અલબેલો નહિ જાય ચાકરી રે લોલ
દેખાવ
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ લોકગીત |
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ
આવી રૂડી અજવાળી રાત
અસૂરા કાગળ આવિયા રે લોલ
બાળ્યું બાળ્યું સવામણ તેલ
સવારે કાગળ બોલિયા રે લોલ
અધમણ રૂની બાળી દિવેટ
સવારે કાગળ ઉકેલિયા રે લોલ
કોરે મોરે લખી છે સલામું
વચમાં તે વેરણ ચાકરી રે લોલ
ઈ ચાકરીએ સસરાજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ
સસરાજીને ચોરાની ચોવટું
મેલીને નહિ જાય ચાકરી રે લોલ
ઈ ચાકરીએ જેઠજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ
જેઠજીને ગામના ગરાસ
મેલીને નહિ જાય ચાકરી રે લોલ
ઈ ચાકરીએ દેરજીને મેલો
અલબેલો નહિ જાય ચાકરી રે લોલ
દેર ઘેર નાના વહુવારું
મોલમાં નહિ રહે એકલા રે લોલ
રોઝી ઘોડી પિત્તળિયાં પલાણ
અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ
ગોરાંદેએ ઝાલી લગામ કે
અલબેલા ક્યારે આવશો રે લોલ
ગણજો ગોરી પીપળિયાંના પાન
એટલે તે દહાડે આવશું રે લોલ