અગ્નિપ્રવાહ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શોભના
અગ્નિપ્રવાહ
રમણલાલ દેસાઈ
ભસ્મનાં પડ →


અગ્નિપ્રવાહ

‘તમે ખાદી કેમ પહેરો છો ?’ રંભાએ પરાશરને પૂછ્યું.

‘તમે આ પટોળું કેમ પહેરો છો ?' પરાશરે જવાબ આપ્યો.

યુવતીઓ હસી પડી. એ પટોળું ન હતું; પાટણની એ પ્રભુતા નામશેષ રહી છે. પરદેશી અનુકરણે પટોળાને ધાગો બનાવી દીધું છે અને રંભાનું વસ્ત્ર તો અનુકરણ-પટોળું પણ ન હતું.

‘તમને સમાજવાદી તરીકે ઓળખાવ્યા હતા એટલે હું પૂછું છું. ખાદી તો ગાંધીછાપ કહેવાય.' રંભાએ હસી રહીને વાત શરૂ કરી.

‘હું મજદૂરવાદી છાપનું વસ્ત્ર શોધું છું. એ જડે નહિ ત્યાં સુધી ખાદી પહેરીશ. બીજા કોઈ પણ વસ્ત્ર કરતાં એ મને મજદૂરછાપની બહુ પાસે લાગે છે.' પરાશરે કહ્યું.

‘મોંધું, યંત્રશક્તિ વગર તૈયાર થયેલું, કલાહીન વસ્ત્ર...’

‘મારી આગળ કલાનું નામ જ ન દેશો. એ રાગ, રંગ, નૃત્ય અને કલા તરફ દોડતું માનસ મને આજ તો ભારેમાં ભારે પ્રત્યાઘાતી લાગ્યા કરે છે.’ પરાશરે કહ્યું.

‘તમને અદેખાઈ તો અસર નથી કરતી ? વિનીએ પૂછ્યું.

‘હશે; પરંતુ એ અદેખાઈ હવે તિરસ્કારમાં ફેલાઈ ગઈ છે. વર્તમાન પ્રત્યે મને તિરસ્કાર-ધિક્કાર ઉત્પન્ન થતો જાય છે.' પરાશર બોલ્યો.

‘તમે બંનેને અન્યાય કરો છો. આજનો યુવક અને આજની યુવતી એટલાં પ્રગતિમાન છે કે...' રંભાએ કહ્યું.

‘તમને કલા વગર ચાલતું નથી, અને કલામાંથી કૂદકો મારી કામમાં રાતદિવસ ડૂબકીઓ માર્યા જ કરવી છે.' પરાશર રંભાને અટકાવી વચમાં બોલી ઊઠ્યો. ‘એ તો સ્વાભાવિક વસ્તુ છે. વાસનાને તિરસ્કારવી એ તો જીવનને તિરસ્કારવા બરોબર છે.' તરિકા બોલી.

'જ્યાં સુધી આખી જીવનવ્યવસ્થા સ્વાભાવિક ન બને ત્યાં સુધી વાસના પણ સ્વાભાવિક ન કહેવાય. હું ભણેલા ગુજરાતને મોગલાઈ વિલાસ અને રજવાડી રંગરાગ તરફ પાછાં પગલાં ભરતો જોઉ છું.’ પરાશરે કહ્યું.

‘તમે ક્યાંના રહીશ છો ?' તારિકાએ પૂછ્યું.

‘ખાસ માન ઉપજાવે એવું સ્થાન નથી.' પરાશરે કહ્યું.

'તમને તો કશા પ્રત્યે માન હોય એમ લાગતું નથી.' રંભાએ કહ્યું.

'ખરું છે.'

'છતાં તમે કાલે અમારી સભામાં આવશો તો ખબર પડશે કે અમારો કાર્યક્રમ કેવો ઘડાય છે !’ વિની બોલી.

‘કયી સભા ?' પરાશરે પૂછ્યું.

'Young Intellectualsની.'

‘એનું ગુજરાતી નામ પણ ન જડ્યું ?' પરાશરે પ્રશ્ન કરી સભાને હલકી પાડવાનું સૂચન કર્યું.

‘એવી પ્રાન્તિકતા શા માટે ?’

‘મહારાષ્ટ્ર અને બંગાળાને પૂછો. એમની પ્રાન્તિકતાએ હિંદને ગુજરાત કરતાં વધારે મોટા માણસો આપ્યા છે.' પરાશરે કહ્યું.

‘તમે ત્યાં આવીને ગુજરાતી નામ શોધી આપજો.’ રંભાએ જવાબ આપ્યો.

‘પરાશર ! તમે હજી શોભનાને ઓળખતા નથી, ખરું ?' તારિકાને તેના સમૂહમાં તેજસ્વી લાગતી વ્યક્તિનું સ્મરણ થયું.

‘હું ઘણાં ઓળખાણમાં માનતો જ નથી.’

‘તમે રહો છો. ક્યાં ?' રંભાએ પૂછ્યું.

‘તમને ન ગમે એવું એ સ્થાન છે.'

'છતાં હું આવીને તમને તેડી જઈશ.’

‘તો હું તમને મકાન બતાવતો જાઉં, જોયા પછી ન આવો એમ તો નહિ કરો ને ?' પરાશરે ગાડીની બાજુ બદલાવી રંભાને પૂછ્યું.

‘વર્તમાન યુવતી નિર્ભય છે એટલું પુરવાર કરવા ખાતર પણ અમે આવીશું.' વિનીએ કહ્યું. અને સારા સ્વચ્છ રસ્તાઓ મૂકી ગાડી સહજ અંધારાવાળા, સાંકડા અને અસ્વચ્છ, ભયપ્રદ રસ્તાઓ તરફ વળી. ‘રાત્રે જોયેલું ઘર સાંભરશે ખરું ?' તારિકાએ પૂછ્યું. અણગમાનો આ પ્રથમ પડઘો સાંભળી પરાશરે સ્મિત કર્યું.

‘શૉફરને તો ખબર હશે. ભાસ્કરની ગાડી કાલે આપણા જ કામમાં રોકાવાની છે.’ રંભાએ કહ્યું.

શૉફર પરાશરનો નિવાસ જાણતો જ હતો. તેણે ગાડી અટકાવી દીધી. અંધારી ગલી પાસે તે ઊતર્યો.

‘અહીં રહો છો ? રંભાએ પૂછ્યું.

‘હા.’ પરાશરે કહ્યું અને તે નીચે ઊતરી ગયો. તેણે કોઈને નમસ્કાર પણ ન કર્યા, અને આવજો. કહેવાનો વિવેક પણ ન કર્યો. સીધો તે અંધકારમાં અદૃશ્ય થઈ ગયો.

એ અંધકારમાં શું હતું ?

અનારોગ્ય ફેલાવતી દુર્ગંધે પરાશરને પહેલો જ આવકાર આપ્યો. માનવદેહ માટે તિરસ્કાર ઉપજાવતાં અનેક જુગુપ્સાભર્યા કાવ્યો અને ગીતો તેણે સાંભળ્યાં હતાં, એ અનાકર્ષક ગીતોને તે ભૂલી જવા મથતો હતો, છતાં તેના હૃદયમાં એક ગીત તો ઊછળી જ આવ્યું, અને તેનો શબ્દશબ્દ તેની સ્મૃતિ ઉપર ફરી વળ્યો :

'હાડ માંષ ને રુધિર ભરેલું, મઢ્યું ચામડે અંગ,
ગંદા દેહનો ગર્વ નકામો, કાયાનો રંગ પતંગ,
ભરુંસો નહિ સાચો રે,
કાયાનો રંગ કાચો રે.
ભગવાન ભજો'

પરાશરને કમકમી આવી. ભગવાનને ભજવા માટે આ ભૂમિકા ? એ દેહ અને એ દેહના ભગવાન એ બંનેની અપાત્રતાનો વિચાર કરતો તે આગળ વધ્યો. અનેક ગંદા દેહ તેના માર્ગમાં પડેલા ધીમે ધીમે દેખાયા. કાથીના એક નાના ખાટલા ઉપર બે પુરુષો સૂઈ રહ્યા હતા. ખાટલાની પાસે જ ‘અર્ધ-ઉઘાડા દેહ'વાળી એક સ્ત્રી સૂતી હતી, અને એ સ્ત્રીના દેહને વળગીને - તેના ઉપર હાથપગ નાખીને - ચારપાંચ નાનાંમોટાં બાળકો પડ્યાં હતાં. તેમની આગળ બે સ્ત્રીઓ અને ચારેક પુરુષો પાસે તદ્દન જમીન ઉપર સૂઈ ગયેલાં દેખાયાં. એકબીજાને પગ, હાથ, શરીર વાગતાં હતાં તેનું કોઈને પણ ભાન હોય એમ લાગ્યું નહિ. છતાં ઊંઘમાં અને ઊંઘમાં પગ કે હાથની એક ઝપટ કોઈને વધારે વાગી ગઈ, અને એક નિદ્રાભરી ગાળ સંભળાઈ તથા જોરભેર લાતનો પ્રહાર થયો સમજાયો. સહજ દૂર એક બાળક ઠણઠણી ઊઠ્યું. તેને એક ધીબકો પડ્યો. બાળક વધારે રડ્યું, પરંતુ તેની રુદનશ્રેણી અધવચ તૂટી ગઈ લાગી. તે એકાએક શાંત પડ્યું અને શાંતિમાંથી આછાં ડૂસકાં સંભળાયાં.

'હજી છાનો નથી મરતો !’

સ્ત્રીનો આ પ્રશ્ન સાંભળી પરાશરે ધાર્યું કે માએ બાળકને એવી જબરજસ્ત ચૂંટી ભરી લીધી હશે કે જેથી છળી ગયેલું બાળક અધવચ રડતું અટકી પડ્યું. દારૂની આછી વાસ પણ જુદે જુદે ખૂણેથી આવતી હતી. મચ્છર ગણગણતા હતા; ઊંઘમાં અને ઊંઘમાં મચ્છરને ઉરાડતા કોઈ હાથ દેહને થાપટો મારતા હતા. દીવો તો હતો જ નહિ. એ આખી ચાલી મજૂરોથી વસેલી હતી. ઓરડીઓમાં ન માઈ શકતાં અગર રૂંધામણ ટાળવા મથતાં મજૂર-સ્ત્રીપુરુષો ઓરડીઓને જોડતી એક સળંગ ઓસરીમાં ગમે તેમ પડી નિદ્રાને શોધતાં હતાં, અને એ નિદ્રામાં સહાયભૂત થતી મદિરાનો પણ આશ્રય લેતાં હતાં. નિદ્રા પ્રેરે તે પહેલાં કેટલીયે મારામારી અને ગાળાગાળીનો પ્રવાહ મદિરા રેલાવતી હતી ! અને એ અભાનમાં આનંદ શોધવા ફાંફાં મારતાં કૈંક દેહ ઓળખ્યે - વગર - ઓળખ્યે વાસનાતૃપ્તિ માણી મદિરામય નિદ્રાને સહાય આપતા હતા. ! આ કૃત્રિમ નિદ્રા એ જ મજૂરજીવનના બળતા રણનો એક બાવળ હતો.

પરાશર થોડા દિવસથી પોતાની સગી આંખે મજૂરજીવન - મજૂરનું ગૃહજીવન નિહાળી રહ્યો હતો. મહા મુશ્કેલીએ મળેલી પોતાની ઓરડી પાસે તે આવ્યો. ઓરડીનું તાળું તૂટેલું હતું. તેણે બારણું ઉઘાડ્યું. હાથબત્તી સળગાવી અને પોતાની નાની પેટી તરફ નજર કરી. પેટીનું તાળું પણ તૂટેલું હતું. તેણે પેટી ઉઘાડી તેની પાસે પંદરેક રૂપિયાની પૂંજી ભેગી થઈ હતી. તે અદૃશ્ય થયેલી જણાઈ.

‘તાળાં વાસીએ ત્યારે તૂટે ને !’ પરાશરના મનમાં વિચાર આવ્યો; પરંતુ સરકારથી માંડીને થતી તાળાની શરૂઆત કઈ જગાએ અટકી શકે? ચોર અને ડાકુઓના વસેલા જગતમાં તાળાં સિવાય બીજું હોય પણ શું? તાળાના વ્યાપારીઓ કરોડપતિ બની ગયા હતા ! તાળાંમાં કળાકારીગરીએ વાસ કર્યો હતો ! કેટલાંક તાળાં ઊઘડતાં - વસાતાં સારીગમના સૂર ઉપજાવતાં હતાં. ! અને મહાન પુરુષો મકાનો ખુલ્લાં મૂકવાની ક્રિયામાંથી સોનાચાંદીનાં તાળાકુંચીની ભેટ પણ મેળવતા હતા ! આમ પરાશરને મન એક તાળું આખા જગતની સમાજવ્યવસ્થાને તોડવા માટે પૂરતી સાબિતી બની ગયું.

પરંતુ સમાજવ્યવસ્થા તો ન તૂટી; પણ પરાશરનું તાળું તો તૂટ્યું એટલું જ નહિ, તેના પંદર રૂપિયાયે ચોરાઈ ગયા !

તેના પંદર રૂપિયા ? કોના ? પરાશરના ? હજી દસેક દિવસ કાઢવાના હતા. ગરીબીનો પહેલો સાચો ધડકાર તેના હૃદયમાં ધબક્યો. મજૂરોનું જીવન જોવા, મજૂરોનું જીવન જીવવા, વૈભવ છોડી ગરીબીમાં ઊતરનાર પરાશરને ચિંતાએ મૂંઝવ્યો. સેવા કરવા માટે પણ જીવવું તો જોઈએ ને ? એ જીવન તે ક્યાંથી મેળવશે ? તેનાં માબાપ, તેના સધન મિત્રો સહુ એને યાદ આવ્યાં.

ભૂખે તો પરાશર ન મરી જાય; પરંતુ જેને પરાશરનું ભણતર નથી, પરાશરનાં માતાપિતા નથી, પરાશરના મિત્રો નથી, પરાશરના સંસ્કાર નથી, એવા અનેક ચાલીમાં રહેતા તેના સાથીદારોનું શું થાય ? જાતને, કુટુંબને, આશ્રિતોને મજૂરી કરી રોજનું જીવન અર્પતા મજૂરને ગરીબીના કેટકેટલાયે આવા થડકાર સહન કરવાના હોય છે ? હૃદય બંધ પડી જાય કે નિષ્ઠુર બની જાય ! કુદરતની ક્રૂરતાઓ વચ્ચે જીવતી રહેલી માનવજાત માનવીની જ - ભાઈભાઈની જ ક્રૂરતામાં જીવી શકશે ખરી ?

ખાટલા તરફ તેણે નજર કરી. એના ખાટલાની ઉપર મચ્છરદાની બાંધી હતી. મજૂરોની ગંદકીથી તે ટેવાયો, મજૂરોના ઝઘડાથી તે ટેવાયો, મજૂરોની ગાળાગાળી અશિષ્ટતાને તે સહી શક્યો; પરંતુ મજૂરોને ફોલી ખાતા મચ્છરોને તે સહી શક્યો નહિ ! આખા દિવસનો થાક ઉતારવા તે ખાટલામાં પડતો. ત્યારે મચ્છરોના ટોળાં તેની આસપાસ ફરી વળતાં અને તેના દેહ ઉપર મિજબાની કરતાં. તે રૂમાલ ફેરવતો, પંખો વીંઝતો, હાથ વડે થપાટો મારી દેહને લાલ બનાવતો, ક્વચિત્ ઊંઘમાંથી મચ્છરને ચટકે જાગી જઈ મચ્છરને હાથ વડે કચરી નાખતો, પરંતુ લોહીને ટીપે ટીપે નવીન જન્મ ધારણ કરતા અહીરાવણ-મહીરાવણ સરખા મચ્છરોનો જુમલો વધ્યે જ જતો હતો.

