અનાસક્તિયોગ/૭. જ્ઞાન-વિજ્ઞાન-યોગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૬. ધ્યાનયોગ અનાસક્તિયોગ
૭. જ્ઞાન-વિજ્ઞાન-યોગ
ગાંધીજી
૮. અક્ષરબ્રહ્મયોગ →



જ્ઞાનવિજ્ઞાનયોગ

આ આધ્યાત્મમાં ઈશ્વર-તત્વ અને ઈશ્વર-ભક્તિ શું છે તે સમજાવવાનો આરંભ છે.

૨૧

श्रीभगवान बोल्याः:

હે પાર્થ ! મારામાં મન પરોવી ને તથા મારો આશ્રય લઈને યોગા સાધતો તું નિશ્ચય પૂર્વક ને સંપૂર્ણ પણે મને કેમ ઓળખી શકે તે સાંભળ. ૧.

અનુભવયુક્ત આ જ્ઞાન હું તને પૂર્ણપણે કહીશ. તે જાણ્યા પછી આ લોકમાં ફરી કંઈ જાણવાનું રહેતું નથી. ૨.

હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિને સારુ પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરનારા સિદ્ધોમાંથી પણ કોઈક જ મને વાસ્તવિક રીતે ઓળખે છે. ૩.

પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આકાશ, મન, બુદ્ધિ અને અહંભાવ એમ આઠ પ્રકારની મારી પ્રકૃતિ છે. ૪.

નોંધ: આ આઠ તત્વોવાળું સ્વરૂપ તે ક્ષેત્ર અથવા ક્ષર પુરુષ. જુઓ ૧૩-૫; અને ૧૫-૧૬.

આ કહી તે અપરા પ્રકૃતિ. તેથી પણ ઊંચી જીવરૂપા પરા પ્રકૃતિ છે. હે મહાબાહો ! આ જગત તેને આધારે નભી રહ્યું છે.૫.

ભૂત માત્રાની ઉત્પતિનું કારણ તું આ બળને જાણ. આખા જગતમાં ઉત્પતિ અને લયનું કારણ હું છું. ૬.

હે ધનંજય ! મારા કરતાં પર એવું બીજું કંઈ નથી. જેમ સૂત્રમાં મણકા પરોવાયેલા હોય છે તેમ આ બધું (વિશ્વ) મારામાં પરોવાયેલું છે. ૭.

હે ! કૌન્તેય ! પાણીમાં હું રસ છું; સૂર્યચંદ્રની અંદરની ક્રાંતિ છું; સર્વ વેદોમાં ॐકાર હું છું; આકાશમાં શબ્દ છું અને પુરુષોનું હું પરાક્રમ છું. ૮.

પૃથ્વીમાં સુગન્ધ હું છું, અગ્નિમાં તેજ છું, પ્રાણીમાત્રનું જીવન હું છું, તપસ્વીનું તપ હું છું. ૯.

હે પાર્થ ! બધા જીવોનું સનાતન બીજ મને જાણ; બુદ્ધિમાનોની હું બુદ્ધિ છું, તેજસ્વીઓનું તેજ પણ હું જ છું. ૧૦.

બળવાનોનું હું કામ અને રાગ વિનાનું બળ છું, અને હે ભરતર્ષભ ! પ્રાણીઓમાં હું ધર્મનો અવિરોધી કામ છું.૧૧.

જે જે સાત્ત્વિક, રાજસી અને તામસી ભાવો એટલે કે પદાર્થો છે તે મારા થકી ઉત્પન્ન થયેલા જાણજે. પણ હું તેમાં છું એમ નથી, તે મારામાં છે.

નોંધ : આ ભાવોની ઉપર પરમાત્મા નિર્ભર નથી પણ તે ભાવો તેની ઉપર નિર્ભર છે. તેને આધારે રહે છે ને તેને વશ છે.

૨૨

આ ત્રિગુણી ભાવો વડે આખું જગત મોહીત થયેલું છે, અને તેથી, તેનાથી ઊંચા અને જુદા એવા મને અવિનાશીને તે ઓળખતું નથી. ૧૩. આ મારી ત્રણ ગુણવાળી દેવી એટલે કે અદ્ભુત માયા તરવી મુશ્કેલ છે. પણ જેઓ મારું જ શરણ લે છે તેઓ તે માયાને તરી જાય છે. ૧૪.

દુરાચારી, મૂઢ, અધમ મનુષ્યો મારે શરણે આવતા નથી. તેઓ આસુરી ભાવવાળા હોય છે અને માયાએ તેમનું જ્ઞાન હરી લીધું હોય છે. ૧૫.

