લખાણ પર જાઓ

અપરાધી/મા પાસે

વિકિસ્રોતમાંથી
← સળવળાટ થાય છે અપરાધી
મા પાસે
ઝવેરચંદ મેઘાણી
કોનું ઘર? →


૨૫. મા પાસે

થોડી વેળા પછી દિવસનાં પોપચાં પણ ઢળી પડ્યાં. અને હિંમત તેમ જ કૌવત હારી છેક ઢગલો થઈ પડવાની તૈયારીની ક્ષણે જ અજવાળીએ અંધારે એક બાળમેંઢાના બેંકારા સાંભળ્યા. કાળા અંધકાર વચ્ચે આમતેમ લથડિયાં ખાતું મેંઢું ખેતરની કાળી માટીમાં ઊગેલા ડોલરના ફૂલ જેવું લાગ્યું. ફૂલને ઉપાડે તેમ અજવાળીએ મેંઢાને ઉપાડ્યું. બાલસ્પર્શ એને મીઠો લાગ્યો. એ મીઠાશ એકલી ઊનની હૂંફની નહોતી. એ મીઠાશમાં અનિવાર્ચ્ય એક તત્વ હતું — એ મીઠાશ માતૃત્વની હતી. થોડેક છેટે ગઈ ત્યાં એણે સામેથી બેંકારા સાંભળ્યા. એ અવાજ બાળ-ઘેટાની માતાનો હતો. સામસામા સાદ મા ને બાળક પાડવા લાગ્યાં. મેંઢું અજવાળીની છાતીએથી ઊતરવા જિકર કરવા લાગ્યું. એક વાડો આવ્યો, કાંટાની એ વાડ્ય હતી. એક તરફ ઝાંપો હતો, ઝાંપાની ઉપર થઈને અજવાળી એ મેંઢાને અંદર ઊભેલી મા પાસે મૂક્યું ત્યારે એના દેહમાં વેદના વધી પડી, પણ બાળમેંઢાના મોંમાંથી કશાક બચકારા બોલ્યા. એ અવાજ ધાવવાનો હતો, રાજી, થતી અજવાળી આગળ ચાલી.

એક રીતે સૂર્ય આથમી ગયો તે સારું થયું. પોતાના દેહની દશા વટેમાર્ગુઓની દૃષ્ટિએ ન પડવા દેવાની અજવાળીની ઇચ્છા હતી. કાંપમાં દાખલ થાય ત્યારે તો એને અંધારું જ જોતું હતું. દુનિયાથી લપાઈને એક વાર માની ગોદમાં ભરાઈ બેસવા એ તલસી ઊઠી. રાતના નવ-દસ વાગ્યે જ્યારે કાંપ આવ્યું ત્યારે વરસાદ વધી ગયો. ફાનસોના કાચ અજવાળાને ગૂંગળાવી રહ્યા હતા. અમસ્તું તો રોજ અધરાતના પહોર સુધી જાગતું હતું કાંપનું ખેડુ-પરું તે રાત્રિએ વરસાદને કારણે સૂનકાર બની ગયું હતું. અજવાળી એ રાત્રિએ સાત મહિનાના દૂરવાસને લીધે એકદમ પોતાનું ખોરડું ન ખોળી શકી. એ ખોળ આખરે એક વાછરડીના ભાંભરડાએ કરાવી આપી. સાત મહિના પહેલાં પોતે જેને ઉછેરતી હતી તે વાછરડીનો સાદ એણે પારખી કાઢ્યો. હળવે હાથે ખડકીનો આગળો ઊંચો કરીને એણે કમાડ ઉઘાડ્યું. અંદર પેસીને પાછો એણે આગળો ધીમેથી બંધ કર્યો. બાપના કાળસ્વરૂપની ફાળ ખાતી એ ઘડીભર થંભી રહી. કાન માંડ્યા, કોલાહલ કે બોલાચાલ કાને ન પડ્યાં. ઓશરીની કોર પર ચડી. ઓરડામાં દીવો નહોતો, પણ ચૂલામાં તાપણું હતું. તાપણાનો પ્રકાશ ઓરડાને જાણે કે ઘૂમરીઓ ખવરાવતો હતો. અજવાળીએ અંદર ડોકાઈને જોયું : મા બેઠી બેઠી રોટલા ઘડતી હતી. માની આંખે ઓળો પડ્યો. માએ ઊંચું જોયું. માના હાથમાં રોટલો ટિપાતો ટિપાતો થંભી રહ્યો. ઊભી થઈ ગઈ. એણે બારણામાં દીકરીને દીઠી — જાણે ભૂત દીઠું. પણ માનસિક સંતાપોના આઘાતો ખાઈ ખાઈને મરણિયું બનેલું માનું દિલ હેબતાઈ ન ઊઠ્યું. એ પાસે ગઈ : “કોણ, મારી અંજુ ?”

