અનાસક્તિયોગ/૧૧. વિશ્વરૂપ-દર્શન-યોગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૦. વિભૂતિ-યોગ અનાસક્તિયોગ
૧૧. વિશ્વરૂપ-દર્શન-યોગ
ગાંધીજી
૧૨. ભક્તિયોગ →


૧૧

વિશ્વરૂપદર્શન યોગ

આ અધ્યાયમાં ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવે છે. ભક્તોને આ અધ્યાય અતિ પ્રિય છે. આમાં દલીલ નથી પણ કેવળ કાવ્ય છે. આ અધ્યાયનો પાઠ કરતો મનુષ્ય થાકતો જ નથી.

૩૩

अर्जुन बोल्या :

તમે મારી ઉપર કપા કરીને આ આધ્યાત્મિક પરમ રહસ્ય કહ્યું. જે વચનો તમે મને કહ્યાં છે તેથી મારો આ મોહ ટળ્યો છે. ૧.

તમામ હસ્તીનાં ઉત્પત્તિ અને નાશને વિશે તમારી પાસેથી મેં વિસ્તારપૂર્વક સાંભળ્યું તેમ જ તમારું અવિનાશી માહાત્મ્ય પણ હે કમલપત્રાક્ષ ! મેં સાંભળ્યું. ૨.

હે પરમેશ્વર ! હે પુરુષોત્તમ ! તમે જેવા પોતાને ઓળખાવો છો તેવા જ તમારા તે ઈશ્વરી રૂપનાં દર્શન કરવાની મને ઇચ્છા થાય છે. ૩.

હે પ્રભો ! મારે સારુ તે દર્શન કરવાં તમે શક્ય માનો તો હે યોગેશ્વર ! તે અવ્યય રૂપનાં દર્શન કરાવો. ૪.

श्री भगवान बोल्या :

હે પાર્થ, નાના પ્રકારનાં, દિવ્ય તેમ જ જુદા જુદા વર્ણ ને આકૃતિવાળાં મારાં સેંકડો અને હજારો રૂપો તું જો. ૫.

હે ભારત ! આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિનીકુમારોની જોડી, અને મરુતોને જો. પૂર્વે નહીં દેખાયેલાં એવાં બહુ આશ્ચર્યો તું જો. ૬.

હે ગુડાકેશ ! અહીં મારા દેહને વિશે એકરૂપે રહેલું આખું સ્થાવર અને જંગમ જગત અને બીજું જે કંઈ તું જોવા ઈચ્છતો હોય તે આજે જો. ૭.

પણ આ તારા ચર્મચક્ષુથી તું મને નહીં જોઈ શકે. માટે હું તને દિવ્યચક્ષુ આપું છું. તે વડે તું મારું ઈશ્વરી યોગસામર્થ્ય જો. ૮.

संजय बोल्या :

હે રાજન ! મહાયોગેશ્વર કૃષ્ણે એમ કહીને અર્જુનને પોતાનું પરમ ઈશ્વરી રૂપ દેખાડ્યું. ૯.

તે અનેક મુખ અને આંખોવાળું, અનેક અદ્‍ભૂત દર્શનવાળું, અનેક દિવ્ય આભૂષણવાળું અને ઉગામેલાં અનેક દિવ્ય શસ્ત્રોવાળું હતું. ૧૦.

તેણે અનેક દિવ્ય માળા અને વસ્ત્રો ધારણ કર્યાં હતાં, તેને દિવ્ય સુગંધી લેપો હતા. એવા એ સર્વ રીતે આશ્ચર્યમય, અનંત, સર્વવ્યાપી દેવ હતા. ૧૧.

આકાશમાં હજાર સૂર્યનું તેજ એકસાથે પ્રકાશી ઊઠે તો તે તેજ તે મહાત્માના તેજ જેવું કદાચિત થાય. ૧૨.

અનેક રીતે વિભક્ત થયેલું આખું જગત, પાંડવે, ત્યાં, એ દેવના શરીરમાં એકરૂપે રહેલું જોયું. ૧૩.

પછી, આશ્ચર્યચકિત અને રોમાંચિત થયેલા ધનંજય માથું નમાવી, હાથ જોડી આ પ્રમાણે બોલ્યા. ૧૪.

૩૪

अर्जुन बोल्या :

હે દેવ ! તમારા દેહને વિશે હું દેવોને, જુદા જુદા પ્રકારનાં સર્વ પ્રાણીઓના સમુદાયોને, કમલાસને બિરાજેલા ઈશ બ્રહ્માને, બધા ઋષિઓને, તથા દિવ્ય સર્પોને જોઉં છું. ૧૫.