'બધું સહન થશે; પણ આ મચ્છરો સહન નહિ થાય !’ કહી બીજે જ દિવસે તે સોંઘી મચ્છરદાની લેઈ આવ્યો, અને મજૂરોની ચાલીમાં પહેલા વૈભવની શરૂઆત તેણે જાત માટે કરી. મચ્છરદાનીને અને પથારીને તેણે હાથે ખંખેરી નાખી. મોટરકારમાં બેસી ગ્રામોન્નતિ કરવા જનારા ગાંધીવાદી કરતાં સામ્યવાદી પરાશર બહુ આગળ વધ્યો હોય એમ તેને લાગ્યું નહિ.

જાતની ટીકાને ઝડપથી બાજુએ મૂકી. તેણે પથારીમાં સૂતે સૂતે સ્વપ્ન સેવવા માંડ્યાં. ભાસ્કરના મહેલમાં આ મજૂરોને કેમ રાખી ન શકાય ? ભાસ્કર તેનો મિત્ર હતો, સારા કામમાં પૈસા પણ આપતો. એના જ મહેલ ઉપર મજૂરોનો પ્રથમ હલ્લો શું કામ ન કરાવવો ? મજૂરો જ્યાં સુધી માગશે નહિ, માગણી પાછળ મુક્કો ઉગામશે નહિ, ત્યાં સુધી તેમને કશું પણ ક્યાં મળવાનું છે ? અને પરાશર જેવા સ્વાર્થ મૂકી ફકીર બનેલા સામ્યવાદીને પણ મિત્ર પ્રત્યેની બુર્ઝવા-મૂડીવાદી વફાદારી અસર કરી શકી !

આનો પાર ક્યારે આવે ! ભાવિ તેને અંધકારમય લાગ્યું. મજૂરો, કિસાનો, ગરીબો માટેનો સુવર્ણયુગ લાવવા મથનારને થોડા પૈસા જતા થરથરવાનું મન થયું. નાનપણમાં ગોખેલું ગીતાવાક્ય તેને યાદ આવ્યું :

क्षुद्र हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परंतप ।

હિંદના ઘડતરમાં જ આ ધર્મધેલછાની મેળવણી થઈ છે. ભગત બનવું એ જ જાણે ઉદ્ધારનો માર્ગ હોય એમ માનીને ચાલનાર હિંદનો છેલ્લો અગ્રણી ગાંધી પણ પ્રાર્થનાભોગી ! કે પ્રાર્થનાનો ભોગ ?

ગીતા ક્યારે ભુલાશે ? ઈશ્વર ક્યારે આ હિંદને પોતાની ચૂડમાંથી મુક્ત કરશે ? ખોટી વિચારશ્રેણીમાંથી નાસ્તિકો પણ હજી પૂરા છૂટ્યા નથી. નહિ તો પરાશરને શા માટે ગીતાનું ભૂલવા સર્જાયલું વાક્ય યાદ આવે ?

ભાસ્કરનો બંગલો અને ગીતાની ધર્મધેલછા નિદ્રાની એક છોળમાં ડૂબી ગયાં. શાસ્ત્રીય રીતે પૂરેપૂરી સમજાવી શકાતી નિદ્રાક્રિયાએ તેને શૂન્યમાં ઉતાર્યો. ઈશ્વર વગરની દુનિયામાંથી એક તત્ત્વે તો તેના જ્ઞાનતંતુઓને ટાઢા પાડ્યા.

પરંતુ તે ન સમજાય એવા કોઈ ઉગ્ર સ્વપ્નના ભારણ સાથે જાગ્યો. પરાશરને થોડી વાર સુધી તો એમ લાગ્યું કે એનું સ્વપ્ન હજી ચાલ્યા જ કરે છે. બહારના ભાગમાં બૂમાબૂમ, ગાળાગાળી અને મારામારી થતી હોય એમ લાગ્યું. મચ્છરદાની ઊંચકી તે બહાર નીકળી આવ્યો.

બાળકો, સ્ત્રીઓ અને પુરુષોનું ટોળું ભેગું થયું હતું. તેની વચમાં ત્રણ પઠાણો, ડાંગ અને ચપ્પુને આગળ ધરતા, એક પુરુષને પકડી ઊભા હતા. પકડાયેલો પુરુષ મજબૂત લાગતો હતો; પરંતુ પઠાણો આગળ લાચાર બની ઊભો રહ્યો હતો. સ્ત્રીઓ અને બાળકો ચીસો પાડતાં કકળતાં ઊભાં હતાં. ભેગા થયેલા પુરુષો ઊભા રહીને તેમના જ એક સાથીદારની દુર્ઘટના થતી જોતા હતા.

પકડેલા મજૂરને એક પઠાણે જબરજસ્ત ધોલ લગાવી દીધી. તેની આંખમાં ઝનૂન ચમકી ઊઠ્યું. પરંતુ તે સામો થાય એ પહેલાં બીજા પઠાણે તેની કમરમાં ડાંગનો ફટકો લગાવ્યો. ડાંગ મારનારે દયાથી ફટકો લગાવ્યો ન હતો. એટલે મજૂર કળ ખાઈ નીચે બેસી ગયો; તેની આંખનું ઝનૂન અદૃશ્ય થયું. દુઃખની તીવ્ર લાગણી અનુભવતા આ માનવીને ત્રીજા પઠાણે લાત લગાવી દીધી.

‘ચાલ પૈસા કાઢ ! તારાં બેરી - છોકરાં ક્યાં છે ?' લાત મારી જમીન ઉપર મજૂરને ગબડાવી પાડતા પઠાણે કહ્યું.

પરાશર વચમાં આવ્યો અને ધમકાવીને પૂછવા લાગ્યો :

‘કેમ મારો છો, આને ?’ ‘આમ.’ કહી પઠાણે મજૂરને બીજી લાત લગાવી દીધી.

‘તારે માર ખાવો છે ?'

પરાશર મજૂરોમાં અને ગ્રામજનતામાં રખડી રખડીને મજબૂત બન્યો હતો, પરંતુ તેને આ ત્રણે જબરજસ્ત પઠાણોની સામે થતાં બીક લાગી. એકલવાયા, સગાંસંબંધીઓથી છૂટા પડી ગયેલા આ આદર્શવાદી યુવકમાં ત્રણ જણની સામે થવાનું શારીરિક બળ નહોતું અને કળા પણ નહોતી. અખાડાનું એકાતનપણું છોડી દઈ 'મોસ્કો ડાયલૉગ્સ’[૧] ને પીઈ જનાર પરાશરને લાગ્યું કે નિદાન બે વધારે વરસ અખાડો સેવ્યો હોત તો આજે તે જરૂર કામ લાગત.

'કાયદાની ખબર છે કે નહિ ?' પરાશરે ધમકીનો ઉત્તર વાળ્યો.

‘કાયદો ? આ અમારો કાયદો.’ કહી એક પઠાણે કમરેથી ચપ્પું ખેંચી બતાવ્યો. ‘પાછો હઠ, સુવરના બચ્ચા !’

સમગ્ર જગતના કાયદાઓને તોડીફોડી શ્રમજીવીઓ માટે નવીન નિર્માણ રચવા મથતા પરાશરને મૂડીવાદી કાયદાનો આશ્રય લેવાની વૃત્તિ થઈ. એટલું જ નહિ, એ મૂડીવાદી કાયદાને નિષ્ફળ કરતા બાહુબળનો ચમત્કાર તેને પ્રત્યક્ષ દેખાયો.

ગાંધીજીનો સત્યાગ્રહ તેને યાદ આવ્યો; પરંતુ સત્યાગ્રહમાં તો મરવાની તૈયારી જેોઈએ. પઠાણ પ્રત્યે પ્રેમભાવના રાખવી જોઈએ. પરિણામનો વિચાર છોડી દઈ પઠાણનો હૃદયપલટો થશે જ એવી શ્રદ્ધા રાખવી જોઈએ. પરાશર મરવાને માટે તૈયાર હતો. પરંતુ તે આ નાનકડા કાર્ય અર્થે નહિ. મજૂરોની મોટી હળતાળોની આગેવાની કરી ગોળી ખાઈને, પ્રચંડ ક્રાંતિની યોજના કરતાં પકડાઈ જઈ ફાંસીએ ચડીને, અગર રાજાઓ, જાગીરદારો કે મિલમાલિકો વિરુદ્ધનાં કાવતરાંની જાળ ગોઠવતાં કોઈ મૂડીવાદીના ચક્રમાં પિસાઈને મરવાની તેની તૈયારી હતી. પઠાણ પ્રત્યે તેને જરાય પ્રેમ ન હતો, અને પઠાણનો હૃદયપલટો થાય એવી શ્રદ્ધાનો અંશ પણ તેના હૃદયમાં રહ્યો ન હતો.

ત્યારે તેનું કર્તવ્ય શું ? અર્ધ સાહસ અને અર્ધ અભિમાનની લાગણીએ તેના હૃદયને બળ આપ્યું. ચપ્પુ જેોઈ તેને પાછા ખસવાનું મન થયું; ઝનૂની પઠાણ જોતજોતામાં તેને ચપ્પુ મારતાં જરાય સંકોચ રાખશે નહિ એવી તેની ખાતરી હતી, છતાં મજૂરોનાં જીવનમાં જીવન મેળવવા મથનાર પરાશરથી પાછું તો ન ખસાય. તે ઊભો રહ્યો; એટલું જ નહિ, તે આગળ વધ્યો અને બોલ્યો :

‘હું જોઉ છું તું શું કરે છે તે ! ચાલ, છોડ આાને.’

મજૂરોથી જુદા પડતા આ યુવકની ભાષાએ ક્ષણભર પઠાણો ઉપર અસર કરી દેખાઈ, પણ તે ક્ષણવાર. પઠાણે પૂછ્યું :

‘તું પૈસા આપે છે ?'

‘શાના પૈસા ?' પરાશરે પૂછ્યું.

‘આને મેં રૂપિયા ધીર્યા છે, તે તું આપ અગર વચમાંથી ખસી જા.’

‘હું નહિ ખસું તો ?’

‘તો...' એક પઠાણે ડાંગ ઉપાડી, પરંતુ તે વીંઝીને પરાશરને મારે તે પહેલાં એક યુવાન મજૂરણ ટોળામાંથી ધક્કા મારતી બહાર આવી અને બોલી ઊઠી :

‘લો, લો તમારા પૈસા. શું કરવાને બધાંને મારી નાખો છો ?’ તેણે રૂપિયા કાઢી પઠાણો આગળ ધર્યા. એક પઠાણે તે લઈ લીધા, પડેલા મજૂર તરફ જોઈ તેણે કહ્યું :

‘આ મહિને તું બચી ગયો, બચ્ચાજી ! આવતે મહિને જો પૈસા ન આપ્યા તો મરી ગયો સમજજે.'

ફડફડતાં કબૂતરની સ્થિતિ ભોગવતાં મજૂર સ્ત્રીપુરુષોનાં હૃદયમાં જરા શાંતિ સ્થપાઈ. રૂપિયા ઉપર રૂપિયો વ્યાજ ચઢાવનાર પઠાણ લેણદાર પોતાની વધારાની રકમને વ્યાજ કહેવા દેતો ન હતો. કારણ મુસ્લિમ ધર્મ વ્યાજને હરામ માનેલું છે. ઈસ્લામમાં અભિમાન લેતા આવા પઠાણો વ્યાજને વ્યાજ ન કહેવા દઈ વ્યાજમુદ્દલ બંનેની વસૂલાત માટે એ શરીરશક્તિનો જ ઉપયોગ કરે છે, અને દેણદારો મૂંગે મુખે પોતાના દેહ ઉપર તેનો ઉપયોગ થવા દે છે. જોકે એ માર એટલો નિર્દય હોય છે કે બનતાં સુધી દેણદાર દેવાની રકમ આપવા ભાગ્યે જ ચૂકે છે. માર ખાતા મજૂરને છોડાવવાની પણ કોઈ હિંમત કરી શક્યું નહિ, અને વિજેતાની છટાથી પઠાણો હસતા, આંખો બતાવતા ત્યાંથી બહાર નીકળ્યા.

‘ભોગ એના, કોઈ શું કરે ? દારૂ પીવો, સિનેમા જોવો અને પઠાણો પાસે રૂપિયા લેવા ! આમ જ થાય ને ?’ એક સ્ત્રીએ ધીમે રહીને ટોળું વીખરાતાં કહ્યું.

‘દારૂ ના પીઉ તો બીજું શું કરું ?' મારથી થરથરી ગયેલા મજૂરે જમીન ઉપરથી ઊઠતાં ઊઠતાં કહ્યું.

‘લે ચાલ, હવે ઓરડીમાં.’ પૈસા લઈ આવનાર યુવાન મજૂરણે મજૂરનો હાથ ઝાલી કહ્યું અને તેને ઓરડી તરફ તે દોરવા લાગી. મજૂરે તેની સામે જોયું. અપમાન, શરમ અને નિર્બળતાના ભાનથી હણાઇ રહેલું તેનું આત્મમાન તેની પત્ની લાગતી મજૂરણ સામે વધારે તીવ્ર બન્યું. પોતાની જાતને કચરી નાખવાની અગર જગત સમસ્તને કચરી નાખવાની લાગણી તેને હૃદયમાં જાગ્રત થઈ.

‘તું પૈસા લાવી ક્યાંથી ?’ મજૂરે પૂછયું.

'જ્યાંથી લાવી ત્યાંથી; તારે શું ?’

‘કેમ, મારે શું ?’

'હવે ચાલ ઓરડીમાં, પછી વાત પૂછજે.'

'પૈસા ક્યાંથી લાવી એ કહે નહિ તો...' પઠાણના હાથનો માર ખાઈ અપમાન પામેલા પતિને પોતાનું અપમાન પત્ની ઉપર ઉતારવાનું સરળ હતું; પરંતુ ધમકીનું ચોક્કસ સ્વરૂપ તેણે દર્શાવ્યું નહિ.

‘નહિ તો શું ? બે લાપટ મારી લેજે.' પત્નીએ કહ્યું.

પઠાણની ગુંડાગીરી અસહ્ય હતી જ, તેમાં આ પતિની ગુંડાગીરી પરાશરે જોઈ. અને એ ગુંડાગીરીને સહન કરતી - સહન કરવાને સદાય તત્પર દેખાતી પત્નીના નિર્ભય માનસને પરાશર જોઈ જ રહ્યો.

‘લાપટ શાનો મારે વળી ? પઠાણને તારું ચોટલાખત તો તારા ધણીએ લખી આપ્યું હતું વળી ! હજી આવતે મહિને દેવું નહિ ભરે તો તારી બૈરીયે તારી નથી રહેવાની !’ એક પાસે થઈને જતી મધ્યવયી મજૂરણે ધણીધણિયાણીની વાતચીતમાં ભળી મહેણું માર્યું.

પરાશરે આ મહેણું બરાબર સાંભળ્યું. ચોટલાખતનો અર્થ સમજાવવાની જરૂર રહી ન હતી.

‘કયી ખત વગરની રહી ગઈ છે ?’ એવો એક ત્રીજી બાઈનો ધીમો ઉદ્દગાર આ મજૂરોની આખી ચાલી અને મજૂરોની આખી સૃષ્ટિને સ્પષ્ટ કરી રહ્યો હતો. ગુલામીની નવીન ભાત ઊપસી આવેલી પરાશરે જોઈ. ધન, વ્યાજ અને વેચાણ પ્રત્યે તેનો રોષ પહેલાં હતો. તેથી વધારે વધી ગયો.

