અનાસક્તિયોગ/ અધિકૃત આવૃત્તિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
અનાસક્તિયોગ
પ્રકરણનું નામ અધિકૃત આVવૃત્તિ
ગાંધીજી
પ્રસ્તાવના →


શ્રીમદ્ભગવદ્ગીતાનો આ અનુવાદ લખતી વખતે ગાંધીજી ગીતાજીવન જીવવાની પોતાની અખંડ અને ઉત્કટ સાધનામાંથી માંડ વખત કાઢી શક્યા હતા. મુસાફરીમાં પ્રથમ પ્રથમ રોજ એક એક જ શ્લોકનો અનુવાદ કરી લેતા; પણ તે અત્યંત નિયમિતપણે. આગળ જતાં એક એક દિવસે બે-બે ત્રણ-ત્રણ શ્લોકોનો અનુવાદ પણ કરી લેતા. આમ કરતાં હિમાલયમાં કૌસાનીના મુકામમાં તા. ૨૪-૬-'૨૯ને દિવસે આ અનુવાદ એમણે પૂરો કર્યો. અને એ આખી ચોપડી રાજદ્વારી હિલચાલની મહા ધમાલ દરમિયાન ઉતાવળે છપાઈ ગઈ.


ગાંધીજીએ એને માટે 'અનાસક્તિ-યોગ' એવું ચોટડૂક નામ આપ્યું.


આ અનુવાદ બરાબર દાંડીકૂચને દિવસે (તા. ૧૨-૩-'૩૦) પ્રકાશિત થયો. અને ગાંધીજી પોતાના ૮૦ સાથીઓ સાથે આશ્રમમાંથી બહાર પગ મૂકતા હતા તે જ વખતે એની પહેલી નકલો એમના અને એમના એ સાથીઓના હાથમાં મુકાઇ.


આ અનુવાદ સાથે મૂળ સંસ્કૃત શ્લોકો આપવા કે ન આપવા વિશે ઘણી ચર્ચા તે વખતે થયેલી. પોતાના અનુવાદ સાથે મૂળ સંસ્કૃત શ્લોકો આપવાની ગાંધીજીની ઇચ્છા ન હતી. તેમની પહેલી દલીલ એ હતી કે ઘેર ઘેર સંસ્કૃત ગીતા લોકો પાસે હોય જ છે. એટલે પોતાનો અનુવાદ વાંચવા ઇચ્છનારને ફરી એક વાર સંસ્કૃત શ્લોકો ખરીદવા પડે એ નકામો બોજો છે.


એમની બીજી દલીલ સંકોચને કારણે તેમણૅ પ્રથમ રજૂ કરી નહીં. ચર્ચા વધી ત્યારે એ એમણે અમારી આગળ સ્પષ્ટ કરી. એમણે કહ્યું કે "'અનાસક્તિયોગ' એ ગીતાનો પ્રામાણિક તરજુમો છે ખરો; છતા; એની અંદર આપણું આશ્રમવાસીઓનું જીવનદર્શન આવી જાય છે, એટલે કાળે કરીને ગીતાના અનુવાદ તરીકે જ નહીં પણ સ્વતંત્ર નિદાનગ્રંથ તરીકે પણ આ પુસ્તક વપરાશે." એમણે દાખલો આપ્યો કે અંગ્રેજીમાં બાઇબલનો જે અધિકૃત તરજુમો (authorized version) થયેલો છે, તેને જ ઇંગ્લંડના લોકો પોતાનું બાઇબલ માને છે. મૂળ હિબ્રૂ કે ગ્રીક બાઇબલ તરફ તેઓ જતા નથી; તેનો આધાર લેતા નથી.


મેં એમને કહ્યું કે "આપણે ત્યાં પણ એવો દાખલો છે. મહારાષ્ટ્રના વારકરી લોકો જ્ઞાનેશ્વર મહારાજની જ્ઞાનેશ્વરીને જ પોતા માટેનો પ્રમાણભૂત ધર્મગ્રંથ માને છે. મહાભારતમાં આવેલી મૂળ સંસ્કૃત ભગવદ્ગીતા પરંતુ એ ભાષ્ય છે એની ના નથી પણ મૂળ ગીતા એને એનાં બીજાં ભાષ્યો તરફ જવાની તેઓ ના જ પાડે છે. 'જ્ઞાનેશ્વરી એ જ અમારી આધ્યાત્મિક માં છે' એમ તેઓ દૃઢતાપૂર્વક કહે છે."


