અનાસક્તિયોગ/૪. જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩. કર્મયોગ અનાસક્તિયોગ
૪. જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ
ગાંધીજી
૫. કર્મ-સન્યાસ-યોગ →જ્ઞાનકર્મસંન્યાસયોગ


આ અધ્યાયમાં ત્રીજાનું વધારે વિવેચન છે, અને જુદા જુદા પ્રકારના કેટલાક યજ્ઞોનું વર્ણન છે.

૧૩

श्रीभगवान बोल्याः:

આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને (સૂર્યને) કહ્યો. તેણે તે મનુને અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. ૧.

આમ પરંપરાથી મળેલો, તે યોગ રાજર્ષિઓ જાણતા હતા. પણ પછી દીર્ઘકાળને બળે તે લુપ્ત થયો. ૨.

તે જે પુરાતન યોગ, ઉત્તમ મર્મની વાત હોઈ, મેં આજે તને કહ્યો છે, કેમ કે તું મારો ભક્ત પણ છે અને સખા પણ છે. ૩.

अर्जुन बोल्या:

તમારો જન્મ તો હમણાંનો છે, વિવસ્વાનનો પૂર્વે થયેલો છે. ત્યારે હું કેમ જાણું કે તે (યોગ) તમે સૌથી પહેલો કહ્યો હતો ? ૪. श्रीभगवान बोल्या:

અર્જુન ! મારા, અને તારા પણ, જન્મો ઘણાયે થઈ ગયા. તે બધા હું જાણું છું તું નથી જાણતો. ૫.

હું અજન્મા, અવિનાશી અને વળી ભૂતમાત્રનો ઈશ્વર છું, છતાં મારા સ્વભાવ પર આરૂઢ થઈને મારી માયાના બળથી હું જન્મ ધારણ કરું છું. ૬.

હે ભારત ! જ્યારે જ્યારે ધર્મ મંદ પડે છે, તથા અધર્મ જોર કરે છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું.

સાધુઓની રક્ષાને અર્થે અને દુષ્ટોના નાશને અર્થે તથા ધર્મનો પુનરુદ્ધાર કરવાને સારુ યુગે યુગે હું જન્મ લઉં છું.

નોંધ: અહીં શ્રદ્ધાળુને આશ્વાસન છે; અને સત્યતા - ધર્મના - અવિચળપણાની પ્રતિજ્ઞા છે. આ જગતમાં ભરતીઓટ થયાં જ કરે છે. પણ અંતે ધર્મનો જ જય થાય છે. સંતોનો નાશ નથી થતો, કેમ કે સત્યનો નાશ નથી થતો. દુષ્ટોનો નાશ જ છે, કેમ કે અસત્યને અસ્તિત્વ નથી. આમ જાણી મનુશ્ય પોતે કર્તાપણાના અભિમાનથી હિંસા ન કરે, દુરાચારે ન ચાલે. ઈશ્વરની અકળ માયા પોતાનું કામ કર્યે જ જાય છે. આ જ છે અવતાર કે ઈશ્વરનો જન્મ. વસ્તુતાએ ઈશ્વરને જન્મવાપણું હોય જ નહીં.

આમ જે મારા દિવ્ય જન્મ અને કર્મના રહસ્યને જાણે છે તે, હે અર્જુન ! દેહનો ત્યાગ કર્યા પછી પુનર્જન્મ નથી પામતો, પણ મને પામે છે. ૯.

નોંધ: કેમ કે જ્યારે મનુશ્યને એવો દૃઢ વિશ્વાસ થાય છે કે ઈશ્વર ખરેખર સત્યનો જ જય કરાવે છે, ત્યારે તે સત્યને છોડતો નથી, ધીરજ રાખે છે, દુઃખો સહન કરે છે અને મમતારહિત થવાથી જ જન્મમરણના ફેરામાંથી મુક્ત થાય છે. ઈશ્વરનું ધ્યાન ધરીને તેમાં લય પામે છે.

રાગ, ભય અને ક્રોધરહિત થયેલા, મારું જ ધ્યાન ધરતાં મારો જ આશ્રય લેનારા, જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા ઘણા મારા સ્વરૂપને પામ્યા છે. ૧૦.