ઓરડીમાં જઈ તેણે બારણાં બંધ કર્યા. ચારપાંચ પુસ્તકો વારાફરતી વાંચવાનો તેણે પ્રયત્ન કર્યો, પરંતુ તેનું ચિત્ત એકાગ્ર ન બન્યું. વ્યક્તિગત ગુંડાગીરીથી પૈસો ભેગો કરતો પઠાણ, સામાજિક ગુંડાગીરીના બળે પત્નીનું રક્ષણ પામ્યા છતાં પત્નીને ડારતો અને વેચતો પતિ, અને એકેય ગુંડાગીરીને ન અટકાવી શકતો એક ક્રાંતિકારી સુધારક ! શું એ વર્તમાન જગતનું પ્રતીક હતું ? તેણે સહજ દૂર આવેલી ઓરડીમાં એક પુરુષની ધમકી તથા પ્રહાર અને સ્ત્રીની બૂમો તથા આછું રુદન સાંભળ્યાં. પઠાણના મારમાંથી પતિને બચાવનાર પત્ની શું મારને પાત્ર બનતી હતી ? પરાશરને વચ્ચે પડવાની વૃત્તિ થઈ આવી. વચ્ચે પડી એક સ્ત્રીને બચાવાય, એક દિવસ માટે બચાવાય; પરંતુ આવી તો કરોડો સ્ત્રીઓ જગતભરમાં રડતી હશે ! એક દિવસ માટે નહિ, જીવનભર રડતી રહેતી હશે !

અને એ માર મારનાર પુરુષ ? પત્નીના આત્મમાનને ઝટકાવી તે પોતાના ઘવાયલા માન ઉપર થીંગડાં મારતો હતો ! પત્નીને મારવામાં રહેલી સલામતીને લીધે તે પુરુષ પત્નીને માર મારી પઠાણ ઉપરનું વેર વાળતો હતો ! અને આવી ઉપરથી વહેતી આવતી કૂરતા અને નિષ્ઠુરતા ક્યાં ક્યાં નહિ વ્યાપી હોય ? દલિતોમાં - શોષિતોમાં પણ વર્ગ ! અને વર્ગવિગ્રહ એ ક્રાન્તિની ચાવી ખરી, પરંતુ ક્રાંતિ સમજવાની - ક્રાંતિને જીવનમાં ઉતારવાની પણ અહીં સમજ નહોતી.

પરંતુ જ્યાં સમજ છે ત્યાં શું થાય છે ? કૉલેજના સમયની આખી ક્રાંતિકારી ટોળીમાંથી હવે પરાશર લગભગ એકલો પડી ગયો હતો. પિતાની મિલકત હાથમાં આવે ત્યારે ક્રાંતિ માટે વાપરવા તૈયાર બનેલો ભાસ્કર સારામાં સારી કારમાં ફરી યુવતીઓને ભેગી કરી રીતભાતની નાજુકીમાં લપસવા લાગ્યો ! બિરાદર ફૈઝી જગતક્રાંતિને બાજુએ મૂકી મુસ્લિમોના ધર્મ અને સંસ્કાર ઉપર હિંદુઓ તરફથી આક્રમણ થતું અટકાવવામાં મુસ્લિમ લીગનો એક આગેવાન બની ગયો. સાંબશિવ આયર હિંદી સરકારના પ્રકાશન ખાતામાં ગોઠવાઈ ગયો. બિરાદર જગતાપને જાગીરદાર કન્યા મળી એટલે પરણીને કિસાનો ઉપર દાવા લડવાના કામમાં પરોવાઈ ગયો. સુધીર સિનેમાને મોખરે લડતાં નટી સુમેધાને પરણી બેઠો અને હવે બંને મળી હોલીવુડ જવાના પૈસા ઉઘરાવી રહ્યાં હતાં. અને પેલી કોમરેડ કુરંગી ? 'ઈન્કિલાબ ઝિન્દાબાદ' ગાઈગવરાવી હજારો સભાજનોને ક્રાંતિમાં ઝુલાવતી કુરંગી આજ બે ઘોડિયાં ઝુલાવતી હતી - એક લગ્ન પહેલાંનું અને એક લગ્ન પછીનું !

ત્યાર પછીનું મંડળ ? તે દિવસે કૉલેજમાં નિહાળ્યું એ ધ્યેયહીન, સંયમહીન, સંઘ crowd- ની ઓથે કાયરતા ઢાંકતું વિલાસભૂખ્યું ટોળું ! છોકરીઓની આસપાસ ફૂદડી ફરવામાં મહા સાહસનો સંતોષ અનુભવી રહેલું ગુજરાતનું એ યુવકમંડળ ! તેનું ભારેમાં ભારે પરાક્રમ તે અહિંસા ! ભૂલ્યે ચૂક્યે રાજકીય ટોળામાં ભળતાં એકાદ લાઠી ખાધી હોય તો શહીદીની ગાદીએ બેસવાની આકાંક્ષા સ્ત્રીના સાથમાં ભારેમાં ભારે મરદાનગી. ગુજરાતી યુવક-યુવતી જેવો કેમ દેખાય છે એનું રહસ્ય પણ એ મરદાનગીમાં જ ! એના હાથમાં દેશનું...

લાંબી વિચારમાળાને તોડતો ખટકાર પરાશરે બારણા ઉપર સાંભળ્યો.

‘કોણ છે ?' પરાશરે પૂછ્યું.

‘જરા બારણું ઉઘાડો ને ?’ એક ઝીણો અવાજ સંભળાયો.

‘ક્રાંતિવાદીને પણ સ્ત્રી ચમકાવી શકે છે.' પરાશર ચમકીને ઊભો થયો અને તેણે બારણું ખોલ્યું. પઠાણના પંજામાંથી પતિને છોડાવનાર મજૂરણ તેની સામે ઊભેલી દેખાઈ. તેના હાથમાં કપડે ઢાંકેલું નાનું વાસણ હતું.

‘કેમ. શું છે ?' પરાશરે પૂછ્યું.

‘બપોર થયા અને તમે હજી બહાર નથી નીકળ્યા. ખાવું પીવું નથી ?’ મજૂરણે પૂછ્યું.

‘ના. આજે મને ભૂખ નથી. પણ રતન ! કોઈ દહાડો નહિ અને આજે તું કેમ આમ ખબર લેવા આવી ?’

‘મને અંદર આવવા દો, પછી કહું.’ રતને જવાબ આપ્યો. પરાશર બારણા આગળથી ખસી ગયો, અને રતને અંદર આવી એક ચોખ્ખા લૂગડા નીચેથી એક ટિનની રકાબી કાઢી. રકાબીમાં બે બાજરીના રોટલા, ચટણી અને મીઠું મૂકેલાં હતાં.

‘આટલું ખાઈ લેજો.’ રતને કહ્યું.

"પણ કારણ?'

‘તમે ભૂખ્યા છો માટે.'

'તને કોણે કહ્યું ?’

'હવે વેશ મૂકો; હું જાણું છું.’

‘તારો વર તો વહેમી છે. મારી ઓરડીમાં તું આવી એમ જાણી જશે.’

‘એ તો મજૂરીએ નીકળી ગયો; અને જાણશે તોય. શું ?’

‘જાણે તો પાછો મારે.'

‘એ તો અમારે રોજનું હળિયું પડ્યું. મારે મારની નવાઈ રહી નથી.’

‘પણ આમ શા માટે...'

‘તમારા રૂપિયા તો હું ઊંચકી ગઈ, અને પાછો તમને ભૂખ્યાયે રાખું ?' પરાશરે રતનની સામે જોયું. રતન કે રતનના વર પાસે પઠાણને આપવાના પૈસા ન હતા. પઠાણના અસહ્ય મારની રતનને ખબર હતી. પઠાણ સાંજે આવી ધમકાવી ગયો હતો. તેનો વર પહેલી રાતનો ઢગલો બની ગયો હતો. રતને પૈસા મેળવવા મંથન કર્યું પરંતુ મજૂરોની ઓરડીમાં ઉછીના કે ચોરીના પૈસા મળે એ અશક્ય હતું. થોડા દિવસથી ચાલીમાં આવી રહેલો પરાશર જુદી ઢબનો લાગતો હતો. એ મજૂર ન હતો; ગરીબીનો દેખાવ કરતો હતો. છતાં કોઈ ભેદી કારણે એ ચાલીમાં આવી રહેતો લાગતો હતો. આ મુખ ઉપર - એના દેહ ઉપર મજૂરીની છાપ ન હતી. મજૂરોને - મજૂરોના બાળકોને એકઠાં કરવાને એ મથતો હતો. પરંતુ કદાચ છ માસ ઉપર અહીં થયેલા એક ખૂનની તપાસ માટે આવેલો એ જાસૂસ પણ હોય. જે હોય તે. એની ઓરડીમાં કાં તો ઘડિયાળ હોય કે કાં તો સોનાનાં બટન પડી રહેલાં હોય તો તેનો ઉપયોગ પઠાણના દેવા પેટે થઈ શકે.

રતને ખૂબીથી તાળું તોડ્યું અને અંધારામાં પરાશરની પેટી પણ તોડી. એને જોઈતી રકમ મળી ગઈ એટલે તે લઈ સાચવીને મૂકી રાખી. ચાલે ત્યાં સુધી એ રકમ ન અપાય તો સારું એટલું તો રતનને લાગ્યા જ કરતું હતું; પરંતુ પોતાના પતિ ઉપર મારી નાખવા જેટલી ક્રૂરતા પઠાણો વાપરતા હતા. એ ન જોઈ શકતી. રતને છેવટે પરાશરના પૈસા પઠાણોને આપી પતિને છોડાવ્યો.

પૈસા ખોવાયા છતાં પરાશર તરફથી કશું જ ધાંધળ ન થયું એ જોઈ રતનને જરા જિજ્ઞાસા થઈ. દરરોજ સાડા દસ-અગિયાર વાગતામાં બહાર નીકળી જતો પરાશર બાર વાગી ગયા તોયે બહાર ન નીકળ્યો. પૈસા વગર એ પણ ભૂખ્યો રહેશે, ત્યારે ? એના પૈસા ચોર્યા અને પાછો એને ભૂખ્યો રાખવો એ રતનને વધારે પડતું લાગ્યું; એટલે જે મળ્યું એ ખાવાનું લઈ એ પરાશર પાસે આવી; રૂપિયા ચોરી લીધાની કબૂલત પણ તેણે કરી.

પરાશરે રતનની સામે જોયું.

3

રતન દેખાવડી લાગી !

પરંતુ એના દેખાવનાં વખાણ કરી શકાય એમ ન હતું. કિસાનોનો ઉદ્ધાર કરવા પરાશરે એક વખત મિત્રોની ટોળી ગામડે બોલાવી હતી. સામ્યવાદમાં જાતીય સંબંધની વિશુદ્ધિ કે અશુદ્ધિને સ્થાન ન હોય એમ માનતા એક મિત્રે કોઈ આનંદી સ્વભાવની ગામડિયણ સાથે હસ્તધૂનનનો આગ્રહ રાખવાથી એ મિત્રોની ટોળીનો કિસાનોનો ઉદ્ધાર મુલતવી રાખી ત્યાંથી ચાલ્યા આવવું પડ્યું હતું એ પરાશરને યાદ આવ્યું. નીતિના પ્રચલિત સ્વરૂપનો સ્વીકાર ન કરનારથી પણ તેને તરછોડીને આગળ વધી શકાય એમ નથી, એવી પરાશરને ખાતરી થઈ ગઈ હતી. આર્થિક અસંતોષ ઉપજાવવા મથતો ક્રાંતિવાદી માલિકીની વિરુદ્ધ ભલે દાખલાદલીલો આપે; પરંતુ જે ઝૂંપડીમાં તે ઊતર્યો હોય તે ઝૂંપડીમાં વસતી કિસાનકન્યાઓ લગ્નની ભાવનામાં રહેલા માલકીના તત્ત્વને દૂર કરે એ ઉદ્દેશથી જાતીય સ્વાતંત્ર્યનો પાઠ પોતે જ આપવા જાય તો આર્થિક અસંતોષ સાથે બીજા અનેક અસંતોષ ઉદ્ધારકની જ વિરુદ્ધ ફાટી નીકળે છે એની તેને જાતમાહિતી હતી.

‘કેમ ? સામું શું જુઓ છો ? રોટલો નહિ ભાવે ?’ રતને પૂછ્યું.

‘ભૂખ્યો છું એટલે બધું ભાવશે.'

‘તો શરૂ કરો.’

‘એક માગણી કબૂલ રાખો તો.’

હવે રતને પરાશર સામે જોયું. રતને અનેક માગણીઓ થતી સાંભળી હતી. એમાંની કૈંક માગણીઓ તેણે કબૂલ પણ રાખી હતી; પરંતુ દેહથી પર રહેતા કેટલાક સંબંધ અને કેટલીક મૈત્રીઓ દેહ માગે ત્યારે એ સંબંધ અને એ મૈત્રી અતિશય પાર્થિવ - હલકાં ઊતરેલાં - બની જાય છે.

‘શું માગશો ?’ રતને ઝીણી આંખ કરી પૂછ્યું.

‘હા કહે એટલે કહું.’

‘ચાલો ને, હા ! મારે માથેથી ચોરીનું પાપ ટળશે.'

‘એટલે ?' પરાશર સહજ વિચારમાં પડ્યો. રતન સાથેના વર્તનમાં કાંઈ ભૂલ થતી હોય એમ એને લાગ્યું. 'મને સમજાવવું નહિ પડે, મરદો શું માગે છે તે હું જાણું છું. તમે ભૂખ્યા છો તો જમી લો; પછી બધી વાત.'

‘હું તે પહેલાં જમીશ નહિ. જો રતન ! તારે મને ખરેખર જમાડવો હોય તો મારી એક વાત કબૂલ કર.’

‘કેટલી વાર કબૂલ કરું ? એક વખત તો હા કહી.’

'તેં શાની હા કહી ?’

'તમે જે માગો તેની.'

‘તો દરરોજ મારી પાસે તારે થોડી થોડી વાર ભણવા બેસવું.’

‘શું ?’ રતન ચમકી. રતનની ધારણા ખોટી પડતી હતી.

સારા સારા માણસો પણ શું શું માગી શકે છે તેની એને ખબર હતી. પઠાણોથી તાત્કાલિક બચાવનાર પરાશર જે માગે તે આપવાની રતનની તૈયારી હતી; પરંતુ પરાશર જુદી જ બાજુએ ઢળતો હતો. પરાશરના સરખી માગણી તેણે પહેલી જ વાર સાંભળી.

‘તમારી આખી ચાલીને મારે ભણાવવી છે; તું પહેલ કર.’

‘એટલા માટે અહીં આવ્યા છો ?’

‘ઘણાં કારણો છે, તેમાં આ કારણ પણ ખરું. તમે લોકો ભણો તો તમારા ઉપરના બધા ત્રાસ દૂર થાય.'

'સારું, વખત મળશે એટલે હું આવીને બેસીશ. હવે શરૂ કરો.'

પરાશરે પાણીથી હાથ ધોઈ નાખ્યા, અને એક ચોખ્ખા રૂમાલ વડે હાથ લૂછી નાખ્યા. જમીન ઉપર એક સ્વચ્છ ચટાઈ પડેલી હતી. તે તેણે લાંબી કરી પાથરી. રતન હસી.

‘કેમ ?’ પરાશરે પૂછ્યું.

‘આ ચાલીમાં તે આ બધી ચોખ્ખાઈ હોય ! એ તો બંગલાઓમાં રહો ત્યારે કરજો.'

‘ચાલીમાં જે ન બને તે મારે બંગલામાં પણ ન જોઈએ.’

‘તો પછી બંગલામાં અને ચાલીમાં ફેર શો ?’

'ફેર ન રહે એમ મારે કરવું છે.'

‘શી ઘેલી વાત કરો છો ?’

‘હું ખરું કહું છું. તો તારી ઓરડીનો બંગલો થાય.'

'સારું, હવે તમે જમવા માંડો. રોટલો તો ક્યારનો ટાઢો પડી ગયો છે.' પરાશરે રોટલાનો કકડો કર્યો અને તેણે ઓરડી નજીક ચંપલના પડઘા સાંભળ્યા. બારણામાં જ રંભા આવી ઊભેલી દેખાઈ.

