અમે તો વહેવારિયા રામ નામના
Appearance
અમે તો વહેવારિયા રામ નામના નરસિંહ મહેતા |
અમે તો વહેવારિયા રામ નામના
સંતો અમે રે વહેવારિયા રામ નામના
વેપારી આવે છે બધાં ગામ ગામનાં
અમારું વસાણું સંતો સહુ કોને ભાવે
અઢારે વરણ જેને વહોરવાને આવે
અમારું વસાણું કાળ દુકાળે ન ખૂટે
જેને રાજા ન દંડે જેને ચોર ન લૂટે
લાખ વિનાના લેખાં નહિ ને પાર વિનાની પૂંજી
વહોરવું હોય તો વહોરી લેજો કસ્તુરી છે સોંઘી
રામનામ ધન અમારે વાજે ને ગાજે
છપ્પન ઉપર ભેર ભેગી ભુંગળ વાગે
આવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ
ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા નરસૈંયાનું કામ