હે અર્જુન ! ચાર પ્રકારના સદાચારી મનુષ્યો મને ભજે છે. દુ:ખી, જિજ્ઞાસુ, કંઈ પ્રાપ્તિની ઈચ્છાવાળા હિતાર્થી અને જ્ઞાની. ૧૬.

તેમનામાં પણ નિત્ય, સમભાવી અને એકને જ ભજનારો એવો જે જ્ઞાની તે શ્રેષ્ઠ છે. હું જ્ઞાનીને અત્યન્ત પ્રિય છું અને જ્ઞાની મને પ્રિય છે. ૧૭.

આ બધા જ ભક્તો સારા છે, તેમાંય જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો મત છે. કેમ કે, મને પામવા કરતાં બીજી વધારે સારી ગતિ નથી જ એમ જાણતો તે યોગી મારો જ આશ્રય લે છે. ૧૮. આ બધું (વિશ્વ) વાસુદેવ જ છે એમ ઘણા જન્મોને અંતે ઓળખી જ્ઞાની પુરુષ મારું શરણ લે છે. આવો મહાત્મા વિરલો જ હોય. ૧૯.

જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો પોતાની પ્રકૃતિને વશ થઈ જુદી જુદી વિધિનો આશ્રય લઈને બીજા દેવતાઓને શરણે જાય છે. ૨૦.

જે જે મનુષ્ય જે જે સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક ભજવા ઈચ્છે છે તે તે સ્વરૂપને વિશે તેની શ્રદ્ધાને હું દૃઢ કરું છું. (૨૧)

એવી શ્રદ્ધાને બળે તે, તે સ્વરૂપની તે આરાધના કરે છે અને તે છેવટે મેં નિર્મિત કરેલી ને તેણે ઈચ્છેલી કામનાઓ તે પૂરી કરે છે. ૨૧.

પણ, તે અલ્પબુદ્ધિ લોકોને જે ફળ મલે છે તે નાશવંત હોય છે. દેવોને ભજનારા દેવોને પામે છે, મને ભજનારા મને પામે છે. ૨૨.

મારા પરમ, અવિનાશી અને અનુપમ સ્વરૂપને ન જાણનારા બુદ્ધિહીન લોકો ઇન્દ્રીયોથી અતીત એવા મને ઇન્દ્રિયગમ્ય થયેલો માને છે. ૨૪.

મારી યોગમાયાથી ઢંકાયેલો હું બધાંને પ્રકટ નથી. આ મૂઢ મુજ અજન્મા અને અવ્યયને સારી રીતે ઓળખતો નથી. ૨૫.

નોંધ: આ દૃશ્ય જગતને પેદા કરવાની શક્તિ ધરાવતા છતાં અલિપ્ત હોવાને લીધે પરમાત્માનું અદૃશ્ય રહેવાપણું તે તેની યોગમાયા.

હે અર્જુન ! થઈ ગયેલાં, વર્તમાન અને થનારાં બધાં ભૂતોને હું જાણું છું, પણ મને કોઈ જાણતું નથી. ૨૬.

૨૩

હે પરંતપ ભારત ! ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલ સુખદુઃખ દ્વંદ્વના મોહે કરીને પ્રાણીમાત્ર આ જગતમાં ભુલાવામાં રહે છે. ૨૭.

પણ સદાચારી થવાને કારણે જે લોકોનાં પાપોનો અંત આવ્યો છે ને જે દ્વંદ્વના મોહમાંથી છૂટ્યા છે તે અડગ વ્રતવાળા મને ભજે છે. ૨૮.

જેઓ મારો આશ્રય લઈને જરા અને મરણમાંથી મુક્ત થવા મથે છે તેઓ પૂર્ણબ્રહ્મને, અધ્યાત્મને અને અખિલ કર્મને જાણે છે. ૨૯.

અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞવાળા એવા મને જેમણે ઓળખ્યો છે તે સમત્વને પામેલા લોકો મરણસમયે પણ મને ઓળખે છે. ૩૦.

નોંધ: અધિભૂતાદિનો અર્થ આઠમા અધ્યાયમાં આવે છે.

આ શ્લોકનો મતલબ એ છે કે આ જગતમાં ઈશ્વર સિવાય બીજું કંઈ જ નથી ને બધાં કર્મનો કર્તા-ભોક્તા તે છે એમ સમજી જે મરણસમયે શાંત રહી ઈશ્વરમાં જ તન્મય રહે છે અને કશી વાસના તે સમયે જેને નથી હોતી તેણે ઈશ્વરને ઓળખ્યો છે ને તે મોક્ષ પામ્યો છે.

ૐ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે, તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રી કૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'જ્ઞાન-વિજ્ઞાન-યોગ' નામનો સાતમો અધ્યાય અત્રે પૂરો થાય છે.