અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૮મો

વિકિસ્રોતમાંથી
← અકબરશાહ અને બીરબલ ભાગ-૭મો અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ
અકબરશાહ અને બીરબલ ભાગ-૮મો
નવલરામ પંડ્યા
અકબરશાહ અને બીરબલ ભાગ-૯મો →


અકબરશાહ અને બીરબલ ભાગ-૮મો

અકબરશાહ અને બીરબલ

વર્ષાઋતુ વિષે બીજા બધાએ કવિતા બનાવી, પણ બીરબલ કાંઇ બોલ્યો નહિ તેથી પાદશાહને આશ્ચર્ય લાગ્યું. એને કહ્યું કે, બીરબલ, તું કેટલાક દિવસથી કેમ સભામાં મન મૂકીને બોલતો ચાલતો નથી. કાંઇ જવાબ ન દેતાં બીરબલ દિલગીરી ભરેલે ચેહેરે નીચું જોઈ રહ્યો. પ્રેમાળ ફૈજીએ કહ્યું કે, સાહેબ, જે દિવસથી એના ઉપર પેલું આળ આવ્યું ત્યારથી એ પહેલાંના જેવો હસમુખો દેખાતો નથી.

બાદશાહ બોલ્યા કે જો તે વાતનો ખર્ખરો હજી એના મનમાં રેહેવા દેતો હોય તો એને ગાંડો જાણવો. એ અમારી તપાસમાં કેવળ નિર્દોષ ઠર્યો છે અને અમારી પ્રીતિ એના ઉપર હતી તેથી પણ હાલ અધિક છે. બીરબલે નમ્રતાથી ઘણી ઘણી તાઝીમની સાથે કહ્યું કે ખુદાવંદ સાહેબે તો પોતાના હમેશના કૃપાળુ સ્વભાવ પ્રમાણે મને પાછો પ્રીતિમં સંપૂર્ણ રીતે દાખલ કર્યો છે, તોપણ મારી જે ફજેતી થઈ તે મારા મનમાંથી હું બહુ કરૂં છું તોપણ દૂર થતી નથી.

પેલા જોશીએ કહ્યું, સાહેબ, બીરબલ ખરૂં કહે છે. બદનામી બહુ બુરી ચીજ છે અને તે સારા માણસના અંતઃકરણમાં રાત દહાડો સાલ્યાજ કરે.

बदनामी बूरी बहुत, जगमें जान निःशंक;
एक कलंकके कारने, क्षण क्षण क्षीण हि मयंक.

અર્થ :-નિશ્ચય જાણો કે જગતમાં બદનામી બહુજ ખરાબ છે, ચંદ્ર આવો રૂડો અને સર્વપ્રિય છે તોપણ એક જુજ કલંક લાગ્યું છે તે કારણથી તે પળપળ (પોતાના દીલમાં બળીને) ક્ષીણ થઇ જાય છે.

બાદશાહે કહ્યું કે તમારો તર્ક તો ઠીક છે, પણ ચંદ્ર ને બીરબલ બંને મને તો ઘેલા જણાય છે. જગન્નાથ, તમે કાંઇ બંનેને શીખામણ રૂપ બોલો કે તેઓ પોતાની ગાંડાઇ મૂકી દે. જગન્નાથ કહે, ચંદ્રને તો આરંભમાંજ બોધ મળ્યો છે, તેથી ક્ષીણ થાય છે તો ખરો, પણ પાછો પોતાની મેળે જ સમજીને વૃદ્ધિ પામે છે, અને મને આશા છે કે બીરબલ પણ તેમજ કરશે. તે છતાં આપની આજ્ઞા છે તો પહેલાં એક દુહો મારે પોતાને માટે જ કર્યો હતો તે બોલું છું.

क्यौंहि किई क्षीण सब कला ? सुन शठके कटु बैन ?
रसदर्शीकी नज़रमें, अमृत पें तुं ऐन.

ભાવાર્થ :-તેં તારી સઘળી કળા ક્ષીણ કેમ કરી નાંખી ? શું શઠ માણસના કડવા બોલ સાંભળીને ? એમ તારે કદી કરવું નહિ, કેમકે રસના સમજવાવાળાની નજરમાં તો તું સદા અમૃતથી પણ સરસ છે.