જેઓ જે પ્રમાણે મારો આશ્રય લે છે તે પ્રમાણે હું તેમને ફળ આપું છું. ગમે તે પ્રકારે પણ હે પાર્થ ! મનુષ્યો મારા માર્ગને અનુસરે છે - મારા શાસન નીચે રહે છે. ૧૧.

નોંધ: એટલે કે કોઈ ઈશ્વરી કાયદાનું ઉલ્લંઘન નથી કરી શકતું. જેવું વાવે છે તેવું લણે છે; જેવું કરે છે તેવું ભરે છે. ઈશ્વરી કાયદાને - કર્મના કાયદાને અપવાદ નથી. સહુને સરખો એટલે પોતપોતાની યોગ્યતા પ્રમાણે ન્યાય મળે છે.

કર્મોની સિદ્ધિ ઇચ્છનારા મનુષ્યો આ લોકમાં દેવતાઓને પૂજે છે. આ મનુષ્યલોકમાં કર્મજન્ય ફળ તેમને તુરત મળે છે. ૧૨.

નોંધ: દેવતા એટલે સ્વર્ગમાં રહેનારી ઇન્દ્રવરુણાદિ વ્યક્તિઓ નહીં. દેવતા એટલે ઈશ્વરના અંશરૂપ શક્તિ. એ અર્થમાં મનુષ્ય પણ દેવતા છે. વરાળ, વીજળી વગેરે મહાન શક્તિઓ દેવતા છે. તેઓની આરાધના કરવાનું ફળ તુરત અને આ લોકમાં મળે છે એમ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તે ફળ ક્ષણિક છે. તે આત્માને સંતોષ પણ નથી આપતું તો પછી મોક્ષ તો ક્યાંથી જ આપે ?

ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે ચાર વર્ણ મેં ઉત્પન્ન કર્યા છે, તેમનો કર્તા છતાં મને તું અવિનાશી અકર્તા જાણજે. ૧૩.

મને કર્મો સ્પર્શ કરતાં નથી. મને એમના ફળને વિશે લાલસા નથી. આમ જે મને સારી રીતે જાણે છે તે કર્મથી બંધન પામતા નથી. ૧૪.

નોંધ: કેમ કે મનુષ્યની પાસે કર્મ કરતાં છતાં અકર્મી રહેવાનો એ સર્વોત્તમ દૃષ્ટાંત છે.

અને બધાનો કર્તા ઈશ્વર જ છે, આપણે માત્ર નિમિત્તમાત્ર જ છીએ, તો પછી કર્તાપણાનું અભિમાન કેમ હોય ?

આમ જાણીને પૂર્વેના મુમુક્ષુ લોકોએ કર્મને કર્યાં છે, તેથી તું પણ, પૂર્વજો સદા કરતા આવ્યા છે તેમ, કર્મને જ કરતો રહે. ૧૫.

૧૪

કર્મ શું, તેમ જ અકર્મ શું, એ વિશે ડાહ્યા પુરુષો પણ મોહ પામ્યા છે. માટે કર્મ વિશે હું તને બરાબર કહીશ, જે જાણીને તું અશુભથી બચી શકીશ. ૧૬.

કર્મનો, વિકર્મ(એટલે કે નિષિદ્ધ કર્મ)નો અને અકર્મનો ભેદ જાણવો જોઈએ કર્મની ગતિ પર છે. ૧૭.

કર્મમાં જે અકર્મ જુએ છે અને અકર્મમાં જે કર્મ જુએ છે તે લોકોમાં બુદ્ધિમાન ગણાય. તે યોગી છે અને તે સંપૂર્ણપણે કર્મ કરવાવાળો છે. ૧૮.