‘આવું કે ?’ રંભાએ પૂછ્યું.

'હા જી, આવો.' પરાશરે કહ્યું.

રતનને જોઈ રંભા જરા અટકી, રતન પણ જરા વિચારમાં પડી.

‘જમ્યા નથી ?’ રંભાએ પૂછ્યું.

‘ના. આજે મોડું થઈ ગયું.’

'અને આવું જમો છો ?’

‘શું ખોટું છે ? હિંદની વસ્તી સાથે એકતા અનુભવું છું.’ પરાશરે હસીને કહ્યું અને રંભાને ખાટલા ઉપર બેસાડી.

રંભાને પરાશરના જીવનમાં ભયંકર ભેદ દેખાયો. પરાશર ખરેખરો સામ્યવાદી છે ? રતન પાસે રંધાવીને શા માટે જમે છે ? આવી સાદાઈ, ગરીબી અને ગલીચીમાં તે શા માટે રહે છે ?

'રોજ આમ જમો છો ?’ રંભાએ પૂછ્યું

‘ના, વીશીમાં જતો હતો; પરંતુ એ વધારે મોજીલું ખાણું હતું. આજથી આ રતનની રસોઈ જમવાનો છું.’

'રતન કોણ?'

‘એક મિત્ર, કોમરેડ, એને હું આજથી ભણાવવાનો છું.’

‘એમ ?'

‘હા. અને હું તો આજની તમારી સભામાં કહેવાનો પણ છું કે સહુ મારા એ કામમાં મને સહાય આપે.'

‘હું તૈયાર છું; રોજના બે કલાક આપી શકીશ.’ રંભાએ કહ્યું.

‘અને અહીં આવી શીખવી જશો ?’

‘આપણા કેન્દ્રમાં આવે તો હું જરૂર શીખવું.’

‘આપણાં કેન્દ્ર બદલી નાખીએ, આપણે જ તેમના કેન્દ્રમાં જઈ વસીએ. મેં એમ જ કર્યું છે.'

પરાશર જમી રહ્યો એટલે ગુપચુપ ઢાંકણી લઈ રતન ઓરડીમાંથી ચાલી ગઈ. રંભાએ પરાશરની ઓરડીમાં નજર ફેંકી. ખાટલો અને મચ્છરદાની એ જ માત્ર શોખનાં સાધન તેને દેખાયાં. તે સિવાય સાદાં ખાદીનાં કપડાં, પુસ્તકો અને એક પેટી તથા ચટાઈ એટલાં જ સાધનો વ્યવસ્થિત - અર્ધવ્યવસ્થિત પડેલાં દેખાયાં. રંભા અમુક અંશે સમજી ગઈ કે પરાશર કોઈ પણ રીતે સામ્યવાદના આદર્શોંનો પ્રચાર કરવા માટે આ સ્થળે રહ્યો છે. શ્રમજીવીઓ સાથે સંપર્ક રાખવો એ બરાબર; પરંતુ રાત દિવસ તેની પાસે રહેવું એ અશક્ય અને નિરુપયોગી છે એવો તેનો મત હતો.

રતન તરફનું ખેંચાણ તો પરાશરને અહીં નહિ ખેંચી લાવ્યું હોય ? રંભાને વિચાર આવ્યો. વિચાર આવવાનું શું કારણ ? સ્ત્રીઓને એક જ પ્રથમ દૃષ્ટિ હોય ! તેમ હોય તોય શું ? લગ્નમાં ન માનનાર વ્યક્તિઓ મોજ આવે તેમ દેહસંબંધ માણી લે ! ભૂખ લાગે એને સંતોષવી. છતાં રંભાનેય રતનનો વિચાર કેમ ખટક્યો ? પરાપૂર્વના સંસ્કાર ! બીજું શું ? એ સંસ્કારને ઉખાડવા એ જ નવીન સ્ત્રીત્વનું કાર્ય.

‘હમણાં શું વાંચો છો ?’ રંભાએ પૂછ્યું.

‘કાંઈ જ નહિ.’ પરાશરે કહ્યું.

‘વાંચતા જ નથી ?’

‘ના, કંટાળો આવે છે. કશામાં નવું જ્ઞાન મળતું નથી; એટલે વાંચતો જ નથી.'

‘તો પછી કરો છો શું ?'

‘હમણાં તો જોયા કરું છું. આજથી બને તો શિક્ષણની શરૂઆત કરવી છે?'

‘શું શીખવશો ?’

‘શીખવતી વખતે નક્કી થઈ જશે.'

‘પણ તમે આમ તમારા એકલ પ્રયત્નમાં શક્તિ ફેંકી દો, એના કરતાં કોઈ ચાલુ પ્રયત્નમાં જ જોડાઈ જાઓ તો ?'

‘મને કોઈ કશામાંય જોડતું નથી.’

'કારણ ?’

‘મારી કશી ખામી હશે.’

રંભા પરાશરને લેવા આવી ન હતી. Young Intellectuals- યંગ ઇન્ટેલેકચ્યુંલસની સભા તો ચાર વાગે મળવાની હતી. પરાશર ખાસ વાત શોખીન ન હતો. રંભા આટલી વહેલી શા માટે આવી હતી. તે પણ એ સમજી શક્યો ન હતો. આરામ તો તે કદી ઈચ્છતો નહિ. છતાં બેત્રણ લેખ લખી નાખવાની તેની ધારણા રંભાના આગમનથી અટકી ગઈ. રંભાને કાઢી મુકાય એમ ન હતું. એ નવીનતા વાંચ્છતી નવીન યુવતી હતી; નવીન વિચારો ધરાવતી હતી. વાતનો શોખ ન હોય તોપણ વાત કરવી પડે એવી સ્થિતિ ઊભી થતી હતી. અને રંભા જાતે એટલી વાતોડી હતી કે પરાશરને વાત કરવાનો શોખ ન હતો, છતાં જવાબ આપ્યા વગર ચાલે એમ ન હતું.

પરાશરની ઓરડીમાં ચા સુધ્ધાં ન હતી. રંભાને ત્રણ વાગે ચા પીવાની ટેવ હતી.

‘તમારે વ્યસનમાં શું ?' રંભાએ પરાશરને પૂછ્યું. સહજ પણ વ્યસન પુરુષને હોય તો તેનામાં બહાદુરી અને રસિકતા રહેલી જ હોય એવી પુરુષોની ભ્રમણાને વર્તમાન યુવતીઓનો ટેકો મળે છે. રંભાને ટેવ ન હતી, છતાં તેને કોઈ સરસ સિગારેટ આપે તો તે પીવામાં સંકોચ માનતી નહોતી. એટલું જ નહિ, તે ધુમાડાનાં કલામય ગૂંચળાં પણ હવામાં ઊભાં કરી શકતી; પરંતુ તે ક્વચિત જ. છતાં નિર્વ્યસની પુરુષ નિર્માલ્ય, રસહીન હોય એવી માન્યતામાં તે ભળી જતી હતી.

‘બધાં જ વ્યસન કરી ચૂક્યો; હવે એકેય નથી.' પરાશરે જવાબ આપ્યો.

‘એક પણ ન રાખ્યું ?’

‘ના, ચા પણ નહિ.’

‘ચાને તમે વ્યસનમાં ગણો છો ?’

‘તો બીજું શું ? જેના વગર ચાલી શકે એને નુકસાન ખમીને પણ ન છોડવું એનું નામ વ્યસન.’

'ત્યારે તમારી ઓરડીમાં ચા પણ મળી નહિ શકે !’

‘ના જી. ચાનો ખર્ચ લગભગ દારૂ જેટલે તો પહોંચ્યો છે.'

‘ચા અને દારૂને સરખાં માનો છો ?’

‘બંને નિરુપયોગી અને ખરચાળ.'

‘ત્યારે તમારે આનંદનું સાધન કયું ?’

‘આનંદ ? આનંદનો હક્ક આપણો છે ખરો? મારી આસપાસ રહેતાં મજૂરકુટુંબોને તમે જુઓ તો આનંદ માણવાની તમારી ઈચ્છા જ હોલવાઈ જશે.'

'તે અમે મજૂર સ્થિતિ નથી જોતાં ? અમે ગઈ સાલ રજામાં સો મજૂર કુટુંબોની આર્થિક અને સામાજિક તપાસ કરી હતી.'

‘અને એ તપાસનું કાંઈ ફળ ?’

‘અમે નિવેદન બહાર પાડ્યું. સુધરાઈ, મિલમાલિક અને સરકારનું ધ્યાન ખેંચ્યું.’

‘અને એ સઘળાનું ધ્યાન ખેંચાયું. નહિ ?’

‘એ જ મુશ્કેલી છે ને ! મૂડીવાદીઓના હાથમાં સઘળું રહ્યું. મજૂરો જાગે નહિ, સંગઠન કરે નહિ અને હડતાલ ઉપર ઊતરે નહિ ત્યાં સુધી કોઈની આંખ ઊઘડવાની જ નહિ.’

‘હું હડતાલ પડાવું તો તમે મને સહાય આપશો ?’

‘જરૂર, જરૂર. મને બહુ ગમશે. હું સરઘસને મોખરે લાલ વાવટો લઈ ઊભી રહીશ. પછી કાંઈ ?’

‘અને પોલીસ કે મિલિટરી ગોળીબાર કરશે તો ?’

‘ન્હાનાલાલની ‘વીરની વિદાય’ વાંચી છે ?’

‘ના. હું રાસગરબીઓ વાંચતો નથી.’

‘તમારા પ્રશ્નનો જવાબ ન્હાનાલાલે આપ્યો છે અને હું પણ એમના જ શબ્દોમાં કહી શકું :

"આવતાં ઝાલીશ બાણને હો
ઢાલે વાળીશ ઘાવ,
ઢાલ ફૂટે મ્હારા ઉરમાં રાજ
ઝીલીશ દુશ્મનદાવ."

'રાજનું સંબોધન ન જોઈએ. જગતમાં રાજાઓ છે જ નહિ અને હોય તો જોઈએ પણ નહિ.’

‘જોઈએ નહિ એ કબૂલ છે. નથી એમ કેમ કહેવાય ?’

‘રમકડા જેવો વિલાયતનો રાજા કે વાજાંવાળા જેવા હિંદના રાજામહારાજા ! એ સિવાય....’

બહાર મોટરકારનું ભૂંગળું વાગ્યું. વાત કરતાં રંભાએ પરાશરને ખાટલા ઉપર પોતાની જોડે જ બેસાડી દીધો હતો. પરાશર અને રંભા બંને વાતોમાં ભૂલી ગયાં હતાં કે આમ અડીને પાસે પાસે બેસવું એ આજના પ્રગતિમાન યુગને પણ સંશયભર્યું લાગે છે. રંભા ચમકી ઊઠી અને બારણા પાસે જઈ ઊભી.

‘બધાં આવ્યાં લાગે છે !’ રંભાએ કહ્યું.

એકાએક ઊઠી ગયેલી રંભાના માનસને સમજીને પરાશરે કહ્યું :

‘તમે બેસો. હું બોલાવી લાવું.’

પરંતુ કોઈને બોલાવી લાવવાની જરૂર જ ન રહી. તારિકા અને વિની બંને મોટરમાંથી ઊતર્યાં. અને રાત્રે અંધકારમય દેખાતી ચાલીના સૂર્યે દર્શાવેલા ગંદા ભાગમાં મહામહેનતે દાખલ થયાં. કૉલસા, રાખોડી, લાકડાં, ધૂળ, કાદવ, ફડફડતાં લૂગડાં, ગમે તેમ વહેતું પાણી, ઉઘાડાં બાળકો, અર્ધવસ્ત્રવાળી સ્ત્રીઓ, બૂમાબૂમ, કકળાટ, તાપમાં પડેલાં વગર ધોયેલાં નાનાં વાસણ અને ઊંઘમાં પણ અસ્વસ્થ બનતા કેટલાક જમીન ઉપર પડેલા વૃદ્ધોની વચમાં થઈ સ્વચ્છ વિની અને તારિકાને અંદર આવવાનું હતું. તદ્દન અજાણી જગા અને અજાણ્યું વાતાવરણ ! એક ક્ષણને માટે તેમને પાછા જવાનો વિચાર થઈ આવ્યો, પરંતુ પરાશરને બોલાવીને જવાનું હતું એટલે અંદર ગયા સિવાય છૂટકો જ ન હતો.

‘અહીં, આ બાજુ’ રંભાએ બૂમ મારી.

‘અરે શું ? આ તે રહેવાની જગા છે ?' વિનીએ કહ્યું.

‘હા જી, પધારો, અહીં જ હિંદ વસે છે.' પરાશરે જવાબ આપ્યો.

‘હિંદ કે હેલ*[૨] ?' તરિકાએ ચબરાકીથી પ્રશ્ન કર્યો.

‘આપ જે કહો તે; બેમાં બહુ ફેર નથી.' પરાશરે કહ્યું.

'પણ તમે અહીં કેમ રહો છો ?' વિનીએ પૂછ્યું.

‘જેનું કામ કરવું તેની સાથે એક બની જવું; એ સિવાય આપણી ભાવના અને આપણાં કાર્ય જૂઠાં પડી જાય છે.' પરાશર બોલ્યો.

‘ગાંધીવાદનો ભણકાર ! તમે ભૂલ કરો છો.' તારિકા બોલી.

‘હું ક્યારની એ જ સમજાવું છું.’ રંભાએ કહ્યું.

‘માટે તું અમને મૂકીને એકલી ચાલી આવી, ખરું ?’

'મેં ગઈ કાલે આ જગા જોઈ ત્યારથી જ મને એમ થયા કરતું હતું કે હું પરાશરને સમજાવી સારી જગાએ રહેવા લલચાવું.’ રંભાએ કહ્યું.

‘સારી જગાએ રહેવાનું તમને સહેજે મળશે, આવી જગ્યા અલભ્ય છે. પરાશર બોલ્યો.

'બધું થાય, પણ આપણાથી આ જગામાં ન જ રહેવાય !’ હાથમાંથી નાની ચામડાની સુશોભિત બેંગમાંથી નાનકડો આયનો કાઢી તેમાં મુખ જોતી વિનીએ કહ્યું.

‘ન જ રહેવાય એના કરતાં કોઈને ન રહેવા દેવાય એમ કહો તો ?' પરાશરે પૂછ્યું.

‘કબૂલ, અને એનો પહેલો પ્રયોગ તમારા જ ઉપર કરીએ.' તારિકા બોલી.

‘એટલા માટે તો હું ક્યારની અહીં આવી છું.’ રંભાએ કહ્યું.

‘એકલી એકલી !' વિની બોલી અને હસી.

‘હવે વખત થઈ ગયો છે : સભામાં મોડાં પડીશું. પરાશર ! તમે તૈયાર થાઓ.' તરિકાએ આજ્ઞા કરી.

'હું તૈયાર જ છું.’ પરાશરે કહ્યું.

‘બીજાં કપડાં નથી પહેરવાં ?’ રંભાએ પૂછ્યું.

'ના જી.’ પરાશરે જવાબ આપ્યો.

‘તમને કલાનો શોખ જ નથી કે શું ?'

‘બહુ જ શોખ છે.’

‘તો જરા ઘાટદાર કફની તો પહેરો !’ રંભાએ હસીને કહ્યું.

‘ઘાટદાર ?’ પરાશરે પૂછ્યું અને રંભા, વિની તથા તારિકાનાં વસ્ત્રો અને મુખશૃંગાર તરફ જરા તાકીને તે જોઈ રહ્યો. પાતળી રંગીન ચૂંદડીઓ, તંગ તથા હાથને સમૂળ ખુલ્લા રાખતા કબજા, ખભે અડકતાં કર્ણફૂલ કે કણલંગર, મુખ ઉપર પથરાયલા ધવલ લેપ, અને નખ ઉપરની રુધિર રંગી રતાશના ખ્યાલમાં તે ઘાટ એટલે શું એનો વિચાર કરવા લાગ્યો.