આ દુહો ચંદ્ર અને કવિ એ બંનેને સરખીજ રીતે લાગુ પડે છે. શરદપૂનમની રાત્રિએ કેટલાંક માણસો ભેળા થઇને ચાંદનીમાં ખાતા હતા. બધા આનંદમાં તલ્લીન થઇ ગયા છે તે વેળા તેમાંથી કોઈ નીરસ માણસ બોલી ઉઠ્યો કે ચંદ્ર ગમે તેવો ખીલે પણ એમાં પેલું કલંક છે તે કાંઇ ઢાંક્યું રહેતું નથી. આ પ્રસંગે આવું વચન બધાને વસમું લાગ્યું પણ કોઇ બોલ્યું નહિ. પંદર દહાડા પછી તેઓ પાછા દીવાળીને દિવસે રાતને સમે મળ્યા. તે વેળા જુએછે તો ચંદ્રની સઘળી કળા નાશ પામી ગએલી અને આકાશમાં અંધારું ઘોર તે ઉપરથી તેમાંના કોઇ રસિક માણસે કાંઇક રીસ તથા ઉદાસીની સાથે ઉપલો દુહો કહ્યો.

કવિપક્ષે તો એનો અર્થ સ્પષ્ટજ છે. શઠ લોકનો અનાદર જોઇ ,મનમાં મૂઝાઇને કોઇ કવિ પોતાની કાવ્યકળા પ્રકાશતો બંધ પડ્યો હશે તેને કોઇ રસના સમજનારે ઉત્તેજન આપવા ઉપર પ્રમાણે કહ્યું.

બીરબલ અત્યાર લગી તો ચુપ બેસી રહ્યો હતો, પણ આ પ્રસંગે તેનાથી બોલ્યા વિના રહેવાયું નહિ. એણે કહ્યું, પંડિતરાજે બે અર્થ તો બરાબર લગાવ્યા, પણ હું ધારૂં છું કે જે અર્થે એમણે એ દુહો મૂળ રચેલો તે તો કાંઇ જુદોજ હશે. જગન્નાથે હસીને કહ્યું કે બીરબલે પરીક્ષા તો સારી કરી. એનો અર્થ શૃંગારપક્ષે પણ થઇ શકે છે. એમાં ખંડિતા પ્રતિ દક્ષનાયકની ઉક્તિ છે.

પછીથી સભામાં ચર્ચા ચાલી કે લોકમાં નિંદા થાય તેથી ડરી રહેવું એ સારૂં કે પોતાની નજરમાં જે યોગ્ય લાગે તે કર્યાજ જવું. કોઈ કહે કે જગતનો સ્વભાવ તો છિદ્ર શોધવાનોજ છે અને તેના બોલવા ઉપર કાંઈ લક્ષ આપવું જોઇએ નહિ. કોઇ કહે કે પંચ ત્યાં પરમેશ્વર, ને પાંચ માણસ ખોડ કાઢે તો તે ખરીજ જાણવી. બીરબલના સામાવાળીયામાંથી કોઇ તજવીજથી એમ પણ બોલ્યો કે ચંદ્રમાં કલંક છે તોજ કોઇની પણ તે કહેવાની હિંમત ચાલેછે કેની ? આ ઉપરથી બીરબલને ગુસ્સો ચડ્યો ને તે નીચે પ્રમાણે બોલી ઉઠ્યો :-

मृदुमयंककलंक जन, ताकत भाखत मुख;
दुष्ट दृष्टि नहि कर शके. शूर सूर सन्मुख.

અર્થ :- ચંદ્ર કોમળ સ્વભાવનો છે તેથી તેનું કલંક માણસ તાકી તાકીને જુએ છે અને મોઢે પણ કહે છે, પણ શૂરા સૂર્યની સામા નજર કરવાની પણ દુષ્ટની હિંમત ચાલતી નથી.

