અર્પી દઉં સો જન્મ ! એવડું મા તુજ લ્હેણું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સુણ ગરવી ગુજરાત વાત કંઈ કહું તે કાનમાં
સમજુ છે તું સુજાત સમજશે સહજ સાનમાં

વસ્તી વસુ સુખ તને વળી વેપાર વણજનું
જ્ઞાન ધર્મે પણ સુખી દુઃ ખ નહિ અધિક કરજનું

પણ ક્યાં બુદ્ધિ વિશાળ કવિ ઋષિ વીર ગયાં ક્યાં
રણ ગજવે રંગભૂમિ સર્વ એ સ્થિર થયા ક્યાં

પાડી દેહ પવિત્ર ગયા ક્યાં રક્ષક એવા
ક્યાં તે સ્વદેશદાઝ પ્રજા રાજાની સેવા

બેઠી પનોતી હાય દુર્દશા આખે દેશે
જ્યાં જોઉં ત્યાં સ્વાર્થ ભટકતો ભિન્ન ભિન્ન વેશે

ત્રણ સૈકા વહી ગયા વશ પડી રહી બીજાને
જતા આવતા સર્વ પવનની આણ તું માને

દેશ દેશ વગડાવ શંખ તુજ સ્વાધીનતાનો
બધે ઐક્ય પ્રસરાવ પરાજય કરી ભિન્નતાનો

પિટવ દાંડી પરમાર્થ સ્વાર્થ સંહારી માડી
સુધરે પ્રજા પરિવાર પરસ્પર પ્રીતે ગાઢી

પૂર્વજન્મનાં પાપ નર્મદા જળ શુદ્ધ કરશે
નવીન જન્મ શૂરવીર થકી એ ખોળે ભરશે

હું ક્યાં જોવા રહું નવીન એ જન્મ જ તારો
માત દુઃખ મૂંઝવણે ગાળી નાખ્યો જન્મારો

હશે ન મુજ મન દુઃખ વિશેષે એ વિશેનું
અર્પી દઉં સો જન્મ એવડું મા ! તુજ લ્હેણું

સો આપું લઈ એક સહસ્ત્ર આપું એકે
ગુર્જર દેશ ફરી જોઉં દીપતો સત્ય વિવેકે