એનો કશો જ પ્રત્યુત્તર આપ્યા વગર અજવાળી માને બાઝી પડી. “મા ! માડી ! માડી !” એટલું જ એનાથી બોલી શકાયું.

માને ખાતરી થઈ કે અંજુનું ભૂત નથી, અંજુ પોતે જ છે. અજવાળી આખે અંગે લદબદ હતી. એના દેહને જાણે કોઈએ બરફના ઢગલામાંથી કાઢ્યો હોય એટલી ટાઢીબોળ સ્થિતિ હતી.

“લૂગડાં બદલ ઝટ, બેટા !” કહેતી મા વળગણી પર દોડી ને સાત મહિનાથી ગડી કરીને મૂકી રાખેલો ચણિયો તેમ જ સાડલો ઉતાર્યા કપડાં બદલાવતે બદલાવતે માએ પૂછ્યું : “તું ક્યાં હતી, બેટા ? તારે કારણે તો મારા માથે હીંદવે હલાં થઈ રહી’તી. સૌ ખિખિયાટા જ કરે, ને કોઈ મારી વાત માને નહીં ! મને તો મૂઈને સૌ વેવલી જ કહે. મને કહે કે ગાલાવેલી થા મા, ગાલાવેલી ! તારી અંજુડી તો કાંકને લઈને ભાગી ગઈ છે. હું ઘણુંય કહું કે મારી અંજુડી તો સુખમાં પડી છે; જોવો, આ મારી અંજુડીના વરનો એક કાગળ, આ બીજો કાગળ ! જોવો, કેવું કેવું લખે છે…”

કાગળની વાત મા કરતી હતી ત્યારે અજવાળી ચમકતી હતી. એનું મોં વિસ્મયથી ફાટ્યું રહ્યું હતું. ને માં તો જાણે કે મનની વાત સમાવી ન શકતી હોય તેમ બોલતી જ રહી :

“પણ છેલ્લો તારો કાગળ ત્રણ મહિના મોર્ય મળ્યો, તી પછે હું હનરોજ ટપાલીને પૂછું, મારી અંજુડીનો કાગળ છે ? પીટ્યા શીદને મારી છોડીનો કાગળ સંતાડી રાખછ ? મારી છોકરી સુખમાં પડી છે ઈ રોયા, તારાથી જોયું જાતું નથી ! કાગળ દે ! કાગળ દે ! પણ પે’લા બે કાગળ તારા આવ્યા ઇ આવ્યા, પછી નહીં કાગળ કે નહીં પત૨. ન મળે તારા કાગળમાં કાંઈ ઠરઠેકાણું. હું તો ઘણુંય તારા કાગળ વાંચવા ને તને જવાબ લખવા સારુ અક્ષર શીખતી’તો. ડિપોટીસા’બની દીકરી કેવી દિયાળુ ! મને ગલઢી ઠઠનેય ભણાવતી’તી ! પણ પછી તો તારો કાગળ જ ન મળેને ! કેમ છે માડી ? જમાઈ સારો છે ને ? કેમ એકલી આવી ? કજિયો તો નથી થ્યો ને ?”

“મા !” અજવાળી ટગર ટગર જોઈ જ રહી, “કાગળ શેના ? જમાઈ ક્યાંનો ? તું આ શી વાત કરછ ?”

મા સ્તબ્ધ બની ગઈ. દીકરીએ નીચું જોયું. ચૂલામાં તાપનો પ્રકાશ વધ્યો ને માએ અજવાળીના દેહનું બારીક દર્શન કર્યું.