આકાશદીપ/અજાણ્યો મનુષ્ય
| ← શાપિત રાજલક્ષ્મી | આકાશદીપ અજાણ્યો મનુષ્ય ધૂમકેતુ |
ગુમ થયેલી તસ્વીર → |
અજાણ્યો મનુષ્ય
સુંદર છબી, પૂતળાંઓ અને કીર્તિસ્થંભો માટે, એક શહેરમાં ખાસ મકાન હતું. તે મકાન શહેરથી લગભગ ચાર પાંચ માઈલ દૂર હતું. અત્યંત સુંદર ચોગાનમાં ત્યાં ઠંડા પાણીના ફુવારા ઊડી રહ્યા હતા. એવા એકાંત, શાંત સ્થળમાં જ્યારે જ્યારે મુસાફરો આવતા, ત્યારે ત્યાંનું પ્રકૃતિસૌન્દર્ય જોઈને મુગ્ધ બની જતા. ત્યાં જાણે, દરેકે દરેક ચીજ વાતાવરણની જમાવટમાં પોતાનો હિસ્સો અર્પી રહી હતી. પણ ઠંડી ચાંદનીમાં જ્યારે નાની મોટી સૌ વસ્તુ, રૂપરંગ અને સૌંદર્યની કોઈ ગૂઢ ચાદરમાં ઢંકાઈ જતી, ત્યારે જ અચાનક એમ લાગતું કે દિવસે આટલું રમણીય લાગતું એ સ્થળ જાણે કોઈ અતિ તીવ્ર વેદનાની ભયંકર શાંતિથી ભરેલું છે. એવી તીવ્ર વેદના કે જેવી માતા બાળકના મૃત્યુ પછી કે જુવાન હિંદુ સ્ત્રી વિધવા થયા પછી અનુભવી શકે. જાણે મોંમાં એક પણ શબ્દ દુઃખનો નથી, જાણે આંખમાંથી એક પણ આંસું શોકના ભારનું નીકળતું નથી; જાણે ચહેરા ઉપર એકે નિશાની — એકે રેખા નથી; અને છતાં વેદના એટલી નિઃસીમ છે કે એક વખત એને જોનાર કોઈ દિવસ એ ભૂલે જ નહિ. જાણે કોઈ કવિની કલ્પનામાં રમતી શોકરાણી આંહીં નિરાશ થઈ ને સૂતી છે.
એવા એ શાંત, નિગૂઢ, શોકભરપૂર સ્થળમાં, જ્યારે ચાંદની ખીલી હોય ત્યારે, જો કોઈ જઈ જ ચડે તો, એનું હૃદય કોઈ અકથ્ય શૂન્યતામાં પડી જાય: એ કાંઈ જાણે નહિ, કાંઈ સમજે નહિ, પણ કોણ જાણે કેમ કોઈ ભયંકર એકલતા — કોઈ વહાલા સ્વજનને છેલ્લી મુસાફરીએ પહોંચાડીને ઘરમાં પેસતાં પહેલવહેલી અનુભવાય છે તેવી, વહાલી માતાને વળાવીને પાંચ વર્ષનું બાળક બોલ્યા વિના સહે છે તેવી — એને બોલાવતી હોય તેવું લાગ્યા કરે.
પૂતળાં તો બધાં એમ ને એમ હોય: પાણી, ઘાસ, ફૂલ અને સૌંદર્ય એનાં એ હોય: શાંતિ એવી જ હોય: ચાંદની પણ રળિયામણી હોય: આસપાસનું વન અને મેદાન સઘળાં એવાં જ રૂપાળાં હોય.
ક્યાંય એક તલમાત્ર પણ ફેર ન હોય, છતાં કોણ જાણે કેમ, એ વખતે–દર પૂનમની મધરાતે – એવું સુંદર સ્થળ, શોકની ઘેરી છાયાથી ભરેલું લાગે. જો કોઈ ત્યાં એ વખતે જાય તો જીવનભર એ અનુભવ ન ભૂલે.
માત્ર એક વખત હું ત્યાં ગયો છું, માત્ર એક વખત મેં એ સ્થળ જોયું છે; અને જે મેં અનુભવ્યું તે હું આપું છું.
ઊંચાં ઊંચાં ગગનગામી ઝાડોની વચ્ચે થઈને આવતી ચાંદની પૃથ્વી પર સુંદર ભરતગુંથણીની માફક પડતી હતી.
ઉપરના, નીચેના અને આસપાસના ડુંગરા તો તદ્દન શાંત ઊભા હતા. પવનનું નામ પણ ન હતું. એકલી અગાધ શાંતિ ફેલાઈ રહી હતી. ફરવાની મજા હતી. દૂર ને દૂર હું ચાલ્યો ગયો.
આ કીર્તિમંદિરના દ્વાર પર આવીને જેવો પગ મૂક્યો કે તરત જ અંદરનાં સુંદર પૂતળાંઓનું આકર્ષણ થવા લાગ્યું. વિશાળ મેદાન ઉપર, શુદ્ધ ચાંદનીથી ધોયેલા આરસના રસ્તા પર, બન્ને બાજુએ ને ચારે તરફ પૂતળાંઓની હારની હાર ઊભી હતી. ગુલાબના ફૂલ પર જામતી ચાંદનીની ઠંડીમાં કોઈ શાંત ઊભું હતું, તો કોઈ તરુની છાયામાં સ્થિર હતું. ગુલમોરની લાલ કેસરી કળીઓમાંથી સરતી ચાંદનીમાં, કોઈ રસિક યુગલ, જાણે જીવનના નશાની પ્યાલી હોઠ પર લગાવી રહ્યું હતું. તો બીજે સ્થળે, જુગારીની જેટલી બેદરકારીથી કોઈ મત્ત સુંદરી, તીરછી આંખે, યશને, પૈસાને અને પુરુષને નિહાળી રહી હતી !
એક જગ્યાએ રૂપેરી ચાંદનીના પાતળા સાળુમાં ઢંકાયેલી, કોઈ પ્રમદા, જુગજુગાંતરની પ્યાસનો ઘડો ઝાલીને તેમાંથી રતુંબલ શરાબ પીવા મુસાફરને ઇશારા કરે છે, તો બીજી જગ્યાએ, એકલી આછી સૌંદર્યની પૂતળી બોલ્યા વિના બોલાવી રહી છે. કોઈ જગ્યાએ હણહણતા ઘોડા ઉપર ખુલ્લી તલવારે પુરુષાર્થ બેઠો છે, તો બીજી જગ્યાએ પૃથ્વી ખૂટતાં આકાંક્ષા ખૂટી નથી જેની, એવો મહત્ત્વાકાંક્ષી વીર એકલો ઊભો છે. કોઈ જગ્યાએ સોનેરી સિંહાસન પર રત્નની રજમાં કોઈ મહાન રાજા આરામ કરે છે, તો કોઈ સ્થળે મોતીની છીપની પાદુકા ઉપર ધર્માધ્યક્ષ અચલ શાંતિમાં અર્ધ ઊઘાડ્યા હોઠથી વેદોચ્ચાર ભણે છે.
જેની પાની પરથી અળતાનો રંગ પણ નથી લૂછાયો એવી કોમળ સુંદરીઓ આસોપાલવના ઝાડ નીચે બેસીને મોતીની માળા ગુંથે છે. જ્યાં દુઃખનો સ્વર પણ નથી સંભળાતો એવા એકલા એકાંત ભવનમાં કાલ્પનિક લાગે તેવી મધુર રમણીઓ ચોપાટ ખેલી રહી છે. જ્યાં જુઓ ત્યાં વૈભવ, આનંદ, શોખ, કળા, સંગીત અને સુખ છલકાય છે. જાણે કોઈ દુઃખી નથી. ક્યાંય દુઃખ નથી.
છેક ખૂણાનાં પૂતળાં પણ આનંદભર સ્મિત કરે છે. સર્વત્ર શાંત, સુખી, હલનચલન વિનાનો વ્યવહાર ચાલી રહ્યો છે. અભિસારિકાઓ મૂંગે હાથે ઝાંઝર કાઢી રહી છે, નૃત્યબાલા નિર્જીવ આંગળીથી સજીવ ઈશારત કરે છે; દ્રાક્ષાસવના પ્યાલા ધરનારી દાસીઓ રાજા–રાણીના વિલાસનો છાનો રોમાંચ અનુભવે છે; મુત્સદ્દીઓ, મંત્રીઓ, સેનાપતિઓ, સૌની શાંત જણાતી મુદ્રામાંથી, સત્તાનો, સુખનો, શોખનો, મદ ઝરે છે. સઘળાં સુખી દેખાય છે. શોખ કરે છે. શાંત લાગે છે.
