અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ/મજુરોની લડતનો ઇતિહાસ અને અવલોકન

વિકિસ્રોતમાંથી
અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ
મજુરોની લડતનો ઇતિહાસ અને અવલોકન
મહાદેવભાઈ દેસાઈ
મહાત્માજીની પત્રિકાઓ →













ખુદા ઈઝ્ઝત બહુત દેવે મહેરબાન ગાંધી કો,
દુવાએં દે રહે હૈ હિન્દુ મુસલમાન ગાંધી કો.
ગરીબોં કે લીયેં ઉન્હોને યે સદમા ઉઠાયા,
ગોયા હમેં ભી ખ્વાબ ગફલત સેં જગાયા.
હમ તો સમઝે હૈ કિ તનહાઈ કા સાથી પાયા,
કતહદે કુદરતે ગેબ સે તુ હમ કો ખુદા યા.
મહેરબાન ગાંધી ઔર બ્હેન નસૂયા હમારી,
તા કયામત નામ ઉન કા રહે દુનિયા મેં જારી.”


રમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહાશ્રમમાં સવારસાંજ બ્રહ્મચારીઓ જે પ્રાર્થના કરે છે તે પ્રાર્થનામાં તેમના જીવનના ધ્યેયને પ્રગટ કરતા મંત્રો અને ભજનો મુખ્ય છે. આ મંત્રો અને ભજનોનું રહસ્ય બ્રહ્મચારીઓના આત્મામાં રેડાય અને કાળે કરીને તેમનાં કર્મમાત્રમાં એ ઉદાત્ત રહસ્યો પ્રગટ થતાં રહે એવો ગાંધીજીનો ઉદ્દેશ છે. મહાત્માજીની પ્રવૃત્તિમાં તો આશ્રમમાં નિત્ય રટાતું

‘कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम्’

અને આશ્રમનું માનીતું

‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’ એ જ આજકાલ જોઈ રહ્યા છીએ.

આ બન્ને વચનો જેટલાં સાદાં છે તેટલાં જ ગંભીર છે. એમાં મમત્વ કે અભિમાનનો અંશ નથી રહેલો; કેવળ પ્રવૃત્તિ માત્ર એક ઈષ્ટ પ્રવાહમાં જ વહે એવી તીવ્ર વાંચ્છના એમાં રહેલી છે. માટે જ ખરા સત્યાગ્રહીએ એને પોતાનાં આચારસૂત્રો બનાવેલાં છે. મમત્વ કે અભિમાનથી તે સત્યાગ્રહનું ક્ષેત્ર શોધવા નથી જતો; સત્યાગ્રહના વિષયો આપોઆપ જ તેને મળી રહે છે, અને સત્યાગ્રહીને તે હાથ ધર્યા વિના ચાલતું જ નથી. ચંપારણ્ય મહાત્મા ગાંધીજી શોધતા નહિં ગયેલા, ચંપારણ્ય જ મહાત્માજીને ખેંચી લઈ ગયેલું. ખેડાના ખેડુતોની લડત પણ એઓ વ્હોરવા નહોતા ગયા, એ એમને સોંપવામાં આવી હતી. હા, એટલું ખરૂં કે મહાત્માજીએ અમુક વસ્તુ હાથમાં લીધી તે તેનો સંતોષકારક અંત લાવ્યા વિના છોડી નથી જ.

અમદાવાદના મીલમજુરોની લડતમાં પણ મહાત્માજીને પરેચ્છાએ પડવું પડેલું. તા. ૨ જી ફેબ્રુઆરીએ મહાત્માજીને ખેડાની સ્થિતિ સંબંધે મુંબઈ જવું પડેલું, ત્યારે ત્યાં તેમને શેઠ અંબાલાલ સારાભાઈનો મેળાપ થએલો. અંબાલાલભાઇએ કેટલાક કાગળો બતાવી મહાત્માજીને કહેલું કે અમદાવાદમાં મીલમજુરો, બોનસના સંબંધમાં અસંતોષ થવાથી હડતાળ પાડે એવી ધાસ્તી છે; અને હડતાળ પડશે તો પરિણામો બહુ અનિષ્ટ આવશે, માટે મહાત્માજીને વચ્ચે પડવાની જરૂર છે. અંબાલાલભાઈએ બતાવેલો ભય મહાત્માજીને ગંભીર લાગેલો, અને જો સ્થિતિ તેવી જ હોય તો આખા અમદાવાદ શહેરની શાંતિને ધક્કો પહોંચાડે એવા સંજોગો બનતા પ્રયત્ને અટકાવવાનો મહાત્માજીએ નિશ્ચય કરેલો.

અમદાવાદ જઇને એમણે મજુરોનો અને મીલના એજંટોનો પક્ષ શું છે તેની તપાસ કરવા માંડી. તેમણે જોયું કે ગયા વર્ષના અગસ્ટ માસથી સાળખાતાવાળા મજુરોને મનમાન્યાં ‘પ્લેગ બોનસ’ મળ્યા કરતાં આવ્યાં છે; તેમણે જોયું કે આ પ્લેગ બોનસથી લોભાઈ ઘણા સાળખાતાવાળા મજુરો, જેઓ પ્લેગને લીધે અમદાવાદ છોડી ચાલ્યા જાત તેઓ, જીવને જોખમે પણ મીલોને વળગી રહ્યા હતા. તેમણે જોયું કે આ પ્લેગ બોનસ કેટલાક દાખલાઓમાં મજુરોની રોજીના ૭૦ થી ૮૦ ટકા જેટલું આપવામાં આવતું હતું; અને પ્લેગ બંધ થયા પછી પણ અનાજ, કપડાં અને હરરોજના વાપરની વસ્તુઓના ભાવ તો પ્રથમના કરતાં બમણા તમણા અને ચારગણા થઈ જવાથી એ બોનસ ચાલુ રહ્યું હતું; આ બોનસ એકાએક બંધ કરવાના મીલમાલિકોના વિચારથી સાળખાતાવાળા મીલમજુરોમાં ખળભળાટ થયો હતો. તેઓ હમેશ શ્રી અનસૂયા બ્હેનને મળવા અને પોતાની સ્થિતિ તેમની આગળ પ્રગટ કરવા લાગ્યા. પ્લેગ બોનસને બદલે મોંઘવારીનો વધારો ઓછામાં ઓછા ૫૦ ટકા મળવો જોઈએ એવી તેઓ માગણી કરતા હતા. મહાત્માજી અમદાવાદમાં આવી મુખ્ય મુખ્ય મીલએજંટો સાથે મસલત ચલાવવા લાગ્યા. તેઓ પણ નિવેડો આણવાની ઇંતેજારી બતાવવા લાગ્યા. અત્યાર સુધી મહાત્માજીએ એ બાબતમાં પ્રત્યક્ષ રીતે પડવાનો નિશ્ચય નહોતો કર્યો. પણ સ્થિતિ દિનપ્રતિદિન ગંભીર સ્વરૂપ પકડતી હતી. સઘળી વાત સરકારને કાને પણ પહોંચી હતી, અને તા. ૧૧ મીએ અમદાવાદના દિલસોઝ કલેક્ટર સાહેબે મહાત્માજીને નીચે પ્રમાણે પત્ર લખ્યો હતો:

“બોનસના પ્રશ્ન સંબંધે મીલમાલિકો અને મીલમજુરો વચ્ચે બહુ ગંભીર સ્થિતિ ઉત્પન્ન થવાની વકી છે. અને મીલમાલિકો મીલો બંધ કરી દેવાની ધમકી આપે છે, જેથી બહુ તકલીફ અને દુઃખ થવાનો સંભવ છે. તેથી ખરી વસ્તુસ્થિતિ સમજવા હું અતિશય ઇંતેજાર છું. મને ખબર મળી છે કે મીલમાલિકો જો કોઈની સલાહ સાંભળે તો માત્ર તે આપની જ સાંભળે એમ છે; અને વળી તેમના તરફ ઘણે અંશે આપને દિલસોઝી છે, તથા તેમનો પક્ષ આપ જ મને બરાબર સમજાવી શકો એમ છો. કાલે મને એકાદ કલાક આપવાની અનુકૂળતા કરી શકો તો હું આપનો બહુ આભારી થઈશ.”

મહાત્માજી કલેક્ટરને મળ્યા, મજુરોને મળ્યા, મીલએજંટોને મળ્યા, અને મસલત ચલાવી. આખરે બંને પક્ષે પંચ મારફતે નિવેડો લાવવાનું નક્કી કર્યું; અને પંચમાં મીલમાલિકો તરફથી શેઠ અંબાલાલભાઇ, શેઠ જગાભાઈ દલપતભાઈ અને શેઠ ચંદુલાલ, મજુરો તરફથી મહાત્મા ગાંધીજી, શ્રી. વલ્લભભાઈ પટેલ અને શ્રી. શંકરલાલ બેંકર તથા સરપંચ તરીકે કલેક્ટર સાહેબ નીમાયા.

આ પછી તુરત મહાત્માજીને ખેડામાં જવાનું થયું, ત્યાંનો મામલો પણ ગંભીર હતો. તપાસ પણ તેમણે શરૂ કરી દીધી હતી, અને ત્યાંના કામમાં લગભગ તેઓ પરોવાયેલા હતા, એટલામાં તો અનસૂયા બ્હેને ખબર આપ્યા કે અહીંની સ્થિતિ ગંભીર છે અને માલિકો એકસામટી ‘લૉકઆઉટ’ જાહેર કરવાની તૈયારી ઉપર છે. મહાત્માજી અમદાવાદ પહોંચ્યા. તેમને ખબર મળી કે કેટલીક મીલમાં કંઇક ગેરસમજુત થવાથી મજુરોએ હડતાળ પાડી છે. મહાત્માજીએ જોયું કે પંચ નીમાયા પછી મજુરોએ લીધેલું આ પગલું ગેરવાજબી છે. તુરત તેમણે મીલમાલિકોને બનેલી બાબત ખાતર પોતાની દિલગીરી બતાવી, અને મજુરો ભૂલ સુધારી લેવાને તૈયાર છે એમ તેઓને જાહેર કર્યું. આ પ્રસંગે એટલું કહી દેવું જોઈએ કે મીલમાલિકોની પણ આમાં કાંઈ કસૂર થઈ ન હતી એમ નહિ, પણ મહાત્માજીએ પોતાના પક્ષની કસૂરને જ મહત્ત્વ આપ્યું, અને તે સુધારી લેવાની તત્પરતા બતાવી. પણ મીલમાલિકોને એ વાત ગળે ન ઉતરી. તેમણે તો પંચ નીમાયા પછી મજુરોએ હડતાળ પાડી એટલે તત્કાળ પંચ તૂટે છે એવો આગ્રહ કર્યો અને પોતે પંચથી બંધાયેલા ન હોવાને લીધે, ૨૦ ટકા વધારો લઈને કામ કરવા મજુરો રાજી ન હોય તો તેઓને કાઢી મુકવાનો નિશ્ચય કર્યો. આ સ્થિતિ અટકાવવાના મહાત્માજીના પ્રયત્નો અથાગ હતા. પણ મીલમાલિકો તો મજુરોએ કરેલી ભૂલને વળગી રહ્યા અને એકના બે થવાની સાફ ના પાડી.

એ પછી મહાત્માજી મજુરોને ખૂબ મળવા લાગ્યા. બ્હેન અનસૂયા, ભાઈ શંકરલાલ બૅંકર અને મીલમજુરોની સ્થિતિ તથા પગાર સંબંધી માહીતી ધરાવનારા બીજા ગૃહસ્થોની સાથે મસલત ચલાવી. અહીંના મજુરાને શું મળે છે. મુંબઈના મજુરોને શું મળે છે, મજુરોની કેટલી માગણી છે, મીલમાલિકોની સ્થિતિ શી છે, તેઓને શું કમિશન લડાઈ પહેલાં મળતું હતું, લડાઈ પછી શું મળે છે, લડાઈ પછી કાપડ તૈયાર કરવાનો ખર્ચ વધ્યો છે તે ધ્યાનમાં લેતાં તેઓને મજુરોની વધારાની માગણી પોષાઈ શકે છે કે કેમ, વગેરે બધા પ્રશ્નોનો અતિશય સૂક્ષ્મ રીતે વિચાર કર્યો, અને જેટલે અંશે નિર્ણય પોતાથી લાવી શકાય તેટલે અંશે નિર્ણય લાવ્યા. નિશ્ચય કર્યો કે મજુરોએ ૩૫ ટકાથી વધારે માગવું જોઈએ નહિ, અને મજુરોને મર્યાદામાં રાખવાના હેતુથી તેઓને પણ તેવી સલાહ આપી દેવી જોઈએ. મજુરોને આ સલાહ આપ્યા પહેલાં ન્યાયની ખાતર મીલમાલિકોને પોતાના આ નિશ્ચયની ખબર આપવી જોઈએ, અને તેમને એ બાબતમાં શું કહેવાનું છે તે સાંભળવું જોઈએ એ યોગ્ય ધારી તેમને એ બાબત ખબર આપવામાં આવી તથા તેમના વિગતવાર અભિપ્રાયની અને તેમની મદદની વિનંતિ કરવામાં આવી. મદદ તો તેઓ આપી શકતા જ ન હતા એટલે તેઓએ સરકાર અને મુંબઈના મીલમાલિકો બહુ થોડો વધારે આપે છે એવી અપ્રસ્તુત સૂચના કરીને પોતે વર્તમાન સંજોગોમાં શું આપવું જોઈએ તે પ્રશ્ન ઉડાવ્યો. આથી મહાત્મા ગાંધીજી અને તેમના સહાયકોને, મજુરોને ૩૫ ટકા માગવાની સલાહ આપ્યા સિવાય બીજો માર્ગ રહ્યો નહિ. જે મજુરો અત્યાર સુધી મોંઘવારીના વધારા તરીકે ૫૦ ટકાને વળગી રહ્યા હતા તેઓને તેમના સલાહકારોએ ખૂબ સમજાવી ૩૫ ટકા માગીને જ સંતોષ પકડવાની ભલામણ કરવાથી તેઓએ તે કંઈક આનાકાની પછી સ્વીકારી.

બંને પક્ષમાં ‘આગ્રહ’ નું તત્ત્વ તો અત્યાર અગાઉનું દાખલ થઈ ચૂક્યું હતું. તાણાવાળાઓએ જ્યારથી પોતાનું મહાજન બાંધ્યું ત્યારથી જ મજુરોમાં ઐક્ય અને આગ્રહનાં બીજ નંખાયાં હતાં. મજુરોના ઐક્યની સામે થવાને મીલમાલિકો એ પણ એક ચક્ર (ગ્રૂપ) રચ્યું. આ બે પક્ષો વચ્ચે લગભગ ૨૫ દિવસ સુધી સંપૂર્ણ રસાકરીથી છતાં કોઈ પણ કડવાશ વિના જે લડત ચાલી રહી હતી તેને આખું અમદાવાદ શહેર જ નહિ પણ આખું ગુજરાત અને કેટલેક અંશે આખો દેશ નિરખી રહ્યો હતો. આપણે આ લડતની મુખ્ય વિગતો અને તેની અંદર રહેલાં રહસ્યો તપાસીએ.