ત્રણ નિર્વસ્વત્ર બાળકીઓ બારણા આગળથી પસાર થઈ. તેમની પાસે - તેમનાં માતાપિતા પાસે બાળકીઓના દેહને ઢાંકવા પૂરતું વસ્ત્ર ન હતું. દેહને ઢાંકવાની જરૂર છે ? સંસ્કારી યુવતીઓએ દેહને ઢાંક્યા હતા કે દેહનાં દૃશ્યોને ઢાંકવાને બહાને ખુલ્લાં કર્યા હતાં ?

વિની પાસેથી આયનો લઈ તારિકાએ મુખ સમાર્યું.

‘ઘાટદાર !’ પરાશર મનમાં બોલી ઊઠ્યો. ફાટેલાં વસ્ત્રને સીવવા મથતી બે વૃદ્ધ સ્ત્રીઓ ઓસરી ઉપર બેઠી હતી. પરાશરને ખબર હતી કે આ ફાટેલાં વસ્ત્ર સિવાય નહિ ત્યાં સુધી મર્યાદા લોપવાના ભયે કેટલીક મજૂરણો વસ્ત્ર વગર ઓરડીઓમાં સંતાઈ રહી હતી - અગર સંતાઈને ઘરકામ કર્યો જતી હતી.

'હવે ચાલો, તમારી વર્ષગાંઠને દિવસે હું તમને એક રેશમી કફની ભેટ આપીશ.’ વિનીએ કહ્યું.

‘એ રેશમી નહિ પહેરે...' રંભા બોલી. ‘ખાદી તો ભાઈ આપણાથી સિવાય નહિ. એને માટે તો સોય નહિ પણ કાંશ જોઈએ.’

તાળું વાસ્યા વગર પરાશરે બારણું બંધ કર્યું. ચારે જણ Young Intellectualsની સભામાં જવા નીકળ્યાં. ડાઘાવાળી, બેડોળ, ગંદી ચાલીમાંથી સ્વચ્છ, ચકચકતી, ઘાટદાર મોટરકારમાં ચારે જણ અદૃશ્ય થઈ ગયાં. ઘાટદાર !

ચાલી કે મોટરકાર ? અજ્ઞાન, દરિદ્રય અને જડતાનો એક ઘાટ ! સંસ્કારના ઝીણા પડદા નીચે સંતાયેલો સ્વાર્થ, લુચ્ચાઈ અને શોષણનો બીજો ઘાટ !

ચાલી સારી કે મોટરકાર ?

લગભગ ત્રીસેક યુવકયુવતી એક મોટા ખંડમાં ભેગાં થયાં હતાં. જમીન ઉપર સુશોભિત બિછાયતો પાથરેલી હતી, અને ભીંતે અઢેલીને એક આસમાની રંગના ગલેફવાળો તકિયો મૂકવામાં આવ્યો હતો. ખંડની ભીંત અને આસમાની રંગનો તકિયો રંગયોજનામાં અનુકૂળ બની જતાં હતાં. તકિયે અઢેલીને ભાસ્કર પ્રમુખસ્થાને બેઠો લાગતો હતો. આઠેક યુવતીઓ વીસબાવીસ યુવકોની સાથે ભેળસેળ બેઠેલી હતી. સ્ત્રીઓ માટે અલગ સ્થાન રાખવાની પ્રણાલિકા આશિષ્ટ, વર્ગભેદ ઉપજાવે એવી અને જાતીય ભાવનાને જાગ્રત રાખવામાં સહાયભૂત બનતી હોવાથી આ ‘યંગ ઇન્ટલેકૂચયુઅલ્સ' - બુદ્ધિવાદી યુવક મંડળે તેનો ભંગ કર્યો હતો.

‘આજે હું ચારેક નવા સભ્યોને આકર્ષી શક્યો છું.’ ભાસ્કરે કહ્યું.

સભાએ તાળીઓ પાડી.

‘અને વધારે મહત્ત્વની વાત એ છે કે ચારે સભ્યો સ્ત્રીવર્ગની છે.'

સભાએ વધારે તાળીઓ પાડી, અને સહુએ નવા સભાસદોને શોધી કાઢવા નજર ચારે પાસ નાખી. શોભના, વિની, તારિકા અને રંભા તરત નૂતન સભ્યો તરીકે પરખાઈ આવ્યાં.

‘એક મિત્ર સભ્ય નથી, છતાં સહાનુભૂતિ દર્શાવવા હાજર છે, ઘણા તેને ઓળખે છે. થોડા સમયથી એના દેખાવમાં ફેર પડ્યો છે; અને ગાંધીવાદ તરફ તે ઘસડાયે જાય છે; છતાં તેને મેં આમંત્રણ આપ્યું છે. એનું નામ પરાશર, એની હાજરીનો સભાને વાંધો નહિ હોય.' પ્રમુખ ભાસ્કરે કહ્યું.

સભા બોલી ઊઠી :

'ના, ના, ના.'

‘તો આપણે આપણું કામ શરૂ કરીએ. આપણે પ્રગતિશીલ છીએ. અર્થવાદી નથી. બુદ્ધિને અનુસરવાનો આપણો દાવો છે. અત્યારની પરિસ્થિતિનું નિવેદન બે વિભાગમાં આપણે તૈયાર કરાવ્યું છે : એક આંતરરાષ્ટ્રીય અને બીજું હિંદી. તે આપ સંભાળી લો અને તેમાં સુધારા સૂચવો.’ પ્રમુખ ભાસ્કરે મહત્ત્વપૂર્વક કહ્યું, અને એ યુવક તરફ દૃષ્ટિ ફેંકી યુવકે ઊભા થઈ નિવેદન વાંચવું શરૂ કર્યું. યુવક ચબરાક લાગતો હતો, પરંતુ તેનો દેહ દુર્બળ હતો, અને એની આંખ ઉપરનાં ચશ્માં બહુ ભારે લાગતાં હતાં. તેણે સ્વચ્છ અંગ્રેજી ભાષામાં પરદેશી સ્થિતિનો સરસ ચિતાર આપ્યો. હિટલર મુસોલિની અને જનરલ ફ્રેન્કોને પણ બહુ ગાળો દીધી. ચેમ્બરલેન, હેલીફાક્સ, દલાદિયિર અને રૂઝવેલ્ટની નામર્દાઈ ઉપર તેણે પ્રહારો કર્યા. જર્મન જંગલીપણા ઉપર તેણે ફિટકાર વરસાવ્યો. એબીસીનિયા, સ્પેન, ઑસ્ટ્રિયા, ઝેકોસ્લોવેકિયા, ચીન અને આલબેનિયા ઉપરના આક્રમણમાંથી જગતના તારણહાર રશિયાની મુશ્કેલીનું તેણે સરસ વર્ણન આપ્યું; અને જોકે બલવાદી પ્રજાઓનો દેખીતો વિજય થતો લાગતો હતો; છતાં જગતભરના મજદૂરો અને કિસાનો અંતે એકત્ર થઈ જુલમી શાહીવાદને કેવી રીતે ઉથલાવી નાખવાના છે તેનો બહુ ચોક્કસ નકશો તેણે દોરી આપ્યો. તેના નિવેદનની બહુ સારી અસર થઈ, અને મજદૂરો અને કિસાનોના ચોક્કસ ભાવિ વિજયમાં અત્યંત રાજી થતા રેશમી કફનીમાં સજ્જ થયેલા એક ફૂટડા યુવકે પોકાર પણ કર્યો:

ઈન્કિલાબ ઝિંદાબદ !

હાલી ગયેલા હૃદયવાળી એક યુવતીએ તે પોકાર ઝીલી તેને ગીતનું રૂપ આપ્યું:

ઈન્કિલાબ ઝિંદાબદ !

ગુંજે આઝાદીકા નાદ

ઈન્કિલાબ ઝિંદાબાદ !

આખી સભાએ તે ઝીલી લીધું. સભાનો ખંડ ભાસ્કરના પિતાની માલિકીના એક માળાનો ભાગ હતો, એટલે માળામાં રહેતાં થોડાં બાળકો અને થોડી સ્ત્રીઓ ખંડી પાસે ભેગાં થઈ ગયાં, અને અંદર ડોકિયાં કરવા લાગ્યાં. બુદ્ધિવાદી યુવાનોને લાગ્યું કે તેમણે પોતાની અસર જનતામાં ફેલાવવા માંડી છે.

બુદ્ધિવાદમાં પણ ઊર્મિને તો સ્થાન હોય છે જ. ઊર્મિ શમતાં પ્રમુખે બીજા યુવકને હિંદની પરિસ્થિતિ સમજાવવા વિનંતી કરી. યુવક ઊભો થયો. સુરવાલ, અચકન, ખુલ્લા વાંકડિયા વાળ અને કિનાર વગરનાં ચશ્માંથી દીપતા એ યુવકે સ્ત્રીવિજયી સ્મિત ફેંકી વિવેચન વાંચવાનું શરૂ કર્યું.

પરાશરના મનમાં એક વિચાર આવી ગયો : ‘ગુજરાતનું પુરુષત્વ રૂપાળું બને છે કે બાયલું ?’

આ યુવકે એક સુંદર વિહંગાવલોકન શરૂ કર્યું : ‘ગાંધીવાદના ગ્રહણમાં ઘેરાયલ મહાસભાનો પ્રકાશ ઘટતો જતો હતો. પ્રાંતિક સ્વરાજ્યનો પડછાયો સ્વીકારવાથી મહાસભાનો ક્રાંતિ વેગ તદ્દન છીછરો બની ગયો હતો. દેશને ક્રાંતિ માટે તૈયાર કરવાને બદલે કાયદાકાયર બનાવવાની હિલચાલ શરૂ થઈ ગઈ હતી. કાયદા પણ મજદૂરો અને કિસાનોને મૂડીવાદીઓની ચુંગાલમાં વધારે ફસાવે એવા થતા હતા. મજૂરોની હડતાલો મહાસભાનાં જ પ્રધાનમંડળો ગોળીબારથી તોડતાં હતાં. સત્તાશોખીન મધ્યવર્તી વડીલ મંડળ પ્રધાનમંડળો પણ લગામમાં રાખી એકહથ્થુ સત્તા જમાવ્યે જતું હતું, અને સામ્યવાદીઓ ઉપરના અંકુશ હળવા થયા ન હતા. મહાસભા તો મિલમાલિકો, જમીનદારો, મિલકતવાળાઓ, વકીલો ને ડૉક્ટરી જેવા લૂંટારુ ધંધાદારીઓના હિતસમૂહ સાચવનારી પ્રત્યાઘાતી સંસ્થા બનતી જતી હતી...'

એકાએક સભામાંથી પ્રશ્ન ઊઠયો :

‘પરંતુ અહીં ભેગાં થનાર યુવકયુવતીમાંથી કોણ મજદૂર અને કોણ કિસાન વર્ગનું પ્રતિનિધિત્વ બતાવે છે ?’

પ્રશ્ન પૂછનાર પરાશર હતો.

'બધા જ. બધા જ.' થોડા જવાબો મળ્યા.

‘મિલમાલિક, જમીનદાર, મિલકત વાળા, વકીલો, ડૉક્ટરો જેવા લૂંટારુ ધંધાદારીઓ - અને ઉપરાંત સુખી સરકારી નોકરોના દીકરા, ભાઈ કે ભત્રીજો-ભાણેજ સિવાય અહીં બીજું કોઈ બેઠું છે ખરું ?' પરાશરે પ્રશ્ન પૂછ્યો.

‘એટલે ?’ એક પ્રશ્ન થયો.

‘એટલે એમ કે તમે બધા જ પ્રત્યાઘાતી સંસ્થાના આશ્રિતો છો. સુખી મહાસભાવાદીનો દીકરો એટલે સામ્યવાદી ! હિંદના સામ્યવાદીઓને બીજી ઢબે હું ઓળખાવી શકતો નથી.' પરાશરે કહ્યું.

સભામાં જરા ધાંધળ થયું; સહુ કોઈએ બોલવા માંડ્યું. પ્રમુખે એક નાનકડી ઘંટડી વગાડી સહુને શાંત પડવા સૂચન કર્યું. અંતે એક જણે પ્રશ્ન કર્યો :

‘પરાશર સભાસદ નથી; એને પૂછવા સિવાય બોલવાનો અધિકાર નથી.'

‘હું તો પ્રશ્ન પૂછતો હતો. આપણે બધા જ પ્રત્યાઘાતી છીએ એમ દર્શાવવા માગતો હતો. મહાસભાવાદીઓની ટીકા કરવા માટે આપણો શો અધિકાર છે તે હું સમજવા માગતો હતો. પરંતુ હવે પૂછ્યા વગર હું નહિ બોલું.’ પરાશરે કહ્યું.

નિવેદન વાંચતા સુંદર યુવકે વાચન શરૂ કર્યું. મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની આંખે ધર્મના પડળ ફરી વળ્યાં હતાં, અને રાષ્ટ્રીય મહાસભાએ મુસ્લિમ માગણીઓનો સ્વીકાર કરવાની નબળાઈ બતાવતાં, ઝીણા અને હક્ક જેવાને હાથે લપડાકો ખાધી હતી...

‘આવા ઉલ્લેખો પ્રત્યે મારી સખ્ત નાપસંદગી જાહેર કરું છું.' એક સભાસદે કહ્યું.

બિરાદર હુસેને આ વાંધો લીધો હતો. બુદ્ધિવાદી યુવકોમાં બેત્રણ મુસ્લિમ યુવકો પણ હતા.

‘એમાં વાંધો લેવા જેવું શું છે તે હું સમજી શકતો નથી. સત્ય હકીકત છે, અને રાજકીય પૃથક્કરણ સુંવાળી ભાષામાં કરવાની જરૂર નથી.' એક સભ્યે વાંધાનો જવાબ આપ્યો.

‘એકલી મુસ્લિમ લીગનો જ તમને વાંક દેખાય છે એ જ બતાવી આપે છે કે તમે કેટલું સાચું બોલો છો !’ હુસેનથી સહજ દૂર બેઠેલા વલીમહમદ લાલજી તરવાડીએ કહ્યું.

‘અરે હિંદુ મહાસભાની હકીકત પણ આવે છે. સાવરકર અને મુંજેની પણ ઝાટકણી કાઢવામાં આવી છે.’ બીજા એક સભ્યે કહ્યું.

‘હું પ્રમુખ સાહેબને પૂછી શકું કે આ સંસ્થા સહુની ઝાટકણી માટે છે કે કાંઈ કાર્યના ઉદ્દેશથી રચાઈ છે ?' પરાશરે પૂછ્યું.

‘પરિસ્થિતિના અભ્યાસમાં ઝાટકણી પણ જરૂરની છે.' એક સભ્યે કહ્યું.

‘આપણી પણ ઝાટકણી સાથે સાથે નીકળે તો સારું.’ પરાશરે કહ્યું.

‘બિરાદર હુસેને ધર્મનું તત્ત્વ દાખલ કરી ચર્ચા ચલાવી એ બહુ દિલગીરી ભરેલું છે. હું માનું છું કે આપણા સભ્યો ધર્મથી પર બની ગયા છે.' પ્રમુખ ભાસ્કરે ચુકાદો આપ્યો.

હુસેન અને વલીમહમદનાં મુખ ઉપર સહજ ઘેરી છાયા ફરી વળી. મુસ્લિમો અહીં પણ લઘુમતીમાં હતા. એનું ભાન તેમને થયું. અલબત્ત તેઓ બુદ્ધિમાન હોવાથી ધર્મમાં માનતા ન હતા. છતાં વધુમતી હિંદુકોમ મુસ્લિમો પ્રત્યે ઉદાર વર્તન રાખતી ન હતી એટલું તો તેમના મનમાં ઠસી ગયું હતું. તે માન્યતા આકારણ હતી કે સકારણ તેનો વિચાર સરખો ન કરતાં મમત્વ વધી પડ્યું હતું.

પરંતુ સહુનું ધ્યાન ચર્ચામાંથી બહાર નીકળી રસ્તા તરફ દોરાયું. રસ્તા ઉપર બૂમાબૂમ થતી હતી; મોટરોનાં ભૂંગળાં જોરથી વાગતાં હતાં; બારીબારણાં ભડાભડ વસાતાં હતાં, છોકરાં રડતાં સંભળાતાં હતાં; સ્ત્રીઓની ચીસો કાને આવતી હતી. ગાડીઓની ઝડપી દોડનો ખ્યાલ આવતો હતો. વાતાવરણમાં વિચિત્ર અશાંતિ દેખાતી હતી.

‘બહાર શું થાય છે ?’ એક સ્ત્રી બુદ્ધિમત્તાએ પૂછ્યું.

'હુલ્લડ હશે.' એક સભ્યે કહ્યું.

'હુલ્લડ ? શાનું ?’ બીજા સભ્યે પૂછ્યું.

‘હિંદુ-મુસલમાન વચ્ચેનું. એ સિવાય બીજું હોય જ નહિ ને !’ ત્રીજા સભ્યે કહ્યું.

‘મિલમાલિકો અને કામદારો વચ્ચે પણ હોય.’ ચોથાએ કહ્યું.

‘અગર સરકાર અને કિસાનો વચ્ચે.'

"બારણાં બંધ કરો", "અંદર જતા રહો", "સંતાઈ જાઓ"; "મરી જશો", "મારો", "બાળી નાખશે" વગેરે ઉદ્ગારો યુવાન બુદ્ધિમાનોને કર્ણ સંભળાવા લાગ્યા. એકબે પથ્થરોથી કાચ તૂટતા હોય એવો પણ ભાસ સહુને થયો.

'આ પ્રશ્ન આપણી સામે જ આવી ઊભો છે. "યંગ ઇન્ટલેક્ચ્યુઅલ્સ” કાંઈ પગલું ન લે ?' પરાશરે પૂછ્યું.

એક યુવકે ઊઠીને બારણું બંધ કરવા માંડ્યું.

‘પ્રશ્ન સામે બારણું બંધ કરવાનું હોય તો મને બહાર નીકળી જવા દો.’ પરાશરે કહ્યું.

"Don't be a fool.'[૩] કોઈનો ઉદ્ગાર સંભળાયો.

‘આપણે શું કરી શકીએ ? સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ.' કોઈએ કહ્યું.

‘આગળ કશું નહિ ?' પરાશરે પૂછ્યું.

‘શું થાય ? હું તો મહાસભાવાદી છું; અહિંસક છું.' એક સભ્યે કહ્યું.

‘મોટો ભાગ મહાસભાવાદીઓનો છે.’ બીજા કોઈએ કહ્યું.

‘અને સામ્યવાદીઓ પણ ઉદ્દેશહીન હિંસામાં માનતા નથી.’

‘ઝઘડો અટકાવવામાં તો માને છે ને ?' પરાશરે પૂછ્યું.

'પણ એની રીતસર યોજના વિચારીએ, પગલાં નક્કી કરીએ, કામનું ધોરણ ઠરાવીએ, તે પછીથી તે અમલમાં મૂકી શકાય.’ એક કાયદાબાજ ભાવિ ધારાશાસ્ત્રીએ કહ્યું.

‘અને તમે ધોરણ ઠરાવો ત્યાં સુધી ઝઘડા મુલતવી રહેશે. નહિ ?’

‘એ ઝઘડામાં ધર્મનું તો બહાનું જ છે. તકરાર છે માત્ર રોટલીની. શાહીવાદી અર્થવાદનું માળખું તૂટી પડે તો આ બધું અટકી જાય.' એક ફિલસૂફે હિંદમાં સમજાયલું માર્ક્સનું સૂત્ર ઉચ્ચાર્યું.

‘આપણે એટલું જ કરીએ. હિંદુઓ મુસ્લિમોને મારતા હોય તો આપણા આ ત્રણે મુસ્લિમભાઈઓની સલામતી આપણે કહેવાતા હિંદુઓ માથે લઈ લઈએ. અને મુસ્લિમોનું જોર હોય તો આ ભાઈઓ આપણને સલામત રાખવાની બાંહેધરી આપે.' પરાશરે કહ્યું.

‘પણ અમે હિંદુ છીએ એમ અમે કહેતા જ નથી. ધર્મમાં અમે માનતા નથી.' ભયના માર્યાં ધર્મને ધકેલી દેતા એક સભ્ય-જન્મે હિંદુ ભાઈએ કહ્યું.

‘અરે, હા હા, એ યોજના બરાબર છે. હું કબૂલ છું.’ મોટી સંખ્યાને આશ્રયે બહાદુર બનતા એક બુદ્ધિમાને કહ્યું.

‘અમો ત્રણને માથે તમે ત્રીસની જવાબદારી નાખો છો. એમાં જ તમારું હિંદુપણું દેખાઈ આવે છે. એ જ ઢબે તમે મુસ્લિમો સાથે વર્તાવ રાખવાના, ખરું ને ? તમારી સંસ્થા સાથે અમે ભાગ્યે જ સંબંધ રાખી શકીએ.' એક મુસ્લિમ બિરાદરે ગુસ્સાથી કહ્યું. ધર્મરોગી મુસ્લિમ માનસ અને ભીરુતાભ્રષ્ટ હિંદુ માનસ અહીં તરવરી રહ્યાં. નવી કેળવણી પણ તેમને ધર્મઝનૂન કે કાયરતાથી મુક્તિ અપાવી શકતી ન હતી. મકાનની બહાર માનવ રાક્ષસતાનાં વર્તુલો ઘૂમતાં સંભળાતાં હતાં. હજાર વર્ષોથી સંસ્કૃતિસમન્વયનાં અજાણ્યે પ્રયોગો કરતી હિંદી પ્રજા અત્યારે સામસામે ધર્મમોરચા માંડી ધર્મને અધર્મનું સ્વરૂપ આપ્યે જતી હતી. અને તે ભણેલા, બુદ્ધિમાન, હિંદની એકતાનાં સ્વપ્નો સેવી ચૂકેલા, અરે હિંદની એકતા માટે મથી ચૂકેલા પીઢ અગ્રણીઓની દોરવણી નીચે !

એક સાંકળે બાંધેલા બે ગુલામો સામે રોટલીનો એક ટુકડો ફેંકાયો ! સાંકળ તોડવાનું બાજુએ રહ્યું, અને બંને ગુલામોએ આંખો કાઢી ઘૂરકવા માંડ્યું, નહોર-નખોરિયાં મારવા માંડ્યાં તથા વધારે વીરરસમાં આવી પરસ્પરને બચકાબચકી ભરવા માંડ્યાં. રોટલીનો ટુકડો યે ધૂળમાં રગદોળાય છે, ખણખણતી જંજીર સંભળાતી પણ બંધ થાય છે, ગુલામો સાચા દુશ્મનને ભૂલી જાય છે, અને એકબીજાને દુશ્મન લેખી ઝેરભર્યું માનસ અને લોહીભર્યાં દેહને જોઈ જોઈ જીનવેતાળનાં આહ્વાન કર્યે જ જાય છે. ગુલામોનો માલિક બંનેની મનોદશા જુએ છે, એ મનોદશાને ઉગ્ર બનાવવા, ધૂળભર્યા ટુકડાના વધારે ટુકડા બનાવી બન્ને ગુલામો વચ્ચેનાં વિગ્રહસ્થાનો વધારે છે, હસે છે, રમત જુએ છે, અને ક્ષણે ક્ષણે નિર્બળ બની જતા ગુલામોના સંગ્રામમાં સાંકળની ક્ષેમકુશળતા નિહાળ્યા કરે છે. શેરીમાં થતા શ્વાનવિગ્રહ સરખો આ હિંદુ-મુસ્લિમ વિગ્રહ માલિકીની એક એક લાકડી પડતાં શમી જશે એવી ખાતરી ધરાવતો માલિક બંને ગુલામો પાસે એની નિત્ય મજૂરી લીધે જ જાય છે. ગુલામોની અને શ્વાનોની વચ્ચે ભાગ્યે જ તફાવત હોય ! અંદર અંદર લડતાં એ પ્રાણીઓ જેણે નીરખ્યાં હોય તેને ભાગ્યે જ હાલના હિંદુ-મુસ્લિમ વિગ્રહમાં એથી વધારે ઊંચું માનસ દેખાતું હોય !

અને એ ગુલામો ઘૂરકતાં ઘૂરકતાં પરસ્પરને સંભળાવે છે કે -

‘અમે બાદશાહીનાં ફરજંદો !’

‘અમે હિંદુપત પાદશાહીનાં સંતાન !’

પરાશર બહાર નીકળવા ગયો. રંભા; એકાએક ઊભી થઈ આગળ વધતા પરાશરને રોકવા જતી દેખાઈ.

‘મારી સાથે આવો છો ? ચાલો.’ પાછળ આવતી રંભાનો હાથ ખેંચી પરાશરે કહ્યું, અને તે ઓરડાની બહાર નીકળી ગયો. રંભા પાછળ દોડી.

‘મૂર્ખાઈ !’ ‘નિરર્થક સાહસ !’ ‘બહાદુરીનો ભ્રમ !’ ‘ચક્રમપણું !’ એવા એવા ઉદ્ગારોથી પરાશરના કૃત્યને ઓળખાવતા ‘બુદ્ધિમાન યુવકો'માંથી એકે ઊઠી ઝડપથી બારણું બંધ કર્યું. સુંવાળી બુદ્ધિએ કંટકભરેલા સત્ય તરફ આંખ મીંચી. શોભનાને આ કાયરતા અસહ્ય થઈ પડી. તેણે ઊભા થઈને કહ્યું :

'પ્રમુખ સાહેબ ! બારણું બંધ થવું ન જોઈએ.’

‘બધાંની સલામતી માટે એ જરૂરી છે.' છોકરી સરખા તીણા અવાજવાળા એક યુવકે કહ્યું.

'જરાય નહિ. અહિંસામાં માનતા હો તો વગરહથિયારે અને હિંસામાં માનતા હો તો આ માળામાંથી દંડા લઈને સહુ કોઈ બહાર આવો. ટોળાબંધ ત્રીશે જણ નીકળશું તો ઘણું થઈ શકશે.’ શોભનાએ તકરાર ઉઠાવી.

‘સ્ત્રીઓ hysterical[૪]* હોય છે...' તીણા અવાજવાળા યુવકે જવાબ આપ્યો. એ જવાબ પૂરો થાય તે પહેલાં શોભનાએ બારણું ઉઘાડી નાખ્યું. બારણું ઉઘાડતા બરાબર બહારથી પથ્થરનો વરસાદ વરસવા લાગ્યો. માથા ઉપર થઈ ચાલી જતા પથ્થરોથી બચવા શોભના નીચી વળી બહાર નજર નાખતી શોભનાએ રસ્તા ઉપરનાં રમખાણો નિહાળ્યાં. લોકો દોડતા હતા, બૂમો પાડતા હતા, નાસતા હતા, ધસતા હતા, ધક્કામુક્કી કરતા હતા, લાઠીઓ ઉછળતા હતા અને વચમાં વચમાં છરાઓ ચમકાવતા હતા. કોઈ કોઈના હાથમાં બળતાં લૂંગડાં વીંટચાં વાંસ પણ હતા. ઘડીકમાં માનવટોળું બાહ્ય દેખાવે હિંદુ લાગતું તો ઘડીકમાં તે ટોળું મુસ્લિમ હોવાનો ભ્રમ ઉત્પન્ન કરતું. એકબીજાને આશ્રયે વીર બનવા મથતાં એ ટોળાં મોટું ટોળું સામે આવતાં, વેરાઈ જઈ નામર્દોની ચાલાકી દર્શાવતાં અને એકલ માણસને નિહાળી તેના ઉપર લાઠી લઈ તૂટી પડી. અગર પીઠ પાછળથી છરો ભોંકી નામર્દોની વીરતાનું પ્રદશન કરતાં.

એક યુવતીને ઝડપથી એક શેરીમાં પસાર થતી શોભનાએ નિહાળી. એ. રંભા તો નહિ હોય ? હુલ્લડોમાં સ્ત્રીઓ ભાગ્ય જોવામાં આવતી.

ક્ષણવારમાં તેણે એક યુવક પર લાઠીઓની ઝડી પડતી જોઈ. એ. યુવક પણ બરાબર સામો થઈ લાઠીના પ્રહારો ઝીલતો અને સામા પ્રહારો કરતો. એ પરાશર તો નહિ હોય ?

શોભના ઊભી થઈ. છજા ઉપર હવે પથ્થરો પડતા ન હતા. તેના હૃદયમાં જાણે આવેશ હોય તેમ તે આગળ ધસી નીચે ઊતરવા ગઈ. તેને લાગ્યું કે તેને કોઈ પકડી રાખે છે. તેણે પાછળ જેવું. ભાસ્કર તેને રોકતો હતો.

‘છોડ, ભાસ્કર ! મને જવા દે. શોભનાએ કહ્યું.

'ક્યાં'

'બહાર.'

‘મૂર્ખ ન બનીશ.’

‘રંભા મુશ્કેલીમાં છે.’

‘તારા ગયાથી એ બચશે ?'

‘મને એ વિચાર આવતો નથી, જે થાય તે ખરું.’

‘તોફાન આપણાથી દૂર ચાલ્યું જાય છે. મારી કાર નીચે ચોકમાં જ છે. આપણે તેમાં ચાલ્યાં જઈએ.' ભાસ્કર બોલ્યો. ‘અને બીજાં બધાં ?’

‘તેમને માટે જ જવાનું ને ? તને સલામત પહોંચાડી હું પોલીસની ટુકડી લઈ અહીં આવું છું. ત્યાં સુધી સહુ સલામત છે. મેં અહીંના ભૈયાઓને પૈસા આપી દીધા છે; એ માળો સાચવશે.'

‘રસ્તામાંથી રંભાને લેઈ લેવાશે ?'

'હાસ્તો.'

‘અને પરાશરને ?’

‘પ્રયત્ન કરી જોઈએ, ચાલ.' ભાસ્કરે શોભનાનો હાથ ઝાલી આગળ ખેંચી. કાંઈ પણ સમજ ન પડતી હોય એમ વિચારશૂન્ય બની ગયેલ શોભના ખેંચાઈ આગળ ચાલી.

દૂર ચાલ્યા જતા હુલ્લડ ઉપર સંધ્યાકાળનું ધુમ્મસ ઢંકાતું હતું. શોભના ભાસ્કર સાથે કારમાં બેસી ગઈ, અને દીવા પ્રગટાવતી કાર આગળ વધી.

‘આપણે સાથીઓને મૂકી ભાગી જઈએ છીએ.' શોભના બોલી.

‘જરાય નહિ. બધા સભ્યોની સૂચનાથી જ હું આવ્યો છું. આપણે જોખમ ખેડીને બહાર નીકળ્યાં છીએ.' ભાસ્કરે કહ્યું.

એકબે પથ્થર કાર ઉપર અથડાયા; કારની ઝડપ વધી. ભાસ્કરે પૂછ્યું :

‘બીક તો નથી લાગતી ને ?’

'ના'

‘તારું શરીર તો થરથરતું લાગે છે !’ શોભનાનો હાથ પકડી ભાસ્કરે કહ્યું.

'મેં એક વાર કહ્યું ને કે હું પરણેલી છું ?’ શોભના બોલી.

‘તેથી શું ?' ભાસ્કરે હસીને પૂછ્યું.