તમને હું અનેક હાથ, ઉદર, મુખ અને નેત્રવાળા, સર્વ બાજુએ અનંત રૂપવાળા જોઉં છું. હે વિશ્વેશ્વર ! હે વિશ્વરૂપ ! હું નથી જોતો તમારો અંત, તમારો મધ્ય કે તમારો આદિ. ૧૬.

મુકુટધારી, ગદાધારી, ચક્રધારી, તેજના પુંજ, બધે ઝળહળતી જ્યોતિવાળા એવા, વળી મુશ્કેલીથી જોઈ શકાય એવા, અમાપ અને પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના જેવા, બધી દિશામાં દીપતા તમને હું ભાળું છું. ૧૭.

હું માનું છું કે તમે જ જાણવાયોગ્ય પરમ અક્ષર છો. તમે જ આ જગતના અંતિમ આધાર છો; ધર્મના અવિનાશી રક્ષક છો અને તમે જ સનાતન પુરુષ છો. ૧૮.

જેને આદિ, મધ્ય કે અંત નથી, જેની શક્તિ અનંત છે; જેને અનંત બાહુ છે, જેને સૂર્યચન્દ્રરૂપ આંખો છે, જેનું મુખ પ્રજ્વલિત અગ્નિના જેવું છે, અને જે પોતાના તેજથી આ જગતને તપાવે છે એવા તમને હું જોઉં છું. ૧૯.

આકાશ અને પૃથ્વી વચ્ચેના આ અંતરને અને બધી દિશાઓને તમે એકલાએ જ વ્યાપી કાઢ્યાં છે. હે મહાત્મન ! આ તમારું અદ્‍ભુત ઉગ્ર રૂપ જોઈને ત્રણે લોક થરથરે છે. ૨૦.

વળી આ જુઓ દેવોનો સંઘ તમારામાં પ્રવેશ કરે છે. ભયભીત થયેલાં કેટલાંક તો હાથ જોડીને તમારું સ્તવન કરે છે. મહર્ષિઓ અને સિદ્ધોના સમુદાય '(જગતનું) કલ્યાણ હો,' એમ બોલતા અનેક પ્રકારે તમારો યશ ગાય છે. ૨૧.

રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવ અશ્વનીકુમાર, મરુતો, ઊનું જ પીનારા પિતરો, ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધોનો સંઘ એ બધાય વિસ્મય પામતા તમને નીરખે છે. ૨૨.

[નોંધ : શરીરની ઉષ્ણતા ટકે ત્યાં સુધી જ એમાં પ્રાણ ટકી શકે છે. એ ઉષ્ણતા આપણે અન્નમાંથી મેળવીએ છીએ. સૂક્ષ્મ શરીરવાળા પિતરો પ્રત્યક્ષ અન્ન ન ખાઈ શકે પણ એની ઉષ્ણતા જ સીધી પી લે છે એવી માન્યતા તે વખતે હશે. એટલે પિતરોને ઉષ્મપા કહ્યા છે. -કા૦]

હે મહાબાહો ! ઘણાં મુખ અને આંખોવાળું, ઘણા હાથ, જાંઘ અને પગવાળું, ઘણાં પેટવાળું, ઘણી દાઢો વડે વિકરાળ દેખાતું વિશાળ એવું તમારું રૂપ જોઈને લોકો વ્યાકુળ થઈ ગયા છે તેમ જ હું પણ વ્યાકુળ થયો છું. ૨૩.

આકાશનો સ્પર્શ કરતા, ઝળહળતા, અનેક રંગવાળા, ઉઘાડાં મુખવાળા અને વિશાળ તેજસ્વી આંખોવાળા, તમને જોઈને હે વિષ્ણુ ! મારું અંતર વ્યાકુળ થયું છે ને હું નથી રાખી શકતો ધીરજ કે શાંતિ. ૨૪.

પ્રલયકાળના અગ્નિ સમાન અને વિકરાળ દાઢોવાળાં તમારાં મુખ જોઈને મને નથી સૂઝતી દિશા કે નથી પામતો હું શાન્તિ; માટે હે દેવેશ ! જે જગન્નિવાસ ! પ્રસન્ન થાઓ. ૨૫.

બધા રાજાઓના સંઘ સહિત, ધૃતરાષ્ટ્રના આ પુત્રો, ભીષ્મ, દ્રોણાચાર્ય, આ સૂતપુત્ર કર્ણ અને અમારા મુખ્ય યોદ્ધાઓ, બધા જ વિકરાળ દાઢોવાળાં તમારાં ભયાનક મોઢામાં વેગથી પ્રવેશ કરે છે. કેટલાંકનાં માથાં ઊરાં થઈને તમારા દાંતોની વચ્ચે વળગેલાં જોવામાં આવે છે. ૨૬-૨૭.