નોંધ: કર્મ કરતો છતાં જે કર્તાપણાનું અભિમાન નથી રાખતો તેનું કર્મ અકર્મ છે, અને જે કર્મનો બહારથી ત્યાગ કરતો છતાં મનમાં મહેલ બાંધ્યા જ કરે છે તેનું તે અકર્મ પણ કર્મ છે. જેને પક્ષઘાત થયો છે તે ઇરાદાપૂર્વક – અભિમાનપૂર્વક – રહી ગયેલું અંગ હલાવે ત્યારે હલે છે. આ માંદો પોતાનું અંગ હલાવવારૂપ ક્રિયાનો કર્તા બન્યો. આત્માનો ગુણ અકર્તાનો છે. જે મૂર્છિત થઈને પોતાને કર્તા માને છે તે આત્માને માનો પક્ષઘાત થયો છે, ને તે અભિમાની થઈ કર્મો કરે છે. આ પ્રમાણે જે કર્મની ગતિ જાણે છે તે જ બુદ્ધિમાન યોગી કર્તવ્યપરાયણ ગણાય. 'હું કરું છું' એમ માનનારો કર્મવિકર્મનો ભેદ ભૂલી જાય છે, ને સાધનના સારાસારનો વિચાર નથી કરતો. આત્માની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે. એટલે જ્યારે મનુષ્ય નીતિમાર્ગ છોડે છે ત્યારે એનામાં હુંપણું છે જ એમ કહી શકાય. અભિમાનરહિત પુરુષનાં બધાં કર્મો સહેજે સાત્વિક હોય છે.

જેના સર્વ આરંભો કામના અને સંકલ્પ વિનાના છે, અને જેનાં કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે; આવાને જ્ઞાની લોકો પંડિત કહે છે. ૧૯.

કર્મફળની આસક્તિ છોડીને, જે સદાય સંતુષ્ટ રહે છે, જેને કશા આશ્રયની લાલસા નથી તે કર્મમાં સારી રીતે પરોવાયેલો હોવા છતાં કંઈ જ કરતો નથી એમ કહેવાય. ૨૦.

નોંધ: એટલે કે તેને કર્મનું બંધન ભોગવવું નથી પડતું.

જે આશારહિત છે, જેનું મન પોતાને વશ છે, જેણે સંગ્રહમાત્ર છોડી દીધો છે અને જેનું શરીર જ માત્ર કર્મ કરે છે તે કરતો છતો દોષિત થતો નથી. ૨૧.

નોંધ: અભિમાનપૂર્વક કરેલું કોઈ પણ કર્મ ગમે તેવું સાત્વિક હોય તોયે બંધન કરનારું છે, તે જ્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી અભિમાન વિના થાય છે ત્યારે બંધનરહિત બને છે. જેનો 'હું' શૂન્યતાને પામ્યો છે તેનું શરીર જ માત્ર કામ કરે છે. ઊંઘતા મનુષ્યનું શરીર જ માત્ર કામ કરે છે એમ કહી શકાય. જે કેદી બળાત્કારને વશ થઈ અનિચ્છાએ હળ હાંકે છે તેનું શરીર જ કામ કરે છે, કેમ કે તે પોતે શૂન્ય થયો છે; પ્રેરક ઈશ્વર છે.

જે સહજ મળેલાથી સંતુષ્ટ રહે છે, જે સુખ-દુઃખાદિ દ્વંદથી મુક્ત થયો છે, જે દ્વેષરહિત થયો છે, અને જે સફળતા - નિષ્ફળતાને વિશે તટસ્થ છે તે કર્મ કરતો છતો બંધાતો નથી. ૨૨.

જે આસક્તિરહિત છે, જેનું ચિત્ત જ્ઞાનમાં સ્થિર છે, જે મુક્ત છે તે યજ્ઞાર્થે જ કર્મો કરનારો હોઈ તેનાં કર્મમાત્ર લય પામે છે. ૨૩.

(યજ્ઞમાં) અર્પણ એ બ્રહ્મ, હવિ એટલે હવનની વસ્તુ એ બ્રહ્મ, બ્રહ્મરૂપી અગ્નિમાં હવન કરનાર એ પણ બ્રહ્મ; આમ કર્મની સાથે જેણે બ્રહ્મનો મેળ સાધ્યો છે તે બ્રહ્મને જ પામે. ૨૪.

વળી કેટલાક યોગીઓ દેવતાના પૂજનરૂપ યજ્ઞ કરે છે, અને બીજા બ્રહ્મરૂપ અગ્નિમાં યજ્ઞ વડે યજ્ઞને જ હોમે છે. ૨૫.

વળી કેટલાક શ્રવણાદિ ઇન્દ્રિયોના સંયમરૂપ પણ યજ્ઞ કરે છે, અને બીજા કેટલાક શબ્દાદિ વિષયોને ઇન્દ્રિયાગ્નિમાં હોમે છે. ૨૬.