લગ્ન નિરર્થક છે; મિલકતની ભાવનાનું પરિણામ છે. લગ્ન અને શરીરસંબંધ એ બે ભિન્ન તત્ત્વો છે; શરીરસંબંધમાં આા નથી; એવાં એવાં સૂત્રોની ચર્ચા કરતા યુવકયુવતીના મંડળમાં આ પ્રશ્ન પુછાય એ સહજ છે. એ પ્રશ્નનો જવાબ પણ મળતો નથી.

કાર અદ્દશ્ય થઈ. અનિયંત્રિત હુલ્લડનાં રાક્ષસી વમળો ઉપર તરવાને પાત્ર બનવી જોઈતી હિંદની સંસ્કારસમૃદ્ધ જુવાની આ સુંવાળા, સહેલા અને સ્વતંત્ર લાગતા પ્રેમના પારામાં ગળી તો નથી જતી ને ? ગુલામી ભોગવતું માનસ કદાચ સ્વતંત્ર પ્રેમમાં બેડીની એકાદ કડી તૂટ્યાનો અનુભવ પણ કરતું હોય, નહિ ?

કે પછી સાચા, સમાજ કે પ્રણાલિકાને તોડવા મથતા પ્રેમનું એ મુક્ત ઉડ્ડયન - કે ઉડ્ડયનની પ્રાથમિક અપક્વ ભૂમિકા તો એ ન હોય ?

હુલ્લડ વધતું હતું. પોલીસની સિસોટીઓ વાગતી હતી. ક્વચિત્ બંદૂકના બાર પણ સંભળાતા હતા.

‘બહુ સારું થયું તમે આવ્યા તે. હુલ્લડ ચાલે છે, અને મને એવો ધ્રાસ્કો પડ્યો !’ પરાશરને ચાલીમાં પેસતો જોઈ રતને કહ્યું.

‘બધે હુલ્લડ નથી.' પરાશરે જવાબ આપ્યો.

‘ગઈ સાલ આ ચાલી પાસે જ તોફાન થયેલું. કેટલી મારામારી અને કાપાકાપી ! મેં પણ પાંચપંદર પથરા ફેંક્યા હશે !’

'તને બૈરાંની પોલીસમાં દાખલ કરીશું.’ પરાશરને હસવું આવ્યું.

‘એટલે ?’

‘હવે પુરુષ પોલીસથી હુલ્લડ અટકતાં નથી. એટલે...’

‘અરે, પણ આ તમારા માથામાંથી તો લોહી નીકળે છે ! ક્યાં વગાડી આવ્યા?'

‘કોણ જાણે !’ રતને ઝડપથી પરાશરની ઓરડીનું બારણું ઉઘાડ્યું, અને ફાનસ સળગાવવા જતા પરાશરના હાથમાંથી ફાનસ ઝુંટવી. તેણે સળગાવ્યું.

‘બાપરે ! બહુ લાગ્યું છે. નીચે બેસી જાઓ. હું રૂ બાળી લાવું.’ રતને પરાશરને પકડી ખાટલા પર બેસાડ્યો, અને ઓરડીની બહાર તે દોડી ગઈ. પરાશરની અને રતનની ઓરડી વચ્ચે બીજી ઓરડીઓ હતી. છતાં ઘણી વખત મોટેથી થતી વાત આખી ચાલીમાં સંભળાતી. મજૂરોને ટીપમાં વાત કરતા સભ્યતા નડતી નથી. પંચમ અ ધૈવત એ અશિક્ષિતોના સામાન્ય સૂર ગણી શકાય. પરાશરે રતન અને તેના પતિ વચ્ચે થતી વાત સાંભળી પણ ખરી :

‘બહાર પગ મૂક્યો તો પગ વાઢી નાખીશ.’

‘વાઢ્યો. હવે તેં પગ ! મૂઆા પાછો દારૂ પી આવ્યો !’

‘બહુ બોલી તો જીવતી નહિ છોડું ! જોવું છે ?’ એક લાકડીનો ફટકો પણ પરાશરે સાંભળ્યો.

‘પીટયા ! રાજિયો ગાય તારો ! હાથ સખણો નથી રહેતો, ખરું ? પેલા પઠાણને તો વેચવા ફરતો હતો, અને હવે મોટો સતો થાય છે...’

રતન ઓરડીમાં આવી અને પરાશરે પૂછ્યું :

‘શું કરવાને આવી ?’ ‘કેમ ન આવું ?'

‘તારો વર તો લડે છે.’

‘છોને લડે, એને બીજો ધંધો શો છે ?'

પરાશરના માથામાં વાગેલા ઘા ઉપર તેણે રૂ દબાવીને મૂકવા માંડ્યું. એક માતા કે એક બહેનનો નિ:સ્વાર્થી હાથ ફરતો પરાશરે અનુભવ્યો. કયા કારણે રતન આવી કાળજી લેતી હતી ? પઠાણના મારથી પતિને બચાવવા ચોરી કરનાર પત્ની ચોરીના ભોગ પ્રત્યે ભ્રાતૃભાવ કેળવતી હતી ! અને એ ભાવને ખાતર પતિનાં મહેણાં અને કદાચ માર પણ સહન કરવા તૈયાર બનતી હતી ! આવી સારવાર પંદર રૂપિયા ખર્ચ્ચે પણ કદાચ ન મળે; સારવાર મળે તોપણ સારવાર પાછળનો ભાવ તો ન મળે.

સાદા, અસંસ્કૃત ગરીબ જીવનની સરળતા ક્યાં ? અને આંટીઘૂંટીવાળા શિક્ષિત, સદા જાગ્રત રહેતા મધ્યમવર્ગી જીવનનો પડદાપોશ સ્વાર્થ ક્યાં ? યુવકો અને યુવતીઓ હુલ્લડ શમ્યા પછી સલામતીની ખાતરી થયે સેવા કરવા નીકળશે, વકીલો વ્યાખ્યાનો આપવા નીકળશે ! પણ દેહને અગ્નિમાં હોમનાર*[૫] ગણેશ શંકર વિદ્યાર્થી તો એક જ નીકળ્યો, નહિ ?

કૉલેજના યુવકો પ્રગતિમાન મનાય; કૉલેજ બહાર નીકળેલા યુવાન વિચારકો પણ પ્રગતિશીલ ગણાય. એ યુવકો હુલ્લડ અટકાવવા જવા ટુકડીબંધ પ્રયાસ કેમ કરતા નથી ? યંગ ઈન્ટલેક્ચ્યુઅલ્સ સ્પેન, ચીન અને એબીસીનિયાની વિગતો સંબંધી ચર્ચા બંધ કરી તેમની જ આંખ આગળના પ્રશ્નોનો નિવેડો કરે તો ? શહેરમાં થતાં હુલ્લડને અટકાવી દેવા ત્રણસો યુવાનો પણ ઊભા ન થઈ શકે ? સ્પેનની ઈન્ટરનેશનલ બ્રિગેડમાં ન જવાયું તેથી અસંતોષમાં પડેલા યુવકો હુલ્લડવિરોધી ટુકડી ઊભી કરે તો ? ક્રાંતિવાદ ફેલાવવા કરતાં આ કોમવાદનું હળાહળ નિવારવું એ કદાચ આજનો વધારે અગત્યનો પ્રશ્ન પણ હોય.

મજૂરો અને કિસાનોની ઉન્નતિ સાથે ત્રણસો યુવકોની હુલ્લડવિરોધી ટુકડી ઊભી કરવાનો નિશ્ચય કરતા પરાશરને રતનની સારવાર અનેક પ્રશ્રવર્તુલોમાં દોરી જતી હતી.

પરંતુ તેના પ્રશ્નોને અટકાવનાર એક ટકોરો તેની ઓરડીના અધખુલ્લા બારણા ઉપર પડ્યો. સહજ ચમકી બંનેએ બારણા તરફ જોયું; રંભા અંદર આવી રહી હતી.

‘છેવટે વાગ્યું, ખરું ?' રંભાએ પાસે આવી પૂછ્યું.

‘આવા હુલ્લડમાં પડીએ એટલે વાગે પણ ખરું.’ પરાશરે જવાબ આપ્યો.

‘જીવનું જોખમ ! કેટલું સાહસ કર્યું !’

‘સાહસ વગર શું બની શકે ? અને જીવ તો પ્રત્યેક પળે. જોખમમાં જ છે ને?'

રતને સારવાર અટકાવી. તેને લાગ્યું કે તેની ઓરડીમાંથી બૂમો આવ્યા કરતી હતી. રંભાના મુખ ઉપરની તેણે ચિંતા પણ નિહાળી. વ્યવહારદક્ષતાનો આશ્રય લેઈ રતને કહ્યું :

‘હું જરા જઈ આવું.’

‘હા, જરૂર જા. તું તો મારી મા બની ગઈ છે.' પરાશરે કહ્યું.

‘આ બહેન તો બેઠાં છે ને ?’ રતને જતાં જતાં પૂછ્યું.

‘હા, હું બેઠી છું હમણાં.’ રંભાએ કહ્યું અને પરાશરની જોડે તે બેસી ગઈ. ફાનસના આછા અજવાળામાં રંભાને રતન રૂપાળી લાગી. રતને પાછાં ફરી બારણા બહારથી કહ્યું :

“પણ બહેન ! જોજો ઘા સંભાળજો.'

‘ક્યારે વાગ્યું ?’ રંભાએ પૂછ્યું.

‘તમે અને હું છૂટાં પડી ગયાં પછી.'

‘શાથી વાગ્યું ?’

‘એક મુસ્લિમ કોઈને છરી ભોંકવા જતો હતો. તેની છરી મેં પડાવી એટલે હિંદુઓની ટોળી લાઠી સાથે એ મુસ્લિમ ઉપર તૂટી પડી. એને છોડાવતાં મને વાગ્યું.’

‘મારો તો જીવ એટલો અધ્ધર થઈ ગયો ! તોફાનનાં વર્ણન વાંચ્યા-સાંભળ્યાં ખરાં. પણ નજરે તોફાન પહેલી વાર જોયું ! બાપ રે...' રંભા બોલી અને તેણે આંખ ઉપર હાથ ઢાંકી દીધો. એની દૃષ્ટિ આગળ માનવજાતની અમર્યાદાઓ ઊભરાઈ આવી. બુદ્ધિને બાજુએ મૂકી ઘેલછાને ઘૂમવા દેતી માનવવૃત્તિનાં દૃશ્યો તેની નજર આગળ તરી આવ્યાં. તે જાતે ભયભીત બની ગઈ હતી. તોફાન થયું સાંભળતાં જ સ્ત્રીઓએ તો સંતાઈ જ જવું જોઈએ એવી માન્યતા કૉલેજની કેળવણી પણ દૂર કરી શકતી ન હતી. પરાશરે રંભાને ખેંચી અને રંભા તોફાનની મધ્યમાં જ જઈને ઊભી રહી ! એ ક્યાંથી હિંમત લાવી શકી હશે ? રંભાને પોતાને જ સમજ ન પડી. ‘તમારી ગર્લ્સગાઈડ અને વ્યાયામવીરાંગનાઓ આ હુલ્લડો ન અટકાવે ?’ પરાશરે આંખ ઉઘાડતી રંભાને પૂછ્યું.

‘બિચારી છોકરીઓ તે શું કરે ?'

યુરોપમાં તો સ્ત્રીઓએ સૈન્યમાં જોડાવાનું શરૂ કરી દીધું છે. આપણે ત્યાં શાંતિના સૈન્યમાં તો તમે દાખલ થાઓ ?’

‘બૈરાં તો સારવાર કરે, આવા તોફાનમાં તેમનાથી કેમ ઊભાં રહેવાય ?’

‘આજ બપોરે જ તમે સામે મુખે ગોળીઓ ઝીલવાનું કશું ગીત બોલતાં હતાં ને ?’

‘તમે સાથે હો તો હું આવું.’

‘શરૂઆત એમ કરીએ. આપણે બંને આજે નિશ્ચય કરીએ કે જ્યાં જ્યાં કોમી રમખાણ ત્યાં ત્યાં આપણી હાજરી.’

‘મારે કબૂલ છે.’

પરાશરના હૃદયમાં આશાનો ઉત્સાહ એકાએક ઊભરાયો. એક અભણ યુવતી તેની પાસે ભણવાને તૈયાર બની હતી; એક સંસ્કારી યુવતી અજ્ઞાનનાં જીવલેણ પરિણામ અટકાવવા તેને સાથ આપતી હતી. કહો ને કે સાથ આપી ચૂકી હતી !

‘એક વર્ષ સુધીની શર્ત ?' પરાશરે પૂછ્યું.

‘જીવનભરની.'

‘ખરું કહો છો ?’

‘મારો કૉલ આપું.' - કહી રંભાએ પરાશરનો હાથ સહજ ખેંચી તેમાં પોતાનો હાથ મૂકી દીધો.

પૂરાશરના દેહમાં વીજળી ઝબકી ગઈ. સ્ત્રીપુરુષના સ્પર્શમાં સ્વાભાવિકતા લાવી વિકારને દૂર કરવાની ટેવ દેહને પાડવી જોઈએ એવી માન્યતા ધરાવતા પરાશરને લાગ્યું કે હજી સ્પર્શની સ્વાભાવિકતા તે પોતાના દેહ માટે લાવી શક્યો ન હતો. વિકાર એ એથી એક ડગલું આગળ જ ઊભો રહેતો હતો.

પરંતુ જાતીય વિકારને વશ જ ન થવું એવો નિશ્ચય કરીને પરાશર તેના વિચિત્ર કાર્યમાં જોડાયો હતો. સમાજ હજી જૂની નીતિને જ ઓળખે છે. જૂની નીતિનાં જ ધોરણે તે કાર્યકતાઓનાં મૂલ્ય મૂલવે છે. શિક્ષિતવર્ગ પણ નવીન નીતિના મર્યાદાવિસ્તારને વધારતો હોવા છતાં બીજાઓને માટે વ્યક્તિગત જૂનાં ધોરણો જ માગે છે. પરાશરના નવીનતાભર્યા સુધારણાના સ્ત્રીપુરુષના સહપ્રયોગો જનતાએ નિંદી કાઢ્યા હતા અને તેને પ્રથમ નિષ્ફળતા મળી હતી. એટલે બીજું કાંઈ નહિ તો tactics તરીકે - વ્યુહરચના તરીકે પણ તે વિકારવશતાનો વિરોધી બની ગયો હતો. અંગત રીતે તો વાસનાની નાની સુખભરી સુંવાળાશમાં તેને નામર્દાઈનાં જ દર્શન થતાં હતાં. પ્રેમીઓનાં - વિદ્યાર્થીપ્રેમીઓનાં ઝડપથી બંધાતાં સ્મિત જાળાં પ્રત્યે તે તિરસ્કાર કેળવતો બની ગયો હતો. એમાં એને દેશ દુર્બળ બનતો દેખાયો હતો. આર્યસમાજીઓની કડક બ્રહ્મચર્યભાવનાનો તે પ્રશંસક બની ગયો હતો - જોકે તે જાતે કોઈ પણ ધર્મમાં માનતો ન હતો. છતાં. પરાશરે હાથ ખેંચી લેવા માંડ્યો. રંભા પરાશરના માનસને ઓળખી શકી હતી. તેણે પોતાના હાથ વડે પરાશરનો હાથ પકડી રાખ્યો.

‘કેમ ચમકો છો ?’ રંભાએ પૂછ્યું.

‘અમસ્તો જ.’

‘મારો હાથ નથી ગમતો ?'

‘એમ નહિ, મારો બરછટ હાથ અને તમે...’

‘સુંવાળા હાથવાળાં, ખરું ?’ રંભા બોલી ને હસી.

