અનાસક્તિયોગ/૧. અર્જુન-વિષાદ-યોગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રસ્તાવના અનાસક્તિયોગ
૧. અર્જુન-વિષાદ-યોગ
ગાંધીજી
૨. સાંખ્ય-યોગ →


અર્જુનવિષાદ યોગ


સારું શું અને માઠું શું એ જાણવાની ઈચ્છા સરખી જેના મનમાં ન થાય તેની પાસે ધર્મની વાતો શી? ધર્મજિજ્ઞાસા વિના જ્ઞાન મળે નહીં. દુ:ખ વિના સુખ નથી. ધર્મવેદના, ધર્મસંકટ, હ્રદયમંથન સહુ જિજ્ઞાસુને એક વખત થાય જ છે.

धृतराष्ट्र बोल्या :

હે સંજય ! મને કહો, કે યુદ્ધ કરવાની ઈચ્છાથી ધર્મક્ષેત્રરૂપ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું ? ૧.

નોંધ : કુરુક્ષેત્રની લડાઈ એ નિમિત્ત માત્ર છે. અથવા ખરું કુરુક્ષેત્ર આપણું શરીર છે. પાપમાં તેની ઉત્પત્તિ છે અને પાપનું એ ભાજન થઈ રહે છે; તેથી તે કુરુક્ષેત્ર છે.

તે કુરુક્ષેત્ર છે તેમ જ ધર્મક્ષેત્ર પણ છે કેમ કે એ મોક્ષનું દ્વાર થઈ શકે છે.

જો તેને આપણે ઈશ્વરનું નિવાસસ્થાન માનીએ અને કરીએ તો તે ધર્મક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં આપણી સામે રોજ કાંઈ ને કાંઈ લડાઈ હોય છે.

કૌરવ એટલે આસુરી વૃત્તિઓ. પાંડુપુત્રો એટલે દૈવી વૃત્તિઓ. પ્રત્યેક શરીરમાં સારી અને નઠારી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે એમ કોણ નથી અનુભવતું ?

અને આવી ઘણીખરી લડાઈઓ તો 'આ મારું' ને 'આ તારું' એમાંથી થાય છે. સ્વજન-પરજનના ભેદમાંથી આવી લડાઈ થાય છે.

संजय बोल्या :

તે સમયે પાંડવોની સેનાને ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન આચાર્ય દ્રોણની પાસે જઈને બોલ્યા : ૨.

[दुर्योधन बोल्या :]

હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને ગોઠવેલી પાંડવોની આ મોટી સેના જુઓ. ૩.

અહીં ભીમ અર્જુન જેવા લડવામાં શૂરવીર મહાધનુર્ધારીઓ, યુયુધાન (સાત્યકિ), વિરાટ, મહારથી દ્રુપદરાજ, ૪.

ધૃષ્ટકેતુ, ચેકિતાન, તેજસ્વી કાશીરાજ, પુરુજિત્ કુંતિભોલ, અને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા શૈબ્ય, ૫.

તેમ જ પરાક્રમી યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર (અભિમન્યુ) અને દ્રોપદીના પુત્રો (દેખાય) છે. એ બહા જ મહારથી છે. ૬.

હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! હવે આપણા જે મુખ્ય યોદ્ધાઓ છે તેમને આપ જાણમાં લો. મારી સેનાના (એ) નાયકોનાં નામ હું આપના ધ્યાન ઉપર લાવવા સારુ કહું. ૭.

એક તો આપ પોતે, [પછી] ભીષ્મ, કર્ણ, યુદ્ધમાં જયવાન એવા કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, અને સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા. ૮.


એ ઉપરાંત બીજા પણ ઘણા શૂરાઓ મારે અર્થે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઊભેલા છે. તેઓ સઘળા વિવિધ પ્રકારનાં શસ્ત્રો વાપરનારા અને યુદ્ધમાં કુશળ છે. ૯.

[છતાં] ભીષ્મે રક્ષેલી આપણી સેનાનું બળ અપૂર્ણ છે, જ્યારે ભીમથી રક્ષિત તેમની સેના પૂરી છે. ૧૦.

તેથી તમે બધા પોતપોતાને સ્થાનેથી બધે માર્ગે ભીષ્મ પિતામહની રક્ષા બરાબર કરજો. ૧૧. [આમ દુર્યોધને કહ્યું પણ દ્રોણાચાર્યે જવાબમાં કશું જ કહ્યું નહીં.]

[संजय कहे छे :]

એવામાં, કુરુઓના વડા પ્રતાપી ભીષ્મ પિતામહે તેને હર્ષ પમાડવા, ઊંચે સ્વરે સિંહનાદ કરીને શંખ વગાડ્યો. ૧૨.

એ ઉપરથી શંખો, નગારાં, ઢોલ, મૃદંગ અને રણશિંગાં એકસાથે વાગી ઊઠ્યાં. એ અવાજ ઘનઘોર હતો. ૧૩. એવે ટાણે, સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણે અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા. ૧૪.

શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ વગાડ્યો. ધનંજય — ભયાનક કર્મવાળા ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. ૧૫.

કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામે શંખ વગાડ્યો ને નકુલે સુઘોષ તથા સહદેવે મણિપુષ્પક નામે શંખ વગાડ્યો. ૧૬.

તેમ જ, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમન, રાજા વિરાટ, અજિત સાત્યકિ,૧૭.

દ્રુપદરાજ, દ્રોપદીના પુત્રો, સુભદ્રાપુત્ર અભિમન્યુ આ બધાએ, હે રાજન્ ! પોતપોતાના જુદા જુદા શંખ વગાડ્યા. ૧૮.

પૃથ્વી અને આકાશને ગજાવતા એ ભયંકર નાદે કૌરવોનાં હ્રદયોને જાણે ચીરી નાખ્યાં. ૧૯.

હવે, હે રાજન્ ! જેની ધજા પર હનુમાન છે એવા અર્જુને કૌરવોને ગોઠવાયેલા જોઈને, હથિયાર ચાલવાની તૈયારીને સમયે, પોતાનું ધનુષ ચડાવી હ્રષીકેશને આ વચન કહ્યાં :

अर्जुन बोल्या :

'હે અચ્યુત ! મારા રથને (જરીક) બે સેનાની વચ્ચે લઈને ઊભો રાખો;૨૦-૨૧.

‘જેથી, યુદ્ધની કામનાથી ઊભેલાને હું નીરખું ને જાણું કે આ રણસંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે.; ૨૨.


‘દુર્બુદ્ધિ દુર્યોધનનું લડાઈમાં પ્રિય કરવાની ઈચ્છાવાળા જે યોદ્ધાઓ એકઠા થયેલા છે તેમને હું જોઉં તો ખરો.' ૨૩..

संजय बोल्या :

હે રાજન્ ! જ્યારે અર્જુને આમ શ્રીકૃષ્ણને કહ્યું ત્યારે તેમણે બંને સેનાઓ વચ્ચે, બધા રાજાઓ તેમ જ ભીષ્મ-દ્રોણની સામે તે ઉત્તમ રથ ખડો કરીને કહ્યું :

'હે પાર્થ ! એકઠા થયેલા આ કૌરવોને જો.' ૨૪-૨૫.

ત્યાં બંને સેનામાં રહેલા વડીલો, પિતામહ, આચાર્ય, મામા, ભાઈઓ, પૌત્રો, ગોઠિયાઓ, સસરાઓ અને સ્નેહીઓ આદિને અર્જુને જોયા. એ બધા બાંધવોને આમ સામસામા ઊભેલા જોઈ ખેદ ઉત્પન્ન થવાથી દીન બનેલા કુંતીપુત્ર આ પ્રમાણે બોલ્યા : ૨૬-૨૭-૨૮.

अर्जुन बोल्या :

હે કૃષ્ણ ! લડવાને સારુ ઉત્સુક થઈ ભેળા થયેલા આ સગાંસ્નેહીઓને જોઈને મારાં ગાત્ર ઢીલાં થઈ જાય છે. મોઢું સુકાય છે, શરીરમાં ધ્રુજારી છૂટે છે અને રૂંવાં ઊભાં થાય છે. ૨૮-૨૯.

હાથમાંથી ગાંડીવ સરી જાય છે, ચામડી બહુ બળે છે. મારાથી ઊભા રહેવાતું નથી, કેમ કે મારું મગજ ફરતું જેવું લાગે છે. ૩૦.

વળી હે કેશવ ! હું અહીં વિપરીત અશુભ ચિહ્નો જોઉં છું. યુદ્ધમાં સ્વજનોને મારીને હું કંઈ શ્રેય નથી જોતો. ૩૧. હે કૃષ્ણ ! તેમને મારીને હું નથી ઈચ્છતો વિજય, નથી માગતો રાજ્ય કે જાતજાતનાં સુખ; હે ગોવિન્દ ! અમારે રાજ્યનો કે ભોગોનો કે જીવતરનોયે શો ખપ ? ૩૨.

જેમને કાજે આપણે રાજ્ય, ભોગો અને સુખ ઈચ્છ્યું તે આ આચાર્યો, વડીલો, પુત્રો, પૌત્રો, દાદા, મામા, સસરા, સાળા અને બીજા સંબંધીજન જીવવાની અને ધનની તમા છોડીને લડાઈને સારુ ઊભેલા. ૩૩-૩૪.

ભલે તેઓ મને મારી નાખે, પણ ત્રિલોકીના રાજ્ય સારુ પણ હે મધુસૂદન, હું તેમને હણવા નથી ઈચ્છતો, તો પછી આ ભૂમિ માટે કેમ જ હણું ? ૩૫.

હે જનાર્દન ! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને શો આનંદ થાય ? આ આતયાયીઓને પણ હણીને અમને પાપ જ લાગે. ૩૬.

તેથી હે માધવ ! અમારા પોતાના જ બાંધવ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને અમારે હણવા એ યોગ્ય નથી. સ્વજનોને હણીને અમે શું સુખી થઈશું ? ૩૭. લોભથી ચિત્ત મલિન થયેલાં હોવાથી તેઓ ભલે કુલનાશથી થતા દોષને અને મિત્રદ્રોહના પાપને ન જોઈ શકે, પણ હે જનાર્દન ! કુલનાશથી થતા દોષને સમજનારા અમને આ પાપમાંથી બચવાનું કેમ ન સૂઝે ? ૩૮-૩૯.

કુલનો નાશ થયો એટલે પરાપૂર્વથી ચાલતા આવેલા કુલધર્મો નાશ થાય, અને ધર્મનો નાશ થયો એટલે તો અધર્મ કુલ આખાને ડુબાવી દે છે. ૪૦.

હે કૃષ્ણ ! અધર્મની વૃદ્ધિ થવાથી કુલસ્ત્રીઓ દૂષિત થાય છે. અને તેમના દૂષિત થવાથી વર્ણનો સંકર થાય છે. ૪૧.

આવો સંકર કુલઘાતકને અને તેના કુલને નરકમાં પહોંચાડે છે અને પિંડોદકની ક્રિયાથી વંચિત થવાથી તેના પિતરોની પણ અવગતિ થાય છે. ૪૨.

કુલઘાતક લોકોના આ વર્ણસંકરને-ઉત્પન્ન-કરનારા દોષોથી સનાતન કુલધર્મોનો અને જાતિધર્મોનો નાશ થાય છે. ૪૩. હે જનાર્દન ! જેમના કુલધર્મનો ઉચ્છેદ થયો છે એવા મનુષ્યોનો અવશ્ય નરકમાં વાસ થાય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. ૪૪.

અરેરે ! કેવું મહાપાપ કરવાને અમે તૈયાર થયા છીએ કે રાજ્યસુખને લોભે સ્વજનોને હણવા તત્પર થયા ! ૪૫.

ધૃતરાષ્ટ્રના શસ્ત્રધારી પુત્રો જો શસ્ત્ર વિનાના અને સામે ન થનારા મને રણમાં હણે તો તે મારે સારુ વધારે કલ્યાણકારક થાય. ૪૬.

संजय बोल्या :

શોકથી વ્યગ્રચિત્ત થયેલા અર્જુન રણમધ્યે આમ બોલી ધનુષબાણને પડતાં મૂકી રથની બેઠક પર બેસી ગયા. ૪૭.

ૐ તત્સત્

આમ શ્રીમદ્ભગવદ્ગીતારૂપી જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'અર્જુન-વિષાદ-યોગ' નામનો પહેલો અધ્યાય અત્રે પૂરો થાય છે.