અનાસક્તિયોગ/૨. સાંખ્ય-યોગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧. અર્જુન-વિષાદ-યોગ અનાસક્તિયોગ
૨. સાંખ્ય-યોગ
ગાંધીજી
૩. કર્મયોગ →



સાંખ્યયોગ


મોહને વશ થઈ મનુષ્ય અધર્મને માને છે. મોહને લીધે પોતીકા અને પારકા એવો ભેદ અર્જુને કર્યો. એ ભેદ મિથ્યા છે એમ સમજાવતાં શ્રીકૃષ્ણ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે, દેહની અનિત્યતા અને પૃથક્તા તથા આત્માની નિત્યતા અને તેની એકતા બતાવે છે.

પછી સમજાવે છે કે મનુષ્ય કેવળ પુરુષાર્થનો અધિકારી છે, પરિણામોનો નથી. તેથી તેણે કર્તવ્યનો નિશ્ચય કરી, નિશ્ચિંત રહી તેને વિશે પરાયણ રહેવું જોઈએ. એવી પરાયણતાથી તે મોક્ષ સાધી શકે છે.

संजय बोल्या :

આમ કરુણાથી દીન થઈ ગયેલા અને અશ્રુપૂર્ણ વ્યાકુળ નેત્રોવાળા દુ:ખી અર્જુન પ્રત્યે મધુસૂદને આ વચન કહ્યાં : ૧. श्री भगवान बोल्या :

હે અર્જુન ! શ્રેષ્ઠ પુરુષોને અયોગ્ય, સ્વર્ગથી વિમુખ રાખનાર અને અપજશ દેનાર એવો આ મોહ તને આવી વિષમ ઘડીએ ક્યાંથી થઈ આવ્યો ? ૨.

હે પાર્થ ! તું નામર્દ ન થા. આ તને ન શોભે. હ્રદયની પામર નિર્બળતાનો ત્યાગ કરી હે પરંતપ ! તું ઊઠ. ૩.

अर्जुन बोल्या :

હે મધુસૂદન ! રણભૂમિમાં બાણો વડે હું ભીષ્મ અને દ્રોણની સામે કેમ લડું ? હે અરિસૂદન ! એઓ તો પૂજનીય છે. ૪.

મહાનુભાવ ગુરુજનોને ન મારતાં આ લોકમાં મારે ભીક્ષાથી નિર્વાહ કરવો એ પણ સારું છે, કેમ કે ગુરુજનોને મારીને તો મારે લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપી ભોગો જ ભોગવવા રહ્યા. ૫. હું નથી જાણતો કે બેમાંથી શું સારું ગણાય, અમે જીતીએ એ ? કે તેઓ અમને જીતે એ ? જેમને મારીને અમે જીવવાયે ન ઈચ્છીએ તે જ ધૃતરાષ્ટ્રના પુત્રો આ સામે ઊભા છે. ૬.

દીનતાને કારણે મારો મૂળ સ્વભાવ હણાઈ ગયો છે. કર્તવ્ય વિશે હું મૂંઝવણમાં પડ્યો છું. તેથી જેમાં મારું હિત હોય તે મને નિશ્ચયપૂર્વક કહેવા તમને વિનવું છું. હું તમારો શિષ્ય છું. તમારે શરણે આવ્યો છું. મને દોરો. ૭.

આ લોકમાં ધનધાન્યસંપન્ન નિષ્કંટક રાજ્ય મળે, તેમ જ દેવલોકમાં ઈન્દ્રાસન મળે તો તેથીયે, ઈન્દ્રિયોને ચૂસી લેનારા આ મારા શોકને ટાળી શકે એવું કશું હું જોતો નથી. ૮.

संजय बोल्या :

હે રાજન ! હ્રષીકેશ ગોવિન્દને ઉપર પ્રમાણે કહી, શત્રુને અકળાવનાર તરીકે જેની નામના છે એવા ગુડાકેશ અર્જુન 'નથી લડવાનો' એમ બોલી ચૂપ થયા. ૯. હે ભારત ! બંને સેના વચ્ચે આમ ઉદાસ થઈ બેઠેલા એ અર્જુનને હસતા નહીં હોય તેમ હ્રષીકેશે આ વચન કહ્યાં : ૧૦.