પછી ગાંધીજીએ કહ્યું કે "'અનાસક્તિયોગ' વાળો તરજુમો જરા ઉતાવળે થયો છે. ભાષા વગેરેની દૃષ્ટિએ એક વાર એને ફરી જોઇ જવો જોઇએ. ત્યાર પછી એમાં કશો ફેરફાર થાય નહીં એવો આપણો આગ્રહ હોવો જોઇએ. અંગ્રેજી બાઇબલનો એમણે ફરી દાખલો આપ્યો અને કહ્યું કે "એ અધિકૃત અનુવાદની શૈલીની પણ અંગ્રેજી ભાષા ઉપર અદ્ભુત અસર થઈ છે."


'અનાસક્તિયોગ' ફરી વાર જોઇ જવાની અને એને છેલ્લી વાર મઠારવાની પોતાની ઘણી ઇચ્છા હોવા છતાં ગાંધીજી તે પ્રમાણે કરી શક્યા નહીં.


આખરે એક દિવસ મારા ઉપર નવજીવનના વ્યવસ્થાપક શ્રી જીવણજીનો ૨૭-૧-'૪૮નો કાગળ આવ્યો, જેમાં લખ્યું હતું: "પૂ. બાપુજીના ઉપવાસ પહેલાં હું દિલ્હી ગયો. એ વખતે પૂ. બાપુજી સાથે 'અનાસક્તિયોગ' વિશે વાત થઈ હતી. શ્રી કિશોરલાલભાઈએ ભાષાની દૃષ્ટિએ એમાં સુધારા કર્યા હતા. એ નકલ સ્વ. મહાદેવભાઈના પુસ્તકસંગ્રહમાંથી મળી આવી હતી. તે મેં એમને જોઇ જવા મોકલી હતી."


... એમને હવે વખત મળે એવો સંભવ ન હોવાથી એમણે એ કામ તમારા માથે નાખ્યું છે. પહેલાં જ્યારે અનુવાદ પ્રગટ થયો ત્યારે તમે ખૂબ મહેનત કરી હતી. 'કાકાસાહેબને આ કામ સોંપો અને તેઓ કરી આપે તે છેવટનું ગણી કામ કરશો.' -- આવી સૂચના મને મળી છે. એટલે તમે તમારી અનુકૂળતા મુજબ યોગ્ય કરી મને મોકલી આપશો, જેથી એ પુસ્તક પ્રગટ થઈ શકે."


પૂ. બાપુજીને હું છેલ્લે ૮મી અને ૯મી જાન્યુઆરીએ મળ્યો હતો. ત્યાર પછીનો એમનો છેલ્લો આદેશ જ્યારે મને મળ્યો ત્યારે એને સૌથી મોટો અનુગ્રહ સમજી આ કામ મેં માથે ચઢાવ્યું અને સ્વ. મહાદેવભાઇએ કરેલો 'અનાસક્તિયોગ'નો અંગ્રેજી અનુવાદ, શ્રી કિશોરલાલભાઇની વિગતવાર સૂચનાઓ, શ્રી વિનોબાની ગીતાઈ -- એ બધાં સાહિત્યની મદદથી અને પૂ. બાપુજીની જોડે મહત્વના એકેએક શ્લોકની જે ચર્ચા લગભગ ૨૦ વરસ પહેલાં થઈ હતી તેનું સ્મરણ બની શકે તેટલું તાજું કરી, નમ્રપણે, અને ભક્તિભાવે 'અનાસક્તિયોગ' નું આ સંપાદન કર્યું છે.


આને અંગે કેટલીક પરચૂરણ વસ્તુઓની અહીં નોંધ લઉં.


આ આવૃત્તિમાં વિષય પરત્વે આખી ગીતાનાં ૫૬ અધિકરણો પાડ્યાં છે. જેથી મૂળ ગીતાના ૧૮ અધ્યાયની રચનામાં કશો હસ્તક્ષેપ કર્યા વગર વિષય-વિવેચન માટે અનુકૂળ વિભાગ થઈ શક્યા છે.


'લોકસંગ્રહ' શબ્દનો અર્થ સામાન્ય લોકો કરે છે - 'જનતાને સાચવવા, રીઝવવા માટે લોકોની લાગણીઓ અને વહેમોનો સ્વીકાર કરવો અને તેમને દૂભવવા કરતાં તેમને અજ્ઞાનમાં રહેવા દેવા'. રૂઢ થયેલો એવો અર્થ ખોટો છે એ બતાવવા 'લોકસંગ્રહ'નો શ્રી શંકરાચાર્યે કરેલો સાચો અર્થ એક નોંધમાં પાછળથી ઉમેર્યો છે.


આ નાગરી આવૃત્તિ છાપતી વખતે [જૂન ૧૯૬૦] 'ગીતાબોધ'માંનાં ગાંધીજીનાં જ કેટલાંક વાક્યો બેત્રણ નોંધોમાં ઉમેરવાની તક લીધી છે. આવાં વાક્યોથી ગાંધીજીનો ભાવ વધારે સ્પષ્ટ થઈ શક્યો છે.


ચોથા અધ્યાયના ૧૮મા શ્લોક તળેની ગાંધીજીની નોંધ મારા ધ્યાનમાં બરાબર આવી નથી. 'અકર્તા આત્મા પોતાને કર્તા માને છે તેને માનો પક્ષઘાત થયો છે...' વગેરે જે ત્યાં લખ્યું છે તેનો અર્થ મને સ્પષ્ટ થયો નથી. શ્રી મહાદેવભાઇએ પોતાના અંગ્રેજી અનુવાદમાં આટલો ભાગ છોડી જ દીધો છે. મેં એને જેવો છે તેવો જ રહેવા દીધો છે.

ભારતીય તત્વજ્ઞાન પરંપરાનો એક નિયમ છે કે જે માણસ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા ત્રણેનો સમન્વય કરી બતાવે અને એ પ્રસ્થાનત્રયીમાંથી એક જ તત્વજ્ઞાન તારવી આપે તેને આચાર્ય ગણવો અને તેની જ વાત કાને ધરવી.


આનું કારણ એ છે કે ઉપનિષદના ઋષિઓએ ઉત્કટ સાધનામય જીવન જીવીને એમાંથી જે તત્વજ્ઞાન શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો તે મૂળમાં અનુભવમૂલક હોવાથી એ ઋષિઓએ અનેક રીતે (बहु-धा) વાતો કરી હોય તોયે એનો સાર એક જ હોઇ શકે.


એ ઉપનિષદનાં જ આર્ષ વચનોમાંથી તત્વજ્ઞાન એટલે કે વેદાન્તદર્શન તારવી કાઢવાનું કામ બ્રહ્મસૂત્રોએ કર્યું.


અને આખરે એ જ ઉપનિષદનાં વચનોને આધારે, અને બ્રહ્મવાચક સૂત્રોની મદદથી ગીતાએ જીવન જીવવાની સર્વોચ્ચ કળા રજૂ કરી છે. આમ તમામ ઉપનિષદોના દોહનરૂપે તૈયાર થયેલી આ શિરોમણિ ઉપનિષદ ભગવાન ગોપાલ કૃષ્ણે ગાઈ અને એ બ્રહ્મવિધા પણ આખી આવી ગઈ અને એ બ્રહ્મવિધાને આધારે જીવન ઘડવા માટે કઈ રીતે વર્તવું જોઇએ, એની કૂંચી આપતું યોગશાસ્ત્ર પણ આવી ગયું. એ બ્રહ્મવિધાનાં અને યોગશાસ્ત્રનાં અનેક પાસાંઓ બરાબર ધ્યાનમાં આવે એટલા માટે તે આખું વિવરણ ભગવાન વ્યાસે ગીતામાં પ્રશ્નોત્તરીરૂપે, સંવાદરૂપે આપેલું છે. એમાં અર્જુન કર્મવીર ભક્ત છે અને શ્રીકૃષ્ણ પોતે જ્ઞાનમૂર્તિ યોગેશ્વર છે.


એ યોગેશ્વર શ્રીકૃષ્ણના ઉપદેશનો અર્થ સત્યધર્મી કર્મવીર ગાંધીજીએ પોતાના પારમાર્થિક જીવનના અનુભવને આધારે અહીં સ્વભાષામાં કરી આપ્યો છે. તેથી આમાં તે જીવનવીરની જીવનદ્રષ્ટિ પ્રતિબિંબિત થઈ છે. એને અનુભવનો આધાર હોઇ એ વસ્તુ સ્વત:પ્રમાણ છે. વાચકો એને એ દ્રષ્ટિથી જોશે. ગાંધીજીના તે વખતના શબ્દોમાં જ કહીએ તો:


"આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. આ કારણે હું એમ ઇચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઇબહેન, જેમને ધર્મને આચારમાં મૂકવાની ઇચ્છા છે, તેઓ એ વાંચે, વિચારે અને તેમાંથી શક્તિ મેળવે."


મુંબઈ, ૬-૬-'૪૯ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર


અનાસક્તિયોગ