નોંધ: સાંભળવાની ક્રિયા ઇત્યાદિનો સંયમ કરવો તે એક; અને ઇન્દ્રિયોનો ઉપયોગ કરતાં છતાં તેમના વિશયોને પ્રભુપ્રીત્યર્થે વાપરવા - જેમ કે ભજનાદિ સાંભળવાં - તે બીજો; વસ્તુતાએ બન્ને એક જ છે.

વળી બીજા, તમામ ઇન્દ્રિયકર્મોને અને પ્રાણકર્મોને જ્ઞાનદીપકથી સળગાવેલા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે. ૨૭.

નોંધ: એટલે પરમાત્મામાં તન્મય થઈ જાય છે.

આમ કોઈ યજ્ઞાર્થે દ્રવ્ય આપનારા હોય છે; કોઈ તપ કરનારા હોય છે, કેટલાક અષ્ટાંગયોગ સાધનારા હોય છે. જ્યારે કેટલાક સ્વાધ્યાય અને જ્ઞાનયજ્ઞ કરે છે. આ બધા તીક્ષ્ણ વ્રતધારી પ્રયત્નશીલ યાજ્ઞિક છે. ૨૮.

બીજા પ્રાણાયામમાં તત્પર રહેનારા અપાનને પ્રાણવાયુમાં હોમે છે, પ્રાણમાં અપાનને હોમે છે, અથવા પ્રાણ અને અપાન બન્નેને રોકે છે. ૨૯.

નોંધ: આ ત્રણ જાતના પ્રાણાયામ છે; રેચક, પૂરક ને કુંભક.

સંસ્કૃતમાં પ્રાણવાયુનો અર્થ ગુજરાતીના કરતાં ઊલટો છે. આ પ્રાણવાયુ અંદરથી બહાર નીકળનારો છે. આપણે જે બહારથી અંદર લઈએ છીએ તેને પ્રાણવાયુ-ઓક્સિજનને નામે ઓળખીએ છીએ.

વળી બીજા આહારનો સંયમ કરી પ્રાણોને પ્રાણમાં હોમે છે. જેમણે યજ્ઞો વડે પોતાનાં પાપોને ક્ષીણ કર્યાં છે એવા આ બધા યજ્ઞને જાણનારા છે. ૩૦.

હે કુરુસત્તમ ! યજ્ઞમાંથી શેષ રહેલું અમૃત જમનારા લોકો સનાતન બ્રહ્મને પામે છે. - યજ્ઞ નહીં કરનારને સારુ આ લોક નથી તો પરલોક ક્યાંથી જ હોય ? ૩૧.

આમ વેદમાં ઘણા પ્રકારના યજ્ઞોનું વર્ણન થયું છે. એ બધાને કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ. એ પ્રમાણે જાણીને તું મોક્ષ પામીશ. ૩૨.

નોંધ: અહીં કર્મનો વ્યાપક અર્થ છે. એટલે કે શારીરિક, માનસિક અને આત્મિક. આવાં કર્મ વિના યજ્ઞ હોય નહીં. યજ્ઞ વિના મોક્ષ ન હોય. આમ જાણવું અને તે પ્રમાણે આચરવું એ યજ્ઞોને જાણવાપણું છે. તાત્પર્ય એ થયું કે મનુષ્ય પોતાનાં શરીર, બુદ્ધિ અને આત્માની શક્તિ પ્રભુ-પ્રીત્યર્થે - લોકસેવાને અર્થે ન વાપરે તો ચોર ઠરે છે. તે મોક્ષને લાયક નથી બની શકતો. કેવળ બુદ્ધિ-શક્તિનો ઉપયોગ આપે તે શરીર તથા આત્માને ચોરે તે પૂરો યાજ્ઞિક નથી; આ શક્તિઓને મેળવ્યા વિના તેનો પરોપકારાર્થે ઉપયોગ નથી થઈ શકતો. તેથી આત્મશુદ્ધિ વિના શુદ્ધ લોકસેવા અસંભવિત છે. સેવકે શારીરિક, બૌદ્ધિક અને આત્મિક ત્રણે શક્તિઓ સરખી રીતે કેળવવી રહી.