श्री भगवान बोल्या :

શોક ન કરવા યોગ્યનો તું શોક કરે છે, અને પંડિતાઈના બોલ બોલે છે, પણ પંડિતો તો મૂઆજીવતાની પાછળ શોક નથી કરતા. ૧૧.

કેમ કે ખરું જોતાં હું, તું કે આ રાજાઓ કોઈ કાળમાં નહોતા અથવા હવે પછી નહીં હોઈએ એવું છે જ નહીં. ૧૨.

દેહધારીને જેમ આ દેહ વિશે કૌમાર, યૌવન અને જરાની પ્રાપ્તિ થાય છે તેમ જ અન્ય દેહની પ્રાપ્તિ પણ થાય છે. તેને વિશે બુદ્ધિમાન પુરુષ અકળાતો નથી. ૧૩.

હે કૌન્તૈય ! ઈન્દ્રિયોના વિષયો જોડેના સ્પર્શો ઠંડી, ગરમી, સુખ અને દુઃખ દેનારા હોય છે. તે અનિત્ય હોય આવે છે ને અલોપ થાય છે. હે ભારત ! તેમને તું સહન કરી છૂટ. ૧૪. હે પુરુષશ્રેષ્ઠ ! સુખદુઃખમાં સમ એવા જે બુદ્ધિમાન પુરુષને આ વિષયો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને યોગ્ય બને છે. ૧૫.

અસત્‌ની હસ્તી નથી, ને સત્‌નો નાશ નથી. આ બંનેનો નિર્ણય જ્ઞાનીઓએ જાણ્યો છે. ૧૬.

જે વડે આ અખિલ જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણજે. આ અવ્યયનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. ૧૭.

નિત્ય રહેનારા તેમ જ મન અને ઈન્દ્રિયોની સમજમાં ન આવનારા એવા અવિનાશી દેહી(આત્મા)ના આ દેહો નાશવંત કહ્યા છે, તેથી હે ભારત ! તું યુદ્ધ કર. ૧૮.

જે આને હણનાર તરીકે માને છે તેમ જ જે આને હણાયેલો માને છે એ બંને કંઈ જાણતા નથી. આ (આત્મા) નથી હણતો, નથી હણાતો. ૧૯.

આ કદી જન્મતો નથી, કે મરતો નથી; આ હતો અને હવે થવાનો નથી એવુંયે નથી; તેથી તે અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે; શરીર હણાયાથી તે હણાતો નથી. ૨૦. હે પાર્થ ! જે પુરુષ, આત્માને અવિનાશી, નિત્ય અજન્મા અને અવ્યય માને છે તે કેવી રીતે કોઈને હણાવે કે કોઈને હણે ? ૨૧.

મનુષ્ય જેમ જૂનાં વસ્ત્રો નાખી દઈ બીજાં નવાં ધારણ કરે છે, તેમ દેહધારી જીવ જીર્ણ થઈ ગયેલા દેહને છોડી બીજા દેહને પામે છે. ૨૨.

એ(આત્મા)ને શસ્ત્રો છેદતાં નથી, અગ્નિ બાળતો નથી, પાણી પલાળતું નથી, વાયુ સૂકવતો નથી. ૨૩.

આ છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, પલાળી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. આ નિત્ય છે, સર્વગત છે, સ્થિર છે, અચળ છે, અને સનાતન છે. ૨૪.

વળી એ ઈન્દ્રિયોને અને મનને અગમ્ય છે, વિકારરહિત કહેવાયો છે, માટે એને તેવો જાણીને તારે એનો શોક કરવો ઉચિત નથી. ૨૫.

