અપરાધી/शिवास्ते पंथाः

વિકિસ્રોતમાંથી
← રામભાઈને ઘેર અપરાધી
शिवास्ते पंथाः
ઝવેરચંદ મેઘાણી
વસિયતનામું →


૩૭. शिवास्ते पंथाः

વિવારના ઢળતા બપોર હતા, અને રાડિયો જેલર એકાએક જેલ પર ધસી આવ્યો.

“લુક હિયર ! દેખો ઇધર !” જેલરે મોંમાં હોકલી દબાવતે દબાવતે પોતાના વોર્ડરોને એક કાગળ દેખાડ્યો. “ઇસકા નામ સચ્ચા મેજિસ્ટ્રેટ : આજ ઇતવાર હૈ તો ભી છોટે સા’બ આરામ નહીં કરેગા ! દેખો, વો બદમાસકો પકડેગા, પકડેગા !”

“શું છે પણ, સાહેબ ?” વોર્ડરો પૂછવા લાગ્યા.

“ગરબડ નહીં !” જેલરે વોર્ડરને હુકમ આપ્યો, "જાવ, તહોમતદાર અજવાળીકો છોટે સા’બકા બંગલા પર લે જાઓ.”

“અરે સા’બ, આજ આતવાર…”

“હાં હાં, મેં ગધ્ધા નહીં હૂં, સમજતા હૂં. જાવ, લે જાવ; છોટે સા’બ તહોમતદારકી ‘પ્રાઈવેટ એન્ડ કોન્ફિડેન્શિયલ’ તપાસ કરનેવાલા હૈ. વો બદમાશકો પકડેગા — ભાઇ, મૈંને તો કહા હૈ કે પકડેગા જ પકડેગા !”

મેજિસ્ટ્રેટ તરીકે શિવરાજે જેલરને અમલદારી તુમાર જ લખ્યો હતો : “બાઈ અજવાળીની વધુ તપાસ માટે અહીં બંગલે એને હાજર કરવી.”

રવિવારની સાંજ નમતી આવે છે. તહોમતદાર ખુદ સાહેબની જ પાસે છે, એમ સમજી પહેરેગીરો ચાઊસની ઓરડીમાં નિરાંત કરી બેઠા રહ્યા. અંદર ઉપરને મેડે શિવરાજ જાણે કે બાઈ અજવાળીની તપાસ કરી રહેલ છે.

બંગલાની મેડી ઉપરના એકલ ઓરડામાં બેઠેલા રામભાઈ અને શિવરાજની સામે અપરાધીના વેશે ઊભેલી અજવાળી પૃથ્વી પર સ્થિર નહોતી, બેમાંથી એકેનીય સામે જોવાની એની હિંમત નહોતી. એના અંતરના હરિયાળા કિનારા પર જાણે હરણાં ચરતાં હતાં. એ સુખસમાચારની જ આશા લઈને ઊભી હતી.

થોડી વારની ચુપકીદી તૂટી અને શિવરાજના મોંમાંથી શબ્દો પડ્યા : “અજવાળીબાઈ, તમને છોડી મૂકવામાં આવે છે. તમે નિર્દોષ છો.”

અજવાળી બોલી નહીં.

“કેમ, તમે નિર્દોષ જ છો ને ? તમને વગરવાંકે ખૂબ દુઃખ દીધુંને અમે ?” શિવરાજ એના મોંમાંથી કોઈક આભારભીના બોલની ઝંખના કરતો હતો. આવડું મોટું મુક્તિદાન અને આત્મસમર્પણ એક જ બિંદુ અહેસાનનું જળ યાચી રહ્યું હતું. પ્રેતોની દુનિયામાં એવા ‘જન’ હોય છે જેનો પ્રાણ પ્યાસે તરફડતો હોય છતાં જેનું ગળું કાંટાની શૂળની ટોચે હોય છે. એની પર પડતું એકાદ ટીપું જ એ પી શકે છે.

અજવાળી માંડ માંડ બોલી શકી :

“મને તો બોને કહ્યું તું કે અંજુડી, તને સા’બ છોડી મૂકશે. તમે દયાળુ છો તે છોડો છો. હું બીજું શું કહું ?”

“બસ, એટલું બસ છે. બોલો, હવે તમારે ક્યાં જવું છે ?”

“મારી મા આગળ.”

“એમાં મુશ્કેલી છે. તમારો બાપ તમને ઘરમાં નહીં પેસવા આપે. તમારાં માને એ મારી નાખતા હતા એટલે અમે એને બીજે ઠેકાણે મોકલી આપેલ છે. તમે ત્યાં જવા માગો છો ?”

“હા. જ્યાં મારી મા હોય ત્યાં.”

“તમને કોની સાથે મોકલું તો તમારી પૂરી રક્ષા થાય ?”

અજવાળીની આંખો કોણ જાણે કેમ પણ આ પ્રશ્નના જવાબ માગતી. રામભાઈ તરફ વળી ગઈ.

“રામભાઈ ? રામભાઈ તમને લઈ જાય ? રામભાઈ ઉપર વિશ્વાસ રાખજો, હો ! બધા જ પુરુષો સરખા પાજી નથી હોતા.” શિવરાજ સમજતો હતો કે પોતે ક્ષમાયાચના કરી રહેલ છે, પણ અજવાળીને ભાગી જવાનું મન થતું હતું.

“અજવાળીબાઈ, તમારો હાથ હું રામભાઈને સોપું છું. તમારે આંહીં તમારા બાપથી બચવા માટે છાના વેશે નીકળી જવું પડશે, ઊભાં રહો.”

શિવરાજ ઊઠીને બીજા ખંડમાં ગયો. એક કબાટ ખોલ્યો. બાવીસ વર્ષ પર મરી ગયેલ માતાનાં અકબંધ કોરાં કપડાં, રાજપૂત ઢબનો ઘેરદાર લેબાસ અને ઘરાણાં બહાર કાઢ્યાં. બહાર લઈ આવીને અજવાળી સામે ધર્યા : “લ્યો, આ વીરપસલીની ભેટ. જાઓ, આ સામેના ખંડમાં જઈને નિરાંતે પહેરી લો. આ ઘરેણાં પણ તમારે પહેરી જ લેવાનાં છે. તમારે પૂરેપૂરો છૂપો વેશ ધારણ કરવાનો છે. ડરશો નહીં; આ વખતે વિશ્વાસઘાતની બીક રાખશો નહીં.”

બોલતે બોલતે શિવરાજ ખોંખારા મારવા પ્રયત્ન કરતો હતો.

શિવરાજના બોલમાં અજવાળીને ઇતબાર હતો : “સરસ્વતીબોને સાચું કહ્યું હતું : સા’બ બહુ ભલા છે, બહુ દયાળુ છે.” એણે જઈને ઝટ ઝટ કપડાં સજ્યાં. શિવરાજે શાંતિથી જઈને ઓરડાના ઉંબર પર જ તેલકચોળું અને કાંસકી પણ મૂકી દીધાં.

સાંજ પડી ગઈ ત્યારે શિવરાજ તૈયાર થઈને બહાર જવા નીચે ઊતર્યો. એણે પહેરેગીરોને જોઈને તાજુબી બતાવી પૂછ્યું : “કાયકો અભી યહાં બેઠે હય યે લોગ ?”

“સા’બ, તહોમતદારન…”

“ક્યોં ઉસકો નહીં લે ગયે હો અબ તક ?”

“સા’બ, આપકે પાસ…”

“નહીં, આધા ઘંટા હો ગયા, હમને ઉસકો રજા દિયા હૈ.”

પહેરેગીરો સજ્જડ બની ગયા : શું કરવું ? ક્યાં જવું ?

“ઉસકા બાપકા ઘર પર દેખો, કૂવા-તલાવ દેખો, જાવ, દૌડો.” શિવરાજે સત્તાવાહી ત્રાડ મારી : “સબ દેખો !”

સાંભળીને પોલીસ દોડ્યા. એકે જઈ જેલ પર જાણ કરી. ભયના ડંકા બજવા લાગ્યા. પટાવાળાઓને પણ શિવરાજે દોડવા કહ્યું.

દોડાદોડ થઈ રહી ત્યારે પોતે આરામથી મોટર બહાર કાઢી. અંધારામાં અજવાળીને પાછળ બેસારી, વચ્ચેના એક નિર્જન સ્થાન પરથી વેશબદલો કરી ચૂકેલા રામભાઈને લઈ લીધો. સાદાં ખાદીનાં ધોતી ને કુડતાને બદલે તેણે સુરવાળ વગેરે ગરાસિયાશાઈ પોશાક પહેરી લીધેલ હતો.

જેલમાં, પોલીસ ગાર્ડમાં, લાઈનમાં, ગામમાં, સર્વત્ર હાકાલાકા થઈ રહ્યા કે અંજુડી ભાગી અને સાબ પોતે એની ગોતમાં મોટર દોડાવી ગયા છે ! સાહેબ જે સડકે ગયા હોવાની ભાળ મળી તેથી જુદી જ દિશાઓ પોલીસ-ફોજદારે સાહી. એવા ચારપાંચ કલાકના ગાળામાં એક આઘે આઘેના અતિ ધમાલભર્યાં જંક્શન પર શિવરાજે બેઉને ઉતારી નાખ્યાં.

“અજવાળીબાઈ,” શિવરાજે રામભાઈના ગજવામાં નોટોના થોકડા (પોતાને ને પિતાના પગારની તમામ બચત) ભરતે ભરતે હાથ જોડ્યા, “તમને હું કદી મળનાર નથી. હું તમારો હાથ રામભાઈને સોંપીને જાઉં છું. સુખદુઃખમાં એકબીજાનાં સાથી રહેજો. રામભાઈ તમારો બીજા પુરુષ જેવો વિશ્વાસઘાત નહીં કરે, અજવાળીબાઈ ! ને હું છેલ્લી એક વાર જૂઠું બોલ્યો છું : તમારી માતાને તમે તરત નહીં મળી શકો; તમને મેં છોડ્યા છે, પણ સરકારે નથી છોડ્યાં; તમારામાં શક્તિ હોય તેટલી વાપરીને નાસી છૂટો. આટલો વિશાળ મુલક પડ્યો છે તેમાં રામભાઈ તમને એક કરતાં એકસો છાનાં ઠેકાણાંમાં લઈ જશે. હું રજા લઉં છું.”

એણે મોટર પાછી હાંકી. એણે ઊલટી જ દિશાના સીમાડા સાંધ્યા. પરોઢિયાના ચારેક વાગ્યે એણે એક નદીની ભેખડે મોટર થોભાવીને એન્જિન બંધ કર્યું; પગ લંબાવીને શરીરનો ઢાળો કર્યો અને હાશકારો કરી શ્વાસને વિસામો આપ્યો. હવે શી ઉતાવળ છે ? શું લૂંટાઈ જવાનું છે ? કોણ મારી રાહ જોનારું રહ્યું છે ? કાલે તો અજવાળીની જગ્યા મારે માટે તૈયાર હશે. એ જગ્યા પર પહોંચતાં બે કલાક મોડો પડીશ તો કોઈ વધુ સજા કરવાનું નથી, વહેલો પહોંચીને કારાગૃહનાં દ્વાર ખખડાવીશ તો કોઈ છોડી મૂકવાનું નથી. માટે વિરામ લઈ લો. હે અંતર્યામી ! ઊંઘી લ્યો, હે આતમરામ ! આવું હળવુંફૂલ અંતર તો આ પચીસ વર્ષમાં પહેલી જ વાર પામ્યો. ખેતર વચ્ચેની આવી એકલતા કોઈ દહાડે નહોતી માણી. આ અંધારાં શું મા — જનની ! તારા ઓઢણાના પાલવડા હશે ! મને શું તું જ લપેટી લે છે ? મને ઊંઘ આવે છે. ગયો — ગયો — એ ઊંઘી ગયો. જાગૃતિના ઉત્પાતમાંથી સ્વપ્નહીન નીંદરના દરિયામાં નાના હોડકા જેવું કલેજું ક્યારે ઊતરી ગયું, ક્યારે લસરવા લાગ્યું, ખબર જ પડી નહીં. જાણે પોતે જ પોતાના જીવન સફર પર વળાવી પાછો વળી ગયો, રગેરગમાં ઘારણ ચડી ગયું.

ખુલ્લાં ખેતરો વચ્ચે, દિવાળીનાં પાકેલ જારબાજરાના ઝૂલતાં ડૂંડાંની જંગલભરતી સોડમના ઘેનમાં ઘેરાયેલા શિવરાજને બે કલાકની નીંદર બસ હતી. હાંફતી માલગાડીના શ્વાસ-ધબકારા એકાદ માઈલ આઘેની રેલવે લાઈન પરથી સંભળાતા હતા. કોઈ બીજી ગાડી તેની પહેલાં ગઈ નહોતી. રામભાઈ અને અજવાળીને દિલ્હી મેલ મળી ચૂક્યો હશે. હવે તેને કોણ આંબવાનું હતું ? પોલીસ ફોજદારે તાર કર્યો હશે ? તાર કોને પહોંચવાનો હતો ? રામભાઈ અને અજવાળીને કોણ ઓળખવાનું હતું ? બીજા વર્ગમાં બેઉ ઘસઘસાટ સૂતાં હશે. ગાડીનાં પૈડાં હાલાંવાલાં ગાતાં હશે. બીજા વર્ગના પેસેન્જરને ન જગાડવાનો હુકમ છે ને, એટલે પોલીસની દેન નથી કે પકડી પાડે.

લઈ જાઓ, ઉપાડી જાઓ, ઓ દિલ્હી મેલનાં સેંકડો પૈડાંઓ ! આ ઘાતકી કાયદાના લાંબા હાથ ન આંબી શકે એવા પૂરપાટ વેગે એને વહી જાઓ ! મદુરા અને રામેશ્વરનાં દેવાલયો ! આ બે યાત્રિકોને તમારી લોક-મેદનીમાં છુપાવી દેજો. ગંગાના કિનારાઓ ! એ નિર્દોષોને મહિનાઓના મહિના સુધી તમારી સૃષ્ટિમાં સંતાડી દેજો. હજારો-લાખો બદમાશોનાં પાપો પણ જ્યાં રક્ષણ પામે છે, ત્યાં બે નિષ્પાપોને શરણું મળજો !

ઘર તરફ મોટર હાંકતો શિવરાજ આસો મહિનાના અંધારિયાની પાછલી ચાંદનીમાં વિચારતો હતો : ‘હવે સરસ્વતી મને માફ કરશે ખરી ? મેં આ સાહસ સાચોસાચ શું એકલા આ ઘાતકી કાયદા સામે બંડ ઉઠાવવા કર્યું છે ? ખરે જ શું હું અજવાળીનું રક્ષણ જ ઇચ્છતો હતો ? કે કંઈક વધુ ? સરસ્વતીનો સંતોષ !’