પરાશરને જવાબ ન જડ્યો. આ રંભા અશિષ્ટ દેખાતા, ગરીબીમાં ડૂબી ગયેલા, મજૂર જનતા કરતાં સહજ જ ઊંચે વસતા યુવક પ્રત્યે આકર્ષાઈ હતી એવી ભ્રાન્તિને ખરી પડતી તે અનુભવતો હતો. જગતમાં - માનવ અને પશુ જગતમાં આ જાતિનો દેવ - આ કામદેવ કેવા અણધાર્યા પ્રસંગો ઊભા નહિ કરતો હોય ?

‘જાણે ખાખરાના પાનમાં કેસૂડાં મૂક્યાં, નહિ ?' રંભાએ પરાશરની મૂંઝવણ વધારતાં કહ્યું.

‘હું ઉપમાઓનો-અલંકારોનો વિરોધી છું.’ પરાશરે સમજ ન પડવાથી જવાબ આપ્યો.

‘તો આપણે સાદી વાત કરીએ.'

‘હાથ છોડી દઈને.'

‘એ હાથ જલદી છોડવા માટે પકડ્યો છે ?’

‘પરાશર આ આર્જવભર્યું હસતી અપ્સરા તરફ જોઈ રહ્યો. ક્ષણ રહી તે બોલી ઊઠ્યો :

‘પણ... પણ... હું તો પરણેલો છું.’

રંભાએ એકાએક પરાશરનો હાથ છોડી દીધો.

સહશિક્ષણ, સહજીવન, સિનેમા, નાટક, નવલકથા, મોટરકારની મુસાફરી, સહમુસાફરી, સભા, પ્રભાત ફેરી, સરધસ એ સઘળાં તત્ત્વો વર્તમાન ગુજરાતના જાતિજીવનને સદાય જાગતું અને ઝણઝણતું રાખે છે. લાંબી વય સુધીની અલગ્ન અવસ્થા અને શારીરિક સંબંધમાંથી ઊડી જતી પાપની ભાવના જાતીય સંતોષના અનેકાનેક અખતરાઓ રચાવે છે. વિચિત્ર પરાશરના પુરુષત્વે રંભાની જિજ્ઞાસા ઉશ્કેરી અને જિજ્ઞાસા અત્યંત ઝડપથી રસવૃત્તિમાં ફેરવાઈ ગઈ. એકલાં પડેલાં યુવકયુવતી પરસ્પરને માગી રહ્યાં; પરંતુ પરાશરનો આગ્રહભર્યો સંયમ તેને યાદ આપી રહ્યો કે તે પરણેલો હતો.

લગ્ન એક સામાજિક ગોઠવણ છે, વ્યક્તિગત સુખ-સંબંધ વચ્ચે આવવાનો તેને અધિકાર નથી, એવી માન્યતા ધરાવતી રંભાને પણ પરાશરના કથને ચમકાવી, અને તેનો હાથ છૂટી ગયો, કારણ ? પરાશરે કહ્યું :

‘હું તો પરણેલો છું.’

બારણા આગળ કોઈનો પગ ઘસારો બન્નેને સંભળાયો. બન્નેએ તે બાજુએ જોયું. કોઈ આવતું દેખાયું નહિ. બન્નેએ ધાર્યું કે રતન આવી પાછી જતી રહી હશે.

રતન પોતાની ઓરડીમાંથી તે જ ક્ષણે બહાર નીકળી. પરાશરની ઓરડીના બારણા આગળથી એક યુવતીને તેણે પાછી ફરતી જોઈ.

‘સારું થયું. કાંઈ કરવું નહિ ને નકામો જીવ ખાવો. ક્યારની ખસતી ન હતી !' રતન આગળ આવતાં મનમાં જ બોલી રહી.

પાછી જતી યુવતીને નિહાળતાં અંધારામાં પણ એને લાગ્યું કે પહેલી આવેલી યુવતી આ ન હોય.

‘કોનું કામ છે, બહેન ?’ રતને પૂછ્યું.

‘કોઈનું નહિ.' યુવતીએ જવાબ આપ્યો.

‘કામ વગર તે કોઈ આ અમારી ચાલીમાં આવે ?’

‘હું પરાશરને મળવા આવી હતી.'

‘મળી લીધું ?’

‘ના; મળવું નથી.’

‘કેમ ?'

"મારી મરજી.'

રતનને કહેવાનું મન તો થયું :

‘ઓ હો ! આ બાઈનો મિજાજ તો જુઓ !’

પરંતુ તેમ કહેવાને બદલે તેણે પૂછ્યું :

'તમારું નામ?"

‘મારું નામ શોભના. પણ તેનું તારે શું કામ છે ?'

‘કામ તો શું હોય ? અને હોય તોયે તમારા જેવાં અમારું કામ કરેયે શેનાં ?"

શોભના આ કટાક્ષ સાંભળી ઘડીભર ઊભી રહી, અને પછી ત્યાંથી ચાલી નીકળી. રતન તેને જોઈ રહી. ભણેલી, સ્વચ્છ, ચબરાક, ચતુર, આકર્ષક યુવતીઓ તેણે કદી કદી જોઈ હતી.

એવી યુવતીઓ એકલા સાહેબોની મડમો જ હોતી નથી, મોટરમાંથી ઊતરતી શેઠની વહુદીકરીઓ પણ એવી હોય છે. ભણવા જતી કહેવાતી છોકરીઓ પણ એવી જ દેખાય છે. એવી યુવતીઓ મોટરબસમાં પણ બેસી જતી હોય છે, અને ચંપલ પહેરીને પગે પણ ચાલતી હોય છે. એ રતનની જ જાત - નારી, પણ બહુ જ જુદી !

એ પરણી હશે ? ઘર ચલાવતી હશે ? વાસણ માંજતી હશે ? લૂગડાં ધોતી હશે ? એને રસોઈ આવડતી હશે ? એ માતા બની શકતી હશે ? રતનના મનમાં નવીન સ્ત્રીને જોઈ આવા આવા પ્રશ્નો ઊભા થતા, અને તેના સમાધાનભર્યા જવાબ તેને મળતા નહિ. જો આમાંનું કાંઈ તેમનાથી બની શકતું ન હોત તો એ શોભાની નારી નિષ્ફળ ન કહેવાય ?

મિલમાલિકના બંગલા ઉપર કૈંક વેલો ચઢી હોય છે ! એ વેલનાં ફૂલ? ન હોય એમાં વાસ, અને ન આપે કદી ફળ ! વેલ વાવવી હોય તોય ડાંખળી તોડવી પડે ! એવી નિષ્ફળ સુવાસરહિત પુષ્પનો ભાસ આપતી યુવતીઓ પરાશરની આસપાસ નાહક વીંટાવાને બદલે પરાશરની કાળજી લેવા આવતી હોય તો કેવું ?

એક યુવતી બપોરની ચોંટી રહી હતી; બીજી બેત્રણ આવી ગઈ. અત્યારે વળી એક મિજાજી બાઈ આવી. તે તો મળ્યા વગર જ ચાલી ગઈ ! તો આવી શા માટે ? મળ્યા વગર જાય એમ માનવા રતનનું મન ના પાડતું હતું.

‘આમાંથી કોઈ બિચારાને રોટલો ઘડી આપે એવી દેખાતી નથી !' રતને નવીન નારીના નમૂનાઓ નિહાળી મનમાં જ અભિપ્રાય બાંધ્યો. રોટલા માટે આખો વર્ગવિગ્રહ રચાયા કરે છે; પરંતુ રોટલાનું સાધન હોય ત્યાં એ બનાવવા કોણે, એ જ પ્રશ્ન ઊભો થાય છે. સ્ત્રીને અને પુરુષને બંનેને હવે રસોઈના કાર્યમાં અપમાન અને ક્ષુદ્રતા લાગે છે, છતાં જીવવા માટે કોઈકે તો રસોઈ કરવી જ પડશે ! વર્ગવિહીન સમાજમાં પણ રસોઈ-રસોડાં તો રહેવાનાં જ. કૌટુંબિક રસોડાંને બદલે સામુદાયિક રસોડાં - વિસ્તૃત રસોડાં રચાવાનાં. એ કાર્ય કોણ હાથ ધરશે ?

રતનને સમાજવાદ કે સામ્યવાદીની ખબર ન હતી. ધણીને રસોઈ કરી જમાડવો એ જૂની જુલમી વિચારશ્રેણી તેને સ્વાભાવિક થઈ પડી હતી. ધણીને જ નહિ પણ પાડોશીને પણ જરૂર પડ્યે રસોઈ કરી જમાડવાની જંજાળભરી માન્યતામાં તે ઊછરી હતી. પરાશરની આસપાસ ફરી લટુડાં કરતી એકેય ચપલાએ પરાશરને પૂછ્યું નહિ હોય કે તે ભૂખ્યો તો નથી ! રતન પરાશરની ઓરડી આગળ પાછી ગઈ. ઝટ પડોશીનું બારણું ખોલી નાખતી આ મજૂર યુવતીને યાદ આવ્યું કે નવીન નારી ખટકારો આપ્યા પછી જ બારણાં ઉઘાડે છે. તેણે નવીનતાનું અનુકરણ કર્યું. બારણું ખખડાવ્યું અને અંદરથી ‘આાવો’નો સાદ સંભળાયો ત્યારે જ તે ઓરડીમાં ગઈ. ઓરડીમાં પેલી ચોંટી રહેલી યુવતી હજી ચોંટી જ રહી હતી.

રતને પૂછ્યું : ‘હજી બેઠાં છો કે શું બહેન ?

‘હા; પરાશર જોડે વાતો કરું છું.’

‘એને કાંઈ પાટોબાટો બાંધ્યો નહિ ?’

‘હું તો વાતમાં ભૂલી જ ગઈ કે એને વાગ્યું છે ! પણ લાવો, હું સરસ પાટો બાંધી આપું : "ફર્સ્ટ એઈડ"[૬] મને આવડે છે.’

પરાશરની ઓરડીમાં પાટો નહોતો. રતન હાથરૂમાલ રાખતી નહિ, અને રંભાના હાથરૂમાલ-હેન્કી-પાટા માટે ઘણા જ નાના પડે એવા હતા.

‘હશે, હમણાં જરૂર નહિ પડે. જરૂર પડશે તો હું કૈંકથી લૂગડું ફાડી લાવીશ.’ રતને કહ્યું.

“પણ એને સાબુથી ધોઈ સ્વચ્છ બનાવજો. ઊના પાણીમાં ઉકાળજો પણ ખરાં.’ રંભાએ કહ્યું.

‘કોને ઉકાળું ?’ રતનને સમજ ન પડી એટલે પૂછ્યું.

‘પાટાને વળી ! બીજા કોને ?’ સહજ હસી રંભા બોલી.

રતન રંભાના હાસ્ય તરફ સહજ જોઈ રહી, અને પછી બોલી : ‘બીજાં એક બહેન પણ હમણાં આવી ગયાં.’

‘અહીં તો કોઈ આવ્યું નથી.' રંભા બોલી.

‘બારણે કાન દઈ ચાલ્યાં ગયાં લાગે છે.' પરાશર અને રંભા પરસ્પર સામું જોઈ રહ્યાં. રંભાએ પૂછ્યું :

‘નામ કહી ગયાં છે ?”

‘તમારાં તો નામે બહુ ગોટાળિયાં ! ગંગા, જમની, કાશી કે જડી જેવું નામ હોય તો સાંભરે પણ ખરું. આ તો તેમણે કહ્યું તોય. હું ભૂલી ગઈ !’

‘વિની તો નહિ ?’

'ના.'

‘તારિકા ?’

‘ના, એવું તકતકતું નામ નહોતું; જરા ભારેખમ નામ લાગ્યું.’

‘શોભના ?’

‘હા, હા, શોભના જ. મિજાજ ભારે !’ રતને કહ્યું. ‘પછી એ અંદર કેમ ન આવી ?’

‘એ તો કોણ જાણે. પણ ભાઈ ! મારી એક વાત ન માનો ?’ રતને પરાશરને પૂછ્યું.

‘શી વાત ? માનવા જેવી હશે તો જરૂર માનીશ.’

‘આ બધી છોકરીઓ, આસપાસ ફરે છે તો...' રતન જરા ખમચી.

‘શું તો ?’ રંભાએ હસીને પૂછવું. આ અજ્ઞાન સ્ત્રી વાતને રસિકતા તરફ વાળશે એમ લાગવાથી રંભાએ પ્રશ્ન કર્યો.

'હું એમ કહું કે... તો... એકાદની સાથે પરણી જાઓ ને ?’

રંભા ખડખડ હસી પડી. પરાશરે હસવાનો દેખાવ કર્યો. રંભાએ હાસ્યને લંબાવ્યું :

‘એકાદની જ સાથે ?'

‘જુઓ ને બહેન ! એક બૈરી પાલવવી ભારે પડે છે તો વળી વધારેની વાત ક્યાં કરાય ?’

‘તો પછી એવા ભારે કામમાં મને શા માટે નાખે છે ?' પરાશરે પૂછ્યું.

‘પરણ્યા હો તો કોઈ રોટલો તો ઘડી આપે !’ રતને પરણવાનું મહા કારણ બતાવ્યું.

‘રોટલા ઘડવા પરણવાનું ? હવે તો પરણ્યા છતાં પણ કોઈ રોટલો ન ઘડી આપે !’ રંભાએ હસતાં હસતાં નારીસ્વાતંત્ર્યના વિકાસનું એક પરિણામ વર્ણવ્યું.

‘તો પછી એવી વેઠ ગળે વળગાડવી શું કામ ?’ રતને દલીલ કરી.

રતનને શી ખબર પડે કે પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવા એવી એક વ્યાખ્યા થઈ છે ! રતનને એથી પણ આગળ વધેલી ભાવનાની ક્યાંથી ખબર હોય કે લગ્નથી પ્રભુતામાં ન મંડાતાં પગલાં લગ્નરહિત સ્થિતિમાં પણ પ્રભુતા શોધવા મથે છે ? કુંઠિત માનસવાળી એ મજૂરણ સંસ્કારી હૃદયોમાં રમતી ઊર્મિઓને ભાગ્યે ઓળખી શકે !

તે તો પરાશરને માટે જમવાનું લેવા પાછી પોતાની ઓરડી તરફ ગઈ.

પરાશર અને રંભા ફરી એકલાં પડ્યાં.

‘શોભના કેમ ચાલી ગઈ ?' રંભાએ પૂછ્યું.

પરાશરે જવાબ ન આપ્યો.

‘મને લઈ ગઈ હોત તો ? અત્યારે એકલાં જવું પડશે.'

‘હું સાથે આવું.’ પરાશરે કહ્યું. ‘એક શર્તે.' રંભાએ કહ્યું.

‘શી ?’

“મને હાથ ઝાલીને ચાલવા દો. તો !’

પરાશર જરા શાંત રહ્યો. થોડી વારે પરાશરે કહ્યું :

“પણ તમે હવે તો જાણો છો ને - કે હું પરણેલો છું ?’

‘હશો. તેથી શું ?’ રંભાએ જરા રિસાળ જવાબ આપ્યો.

રતન પોતાની ઓરડીમાં જવાને બદલે બારણા પાછળ ચોરીછૂપીથી ઊભી રહી હતી. તેણે આખી વાતચીત સાંભળી.

‘તેથી શું ?’

પરાશરનો જવાબ સાંભળવા તે સહેજ અટકી; કાંઈ સંભળાયું નહિ. બારણાની તડમાંથી તેણે નજર નાખી. એવી નજર નાખવામાં પાપ છે એમ એને લાગ્યું નહિ.

  1. *મોસ્કોની ક્રાન્તિ સમજાવતું એક પુસ્તક.
  2. * Hell - હૅલ- નરક
  3. *મૂર્ખ ન થાઓ.
  4. * ઊર્મિ-પ્રધાન
  5. * કાનપુરના હિંદુ-મુસ્લિમ હુલ્લડ વખતે હુલ્લડ શમાવતાં પ્રાણ અર્પણ કરનાર એક મહાન યુવક.
  6. *તાત્કાલિક સારવાર