અથવા જો તું આને નિત્ય જન્મવાવાળો અને નિત્ય મરવાવાળો માને તોયે હે મહાબાહો ! તારે એને વિશે શોક કરવો ઉચિત નથી. ૨૬. જન્મેલાને મૃત્યુ અને મરેલાને જન્મ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તેનો શોક કરવો તને યોગ્ય નથી. ૨૭.

હે ભારત ! ભૂતમાત્રની જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ જોઈ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ જ વ્યક્ત એટલે કે પ્રગટ થાય છે. આમાં ચિંતાને અવકાશ ક્યાં છે ? ૨૮.

નોંધ : ભૂત એટલે સ્થાવર-જંગમ તમામ સૃષ્ટિ.

કોઈ આ(આત્મા)ને આશ્ચર્ય સરખો જુએ છે, બીજા તેને આશ્ચર્ય સરખો વર્ણવાયેલો સાંભળે છે, અને સાંભળવા છતાં કોઈ તેને જાણતું નથી. ૨૯.

હે ભારત ! બધાના દેહમાં રહેલો આ દેહધારી આત્મા નિત્ય અને અવધ્ય છે; તેથી તારે ભૂતમાત્રને વિશે શોક કરવો ઘટતો નથી. ૩૦.

નોંધ: આટલે લગી શ્રીકૃષ્ણે બુદ્ધિપ્રયોગથી આત્માનું નિત્યત્વ અને દેહનું અનિત્યત્વ બતાવી સૂચવ્યું કે જો કોઈ સ્થિતિમાં દેહનો નાશ કરવો યોગ્ય ગણાય, તો સ્વજન પરજનનો ભેદ કરી કૌરવ સગા છે તેથી તેમને કેમ હણાય એ વિચાર મોહજન્ય છે. હવે અર્જુનને ક્ષત્રિયધર્મ શો છે તે બતાવે છે.

સ્વધર્મનો વિચાર કરીને પણ તારે અચકાવું ઉચિત નથી, કારણ કે ધર્મયુદ્ધ કરતાં ક્ષત્રિયને માટે બીજું કંઈ વધારે શ્રેયસ્કર હોય નહીં. ૩૧.

હે પાર્થ ! આમ પોતાની મેળે પ્રાપ્ત થયેલું, ને જાણે સ્વર્ગદ્વાર જ ખૂલ્યું નહીં હોય એવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મળે છે. ૩૨.

જો તું આ ધર્મપ્રાપ્ત સંગ્રામ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિ બંને ખોઈ પાપ વહોરી લઈશ. ૩૩.

બધા લોકો તારી નિંદા નિરંતર કર્યા કરશે. અને માન પામેલાને માટે અપકીર્તિ એ મરણ કરતાં પણ બૂરી વસ્તુ છે. ૩૪.

જે મહારથીઓમાં તું માન પામ્યો તેઓ તને ભયને લીધે રણમાંથી નાઠેલો માનશે અને તેમની વચ્ચે તારો દરજ્જો ઊતરી જશે. ૩૫. અને તારા શત્રુઓ તારા બળને નિંદતા નિંદતા ન બોલવાના અનેક બોલ બોલશે, આથી વધારે દુઃખકર બીજું શું હોઈ શકે ? ૩૬.

જો તું હણાઈશ તો તને સ્વર્ગ મળશે. જો જીતીશ તો તું પૃથ્વી ભોગવશે. તેથી હે કૌન્તેય ! લડવાનો નિશ્ચય કરીને તું ઊભો થા. ૩૭.

નોંધ: ભગવાને પ્રથમ આત્માનું નિત્યત્વ અને દેહનું અનિત્યત્વ બતાવ્યું. ત્યાર પછી સહજપ્રાપ્ત યુદ્ધ કરવામાં ક્ષત્રિયને ધર્મનો બાધ હોય નહીં એમ પણ બતાવ્યું. એટલે ૩૧મા શ્લોકથી ભગવાને પરમાર્થની સાથે ઉપયોગનો [લાભહાનિની વ્યવહારદષ્ટિનો] મેળ સાધ્યો.