જેમ નદીઓના મોટા ધોધ સમુદ્ર ભણી ધસે છે તેમ આ લોકનાયકો તમારા ધગધગતા મુખમાં પ્રવેશ કરે છે. ૨૮.

જેમ પતંગિયાં પોતાના નાશને અર્થે, વધતે જતે વેગે, બળતી જ્વાળામાં ઝંપલાવે છે તેમ જ તમારા મુખમાં પણ સર્વ લોકો વધતે વેગે પ્રવેશ કરે છે. ૨૯.

બધા લોકોનો બધેથી ગ્રાસ કરીને તમે તમારા ધગતા મોઢાથી ચાટી રહ્યા છો. હે સર્વવ્યાપી વિષ્ણુ ! તમારો ઉગ્ર પ્રકાશ આખા જગતને પોતાનાં તેજો વડે ભરી મૂકે છે અને તપાવે છે. ૩૦.

ઉગ્રરૂપ એવા તમે કોણ છો તે મને કહો. હે દેવવર ! હું તમને નમસ્કાર કરું છું. તમે પ્રસન્ન થાઓ. તમ આદિકરણને હું જાણવા ઈચ્છું છું. તમારી પ્રવૃત્તિ હું નથી કળી શકતો. ૩૧.

श्री भगवान बोल्या :

લોકોનો નાશ કરનારો, વૃદ્ધિ પામેલો હું કાળ છું. લોકોનો નાશ કરવાને સારુ અહીં ઊપડ્યો છું. તું લડવાની ના પાડીશ તોયે, દરેક સામસામી સેનામાં જે આ બધા યોદ્ધા રહ્યા છે તેમાંના કોઈ રહેવાના નથી. ૩૨.

તેથી તું ઊભો થા, કીર્તિ મેળવ, શત્રુને જીતીને ધનધાન્યથી ભરેલું રાજ્ય ભોગવ. આમને મેં પહેલેથી જ હણેલા છે. હે સવ્ય-સાચી ! તું તો માત્ર નિમિત્ત-રૂપ થા. ૩૩.

મારા હણેલા દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને બીજા યોદ્ધાઓને તું (નામમાત્ર) હણજે. વ્યાકુળ થા મા; લડ; શત્રુને તું રણમાં જીતવાનો જ છે. ૩૪.

૩૫

संजय बोल्या :

કેશવનાં આ વચન સાંભળીને મુકુટધારી અર્જુન ધ્રૂજતા હાથ જોડી, વારંવાર નમસ્કાર કરતા, ફરી બીતા બીતા, પ્રણામ કરીને કૃષ્ણ પ્રત્યે ગદ્‍ગદ્‍ કંઠે આ પ્રમાણે બોલ્યા. ૩૫.

अर्जुन बोल्या :

હે ઋષીકેશ ! તમારું કીર્તન કરીને જગત હર્ષ પામે છે ને તમારે વિશે એને અનુરાગ ઉત્પન્ન થાય તે યોગ્ય જ છે. બીધેલા રાક્ષસો આમતેમ ભાગે છે અને સિદ્ધોનો આખો સમુદાય તમને નમસ્કાર કરે છે. (તે પણ યોગ્ય જ છે.) ૩૬.

હે મહાત્મન્ ! તમને તેઓ નમસ્કાર કાં ન કરે ? તમે બ્રહ્માથી પણ મોટા આદિકર્તા છો. હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ ! તમે અક્ષર છો, સત છો, અસત છો, અને તેથી જે પર છે તે પણ તમે જ છો. ૩૭.

તમે આદિદેવ છો. તમે પુરાણપુરુષ છો. તમે આ વિશ્વનું પરમ આશ્ર્યસ્થાન છો. તમે જાણનાર પણ છો ને જાણવાયોગ્ય વસ્તુ પણ છો. તમે પરમધામ છો. હે અનંતરૂપ ! આ જગતને તમે વ્યાપી રહ્યા છો. ૩૮.

વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચન્દ્ર, પ્રજાપતિ, પ્રપિતામહ તમે જ છો. તમને હજારો વાર નમસ્કાર હજો. વળી ફરી પણ તમને નમસ્કાર હજો. ૩૯.

હે સર્વ ! તમને આગળ, પાછળ, બધી બાજુએ નમસ્કાર. તમારું વીર્ય અનંત છે, તમારું પરાક્રમ અપાર છે, તમે જ સર્વ આવરી રહેલા છો. તેથી તમે સર્વ છો. ૪૦.