જે દિવસે મીલમજુરોએ પોતાના સલાહકારોની સલાહ સ્વીકારીને પોતાની આખી બાજી તેમને સોંપી તે દિવસથી જ મહાત્મા ગાંધીજીએ મજુરોના ઉભરાતા ઉત્સાહને શુદ્ધ દિશામાં વાળી અને તેમનામાં રહેલી ‘મસ્તી’ ની ખાસીઅતો ઉપર અંકુશ મુકી, આ લડતને ‘ધાર્મિક’ સ્વરૂપ આપવાના ઉપાયો યોજવા માંડ્યા. મજુરોના આંતર અને બાહ્ય જીવનમાં પ્રવેશ કર્યા વિના એકલી સલાહ પ્રાયઃ નિષ્ફળ જાય અથવા છેક નિષ્ફળ ન જાય તો પણ તેની સફળતામાં પણ કાંઈ અર્થ રહે નહિ, તેથી અનેક માર્ગે તેમના જીવનમાં પ્રવેશ કરવાનો નિશ્ચય થયો. આ માર્ગો નીચે પ્રમાણે:

(૧) મજુરોને ઘેર જઈ તેમની સમગ્ર સ્થિતિની પૂછપરછ કરી તેમની રહેણીકરણીમાં કાંઈ કસૂર જણાય તો તે સુધારવાના, તેમની ભીડમાં સલાહ અને મદદ આપવાના, અને બને તેટલે અંશે તેમના સુખદુઃખમાં ભાગીદાર બનવાના પ્રયત્ન કરવા;

(૨) લડતમાં પોતાના વર્તન સંબંધે મજુરોને કાંઈ સલાહ સૂચના લેવી હોય તો તે તેમને જ્યારે જોઈએ ત્યારે આપવાની વ્યવસ્થા કરવી;

(૩) નિત્ય તમામ મજુરોની એક નિશ્ચિત સ્થળે જાહેર સભા ભરીને લડતના સિદ્ધાન્તો અને રહસ્ય ઉપર તેમને બોધ આપવો;

(૪) આ સિદ્ધાન્તો અને રહસ્ય તેમનામાં સદાને માટે દૃઢીભૂત થઈ રહે, તેમને સાદું પણ ઉત્તમ પ્રતિનું સાહિત્ય પૂરૂં પડે અને તેમના મન અને બુદ્ધિની ઉન્નતિ થઈ, તે ઉન્નતિનાં સાધનો તેઓ પોતાનાં બાળબચ્ચાંને વારસામાં આપે તે ખાતર તેમને માટે નિત્ય સુબોધપત્રિકાઓ કાઢવી.

(૧) આ નિશ્ચય અનુસાર લડત દરમ્યાન દરરોજ સવાર સાંજ ભાઈ શંકરલાલ બૅંકર, અનસૂયા બ્હેન અને ભાઈ છગનલાલ ગાંધી મીલમજુરોના મુકામે જતાં, બને તેટલા લત્તાઓમાં મજુરો અને તેમના કુટુંબનાં માણસોનાં નામઠામ લઈ, કુટુંબના આવક ખર્ચ સંબંધી આંકડા મેળવી ભવિષ્યમાં તેમની સ્થિતિ સુધારવા માટે માહીતીનો પાયો રચતાં; તેઓમાં લડતથી કંટાળેલા અથવા ભૂખમરાનો ભય રાખનારાઓને સમજણ અને હીંમત આપતાં, દર્દીને માટે દવાદારૂની ગોઠવણ કરતાં અને રોજી મેળવવા ઈચ્છનારાઓને રોજીનાં સાધન મેળવી આપવાનો પ્રયત્ન કરતાં.

આ સવાર સાંજની મુલાકાતનું મહત્ત્વ કાંઈ જેવુંતેવું ન હતું. આખી મીલમજુરોની આલમની ‘નાડ’ આ મુલાકાતોથી પરખાતી, અને આગળ જણાવવામાં આવશે તે પ્રમાણે એ મુલાકાતને લીધે જ લડતની ‘અણી’ની દશાએ શું પગલું લેવું તે મહાત્માજીને સૂઝ્યું હતું.

(૨) સાંજ સવાર મજુરોના મુકામ ઉપર મુલાકાત ઉપરાંત, મજુરોને દિવસનો બાકીનો વખત બ્હેન અનસૂયાને ત્યાં આવીને સલાહ લેવાની છૂટ હતી. સંખ્યાબંધ મજુરો અનસૂયા બ્હેનને ત્યાં આવતા—વખતનો પણ મેળ ન હતો, લડતના આખરના દિવસોમાં તો રાત્રે એક અને બે વાગ્યા સુધી મજુરો અનસૂયા બહેનનાં બારણાં ઉઘડાવતા અને જરા પણ કચવાયા વિના તેમને સલાહ આપવામાં આવતી.

(૩) અને (૪) મજુરોના સમુદાયને સામાન્ય સલાહ આપવાને માટે સભાઓ અને સુબોધપત્રિકાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાહપુર દરવાજાની બહાર સાબરમતીને કાંઠે આવેલા એક બાવળના ઝાડ તળે દરરોજ સાંજે સહુ મજુરો, કેટલાક બબ્બે ત્રણ ત્રણ અને ચચ્ચાર માઈલ દૂરથી ચાલીને આવી એકઠા થતા, અને મહાત્માજી, બ્હેન અનસૂયા, શંકરલાલ બૅંકર તથા સહાનુભૂતિ ધરાવનાર બીજાં ભાઈ બ્હેનો તેમને મળતાં.

આ બાવળના ઝાડ તળે જે અદ્‌ભુત ઐતિહાસિક દૃશ્યો પ્રગટ થયાં છે, તેની તે વેળા હાજર રહેનાર સિવાય બીજાને બહુ થોડી જાણ છે. મહાત્માજીએ બનતાં સુધી ‘મૂંગા’ કાર્યને જ પ્રાધાન્ય આપવાના મહામંત્ર લીધેલો છે, અને તેમનાથી બની શક્યું ત્યાં સુધી પોતાની પ્રવૃત્તિઓ વિષે વર્તમાનપત્રોમાં ખોટાખરા હેવાલો આવતા અટકાવવાની તેમણે કાળજી રાખી છે. આ જ કારણથી ચંપારણ્યમાં ‘તપાસ’ની મુખ્ય હકીકત સિવાય ત્યાંના આંતર જીવનમાં પરિવર્તન કરવા માટે મહાત્માજીએ શા શા ઉપાયો લીધા છે અને કેટલું પરિવર્તન થયું છે તેની વર્તમાનપત્રો માત્રથી ઇતિહાસ જાણનાર જગતને તો ખબર પડી જ નથી. મીલમજુરોની લડત દરમ્યાન તો મહાત્માજીનાં જે ભાષણો થતાં તેની માહીતી વર્તમાનપત્રોને ખસુસ કરીને પૂરી પાડવામાં આવતી ન હતી. આ કારણથી એ ભાષણોમાંના કેટલાક સ્મરણીય ઉદ્‌ગારો અને મજુરોને વહેંચવામાં આવતી સુબોધપત્રિકા ઉપર થતાં વિવેચનોનો કાંઈક ભાગ અહીં આપવો જરૂરનો લાગે છે. અહીં કહી દેવું જરૂરનું છે કે આ પત્રિકાઓ અનસૂયા બ્હેનની સહીથી પ્રસિદ્ધ થતી, પણ તે મહાત્માજી જ લખતા હતા. પત્રિકાઓ અક્ષરશઃ આ લખાણને અંતે છાપવામાં આવી છે. ભાષણોનો સારાંશ આ ઇતિહાસમાં જ આવી જશે.

પહેલા દિવસોમાં તે મજુરોના મન ઉપર તેમની પ્રતિજ્ઞાનું મહત્ત્વ ઠસાવવા માટેનાં જ વ્યાખ્યાન થતાં. મજૂરોની પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી:

૧. જુલાઈના પગાર ઉપર ૩૫ ટકાનો વધારો ન મળે ત્યાં સુધી કામે ન ચઢવું.

૨. ‘લૉક આઉટ’ ચાલે છે તે દરમ્યાન કોઈપણ પ્રકારનું તોફાન નહિ કરવું, મારામારી નહિ કરવી, લૂંટફાટ નહિ કરવી, માલિકોની મિલ્કતને નુકસાન નહિ કરવું, ગાળાગાળી નહિ સંભળાવવી અને શાન્તિથી રહેવું.

આ પ્રતિજ્ઞા પરમેશ્વરને સાક્ષી રાખીને સૌને લેવાનું કહેવામાં આવતું, અને આખી સભામાં એક પણ જણ એવો ન હતો કે જે સભાના એક અવાજમાં પોતાનો અવાજ નહિ ભેળવતો. કામ પર ન ચઢવાની પ્રતિજ્ઞાથી સંભવનારા દુઃખ સંબંધે ઈસારો કરીને મહાત્માજી બોલ્યા હતા:

“આજે લૉક આઉટનો પાંચમો દિવસ છે. તમારામાંના કોઇક ધારતા હશે કે આઠ દિવસ પંદર દિવસ આ દુઃખ સહન કરી લઇશું, એટલે બધું ઠીક થઈ જશે. હું તમને ફરીથી કહું છું કે આપણે ભલે આશા રાખીએ કે થોડા દિવસમાં આ કામ પૂરું થઈ જશે, પણ તેમ આશા રાખતા છતાં એવો મક્કમ વિચાર રાખશું કે આપણી આશા પાર ન પડે તો મરશું ત્યાં સુધી કામ પર જોડાશું નહિ. મજુરો પાસે પૈસા નથી પણ પૈસાના કરતાં વધારે સારૂં ધન, એના હાથ, હિંમત અને ખુદાનો ડર છે. કોઈ વખત એવો આવશે કે તમે ભૂખે મરો તો ભરોસો રાખજો કે તમને ખવડાવીને અમે ખાઈશું, તમને ભૂખ્યા મરી જવા નહિ દઇએ.”

કેટલાક મજુરોએ ૩૫ ટકા બહુ ઓછા છે એમ કહ્યું તેમને ઉદ્દેશીને મહાત્માજી બોલ્યા હતા :

“કેટલાક ભાઈઓ કહે છે કે આપણે ૩૫ ટકાથી વધારે માગી શકીયે છીયે. હું તો કહું છું કે તમે ૧૦૦ ટકા પણ માગી શકો છો. પણ તમે તેટલું માગવા જાઓ તો તે અન્યાય જ કહેવાય. હાલના સંજોગોમાં તમે જેટલું માગ્યું તેથી જ તમે સંતોષ માનો. તમે આથી વધુ ઈચ્છશો તો મને દર્દ થશે. કોઈ પણ જણની પાસે આપણે ગેરવાજબી માગણી નથી કરી શકતા; અને ૩૫ ટકાની માગણી જ વાજબી છે એમ મને લાગ્યું છે.”

બીજે દિવસે એ જ સંબંધે તેઓ નીચે પ્રમાણે બોલ્યા હતાઃ

“તમને સારી સલાહ અને હિંમત આપનારા થોડા મળશે; નાહિંમત કરનારા ઘણા મળશે, અને તેમાં તમારા મિત્રો પણ આવી જાય. ખુદાનું નામ લઈને જેટલું મળે તેટલું લઈ લેવું એવું કહેનારા ઘણા મળશે. આમાં મીઠાશ બહુ છે, પણ ખરી રીતે તે બહુ કડવી સલાહ છે. આપણે ખુદા સિવાય બીજા કોઈની પાસે લાચારી ભોગવવાની નથી. પૈસા ન હોય તોપણ લાચારી ભોગવવાની નથી. કારણ હાથ અને પગ આપણી સૌની પાસે છે. એ વાપરશું તો જ આપણે આપણું પોતાનું રાજ્ય ભોગવી શકવાના છીએ. આપણા માલિકોની સાથે સારી રીતે રહી શકીએ તે ખાતર પણ આપણે દૃઢ રહેવાની જરૂર છે. જે સંજોગોમાં આપણે મુકાયેલા છીએ તે સંજોગોમાં આપણે માલિકને કહેવું જોઈએ કે તમારું આટલું દબાણ અમે ખમી શકવાના નથી. મારી સલાહ લો કે બીજાની લો, તોપણ આ બાબતમાં મારી મદદ વિના કે બીજા કોઈની મદદ વિનાયે તમે જીતી શકશો. હું અને બીજા એક લાખ જણા આવશું તોપણ તમને જીત નથી મળવાની. તમારી છતનો આધાર તમારી ઉપર રહે છે, તમારી ઈમાનદારી ઉપર રહે છે, તમારા ખુદા ઉપરના ભરોસા ઉપર રહે છે, તમારી હિંમત ઉપર રહે છે. અમે તો માત્ર તમારા ટેકારૂપ છીએ, ઉભા તમારે જ રહેવું પડશે. વગર લખાણે, વગર બાલે જે કસમ ખાધા છે તેને તમે વળગી રહેશો, અને જીત તમારી જ છે. ”

છઠ્ઠા દિવસની પત્રિકામાં તેઓને સત્ય, હિંમત, ન્યાયબુદ્ધિ, વફાદારી, સહનશીલતા અને ઈશ્વરશ્રદ્ધા-આટલા ગુણો પ્રતિજ્ઞા પાલનને અર્થે કેળવવાની જરૂર છે એમ બતાવ્યું છે. એ પત્રિકાનું વિવેચન કરતાં એઓ બોલ્યા હતા:

“આપણે પહેલાંથી હારીને બેસી ગયા હોત તો મારે તમારી પાસે આવવાનું ન હતું, અનસૂયા બ્હેનને તમારે ત્યાં આવવાપણું ન હતું, પણ તમે તો લડત માંડવાનો નિશ્ચય કર્યો. આ વાત આખા હિંદુસ્તાનમાં ફેલાઈ છે. વખત થતાં દુનીયા જાણશે કે અમદાવાદના મજુરોએ તો ખુદાને દરમ્યાન રાખીને એવા કસમ લીધા છે કે અમુક વસ્તુ ન મળે ત્યાં સુધી અમે નોકરી ઉપર ન ચઢીએ. તમારાં બાળકો ભવિષ્યમાં આ ઝાડ જોઇ કહેશે કે આ ઝાડની નીચે અમારાં માબાપોએ ખુદાને દરમ્યાન રાખીને આકરા કસમ લીધા હતા. તમે જો એ કસમ ન પાળો તો તમારાં બાળકો તમારે માટે શું ધારશે ? તમારા ઉપર તમારાં બચ્ચાંની આશા રહેલી છે. હું તમને ચેતવણી આપું છું કે ખબરદાર, કોઈ પણ મજુરે, કોઈ પણ જણ સમજાવીને એ કસમ છોડવાનું કહે તોપણ એ કસમ ન છોડવી; મક્કમપણે તમે કસમને વળગી રહેજો. તમને ભૂખે મરી જવું પડશે, તો પણ તમે કહેજો કે ખુદાને દરમ્યાન રાખીને અમે કસમ લીધા છે તે ગાંધીને ખાતર નથી લીધા, પણ ખુદાને ખાતર લીધા છે. તમે યકીન રાખીને કસમ પાળજો, લડત લડજો. હિંદુસ્તાન એમ જોશે કે મજુરો જમીનદોસ્ત થવાને તૈયારી ઉપર હતા, પણ કસમ મૂક્યા નહિ. તમે એ પત્રિકાઓ ગોખી રાખજો, અને તે કસમ સમજણપૂર્વક પાળજો. એમ ને એમ ગેાખી રાખ્યામાં કાંઇ માલ નથી. કુરાને શરીફ અને ગીતા ઘણાને પોપટીયારીતે માઢે હોય છે, ગીતા અને તુલસીદાસ પણ મોઢે હોય છે, પણ મોઢે કરવું બસ નથી. મોઢે કરીને તે પ્રમાણે વર્તશો તો ખાતરી રાખજો કે પાંત્રીસ ટકાના પોણી પાંત્રીસ ટકા આપનાર કોઈ નથી.”

સાતમા દિવસની પત્રિકામાં મજુરોએ પોતાના નવરાશનો વખત શી રીતે ગાળવો તેની ઉપર કેટલાક સામાન્ય પણ સચોટ ઉદ્‌ગારો છે. લડત વધુ લંબાશે, અને કેટલાકને ભૂખમરો વેઠવાનો પણ કદાચ વખત આવશે, તો તે વખતે તેમની પાસે તેમણે કદિ ન કરેલી એવી મજુરી પણ કરાવવી પડશે; તે કરવાને માટે તેઓમાં કોઈપણ પ્રકારના ધંધા માટે માન પેદા થવું જોઇએ એ વિચારથી એ ઉદ્‌ગારો નીકળેલા છેઃ “જે ધંધાની માણસમાં જીવનને સારૂ જરૂર છે, તે ધંધામાં નીચઉચ્ચપણાનો તફાવત હોય જ નહિ. તેમ જ આપણે જાણતા હોઈએ તે સિવાય બીજો ધંધો કરવામાં શરમ પણ ન હોય. અમે તે માનીએ છીએ કે કપડાં વણવાં અને પથ્થર ફોડવા અથવા લાકડાં વ્હેરવાં કે ફાડવાં, કે ખેતરમાં મજુરી કરવી એ બધા જરૂરના અને માન આપવા લાયક ધંધા છે.” પત્રિકામાંના આ જ ઉદ્‌ગારો ઉપર વિવેચન કરતાં એક એટલો જ સત્ય અને સચોટ ઉદ્‌ગાર મહાત્માજીએ કાઢેલો તે અહીં નોંધવા યોગ્ય છેઃ “પત્થર ફોડવામાં જે ગરમી અને તાકાત આવે છે તે કલમ પકડવામાં નથી આવી શકતી.”

મજુરોને સામાન્ય વર્તન બાબતની આટલી સૂચનાઓ આપ્યા પછી તેઓની પોતાના સલાહકારોમાં શ્રદ્ધા અચલ રહે તે માટે ૮મા દિવસની પત્રિકા ઘડવામાં આવી છે. આ પત્રિકામાં અમુક શરતે સલાહકારો, મજુરો માટે શું શું કરવાને બંધાયેલા છે તે બાબત વચનો છે. એ ‘પ્રતિજ્ઞા લેખ’ મજુરોને અર્પણ કર્યા પહેલાં મહાત્માજી બોલ્યા હતાઃ “અત્યાર સુધી અમે મજુરોની પ્રતિજ્ઞા અને મજુરોએ શું કર્યું તે ઉપર વિવેચન કર્યું. અમારી શી પ્રતિજ્ઞા છે, અને અમે શું કરવાના છીએ તે હવે અમારે તમને લખી આપવાનું રહે છે. અમારી પાસેથી તમારે શી આશા રાખવાની છે, ઈશ્વરને દરમિયાન રાખીને શી શી વાત કરીએ છીએ તે અમે તમને કહીશું. જ્યારે જ્યારે અમને ભૂલો કરતા તમે જોશો અથવા પ્રતિજ્ઞા પાળવામાં કચાશ રાખતા જોશો ત્યારે ત્યારે તમે અમારાં વચનો અમારી સમક્ષ મુકી શકશો અને અમને ઠપકો આપી શકશે.” આ પત્રિકામાં આપણું ખાસ લક્ષ ખેંચતા ઉદ્‌ગારો આ છે. “અમે માલિકનું બૂરૂં કરી કે ઈચ્છી ન શકીએ અને અમારા દરેક કાર્યમાં તેઓના હિતનો વિચાર રહે જ છે. માલિકોનું હિત જાળવીને અમે મજુરોનું હિત સાધીએ.” આ લડત માલિકોને કનડગત કરવાની નથી, પણ પોતાનું હિત સાધતાં તેમનું પણ હિત સાધવાની છે, એ આવા જે જે પ્રસંગ મળ્યા છે તે તે પ્રસંગોએ મજુરોને હસાવવાની મહાત્માજીએ તક લીધી છે. આ પ્રતિજ્ઞા લેખમાં રહેલી પ્રત્યેક પ્રતિજ્ઞા અક્ષરશઃ પળાઈ હતી એ આપણે આગળ જોઈશું, અને ત્યારે આપણને જણાશે કે તેમાંની નીચેની પ્રતિજ્ઞા તો ઇતિહાસમાં કદિ ભૂલાવાની નથીઃ “આ લડતમાં જેઓ ભૂખે મરવાની સ્થિતિમાં આવી જશે ને જેઓને કાંઈ કામ મળી નહિ શકે તેવાઓને ઓઢાડવા પછી અમે ઓઢીશું, તેઓને ખવડાવીને અમે ખાઈશું.”

આ પછી પત્રિકાઓનું સ્વરૂપ બદલાય છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે મીલમાલિકો થોડા દિવસ મજુરોની કસોટી કાઢીને તેમને માગ્યા ભાવે નોકરી ઉપર લઈ લેશે, એટલે મજુરો જે બીજી મજુરી માગવા આવતા હતા તેમને પણ ખામોશ પકડવાની સૂચના કરવામાં આવતી હતી, સમજાવવામાં આવતું હતું. આવી રીતની અધીરાઈથી એમ મનાશે કે મજુર મીલમાલિકોની નોકરી કદિ પણ સ્વીકારવા માગતા જ નથી, અને તેથી માલિકોનો તેમણે દ્વેષ કર્યો કહેવાશે. મજુરી પણ બિચારા ખામોશ પકડીને બેઠા હતા, અને શાન્તિ રાખવાની સૂચના શબ્દેશબ્દ પાળતા હતા. એવે સમયે એવું જણાવા લાગ્યું કે મીલમાલિકો પોતાની ૩૫ ટકા આપવાની અશક્તિને લીધે નહિ, પણ કેવળ હઠને લઇને મજુરોની માગણી નથી સ્વીકારતા. મજુરો આ વખતે ફાવશે તો હમેશને માટે તેઓ ત્રાસ આપતા થઈ જશે, અને તેમના સલાહકારોનું સાલ હમેશને માટે પસશે. આ વિચારને લઈને તેઓએ આ હઠ ધરી હતી. આ હઠમાં રહેલા ભય અથવા ભ્રમનું નિરસન નવમા દિવસની પ્રતિજ્ઞામાં બહુ સુંદર રીતે કરવામાં આવ્યું છે. “માલિકોને ડર છે કે મજુરોને માગ્યું આપવાથી મજુરા ઉદ્ધત બને. આ ડર પાયા વિનાનો છે. મજુરો કદાચ આજે દબાય તો પણ પોતાનો લાગ શોધી ઉદ્ધત બને એ અસંભવિત નથી. દબાયલા મજુરો વેરભાવ રાખે એવો પણ સંભવ છે. દુનીયાની તવારીખ બતાવે છે કે મજુરો જ્યાં જ્યાં દબાયા છે ત્યાં ત્યાં તેઓ સામે થયા છે. માલિકો એમ માને છે કે મજુરોની માગણી સ્વીકાર્યાથી તેઓના સલાહકારની અસર તેઓના ઉપર વધશે. જે સલાહકારોની દલીલ સાચી હશે, તેઓ મહેનતુ હશે, તો મજુરો હારે કે જીતે છતાં સલાહકારોને તેઓ છોડવાના નથી. અને વધારે ધ્યાનમાં રાખવાનું તો એ છે કે સલાહકારો મજુરોનો ત્યાગ કરવાના નથી. જેઓએ સેવા ધર્મ સ્વીકાર્યો છે તેઓ તે ધર્મ સ્વામીની ઇતરાજી થતાં પણ છોડવાના નથી. જેમ તે નિરાશ થશે તેમ સેવામાં તે વધારે પરાયણ થશે. એટલે ગમે તે પ્રયાસો કરે તોપણ માલિકો સલાહકારોને મજુરોના સહવાસમાંથી દૂર નહિ કરી શકે.” સલાહકારો અને મજુરો વચ્ચેના ચિરસ્થાયી સંબંધની આ પ્રમાણે માલિકોને ચેતવણી આપીને મહાત્માજી હવે પછીની પત્રિકામાં માલિકોની સ્થિતિનું વિવેચન કરવાનો પ્રારંભ કરે છે. આ અને આ પછીની કેટલીક પત્રિકાઓ કેવળ મજુરોને માટે જ નહિ પણ મીલમાલિકો માટે પણ પ્રયોજાયેલી છે. તેનો, હેતુ મીલમજુરોને જ માત્ર કેળવવાનો નહિ હોઈ, બની શકે તો મીલમાલિકોની પણ બુદ્ધિ ફેરવવાનો છે.

નોકર અને શેઠ વચ્ચેનો સંબંધ એકબીજાના સ્વાર્થ ઉપર બંધાયેલો હોવાને બદલે એક બીજાના સુખ ઉપર બંધાયેલો હોવો જોઇએ — આપલેના ધોરણ ઉપર ન બંધાયેલો હોઈ પરસ્પરની લાગણી ઉપર બંધાયેલો હોવો જોઈએ, એ વિચારો મહાત્માજીએ ઘણાં વર્ષો ઉપર ‘ઈન્ડિયન ઓપિનિયન’ માં રસ્કિનના Unto this Last પુસ્તક ઉપરથી લખેલા ‘સર્વોદય’ નામના લેખમાં પ્રગટ કરેલા. તે જ વિચારો કાળ જતાં વધારે પાકા થયેલા એટલે વધારે સરળ, સીધી અને જોરદાર ભાષામાં આ પત્રિકાઓમાં બતાવવામાં આવ્યા છે. નીચેના શબ્દોમાં રહેલો હૃદયસ્પર્શી અને વિવેકપૂર્ણ આગ્રહ કોને અસર કર્યા વિના રહી શકે ? “મજુરોની સામે માલિકોની એકત્રતા એ કીડીઓની સામે હાથીઓનું મંડળ ઉભું કર્યા બરાબર છે. ધર્મનો વિચાર કરતાં માલિકોએ મજુરોની સામે થતાં થરથરવું જોઇએ. મજુરોનો ભૂખમરો એ માલિકોનો લાગ છે, આવો ન્યાય હિંદુસ્તાનમાં પૂર્વે માણસોએ સ્વીકાર્યો હોય એમ જણાતું નથી. અમે તો નિશ્ચયપૂર્વક આશા રાખેલી છે કે આ ગરવી ગુજરાતની રાજધાનીના શ્રાવક અથવા વૈષ્ણવ ધર્મ સ્વીકારનારા માલિકો મજુરોને નમાવવામાં, તેઓને હઠપૂર્વક ઓછું આપવામાં, કદિ પોતાની જીત સમજશે નહિ.”

આ પછીની પત્રિકામાં એકએકના સ્વાર્થની ઉપર બંધાયેલા રાક્ષસી સંબંધથી કેવાં વિપરીત પરિણામો આવ્યાં છે તે બતાવ્યું છે. એ બતાવતાં દક્ષિણ આફ્રિકાની લડતનો એક મનોરમ પ્રસંગ મહાત્માજીએ મજુરોને કહી બતાવ્યો છે અને તેવે પ્રસંગે તેઓનું વર્તન કેવું હોવું જોઈએ તેની સૂચના કરી દીધી છે. પત્રિકા ઉપર વિવેચન કરતાં બોલ્યા હતા કે જેવી રીતે દક્ષિણ આફ્રિકામાં આપણા મજુરોએ યુરોપીયન કામદારોની હડતાળથી મુશ્કેલીમાં આવેલી આફ્રિકન સરકારની ભીડનો લાભ ન લેતાં, પોતાની લડત બંધ કરી સરકારને મદદ કરીને જગત્‌માં જશ લીધો હતો તે જ પ્રમાણે મીલમાલિક ઉપર કાંઈ અચિંતી આફત આવી પડે તો તેનો લાભ લઈ તેમની કનડગત ન કરતાં તેમની મદદે આપણે ધાવું જોઈએ.

અત્યાર સુધીના ઉપદેશની મીલમજુરો ઉપર શી અસર થઈ હતી તે જરા તપાસી જઈએ. જ્યારે હડતાળ પડી ત્યારે અમદાવાદ શહેરમાં સ્થળે સ્થળે ત્રાસ વર્તી રહ્યો હતો. સૌના મનમાં હંમેશ ડર રહેતો કે ખીજાયલા મજુરો રસ્તામાં તોફાન કરશે, ચોરી કરશે, મારફાડ કરશે, હુલ્લડ હુમલા કરશે. પણ આ દશ દિવસમાં તેઓએ આમાંનું કશું ન જોયું; એટલે પ્રજા પણ વિસ્મિત થઈ. જીલ્લાના કલેક્ટર જેમને એ અરસામાં મહાત્માજી મળ્યા હતા તેમણે પણ મજુરોના વર્તન વિષે સાનંદાશ્ચર્ય જાહેર કરીને કહેલું કે આવી રીતની સલાહશાંતિથી લડાતી લડત મેં બીજે ક્યાંય જોઈ નથી એટલું જ નહિ, પણ તે વિષે સાંભળ્યું પણ નથી. દરરોજ સાંજના શાહપુર દરવાજા બ્હાર ચાર સાડા ચાર વાગ્યાથી બાવળના ઝાડ નીચે મજુરોની મેદની થતી હતી. લાંબે છેટેથી આવતાં તેઓને કંટાળા ન હતો. દરરોજ પ્રસિદ્ધ થતી પત્રિકા તેઓ ઉત્સાહથી વાંચતા અને પોતાના ન ભણેલા ભાઈઓને વાંચી સંભળાવતા. મહાત્માજી, અનસૂયા બહેન, ભાઈ બૅંકર વગેરે તેમના સલાહકારો દર સાંજે આવતા તેમને વધાવી લેતા; હજારોના ટોળામાંથી શાંતિપૂર્વક માર્ગ આપતા; મહાત્માજીના ભાષણ અને પત્રિકાવાચન વખતે અપૂર્વ શાંતિ જાળવતા અને ભાષણને અંતે પોતાનો નિશ્ચય એવી તો મનોહર રીતે દરરોજ પ્રગટ કરતા કે રોજ રોજ આ મેળાવડાઓ જોવા આવતાં બ્હારનાં માણસોની સંખ્યા વધતી ગઈ. એ મેળાવડા જે નાનાં મોટાંએ જોયા છે તેઓની સ્મૃતિમાંથી તે કદિ ખસનાર નથી. મોટે ભાગે અભણ મજૂરવર્ગમાંથી ચાલી રહેતો પ્રસંગોચિત છતાં રોજ રોજ નવી નવી ગઝલો અને દુહાઓનો પ્રવાહ માણસને આશ્ચર્યમાં લીન કરે એવો હતો. એમાંના ઘણાક, પ્રસંગને ઉદ્દેશીને બનાવેલાં ‘જોડકણાં’ હતાં એમ કોઈ કહેશે; પણ એ જોડકણાંમાં રહેલો ભાવ, આગ્રહ અને નિશ્ચય તથા કૃતજ્ઞતા વિષે તો બે મત થઈ શકે એમ નથી. આ ‘જોડકણાં’ માંનું એક આ લેખને મથાળે જ આપ્યું છે. મુસલમાન મજુરોના કેટલાકના લાગણીભર્યા ઉદ્‌ગારોની કાંઈ ઓછી અસર થઈ નહિ હોયઃ “ઐસા સંપ આયંદા ન કદિ હોગા, ન કદિ હુઆ થા. મહાત્મા ગાંધી ઐસે ઝાડ હૈ, જીનકી શાખેં સારે હિંદુસ્તાન મેં ફૈલી હુઈ હૈ. અપની પાબન્દી, અપની ઈજ્જત, અપની આનબાન પર કાયમ રહીએ. જહાં તક મુમકીન હો ઈત્તેફાક કભી તોડીએ મત; તોડનેકા ખ્યાલ ભી મત લાઈએ. અપના ખેરખ્વાહ બને હૈ ઉનકી દામન કભી છોડના મત. અપને સરતાજ જો અપની હમદર્દી મેં શામિલ હૈ ઉનકે નામકો ધબ્બા ન લગના ચાહીએ. અપને સરતાજકી બગર કામ પર જાના નહિ. જો વે ફર્માવેં કિ મુફ્ત કામ પર જાના તો મુફ્ત જાના. અપની તો ક્યા ઈજ્જત ગઇ, અપને સરતાજ જિનોને અપની હમદર્દી પર કમ્મર–બન્ધી બાંધી હૈ ઉનકો માનના.” દિવસો જતાં મજુરોના કેટલાક ઉદ્‌ગારો તો પ્રચલિત થઈ ગયા, અને “અરે ડરો મત ગેબી મદદગાર હૈ યહાં,” “અગર મરે ભૂખે તો મરહી જાના જાનસે; લાઝિમ હૈ ન બદલે અપને ઈમાન સે” એવાં એવાં વચનો તો હજી લોકો નથી ભૂલ્યા. મજુરોના ઉદ્‌ગાર માત્ર એમ બતાવી આપતા હતા કે રસ્કિન જેને Roots of honour કહે છે, અને જેને ‘સર્વોદય’માં મહાત્મા ગાંધીજીએ ‘સાચનાં મૂળ’ કહ્યાં છે, તે સાચનાં મૂળ, આ ગરીબ વર્ગમાં બીજા વર્ગના કરતાં બહુ ઉંડાં છે.

અહીં પ્રસંગોપાત કહી લેવું જોઈએ કે આવી શાંત, રસભરી રીતે કામ ચાલી રહેલું હતું તેમાં પણ જાણે અજાણે સામા પક્ષને જરાએ માઠું ન લાગે એવું કાંઈ પણ ન બોલવામાં આવે કે કરવામાં આવે તેની મહાત્માજી બહુ કાળજી રાખતા. એક વાર એક શિઘ્ર કવિ મજુરે બહુ ઉત્સાહમાં આવી જઈ પોતાના દુહામાં મીલોના સંચાઓની હાંસી કરી, મીલમાલિકોની ખૂબ મજાક–કંઇક તિરસ્કારયુક્ત મજાક–કરી હતી, તેને મહાત્માજીએ આ પ્રમાણે કહ્યું હતું:

“સંચાઓને તમે ‘ખાલી ખોખાં’ કહીને હાંસી કરો છે તે વાજબી નથી, એ સ્થૂલ સંચાએ તમારું કાંઈ બગાડ્યું નથી. એમાંથી જ તમને એક વાર રોજી મળતી હતી. આપણા કવિઓને હું કહીશ કે આપણે કડવા ઉદ્‌ગાર નથી કાઢવાના, આપણે શેઠીયાઓ ઉપર કોઈ આક્ષેપ નથી કરવાના. શેઠીયાઓ આપણા વડે મોટરમાં મ્હાલે છે તે કહેવાથી કાંઈ વળતું નથી. એ કહેવામાં આપણી કિંમત ચાલી જાય છે. હું તો કહું છું કે બાદશાહ જ્યૉર્જ પણ આપણે પ્રતાપે રાજ્ય ચલાવે છે. પણ તેમ કહેવામાં આપણી કિંમત રહેતી નથી. અમુક માણસ નઠારા છે એમ કહેવાથી આપણે સારા નથી ઠરવાના. જે માણસ બુરૂં કરે છે તેને જોનાર ઉપર બેઠેલો છે. તે તેને સજા આપે છે; આપણે કોણ ન્યાય આપનારા ? આપણે તો એટલું જ કહીએ કે તેઓ ૩૫ ટકા નથી આપતા એ જ તેમની ભૂલ છે.”

એક દિશામાં જ્યારે આ પ્રવાહ ચાલી રહ્યો હતો ત્યારે બીજી દિશામાંથી એ પ્રવાહને રોકવા માટે પણ તૈયારીઓ કમી નહોતી થતી. બહુ વિગતમાં ઉતર્યા વિના એટલું જ કહીશું કે મજુરોને બગાવવાની, ફોસલાવવાની, અનેક તજવીજ માલિકોના પક્ષ તરફથી થતી હતી. મજુરોમાં જે લોકોની ઉપર આ દબાણની તાત્કાલિક અસર થતી તેઓ પણ પોતાના મનનો ગુંચવારો દૂર કરવા આવ્યા વિના તો અવિચાર્યું પગલું ન ભરતા. આ લોકોને વધારે અડગ બનાવવા માટે બારમા દિવસની પત્રિકામાં સત્યાગ્રહીઓના કેટલાક આધુનિક દાખલાઓ મહાત્માજીએ વર્ણવ્યા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડત કદિ ન વાંચવા જનારા મીલમજુરોને આમ અનાયાસે ત્યાંના વીરોનું પિછાન કરાવી દેવામાં આવ્યું. એ વીરોનાં પરાક્રમનું એવી તો અસરકારક રીતે બયાન આપવામાં આવતું હતું કે વિચારવંત સાંભળનાર તેમનાં દૃષ્ટાંત કદિ નહિ ભૂલે. રબતસિંગ, કાછલીયા, અને વાલીયામા વિષે પત્રિકામાં લખ્યું છે તે ઉપરાંત વિવેચન કરતાં તેઓ બાલ્યા હતાઃ “આ ત્રણે જ્યારે જેલની અંદર ગયાં અને સરકારની સામે ઝઝૂમ્યાં ત્યારે તેમને પગાર લેવાનો ન હતો. આ ભાઈ બ્હેનોને કર નહોતો આપવાનો. કાછલીયા તો મોટા વેપારી હતા. તેમને કર નહોતો આપવો પડતો. રબતસિંહ કર આપવાના કાયદા પહેલાં આવ્યા હતા એટલે તેમને પણ કર નહોતો આપવાનો. વાલીયામા જે જગાએ રહેતી હતી ત્યાં એ કરનો કાયદો લાગુ પડ્યો નહોતો. છતાં ટેકની ખાતર એ લોકો સૌની સાથે ઝઝૂમ્યાં. તમારી તો સ્વાર્થની લડાઈ છે. એટલે તમારે તે ટકી રહેવું વધારે સ્હેલું છે. આ વિચાર તમને બળ આપો અને દૃઢ બનાવો.” તેરમા દિવસની પત્રિકામાં આ વીરોને જે આફત પડી હતી તેનું વધારે હૃદયવેધક વર્ણન આપ્યું હતું: “૨૦૦૦૦ મજુરો લગભગ ત્રણ માસ સુધી ઘરબાર વિના અને પગાર વિના રહેલા. ઘણાએ પોતાનો થોડોઘણો માલ હતો તે પણ વેચી નાંખેલો. પોતાનાં ઝૂંપડાં તજ્યાં, પોતાનાં ખાટલા, ગોદડાં, જાનવરો વેચી નાંખ્યાં, અને કુચ કરવા નીકળી પડ્યા. તેમાંના સેંકડોએ કેટલાક દિવસ સુધી વીસ વીસ માઇલની મજલ કીધી અને માત્ર પોણા શેર આટાની રોટલી અને અઢી રૂપીઆભાર ચીની ઉપર પોતાના દિવસો ગુજાર્યા. આમાં હિંદુ પણ હતા, મુસલમાન પણ હતા. × × × એ જ લડાઈની અંદર જે સ્ત્રીઓએ કોઈ દિવસ મજુરી નહિ કરી હતી તે સ્ત્રીઓ ફેરી કરવાને નીકળી હતી અને જેલની અંદર ધોબણનું કામ કર્યું હતું. આ દાખલાઓનો વિચાર કરતાં એવો કયો મજુર આપણામાં હશે કે જે પોતાના ટેકને જાળવવા ખાતર સાધારણ અગવડ સહન કરવાને તૈયાર ન હોય ?” આવી રીતે સાદી સરળ ભાષામાં દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ મજુરોની સમક્ષ ઉકલતો હતો, અને આડકતરી રીતે પત્રિકા વાંચનાર સામાન્ય વર્ગની પણ જ્ઞાનસમૃદ્ધિમાં વૃદ્ધિ થતી હતી.

મજુરોમાં પણ હાડમારી વધતી જતી હતી. ઘણા હવે મજુરી મેળવવા માટે તત્પર થવા લાગ્યા હતા. મજુરોની હાડમારી જોઇને ઘણીવાર કેટલાક મિત્રોને એમ થઈ આવતું કે મજુરોને જોઇએ તેટલી આર્થિક સહાય આપવી. બહાર ગામથી પણ અનેક મિત્રોના મજુરો માટે ફંડ ઉભું કરવા માટેના પત્રો આવતા હતા. કેટલાકોએ તો પૈસા મોકલવાની માગણી પણ કરી હતી. પણ આ સૌ મહાત્માજીએ ન લેખ્યું. કારણ સ્પષ્ટ હતું. વારંવાર આ સૌ હિતૈષીઓને મહાત્માજી કહેતા કે ‘મજુરોને તમે પૈસા આપીને સત્યાગ્રહ કરાવશો, અથવા તમે પૈસા આપીને તેમને ટકાવી રાખશો એવી આશાથી જ મજુરો આ લડતમાં પડ્યા હશે તો તેમાં સત્યાગ્રહનો અર્થ શો ? સત્યાગ્રહનું મહત્ત્વ શું ? સત્યાગ્રહનું રહસ્ય જ દુ:ખ પડે તે રાજીખુશીથી ખમી લેવામાં રહેલું છે. સત્યાગ્રહી જેટલું દુ:ખ વધારે ખમે તેટલી તેની વધારે કસોટી થાય છે’ મજુરોને રોજ રોજ સભાઓમાં અને બહાર એમ સમજાવવામાં આવતું હતું કે ‘તમે પરસેવો પાડીને પૈસા રળ્યા છે તે કદિ કોઈની પાસે મફત પૈસો લેવા હાથ લાંબો ન કરશો. એમાં તમારી ઇજ્જત નથી; તમે પારકા પૈસાના જોરે લડ્યા એમ કહીને જગત્ તમારી હાંસી કરશે.’ મજુરો પણ સમજતા હતા, પણ ઘણાકોને તો ખાવાના પણ સાંસાં હતાં એટલે તેમને પૈસાની મદદ વિના છુટકો ન હતો. આવાઓને માટે કાંઈ કાંઈ કામ શોધવામાં આવ્યાં. સાબરમતી કાંઠે મહાત્માજીનો આશ્રમ બંધાતો હતો. ત્યાં ઇંટો ઉપાડવાનું, રેતી વ્હેવાનું વગેરે કામ જે મજુરો ત્યાં જતા તેમને બતાવવામાં આવતું. પ્રથમ તો મજુરો જરા સંકોચાતા, મજુરી કરવામાં નાનમ સમજતા, પણ પછી પોતે રળીને જ રોટી મેળવવામાં ઈજ્જત સમજી કામ કરવા લાગ્યા.

આ તરફથી શહેરમાં પણ કાંઈક ખળભળાટ ઉત્પન્ન થયો હતો. ઘણાકને થતું હતું કે ‘આ લડતનું શું પરિણામ આવે ? હઠ તો કોઈ છોડતા નથી.’ આથી ઘણાક ગૃહસ્થો અનેક પ્રકારની ‘વિષ્ટિઓ લઇને આવતા. કોઈ કહેતું, હાલ વીસ ટકા લઈ લો, પછીથી તુરત ૧૫ ટકા વધારવામાં આવશે; કાઈ કહેતું, ૨૦ ટકા પગારમાં બોનસ તરીકે અને ૧૫ ટકા મોંઘવારીના દાણા કે અનાજના આકારમાં મજુરાએ લેવા જોઇએ; કોઈ કહેતું મજુરોને વળી પ્રતિજ્ઞા શી? મજુરો તો તમે સલાહ આપો તો પ્રતિજ્ઞા મુકી દઈ ૨૦ ટકા લઈ લે; માલિકો હઠ ન મુકે તો મજુરોએ હઠ મુકવી જોઈએ, કારણ આમાં તો અંતે આખા ઉદ્યોગને નુકસાન છે.’ આવી આવી અનેક સૂચનાઓ અવતી હતી. રા. જીવણલાલ બૅરીસ્ટર એવી જ એક સૂચના લઈને આવેલા. તેમને મહાત્માજીએ બીજે દિવસે નીચે પ્રમાણે પત્ર લખ્યો હતોઃ

સુજ્ઞ ભાઈશ્રી,

‘મને કેમ સમજવવો પડે છે? મારાથી બને તો હું આપ માગો છો તેમ ન કરૂં એવી શંકા પણ કેમ લાવો છો ? મને હઠ હોય જ નહિ. જગત્ ભૂલ ખાય, આપનાથી ખવાય નહિ. હું કરુણાથી ઉભરાઇ રહ્યો છું. આ લૉક આઉટ મને વિનાદ રૂપે નથી. મારાથી બને તેટલું કર્યા કરૂં છું. વહેલામાં વહેલો અંત આવે એવી વૃત્તિ મારી બધી પ્રવૃત્તિમાં, મારાં બધાં કાર્યમાં હોય છે. પણ મિત્રો લંબાવે છે. મને સમજાવવું નિરર્થક સમજી શેઠોને સમજાવો તો? શેઠો ને પડવાપણું નથી. મજુરોના પડવામાં કોણ સારું સમજી લે? શિક્ષિત વર્ગ અને ધનિક વર્ગ વચ્ચે અંતે ખટાશ નહિ રહે એ ખચ્ચિત માનજો. આપણે તકરાર કરવી જ નથી.’

એજ દિવસે મીલમાલિકોના ‘ગ્રુપ’માં ન જોડાનાર અને આખી લડત દરમ્યાન મજુરોને અગાઉના બેનસ આપી પોતાની મીલ ચાલુ રાખનાર શેઠ મંગળદાસ ગિરધરદાસ ઉપર નીચે પ્રમાણે પત્ર લખ્યો હતો:

‘મારી પાસે ઘણા મિત્રો આવે છે ને મને સમજાવે છે કે મારે કોઈપણ રીતે મજુરો અને માલિકોની તકરારનો અંત આણવો જોઈએ. મારા દેહને ભોગે હું અંત લાવી શકતો હોઉં તો લાવું. પણ તેમ અંત આવે તેવું નથી. અંત લાવવો શેઠીયાઓના હાથમાં છે. મજુરો માગે છે તેટલા સારૂ ૩૫ ટકા ન આપવા એવી શી હઠ? મજુરોને હું બધું સમજાવી શકું જ એમ શા સારૂ મનાય છે ? હું કહું છું, કે જે ઉપાયો મેં લીધા છે તે ઉપાયથી જ મજુરો હાથમાં રહી શક્યા છે. હવે હું તેઓની પ્રતિજ્ઞા તોડવાના ઉપાયો રચું ? રચું તો મારું ડોકું ધડથી તેઓ નોખું કાં ન કરે ? મારો ઘણોએ વાંક શેઠીયાઓ કાઢે છે, એમ હું સાંભળું છું. હું નિશ્ચિત છું. મારો વાંક ન હતો એમ કોઈ દહાડો શેઠીયા જ પાછા કબૂલ કરશે. તેઓની સાથે મને ખટાશ થનાર નથી, કેમકે હું ખટાશમાં ભાગ લેનાર નથી. ખટાશને પણ મેળવણી તો જોઇએ જ. મારી પાસેથી મેળવણી નહિ મળે. પણ આપ કેમ ભાગ લેતા નથી ? આપનાથી આવી જંગી લડત જોયા કરાય જ નહિ.’

પણ આ મસલતોનું પરિણામ કાંઈ ન આવ્યું. મહાત્મા ગાંધીજીની પત્રિકા નીકળતી હતી તેની સામે માત્ર પત્રિકા લખવાની જ ખાતર મીલગ્રુપની પત્રિકાઓ પણ નીકળતી હતી. તેમાં આવતી સત્યથી વેગળી હકીકતો અને અઘટિત વાક્યપ્રયોગો વિષે લખી તે પત્રિકાઓને સ્થાયી સ્વરૂપ આપવાની જરૂર નથી. મહાત્મા ગાંધીજીએ પણ તેની અવગણના કરી છે. મજૂરોને કામ પર ચઢવાનું સમજાવવાને, પ્રતિજ્ઞા તોડવાને અનેક તરકીબ થતી; તેઓને ભૂખમરાનો મ્હોટો હાઉ બતાવવામાં આવતો; પણ તેઓ પોતાના સલાહકારો પાસે આવીને તે બાબત ફરીયાદ કરતા અને તરત તેમના મનનું સમાધાન થતું. તા. ૧૨મી માર્ચને દિવસે સ્થિતિમાં ફેરફાર થયો. અત્યાર સુધી તો મીલમાલિકોએ લૉક આઉટ કાયમ રાખેલો હતો એટલે મજુરો કોઈ પણ રીતે કામે ચઢી શકતા ન હતા ૧૨મી તારીખથી લૉક આઉટ રદ થયો, અને ૨૦ ટકા વધારો લઈને આવનારા મજુરો માટે મીલો ખુલ્લી છે એમ કહેવામાં આવ્યું. મહાત્માજીએ તે દિવસથી દર સ્હવારે સભાઓ ભરવાનું ઠેરવ્યું. એટલા જ કારણથી કે સવારનો વખત કામે ચઢવાનો હોઈ નબળા મનના અને અણસમજુ મજુરો ખોટી સલાહથી ભોળવાઈ કામ ઉપર ન ચઢે. લૉક આઉટ બંધ થઇને મીલમજૂરોની હડતાળ જે દિવસથી શરૂ થઇ તે દિવસની પત્રિકામાં મજુરોને જેવો બોધ છે તેવી માલિકોને પણ સ્પષ્ટ શબ્દોમાં સૂચના છે: “મજુરોને ચઢવાનો પોતાના વચનને વળગી રહેવા સિવાય બીજો ઇલાજ છે જ નહિ; અને અમારી તો ખાતરી છે કે આજે તો મીલમાલિકોની ઉન્નતિ પણ મજુરોના કસમ પાળવામાં રહેલી છે. જેઓ પોતાના કસમ નહિ પાળી શકે તેવા માણસો પાસેથી મજુરી લઇને છેવટે તો માલિકો પણ ફાયદો નથી ઉઠાવવાના. ધાર્મિક વૃત્તિવાળા માણસ બીજાની પ્રતિજ્ઞા તોડાવવામાં કદિ રાજી થાય નહિ, કદિ ભાગ લે નહિ.” જેમ મજુરોને કામ પર લેવાના સર્વ પ્રયત્નો સામા પક્ષ તરફથી થવા માંડ્યા તેવા મજુરોના પક્ષોથી મજુરોને ટકાવી રાખવાના પણ પ્રયત્નો થવા માંડ્યા. મજુરોમાંના કેટલાક અતિ ઉત્સાહીઓ નબળાઓની ઉપર કાંઈક દબાણ ચલાવીને પણ તેમને કામ ઉપર ચંઢતાં રોકે છે એવી ફરીયાદ મહાત્માજીને કાને આવી. મહાત્માજી આ તો સાંખી શકે એમ હતું જ નહિ. તેઓ કહેતા જ આવ્યા હતા કે મજુરોના હૃદયની ઉપર, મજુરોની લાગણી ઉપર અસર કરીને તમે તેને ટકાવી રાખો, તેમના ઉપર જુલમ કરીને નહિ. તુરત અતિશય પ્રમાણિકપણાથી ઉભરાતી પત્રિકા બીજે દિવસે કાઢવામાં આવી. “મજુરોની લડતનો આધાર કેવળ તેઓની માગણીના અને તેઓના કાર્યના ન્યાયની ઉપર રહેલો છે. જો માગણી ગેરવાજબી હોય તો મજુરો જીતી ન શકે. માગણી વાજબી હોય પણ માગેલું મેળવવામાં અન્યાય વાપરે, જૂઠું બોલે, ફિસાદ કરે, બીજાઓને દબાવે, આળસ કરે અને તેથી સંકટ ભોગવે તોપણ તે હારી જાય.”

પણ કંઈક આ પત્રિકાથી, તો કંઈક રોજરોજ ઉભા થતા સંજોગોને લીધે અણધાર્યું પરિણામ તૈયાર થતું હતું. આ પત્રિકાની અસર અતિ ઉત્સાહીઓ ઉપર કંઈક વિપરીત થઈ. ઘણાકોને તો મજુરોને અટકાવી રાખવાના પોતાના પ્રયત્નો માટે સાબાશી મળવાની આશા હતી તેમને કંઇક આઘાત પહોંચ્યો. મૂળ અણસમજુ વર્ગ એટલે કેટલાકને આ નિખાલસ સલાહથી માઠું લાગ્યું. તેઓ તો નબળા મજુરોને કહેવા લાગ્યા કે જેને જવું હોય તે જાઓ, માર્ગ ખુલ્લો છે, કોઇએ રોકી નથી રાખ્યા. જેઓ નૈતિક દબાણ વાપરતા હતા તેઓ નૈતિક દબાણ શિથિલ કરવા લાગ્યા. આથી ઘણા મજુરોનાં મન ફેરવાયાં. કોઈ કેમ બોલવા લાગ્યા, કોઈ કેમ બોલવા લાગ્યા. મજુરોની રોજની મુલાકાત લેવાને બ્હેન અનસૂયા, ભાઈ શંકરલાલ બૅંકર અને ભાઈ છગનલાલ ગાંધી નિયમિત જતા જ હતા. જે મજુરોને મજુરી કરવાનું મન હતું તેઓ આશ્રમમાં આવીને મજુરી કરી પોતાની મજુરી મેળવતા હતા. પણ કેટલાક ખોટ્ટા પણ હતા. તેવાઓને મન માં એમ થયા કરતું કે, ‘આપણે નકામા તણાઇયે છીયે. પ્રતિજ્ઞાથી કશું વળવાનું નથી. પ્રતિજ્ઞાઓ તો ખોટાં હવાતીયાં છે. ભૂખમરો આવ્યો છે, મજુરી થતી નથી, મફતની સલાહ આપનારને કાંઈ દુ:ખ છે ? દુ:ખ આપણને છે.’ પેલી તરફ મીલમાલિકો પોતાનાં હૈયાં વજ્ર જેવાં કરવા લાગ્યા હતા. ૩૫ ટકા ન જ આપવા એવી હઠમાં તેઓ વધારે દૃઢ થતા જતા હતા, અને મજુરોનો નિશ્ચય તોડવાને માટે પોતાનાં માણસો રાખ્યાં હતાં. આમ બાવીસ દિવસ વીતી ગયા હતા. ભૂખમરા અને મીલમાલિકોના જાસુસો પોતાનું કામ કર્યે જતાં હતાં, અને શયતાન તેમનાં કાનમાં ગગણતો હતો કે ‘દુનીયા ઉપર ગરીબનો બેલી ઈશ્વર જેવું કાંઈ નથી અને પ્રતિજ્ઞાઓ તે ન ફાવતાંનાં મનામણાં છે’ એક દિવસ ભાઈ છગનલાલ, જુગલદાસની ચાલીમાં રહેનારા મજુરોને સવારની સભામાં આવવાની વિનંતિ કરતા હતા તેમને આવા જ કાંઈક ઉદ્‌ગારોથી કેટલાક મજુરોએ વધાવી લીધાઃ “ગાંધીજી અને અનસૂયા બહેનને શું છે ? તેઓને મોટરમાં આવવાનું, અને મોટરમાં જવાનું. ખાસું ખાવાપીવાનું, પણ અમારા તો જીવ જાય છે, સભામાં આવ્યે કાંઈ ભૂખમરો ટળતો નથી.” આ વચનો મહાત્માજીને કાને ગયા. મહાત્માજીને કોઈ ટીકા કરે તે ન લાગે, કોઈ નિંદા કરે તે ન લાગે, પણ ખરી સ્થિતિસૂચક આ કડવા ઉદ્‌ગારોએ મહાત્માજીનું હૈયું વીંધાઈ ગયું. બીજે દિવસે સવારે સભામાં ગયા. સવારે તેમણે શું જોયું ? અથવા તેમના અગાઉથી દુ:ખી થઈ રહેલા હૃદયે અને તેમની કરુણાદ્ર દૃષ્ટિએ શું જોયું ? તેમના જ શબ્દોમાં કહીશુંઃ ‘પોતાના મુખ ઉપર ઝળકી રહેલા અડગ આત્મનિશ્ચયવાળા હંમેશ નજરે પડતાં પાંચ દશ હજાર મનુષ્યોને બદલે નિરાશાથી ખિન્ન મુખવાળાં એકાદ હજાર માણસો મેં જોયાં.’ થોડા જ વખત ઉપર જુગલદાસની ચાલીવાળી વાત તો તેમના કાને આવી હતી. ‘મને લાગ્યું કે મજુરોનો ઠપકો સાચો છે. આ પત્ર લખું છું કે હું જેટલું માનું છું, તેટલું જ હું ઈશ્વરી સત્તામાં માનનારો, પોતાનાં વચનો ગમે તે ભોગે પણ પાળવાને માણસ બંધાયેલો છે એમ પણ હું માનનારો. મને એમ પણ ખબર હતી કે મારી સન્મુખ બેઠેલા માણસો ઈશ્વરથી ડરનારા છે, પણ આ અણધારી રીતે લંબાતી લૉક આઉટ તેઓનો હદ ઉપરાંત કસ કાઢે છે. હિંદુસ્તાનમાં મારી બહોળી મુસાફરી દરમીયાન સેંકડો લોકો એક ઘડી પ્રતિજ્ઞા લે છે અને બીજી જ ઘડીએ તેને તોડે છે, એવું જે જ્ઞાન થયેલું તે તરફ પણ મારું દુર્લક્ષ ન હતું. મને એમ પણ જ્ઞાન હતું કે આપણામાંના ભલભલાઓને આત્મબળમાં અને પ્રભુમાં માત્ર એક ઝાંખી ઝાંખી અને અનિશ્ચયાત્મક માન્યતા છે. મને એમ લાગ્યું કે મારે માટે એ તો એક ધન્ય ચોધડીઉં હતું, મારી શ્રદ્ધાની કસોટી થતી હતી, તુરત હું ઉઠ્યો અને હાજર રહેલા માણસોને કહી દીધું કે તમે પ્રતિજ્ઞામાંથી પડો એ ક્ષણભર પણ હું સાંખી શકનાર નથી. તમને ૩૫ ટકા મળે નહિ અથવા તો તમે બધાએ પડી ન જાઓ ત્યાં સુધી હું આહાર લેનાર નથી કે મોટર વાપરનાર નથી.’

આ પ્રતિજ્ઞા લેવાઇ કે તુરત સભામાં શું શું થયું તેનું વર્ણન આપવાને માટે તો કવિની કલમ જોઇએ. સભામાં બેઠેલા પ્રત્યેક જણની આંખમાંથી ચોધારાં આંસુ ચાલી રહ્યાં હતાં. પ્રત્યેકને એમ લાગી ગયું જણાતું હતું કે કંઈ ગંભીર ભૂલ થઈ છે; મહાત્માજીને કાંઈક આપણી નબળાઈથી અથવા તો પાપથી ભારે આઘાત પહોંચ્યો છે, અને તે નબળાઈ કે પાપનું તેઓ પ્રાયશ્ચિત કરવા તૈયાર થયા છે. પલક વારમાં બધા સ્થિતિ કળી ગયા અને એક પછી એક ઉઠીને બાલવા લાગ્યાઃ ‘અમે અમારી પ્રતિજ્ઞામાંથી કદિ નહિ પડીએ. ગમે તે થઈ જાય, આકાશ પાતાળ એક થાય, તોયે નહિ પડીએ. અમારામાંના નબળાઓને અમે ઘર ઘર જઈને સમજાવીશું, અને કદિ નહિ પડવા દઈએ. આપ આ ભીષણ પ્રતિજ્ઞા મૂકો.’ આ અસર એ લોકોના આટલા બોલવામાં જ ન સમાપ્ત થઈ. બપોર સુધીમાં તો થોકેથોક મજુરો આશ્રમમાં આવવા લાગ્યા, અને મહાત્માજીને દીન કરુણ વચને પ્રતિજ્ઞા છોડવાનું વીનવવા લાગ્યા. કેટલાક મજુરો ઉત્સાહથી મજુરી માગવા લાગ્યા; કેટલાએક મફત મજુરી કરીને પોતાની મજુરીના પૈસા, જે મજુરી ન કરતા હોય અથવા ન કરી શકતા હોય તેને આપી દેવાને તૈયાર થયા. આશ્રમનો પણ તે ધન્ય દિવસ હતો. મજુરોને ઉત્તેજન આપવા માટે, કદિ તાપ પણ ન સહન કરે એવા ભાઈ શંકરલાલ બૅંકરે પણ ઇંટ, રેતી વગેરે ત્રણ ચાર દિવસ થયાં ઉપાડવા માંડ્યાં હતાં. આજ તો બ્હેન અનસૂયા પણ જોડાયાં. આશ્રમનાં સ્ત્રીપુરૂષો ઉપરાંત બાળકો પણ આમાં અતિશય ઉમંગથી ભાગ લેતાં હતાં. આ બધાંની કંઈક અવર્ણનીય અસર થઈ. મજુરોનો ઉત્સાહ અને ઉમંગ તો માતો નહોતો. જે લોકો કરગરતા અને ફરીયાદ કરતા મજુરીએ આવતા હતા, જે લોકો આવીને કામમાં બહુ આળસ કરતા હતા, તે લોકો હમેશ કરતાં બમણું કામ બમણા તેજથી કરવા લાગ્યા.

એક બાજુએ જ્યારે આ ભાગ ભજવાઈ રહ્યો હતો, ત્યારે બીજી બાજુએ મહાત્માજીની સમક્ષ સેંકડો મજુરો, જુગલદાસની ચાલીવાળાઓ જેમણે મહાત્માજીને મહેણું માર્યું હતું તેમને લઈને પોતાનો પશ્ચાત્તાપ જાહેર કરવા તથા મહાત્માજીની પ્રતિજ્ઞા છોડવવા મથી રહ્યા હતા. મહિનાના મહિના હડતાળ ચાલે તોયે અમે ના પડીએ. મીલ તજીને ગમે તે ધંધો કરીશું, મજુરી કરીશું, ભીખ માગીશું, પણ પ્રતિજ્ઞા નહિ તોડીએ એવી બધા ખાતરી આપવા લાગ્યા. કેટલાકની તે લાગણી એટલી બધી ઉશ્કેરાયેલી હતી કે તેઓએ મહાત્માજીને કહી દીધું કે અનસૂયા બ્હેન, જેમણે પણ તે જ સભામાં નિરાહાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી તેઓ, જો પ્રતિજ્ઞા પાછી ન ખેંચે તો અમે કાંઈ નવુંજૂનું કરશું. એક જણ તો પોતાની કેડમાં જમૈયો ખોસીને આવેલો હતા. તેણે આત્મહત્યા કરવાની ધમકી આપી. આ મધુરી કરુણાજનક તકરાર એટલી તો લંબાઇ કે અનસૂયા બ્હેનને તો આહાર લેવાનું કબૂલ કરવાની ફરજ પડી.

સાંજે પાંચ વાગે મજુરોની સભા બોલાવવામાં આવી હતી. આજની પત્રિકા ‘મજુરી’ વિષે હતી. મજુરીના મહત્ત્વ વિષે મજુરીની પવિત્રતા વિષે આટલું સરળ અને સોસરું હૃદયમાં પહોંચી જાય એવું ગુજરાતી ભાષામાં આ પ્રથમ જ લખાણ છે. ‘મજુર મજુરી ન કરે તે તો સાકર પોતાની મીઠાશ છોડે એવી વાત થઈ. દરીયો પોતાની ખારાશ છોડે તો આપણને મીઠું ક્યાંથી મળે? મજુર મજુરી છોડે તો આ દુનીયા રસાતળ થઈ જાય. શીરીનને ખાતર ફરહાદે પથ્થર ફોડ્યા; મજુરોની શીરીન તેઓની ટેક છે, તેને ખાતર મજુરો પથ્થર કેમ ન ફોડે ? સત્યને ખાતર હરિશ્ચન્દ્ર વેચાયા; પોતાના સત્યને ખાતર મજુરો કાં મજુરી કરવામાં દુ:ખ હોય તો તેટલું દુ:ખ સહન ન કરે ? ટેકને ખાતર ઇમામ હસન અને હુસેને ભારે દુઃખ ઉઠાવ્યાં; ટેક રાખવા સારૂં આપણે કેમ મરવાને તૈયાર ન રહીએ ?’

આ ઉદ્‌ગારો ઉપર વિવેચન ઉપરાંત મજુરોને નવી ઉપસ્થિત થયેલી સ્થિતિ સમજાવવા માટે તે દિવસે સાંજે એક બહુ સુંદર ભાષણ પણ મહાત્માજીએ કહ્યું હતું. તેમના મહત્ત્વના ઉદ્‌ગારો નીચે ટાંક્યા છે:

‘આજે સવારે શું કામ થયું, તેની ખબર પડી હશે. કેટલાકને ભારે આઘાત થયો, કેટલાક રોઈ પડ્યા, સવારનું કામ કાંઈ ખોટું થયું છે અથવા શરમાવા જેવું થયું છે એમ મને લાગ્યું નથી. જુગલદાસની ચાલીવાળાઓએ જે ટીકા કરી તે માટે મને ગુસ્સો નથી આવતો. તેમાંથી તો મારે, અથવા જેને હિંદની સેવા કરવી છે તેણે ઘણું સમજવાનું છે. હું માનતો આવ્યો છું કે આપણી તપશ્ચર્યા અથવા જ્ઞાનપૂર્વક દુઃખ ઉઠાવવાની શક્તિ ખરી હોય તો તેમાંથી ફળ આવ્યા વિના રહે જ નહિ. મેં તમને એક જ સલાહ આપી તેને અનુસરીને તમે કસમ લીધા. આ જમાનાની અંદર કસમની કિંમત ચાલી ગઈ છે. કસમ ગમે ત્યારે ગમે તેમ માણસો તોડે છે, અને કસમની આવી કિંમત ઉતારી દેવા માટે મને દુઃખ થાય છે. સાધારણ માણસને બાંધવાની દોરી કસમ જેવી એકેય નથી. કસમનો અર્થ એ કે આ દુનીયામાં આપણે જે ખુદાને માનીએ છીએ તેને સાક્ષી રાખીને આપણે અમુક કામ કરવા માટે તૈયાર છીએ. ઉંચે બેઠેલા કસમ વિના ચલાવી શકે છે. આપણે નીચે બેઠેલા તેમ નથી કરી શકતા. આપણે હજાર વખત પડનારાઓ માટે તો આવા કસમ લીધા વિના ચઢી શકવાનું અશક્ય છે. તમે કબૂલ કરશો કે આપણે પ્રતિજ્ઞા લીધી ન હોત અને તેનું હમેશાં સ્મરણ કર્યું ન હોત તો ક્યારનાએ આપણામાંના ઘણા ભાઇએ પડી ગયા હોત. આ પહેલાં આટલી શાંતિથી ચાલી રહેલી હડતાળ તમે કદિ અનુભવી નથી એમ તમે જ કહ્યું છે. પડવાનું કારણ ભૂખમરો છે. હું તમને સલાહ આપું છું કે તમારે ભૂખમરો વેઠીને પણ પ્રતિજ્ઞા પાળવી. છતાં તે સાથે મેં અને મારી સાથે જે ભાઈ બહેન કામ કરી રહ્યાં છે તેમની પણ પ્રતિજ્ઞા છે. કે તમને ભૂખે તો ન જ મરવા દઈએ. તમને ભૂખે મરતા અમે જોઈ રહીએ તો તમારે પડવું જ જોઈએ. આવી રીતની બેવડી સલાહની સાથે એક ત્રીજી વસ્તુ પણ રહી ગઈ. તે એ કે તમને ભૂખે ન મારીએ, પણ તમારી પાસે ભીખ મંગાવીએ. એમ કરીએ તો અમે ખુદાના ગુન્હેગાર બનીએ, ચોર બનીએ. પણ એ હું તમને શી રીતે સમજાવી શકું કે મજુરી કરીને પેટ ભરો ? હું મજુરી કરી શકું છું, મેં મજુરી કરી છે, અને હજી પણ કરૂં; પણ મને તો તક નથી મળતી. મને ઘણું કરવાનું રહેલું છે, એટલે માત્ર કસરતની ખાતર જ કેટલીક મજુરી કરી લઈ શકું છું. તમે મને એમ કહો કે અમે તો શાળની મજુરી કરી છે, આ મજુરી નહિ કરી શકીએ; તો એ શબ્દો તમારા મ્હોમાં શોભી શકે છે ? હિંદુસ્તાનમાં આ જાતનો વ્હેમ પેસી ગયેલ છે. એક જ માણસે એક જ વસ્તુ કરવી જોઇએ, એ સિદ્ધાંત તરીકે ઠીક છે, પણ એ બચાવ તરીકે વપરાય તો જુદી વાત છે. મેં આ પ્રસંગે બહુ વિચાર કર્યો. મારા ઉપર એક બે ઘા આવ્યા ત્યારે મને લાગ્યું કે તમારી પાસે મારે મારો પોતાના ધર્મ રખાવવો હોય, કસમની અને મજુરીની કિંમત હું તમને બતાવવા ઈચ્છતો હોઉં, તો તમારી પાસે મારે કાંઈ પ્રત્યક્ષ પુરાવો મુકી દેવો જોઈએ. તમારી પાસે અમે મશ્કરી નથી કરતા, નાટક નથી કરતા. તમને જે વચનો કહીએ છીએ તે અમે પાળવા તૈયાર છીએ એમ તમને હું શી રીતે બતાવું? હું કંઈ ખુદા નથી કે જેથી તમને આ બીજી રીતે બતાવી શકું. તમારી પાસે હું એવું કરીને બતાવું કે જેથી તમને લાગે કે માણસની સામે તો ચોખ્ખેચોખ્ખી વાત કરવી પડશે, નાટક નથી કરી શકાવાનું. બીજી કોઈ લાલચ કે ધમકી આપીને ટેક નથી રખાવી શકાતો. લાલચ માત્ર માયાની આપી શકો છો. જેને પોતાનો ધર્મ વ્હાલો હોય, ટેક વ્હાલો હોય, દેશ વ્હાલો હોય, તે જ ટેક ન છોડે, એટલું તમે સમજી શકો છો.’

ઉપર ટાંકેલા ઉદ્‌ગારોમાં મહાત્માજીએ ‘પ્રતિજ્ઞા’ લેવાનું તાત્ત્વિક રહસ્ય અને પોતે લીધેલી પ્રતિજ્ઞાનો ઉદ્દેશ બહુ સરળ રીતે અને યોગ્ય વિસ્તારથી વ્યક્ત કર્યો છે, એટલે લંબાણના ભય છતાં પણ એ ઉદ્‌ગારો શબ્દેશબ્દ અહીં ટાંક્યા છે. એ પ્રતિજ્ઞાથી ઉત્પન્ન થયેલી સ્થિતિ એટલી તો જીજ્ઞાસા, ટીકા અને ચર્ચાનો વિષય થઈ પડી હતી કે તે વિષે કંઈ પણ કહેતાં પહેલાં ગાંધીજીના પોતાના જ ઉદ્‌ગારો એ સંબંધે જુદે જુદે પ્રસંગે કેવા નીકળ્યા છે તે જાણવાની જરૂર છે. એમના ભાષણમાંથી હજી એક બે ફકરા ટાંકીશ. એક પ્રસંગે એઓ બોલ્યા હતાઃ ‘મારી આવી જાતની પ્રતિજ્ઞા લેવાની ટેવ છે, એની ખોટી નકલ માણસો ન કરે તેને સારૂ હું પ્રતિજ્ઞા લેતો જ બંધ થઈ જાઉં છું. પણ મારે તો કરોડો મજુરોના સંબંધમાં આવવાનું છે, તો તેમ કરતાં મારે મારા આત્માની સાથે નિરાકરણ કરી લેવું જોઇએ. તમને હું બતાવવા માગતો હતો કે તમારી સાથે હું રમવા નથી માગતો.’' વળી એક વાર બેલ્યા હતાઃ ‘જે કિંમત પ્રતિજ્ઞાની હું કરું છું તેટલી તમે કરો એ મેં તમને કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો.’ તમે એક વાત કરી બતાવી છે. તમને એમ થઈ શક્યું હોત કે અમારે તમારી પ્રતિજ્ઞા સાથે શો સંબંધ છે, અમે નથી ટકવાના, અમારે તો જવું જ જોઈએ; પણ તમે તો એમ નહિ માન્યું. તમે તો અમારી સેવા લેવા બેઠા. અને મેં તમારો મ્હોટો આંક બાંધ્યો. તમારી સાથે મરવું એ મને સુંદર લાગ્યું અને તમારી સાથે જ તરવું એ મને સુંદર લાગ્યું.’

આટલું જોઈ લીધા પછી પ્રતિજ્ઞા સંબંધે થયેલી લોકચર્ચા વિચારીએ. હિંદુસ્તાને હજી સુધી લોકનેતાઓને ઉપવાસની પ્રતિજ્ઞા જેવા પ્રાયોગો લોકસેવાર્થે કરતા જોયા ન હતા. પણ મનુષ્યના અધઃપાતને પ્રસંગે ભીષણ પ્રતિજ્ઞાઓ તેને ટકાવી રાખી શકે એ તો મહાત્માજીનો એક સિદ્ધાન્ત છે, અને એ સિદ્ધાન્ત દક્ષિણ આફ્રિકામાં એમણે ઘણીવાર અમલમાં મુકેલો. અહીંના લોકોને એ કેવળ નવો જ પ્રયોગ લાગ્યો. ગાંધીજી અવિવેક ન કરે એવું માનનાર કેટલાકની જીજ્ઞાસા ઉલટી. એવું ન માનનારા કેટલાક એમ પણ માનવા લાગ્યા હતા કે ગાંધીજીએ અકળાઇને મીલમાલિકોને દબાવવા ફિતુર કર્યું છે. પ્રો. આનંદશંકર ધ્રુવે પહેલે જ દિવસે આવીને પ્રશ્ન પૂછેલોઃ “આ ઉગ્ર નિશ્ચય કર્યો છે તે આખા જીવનમાં વણાયેલા સૂત્રને અનુસરીને જ થયો હશે એમ હું જાણું છું, પણ તે શા માટે થયો છે તે જાણવા ઈચ્છું છું.’ આ પછી ‘પ્રતિજ્ઞા’ના આધ્યાત્મિક રહસ્ય ઉપર જે ચર્ચા ચાલી તેમાં અહીં ઉતરવાના ઇરાદો નથી.

અહીં એટલું જ કહેવું બસ થશે કે આખી ચર્ચા દરમ્યાન છે. આનંદશંકરનું કહેવું એવું હતું કે આવી પ્રતિજ્ઞાથી ઘડીકવાર મનુષ્યનું બાહ્ય વર્તન બદલાય, પણ મનુષ્યનું અંતર બદલાતું નથી. ગાંધીજી સમજાવવા ખૂબ મથતા હતા, પણ પ્રો. આનંદશંકરની ખાતરી નહોતી થતી જણાતી. મીલમજુરોનો પ્રશ્ન જે અત્યાર સુધી સંકુચિત હતો તે હવે વિસ્તૃત થયો. તેમાં ગાંધીજીએ ભીષણ પ્રતિજ્ઞા લીધેલી હોઈ અત્યાર સુધી જે ગૃહસ્થો તટસ્થ હતા તેઓને પણ પોતાનું તાટસ્થ્ય તજવું પડ્યું. પ્રો. આનંદશંકરનો સંબંધ આ બાબતમાં આવી રીતે શરૂ થયો, બહારના — હિંદુસ્તાનના જુદા જુદા ભાગના — લોકનેતાઓને પણ બહુ  ચિંતા થવા લાગી, અને કેમે કરી આ તકરારનો નિવેડો આવે તો સારું એમ સૌને થવા લાગ્યું.

મીલમાલિકોને પણ કાંઈ અસર થઈ ન હતી એમ નહિ. અલબત્ત, ઘણાક એમ માનતા કે ગાંધીજીનું માલિકોને દબાવવા માટે આ એક ફિતુર અથવા ત્રાગું છે. પણ રા. અંબાલાલભાઈ, જેઓએ અત્યાર સુધી પોતાના કડક આગ્રહથી પોતાના માલિક-ભાઈઓને ટકાવી રાખ્યા હતા, તેમના હૈયાને આ બીનાથી સખ્ત આઘાત પહોંચ્યો. તેઓ કલાકના કલાક આવીને મહાત્માજી પાસે બેસવા લાગ્યા, પ્રતિજ્ઞા છોડવાને વિનવવા લાગ્યા. ત્રીજે દહાડે તો એમની સાથે ઘણા મીલમાલિકો ભળ્યા. સૌ ગાંધીજીના ઉપવાસ છોડાવવાને માટે આગ્રહી હતા, પણ મજુરોની પ્રતિજ્ઞા જળવાવવાને તેટલા ન હતા. પ્રતિજ્ઞાની આડકતરી અસર મીલમાલિકોને દબાવવાની થશે એ બાબત ગાંધીજીનું દુર્લક્ષ થયું ન હતું. વારંવાર તેઓ આ બાબત માલિકોને સમજાવવા લાગ્યા. પોતાના દરેક ભાષણમાં તેમણે સ્પષ્ટ કરીને કહ્યું કે પ્રતિજ્ઞા માલિકો ઉપર થતા દબાણને લીધે દૂષિત થાય છે છતાં તેનો મૂળ હેતુ તો મજુરોની પ્રતિજ્ઞાને પોતે કેટલું મહત્ત્વ આપે છે તે મજુરોને બતાવવાનો અને તેમ કરી તેમને ટકાવી રાખવાની જ છે.

ઘણાક મીલમાલિકો ગાંધીજીને કહેતા હતા કેઃ ‘આ વખતે તમારી ખાતર અમે મજુરને ૩૫ ટકા આપીએ.’ ગાંધીજી ચોખ્ખી ના પાડીને કહેતા કે: ‘મારી દયાની ખાતર નહિ, પણ મજુરની પ્રતિજ્ઞાને માન આપીને, તેઓને ન્યાય આપવાની ખાતર ૩૫ ટકા આપો.’ ઉપવાસની પ્રતિજ્ઞાની ત્રીજી સાંજે તેઓ બોલ્યા હતાઃ ‘મીલમાલિકોએ આવીને મને કહ્યું કે: ‘તમારી ખાતર અમે ૩૫ ટકા આપીએ.’ પણ મારે સારૂ ૩૫ ટકા એ લોકો આપે એ તો મને સમશેરના ઝાટકા સમું લાગે છે. હું એ વિચાર જાણતો હતો પણ હું પ્રતિજ્ઞા નહિ છોડી શક્યો, કારણ મેં બીજો વિચાર કીધે કે ૧૦૦૦૦ માણસો પડે એ તો ખુદાનો ખોફ કહેવાય. મારે સારૂ અતિશય નીચાજોણું છે કે મારી ખાતર તમને ૩૫ ટકા મળે.’

આમ ચર્ચા ચાલતી હતી અને ઉપવાસના દહાડા વધતા જતા હતા. ઉપવાસ ગાંધીજીના શરીરમાં શિથિલતા ઉત્પન્ન કરવાને બદલે, જાણે તેમની સ્ફુર્તિમાં વધારો કરતો હતો. તેમને સમજાવવાના, તેમના ઉપવાસની પ્રતિજ્ઞા છોડાવવાના અનેક દિશામાંથી પ્રયત્ન ચાલુ જ હતા. અગાઉ કહેવામાં આવ્યું છે કે રા. અંબાલાલભાઇને આ પ્રતિજ્ઞાથી ભારે આઘાત પહોંચ્યો હતો, એટલે ગાંધીજીને સમજાવવાના તેમના પ્રયત્ન પણ ભારે હતા. પોતાના પક્ષ માટેની તેમની મુખ્ય દલીલ એ હતી કેઃ ‘આવી રીતે વારંવાર મજુરો મનસ્વી રીતે અમારી સામે થાય અને તેમને બહારથી ઉત્તેજન મળે એ તો સહ્ય થઈ શકે એવું જ નથી. એમ થયા કરે તો મારામાં વિનય જેવી કોઈ ચીજ જ રહે નહિ અને આવી રીતે અમારી અને મજુરોની તકરાર વખતે હર વખત અમારે ત્રીજાની મધ્યસ્થી કરવી પડે એ અમને શોભાભરેલું નથી, એમાં અમારું માન રહેતું નથી. આપ જો ભવિષ્યમાં અમારો અને મજુરોને પ્રશ્ન અમારે માટે જ રાખી, હમેશને માટે તમારા હાથ એ બાબતમાંથી ધોઈ નાંખો તો અમે તુરત ૩૫ ટકા આપીએ.’ આ માગણી તો બહુ ભારેપડતી હતી. અન્યાય, અનીતિ અને અત્યાચારને પ્રસંગે અંતરની પ્રેરણાથી ઝુઝનાર ગાંધીજી આમ મજુરોની સેવાનાં દ્વાર સદા માટે બંધ થવા દે એ તો બની શકે એમ જ ન હતું. એટલે સેવાવૃત્તિને સદા શીકે મુકવાની કબૂલત આપી, મજુરી માટે ૩૫ ટકા લેવાની અને ઉપવાસ છોડવાની વાત ન બની. ત્યાર પછી બીજી રીતે વાટાઘાટ થવા માંડી. ‘કેમે કરીને મીલમાલિકોનો આગ્રહ પણ સિદ્ધાન્ત તરીકે કબૂલ થવો જ જોઈએ. તમારી પ્રતિજ્ઞા છે તેવી જ મીલમાલિકોની પ્રતિજ્ઞા છે.’ આ દલીલ રજુ થઇ. ‘હું મારી રૈયતને ખૂબ કરો નાંખી, તેમની દાદ કદિ ન સાંભળી કનેડીશ એવી પ્રતિજ્ઞા રાજા કદિ કરી શકતો હશે ?’ એમ પ્રતિપ્રશ્નથી માલિકોની દલીલની અયથાર્થતા ગાંધીજીએ બતાવી આપી. છતાં આ બધી તકરાર દરમ્યાન, પોતાના ઉપવાસથી માલિકો ઉપર દબાણ થાય છે એ વાત ગાંધીજીના મનમાંથી નહોતી ખસતી. એટલે માલિકોની પ્રતિજ્ઞા જાળવવાનો કૃત્રિમ ઉપાય સ્વીકારવા પણ તેઓ તૈયાર થયા. લડતની પહેલાં બંને પક્ષ વચ્ચે જે પંચનું તત્ત્વ સ્વીકારાયેલું હતું તે પંચનું તત્ત્વ હજી પણ ગાંધીજીને તો કબૂલ જ હતું. “મજુરોની પ્રતિજ્ઞાનો અક્ષર જળવાય તો પછી પંચ કહે તે મજુરો કબૂલ રાખશે’ એમ ગાંધીજીએ સ્વીકારી લીધું. આથી સમાધાનને મ્હોટો રસ્તો નીકળ્યો. પરિણામે, મજુરોની પ્રતિજ્ઞા જાળવવા પહેલે દિવસે ૩૫ ટકા વધારો માલિકોની પ્રતિજ્ઞા જાળવવા બીજે દિવસે ૨૦ ટકા વધારો અને ત્રીજે દિવસે મજુર અને માલિકોએ નીમેલા પંચ ઠરાવે તેટલા ટકા વધારો, આવી દરખાસ્ત સમાધાનના આધારરૂપે રજુ થઈ. ત્રીજે જ દિવસે પંચ તકરારનો નિવેડો લાવી શકે નહિ, અને અમુક ટકા ચૂકવી શકે નહિ માટે તેમને તપાસ કરવા સારૂ પુરતી મુદત મળવી જોઈએ એમ સ્વીકારાયું, અને આ મુદત ત્રણ મહિનાની હોવી જોઇએ એમ પણ બંને પક્ષ વચ્ચે ઠર્યું. પંચનો ઠરાવ આવે તે પહેલાં મજુરોને કેટલા ટકા મળે? આ સવાલનો નિકાલ બંને પક્ષે ધરછોડથી આણ્યો. મજુરપક્ષે ૭ાા ટકા ઓછા કર્યા, માલિકપક્ષે ૭ાા ટકા વધાર્યા, અને એ વચગાળાના સમયમાં ૨૭ાા ટકા વધારો મળે એમ થયું. પંચ તરીકે, બંને પક્ષને અનુકૂળ એવા પ્રો. આનંદશંકરને કબૂલ રાખવામાં આવ્યા. આ તકરારમાં ઉપવાસની પ્રતિજ્ઞાના દિવસથી સક્રિય રસ લેનાર પ્રો. આનંદશંકરને માથે આ જવાબદારી વાજબી રીતે જ આવી પડી, અને એમણે પ્રસન્ન મને સ્વીકારી. હવે તો કાંઈ કરવાનું બાકી જ ન હતું. બીજે દિવસે સવારમાં તો મજુરોને ખબર પડી ગઈ હતી કે તકરારનો નિકાલ આવ્યો છે એટલે હજાર જણ શાહપુર દરવાજા ઉપરના ઝાડ નીચે આવી બેઠા હતા, અને નિકાલ શી રીતે આવ્યો એ જાણવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે કમિશનર સાહેબને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું, અને તેમણે તે ખસુસ કરીને સ્વીકાર્યું હતું. શહેરનાં બીજાં ઘણાં પ્રતિષ્ઠિત સ્ત્રી પુરૂષો પણ હાજર હતાં. અગીયાર વાગે ગાંધીજીએ આવીને સમાધાનીની હકીકત મજુરોને સમજાવી. આ સમજુતી ગાંધીજીના શબ્દોમાં જ અહીં રજુ કરીશું. “જે સમાધાની હું તમારી આગળ મૂકવાનો છું તેમાં માત્ર મજુરાની ટેક રહી જાય છે એટલું જ છે, તેમાં તે સિવાય કંઈ જ નથી. શેઠીયાઓને મેં મારાથી બને તેટલું કહ્યું, ૩૫ ટકા હમેશને માટે આપવાનું કહ્યું. એ વાત તેઓને બહુ ભારે લાગી. હવે એક વાત હું કહી દઉં. આપણી માગણી એકપક્ષી હતી. આપણે લડત પહેલાં એઓનો પક્ષ જાણવાની માગણી કરી હતી, પણ તેઓએ તે કબૂલ કરી ન હતી. હવે શેઠીયાઓ પંચની વાતને કબૂલ થાય છે. હું પણ કહું છું કે પંચને આ વાત ભલે સોંપાય. પંચની પાસેથી હું ૩૫ ટકા લઈ શકીશ. જો પંચ કાંઈક ઓછું ઠરાવશે તો હું સ્વીકારી લઇશ કે આપણે માગવામાં ભૂલ કરી છે. શેઠીયાઓએ કહ્યું કે જેવી તમારી પ્રતિજ્ઞા છે તેવી અમારી પણ પ્રતિજ્ઞા છે. મેં કહ્યું કે એવી પ્રતિજ્ઞા લેવાનો તમારે અધિકાર નથી. પણ તેઓએ આગ્રહ ધર્યો કે અમારી પ્રતિજ્ઞા પણ સાચી છે. બંનેની પ્રતિજ્ઞા મેં વિચારી. મારો રોજો વચ્ચે આડો આવ્યો. હું એમ એ લોકોને નહિ કહી શકું કે હું માગું તે જ આપશો તો હું મારા અપવાસ તોડું; આ તો મારી નામર્દી કહેવાય. આથી મેં કબૂલ્યું કે આપણી બંનેની પ્રતિજ્ઞા અત્યારે રહે અને પછી પંચ ઠરાવે તે ખરું. એટલે આપણી સમાધાની ટૂંકામાં એ કે પહેલે દિવસે આપણી પ્રતિજ્ઞા મુજબ ૩૫ ટકા વધારો મળે, બીજે દિવસે શેઠીયાઓની પ્રતિજ્ઞા મુજબ ૨૦ ટકા વધારો મળે, અને ત્રીજે દિવસથી તે પંચ પોતાનો નિવેડો આપે ત્યાં સુધી ૨૭ાા ટકા મળે; અને પછીથી પંચ ૩૫ ટકા ઠરાવે તો શેઠીયાઓ આપણને ૭ાા ટકા મજરે આપે અને ૨૭ાા ટકાથી ઓછા ઠરાવે તો આપણે મજરે આપીએ.’ આ શબ્દોને મજુરોએ ભારે હર્ષનાદથી વધાવી લીધા પણ તેઓને એકલી હરખની ખબર જ આપવાની ન હતી. બે શીખામણના શબ્દ પણ કહેવાના હતા. તે પણ કહી દેવાની ગાંધીજીએ આ જ તક સાધીઃ ‘આપણે સાથે મસલત કરી છે તો હવે અમને મળ્યા વિના કસમ નહિ લેશો. જેને અનુભવ નથી, જેણે કાંઇ ખેડ્યું નથી, તેને કસમ લેવાનો અધિકાર નથી. મેં વીસ વર્ષના અનુભવ બાદ વિચાર્યું કે કસમ લેવાનો અધિકાર મને છે. કસમ લેવાને માટે તમે લાયક નથી બન્યા એમ મેં જોયું છે. માટે મોટેરાને પૂછ્યા વિના કસમ લેશો મા. કસમ લેવા પડે તો અમારી પાસે આવજો. લેવા પડે તો એમ માનજો કે જેમ આજે તેમ બીજે વખતે પણ અમે તમારે માટે મરવાને તૈયાર થઇશું. પણ તમે અમને સાક્ષી રાખીને જે કસમ લેશો તેને માટે જ અમે તમને મદદ કરશું એમ યાદ રાખજો. ભૂલથી લીધેલા કસમ તોડી પણ શકાય છે. તમારે તો કસમ કેમ લેવા, ક્યારે લેવા, તે પણ શીખવાનું છે.’

મીલમાલિકોએ આ સમાધાનીની ખુશાલીમાં મજુરાને મીઠાઈ વહેંચવાની માગણી કરી હતી તે માગણી પણ આનંદની સાથે સ્વીકારવાનો મજુરોને આ પછી આગ્રહ કર્યો હતો. મજુરોએ એ માગણી પણ હર્ષથી વધાવી લીધી હતી. સમાધાની સૌને કબૂલ છે એમ બતાવવાને પણ મજુરોના જૂદા જૂદા વિભાગમાંથી અગ્રણીઓ બ્હાર પડ્યા હતા અને ટૂંકા સમયોચિત ભાષણથી તેઓએ પોતાનો હર્ષ અને ઉપકાર દર્શાવ્યો હતો. આ પછી મજુરો અને સ્નેહીઓના આગ્રહથી ગાંધીજીએ ત્યાં જ પોતાનો ઉપવાસ તાડ્યો હતો. ઉત્તર વિભાગના કમિશનર સાહેબ મી. પ્રૅટ પણ આ પ્રસંગે પોતાનો હર્ષ દાબી શક્યા ન હતા અને તેમણે પણ એક ટૂંકું અને બંને પક્ષને અભિનંદન આપનારું ભાષણ કર્યું હતું. ‘તમારી વચ્ચે સમાધાન થાય છે તેથી મને બહુ આનંદ થાય છે. મને સંપૂર્ણ ખાતરી છે કે જ્યાં સુધી તમે ગાંધી સાહેબની સલાહ લેશો અને તેમનું કહેલું કરશો ત્યાં સુધી તમારું ભલું થશે અને તમને ન્યાય મળશે. તમારે યાદીમાં રાખવાનું છે કે તમારે માટે ગાંધી સાહેબે તથા તેમના મદદગાર બાનુઓ અને ગૃહસ્થોએ ખૂબ દુ:ખ વેઠ્યું છે, તસ્દી લીધી છે, તમારા ઉપર પ્રેમ અને દયા બતાવ્યાં છે. એ તમે હમેશાં યાદીમાં રાખશો.’* [૧]

એ જ દિવસે સાંજે રા. અંબાલાલભાઈના બંગલાના વિશાળ આંગણામાં બધા મજુરો ભેગા થયા હતા અને મીલમાલિકોએ તેમને મીઠાઈ વહેંચી હતી. આ પ્રસંગે ગાંધીજીએ અને રા. અંબાલાલભાઇએ જે ઉદ્‌ગાર કાઢ્યા હતા તે મીલમાલિકો અને મજુરો વચ્ચેની આ લડત કેટલી સીધી ચાલી હતી, અને અંતે કેટલી મીઠાશથી બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું તે સંપૂર્ણ રીતે બતાવી આપે છે. રા. અંબાલાલભાઈનાં એક બે વાક્યો બસ થશેઃ ‘આજે ૨૨ દિવસે શાળખાતાં ખોલવાનો અને મજુરોએ કામપર હાજર થવાનો જે નિશ્ચય થયો છે તેથી મને બહુ આનંદ થાય છે. હું વધારે કહેવા માગતો નથી, પણ એટલું તો કહી જ લઈશ કે કારીગરો ગાંધી સાહેબને પૂજ્ય ગણે છે, તો મીલમાલિકો પણ તેમને કાંઈ ઓછા પૂજ્ય નથી ગણતા: ઉલટા વધારે પૂજ્ય ગણે છે. આપણી એકબીજા વચ્ચેની પ્રીતિ હંમેશ રહેશે એમ ઈચ્છું છું.’

ગાંધીજીના ઉદ્‌ગારો પણ અહીં ટાંકવા જેવા છેઃ ‘મને લાગે છે કે જેમ જેમ દિવસો જતા જશે તેમ તેમ અમદાવાદને તો શું પણ હિંદુસ્તાનને આ ૨૨ દિવસની લડતને સારૂ મગરૂરી થશે અને હિંદુસ્તાન એમ માનશે કે જ્યાં આ પ્રકારે લડત ચાલી શકે છે ત્યાં આપણે બહુ આશા રાખી શકીએ છીએ. આ લડત બીલકુલ વૈરભાવ વિના ચાલી છે. મેં તો આવી લડત હજુ સુધી અનુભવી નથી. મેં ઘણી લડત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનુભવી છે પણ એકે એવી નથી જોઈ જ્યાં વૈરભાવ કે ખટાશ આટલે ઓછે અંશે હોય. જે શાંતિ લડત દરમ્યાન હતી તે જ શાંતિ હમેશને માટે રાખશો એવી મને આશા છે.’ અને આની જ ખાતર, લૉક આઉટ દરમ્યાનનો પગાર મીલમાલિકો આપે એ સમાધાનીની એક શરત હોવી જોઈએ એવો કેટલાક મજુરોને આગ્રહ ગાંધીજીએ તત્ક્ષણે જ દાબી દીધો હતો. સમાધાની સંબંધી પત્રિકામાં તો એ આગ્રહને જ નહિ, પણ એ વિચારને પણ ગાંધીજીએ તુચ્છ ગણી કાઢ્યો છે. ‘લૉક આઉટનો પગાર માગવો એ માલિકોના પૈસાથી લડત લડ્યા જેવું છે. એવો વિચાર મજુરોને શરમાવનારો છે. લડવૈયા પોતાના બળ ઉપર જ લડી શકે. વળી મજુરોને માલિકોએ પગાર ચુકવી દીધો. હવે તો મજુરો નવી નોકરી શરૂ કરે છે એમ પણ કહી શકાય. એટલે બધું વિચારતાં મજુરોએ લૉક આઉટ દરમીયાનને પગાર લેવાનો વિચાર માંડી વાળવો જોઇએ.” * [૨]

તે સાંજના ભાષણમાંના કેટલાક ઉદ્‌ગારો તો મીલમાલિકોના હૃદયને હલાવે એવા અને તેમની સ્મૃતિમાંથી કદિ ન ખસે એવા હતાઃ ‘હું તમારી તરફથી (મજુરો તરફથી) શેઠીયાઓની માફી માગું છું. મેં એઓને બહુ દુઃખ આપ્યું છે. મેં પ્રતિજ્ઞા લીધી તે તમારા માટે હતી, પણ દુનીયામાં હમેશ દરેક વસ્તુને બે પક્ષ રહેલ છે, તેમ મારી પ્રતિજ્ઞાની અસર તેમના ઉપર પણ થઈ છે. હું દીન વચને તેમની માફી માગું છું. હું જેટલો મજુરોનો સેવક છું તેટલો જ તમારો (શેઠીયાઓને) સેવક છું. મારી એટલી જ માગણી છે કે મારી સેવકાઈ તમે બરાબર વાપરજો.’

બીજે દિવસે ગાંધીજીની પ્રત્યે અને તેમની સાથે આ લડતમાં ભાગ લેનાર ભાઈ બ્હેનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા બતાવવા સારૂ મજુરોએ જે હર્ષસંમિલનો કર્યા હતાં અને હર્ષયાત્રા કાઢી હતી તેનું અત્રે સૂચન માત્ર જ શક્ય છે. આવાં દૃશ્યો અમદાવાદ શહેરમાં અગાઉ ભાગ્યે જ થયાં હશે એમ તે જોનારાઓ સાક્ષી પુરે છે. લડત પહેલાં લેવાયેલા ગાંધીજીના અનશન વ્રત સંબંધે અને લડત પછી થયેલી સમાધાની સંબંધે અનેક ટીકા થઈ છે. એ ટીકાના ઔચિત્ય–અનૌચિત્યમાં ઉતરવાનો અહીં ઈરાદો નથી. ગાંધીજીએ પોતે એ બંને બાબત પોતાના આત્માની કેવી આકરી પરીક્ષા કીધી છે તે આ ટીકા કરનારાઓને જણાવી લેવું અસ્થાને નહિ ગણાય. સમાધાનીને આગલે દિવસે સમાધાનીની શરતો સંબંધે રા. અંબાલાલભાઈને પત્ર લખતાં એઓએ જણાવ્યું હતું: ‘મને જમાડવાની ઇચ્છા કરતાં આપની ન્યાયવૃત્તિને વધારે માન આપજો. મારા ઉપવાસ મને અત્યાનંદ આપે છે, એટલે સ્નેહીઓએ દુઃખ ભોગવવાનું કારણ નથી. મજુરોને ન્યાયથી મળશે તે વધારે પચશે–વધારે નભશે. સાધારણ મનુષ્યને ચોખવટ વધારે રુચિકર હોય છે. ૩૫ ટકા, ૨૦ ટકા અને પંચ એ મૂર્ખતા, ધર્મ અને ગર્વ સાચવવા આપણે કહી શકીએ, સાંખી શકીએ. મજુરો તેને પ્રપંચ માને, કેમકે તેઓ સરળ છે. તેથી મને બીજો કોઈ રસ્તો મળે તો વધારે ઠીક જણાય છે. ઉપલું કુબૂલ રખાવવા ધારશો તો હું તે કબૂલ રાખીશ પણ ઉતાવળ નહિ કરવા દઉં. પંચ મળીને હમણાં જ નિકાલ લાવીએ અને તે જ ભાવ જાહેર કરીએ; એટલે પહેલે દહાડે ૩૫, બીજે દહાડે ૨૦ અને ત્રીજે દહાડે પંચ ઠરાવે તે. આમાંયે મૂર્ખતા તો છે, પણ ચોખવટ છે. ત્રીજા દહાડાના આંકડા આજથી જ જણાવવા.’

સમાધાનીને દિવસે સવારે આપેલા ભાષણમાં આ જ બાબત બોલતાં એઓએ કહ્યું હતું: ‘હું જે તમારે માટે લાવ્યો છું તે આપણી પ્રતિજ્ઞાનો અક્ષર પાળવા માટે બસ થશે, આત્મા માટે નહિ. આત્માવાળા આપણે હજી નથી એટલે અક્ષરથી જ આપણે સંતોષ પકડવો પડશે. પણ આથી વધારે ઉંડા અને આકરા આત્મનિરીક્ષણવાળા ઉદ્‌ગાર તો હજી બાકી છે. ઉપવાસ સબંધે કેટલાક ઉદ્દ્‌ગારો અગાઉ ટાંકવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ઉદ્‌ગારો ઉપવાસવ્રત અને સમાધાની એ બંને ઉપર અપરંપાર પ્રકાશ પાડે છે. સમાધાનીના દિવસના પ્રાતઃકાળે પોતાના આશ્રમવાસીઓ સમક્ષ એ ઉદ્‌ગાર નીકળ્યા હતા, અને ગાંધીજીની પરવાનગીથી, એ અહીં ઉતારવામાં આવે છે. ‘આજે દશ વાગ્યા પહેલાં સમાધાન ઘણું કરીને થઇ જશે. એ સમાધાન મારી પ્રમાદરહિત સ્થિતિમાં હું જોઈ રહ્યો છું, અને જોઉં છું કે હું તે કદિ નહિ સ્વીકારૂં એવું થયું છે. પરંતુ તેમાં મારી ઉપવાસની પ્રતિજ્ઞાનો દોષ છે. મારી એ પ્રતિજ્ઞામાં ઘણા દોષ રહેલા છે. ઘણા દોષો એટલે ગુણ થોડા અને દોષ વધારે એમ નહિ; પણ જેમ તે અત્યંત ગુણોથી ભરેલી છે તેમ તેમાં દોષો પણ ઘણા છે. મજુરોના સબંધમાં તે ભારે ગુણોવાળી છે, અને તેનાં પરિણામ તે જ પ્રમાણે સુંદર આવ્યાં છે. માલિકોના સબંધમાં તે દોષોવાળી છે, અને તેટલા પુરતું મારે નમવું પડ્યું છે. મીલમાલિકોના ઉપર મારા ઉપવાસનું દબાણ છે તે હું ગમે તેટલી ના પાડું પણ લોકોને લાગ્યા વિના રહે જ નહિ, અને દુનીયા માને પણ નહિ. માલિકો, આ મારી કનિષ્ટ દશાને લીધે સ્વતંત્ર રહ્યા નથી, અને કોઈ માણસ દબાણની નીચે હોય ત્યારે તેની પાસેથી કંઇ લખાવી લેવું, તેની પાસે કંઇ શરત કરાવવી કે તેની પાસેથી કંઇ લેવું એ ન્યાયવિરુદ્ધ છે. સત્યાગ્રહી કદિ તેમ કરે જ નહિ, અને તેથી મારે આ બાબતમાં નમતું મુકવું પડ્યું છે. શરમમાં પડેલો માણસ શું કરી શકે ? હું થોડી થોડી માગણી કરતો ગયો તેમાંથી તેમણે ખુશીથી જેટલી સ્વીકારી તેટલી જ મારે લેવી પડી. હું પુરેપુરી માગણી કરૂં તો તેઓ પુરેપુરી સ્વીકારે, પરંતુ તેમને આવી સ્થિતિમાં મુકીને તેમની પાસેથી હું તે ન જ લઈ શકું. એ તો મારે ઉપવાસ તેાડી નરકનુ ભોજન કરવા બરોબર થાય, અને અમૃતનુ પણ યથાકાળે ભોજન કરનારો હું તે નરકનું ભોજન કેમ કરી શકું ? આ પછી કંઇ વધુ ખુલાસાની જરૂર રહે છે ખરી ? કે કોઇ ટીકાને અવકાશ રહે છે ખરો ? છતાં જેમને ન ખબર હાય તેમની માહીતીની ખાતર કહેવાની જરૂર છે કે પંચ ઠરાવે તેટલો વધારો સ્વીકારી લેવામાં પ્રતિજ્ઞાનોને લેશ માત્ર ત્યાગ થયો નથી, કારણ સમાધાની પહેલાં, લડત દરમીયાન પણ, મજુરપક્ષ તરફથી તો પંચની જ માગણી કરવામાં આવી હતી અને તે માગણી સ્વીકારવાને મીલમાલિકાએ તૈયારી બતાવી ન હતી. પંચનું તત્ત્વ સ્વીકારાય તો મજુરપક્ષને પોતાને સ્વતંત્ર આગ્રહ હતો જ નહિ અને સમાધાનીમાં પંચનું તત્ત્વ મળી રહ્યું. * [૩] મીલમાલિકોએ ગાંધીજી માટે દયાથી પ્રેરાઇ ગાંધીજીની માગણી સ્વીકારી અને તેથી મજુરોની લડત રસ વિનાની થઇ ગઇ એમ કહેવું પણ બહુ ભુલભરેલું છે. સમાધાની પહેલાં મીલમાલિકાએ જે દલીલો કરી છે, અને એ દલીલો કરવામાં જેટલા દહાડા લીધા છે તે જ બતાવે છે કે મીલમાલિકોએ વગરવિચારે કેવળ દિલના દોલાપણાથી જ મજુરપક્ષની માગણી સ્વીકારી ન હતી. વળી, રા. આનંદશંકરભાઈનો ચુકાદો આવે તે પહેલાં તો મજુરોને ઘણે ઠેકાણે ૩૫ ટકા અને ઘણે ઠેકાણે ૩૫ થી વધુ ટકા મળતા થઇ ગયા હતા. તે પણ બતાવે છે કે મીલમાલિકોને વહેલામોડા ઓછામાં ઓછા ૩૫ ટકા વધારો આપ્યે જ છુટકો હતો. મીલમાલિકો તરફથી પ્રસિદ્ધ થયેલી કેટલીક પત્રિકાઓમાંની છેલ્લી પત્રિકામાં રા. અંબાલાલભાઇ ઉપર આવેલો મિસિસ બેસંટનો તાર— ‘For India’s Sake, try persuade owners’ yield and save Gandhi’s life.’— ઉતારી મીલમાલિકોએ પોતાની ઉદારતાથી ગાંધીજીની જીંદગી બચાવવાનો દાવો કર્યો છે. અને વિષે શું કહેવું ? એ પત્રિકા અને મજુરપક્ષની છેલ્લી પત્રિકા સાથે રાખી વાંચી જોવાની વાચકોને ભલામણ છે. ભાગ્યે જ કોઇને ખબર હશે કે એ જ દિવસે ગાંધીજીને જે અનેક તારો મળ્યા હતા તેમાં મીસ ફેરીંગ નામની એક ડેનીશ સાધ્વી તરથી આવો પણ એક તાર આવ્યો હતો: ‘Greater love knoweth no man than that he layeth down his life for the sake of his fellowmen.’

આટલા ઇતિહાસ પછી વિશેષ લખવાનું નથી રહેતું. મજુરપક્ષ અને મીલમાલિકોના પક્ષ તરફથી ચુંટાયેલા પંચ પ્રોર. આનંદશંકરને અને પક્ષ તરફથી રજુ કરવામાં આવેલી હકીકત પરિશિષ્ટમાં અક્ષરશઃ છાપવામાં આવી છે, અને પંચ સાહેબનો નિવેડો પણ ત્યાં જ આપેલો છે, એટલે તેનો અહીં પુનરૂલ્લેખ કરવાની જરૂર નથી. મજુર-પક્ષની એકે હકીકતનો ઉત્તર આપવાની મીલમાલિકપક્ષે જરૂર જોઈ નથી એટલું જ નહિ, પણ ઉદ્યોગના બે મોટા પક્ષો વચ્ચે જે સબંધ છે તથા હોવો જોઈએ તે વિષે કેટલાક સંકુચિત વિચારો રજુ કર્યાં છે. નવાઇ નથી કે પંચ સાહેબને એમાંથી પોતાને જે જોઈતું હતું તે કાંઇ ન મળ્યું એટલે, અને પ્રથમના કરતાં બમણા ત્રમણા નફા કરનાર મીલમાલિકો ફરજ પડે તો મજુરોને ચાહે તેટલા ટકા વધારે આપી શકે છે એમ પોતે પ્રત્યક્ષ જોયું એટલે, તેમણે વ્યવહારૂ ન્યાય આપી દીધો કેઃ ‘મીલમાલિકોએ કારીગરોને તકરારને લગતા બાકીના વખતના પગારમાં ૩૫ ટકા વધારો આપવો—એટલે કે ૨૭ાા ટકા આપતાં બાકી રહેલી રકમ તેઓએ કારીગરોને આપવી.’ આથી જે નિશ્ચયથી ગાંધીજીએ મજુરોને કહેલું કેઃ ‘પંચ પાસેથી પણ આપણે ૩૫ ટકા લઈ શકીશું’ એ શબ્દો અક્ષરેઅક્ષર સાચા પડ્યા છે.

ગાંધીને પુણ્ય પ્રતાપે અમદાવાદે–અને અમદાવાદને નિમિત્તે હિંદુસ્તાને,–આ સીધી, સુંદર અને નિર્દોષ લડતનો લ્હાવો લીધો. અગાઉ ઘણીએ વાર હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં મીલમાલિકો અને મીલમજુરો વચ્ચે લડતો થઇ છે, પણ તેમાંની એકે આ લડતની માફક સ્વચ્છ સાધનોથી, ધનના નહિ પણ કેવળ સંકલ્પના બળે, અને સંપૂર્ણ મીઠાશથી ચાલી નથી; કોઇ પણ લડતનું પરિણામ આ લડતના પરિણામ જેટલું બન્ને પક્ષને હિતકર અને ઉન્નતિકર આવ્યું નથી; અને આ લડતથી ભવિષ્યમાં કાંઇ પણ સધર્ષણ ઉત્પન્ન થવાનો અથવા તેથી કાંઇ પણ ગંભીર પરિણામ ઉત્પન્ન થવાને એટલો બધો આ સંભવ રહ્યો છે કે તેની આજે કલ્પના કરવી મુશ્કેલ છે.




  1. *અહીં ભૂલવું ન જોઇએ કે ખેડા સત્યાગ્રહની લડત જ્યારે પૂર રસાકસીએ ચઢી હતી ત્યારે રોષને વશ થઇને આ જ કમિશનર સાહેબે આ ઉદ્‌ગારોને અણછાજતા ઉદ્‌ગારો કાઢ્યા હતા; પણ તેનો સુંદર જવાબ ગાંધીજી જ આપી ચૂક્યા છે, એટલે અહીં તેમાં ઉતરવાની જરૂર નથી. એ એટલું સિદ્ધ કરે છે કે સારામાં સારા અમલદારો પણ ઇજ્જતના ભૂલભરેલા ભાનમાં વિવેક છોડી દેતાં અચકાતા નથી.
  2. * મીલો ખુલ્યા પછી આ પગાર સંબંધે કેટલીક છુટીછવાઈ તકરાર થઈ હતી; તેને માટે મજુરો જેટલા જવાબદાર હતા તેટલા જ મીલમાલિકો જવાબદાર હતા.
  3. *આ બાબત છેલ્લી પત્રિકામાં સરસ રીતે બતાવવામાં આવી છે. જોકે મજુરોની દૃષ્ટિ સમીપ ૩૫ ટકા વધારો કે પંચના તત્ત્વનો સ્વીકાર, એમ બે ધ્યેયો હતાં એ માનવું તેા જરા કઠણ છે.