ભગવાન હવે, ગીતાના મુખ્ય બોધનો પ્રવેશ એક શ્લોકમાં કરાવે છે.

સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય સરખાં માની લડવા સારુ તત્પર થા. એમ કરવાથી તને પાપ નહીં લાગે. ૩૮.

આ મેં તને સાંખ્યસિદ્ધાંત (જ્ઞાનનિષ્ઠા) પ્રમાણે તારા કર્તવ્યની સમજ પાડી.

હવે યોગવાદ પ્રમાણે સમજ પાડું છું તે સાંભળ. એનો આશ્રય લેવાથી તું કર્મનાં બંધનો તોડી શકીશ. ૩૯.

આ નિષ્ઠાથી થયેલા આરંભનો નાશ નથી, એમાં વિપરીત પરિણામ પણ આવતું નથી. આ ધર્મનું યત્કિંચિત્ પાલન પણ મહાભયમાંથી ઉગારી લે છે. ૪૦.

હે કુરુનન્દન ! (યોગવાદીની) નિશ્ચયાત્મક બુદ્ધિ એકરૂપ હોય છે, જ્યારે અનિશ્ચયવાળાની બુદ્ધિઓ એટલે કે વાસનાઓ બહુ શાખાવાળી અને અનંત હોય છે. ૪૧.

નોંધ : બુદ્ધિ એક ઘટી અનેક (બુદ્ધિઓ) થાય છે ત્યારે તે બુદ્ધિ મટી વાસનાનું રૂપ લે છે. તેથી બુદ્ધિઓ એટલે વાસના.

અજ્ઞાની વેદિયા, 'આ સિવાય બીજું કંઈ નથી' એવું બોલનારા, કામનાવાળા, અને સ્વર્ગને જ શ્રેષ્ઠ માનનારા લોકો જન્મમરણરૂપી કર્મનાં ફળૉ દેનારી, ભોગ અને ઐશ્વર્ય મેળવવાને માટે કરવાનાં (વિવિધ) કર્મોના વર્ણનથી ભરેલી વાણી મલાવી-મલાવીને બોલે છે; ભોગ અને ઐશ્વર્યને વિશે આસક્ત થયેલા તેમની તે બુદ્ધિ મરાઈ જાય છે; તેમની બુદ્ધિ નથી નિશ્ચયવાળી હોતી, અને નથી સમાધિને વિશે તે સ્થિર થઈ શકતી. ૪૨ - ૪૩ - ૪૪.

નોંધ : યોગવાદની વિરુદ્ધ કર્મકાંડનું એટલે જ વેદવાદનું વર્ણન ઉપલા ત્રણ શ્લોકમાં આવ્યું. કર્મકાંડ અથવા વેદવાદ એટલે ફળ ઉપજાવવા મથનારી અસંખ્ય ક્રિયાઓ. આ ક્રિયાઓ વેદાન્તથી એટલે કે વેદના રહસ્યથી, અલગ અને અલ્પ પરિણામવાળી હોવાથી નિરર્થક છે.

હે અર્જુન ! જે ત્રણ ગુણો વેદનો વિષય છે તેમનાથી તું અલિપ્ત રહે. સુખદુઃખાદિ દ્વંદ્વોથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિત રહે. કંઈ વસ્તુ મેળવવા-સાચવવાની ભાંગજડમાંથી મુક્ત રહે, અને આત્મપરાયણ થા. ૪૫.

જે અર્થ કૂવાથી સરે છે તે બધો બધી રીતે સરોવરમાંથી જેમ સરે છે, તેમ જ જે કાંઈ બધા વેદમાં છે તે જ્ઞાનવાન બ્રહ્મપરાયણને આત્માનુભવમાંથી મળી રહે છે. ૪૬.

કર્મને વિશે જ તને અધિકાર (કાબૂ) છે, તેમાંથી નીપજતાં અનેક ફળોને વિશે કદી નહીં. કર્મનું ફળ તારો હેતુ ન હજો. કર્મ ન કરવા વિશે પણ તને આગ્રહ ન હજો. ૪૭.