૧૫

હે પરંતપ ! દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ વધારે સારો છે, કેમ કે હે પાર્થ! કર્મમાત્ર જ્ઞાનમાં જ પરાકાષ્ઠાને પહોંચે છે. ૩૩

નોંધ: પરોપકારવૃત્તિથી અપાયેલું દ્રવ્ય પણ જો જ્ઞાનપૂર્વક ન અપાયું હોય તો ઘણી વાર હાનિ કરે છે, એ કોણે નથી અનુભવ્યું ? સારી વૃત્તિથી થયેલાં બધાં કર્મ ત્યારે જ શોભે જ્યારે તેમની સાથે જ્ઞાનનો મેળાપ થાય. તેથી કર્મ માત્રની પૂર્ણાહુતિ તો જ્ઞાનમાં જ હોય.

એ જ્ઞાન તું તત્વને જાણનારા જ્ઞાનીઓની સેવા કરીને અને નમ્રતાપૂર્વક વિવેકથી ફરી ફરી પ્રશ્નો કરીને જાણી લેજે. તેઓ તારી જિજ્ઞાસા તૃપ્ત કરશે. ૩૪.

નોંધ: જ્ઞાન મેળવવાની ત્રણ શરતો - પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા- આ યુગમાં ખૂબ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. પ્રણિપાત એટલે નમ્રતા, વિવેક; પરિપ્રશ્ન એટલે ફરી ફરી પૂછવું તે; સેવા વિનાની નમ્રતા ખુશામતમાં ખપવાનો સંભવ છે. વળી જ્ઞાન શોધ્યા વિના નથી સંભવતું, એટલે ન સમજાય ત્યાં લગી શિષ્યે ગુરુને નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછ્યા કરવા એ જિજ્ઞાસાની નિશાની છે. એમાં શ્રદ્ધાની જરૂર છે. જેને વિશે શ્રદ્ધા ન હોય તેની તરફ હાર્દિક નમ્રતા ન હોય; તેની સેવા તો ક્યાંથી જ હોય ?

તે જ્ઞાન પામ્યા પછી હે પાંડવ ! તને ફરી આવો મોહ નહીં થાય; તે જ્ઞાન વડે તું ભૂતમાત્રને પોતાને વિશે અને મારે વિશે જોઈશ. ૩૫.

નોંધ: 'યથા પિંડે તથા બ્રહ્માંડે 'નો આ જ અર્થ. જેને આત્મદર્શન થયું છે તે પોતાના આત્મા અને બીજાની વચ્ચે ભેદ નથી જોતો.

બધા પાપીઓમાંયે તું મોટામાં મોટો પાપી હોય તોપણ જ્ઞાનરૂપી નૌકા વડે બધાં પાપને તું તરી જઈશ. ૩૬.

હે અર્જુન ! જેમ પ્રગટાવેલો અગ્નિ બળતણને બાળી નાખે છે તેમ જ જ્ઞાનરૂપી અગ્નિ બધાં કર્મોને બાળિ નાખે છે. ૩૭.

જ્ઞાનના જેવું આ જગતમાં બીજું કંઈ પવિત્ર એટલે કે શુદ્ધ કરનારું નથી. યોગમાં - સમત્વમાં પૂર્ણ થયેલો મનુશ્ય કાળે કરીને પોતે પોતાનામાં તે જ્ઞાન પામે છે. ૩૮.

શ્રદ્ધાવાન, ઈશ્વરપરાયણ, જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન પામે છે અને જ્ઞાન પામીને તુરત પરમ શાન્તિ મેળવે છે. ૩૯.

જે અજ્ઞાન અને શ્રદ્ધારહિત હોઈ સંશયવાન છે તેનો નાશ થાય છે. સંશ્યવાનને નથી આ લોક કે નથી પરલોક; તેને ક્યાંય સુખ નથી. ૪૦.

જેણે સમત્વરૂપી યોગ વડે કર્મોનો એટલે કર્મફલનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે સંશયને છેદી નાખ્યા છે તેવા આત્મદર્શીને હે ધનંજય ! કર્મો બંધન કરતાં નથી. ૪૧.

તેથી હે ભારત ! હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ સંશયનો આત્મજ્ઞાનરૂપી તલવારથી નાશ કરીને યોગનું સમત્વ ધારણ કરીને ઊભો થા. ૪૨.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'જ્ઞાન-કર્મ-સંન્યાસ-યોગ' નામનો ચોથો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *