લખાણ પર જાઓ

અપરાધી/ધૃષ્ટ છોકરી !

વિકિસ્રોતમાંથી
← વકીલાતને પંથે અપરાધી
ધૃષ્ટ છોકરી !
ઝવેરચંદ મેઘાણી
છાપાવાળાની સત્તા →


૪. ધૃષ્ટ છોકરી !

ક સાંજરે ફૂટબોલ રમીને શિવરાજ ઘર તરફ વળતો હતો. રાજના વરિષ્ઠ અધિકારીના પુત્ર કરતાં ચપળ ખેલાડી તરીકે એ વિદ્યાર્થીઓનો વધુ લાડીલો બન્યો હતો. રમીને પાછા વળતાં બીજા તમામ સાથીઓ એક પછી એક એને છોડી ગયા. બોર-તળાવડીનો કાદવ ખૂંદીને અને સંધ્યાની ગોધૂલિમાં નાહીને એનો દેખાવ સાયંકાળે ભમવા નીકળેલા ભૂત સરીખો બન્યો હતો. ઘરની વાડીને પાછલે છીંડેથી એ પ્રવેશ કરતો હતો. જાળાં ને ઝાંખરાં એને મોંએ-માથે વીંટાતાં હતાં. ગુરુકુલના બોડકા માથા પર હવે તો લાંબા વાળ ઊગ્યા હતા. એ વાળ કોઈ પ્રમાદી જમીનદારના બોરડીભર્યા ખેતરની યાદ આપતા હતા.

તે વખતે એ હેબતાયો. એણે પિતાના મકાનની પાછલી પરસાળ પર એક છોકરીને ઊભેલી જોઈ. એ છોકરી હતી છતાં એણે લેબાસ છોકરાનો ધારણ કર્યો હતો. એણે સફેદ લાંબો પાયજામો અને તે પર કોકટી રંગનું અડધી બાંયનું ખમીસ ચડાવ્યું હતું. ખમીસ પર આછો આસમાની કબજો હતો. માથાના મોટા કેશનો ત્રેસર લાંબો ચોટલો આમતેમ ફરકાવતી એ ત્યાં દોરી પર કૂદતી હતી — જાણે કે કુદરતે એના દેહ-સંચાને કોઈ અણદીઠ ચાવી ચડાવી હતી.

ઘડીભર શિવરાજ ખંચકાયો – ને શરમિંદો બન્યો. પોતાના ભૂંડા વેશનું એને ભાન થયું. કોણ જાણે કેમ પણ પોતાના જે દેખાવને દશ લાખ પુરુષોની આંખો સામે લઈ જવામાં શિવરાજને કશો આંચકો નહોતો, તે દેખાવ એક નાની છોકરીની નજરનો શિકાર બની જતાં જુવાન ખારો ખારો થઈ ગયો.

કોણે મોકલી છે આંહીં આ છોકરીને ? કોણ છે એ ? શી બડાઈ કરતી એ આંહીં પારકા ઘરની પાછલી પરસાળે આવીને ઊભી છે ? હું ઘરનો માલિક-પુત્ર આવા ઢંગે ચાલ્યો આવું છું ત્યારે પણ એ કેમ ખસીને ચાલી જતી નથી ?

પણ પછી તો ગુસ્સો ચડાવવાનો કંઈ અર્થ નહોતો. પાછા વળવાનીયે વેળા નહોતી. સાડીનો પાલવ કે ઘૂંઘટ સ્ત્રીઓને આવો વેશ-કુવેશ ઢાંકવામાં જે વખતસરની મદદ આપે છે તે મદદથી હિંદનો પુરુષ-વેશ વંચિત છે. એવી મદદને મેળવવા માટે માણસે અરબસ્તાનમાં જન્મવું જોઈએ.

“એ… એ… અહીંથી નહીં, પેલી બાજુએથી અંદર આવવાનું છે, અલ્યા !” પરસાળ પર ઊભીને ‘સ્કિપિંગ’ કરતી તેર વર્ષની છોકરી બોલી ઊઠી.

સાંભળતાં જ શિવરાજની ખોપરીમાં સબાકો નીકળી ગયો. તુચ્છકારની મૂંગી દૃષ્ટિ કરીને વિશેષ બિહામણો બનતો એ સડેડાટ પગથિયાં ચડી જઈ એક બાજુથી પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. છોકરી આ કોઈ અડબૂથ કોળી કે ભંગી દેખાતા જુવાનની હિંમતથી હેબતાઈ જઈને અંદર ચાલી ગઈ.

અંદર બે બુઢ્‌ઢા બેઠા હતા — એક દેવનારાયણસિંહ, ને બીજા એ છોકરીના પિતા બર્વેસાહેબ.

સોરઠની ધરતીનો જ એ ગુણ છે કે કોઈપણ અન્ય ધરતીના જીવને એ પોતાનો કરી લે છે. જેવું દેવનારાયણસિંહ પુરબિયાનું બનેલું તેવું જ દક્ષિણી બર્વેસાહેબનું બન્યું હતું. આ ભૂમિમાં એ બેઉ માનવીઓ ક્યાંક બહારથી આવ્યા હશે એવી બીજાઓને તો શું પણ એમને બેઉને પોતાને પણ બહુ સાન રહી નહોતી. બર્વેસાહેબનાં પત્ની જ્યાં સુધી જીવ્યાં ત્યાં સુધી વરસોવરસ ગણપતિ-ઉત્સવ અને હલદી-કંકુના તહેવાર એકલાં એકલાં પણ ઊજવતાં, ને એ દ્વારા પોતાની જન્મદાત્રી મહારાષ્ટ્રના ડુંગર-ભમતા કછોટાધારી માનવીઓ જોડે આત્મગ્રંથિ ટકાવી રાખતાં. પણ એ ધર્મનિષ્ઠ પત્નીના અવસાન પછી નાસ્તિકતાવાદી બર્વેસાહેબે ગણપતિ-ઉત્સવની સુંદર નિર્મળ દીવીઓને તેમ જ ધૂપદાનીઓને પોતાની બીડીઓની રાખ ખંખેરવાની રકાબીઓ બનાવી દીધી હતી. એકની એક પુત્રી સરસ્વતીને એણે કોઈ આર્યસમાજી છાત્રાલયમાં ભણવા મૂકી હતી. ને પત્નીનો વિરહ સાલતો ત્યારે પોતે એકાદ કટોરી દારૂ છાનામાના પી લેતા. તે સિવાય એમના આખા જીવનને ડેપ્યુટી પોલિટિકલ એજન્ટની કામગીરીએ ઠાંસી ઠાંસીને ભરી દીધું હતું. કાઠિયાવાડમાં મૂછો બોડાવનાર એ સૌ પહેલા હતા. વસ્તીના લોક એમને એમની ગેરહાજરીમાં ‘બોડા બર્વેસાહેબ’ તરીકે ઓળખતા. કાંપમાં પોતે હમણાં બદલી થઈ આવ્યા હતા. આજની સાંજ એમણે પુત્રી સરસ્વતી સહિત સુજાનગઢમાં ગાળવાનું દિલ કર્યું હતું. વગર કહાવ્યે ઓચિંતા આવી ચડનાર ડેપ્યુટી અમુક રીતે પોતાના ઉપરી છતાં દેવનારાયણસિંહે એની સરભરાની કશી જ દોડધામ કરાવી નહીં. માલુજીએ બનાવેલી પૂરી અને ચાનો નાસ્તો કરતા બેઉ બેઠા હતા. વાર્તાલાપના છેલ્લા જે બોલ સરસ્વતીએ સાંભળ્યા છે આટલા જ હતા : “નહીં, નહીં, નહીં.” બર્વેસાહેબે કહ્યું: “ઈશ્વર જેવું કોઈ પ્રાણી છે જ નહીં.”

“પણ હોય તો આપણને શો વાંધો છે ? હે-હે-હે—” દેવનારાયણસિંહ છાપરું ફાટે તેટલા જોરથી હસતા હતા.

“અંદર કોઈક માણસ આવીને પેસી ગયો છે.” સરસ્વતીએ આવીને ફાળભેર કહ્યું.

“આંહીં ઘરમાંથી એને લઈ જવા જેવું કાંઈ નથી. હું પણ હવે ફૂટી બદામની કિંમતનો રહ્યો નથી !”

પણ માલુજીનો જીવ કેમ રહી શકે ? એણે હોકારા કરી કરી ઘરમાં દોડધામ મચાવી.

“કોણ, ભાઈ, તમે હતા ? માલુજીએ શિવરાજને એના ઓરડામાં ભૂંડે હાલે ગાદલા પર પડેલો જોઈને પૂછ્યું.

“કેમ, શું છે ?”

“અરે, અમને તો ભડકાવ્યા.”

“શું ભડકાવ્યા ?”

“— કે કોઈ ચોર પેસી ગયો છે.”

“કોણે કહ્યું ?”

“ડિપોટીસા’બનાં દીકરી — સરસ્વતીબાએ.”

“એને શી પંચાત ?” શિવરાજ ગરમ બની ગયો.

“હવે ઊઠો, હાથ-મોં ધોઈને કપડાં તો બદલો !”

“ના, એને જવા દો.”

“અરે ! તમારી તો વાટ જોઈને સા’બ બેઠા છે.”

“કહો કે મને ઠીક નથી.”

“ખોટું ! બાપુના દીકરા ખોટું બોલે ?”

“નહીં, પણ મને એ છોકરી દીઠી જ ગમતી નથી.”

“પણ ત્યાં ક્યાં તમને ઝટ ગોળ ખાવા તેડાવે છે ?”

લજ્જાથી શિવરાજ ફરી ગયો. માલુજીએ એને વહાલથી પંપાળીને નાહવાની ઓરડીમાં લીધો. કમનસીબે નાહવાની ઓરડી સામી બાજુએ હતી, ને ડિપોટીસાહેબની અણગમતી છોકરી સરસ્વતી વચ્ચે જ ઊભી હતી.

“એને માર મારવા લઈ જાઓ છો ?” ડેપ્યુટીની છોકરીએ માલુજીને પૂછ્યું.

ખરેખર માલુજી શિવરાજનું કાંડું ઝાલીને એવી રીતે લઈ જતો હતો કે આ છોકરીને થઈ તેવી શંકા હરકોઈને આવે. જવાબમાં માલુજીએ નાક પર આંગળી મૂકીને છોકરી સામે જરી આંખો ફાડી.

છોકરી જરીક હેબત ખાઈને પાછી હઠી ગઈ, તે જોઈ શિવરાજ મલકાયો. એને માલુજીના ડોળા મારફત પોતાના અપમાનનું વેર વળી ગયું લાગ્યું. નાહવાની ઓરડીમાં દાખલ થતાં થતાં પાછળ ફરીને શિવરાજે પણ મહેમાન-કન્યા સામે થોડા ડોળા ખેંચી લીધા.

સાફસૂફ થઈને જ્યારે શિવરાજ બહાર નીકળ્યો ત્યારે એના કસરતી દેહના બેઉ ખભા ઉઘાડા ગંજીફરાકની અંદરથી બહાર નીકળેલા હતા. શિયાળાની પવનભરી સાંજે ટાઢાબોળ પાણીથી ધોવાયેલ એના દેહમાંથી ધુમાડા નીકળતા હતા. જાણે કે મારુતિની કોઈ નાનીશી દેરીમાંથી ધૂપ ભભકતો હતો. માલુજીએ શિવરાજના શરીર પર ટુવાલ એટલો બધો ઘસ્યો હતો કે જાણે હમણાં લોહીના ટશિયા ફૂટશે. પુરુષનું આવું રૂપ જોઈ છોકરીને એક પળ નવાઈ લાગી. એવો ભાસ થાય કે જાણે આ ચોરને કોઈએ ઠમઠોરેલ હશે. પણ માર માર્યા પછી માણસને નવરાવવામાં આવે, તેમ જ માર ખાધેલો માણસ આટલો રૂડો લાગે, એવી એને ગમ નહોતી. એ ખસિયાણી પડી ગઈ. એને પોતાની ભૂલ માલૂમ પડી : પોતે ઘરના નાના માલિકનું જ અપમાન કર્યું હતું.

ને માંસની છૂટી છૂટી પેશીઓથી મઢેલા શિવરાજના બાહુ ઉપર એક કાળે દોરે પરોવેલ ત્રાંબાના માદળિયાનો બાજુબંધ હતો.

એક વેદપૂજક પિતાના પુત્રને હાથે માદળિયું હોય તે વાત અજુગતી હતી. ને શિવરાજને કંઈક વર્ષો પૂર્વે એ માદળિયું બાંધવા બાબત તો બુઢ્‌ઢા માલુજી ને દેવનારાયણસિંહની વચ્ચે ટપાટપી બોલી ગઈ હતી :

“એ તો નર્મદાબાનું આપેલ માદળિયું ! તમે એમાં શું સમજો ? તમારો ધરમ તમે પાળો : એનો ધરમ એની માલિકીનો. એ તમને પરણીને પોતે તમારાં વેચાણ થયેલાં, પણ એણે કાંઈ એનો ધરમ તમને નહોતો વેચ્યો-ખબર છે !”

“પણ આમાં શું છે ?”

“અરે, ભલે ચપટી માટી જ રહી.”

ને ખરે જ એમાં માટી હતી. નર્મદાએ પોતાનું ઘર છોડતી વખતે પોતાના નિઃશ્વાસે ભીંજાવેલી એ ઘરની માટીની ચપટી.

એ ટપાટપીમાં આખરે માલુજી જ જીતેલો.

દેવનારાયણસિંહે પોતાની બુદ્ધિને પત્નીની આસ્થા પાસે કમજોર દીઠી હતી. માલુજીની વાત રહી હતી. માદળિયું શિવરાજની ભુજા પર સલામત બન્યું હતું.

દાગીના પહેરવા એ સ્ત્રીનો જ શણગાર છે એવું સમજતી એ કન્યાએ શિવરાજના બાહુને શોભાવતા એ ત્રાંબાના ટુકડાની ઠેકડી કરી. પણ એ ભુજદંડની હાંસી એના અંતરમાં ન ઊગી શકી. એ ભુજાની પોતાને ઈર્ષા આવી. આવો સુગઠિત દેહ મારે હોત ! — એ અગોચર ઝંખના એના દિલમાં રમતી થઈ. કપડાં પહેરીને શિવરાજ પિતાની ને પરોણાની પાસે આવ્યો. પણ એણે મસ્તક ન નમાવ્યું, હાથ પણ ન જોડ્યા, અખાડેબાજની અદાથી છાતી પર પંજો મૂકી નમસ્તે કર્યા. છોકરીએ ફરી વાર મનમાં ઉપહાસ કર્યો.

“અખાડામાં જતો લાગે છે.” ડેપ્યુટી સાહેબે કંઈક ટકોરમાં કહ્યું : “ક્યાંક પેલા ‘રેવોલ્યુશનરી’ના હાથમાં ન પડી જાય !”

આ ટકોર પર શિવરાજને અણગમો આવ્યો છતાં પેલી છોકરી પર ભવાં ચડાવવાની તક સમજીને થોડી વાર એ બેઠો. એના પિતાએ સાહેબની ટકોરનો સાદો, ટૂંકો ઉત્તર સંભળાવ્યો : “આપણા રોક્યા કોઈ નથી રોકાવાના, સાહેબ !”

“તમારા આર્યસમાજીઓની ઉદ્ધતાઈથી સંભાળવા જેવું છે.”

“આપણી પામરતાથી ક્યાં કમ ચેતવા જેવું છે ?” દેવનારાયણસિંહે ઉત્તર હિંદની પૃથ્વી પાસેથી પીધેલો જૂનો જુસ્સો દાબ્યો ન દબાયો.

શિવરાજ ઊઠી ગયો. એને આ પિતા-પુત્રી બંને પ્રત્યે નફરત આવી. આ લોકો પારકી ચોકીદારી શા માટે કરવા આવ્યાં હશે ! વણમાગી સલાહ સોનાની હોય તોપણ સાંભળનારનાં કલેજામાં એ છૂરી જેવી ખૂંતી જાય છે.

બત્તી લઈને માલુજી આવ્યા. સંધ્યાનો એ પહેલો દીપક હતો. માલુજીએ જૂની ધર્મક્રિયા જેવી બની ગયેલી લોકરૂઢિ મુજબ ‘રામરામ ! ભાઈ, રામરામ ! સાહેબ, રામરામ !’