હે ધનંજય ! આસક્તિ છોડી યોગસ્થ રહી એટલે કે સફળતા-નિષ્ફળતાને વિશે સમાન ભાવ રાખી તું કર્મ કર. સમતા એ જ યોગ કહેવાય છે. ૪૮.

હે ધનંજય ! સમત્વબુદ્ધિ સાથે સરખાવતાં કેવળ કર્મ ઘણું તુચ્છ છે. તું સમત્વબુદ્ધિનો આશ્રય લે. ફળની લાલસા રાખનારા પામરો દયાપાત્ર છે. ૪૯.

બુદ્ધિયુક્ત એટલે સમતાવાળો પુરુષ અહીં જ પાપપુણ્યનો સ્પર્શ થવા દેતો નથી; તેથી તું સમત્વને સારુપ્રયત્ન કર. સમતા એ જ કાર્યકુશળતા છે. ૫૦.

કેમ કે સમત્વબુદ્ધિવાળા મુનિઓ કર્મથી ઉત્પન્ન થતાં ફળનો ત્યાગ કરીને જન્મબંધનમાંથી મુક્ત થઈ નિષ્કલંક એવા મોક્ષપદને પામે છે. ૫૧.

જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કીચડને પાર ઊતરી જશે ત્યારે તને સાંભળેલાને વિશે તેમ જ સાંભળવાનુ બાકી હશે તેને વિશે ઉદાસીનતા પ્રાપ્ત થશે. ૫૨. અનેક પ્રકારના સિદ્ધાન્તો સાંભળવાથી વ્યગ્ર થઈ ગયેલી તારી બુદ્ધિ જ્યારે સમાધિમાં સ્થિર થશે ત્યારે જ તું સમત્વને એટલે કે યોગને પામીશ. ૫૩.

अर्जुन बोल्या :

હે કેશવ ! સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય ? સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે ? ૫૪.

श्री भगवान बोल्या :

હે પાર્થ ! જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓનો મનુષ્ય ત્યાગ કરે છે અને આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૫૫.

નોંધ : આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહેવું એટલે આત્માનો આનંદ અંદરથી શોધવો, સુખદુઃખ દેનારી બહારની વસ્તુઓ ઉપર આનંદનો આધાર ન રાખવો. આનંદ એ સુખથી નોખી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. મને પૈસા મળે તેમાં હું સુખ માનું એ મોહ. હું ભિખારી હોઉં, ભૂખનું દુઃખ હોય છતાં હું ચોરીને કે બીજી લાલચમાં ન પડું તેમાં જે વસ્તુ રહેલ છે તે આનંદ આપે છે, તેને આત્મસંતોષ કહી શકાય.

દુઃખોથી જે દુઃખી ન થાય, સુખોની ઇચ્છા ન રાખે અને જે રાગ, ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે. ૫૬.

જે બધે રાગરહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુદ્ધિ સ્થિર છે. ૫૭.

કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષ જ્યારે ઈન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ છે એમ કહેવાય. ૫૮.

દેહધારી જ્યારે નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મોળા પડે છે જરૂર; પણ [વિષય પરત્વેનો] એનો રસ નથી જતો; તે રસ તો પરવસ્તુના દર્શનથી, પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી શમે છે. ૫૯.

નોંધ : આ શ્લોક ઉપવાસાદિનો નિષેધ નથી કરતો પણ તેની મર્યાદા સૂચવે છે. વિષયોને શાંત કરવા સારુ ઉપવાસાદિ આવશ્યક છે, પણ તેમની જડ એટલે તેમને વિશે રહેલો રસ તો કેવળ ઈશ્વરની ઝાંખી થયે જ શમે. ઈશ્વરસાક્ષાત્કારનો જેને રસ લાગ્યો હોય તે બીજા રસોને ભૂલી જ જાય.

