લખાણ પર જાઓ

અપરાધી/મુંગી શૂન્યતા

વિકિસ્રોતમાંથી
← ‘એને ખેંચી લે !’ અપરાધી
મુંગી શૂન્યતા
ઝવેરચંદ મેઘાણી
‘જાગતા સૂજો !’ →


૧૧. મૂંગી શૂન્યતા

રાષ્ટ્રની જુવાની જે કાળે આવા અગ્નિરસનું પાન કરી રહી હતી, ત્યારે શિવરાજ સોરઠના એ સરકારી કેમ્પમાં બે ઓરડા ભાડે રાખીને વકીલાતની તાલીમ મેળવવા બેઠો હતો. માતૃભૂમિનાં ગાનો ગજાવતી નગરફેરીઓ નીકળતી હતી, તેની વચ્ચે શિવરાજ પોતાની વર્ષો પૂર્વે મિટ્ટીમાં મળી ગયેલી માતાની જૂની છબી પાસે સવાર-સાંજ ધૂપ ચેતવતો હતો. રાષ્ટ્રદેવની પ્રતિષ્ઠામાં તલ્લીન બનેલા માનવ-સમૂહની વચ્ચે આ જુવાન પોતાના પિતાની દેવમૂર્તિને દિલમાં પધરાવી રહ્યો હતો, પોતે પોતાનામાં જ મસ્ત હતો. કેમ્પના છોકરાઓ પણ એની ઠેકડી કરતા હતા. મકાનના ધણી એક શેઠ હતા તે પણ જ્યારેત્યારે ત્યાં આવીને તાજુબી બતાવતા કે, “ભાઈ, તમે ઊઠીને આજ કેમ આ જાગ્રતિની ગંગામાં ના’તા નથી ? તમારે શી ખોટ છે ?”

શિવરાજ પાસે એ વાતનો કોઈ જવાબ નહોતો.

“આંહીં ખીલીઓ ખોડતા નહીં હો ભાઈ !” શેઠ આખરે મુદ્દાની વાત પર આવી જતા : “ને સ્ટવ સળગાવો છો પણ જોજો — મારી દીવાલો કાળી કરતા નહીં.”

જતાં જતાં શેઠ પાછા ફરીને કહેતા : “આ તો બધું ભાઈ, દીકરો દેશસેવા કરી શકે તેટલા ખાતર થઈને હું સાચવું છું. એને તો ધૂન જ લાગી ગઈ છે હરિજન-સેવાની ને લોકસેવાની. એ કાંઈ આ મકાનમાં ચૂનાની એક પોપડી ઊખડશે તેનેય થોડો ચંદાવવાનો છે ? એ માટે આ રખેવાળી કરવી પડે છે. એ હવે સભાઓ ને સમિતિઓમાંથી થોડો બહાર નીકળવાનો છે ? એનો ભરોસો નથી તેથી તો આ તમામ ઈસ્કામત એના દીકરાના નામ પર ચડાવી દીધી છે મેં તો. હા, ભાઈ, રોટલા રહ્યા હશે તો જ દેશસેવા થઈ શકશે, ભાઈ ! ઘર બાળીને તીરથ કરનારાનો તો પત્તોય નથી રહ્યો.”

“સાચું છે.” શિવરાજ વાર્તાલાપને પૂર્ણવિરામ મૂકવા પ્રયત્ન કરતો.

“ને તમે, ભાઈ,” શેઠ ફરી વાર મુદ્દાની વાત પર આવતા, “ધબધબ કરતા દાદર ન ચડતા-ઉતરતા.”

“દાદરમાંથી નીચેવાળાંઓનો ધુમાડો બહુ આવે છે એનો કાંઈક બંદોબસ્ત કરતા જજો ને !” શિવરાજને યાદ આવતું.

“એ તો ઋતુ બદલાશેને, એટલે વાયરો પણ એની દિશા બદલશે. પછી ધુમાડા નહીં આવે. બાકી તો, ભાઈ, મેં ક્યાં મકાન ભાડાં ખાવા કર્યા હતાં ? આ તો ઘરની સાચવણી રહે, ને તમારા બાપુની શરમ ન છોડાય, એટલે વળી ભાડે આપેલ છે. નીકર મેડી કાંઈ આટલા ભાડા સારુ થઈને થોડી બગાડાય છે, ભાઈ !”

એ બધું કહેતા શેઠ નીચે ઊતરતા. તે પછી મકાનની અંદર જતા ઘરધણીની ત્રાડો શિવરાજને કાને પડતી :

“એલા, ક્યાં ગયો તારો ડોસો ! છ મહિનાનું ભાડું ચડ્યું છે તોય ચોટ્ટો ભરતો કેમ નથી ? એલી ઓતડી ! તારો રઢિયાળો શહેનશાહ ચાની તો નાત ભેગી કરે છે હોટલુંમાં ! — ને ભાડું ભરતાં કાં બરછિયું લાગે છે ? મારાં સાળાં પણ ભેળાં થયાં છે ને મારા મકાનમાં !”

શેઠની આ ભયાનક હાકલો ચોગાનમાં રમતાં નાનાં ભાડૂત-બચ્ચાંઓની ક્રીડાઓને થંભાવી દેતી. દરવાજાની ચાલીમાં ભાડે મુકાતા મરચાના કોથળા, અને ચોગાનમાં ભાડે સૂકવાતી તમાકુ ભાડૂતોનાં બચ્ચાંને દિવસરાત ખોં-ખોં કરાવતી. શિવરાજની મેડી બહાર પડતી. તેનો દાદર પણ સ્વતંત્ર, બહાર હતો. એટલે પોતે આ તકલીફથી મુક્ત હતો. ને ભાડૂતોનાં સ્ત્રી-બાળકોનાં કષ્ટોનો મૂંગો પ્રેક્ષક બની શકવા તેને પાછળની એક બારી મળી હતી. એ એક જ મકાનમાં શિવરાજની સંપૂર્ણ દુનિયા હતી. એ દુનિયામાં એનો રસ વધતો ગયો. પિતાએ એક વાર શિવરાજને ત્યાંથી મકાન બદલવા કહ્યું. પણ શિવરાજ આ માનવ-જંતુઓના જીવનમાં એકરસ બન્યો હતો. ઉંદરના પ્રેમી પેલા ચિનાઈ કેદી લાટૂદની માફક મુક્તિ એને ગમતી નહોતી. પિતાને તો આગ્રહ ન કરવાનું નીમ હતું. શિવરાજ એ સૃષ્ટિમાં જ સમાઈ રહ્યો.

રવિવાર ગાળવા માટે પ્રત્યેક શનિવારની સાંજે શિવરાજ સુજાનગઢ ચાલ્યો જતો. બાપુ સાથે ગાળવા મળતી આ અક્કેક રાત પુત્રને વધુ ને વધુ મીઠી થઈ પડતી. ઓછાબોલા પિતા પણ શનિવારની રાત્રિએ શબ્દોની કૃપણતા નહોતા રાખતા. ઈન્સાફ અને કાયદાની રોમાંચક ઘટનાઓ, અપરાધના રહસ્યભર્યા કિસ્સાઓ, અને લોકોનું સાચું જિવાતું જીવન : એ પિતાજીની વાતોના વાણાતાણા હતા. એ વાતો કોઈ વેલ અને બુટ્ટા ભરેલી ચાદરો જેવી, તારાજડિત રાત્રિઓ સમી, વાદળીઓની કંડારેલી સંધ્યાઓ સરખી બની જતી.

“લોકોને સુધરેલી સભાઓમાં નહીં પણ તેમના મેળાઓમાં ગોતજે; નાટકશાળાઓમાં નહીં પણ ભવાઈઓમાં નિહાળજે; છાપાંમાં નહીં પણ તાબૂતોનાં સરઘસોમાં ઓળખજે. ઈન્સાફની આંખો આવા પરિચયો વગર આંધળી છે, બેટા.” દેવનારાયણસિંહ એટલું કહ્યા પછી સિતાર પર ખૂબ જામી જતા.

સેંકડો સરકારી અધિકારીઓના દીકરા રાષ્ટ્રભક્તિની જાહેર બંડખોરીમાં જોડાયા છે. શિવરાજના મનોરાજ્યમાંથી એ ઊર્મિના વાયરા વીંધીને આરપાર નહોતા ગયા એમ કોઈ ન માને. પરંતુ નથી માલૂમ, કયા કારણે, પિતાના ભાવના-રંગોમાં પોતે વધુ પડતો રંગાયો હતો તે કારણે, કે પછી કદાચ લોકસેવાની જે સીધી શક્યતા વધુમાં વધુ તો ન્યાયના ક્ષેત્રમાં રહેલ છે તેના ખ્યાલને કારણે — શિવરાજ પોતાના દોર પર જ, એક પ્રવીણ નટવાની પેઠે, એકચિત્તે રમતો રહ્યો. એના જીવન-સંસ્કારોએ સરલ કેડો પકડ્યો. રાષ્ટ્રયુદ્ધની કારમી વાટ કાં તો પોતાને ઢોંગી બનાવશે, અથવા તો પોતાને કાયર કરી મૂકશે એવી એને દહેશત લાગી. દેશના લાખો જુવાનોની જોડે એ પણ શરમિંદો બનતો બનતો પિતાની સરકારી નોકરીના સુરક્ષિત પંથ પર પગલાં માંડતો ચાલ્યો. સીધી લાગવગ નહીં તોપણ પિતાની સુવાસભરી કારકિર્દીની આડકતરી લાગવગે એને યારી આપી. એની ધારાશાસ્ત્રી તરીકેની તેજસ્વિતાએ થોડા જ મહિના પછી એને જાણીતો કરી મૂક્યો. શિવરાજ એક બે મુકદ્દમા લડ્યા પછી ન્યાયાધિકારી નિમાયો. દેવકૃષ્ણ ‘મહારાજ’ પણ એની પાસે શ્રીફળ તેમ જ સાકરનો પડો લઈ રાલામે આવી ગયા. અજવાળીનો સાવકો બાપ પણ આવ્યો, અને પગમાં માથું નાખી ગયો.

“એંહ — જોવો, સા’બ, તમારું ખાસડું ને મારું મોં !” એમ કહીને એણે શિવરાજનો સ્લીપર ઉપાડ્યો, ત્યારે શિવરાજે એના હાથ ઝાલીને એને ક્ષમા આપી.

બાર મહિના આવ્યા — ને ગયા. ન આવી એક સરસ્વતી. શિવરાજના મનમાં સરસ્વતી એક નીરવ શૂન્યતા મૂકી ગઈ હતી. સરસ્વતી ઉપર અણગમો લાવવાના પ્રયત્નોએ શિવરાજના મન પર ઊલટા પ્રત્યાઘાતો કર્યા હતા. પ્રથમ દીઠેલી અને દિલની લગોલગ ડોકિયું કરી ગયેલી સરસ્વતીને નવા ઢંગવાળી સરસ્વતી દબાવી કે અદીઠી નહોતી કરી શકી. સરસ્વતીએ પોતાને રઝળતો કર્યો હતો. પોતાના માતૃહીન, ભાંડુહીન સંસારમાં ગુપ્ત પડેલી વાસનાનાં પંખીડાં પાસે થોડો કાળ ચપટી ચણ નીરીને જાણે કે સરસ્વતી છટકી ગઈ હતી. ટેવાયેલાં મન-પંખીડાં ચબૂતરાને ઉજ્જડ પડ્યો દેખી, અફાટ પૃથ્વીતલ પાથરેલું હોવા છતાં, ચણવા ઊડી શકતાં નહોતાં. શિવરાજની ધંધાદારી સફળતાનું ઝરણું જ્યાં ચાલ્યું જતું, તેની નીચેની ધરતીમાંથી કોઈ ક્ષાર જાણે કે ખદબદતો હતો : જીવનનાં નીર બેસ્વાદ બન્યાં હતાં.

પુરુષની બેવફાઈ પર પુરાણો ભરાયાં છે. પુરુષોની હૃદય-ક્યારીઓને પાણી પાઈ પાઈને પછી એક દિવસે ઓચિંતાના ધોરિયા તોડી નાખનાર સ્ત્રીઓ વિશે સાહિત્ય ચૂપ રહ્યું છે.

અમદાવાદનાં છાપાં ‘વીરાંગના’ સરસ્વતીની છબીઓ લઈને આવતાં. શિવરાજ કેટલાય કલ્પિત ધૂર્તોને દાંત વચ્ચે ભીંસતો. એક બાજુ અણગમો, અને બીજી બાજુ વધુ જોર કરતું આકર્ષણ : બે છેડાની વચ્ચે તેના હૃદયનો લોલક ઝૂલ્યા કરતો.

શ્રાવણ માસ આવ્યો. મેળાની મોસમ આવી. સોરઠી ધરાને તેમ જ સોરઠના માનવીઓને રંગો ધારણ કરવાની ઋતુ આવી. મનખ્યો તરણેતરને મેળે હાલ્યો. માર્ગે માર્ગે ને સાંકડી કેડીઓને માથે પાંચ-પાંચ ગાઉ જનસમૂહનાં કીડિયારાં ઊમટ્યાં.

શિવરાજની પાસે અદાલતમાં એક એવો મામલો હતો, કે જેનો સંબંધ મેળાઓ જોડે હોય. મેળે આવીને પરબારાં પરણી ગયેલાં બે આહીર સ્ત્રીપુરુષનો એ મામલો હતો. બાઈએ કબૂલાત કરી હતી કે, જુવાન મને ભોળવી ગયો હતો. જુવાને તકરાર લીધી હતી કે, એ ડાકણે જ મને મેળામાંથી મોહને ફાંસલે ફસાવ્યો હતો.

બંને જણાંએ સામસામા મોરચા માંડીને મેળાની હવામાં ભરેલી મુગ્ધતા વર્ણવી બતાવી હતી. “મેળો તો, સા’બ, તમ રોખા ડાયાઓનાંય મન ભમાવી નાખે છે, તો મારા જેવા અભણ અજ્ઞાની રોંચાની શી ગુંજાશ !” પુરુષ આવું આવું બોલતો હતો — ને અદાલત આખીને હસાવતો હતો.

“સાહેબને કહેવાય, ગાંડા !” પ્રોસિક્યુટર પેલાને ઠપકો આપતા હતા.

એ તે વળી કેવાક મેળા ! કોઈ ન જાણે તેમ સાહેબ મેળો જોવા ચાલી નીકળ્યા.

મધ્યરાત્રિની છેલ્લી ગાડીમાં શિવરાજ મેળેથી પાછો વળ્યો ત્યારે એણે સ્ટેશનની બહાર એક બાઈ-માણસ ઊભેલું જોયું.