. પાણીપતે એને હિંદુસ્તાન આપ્યું હતું. નાનો હતો તોપણ એને રાજ્ય મામલાઓનો ઘણો અનુભવ થઈ ગયો હતો. એનો બાપ વારંવાર એની સલાહ લેતો. એ વખતના સર્વોત્તમ સેનાપતિ બેરામના હાથ નીચે એને વ્યાવહારિક લશ્કરી કેળવણી આપવામાં આવી હતી. છ મહીના ઉપરની મુદ્દત સુધી તેણે પંજાબમાં અમલ ચલાવ્યો હતો. પણ હવે, વિજયાર્થી તરીકે તેમજ રાજ્યકાર્યભારી તરીકે એની કસોટી નીકળવાની હતી. આ બાબતમાં એના પિતાનું દૃષ્ટાંત તેમજ બેરામનું શિક્ષણ એને કાંઈ પણ કામમાં આવે એમ નહતું. આટલે સુધી જેટલું જણાયું છે તે દરમિયાન તો તેણે સંકટને સમયે જોઈતા ત્વરિત ઠરાવ કરવાની શક્તિનાં બીજનો અને દયા ઉપર વલણવાળા સ્વભાવનો દેખાવ આપ્યો હતો. હેમુને કાપી નાંખવાની એણે ના કહી હતી, પણ એની સમક્ષ હવે જે કામ પડ્યું હતું તેને માટે બીજા ગુણોની જરૂર હતી. હવેનાં એનાં કામોથી પડતા પ્રકાશથી આ કામને માટે એનામાં શું શું ગુણો હતા તે આપણે હવે તપાસીએ.