હે કૌન્તેય ! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઈન્દ્રિયો એવી તો વલોવી નાખનારી છે કે તેનું મન બળાત્કારે હરી લે છે. ૬૦.

એ બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઈ રહેવું જોઈએ. કેમ કે પોતાની ઇન્દ્રિયો જેના વશમાં છે તેની જ બુદ્ધિ સ્થિર રહે છે. ૬૧.

નોંધ :એટલે કે વ્યક્તિ વિના - ઈશ્વરની સહાય વિના, પુરુષ-પ્રયત્ન મિથ્યા છે.

વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિશે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ૬૨.

નોંધ : કામનાવાળાને ક્રોધ અનિવાર્ય છે, કેમ કે કામ કોઈ દિવસે તૃપ્ત થતો જ નથી.

ક્રોધમાંથી મૂઢતા પેદા થાય છે, મૂઢતામાંથી ભાન ભુલાય છે ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાય છે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામે છે. (તેની સર્વ પ્રકારે અધોગતિ થાય છે.) ૬૩.

પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરે છે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે. ૬૪.

ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુઃખો ટળે છે અને પ્રસન્નતા પામેલાની બુદ્ધિ તરત જ સ્થિર થાય છે. {{float right| ૬૫.

જેને સમત્વ નથી તેને વિવેક નથી, ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી. હવે જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી જ હોય ? ૬૬.

વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોની પાછળ જેનું મન દોડી જાય છે તેનું એ મન - વાયુ જેમ પાણીમાં નૌકાને તાણી લઈ જાય છે તેમ - તેની બુદ્ધિને ગમે ત્યાં તાણી લઈ જાય છે. ૬૭.

તેથી હે મહાબાહો ! જેની ઇન્દ્રિયો ચોમેર વિષયોમાંથી નીકળીને પોતાના વશમાં આવી ગયેલી હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. ૬૮.

જે ટાણે સર્વ પ્રાણી સૂતાં હોય છે તે ટાણે સંયમી જાગતો હોય છે અને જેમાં લોકો જાગતા હોય છે તેમાં જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે. ૬૯

નોંધ : ભોગી મનુષ્યો રાત્રિના બારએક વાગ્યા સુધી નાચ, રંગ, ખાનપાનાદિમાં પોતાનો સમય ગાળે છે ને પછી સવારના સાતઆઠ વાગ્યા સુધી સૂએ છે. સંયમી રાત્રિના સાતઆઠ વાગ્યે સૂઈ મધરાતે ઊઠી ઈશ્વરનું ધ્યાન ધરે છે.

વળી જ્યાં ભોગી સંસારનો પ્રપંચ વધારે છે ને ઈશ્વરને ભૂલે છે ત્યાં સંયમી સંસારી પ્રપંચથી અણજાણ રહે છે ને ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે. એમ બેના પંથ ન્યારા છે એમ આ શ્લોકમાં ભગવાને સૂચવ્યું છે.

બધેથી સતત ભરાતાં છતાં જેની મર્યાદા અચળ રહે છે એવા સમુદ્રમાં જેમ પાણી સમાઈ જાય છે તેમ જે મનુષ્યને વિશે સંસારના ભોગો શમી જાય છે તે જ શાંતિ પામે છે, નહીં કે કામનાવાળો મનુષ્ય. ૭૦.

બધી કામનાઓને છોડી જે પુરુષ ઇચ્છા, મમતા અને અહંકારરહિત થઈ વિચરે છે તે જ શાંતિ પામે છે. ૭૧.

હે પાર્થ ! ઈશ્વરને ઓળખનારની સ્થિતિ આવી વર્તે છે. તે પામ્યા પછી તે મોહને વશ નથી થતો, અને મરણકાળે પણ આવી જ સ્થિતિ નભે એટલે તે બ્રહ્મનિર્વાણ પામે છે. ૭૨.

ૐ તત્સત્‌

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'સાંખ્ય-યોગ' નામનો બીજો અધ્યાય અત્રે પૂરો થાય છે.