તમારો આ મહિમા ન જાણતાં ગોઠિયો ગણીને 'હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખા !' એમ બોલાવીને મારાથી ભૂલમાં કે પ્રેમમાં પણ જે અવિવેક થયો હોય, અને વિનોદાર્થે રમતાં, સૂતાં, બેસતાં કે ખાતાં; એકલા કે ઘણાની વચ્ચે તમારું જે કંઈ અપમાન થયું હોય તે ક્ષમા કરવા, અકળરૂપ એવા તમને હું વીનવું છું. ૪૧-૪૨.

સ્થાવરજંગમ જગતના તમે પિતા છો. તમે તેના પૂજ્ય અને શ્રેષ્ઠ ગુરુ છો. હે અજોડ પ્રભાવવાળા ! તમારા જેવું કોઈ નથી, તો તમારાથી અધિક તો ક્યાંથી જ હોય ? ૪૩.

તેથી સાષ્ટાંગ નમસ્કાર કરીને પૂજ્ય ઈશ્વર એવા તમને પ્રસન્ન થવા વીનવું છું. જેમ પિતા પોતાના પુત્રને, સખા સખાને સહન કરે છે તેમ તમે મારા પ્રિય હોઈ મારા કલ્યાણર્થે કૃપા કરીને મને સહન કરો. ૪૪.

પૂર્વે નહીં જોયેલ એવું તમારું રૂપ જોઈને મારાં રોમાંચ ખડાં થયાં છે તે ભયને લીધે મારું મન વ્યાકુળ થયું છે. તેથી હે દેવ ! તમારું પહેલાંનું રૂપ દેખાડો. હે દેવેશ ! હે જગન્નિવાસ ! તમે પ્રસન્ન થાઓ. ૪૫.

પહેલાંની જેમ તમારાં - મુકુટગદાચક્રધારીનાં દર્શન કરવા ઇચ્છું છું. હે સહસ્ત્રબાહો, હે વિશ્વમૂર્તિ ! તમારું તે જ પહેલું ચતુર્ભુજરૂપ ધારણ કરો. ૪૬.

૩૬

श्री भगवान बोल्या :

હે અર્જુન ! તારી ઉપર પ્રસન્ન થઈને મેં તને મારી યોગ-શક્તિ વડે મારું તેજોમય, વિશ્વવ્યાપી, અનંત, પરમ, આદિ રૂપ દેખાડ્યું છે; તારા સિવાય બીજા કોઈએ પૂર્વે તે જોયું નથી. ૪૭.

હે કુરુપ્રવીર ! વેદાભ્યાસથી, યજ્ઞથી, બીજાં શાસ્ત્રોના અભ્યાસથી, દાનથી, ક્રિયાઓથી, કે ઉગ્ર તપોથી તારા સિવાય બીજું કોઈ આ મારું રૂપ જોવા સમર્થ નથી. ૪૮.

આ મારું વિકરાળ રૂપ જોઈને તું અકળા નહીં, મૂંઝા નહીં. બીક છોડી શાંતચિત્ત થા, અને આ મારું પરિચિત રૂપ ફરી જો. ૪૯.

संजय बोल्या :

વાસુદેવે આમ કહીને અર્જુનને પોતાનું રૂપ ફરી બતાવ્યું. અને ફરી શાંતમૂર્તિ ધારણ કરીને તે મહાત્માએ બીધેલા અર્જુનને આશ્વાસન આપ્યું. ૫૦.

अर्जुन बोल्या :

હે જનાર્દન ! આ તમારું સૌમ્ય મનુષ્ય-સ્વરૂપ જોઈને હવે હું શાંત પ્રસન્નચિત્ત થયો છું અને ઠેકાણે આવ્યો છું. ૫૧.

श्री भगवान बोल्या :

જે મારું રૂપ તેં જોયું તેનાં દર્શન બહુ દુર્લભ છે. દેવો પણ તે રૂપ નિહાળવા ઝંખે છે. ૫૨.

જે મારાં દર્શન તેં કર્યાં છે તે દર્શન ન વેદથી, ન તપથી, ન દાનથી કે ન યજ્ઞથી થઈ શકે. ૫૩.

પણ હે અર્જુન ! હે પરતંપ ! મારે વિશેનું એવું જ્ઞાન, એવાં મારાં દર્શન અને મારામાં વાસ્તવિક પ્રવેશ કેવળ અનન્ય ભક્તિથી શક્ય છે. ૫૪.

હે પાંડવ ! જે કોઈ બધાં કર્મ મને સમર્પણ કરે છે, મારામાં પરાયણ રહે છે, મારો ભક્ત બને છે, આસક્તિ છોડે છે અને પ્રાણીમાત્રને વિશે દ્વેષરહિત થઈ રહે છે તે મને પામે છે. ૫૫.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'વિશ્વરૂપ-દર્શન-યોગ' નામનો અગિયારમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *