લખાણ પર જાઓ

અપરાધી/શિવરાજ પીડિત-આશ્રમમાં

વિકિસ્રોતમાંથી
← બે પિતાઓ અપરાધી
શિવરાજ પીડિત-આશ્રમમાં
ઝવેરચંદ મેઘાણી
છુટકારાની લાગણી →


૧૯. શિવરાજ પીડિત-આશ્રમમાં

રસ્વતીના આંગણામાંથી શિવરાજ સરકી જતો હતો ત્યારે એણે પોતાની પાછળ ધીરો એક અવાજ છોડ્યો હતો : “થોડી વાર નહીં રોકાઓ ?”

પણ પોતે એને સાંભળ્યો-ન-સાંભળ્યો કરીને નીકળી ગયો. છતાં એ સાદ એનો સાથી બન્યો હતો. સરસ્વતીના સ્વભાવ-પલટાના સૂરો એ સાદમાં સમાયા હતા સરસ્વતી શું નક્કી જ કરીને બેઠી હતી ? એના ને મારા બેઉ પિતાઓ પણ સરસ્વતીનું સ્થાન મુકરર કરી ચૂક્યા હતા ? ને પોતે આ ભ્રમણાનો વધુ વણાટ અટકી પડે એવું એક પણ પગલું કેમ નહોતો ભરતો ?

પાછો જાઉં ને કહી નાખું — વડીલોને નહીં તો સરસ્વતીને તો સ્પષ્ટ કરી જ આપું; નહીંતર એક દિવસ એનું હૃદય ભેદાઈ જશે.

પણ સરસ્વતીને શું કહું ? તું મને ગમતી નથી એમ કહું ? મેં બીજે ક્યાંય હૃદય આપી દીધું છે એમ કહું ? એ નામ જાણવા માગશે તો ? વહેલું કેમ ન કહી દીધું — એવું કલ્પાંત કરશે તો ? સરસ્વતીને ધક્કો જ મારી દઈ શકાશે એવી હિંમત તો શિવરાજમાં હવે નહોતી રહી. સરસ્વતી જાણે આ જીવન-પલટો પોતાને સારું જ, પોતાને અનુકૂળ બનવા જ કરી રહી હતી. એ પરિવર્તને સરસ્વતીને નવું સૌંદર્ય પહેરાવ્યું હતું. નીરવ આકાંક્ષાનો માળો સરસ્વતીના મોં પર જાણે બંધાઈ ચૂક્યો હતો. ખેડુની ૨ઝળુ છોકરી અજવાળીનું જે રૂપ એના અંતરમાં ઊભું હતું, તેની બાજુએ આવીને સરસ્વતીનું સૌંદર્ય કડક ચહેરે ખડું થયું. અજવાળીના મોં પર અનુકંપાનું વીણા-ગાન હતું : સરસ્વતીના મોં પર સૌંદર્ય ઉપરાંત સ્વમાનનો સંસ્કાર હતો.

પોતે ઘેર આવ્યો ત્યારે કોઈને ફાળિયું ઓઢી સૂતેલું દીઠું. “કોણ છે ?” એણે પટાવાળાને પૂછ્યું.

“માલજીમામાં છે. તાવમાં પડ્યા છે.”

“ક્યારે આવ્યા ?” એણે માલુજીના મોં પરથી હળવે હાથે ફાળિયું ઊંચું કરીને પૂછ્યું.

માલુજીએ આગ ભભૂકતા મોંએ કહ્યું : “બાપુજી સાથે આવેલ છું — ને સાથે જ જાઉં છું. ખાસ મળવા આવ્યો છું.”

“દાક્તરને બોલાવું ?”

“ના રે ના, હું દવા સારુ નથી આવેલ. સાંભળી લ્યો, ભાઈ ! જુઓ, ત્રણ મહિના થઈ ગયા : કોઈ સારસંભાળ… ઓની… મુંબઈ છે તેની… લીધી છે ?”

શિવરાજ નીચે જોઈ ગયો. માલુજીનો કંઠ વધુ વેદનામય બન્યો :

“મારી કાયાનો હવે મને ભરોસો નથી. તમારા પાપનો હું ભાગિયો બન્યો છું. મેં એને મારી દીકરી કહી વચન દીધું છે કે એને રઝળવું નહીં પડે. હું આટલું જ કહેવા આવ્યો છું કે, મુંબઈ આંટો મારી આવો; એનાં સુખદુઃખની સાર લ્યો. મનને મોળું પડવા દેશો મા, ભાઈ ! તમારી માદળડી એને કાંડે છે યાદ છે ?”

તે પછી દેવનારાયણસિંહની ગાડી બહાર આવી પહોંચી, ને માલુજીએ શિવરાજને ચૂપ કર્યો : “મને તાવબાવ કાંઈ નથી. હું પડ્યો હતો તેમ બાપુને કહેવાનું નથી.”

એટલું કહીને એણે કપડાં, પાઘડી, અંગરખું — તમામ સરખું કરી, ઝટ ઝટ મોં ધોઈ, એક પણ લથડિયું ખાધા વગર ગાડીમાં બેઠક લઈ લીધી.

બીજા દિવસે ત્રણ દિવસની રજાનો ‘રિપોર્ટ’ ભરીને શિવરાજે મુંબઈનો માર્ગ પકડ્યો.

પીડિત-આશ્રમના દરવાજામાં શિવરાજ જ્યારે પોતાને સાદે વેશે દાખલ થતો હતો ત્યારે એને લાગ્યું કે જાણે પાછળની પરસાળમાં કોઈ મોટો કજિયો ચાલી રહ્યો છે.

અવાજો આવતા હતા : જાણે કાબરી કિકિયારણ કરી રહી હતી.

“રાતે રસોડામાં ગઈ’તી – તું જ ગઈ’તી.”

“હા હા, ગઈ’તી ગઈ’તી,” કોઈક મોટો ઘોઘરો અવાજ બોલતો હતો : “તમારાથી થાય તે કરી લ્યો.”

“રોટલી છુપાવી રાખી’તી.”

“હા હા.” ફરી પાછો ઘોઘરો અવાજ આવ્યો : “મને સજા કરાવજો — જાઓ.”

કોનો હતો એ કંઠ ?

તે પછી અંદર થોડી ધબાધબી પણ મચી ગઈ.

પા કલાક બેઠા પછી આશ્રમનાં સંચાલકબાઈ આવ્યાં. તેમણે શિવરાજને ઘણી લાંબી વાર શંકાભરી નજરે નિહાળ્યા પછી અજવાળીને બોલાવી.

આ અજવાળી ! — શિવરાજ એને જોઈને ચમક્યો : ફૂલીને ઢોલ થઈ ગયેલું એ કલેવર હતું, એ મોં પર માર્દવ નહોતું રહ્યું. જડતાની જાણે પ્રતિમા હતી.

“કેમ છે આંહીં ?”

“મઝો સે.” એ જવાબ સાંભળતાંની જોડે જ શિવરાજને સમજ પડી : થોડી વાર પૂર્વેનો ઘોઘરો સંગ્રામ-સ્વર આ પોતે જ હતો; અજવાળીનો અવાજ બહુ કજિયા કરી કરીને જાણે કે તરડાઈ ગયો હતો. રાતમાં શું રોટલા-રોટલીની ચોરી કરતી હતી અજવાળી ? મને જોઈને એના મોં પર શરમના શેરડા કેમ નથી પડતા ? ગલની ભાત પડે તેવા એના ગાલ જ ક્યાં રહ્યા છે ? આ ચરબીના થર કેવી માનસિક વિકૃતિ બતાવે છે !

ફરીથી ધમાલ મચેલી સાંભળીને સંચાલક ઊઠીને બહાર ગયાં ત્યારે શિવરાજે અજવાળીની સાથે વાર્તાલાપમાં ઊતરી જોયું :

“ભણે છે કાંઈ ?”

“ભણતર હૈયે ચડતું નથી.”

“કેમ?”

“નીંદર આવે છે.”

“વાળ નથી ઓળતી ?”

“કોણ માથાકૂટ કરે ?”

“મા સાંભરે છે ?”

“કોક કોક દી.” એમ બોલતી બોલતી અજવાળીએ જૂઠું જૂઠું હાસ્ય કર્યું.

“અહીં કંઈ દુઃખ નથી ને ?”

“વારે વારે ‘પરણ્ય… પરણ્ય… પરણતી કાં નથી ?’ — એમ કહ્યા કરે છે.”

“કોની જોડે ?”

“કંઈક શેઠિયાઓ દો’ડી આવ્યા જ કરે છે. અમને સૌને હારબંધ ઊભિયું રાખે છે.”

"ખાવું ભાવે છે ?”

“પેટ ક્યાં પૂરું ભરાય છે ?”

આ આખી જ વાતચીતમાં નરી જડતા વહેતી હતી. ખરી રીતે તો એમાં વહેતું કોઈ વહેણ જ નહોતું — જાણે કોઈ ખાબોચિયું મચ્છરે બણબણતું ગંધાતું હતું. એક પણ રેખા — કરુણતાની, કે સ્ત્રીત્વની — આ છોકરીના સૂણી ગયેલા શરીર પર નહોતી રહી.

“તારે કાંઈ કહેવું છે ?”

“મને પેટપૂરી રોટલિયું આપે એમ કહેતા જાવ. ને મને પરાણે શીદ ભણાવે છે ?”

શિવરાજ હજુ તો બેઠો હતો, ત્યાં જ છેટેથી બીજી બે-ત્રણ સ્ત્રીઓ અણગમો આવે તેવી ચેષ્ટા અજવાળી પ્રત્યે કરી રહી હતી.