લખાણ પર જાઓ

અનાસક્તિયોગ/૫. કર્મ-સન્યાસ-યોગ

વિકિસ્રોતમાંથી
← ૪. જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ અનાસક્તિયોગ
૫. કર્મ-સન્યાસ-યોગ
ગાંધીજી
૬. ધ્યાનયોગ →



કર્મ સંન્યાસયોગ


આ અધ્યાયમાં કર્મયોગ વિના કર્મસંન્યાસ હોય જ નહીં અને વસ્તુતાએ બન્ને એક જ છે એમ બતાવ્યું છે.

૧૩

अर्जुन बोल्या:

હે કૃષ્ણ! કર્મોના ત્યાગની અને વળી કર્મોના યોગની પણ તમે સ્તુતિ કરો છો એ બેમાંથી શ્રેયસ્કર શું છે તે મને બરોબર નિશ્ચયપૂર્વક કહો. ૧.

श्रीभगवान बोल्याः:

કર્મોનો સંન્યાસ અને યોગ બન્ને મોક્ષદાયક છે. તેમાંયે કર્મસંન્યાસ કરતાં કર્મયોગ ચડી જાય છે. ૨.

જે મનુષ્ય દ્વેષ નથી કરતો અને ઇચ્છા નથી કરતો તેને સદાનો સંન્યાસી જાણવો. કારણ કે હે મહાબાહો ! જે સુખદુઃખાદિ દ્વંદ્વથી મુક્ત છે તે સહેલાઈથી બંધનમાંથી છૂટે છે. ૩.

નોંધ :- મતલબ કે કર્મનો ત્યાગ એ સંન્યાસનું ખાસ લક્ષણ નથી, પણ દ્વંદ્વાતીત થવું એ જ છે. - એક મનુષ્ય કર્મ કરતો હોય છતાં સન્યાસી હોય. બીજો કર્મ ન કરતો છતો મિથ્યાચારી હોય. જુઓ અધ્યાય ૩, શ્લોક ૬.

સાંખ્ય અને યોગ - જ્ઞાન અને કર્મ - એ બે નોખાં છે, એમ અજાણ લોકો કહે છે, પંડિતો નથી કહેતા. એકમાં પણ સારી રીતે સ્થિર રહેનાર બન્નેનું ફળ મેળવે છે. ૪.

નોંધ : લોકસંગ્રહરૂપી કર્મયોગનું જે વિશેષ ફળ છે તે જ્ઞાનયોગી સંકલ્પમાત્રથી પામે છે. જ્યારે કર્મયોગી પોતાની અનાસક્તિને લીધે બાહ્યકર્મ કરતો છતો જ્ઞાનયોગીની શાંતિ સહેજે ભોગવે છે.

જે સ્થાન સાંખ્યમાર્ગી પામે છે તે જ યોગી પણ પામે છે. જે સાંખ્ય અને યોગને એકરૂપે જુએ છે તે જ ખરો જોનારો છે. ૫.

હે મહાબાહો! કર્મયોગ વિના કર્મસંન્યાસ કષ્ટ્સાધ્ય છે, પણ સમત્વવાળો મુનિ શીઘ્રતાથી મોક્ષ પામે છે. ૬.

જેણે યોગ સાધ્યો છે, જેણે હૃદય વિશુદ્ધ કર્યું છે, અને જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યાં છે તેમ જ જે ભૂતમાત્રને પોતાના જેવાં જ સમજે છે એવો મનુષ્ય કર્મ કરતો છતો તેનાથી અલિપ્ત રહે છે. ૭.

જોતાં, સાંભળતાં, સ્પર્શ કરતાં, સૂઘતાં, ખાતાં, ચાલતાં, સૂતાં, શ્વાસ લેતાં, બોલતાં, છોડતાં કે લેતાં, અને આંખ ઉઘાડતાં-મીચતાંયે, કેવળ ઇન્દ્રિયો જ પોતાનું કાર્ય કરે છે એવી ભાવના રાખીને તત્ત્વજ્ઞ યોગી એમ સમજે કે 'હું કંઈ જ કરતો નથી.' ૮–૯.

નોંધ : જ્યાં લગી વાસના ને દેહાભિમાન છે ત્યાં લગી આવી અલિપ્ત સ્થિતિ નથી આવતી. તેથી વિષયાસક્ત મનુષ્ય 'વિષયો હું નથી ભોગવતો; ઇન્દ્રિયો પોતાનું કામ કરે છે,' એમ કહી છૂટી નથી શકતો. એવો અનર્થ કરનાર નથી ગીતા સમજતો કે નથી ધર્મ જાણતો. આ વસ્તુને નીચેનો શ્લોક સ્પષ્ટ કરે છે.

જે મનુષ્ય કર્મોને બ્રહ્માર્પણ કરી આસક્તિ છોડી આચરે છે તે જેમ પાણીમાં રહેલું કમળ અલિપ્ત રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે. ૧૦.

શરીરથી, મનથી, બુદ્ધિથી કે કેવળ ઇન્દ્રિયોથી પણ યોગીજન આસક્તિરહિત થઈને આત્મશુદ્ધિને અર્થે કર્મ કરે છે. ૧૧.

સમતાવાન યોગી કર્મફળનો ત્યાગ કરીને પરમ શાંતિ પામે છે. જ્યારે રાગદ્વેષવાળો માણસ કામનાથી પ્રેરિત હોઈ ફળમાં લપટાઈને બંધનમાં પડે છે. ૧૨.

સંયમી પુરુષ મનથી બધાં કર્મોનો ત્યાગ કરીને નવદ્વારવાળા નગરરૂપી શરીરમાં રહેતો છતો, કંઈ ન કરતો ન કરાવતો સુખમાં રહે છે. ૧૩.

નોંધ : બે નસકોરાં, બે કાન, બે આંખ, મળત્યાગનાં બે સ્થાન અને મોઢું એમ શરીરને નવ મુખ્ય દ્વારો છે, બાકી તો ચામડીનાં અસંખ્ય છિદ્રો પણ દરવાજા જ છે. એ દરવાજાનો ચોકીદાર જો તેમાં આવજા કરનાર અધિકારીઓને જ આવજા કરવા દઈ પોતાનો ધર્મ પાળે તો તેને વિષે કહી શકાય કે આ આવજા થાય છે છતાં તે તેનો ભાગીદાર નથી પણ માત્ર સાક્ષી છે, તેથી તે નથી કરતો કે નથી કરાવતો.

૧૭

જગતનો પ્રભુ નથી કર્તાપણું રચતો, નથી કર્મ રચતો; નથી કર્મ અને ફળનો મેળ સાધતો. પ્રકૃતિ જ બધું કરે છે. ૧૪.

નોંધ : ઈશ્વર કર્તા નથી. કર્મનો નિયમ અચલિત ને અનિવાર્ય છે. અને જે જેવું કરે તેવું જ તેણે ભરવું જ રહ્યું. આમાં જ ઈશ્વરની મહાદયા રહેલી છે, તેનો ન્યાય રહેલો છે. શુદ્ધ ન્યાયમાં શુદ્ધ દયા છે. શુદ્ધ ન્યાયની વિરોધી દયા તે દયા નથી, પણ ક્રૂરતા છે. પણ મનુષ્ય ત્રિકાળદર્શી નથી. તેથી દયા-ક્ષમા એ જ તેને સારુ ન્યાય છે. તે પોતે નિરંતર ન્યાયને પાત્ર હોઈ ક્ષમાનો યાચક છે. તે બીજાનો ન્યાય ક્ષમાથી જ ચૂકવી શકે. ક્ષમાનો ગુણ કેળવે તો જ છેવટે તે અકર્તા-યોગી-સમતાવાન-કર્મમાં કુશળ બને.

ઈશ્વર કોઈનું પાપ કે પુણ્ય ઓઢતો નથી. અજ્ઞાન વડે ઢંકાઈ જાય છે; અને તેથી પ્રાણીઓ મોહમાં ફસાય છે. ૧૫.

નોંધ : અજ્ઞાનથી, એટલે કે 'હું કરું છું' એ વૃત્તિથી મનુષ્ય કર્મબંધન બાંધે છે અને છતાં સારાંમાઠાં ફળનો આરોપ ઈશ્વર પર મૂકે છે, એ મોહજાળ છે.

પણ આત્મજ્ઞાન વડે જેમના અજ્ઞાનનો નાશ થયો છે તેમનું તે સૂર્યના જેવુ, પ્રકાશમય જ્ઞાન પરમતત્ત્વનાં દર્શન કરાવે છે. ૧૬.

જ્ઞાન વડે જેમનાં પાપ ધોવાઈ ગયાં છે તેવા, ઈશ્વરનું ધ્યાન ધરનારા, તન્મય થયેલા તેનામાં સ્થિર રહેનારાં, તેને જ સર્વસ્વ માનનારા લોકો મોક્ષ પામે છે. ૧૭.

વિદ્વાન અને વિનયવાન બ્રાહ્મણને વિશે કે ગાયને વિશે, મોટા હાથીને વિશે, કે કૂતરાને વિશે તેમ જ કૂતરાને ખાનાર ચાંડાળ વિશે જ્ઞાનીઓ સમદૃષ્ટિ રાખે છે. ૧૮.

નોંધ : એટલે કે સહુ તેમની આવશ્યકતા પ્રમાણે કશા ભેદભાવ વગર સેવા કરે છે. બ્રાહ્મણ અને ચાંડાળની પ્રત્યે સમભાવ રાખવો એટલે બ્રાહ્મણને સર્પ કરડે તો તેનો દંશ જેમ જ્ઞાની સમભાવથી ચૂસીને તેને વિષમુક્ત કરવાનો પ્રયત્ન કરશે તેમ જ ચાંડાલને વિશે પણ તેવી સ્થિતિમાં વર્તશે.

જેમનું મન સમત્વને વિશે સ્થિર થયું છે તેમણે આ દેહે જ સંસારને જીત્યો છે. બ્રહ્મ નિષ્કલંક અને સમ છે. તેથી તેઓ બ્રહ્મને વિશે જ સ્થિર થાય છે. ૧૯.

નોંધ : મનુષ્ય જેવું અને જેનું ચિન્તવન કરે તેવો તે થાય. તેથી સમત્વનું ચિન્તવન કરી નિર્દોષ થઈ સમત્વની મૂર્તિ એવા નિર્દોષ બ્રહ્મને પામે છે.

જેની બુદ્ધિ સ્થિર થઈ છે, જેનો મોહ નાશ પામ્યો છે, જે બ્રહ્મને જાણે છે અને બ્રહ્મમાં સ્થિર થઈને રહે છે તે પ્રિય પામી સુખ માનતો નથી, અપ્રિય પામી દુઃખ માનતો નથી. ૨૦.

બાહ્ય વિષયોમાં જેને આસક્તિ નથી એવો પુરુષ અંતરમાં જે આનંદ ભોગવે છે તે અક્ષય આનંદ પેલો બ્રહ્મપરાયણ પુરુષ અનુભવે છે. ૨૧.

નોંધ : જે અંતર્મુખ થયો છે તે જ ઈશ્વરસાક્ષાત્કાર કરી શકે અને તે જ પરમ આનંદ પામે. વિષયોથી નિવૃત્ત રહી કર્મ કરવાં અને બ્રહ્મસમાધિમાં રમવું એ બે નોખી વસ્તુ નથી, પણ એક જ વસ્તુને જોવાની બે દૃષ્ટિ છે - એક જ સિક્કાનાં બે પાસાં છે.

વિષયજન્ય ભોગો અવશ્ય દુઃખોનું કારણ છે. હે કૌન્તેય ! તે આદિ અને અંતવાળા છે. સમજુ મનુષ્ય એમાં ન રાચે. ૨૨.

શરીર છૂટે તે પહેલાં જે મનુષ્ય કામ અને ક્રોધના વેગને આ દેહે-આ ભવે જ જેરવવાની શક્તિ મેળવે છે તે સમત્વને પામ્યો છે, તે સુખી છે. ૨૩.

નોંધ : મૃત શરીરને જેમ ઇચ્છા કે દ્વેષ નથી હોતાં, સુખદુઃખ નથી હોતાં તેમ જે જીવતો છતાં મૃતસમાન જડભરતની જેમ દેહાતીત રહી શકે તે આ જગતમાં જીત્યો છે અને તે ખરું આત્મસુખ જાણે છે.

જેને અંતરનો આનંદ છે, જેને અંતરમાં શાંતિ છે, જેને અંતર્જ્ઞાન થયું છે તે યોગી બ્રહ્મરૂપ બની બ્રહ્મનિર્વાણ પામે છે. ૨૪.