બાદશાહ આ સાંભળીને રાજી થયો. પણ એક બીજાને મહેણાંટોણાં મારતા બંધ થાય એમ ધારી વાત ફેરવી અને કહ્યું કે આ સુંદર વર્ષાઋતુ ચાલે છે તે મૂકીને તમે બીજા ઉપર શા માટે છો. કોઇ બોલ્યું કે દરિયામાં આ વખતે જોવાલાયક તમાશો થઈ રહે છે. ઉપરથી મૂસળધાર વર્ષાદ પડે અને નીચેથી દરિયાના મોજાં મુછાળ મારી વાદળને અડકે તેથી આખું જગત જળમય દેખાય છે. જોશી કવિએ કહ્યું કે એ વિષે મેં કાંઇક કવિતા કરી છે તે સાંભળો :

जा बादलको सिंधुजल, उछलहि भेटत आप;
बर्खाऋतमें हर्खसे, देख स्वसूतप्रताप.

અર્થ :- વર્ષા ઋતુમાં દરિયાનું પાણી ઉછળીને વાદળને જઇ ભેટે છે, કેમકે મેઘ જે પોતાનો પુત્ર છે તેનો આ વેળા આવો મોટો પ્રતાપ જોઇને ઘણો હરખ થાય છે. મેઘને દરિયાનો પુત્ર કહેવાનું કારણ એ કે તેના પાણીની વરાળ થવાથીજ તે ઉત્તપન્ન થાય છે.

જગન્નાથે કહ્યું કે જોશીએ કવિતા ઠીક કહી સંભળાવી, કેમકે એમાં વર્ષાઋતુના વર્ણનની સાથે વત્સરસ પણ આવ્યો.

વરસાદનાં ઝીણાં ઝીણાં ટપકાં પડતાં જોઇ કોઇએ કહ્યું કે આકાશમાં આટલું બધું પાણી ભર્યું છે છતાં વરસાદ કેવો કૃપણ છે કે ટીપેટીપું જ આપે છે. રાજા ટોડરમલ્લે કહ્યું કે આ પ્રમાણે જ મૂર્ખા લોકો ડાહ્યા રાજાઓની નિંદા કરે છે, પણ તેમણે મેઘરાજાની કૃતિ જોઇને દિલાસો લેવો જોઇએ.

बूंद बूंद घन देत जल, जदपिउ सिंधुसम कोष;
अखंड अवनीपाल क्यौं, करे अनीति दोष ?

અર્થ :-મેઘરાજાની પાસે દરિયા જેવડો મોટો ભંડાર છે તોપણ તે ટીપે ટીપેજ પાણી આપે છે; જેને આખી પૃથ્વી પાળવી છે તે તે અનિતીનો દોષ કેમ કરે ?

એ સાંભળી જગન્નાથ પંડિત નીચે પ્રમાણે બોલ્યા -

नदी नया जल पायके, फूली किया सब ख्वार;
फिर ग्रीखम कें खपबखत, धुल हुड निर्धार.

એનો અર્થ એવો છે કે વરસાદનું નવું પાણી એક નાની નદીમાં આવ્યું કે તે એકદમ ફૂલી ગઇ, એટલે મોટું પૂર આવ્યું અને ચોતર્ફ રેલાઈ ગઈ, તેથી આસપાસ ખેતરો, બાગબગીચા, ને ગામો હતાં તે પણ સઘળાં ખરાબ થઇ ગયાં. એ રીતે પોતાની આબાદીના વખતમાં એ નદીએ પોતાનું કે પારકું કાંઇ ભલું કર્યું નહિ, પણ ઉલટી બધાને દુઃખ રૂપ થઇ પડી, પછી જ્યારે ઉન્હાળામાં પાણીની ખપનો વખત આવ્યો, ત્યારે તો પોતે સૂકાઈ ગઈ, તે ત્યાં ધૂળ ઉડવા લાગી, તો બીજને તે વેળા તે શો ફાયદો કરી શકે ? મતલબ અણસમજુ ઉડાઉ માણસો બીજાને કાંઇ પણ ફાયદો કરતાં નથી, પણ પરિણામે પંડને અને બીજાને તેઓ દુઃખરૂપ જ થઈ પડે છે.

આ કવિતા સાંભળી સઘળાનાં દિલ બહુજ રંજન થયાં. બાદશાહે પ્રસન્ન થઈ કહ્યું કે જગન્નાથ કવિની વાણીમાંજ મીઠાશ રહેલી છે. હવે તો બીરબલ એનો ખેદ મૂકી દે અને પ્રફુલ્લિત ચિત્તે વર્ષાઋતુ વિષે કાંઇ કવિતા કરે તો પછી આપણા આનંદમાં કાંઈ ન્યૂન રહે નહિ.

બીરબલે કહ્યું કે આપના હુકમ આગળ ખેદ કે દીલગીરીની શી તાગાદ છે કે તે ટકી શકે. એમ કહી કવિતા કરવા સારૂ આકાશ ભણી એણે સહેજ નજર કરી જોય છે તો આકાશમાં મનોહર લીલા થઈ રહી હતી, સૂર્ય આથમવાનો વખત હતો, પશ્ચિમ દિશા અવનવા રંગોથી દીપી રહી હતી. માથા ઉપર મેઘધનુષ્ય ઝળકી રહ્યું હતું, અને પૂનેમ હતી તેથી પૂર્વ ભણી ચંદ્ર પણ ઉગ્યો હતો. મહેલના બાગમાં માંડવા નીચે એ દહાડે બેઠક હતી તેથી વનસ્પતિની શોભાનો પણ કાંઈ પાર નહોતો, બીરબલ તો આ સૌંદર્યસિંધુમાં ગરકજ થઇ ગયો, અને શું કરૂં ને શું મૂકી દઉં તેની એને કાંઈ સૂઝ પડે નહિ.

એવામાં ઘોડો ફેંકતા મિયાં અબુલફઝલ ત્યાં આવી પહોંચ્યા અને તેના દેખાવ ઉપરથી જણાયું કે કાંઇ અગત્યની ખબર લાવ્યા છે, એણે તુર્ત આવીને બાદશાહના હાથમાં કાંઇ કાગળ આપ્યો. બાદશાહ ઝપાટામાં તે કાગળ ઉપર નજર ફેરવી ગયા, ક્ષણેક વિચાર કર્યો, તે પછીથી જાહેરમાંજ કહ્યું કે અબુલફઝલ, એમાં કાંઈ ગભરાવા જેવું નથી, કાલે અમે પંડેજ ફક્ત બે હજાર સવાર લઇને એ રાજા ઉપર ચડીશું, પણ મને આશ્ચર્ય લાગે છે કે ચંદ રાજાની ઉપર હું આટલી બધી પ્રીતિ રાખતો હતો તે છતાં એણે બંડ શા માટે કર્યું હશે.

આ સાંભળી બધા નીચું જોઈ રહ્યા, કેમકે બધાના જાણવામાં હતું કે કેટલાક વખતથી સઘળા રજપૂતો ધુંધવાઈ રહ્યા હતા, અને તેનું કારણ એ હતું કે કેટલાક વખતથી અકબરશાહના ઝનાનામાં દર શુક્રવારે મોટી મોટી રજપૂતાણીઓને બોલાવવામાં આવતી, ત્યાં બજાર ભરાતો અને વખતે પાદશાહ પંડે તે જોવાને નિમિત્તે ત્યાં જતો, એમાં બગાડો તો કાંઇ નહોતો, પરંતુ રજપૂતોના જીવ એથી બહુ કચવાતા હતા, પણ આ વાત પાદશાહને મોઢે કોણ કહે ? રાજા ટોડરમલે બીરબલને ઇશારત કરી કે તું બટકબોલો છે તેથી તારાથી કહેવાય તો મશ્કરીમાં કહે, એણે માથું ધુણાવી કહ્યું કે ઠીક છે.

બાદશાહ તો બીજા દિવસની કૂચને માટે અબુલફઝલને સૂચના આપી રહ્યા કે જાણે કાંઇ નવીન બન્યુંજ ન હોય તેમ હસતે મ્હોંઢે બીરબલ તર્ફ જોઇને કહ્યું કે કેમ ? કવિતા તૈયાર થઇ કે નહિ. હાજી, એમ કહી બીરબલ નીચે પ્રમાણે બોલ્યો;

रंगबेरंग मनोहरां, पतरीपयोधरीवृंद;
मित्र ठरा थिर रक्त हो, चार चडाया चंद.