એવા શબ્દો કહ્યા, નાની કન્યાને એ વાત પર પણ મનમાં હસવું આવ્યું. આ ડોસો એને આ ઘરમાં કોઈ વિચિત્ર દરજ્જો ભોગવતો ભાસ્યો.

પછી સાહેબ કેમ્પ તરફ સિધાવી ગયા. સીમાડા સુધી દેવનારાયણસિંહ પોતાની ગાડી લઈ વળાવવા ગયા, શિવરાજને સાથે લીધો. વેણુતળાવડી પાસે જ્યારે એ પાછા વળ્યા ત્યારે કન્યાએ એક વાર એ ગાડીનાં નિસ્તેજ ફાનસોને અજવાળે પણ શિવરાજને નીરખવા પાછળ ફરી નજર કરી.

કોઈ વાર ધિક્કાર પ્રેમનો છદ્મવેશ ધારણ કરે છે, તો ઘણી વાર પ્રેમ તિરસ્કારના સ્વાંગમાં પ્રકટ થાય છે શિવરાજના અંતરનો અણગમો પણ એને આ વિદાય લઈ ગયેલી કન્યા તરફ અગ્રસર કરવા લાગ્યો. એમ થયા કર્યું કે, એને એક વાર મળું તો થોડી એસીતેસી સંભળાવી નાખું.

પણ વળતા રવિવારે એ પિતાની સાથે કેમ્પમાં ડેપ્યુટીસાહેબને ઘેર ગયો ત્યારે મિયાંની મીની જેવો જ થઈ બેઠો રહ્યો. મનમાં જે જે શબ્દ-તમાચા ગોઠવીને લાવ્યો હતો તે મોંમાંથી બહાર જ ન નીકળી શક્યા. ડેપ્યુટીસાહેબની પુત્રીનું નામ સરસ્વતીબાઈ હતું એ જાણ્યા પછી તરત જ એના અંતરમાં શ્વેત હંસ પર સવાર બનેલી વિદ્યાદેવીનું ચિત્ર રમતું થયું.

સરસ્વતીએ એને કહ્યું : “ચાલો, હું તમને મારા ફોટોગ્રાફોનો સંગ્રહ બતાવું.”

સંગ્રહમાંથી એક છબી બતાવીને એણે કહ્યું : “આ કોણ હશે ?… મારા ભાઈ. એનું નામ રણજિત.”

“એ ક્યાં છે ?”

“ખબર નથી.”

“એટલે શું — મરી ગયા છે ?”

“ખબર નથી.”

“એટલે ?"

“ચાલ્યા ગયેલા છે.”

“ક્યાં ?”

“કોઈને ખબર નથી.”

“ક્યારે ચાલ્યા ગયા છે ?”

“હું જન્મી પણ નહોતી ત્યારે. આજે હોય તો તમારા કરતાં કદાચ મોટા લાગે. પણ આમ તો બરાબર તમારા જેવા જ લાગે. જુઓ આ છબીમાં !”

“ઘડીક છબી પ્રત્યે ને ઘડીક શિવરાજ પ્રત્યે જોતી સરસ્વતી જાણે કે ચહેરો મેળવી રહી હતી; વારંવાર કહી રહી હતી કે, “જુઓ, અસલ તમારા જ જેવા હશે, નહીં ?”

શિવરાજને છબીમાં આવું કશું જ મળતાપણું ન લાગ્યું. મળતા અણસારની માન્યતાએ આ છોકરીના મનમાં એક મીઠી આત્મવંચના જન્માવી હશે એમ લાગ્યું. બહેનો સહોદરના સ્નેહની બેહદ ભૂખી હોય છે એ વાતની શિવરાજને જે ખબર નહોતી તે ખબર આજે પડી.

છૂટા પડ્યા પછી થોડા દિવસોમાં સરસ્વતીબાઈ પોતાના છાત્રાલયે ચાલી ગઈ. ને અહીં શિવરાજ તે વર્ષે મેટ્રિક પાસ થયો, ને પછી એણે કાયદો ભણી નાખવાની જ જીદ લીધી.

પિતાએ કહ્યું : “કાયદો ભણીને પછી શું કરીશ ?”.

“ન્યાયાધિકારી બનીશ.”

“ન્યાયાધિકારીના માર્ગ કેટલા વિકટ છે તે જાણે છે ?”

“આપ ન્યાય કરો છો એટલું જ જાણું છું.”

“તારા ગુરુકુલના આચાર્ય જેવો ઈન્સાફ તો નહીં આપી બેસ ને !”

શિવરાજના અંતરમાં હવે સ્પષ્ટ થયું કે પોતાની ધૂન શામાંથી જન્મી હતી. આચાર્યદેવે પોતાને ગેરઇન્સાફ કર્યો હતો તે દિવસથી જ પોતાના મનમાં આ જીદે ઘર કર્યું હતું.

“હું નિર્દોષોનો પક્ષ લઈશ.”

“સમજ કે હું — તારો પિતા જ — અપરાધી હોઉં તો ?”

શિવરાજ વિચારમાં પડ્યો.

“સમજ કે સાહેબની પુત્રી સરસ્વતીબાઈ જ ગુનેગાર હોય તો ?”

શિવરાજ વધુ વિચારગ્રસ્ત બન્યો : પિતાએ સરસ્વતીબાઈનું નામ શા માટે લીધું ?

પિતાએ આગળ ચલાવ્યું : “કલ્પના કર કે મેં કોઈ નિર્દોષ નારીને ફસાવી છે. તો તું શું કરે ? મને બચાવે કે એ સ્ત્રીને ? મને તું જન્મકેદ ફરમાવી શકીશ ?”

શિવરાજ નિરુત્તર રહ્યો. એણે કાયદાનું ભણતર ભણવાનો સંકલ્પ કર્યો ત્યારે પોતાની જાતને આવી માનસિક કસોટીમાં નહોતી મૂકી જોઈ. એની ધૂન ફક્ત આટલી હતી: હું ગરીબોને, નિર્દોષોને ન્યાય અપાવીશ. એની એ ધૂન કેવી વાંઝણી હતી ! ‘ગરીબો’ અને ‘ન્યાય’ એ બે શબ્દોનું સીમાવર્તુલ પોતે કલ્પી જ શક્યો નહોતો.

એનું નિરુત્તર રહેવું એ પિતાના મનથી એક મંગળ ચિહ્ન હતું. છોકરો ડંફાસુ નહોતો.

“એલએલ. બી. થવું નથી ?”

“ના. જલદી પતી જાય તે માટે હાઈકોર્ટ પ્લીડરનું ભણવું છે.”

“ભલે.” પિતાને પણ એ જ ઉમેદ હતી કે શિવરાજનું જીવનઘડતર પોતાની હયાતી સુધીમાં જેમ બને તેમ જલદી પતી જવું જોઈએ.

બીજા દિવસથી પિતાએ શિવરાજ પાસે હિંદના તેમ જ હિંદ બહારના એક પછી એક નાજુક ન્યાયના કિસ્સાઓની વાર્તા કહેવા માંડી. શિવરાજ એ સાંભળતો ગયો તેમ તેમ એક બાજુથી એના પ્રાણમાં ચેતન પુરાતું ગયું, તેમ બીજી બાજુથી એના ટાંટિયા ધ્રૂજતા ગયા. આમ એનો અભ્યાસ ‘ઇન્ડિયન પીનલ કોડ’ અથવા ‘રોમન ધારાશાસ્ત્ર’થી નહીં પણ જગતના જીવતાજાગતા ઈન્સાફી કિસ્સાઓથી શરૂઆત પામ્યો. રાત્રિએ પિતા એ કિસ્સાઓનું પારાયણ કરી રહેતા તે પછી ચોપડી બંધ કરતાં કરતાં એટલું જ કહેતા :

“બેટા, ઈન્સાફની ત્રાજૂડી નાજુક છે. એક જ નાની લાગણીનો વાયરો એ ત્રાજૂડીની દાંડીને હલાવી મૂકે છે. ઈન્સાફ પોતે આ જગત પર જેટલો ગેરઇન્સાફ પામ્યો છે તેટલો તો કોઈ નિર્દોષ-નિરપરાધી પણ નહીં પામ્યું હોય. ઈન્સાફ આપણા આત્માનું લોહી માગી લે છે.”