પરંતુ કીર્તિ મંદિરના બીજા ખૂણા સુધી પહોંચીને જે વખતે હું પાછો ફર્યો ત્યારે આ જડ જણાતી વસ્તુઓમાં અચાનક ફેરફાર લાગવા માંડ્યો.
દરેકે દરેક ચહેરા ઉપર ગભરામણનાં સ્પષ્ટ ચિન્હ દેખાવા લાગ્યાં: જાણે મૃત્યુની રાહ જોતાં હોય તેમ સૌ સ્થિર નયને પોતપોતાની એક બાજુ જોઈ રહ્યાં. જડ જણાતી વસ્તુઓ પણ જુદા જ પ્રકારની ખાસ જડતા અનુભવતી હોય તેમ લાગ્યું.
સાધારણ રીતે હું ઘણી વખત મધરાતે સ્મશાનમાં ગયો છું. હિંદુના સ્મશાનમાં તો નિરવ શાંતિ અને ભયંકર એકલતા સાથે છે. પણ જ્યાં પ્રેમના અને આંસુના સંદેશાઓ વાંચીને હૃદય ભરાઈ આવે તેવા ક્રિશ્ચિયન સ્મશાનમાં એકલતા નથી લાગતી, પણ જાણે અનેક મનુષ્યોની વસ્તીથી ભરેલા મૂંગા શહેરમાં ઊભા હોઈએ તેવું લાગે છે. એવી એકલતાની ભર વસ્તીમાં એવા એવા ભણકારા આવે છે કે સામાન્ય માણસ તો ત્યાંથી મૂઠી વાળીને પોબારા જ ગણી જાય. પણ એવા ઘણા સ્મશાનોની ભયંકર એકલતામાં હું મધરાતે શાંતિથી ઊભો રહી શક્યો છું. પરંતુ આજે કોણ જાણે કેમ આ જડમૂર્તિઓના પરિવર્તનરમાંથી મારું હૃદય ભાંગું ભાંગું થઈ રહ્યું.
પણ એક ડગલું આગળ વધું — ને મૂઠી વાળીને ભાગું તે પહેલાં પાસેના સરુના લાંબા ઝાડની છાયામાં કોઈ સ્થિર નયને મારી તરફ જોતું હોય તેમ લાગ્યું.
મારી સામે ઊભેલી આકૃતિ જોઈને હું દિઙ્મૂઢ થઈ ગયો. તે અર્ધનગ્નાવસ્થામાં ઊભેલી આકૃતિ —ન પુરુષ કે ન સ્ત્રી — એવા મનુષ્યની હતી. તેના ચહેરા ઉપર વર્ષોનાં વર્ષો સુધી અંધારામાં રહેવાથી આવતી ફિક્કાશ હતી: આંખમાં નૂર ન હતું; કેવળ હાડપિંજર જેવું, મોટા ડોળાવાળું, મોટા માથાવાળું અને બેઢંગું મનુષ્યતત્ત્વ જ જાણે મારી સામે ઊભું હોય ને ઊભું રહીને મને નિહાળી નિહાળીને જોતું હોય તેમ લાગ્યું. મેં તેની સામે જોયું. અત્યંત દુઃખને લીધે તેના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. તેણે મારી તરફ જોયું ને મને પાસે આવવા મૂંગી નિશાની કરી.
હું તેની પાસે ગયો. એવો દુઃખી ચહેરો મેં જોયો નથી. અનાથ અને અત્યંત પરાધીન એવા મનુષ્યના ચહેરામાં જે જાતની ભયંકર ફિક્કાશ ને ચિંતા, ગ્લાનિ અને અકથ્ય નિવેદન દેખાય છે, તે આ મનુષ્યના ચહેરામાં હતાં.
‘તું કોણ છે ?’ મેં તરત જ તેની પાસે જઈને પૂછ્યું.
નિર્જીવ મનુષ્યતત્ત્વ ખડખડ હસ્યું. ફિક્કું, લૂખું, ભયંકર, મોટું શૂન્ય હાસ્ય. એ હાસ્યના પડઘાથી નીરવતા ગાજી રહી. અને તેના લાંબા સૂકા મોંમાંથી મોટા દાંત દેખાયા. આવી રમણીય ચાંદનીની પણ જાણે કોઈ એ ક્રૂર મશ્કરી કરી હોય !
‘હું — હું ? તું મને નથી ઓળખતો ? હું તો તાજમહાલનો સરજનારો — ’
‘હેં ! તું ?’
તાજમહાલ જેવા વિશ્વવિખ્યાત કલામંદિરની યોજના કરનાર આવો ભયંકર મનુષ્ય હોય એ વિચારમાત્રથી મને ધ્રૂજારી છૂટી.
‘તું ધ્રૂજે છે કેમ ? હું ભયંકર છું પણ હું ભયંકર નથી. હું સામાન્ય મનુષ્ય છું. મને સૌએ ભયંકર બનાવી મૂક્યો છે. કાશ્મીરનો મોટો મનમોહન બાગ જેની યોજના છે તે તને ખબર છે? અને —’
તાજમહાલની અત્યંત રમણીય આકૃતિ જમનાના કિનારા પર — ભૂરા આકાશને પાછળ રાખીને ઊભી છે તે — આંખના પલકારામાં નજર આગળથી સરી ગઈ. એ કૃતિનો સરજનારો આવો બેડોળ હોય એ વાત માનવાની હૃદયે ના પાડી.
‘એથી જૂના વખતમાં મેં સમુદ્રના તરંગથી છંટાતું સોમનાથ મહાદેવનું મંદિર રચ્યું. રત્નની રજથી રેતીની આકૃતિઓ સ્વચ્છ કરીએ તેવું આબુનું મંદિર બનાવ્યું. એથી પણ પહેલાં અપ્રતિમ એવી ભુવનેશ્વરની પાર્વતી — જેની કટિમેખલા સરજતાં જ મને વર્ષોનાં વર્ષો લાગ્યાં હતાં, એ સર્જનહાર હું, સામાન્ય અજાણ્યો મનુષ્ય હતો. મને ઇતિહાસ ભૂલ્યો છે. મારા નામ ઉપર એક ઢેફું પણ ઊભું નથી. મારી કલાકૃતિઓને સાચવનાર ઉપર તમે વારી જાઓ છો; પણ મને સામાન્ય મનુષ્યને — અજાણ્યાને — આજે કોણ જાણે છે? હું મનુષ્ય છું. તમારા જાણીતા મનુષ્યે મારી મદદથી આ બધું કર્યું છે. મારા વિના આમાંનું કાંઈ ન હોત!’
એના આ શબ્દના અવાજની સાથે જ જાણે આખા સ્થળમાં ભયંકર ગ્લાનિ ફેલાઈ ગઈ. સુંદરમાં સુંદર પૂતળાંના ચહેરા ઉપર કાળા ડાઘ પ્રગટ્યા. અને જાણે દરેકના પગ પાસે વીજળીની રેખા જેવી લોહીની સ્પષ્ટ રેખા માલૂમ પડી. એક પણ કૃતિ આ ફેરફાર વિનાની ન રહી.
વિજયી યોદ્ધાઓના ચહેરા પર તાજા ખૂનની ધાર ચાલી રહી. તીરછી આંખે જનતાને નિહાળતી મત્ત સુંદરી ચમકી હોય તેમ જડ બની ગઈ. રતુંબલ શરાબ પીવા મુસાફરને ઈશારા કરતી સુંદરીના ઘડામાં મનુષ્યનું લોહી છલકાવા લાગ્યું. વિજયી મુત્સદ્દીઓના ડોકમાં નિર્જીવ મનુષ્યોના હાડપિંજરની માળા દેખાઈ. મહત્વાકાંક્ષી વીરોના સોનેરી સિંહાસનના પાયા નીચેથી મનુષ્યોની ખોપરી ઊગી નીકળી. મોતીની છીપની પાદુકા ઉપરનો ધર્માધ્યક્ષ માથા વિનાના ખવીસ જેવો ભયંકર દેખાવા લાગ્યો. સુંદરમાં સુંદર આકૃતિઓ ભયાનક અને બેડોળ બની ગઈ. સુંદરીઓની પાની ઉપર અળતાને બદલે નર્યો નરમેધમાંથી વહેતો લોહીનો રંગ જણાયો.
આ પરિવર્તન જોતાં જ મેં પેલા અજાણ્યા મનુષ્ય તરફ જોયું. પણ એ તો તરત જ અદૃશ્ય થઈ ગયો હતો. અને તેના ખાલી હસવાના તુંબડકાંકરી જેવા અવાજથી આકાશ ભરાઈ ગયેલું લાગ્યું.
જ્યાં ઘડી પહેલાં નજર ઠરે તેવું સુંદર કીર્તિમંદિર ઊભું હતું ત્યાં એક જ શબ્દના પડકારાથી આવો ફેરફાર થતો જોઈ હું ઘડી ભર દિઙ્મૂઢ થઈ ગયો.