આકાશદીપ/કન્યા ઈંદિરા
| ← વસ્ત્ર ત્યાગ | આકાશદીપ કન્યા ઈંદિરા ધૂમકેતુ |
વ્રજભાઇ એક રેખાંકન → |
કન્યા ઈંદિરા
‘વાણી એ ભાષાના એક પ્રકાર છે. રંગ બીજો, રેખા ત્રીજો. હું તમને રંગની ભાષા વિષે કહું....’
કૃષ્ણકાંત જ્યારે આ પ્રમાણે છટાથી રંગની ભાષા વિષે સમજાવતા, ત્યારે વિદ્યાર્થીઓ એમાં કાંઈક અવનવું જોતા. ‘ભૂરા અને વિશાળ નીલાકાશમાં, એક નાનીસરખી વાદળી અદ્ભુત કવિતા દર્શાવે છે, અને સાથે સાથે જ એ હૃદયંગમ નાનું ચિત્ર પણ બનાવે છે. રંગના પણ જુદા જુદા અનેક પ્રકારના મિલનમાં, એવી જ કાવ્યવાણી વસી રહી છે,’ કૃષ્ણકાંત ચાલુ રાખતાઃ 'અને કાવ્ય, લાગણી, ભાવના, ધર્મ, એ બધું શું છે ? ખરી રીતે રંગની ભાષા. રમ્ય મુગ્ધાના સ્વચ્છ કપાળમાં નાની શી બિંદી થાય એ રંગની જ બનાવટ છે. પણ એ રંગના આવી રીતના મિલનમાં એક પ્રકારની લાગણી ગુપ્તપણે વસી રહી છે, અને એમાં છાનું કાવ્ય રહ્યું છે. એ કાવ્યને કુદરત અને પરમાત્મા સાથે જે જોડે, અલબત્ત સૌંદર્ય દ્વારા, તે ચિત્રકલાનો–રંગની ભાષાનો ધર્મ ખડો કરે !'
આ રંગની ભાષાની ફિલસૂફી બીજા સમજ્યા કે નહિ એ ભગવાન જાણે, પણ એમાંથી એક વિદ્યાર્થી હરેક રંગમાં હૃદયના ભાવ જોવા લાગ્યો. અનેકમાંથી એને એકને, સૃષ્ટિના રંગની ઘેલછા લાગી ! તે આખો દિવસ બસ એ જ ધમાલમાં પડ્યો. અનેક રંગમાંથી એક મહાકાવ્ય બનાવવું, એ મહાકાવ્યમાં જીવનનો સ્રોત અખંડપણે દર્શાવવો અને કાવ્યને અનેક રંગમાં વહેંચવું ! બસ એને આ જ ઘેલછા લાગી. એણે એક વખત તો દરિયાના ભૂરા વિશાળ પાણીમાં એકલી એક નાની હોડી તરતી મૂકી, ઉપર ભૂરું સ્વચ્છ નીલાકાશ એકાંત ને વિશાળ આવી રહ્યું હતું, ને હોડીમાં કોઈ એકલ દોકલ વૃદ્ધ મુસાફર ભીની આંખે, ઘડીમાં વિશાળ દરિયા તરફ જોતો, તો ઘડીમાં એથી વધારે વિશાળ આકાશ તરફ જોતો, ઊભો હતો. એના નેનમાં, એણે રંગની એક એવી ટીપકી મૂકી હતી કે જાણે એમાંથી જીવનનું કાવ્ય વહી રહ્યું હોય એમ લાગે !
પ્રેમલ જ્યોતિ ત્હારો દાખવી,
મ્હારો જીવન પંથ ઊજાળ્ય.’
લલિતમોહન ઉપર કૃષ્ણકાંત ખુશ થઈ ગયો. એણે એકે એનો સંદેશો ઝીલ્યો હતો. પછી તો કૃષ્ણકાંત લલિતમોહનને ક્યારેક ઘેર એકલો બોલાવીને ચિત્રકલાનો આદર્શ સમજાવતા.
આ બધો વખત એક શિષ્યા એમનો સંવાદ સાંભળ્યા કરતી. તે હતી કૃષ્ણકાંતની પુત્રી ઇંદિરા. એનું વય ચૌદથી પંદરનું હશે, પણ આ રસિક વિષયમાં એ પણ એવી જ તલ્લીન બની રહેતી.
લલિતમોહનની ઓરડી, પ્રૉફેસર કૃષ્ણકાંતના ઘરની પાસે–સામે જ હતી. ઈંદિરા હંમેશાં બારીમાં ઊભી ઊભી લલિતમોહનની ઘેલછા જોતી. ગાંડો વિદ્યાર્થી ચિત્રમાં એવો તલ્લીન બનતો કે ક્યારેક તો જમવાનો ઘંટ થાય ત્યારે ઉતાવળો ઉતાવળો દાતણ લઈને દોડ્યો જતો હોય!
લલિતમોહનની કળા જેમ વિકાસ પામતી ગઈ, તેમ તેમ ઈંદિરાનાં રસિકતા ને નિરીક્ષણ પણ વધતાં ગયાં. એક વખત લલિતમોહન પોતાની ઓરડીને તાળું દઈને હંમેશની માફક પોતાના કામે ગયો. તેના ગયા પછી તરત જ ઈંદિરા એની ઓરડી પાસે આવી ચડી.
કુંચીનો ઝૂંડો કાઢી ઈંદિરાએ એક પછી એક કુંચી અજમાવવા માંડી. થોડીક વાર પછી ઈંદિરાએ અંદર પ્રવેશ કર્યો. લલિતમોહન એક ચિત્ર અપૂર્ણ મૂકીને ચાલ્યો ગયો હતો. એ ચિત્રમાં નાના ઝરા પાસે હરિયાળી ભોંયમાં એક સ્ત્રી આડી પડી હતી, ને તેની પાસે એક જુવાન જરાક નમીને બેઠો હતો. લલિતમોહને ચિત્રમાં સ્ત્રી ચીતરી હતી, પણ જુવાન ચીતરીને પડતો મૂક્યો હતો. તેમ જ રેખાનાં અંકનમાં બધે બળ ભર્યું હતું; પણ આંખની કીકીમાં ભીનો રસિક ભાવ મૂકવો હજી બાકી રહ્યો હતો. ઈંદિરાએ ચોરની પેઠે પીંછી લીધી; તેણે જુવાનમાં રસિક ભાવ મૂક્યો ને વેગભર્યા યૌવનમાં થોડીક દિવ્ય ઘેલછા ઉમેરી દીધી. પછી જેમ આવી હતી તેમ ઇંદિરા ઝડપથી બહાર નીકળી ગઈ. આ રસિક ચોરીમાં રહેલા જીવનકાવ્યની પદાવલિ એને વાંચવી હતી. ચોરી તો સૌ કોઈ કરે, પણ રસિક ચોરી તો કોઈક જ.
લલિતમોહન બહારથી આવ્યો. પોતાની ધૂન પ્રમાણે એણે તરત પીંછી લીધી. પણ તે ચિત્ર પાસે જ થંભી ગયો. અને દોરનારની પીંછી કાંઈ અજાણી રહે તેમ હતી?
‘ઓત્ તારીની ! આ તો પ્રોફેસર કૃષ્ણકાંત પોતે ! આ ચિત્ર આજ એણે સુધાર્યું લાગે છે. પણ એ આવ્યા શી રીતે ?’ એને આશ્ચર્ય થયું.
પણ એની મનની વાત મનમાં જ રહી ગઈ ! બીજે દિવસથી તો લાંબી રજા શરૂ થતી હતી.
લલિતમોહન ઘેર ગયો. ત્યાં પણ એની ધૂન જામતી જ રહી. છેવટે એની પીંછી કૃષ્ણકાંત કરતાં ભાગ્યે જ ઊતરે એવી બની રહી. રજાના દિવસો પૂરા થયા. લલિતમોહન પાછો કૉલેજમાં આવ્યો.
પણ આ વખતે લલિતમોહને જોયું કે કૃષ્ણકાંતના મનમાં કંઇક ઊંડી ઉદાસી બેસી ગઈ છે ! તે બોલતા નહીં, પણ એના ગમગીન હાસ્યમાં અનેક અર્થ છુપાઈ રહેતા. લલિતમોહન ઘર આંગણે જતા તો બારણા પાછળની બે કીકીઓ પણ દેખાતી નહીં. તે પહેલાં તો આ કીકીઓ રસાતુરની તૃષાથી ત્યાં બેસી જતી. એમની ગેરહાજરીથી એનામાં પણ એક પ્રકારની અનિચ્છા જાણે કે આવતી હતી. એમ લાગતું કે એ જે કંઈ કરે છે તેને જોનાર જ કોઈ નથી !
લલિતમોહન એક દિવસ એ જ ચિત્ર ઉપર કામ કરી રહ્યો હતો : પણ આજે એને પહેલી વખત ખબર પડી કે પોતે જે સ્ત્રીનો ચહેરો ચીતર્યો છે તે તો ઈંદિરાનો છે ! આજ દિવસ સુધી જે ખબર ન પડી, તેની આમ અચાનક શોધ થઈ ગઈ. એ તરત આભો બનીને ઊભો થઈ ગયો. હવે એને દીવા જેવું સમજાઈ ગયું કે પ્રોફેસર કૃષ્ણકાંતે જ્યારે આ ચિત્ર સુધાર્યું હશે ત્યારે એણે ઇંદિરાને પણ જોઈ હશે: તેથી જ એમના મનમાં આવી ઊંડી દિલગીરી છવાઈ ગઈ છે ! અને એટલા જ માટે હવે ઇંદિરા પણ ત્યાં બારણા પાછળ બેસતી નથી ! આવું અકસ્માત ભાન થતાં એનો ચહેરો ઊતરી ગયો. પોતાની કલાની કિંમત ઘટી એમ એને લાગ્યું. તેણે કૃષ્ણકાંત પાસે જઈને તરત ક્ષમાયાચના કરવાનો નિશ્ચય કર્યો. તે એકદમ ઊઠ્યો ને કૃષ્ણકાંત પાસે જવા માટે ટોપી લેવા એણે હાથ લાંબો કર્યો. પણ એટલામાં કોઈના વસ્ત્રના ઘસારાના અવાજથી તે ચમકી ઊઠ્યો. તેણે પાછું ફરીને જોયું. ઇંદિરા ત્યાં ઊભી હોય એમ લાગ્યું. એ જ વખતે તેની ઘડિયાળમાં નવના ટકોરા થયા. દીવાનો પ્રકાશમાં જરાક લાંબો પડ્યો. લલિતમોહને ફરીને ચમકીને જોયું. ઈંદિરા પોતાના હંમેશના નિર્દોષ ભાવમાં તેની તરફ સ્નેહભરેલી નજરે જાણે કે જોઈ રહી હતી.
ચિતારાએ ઉતાવળે કહ્યું : ‘ઇંદિરાબેન ! તમે અત્યારે કૈં ? હું ત્યાં જ આવતો હતો.' પણ લલિતમોહન બીજું વધુ બોલે તે પહેલાં તો એણે ઈંદિરાને પાછી હઠી જતી જોઈ. લલિતમોહનને, ઇંદિરાની અત્યારે કોઈક અસુરી ગણાય એવી મુલાકાતમાં પણ પોતાની શંકાને સમર્થન મળતું જણાયું. એટલે તો એણે ત્વરાથી અત્યારે જ ખુલાસો કરી લેવામાં સજ્જનતા દીઠી. તેણે ઉતાવળે મોટેથી પૂછ્યું :
‘સાહેબ જાગે છે ?’
પણ લલિતમોહનના શબ્દોને જવાબ મળ્યો નહીં. ઈંદિરા ત્યાં હતી જ નહિ ! લલિતમોહનને એ ઝડપી પાછા જવું પણ સૂચક લાગ્યું !
પોતાના પ્રિય ગુરુની પુત્રીને તો એ બહેન માનતો. એનું મન તો ચોખ્ખું હતું. પણ એટલે તો કૃષ્ણકાન્તના દિલનું સમાધાન કરવા એ તરત છબી લઈને ચાલ્યો. હવે તો ઇંદિરા પોતાની સહાયમાં છે એવું પણ એને લાગ્યું. જો ઇંદિરા સાથે એ થઈ જાય તો વધારે વાત પણ થાય. એમ મેળાપ ન થાય તો પણ ગુરુના મનનું કોઈ રીતે સમાધાન તો કરવું જ એમ ધારી લલિતમોહન કૃષ્ણકાંતને ત્યાં ગયો. ઇંદિરાની ઝડપ આશ્ચર્યકારક લાગી. રસ્તે એ એને પકડી શક્યો નહિ.
એક દીવા પાસે બેસી કૃષ્ણકાન્ત બે ચાર છબી નિહાળી રહ્યો હતો. લલિતમોહનને જોઈને તે સફાળો બેઠો થઈ ગયો. લલિતમોહનને તે કૈંક અપૂર્વ લાગ્યું. છતાં પાસેની ખુરશી ઉપર એ બેઠો. ઘડીભર શાંત રહ્યો. એટલામાં કૃષ્ણકાંત પોતે જ બોલ્યો.
‘લલિત ! આ એક અદ્ભુત પીંછી તો જો!’ લલિતમોહને ચિત્ર હાથમાં લીધું. તેણે તે જોયું અને એની આંખ ફાટી ગઈ. આ શું? પોતે જે ચિત્ર દોર્યું હતું એની જ આવી નકલ આંહીં કોણે ઉતારી હતી ! કોઈકે શું ? કૃષ્ણકાન્તે પોતે જ ! પણ અત્યારે લલિતમોહનને એમાં ચિત્રકલા કરતાં કાંઈક વિશેષ અર્થ રહ્યો હોય એવું જણાયું. એને લાગ્યું કે આ બતાવીને તો ગુરુ પોતાને આ ચિત્રથી જાણે ઠપકો આપી રહ્યા છે કે તેં ગુરુદ્રોહ કર્યો છે ! વાણીથી ઠપકો નથી આપતા, ચિત્રથી આપે છે ! પોતે આવ્યો ત્યારે ગુરુ સફાળા ઊઠ્યા હતા તે પણ એને સાંભર્યું. કૃષ્ણકાન્તની વાતને લલિતમોહન પોતાના અર્થ પ્રમાણે ઘટાવી રહ્યો. છેવટે તેણે હિમ્મત કરી. પોતાનું બધું બળ એકત્ર કરીને એ બોલ્યો. ‘આ પીંછી તો આપની છે ! મારો કાંઈ દોષ થયો હોય,’
‘—ના ના, દોષ શું ? ભૂલ તો હરકોઈની થાય. પ...ણ... ’
‘આપે જે પ્રેમ બતાવ્યો, મને દોર્યો, હું કાંઇક સિદ્ધિને વર્યો, અને કલાની પણ જે કલા છે, એને હું ત્યાગું... ’
લલિતમોહન શું બોલે છે એ કાંઇ કૃષ્ણકાન્ત સમજતો હોય તેમ લાગ્યું નહિ.
'પણ આટલી નાની વયમાં જેની આવી પીંછી હતી... ’
‘હતી ? એટલે ? આ દોરનાર કોણ ? તમે નહિ ?’
‘ના, આ તો ઇંદિરાની કલમ છે!’
‘હેં!’
‘હું એમ વિચારું છું, તું આવ્યો ત્યારે જોતાં જોતાં એ વિચારી રહ્યો હતો કે કલાનાથે શા માટે આ સાધના અધૂરી રખાવી હશે ! ’
‘આ ઇંદિરા બે’ને કરેલ છે એમ તમે કહ્યું?’
‘હા, લલિત! પંદર વર્ષની ઉમ્મરે જેની પાસે આવી સિદ્ધિ હતી, એને જો જીવન મળ્યું હોત તો–’
‘જીવન મળ્યું હત તો?’
‘એટલે? ઇંદિરા બહેન ક્યાં છે? ’ લલિતમોહન વચ્ચે જ બોલી ઊઠ્યો.
‘તને ખબર નથી?’ પ્રોફેસર કૃષ્ણકાંતની આંખ જરાક ભીની થવા લાગી: ‘આ લાંબી રજા દરમ્યાન ઇંદિરા તો બિચારી મૃત્યુ પામી. અમે રજા ગાળવા ગયા ત્યાં જ દેહ પડી ગઈ!’
લલિતમોહન સફાળો બેઠો થઈ ગયો.
તે જોશમાં ને જોશમાં કૃષ્ણકાંત તરફ ફર્યો: એક હાથ ઊંચો કરીને તે બોલ્યો:
પણ લલિતમોહને તો હમણાં જ ઇંદિરાને જોઈ હતી. એને આમાં ઊંડો સામાજિક ભેદ જણાયો. ઇંદિરાનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ થઈ રહેલી આ વાત એ માની શક્યો નહિ. પોતાની પ્રતિષ્ઠાને હાનિ ન થાય માટે આ પ્રમાણે કહીને કદાચ કૃષ્ણકાન્ત હંમેશને માટે ઇંદિરાને છાની વિદાય દઈ દેવાનો વિચાર કરતા હોય—પોતાના પ્રાંતમાં મોકલી દેવી અને જરા નિશાનીનો મોહ પણ રહે નહિ માટે એના મૃત્યુની વાત ફેલાવવી! ઓ પ્રતિષ્ઠા! પણ પોતે તો શુદ્ધ હતો. કદાચ આજ ઇંદિરા આવી, જે બોલ્યા વિના પાછી ફરી—એમાં પણ આ જ કારણ ન હોય ! તેણે કહ્યું:
‘જો મારે માટે થઈને તમે ઇંદિરાનો ત્યાગ કરતા હો—તમને એમ લાગતું હોય કે ઇંદિરામાં મારા માટે સ્નેહાંકુર રોપાયું છે તે તેથી એને મૂએલી માનતા હો— કે આ અંકુરને દાબી દેવા માટે જ આ માનસિક યોજના હોય તો હું તમને પ્રસન્ન કરવા ભીષણ પણ લઉં છું કે ઇંદિરાબેન તો મારી ગુરુપુત્રી—ને તેથી બહેન છે!’
કૃષ્ણકાંત કૈં સમજ્યા નહીં.
‘લલિત ! આ શું વળી? તું આ શું બોલે છે?’
‘તમને ઈંદિરાબેનને મરેલી માનવામાં આનંદ આવે છે?’
‘પુત્રીના મૃત્યુમાં કોઈ ને આનંદ આવે ખરો?’
‘ખોટું ! ખોટું ! ઈંદિરાને તો મારી જ ઓરડીમાં બે ક્ષણ પહેલાં મેં દીઠી છે. એનું શું?’
કૃષ્ણકાંત એ સાંભળતાં જ સફાળા બેઠા થઈ ગયા: ‘હેં!’ એનો સાદ ફાટી ગયો. ‘ શું?’
‘હું ઇંદિરાને—બેનને હમણાં જ મળ્યો. બે ક્ષણ પહેલાં?’
‘ક્યાં?’
‘મારે ત્યાં એ આવ્યાં હતાં—ને મારી પહેલાં આંહીં દોડતાં આવ્યાં... ’
‘અરે ! પણ ગાંડાભાઈ ! ઇંદિરા તો આ રજામાં મૃત્યુ પામી છે એ વાત સાચી છે: ઈંદિરા નથી, ધેલા ચિત્રકાર ! ઈંદિરા નથી એ ચોક્કસ. પછી તું એને ક્યાંથી જોતો’તો?’
કૃષ્ણકાંતને હવે તો એમ ને એમ આશ્ચર્યમાં રાખીને લલિતમોહન એકદમ દોડી ગયો, એની ઓરડીમાં સંતાઈ ગયેલી ઈંદિરાને શોધવા. પણ એની આખી ઓરડી ખાલી હતી. માત્ર એને પહેલી વખત લાગ્યું કે હરેક ઠેકાણે ઇંદિરાનો ભાવ જાણે કે ભર્યો છે ! ફૂલ વિના જેમ ફૂલની સુગંધ પ્રસરી રહે, તેમ દૂર દૂર રહેલી ઇંદિરાના અનેક ભાવ જાણે મૂર્તિમાન બનીને આંહીં પ્રસરી રહ્યા હતા.
ચિત્રકારે બૂમ મારી: ‘ઇંદિરા બહેન!’ એની નજરે જાણે ઈંદિરા બારણાં પાછળથી પોતાની એ શ્યામ કીકીઓથી તાકી રહી છે એમ લાગ્યું. તે બારણા પાસે ગયો ને બારણા પાછળ જોયું. એટલામાં તેના ખભા ઉપર કોઈનો હાથ અડ્યો. તે કૂદી પડ્યો:
‘ઇંદિરાબેન!’
પણ કૃષ્ણકાંત તેનો ખભા હલાવી રહ્યો હતો. ‘બેટા! લલિતમોહન ! ઇંદિરા નથી એ એક ભયંકર સત્ય છે ! ’
પણ પોતાના ચિત્ર ઉપર તાજો રંગ ચળકાટ મારી રહ્યો હતો. લલિતમોહન ગાંડાની પેઠે કૂદ્યો: ‘પણ આ શું છે ? આ એ રહી ! જુઓ તો ! આ તાજો રંગ ! ઈંદિરા બેને હમણાં જ પીંછી ચલાવી છે !
’આ આંહીં ક્યાંથી ?‘
‘તમે પણ એક દિવસે એવી જ રીતે ચોરીછૂપીથી એ જ પ્રમાણે પીંછી ચલાવી ગયા હતા ! એ સંભારોને.’
‘કોણ હું?’ કૃષ્ણકાન્તને આ ઘેલછા લાગી.
‘કેમ ભૂલી ગયા? પેલી કીકીઓ–એ કોણ મૂકી ગયું હતું? તમે મૂકી ગયા હતા!’
‘ના, લલિત ! ના, મેં કાંઈ મૂક્યું ન હતું. કોઈએ કંઈ મૂક્યું નથી. તને ભ્રમ થયો છે!’
‘આ હા ! ત્યારે તો તે દિવસે પણ ઇંદિરા બે‘ન હતાં ! ઇં દિ રા બે‘ન ! ’ લલિતમોહને મોટેથી આકાશને બોલાવતી બૂમ પાડી.
કૃષ્ણકાંતે એનો હાથ ઝાલ્યો: ‘બેટા ! એમ હશે, છતાં એ ઈંદિરા હવે ભાવના રૂપે જ ફેલાઈ રહી છે ! એ ભાવનાને અવાજથી અભડાવતો નહિ!’
‘ભાવના ? અરે ! ઘડી પહેલાં મેં પોતે એના વસ્ત્રનો ઘસારો સાંભળ્યો છે ને!’
કૃષ્ણકાંત કપાળે હાથ દઈને બોલ્યા, ‘લલિતમોહન ! મરેલાં પાછાં આવતાં નથી. આવે છે તો મળતાં નથી. મળે છે તો મરતાં નથી. બેટા ! તને ઘેલછા લાગી છે ! ’