અપરાધી/રામભાઈને ઘેર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મર્દાઈસે કામ લેના! અપરાધી
રામભાઈને ઘેર
ઝવેરચંદ મેઘાણી
शिवास्ते पंथाः →


૩૬. રામભાઈને ઘેર

શિવરાજની આંખ અજવાળીના કોઈ રક્ષકવીરની શોધમાં ભમી વળી. ને એની મીટ મંડાઈ ગઈ… પોતાના બંધુ અને અજવાળીના વકીલ રામભાઈને માથે. રામભાઈને પોતે નીરખી નીરખીને અદાલતમાં અવલોક્યો હતો. રામભાઈ અજવાળીનો પૈસાવડિયાનો વકીલ તો નહોતો; એક પરોપકારને ખાતર શું એ અજવાળીના રક્ષણની આટલી આગ બતાવતો હતો ? નહીં, રામભાઈની આંખોના ઊંડાણમાં કોઈ પ્રકટ ઊર્મિ હતી. આ પતિતા અજવાળી પર રામભાઈના હૃદયનું કોઈ દ્વાર પોતાની લાગણીનો પ્રકાશ વરસાવી રહ્યું હતું. ને વાતો પણ ચણભણ ચાલી હતી : “આ છોકરીને છોડાવીને શું તારે એને પરણવી છે ?” — એવા પોતાના બાપના ટોણાંનો રામભાઈએ જવાબ વાળેલો કે, “તો શું થઈ ગયું ? બ્રાહ્મણ જ્ઞાતિનાં હાંડલાં ઊંધાં નહીં વળી જાય !”

રામભાઈ — મારો મિત્ર રામભાઈ જો અજવાળીને ચાહતો હોય તો એ પોતાની કુરબાની કરે તેવો છે : સાહસશૂર છે : એ અજવાળીને લઈ ચાલ્યો જાય — પોંડિચેરી, રંગૂન, દીવ, અને જરૂર પડે તો કોઈપણ ઠેકાણેથી પાસપોર્ટ મેળવીને પરમુલકમાં. હું — હું મારા તમામ પૈસા એને આપી છૂટીશ.

રાત પડી. શિવરાજ કાળો ડગલો ચડાવીને ચંપલભેર રામભાઈને ઘેર ગયો. રામભાઈના દીવાનખાનાનું બારણું બરોબર રસ્તા પર પડતું હતું. બારીમાંથી શિવરાજે રામભાઈને નિહાળ્યો : આરામખુરશી પર એ સૂનમૂન પડ્યો હતો. હજુ એણે ક્યાંક બહારથી આવીને કપડાં પણ ઉતાર્યા નહોતાં, એના વાળ અસ્તવ્યસ્ત પડ્યા હતા. એ ક્યાં જઈને આવ્યો હશે ? સ્ટેશને જઈને તો નહીં ? સ્ટેશને કોઈને વિદાય દેવા ? હા, હા, કદાચ — એને – સરસ્વતીને જ. સરસ્વતીએ એને કહ્યું પણ હશે કદાચ !

બારણું ખખડાવવા સાંકળ હાથમાં ઝાલતાં એ ખચકાયો. સરસ્વતી પાસે એણે સાંભળ્યું હશે તો ?

ત્યાં તો અંદર કશીક કાચની ચીજના કટકા થયા સંભળાયા ને સાથોસાથ શબ્દો સંભળાયા : “લે ! લે પાપી !”

એ શું પટક્યું એણે ? છબી હશે કોઈકની ? મારી તો નહીં ? હિંમત કરીને એણે ટકોરો માર્યો.

“કોણ ? અત્યારે નહીં, સવારે આવજો !” રામભાઈ કોઈને મળવાના મિજાજમાં નહોતો.

ફરીથી ટકોરા પડ્યા. જવાબ મળ્યો : “કોણ છે ભાઈ ? કહ્યું નહીં, જે હોય તે સવારે આવજો.”

“ખોલો, રામભાઈ !” શિવરાજે કોઈ શરણાગતનો સાદ સંભળાવ્યો.

અવાજ તો એકદમ ન પરખાયો – ડેપ્યુટીસાહેબ શિવરાજ અંધારી રાતે પોતાનું ઘર ભભડાવવા નીકળે એવી એને કલ્પના પણ ન આવી. પણ એ સાદ એવો તો નહોતો જ કે જેની સામે પેલો નિષ્પ્રાણ પ્રત્યુત્તર ફરીથી ફેંકી શકાય.

બારણું ઊઘડ્યું. બેઉ સામસામા થંભી રહ્યા. બાલ્યકાળના બે બંધવા, પણ આજના નહીં; બે કોઈ પરદેશીઓ : નહીં, ફક્ત અજાણ્યા પરદેશીઓ જ નહીં; પણ એકને મન પોતાનું આશ્રયસ્થાન અને બીજાને મન એક સાક્ષાત્ શયતાન. સ્ટેશનથી હમણાં જ સરસ્વતીનું રુદન સાંભળીને જ રામભાઈ આવ્યો હતો. અને શિવરાજે જોયું — એક તસવીરના ટુકડા વેરણછેરણ પડયા હતા.

“એ ટુકડા આપની જ છબીના છે.” રામભાઈએ આંગળીથી ચીંધાડીને કહ્યું.

શિવરાજ કાંઈ બોલ્યો નહીં.

“કેમ આવવું થયું છે ?” રામભાઈએ અક્કડ પ્રશ્ન પૂછ્યો.

“મારે વાત કરવી છે.”

“મારે નથી સાંભળવી.”

બોલ્યા વગર શિવરાજ અંદર ચાલ્યો.

“ન આવો, કહું છું.” રામભાઈની આંખ બદલાઈ.

તોયે શિવરાજ અંદર ઘૂસ્યો ને એક ખુરશી પર બેઠો. રામભાઈએ બારણું બંધ કર્યું ને શિવરાજની સન્મુખ એની ટટ્ટાર આકૃતિ ખડી થઈ. શિવરાજે ઊંચે જોયું, એટલે રામભાઈએ એના ગાલ પર એક જોરાવર તમાચો ચોડી દીધો. ખુરશી પરથી નીચે પટકાઈ પડેલો શિવરાજ સામનો કરવાનો સમય મેળવે તે પૂર્વે રામભાઈ ટટ્ટાર થઈ જઈ ઊભો રહ્યો. પણ શિવરાજે ઊઠતાં ઊઠતાં ફક્ત દીન સ્વરે એટલું જ ઉચ્ચાર્યું કે, “બરાબર છે. હું એને જ લાયક છું, રામભાઈ ! હું હિચકારો એ જ લાગનો છું.”

ઉપરાછાપરી અડબોતો અને ગડદાપાટુ મારી મારીને પોતાની દાઝ ઉતારવાના મનસૂબામાં ચકચૂર બનેલો રામભાઈ ભોંઠો પડી ગયો. ધારે તો પોતાનો બચાવ કરી શકે તેવા પડછંદકાય શિવરાજના ચહેરા પર દીનતા હતી, ને મોંમાં પોતાના જ હિચકારાપણાનો એકરાર હતો !

બારેક વર્ષો પૂર્વેનો એક દિવસ રામભાઈને યાદ આવ્યો. બાર વર્ષો પર શિવરાજના દેહ પર આવો માર કોણે મારેલો ? ને એનું આવું જ મોં ક્યાં જોયેલું ? ગુરુકુળમાં. આચાર્યદેવે મારેલો, તમામ વિદ્યાર્થીઓની વચ્ચે. સ્મૃતિનું બીજું દ્વાર વળતી જ પળે ઊઘડી ગયું : આ માર શિવરાજે કોને માટે, કોને માટે ખાધેલો ? મારા માટે. ગુનો મારો હતો.

બધું યાદ આવી ગયું. રામભાઈના હૃદયમાં રુદન ભરાયું. એણે શિવરાજ સામે તાકી રહી આંસુ મોકળાં મેલ્યાં. એનો રુદન-સ્વર રૂંધ્યો રહ્યો નહીં.

“ભાઈ !” બીજા ખંડમાંથી સાદ આવ્યો. એ સાદ રામભાઈની બાનો હતો, “સુઈ જા, સૂઈ જા હવે, માડી !”

“એ સૂઈ જાઉં છું હમણાં, બા !” રામભાઈએ બાને જવાબ આપ્યો, ને સાથોસાથ એને સાંભર્યું કે શિવરાજને સો સો રાત્રિઓના ઉજાગરા પછી પણ “ભાઇ, સુઈ જા” કહેનારી બા નહોતી.

રામભાઈ એકદમ કૂણો પડી ગયો. તે પછી બેઉ જણા વચ્ચે બે-ત્રણ કલાક વિગતવાર અને ચોકસાઈપૂર્વક વાર્તાલાપ ચાલ્યો.

“રામભાઈ, જગતમાં ક્યાંય જવા ઠેકાણું નહોતું એટલે જ તારી પાસે આવ્યો છે. હું તો મારો સર્વનાશ કરવા બેઠો છું. પણ તને કદાચ આ સંસારમાં આગળ વધવાની આશા હોય તો…”

“મારી તો સર્વ અભિલાષાઓનો ભડકો થઈને એમાંથી એક જ શિખા પ્રજળી રહી છે.”

“કઈ ?”

“અજવાળીને ઉગારી લેવાની અને…”

“અને ?”

“મારું ચાલે તો એને પરણીને એના સાચા પાલક થવાની.”

“એને જાણ છે તારી અભિલાષાની ?”

“હા, આજે સવારની મુલાકાતમાં જ મેં એને પૂછેલું કે હું તને છોડાવીશ; પછી તું છૂટીને કોની સાથે રહીશ ? મારી સાથે લગ્ન કરીશ ? એણે તો અતિ હર્ષથી પાગલ થઈ ગયા જેવી ચેષ્ટાઓ બતાવી હતી.”

“ત્યારે તો એ છૂટવાની ને તારી જોડે પરણવાની આશામાં ઝૂલે છે, એમ ને ?”

“હા, હું એને છોડાવીશ, ને એ આંહીંથી જતાં પૂર્વે એકરાર કરી નાખશે એટલે તું પણ એને છોડાવવાની ભલામણ કરવાનો છે એવી એને તો ભ્રમણા છે.”

“ભ્રમણામાં જ એને રહેવા દઈને ઉપાડી લેવી રહે છે.”

“પણ કેમ કરીને ? હવે તો બાજી તારા હાથમાં રહી નહીં ને ?”

“તને મોટર તો આવડે છે ને ?”

“એટલે તો સામે ચાલીને જ પકડાઈ જવું, એમ ને ?”

“હા, હું બેવકૂફીની વિચારસૃષ્ટિમાં હતો – સિનેમાની વાર્તાઓનાં પાત્રો મોટરમાં નાસી છૂટનારાં હોય છે ને !”

“ને તેમની દુનિયામાં તો લાઈસન્સ તપાસનાર પોલીસ, પેટ્રોલ, પંચર, પહાડો, ખાડીઓ, કશું જ નથી હોતું.”

“ત્યારે શું કરીશું ?”

“આપણો પ્રાચીન ગુપ્તવેશ.”

“શું ?”

“ફક્ત ઘૂમટો. કોઈ શંકાય ન કરે, કોઈને આશ્ચર્ય પણ ન લાગે. ને ઊલટા આબરૂદાર ગણાઈએ.”

તે પછી તો વાર્તાલાપ એટલો વ્યવહારુ બન્યો કે બે મિત્રોએ કડીબંધ આખું કાવતરું ગોઠવ્યું, રાતે બે વાગ્યે જુદા પડ્યા ત્યારે ઝાઝી વિધિ પણ ન કરી.