જેમનાં પાપ નાશ પામ્યાં છે, જેમની શંકા-દુવિધાઓ શમી ગઈ છે, જેમણે મન ઉપર કાબૂ મેળવ્યો છે, અને જેઓ પ્રાણીમાત્રના હિતમાં જ પરોવાયેલા રહે છે એવા ઋષિઓ બ્રહ્મનિર્વાણ પામે છે. ૨૫. જેઓ પોતાને ઓળખે છે, જેમણે કામક્રોધ જીત્યા છે, જેમણે મનને વશ કર્યું છે એવા યતિઓને સર્વત્ર બ્રહ્મનિર્વાણ જ છે. ૨૬.

બહારના વિષયભોગોનો બહિષ્કાર કરીને, દૃષ્ટિને ભ્રૂકુટિ વચ્ચે સ્થિર કરીને, નાસિકા વાટે જતા આવતા પ્રાણ અને અપાનવાયુની ગતિ એકસરખી રાખીને, ઈંદ્રિય, મન અને બુદ્ધિને વશ કરીને, તથા ઈચ્છા, ભય અને ક્રોધથી રહિત થઈને જે મુનિ મોક્ષને વિશે પરાયણ રહે છે તે સદા મુક્ત જ છે. ૨૭-૨૮.

નોંધ : પ્રાણવાયુ તે અંદરથી બહાર નીકળનાર ને અપાન તે બહારથી અંદર જનાર વાયુ. આ શ્લોકોમાં પ્રાણાયામાદિ યૌગિક ક્રિયાનું સમર્થન છે. પ્રાણાયામાદિ તો બાહ્ય ક્રિયા છે, અને તેની અસર શરીરને સ્વસ્થ રાખવા અને પરમાત્માને વાસ કરવા યોગ્ય મંદિર બનાવવા પૂરતી છે. ભોગીને સારુ જે અર્થ સામાન્ય વ્યાયામાદિ તેની ઈન્દ્રિયોને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. શરીર નિરોગી અને કઠિન બનાવતાં છતાં ઇન્દ્રિયોને શાંત રાખવામાં પ્રાણાયામાદિ ક્રિયાઓ યોગીને મદદ કરે છે. આજકાલ પ્રાણાયામાદિ વિધિ થોડાને જ આવડે છે, ને તેમાંના પણ ઘણા થોડા તેનો સદુપયોગ કરે છે. જેણે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ ઉપર કંઈ નહીં તોયે પ્રાથમિક વિજય મેળવ્યો છે; જેને મોક્ષની ધગશ છે, અને જેણે રાગદ્વેષાદિ જીતી ભયને ત્યજ્યો છે તેને પ્રાણાયામાદિ અવશ્ય ઉપયોગી અને મદદકર્તા થાય છે. અન્તઃશૌચ વિનાના પ્રાણાયામાદિ બંધનનું એક સાધન બની મનુષ્યને મોહકૂપમાં વધારે ઊંડો લઈ જઈ શકે છે- લઈ જાય છે. એવો ઘણાને અનુભવ છે. તેથી યોગીન્દ્ર પતંજલિએ યમનિયમને પ્રથમ સ્થાન આપી તે સાધનારને જ મોક્ષ માર્ગમાં પ્રાણાયામાદિને સહાયકારક ગણાય છે.

યમ પાંચ છે : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. નિયમ પાંચ છે : શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન.

જ્ઞ અને તપનો ભોક્તા, બધા લોકનો મહેશ્વર, અને ભૂતમાત્રનું હિત કરનાર એવા મને જાણીને (ઉક્ત મુનિ) શાન્તિ પામે છે. ૨૯.

નોંધ : આ અધ્યાયના ચૌદ અને પંદર તથા એવા બીજા શ્લોકોનો આ વિરોધી શ્લોક છે એમ કોઈ ન માને. ઈશ્વર સર્વ શક્તિમાન હોઈ કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તા જે કહો તે છે અને નથી. તે અવર્ણનીય છે. મનુષ્યની ભાષાથી તે અતીત છે. તેથી તેનામાં પરસ્પર વિરોધી ગુણો અને શક્તિઓનું પણ આરોપણ કરી મનુષ્ય તેની ઝાંખી કરવાની આશા રાખે છે.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'જ્ઞાન-કર્મ-યોગ' નામનો પાંચમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *