આકાશદીપ/ગુમ થયેલી તસ્વીર
| ← અજાણ્યો મનુષ્ય | આકાશદીપ ગુમ થયેલી તસ્વીર ધૂમકેતુ |
ખરેલાં બે પાન → |
સુરત શહેરનો દેખાવ જોવા જેવો થઈ ગયો હતો. આખા શહેરમાં નાસભાગ થઈ રહી હતી, કોઈ ભરૂચ તરફ તો કોઈ બીજી તરફ રવાના થતા હતા. શિવાજી મહારાજની સવારી આવે છે એ ખબર મળ્યા એટલે અમારો ઘણોખરો કિંમતી સામાન તો તરત ફેરવાઈ ગયો. અને સહીસલામત રહેવા અમે પોતે પણ ભાગી ગયા !
એક વખત સહીસલામતીવાળા સ્થાનમાં પહોંચ્યા એટલે મેં મારા કિંમતી સામાનની તપાસ કરવા માંડી. મારી મૃતમાતાની સુંદર તસ્વીરવાળી પેટી જ માત્ર ગૂમ થતી હતી !
એ તસ્વીર માટે મેં પંદર પંદર વર્ષ તપ કર્યું હતું. એક મિત્રની પ્રેમની ભેટ લેખે એ હતી. હું હતાશ બની ગયો. હાય ! આજે જ મને પહેલી વખત લાગ્યું કે મારી માતા હવે કોઈ દિવસ મને નહિ મળે. મારી પાસે મારી માતાની આ એક જ છબી હતી. પરંતુ બીજો કોઈ ઉપાય હાથ રહ્યો નહિ. મારા કાકાને મેં એ વાત કરી. તેણે તો માત્ર હસી કાઢ્યું ! ‘ અલ્યા ! મૂરખા ! જ્યાં જીવનની સલામતી માટે ઇશ્વરનો આભાર માનવાનો છે ત્યાં તું આ પેટી માટે અફસોસ કરે છે ? શિવાજી, પંદર હજાર મરાઠા સવારો સાથે સૂરત તરફ આવતો હોય ત્યારે આવી ચિંતા કરવાનો કોઈને વખત હોય કે અલ્યા ? ભૂલી ગયો તું? નવા નવા સમાચાર આવતા હતા ને આપણા હાંજાં ગગડી જતાં’તાં તે? શું સમાચાર આવ્યા હતા તે સંભારને ! કારગરનો રાજા અબદુલ્લાખાન મક્કાની જાત્રાથી પાછો વળીને સુરતમાં થોભ્યો એટલામાં તો તેના ઉપર હૂમલો થયો. અને રાજાની સોનાની પાલખી શિવાજીને હાથ આવી ગઈ. આ એ પાલખી ગઈ તે ગઈ ! આમાં તારી છબીને ક્યાં રૂએ છે?’
જ્યારે સમાચાર આવ્યા કે તાપી ઓળંગી શિવાજી અમારા પર આવે છે ત્યારે તો અમે અને અમારી સાથેના વેપારીઓ ભયથી અધમૂઆ જેવા જ થઈ ગયા. પણ સદ્ભાગ્યે તાપી ઓળંગવાનો વિચાર શિવાજીએ પડતો મૂક્યો ને સૂરતના હજારો શ્રીમંત વેપારીઓ બચી ગયા !
પછી જ્યારે હું સૂરત પાછો ગયો ત્યારે મને માલૂમ પડ્યું કે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. મારી પેલી કિંમતી પેટીનો પત્તો હતો નહિ. શિવાજીના માણસોને જે હાથ પડ્યું તે લીધું હશે, એટલે મારી પેટી પણ આડકતરી કે સીધી રીતે શિવાજીની લૂંટમાં ગયેલી હશે. હવે એનો ક્યાંથી પત્તો લાગે? એ વિચાર કરતાં મને તમ્મર આવ્યાં. આખે શરીરે પરસેવો છૂટ્યો. સિંહના મોંમાંથી શિકાર પાછો મળે એ વાત કાંઈ બને ? રોતો રોતો હું તો પથારીમાંં પડ્યો. મને લાગ્યું કે મારી મા આજે જ જાણે મરી ગઈ હતી ! બીજે દિવસે સવારે હું ઊઠ્યો ત્યારે મારા કાકાને મેં મારી સામે ઉભેલા જોયા. મેં નિશ્ચય કર્યો હતો કે કાકાને આ સંબંધે હવે કાંઈ કહેવું નહિ. પણ ડોસો એવો વિચક્ષણ હતો કે મારો વિચાર તે એક ઘડીમાં કળી ગયો.
’તારું ધ્યાન પેલી પેટીમાં ચોટ્યું છે તે હું જાણું છું.‘ એણે મને કહ્યું: ‘પણ શિવાજીની લૂંટમાં જે વસ્તુ ગઈ તે જીવના જોખમે પણ તને પાછી નહિ મળે!‘
’કાકા!‘ મેં જુસ્સાથી કહ્યુંઃ ‘એ પેટી હું પાછી લેવાનો!‘
’શી રીતે ? શિવાજીનું નામ તેં સાંભળ્યું છે ?*[૧] સ્મિથને પૂછી જોયું છે કે શિવાજીના તંબુમાં કેમ જઈ શકાય છે? અને બીજા બે જણાને રાખ્યા’તા ડુંગરી કિલ્લામાં, એમને પૂછ્યું છે શું દંડ દેવો પડ્યા તે? ડૉ. ફ્રાયરને પૂછી જો–કેટલી વીશે સો થાય છે!‘
‘કાકા! પણ હું તો ગમે તેમ કરીને તે પેટી લાવવાનો.’
મારા કાકાએ કાંઈ જવાબ વાળ્યો નહિ. તે તપી ગયા. આનું ભવિષ્ય સારું નથી એટલું કહી જતા રહ્યા. ઘડીક ખમીને તે પાછા આવ્યા ને મને શાંતિથી સમજાવ્યું: ‘જો, શિવાજીને અત્યારે અંગ્રેજ સાથે વેર છે. માટે આ સાહસ તારે ખેડવું નહિ.’
મારા કાકાએ મને નાનપણથી પોષ્યો હતો. ભલે અત્યારે મારી મૂર્ખાઈ ઉપર એ હસતા હતા, પણ તેમના હૃદયમાં મારા માટે ભારે પ્રેમ હતો. તેમને નિરાશ ન કરવાના હેતુથી, મેં એ વાત ત્યારે સ્વીકારી લીધી, ને કાંઈ ન હોય તેમ કામમાં જોડાયો.
પણ છાની રીતે હું શિવાજીના સમાચાર મેળવતો હતો ને પહેલામાં પહેલી તકે નાસી જવાની તૈયારી કરી રહ્યો હતો.
અંતે એવી તક આવી. રાત્રે સૌ સૂઈ ગયાં હતાં ત્યારે હું બહાર નીકળી પડ્યો. નીકળતી વખતે મેં મારા ગોપાલ નામના વિશ્વાસુ નોકરને સાથે લઈ લીધો. બન્ને ઘોડેસવાર થયા ને ઝપાટાભેર રસ્તો કાપવા લાગ્યા.
માર્ગમાં જે દૃશ્ય મેં જોયું તે ખરેખર અદ્ભુત હતું. મરાઠા લોકો વારંવાર હૂમલા કરતા હતા, છતાં હરિયાળાં ખેતરોમાંથી ખેડૂતો વાંસળી વગાડી વગાડી જંગલને બોલાવતા હતા. વનની શોભાથી જમીન સુંદર બની રહી હતી. અને જ્યાં જૂઓ ત્યાં આંખ ઠારે એવી રમણીયતા ભરી હતી. ચાંદનીમાં હું ને ગોપાળ વાતો કરતા નિરાંતે ચાલ્યા જતા ને ગમે તેના ખેતરમાં હવાની લે’ર લેતા જરા સૂઈ લેતા. પશ્ચિમઘાટ તો નીલાંબર પહેરીને અમને બોલાવી રહ્યો હતો. અમે એક ગામડે પહોંચ્યા તો ત્યાં સંખ્યાબંધ બેલગાડીઓ જતી દેખાઈ. દરેક બેલગાડી પાછળ રક્ષણ કરવા માટે ત્રીસ સવારો હતા. તેમની મોટી મોટી આંખો, લાંબી મૂછો ને ઘેરવાળાં અંગરખાં એક પ્રકારની શેહ આપતાં હતાં. ગોપાલ અને હું ત્યાંથી નીકળ્યા કે તરત જ હવાલદારે અમને અટકાવ્યા. હવાલદારે અમને અજાણ્યા ગણીને કેદ કરી લીધા. અમારાં હથિયાર ખૂંચવી લીધાં. પૂનામાં મહારાજની રૂબરૂ લઈ જવાનો પોતાનો નિશ્ચય જણાવ્યો.
હવાલદારને ખબર નહિ હોય કે હું શિવાજીને મળવા માટે જ પૂના જાઉં છું ને જો હવાલદાર જ મને રજૂ કરી દેતો હોય તો મારે એટલી મહેનત ઓછી થઈ. એટલે હું તો એની આ વાતથી ઊલટાનો મનમાં ખુશ થયો. એમ કરતાં અમે જ્યારે પૂના પહોંચ્યા ત્યારે તો ઘણા ચોકીદારો મને કેદી કરતાં મિત્ર જેવા જ લેખતા થઈ ગયા. રાયગઢના કિલ્લા ઉપર આવી હવાલદારે મને ત્યાંના કિલ્લેદારના હાથમાં સોંપ્યો. કિલ્લેદાર ખરો ભલો આદમી હતો. તેણે મને પૂછ્યું, ‘શા માટે સૂરત છોડી તમે આ બાજુ મુસાફરી કરી રહ્યા છો?’ ‘હું શિવાજી મહારાજને મળવા માગું છું.’ બસ ત્યાર પછી ત્રણ ચાર દિવસ મેં ખાધું પીધું ને મજા કરી. કિલ્લામાં આશરે બે હજાર મરાઠા હતા. અને તે સદા જાગ્રત રહેતા હતા. રાયગઢનો કિલ્લો એવા અભેદ્ય સ્થળ પર છે, કે દુશ્મનનો હલ્લો ત્યાં ભાગ્યે જ ફાવી શકે. રાયગઢના કિલ્લા વિષે મેં એક વાત અહીં સાંભળી. જ્યારે કિલ્લો તૈયાર થઈ ગયો ત્યારે મહારાજે પડો વગાડી જાહેર કર્યું કે જે કોઈ દરવાજા સિવાય બીજે માર્ગેથી પ્રવેશ કરીને કિલ્લા ઉપર ધ્વજા ચડાવી આવશે તો મહારાજ એને સોનાનું કડું ને ૫૦૦ સિક્કા પારિતોષિક આપશે. એક સામાન્ય માણસે એ કરી બતાવ્યું ને મહારાજે એને ઈનામ આપ્યું. આવી રીતે શિવાજી મહારાજ કિલ્લામાં કોઈ પણ ગુપ્ત માર્ગ અંદર પ્રવેશનો રહી ન જાય એની તપાસ રાખતા! ચોથે દિવસે સવારમાં એક દૂતે આવી મને મહારાજ પાસે લઈ જવાનું કહ્યું. ત્યારે મારી કલ્પનામાં શિવાજીની જે ભીષણ મૂર્તિ આવી તેનાથી ઘડીભર હું તો તેની પાસે જવાનો વિચાર આવતા કંપી ઊઠ્યો ! સારા સૂરતમાં અફઝલખાન ને શિવાજીનો પ્રસંગ ચર્ચાયો હતો. જાવલીના સરદાર ચંદ્રરાવ મોરેને જડમૂળથી ઉખેડી નાખનાર શિવાજીની ધાક આખા ઉત્તર-હિન્દુસ્તાનમાં બેસી ગઈ હતી. સ્મિથે છ વર્ષ પહેલાં જ શિવાજીની ભેટ લીધી હતી, ને તેની આકૃતિ વિષે, સ્વભાવ વિષે, એટલી એટલી વાતો પુનઃ પુનઃ ચર્ચાઈ હતી કે અત્યારે મને ભારે ધાક લાગી. મને એમ થઈ આવ્યું કે ચોક્કસ જ એ માણસ તલવારથી મારો શિરચ્છેદ કરી નાખશે! પણ હવે એ બધા વિચારો નકામા હતા. હું હિંમતભેર દૂતની સાથે ચાલ્યો!
છેટેથી મેં જોયું તો એક સાદા ઓટલા ઉપર તદ્દન સાદી ચટાઈ પાથરી તેના ઉપર મહારાજ બેઠા હતા. પાસે એક કૂવો હતો, ત્યાં કેટલીક પનિહારીઓ પાણી ભરવા આવી હતી: તેમની કેડેથી ઊતરી ઊતરી ઓટલા પાસે શિવાજી મહારાજ સામે કેટલાંક બાળકો ઊભાં હતાં! મહારાજ તેમની સાથે સરળ ભાવથી વાતો કરતા હતા. અને હસીહસીને બાળકોને પાસે બોલાવી તેમના હાથમાં ફળફૂલ આપતા હતા !... પણ જ્યારે મેં જોયું કે તેની પાસે કોઈ અંગરક્ષક નથી ત્યારે તો મારા મનમાં મેં એક ગાંઠ બાંધી લીધી કે આ માણસમાં બીજું ગમે તે હોય પણ જરૂર વિનાના વિશ્વાસઘાતનું તો એક બુંદ સરખું પણ એનામાં નથી! શિવાજી મહારાજ પનિહારીઓમાંથી પણ ઘણી સાથે વાત કરતા હતા. અને તેમની નાની નાની દુ:ખની વાતો પણ તેના હિસાબમાં છે એવું જોતાં મને ખાત્રી થઈ ચૂકી કે હું જેની સામે ઊભો છું તે સૂરતનો લૂંટનાર શિવાજી નથી પણ ગુરુ રામદાસનો આદર્શ શિષ્ય શિવાજી છે! મારી બધી ભીષણ કલ્પનાઓ – અને સ્મીથે આપેલું વર્ણન ચાલ્યાં ગયાં.*[૨] હું મારું કામ પણ ભૂલી ગયો. મને લાગ્યું કે જેનો પ્રતાપ આટલો ગાજે છે તેના હૃદયમાં તો દયાનાં સરોવર ભર્યાં છે! પ્રજામાં પ્રાણ પૂરનાર આ પુરુષને જોતાં મને પહેલી જ વખત લાગ્યું કે ખરેખર આજે મેં એક મહાન પુરુષ જોયો છે. પરંતુ તે દિવસે મારે મહારાજનાં દર્શન જ થયાં: મૂલાકાત ન થઈ શકી. કારણ કે મહારાજને કામ હોવાથી તે થોડીવારમાં જ બીજે જતા રહ્યા. હું ઘેર આવ્યો. પણ એક વખત શિવાજી મહારાજને જોયા પછી જ ચેન પડે એવી એની મોહિની લાગી.
બીજે દિવસે સાંજના વખતે મને તેડવા માટે એક દૂત આવ્યો. હું કિલ્લામાં ગયો. આજે સૂરતના લૂંટના માલનું પ્રદર્શન ભરાયું હતું. ખૂબ ચોકસાઈથી બધો માલ ગોઠવવામાં આવ્યો હતો. મોટા મોટા ઈરાની ગલીચા પર સોનારૂપાના વાસણમાં મોતીની માળાઓ, મોટા મોટા પાણીદાર હીરા, માણેક, પોખરાજ ને નીલમ પડ્યાં હતાં; અમદાવાદી કિનખાબ ઉપર ઊંચા પ્રકારનું ભરતકામ કરેલાં એવાં બહુમૂલ્ય વસ્ત્ર પણ રાખ્યાં હતાં; પાટણનાં પટોળાં, *[૩]ઢાકાની મલમલના તાકા, બનારસી વાસણો, ને દિલ્હી આગ્રાના હુક્કા – એવી અનેકવિધ બહુમૂલ્ય વસ્તુઓ ત્યાં હતી. પણ મારી નજર તો ત્યાં હતી કે જ્યાં મારી પેલી પેટી પડી હતી ! બસ એ જ પેટી અને એ જ તસ્વીર: કેટલી પાસે પડી હતી અને છતાં કેટલી દૂર હતી! આજે લોકોની ધમાલ હતી. સૌ જોઈ જોઈને નવાઈ પામતા હતા. પાસે એક ગાલીચા પર મહારાજ શિવાજી બેઠા હતા, તેણે લાલ કસુંબલ પાઘડી બાંધી હતી અને તેના પર જડાઉ શિરપેચ શોભી રહ્યો હતો. તે દિવસે તો મહારાજ શિવાજીને દૂરથી જોયા હતા, આજે છેક પાસેથી નિહાળ્યા. રજપૂતના જેવા એના મોં પર સૂડાના જેવું કાંઈક વાંકું નાક એને જુદું જ રૂપ આપી રહ્યું હતું. શિવાજી કાંઈક ઠીંગણો હતો, પણ ઘાટ બહુ સપ્રમાણ હતો. સૌથી વધારે મહત્ત્વની તો એની આંખો હતી: એમાંથી તેજની ધાર છૂટતી હતી. મોરોપંત પિંંગલે અને તાનાજી માલુસરે ત્યાં પાસે જ ઊભા હતા. ગાદીની પાછળ થોડે દૂર બે ભાલેદાર ઊભા હતા. મને જોઈને મહારાજે તરત સવાલ કર્યો: ‘ફિરંગીલોક ! કેમ આવ્યો છે?’ મેં વિનયથી જવાબ વાળ્યો: ‘આપના દર્શનની અભિલાષા હતી. તેમ જ મારી એક પેટી સૂરતથી મેળવેલી લૂંટમાં છે. પેટીમાં કાંઈ કિંમતી ચીજ નથી, પણ મને એ બહુ જ પ્યારી છે. તેમાં મારી માતાની એક તસ્વીર છે. આપ એને પાછી આપવાની કૃપા કરો.’ થોડીવાર રહીને મહારાજે જવાબ વાળ્યો: ‘એનું મૂલ્ય રાજકોષમાં આપીને લઈ જાઓ.’
પણ હું તો ખિસ્સાં ખાલી હતો. મારા અને ગોપાળના ઘોડા પણ રાજની જ મિલ્કત લેખાતા હતા. મેં કહ્યું: ‘અમારા મહાન્ કવિ શેક્સપિયરે કહ્યું છે કે રાજપદ સિંહાસનમાં નથી, મનમાં છે.’ પણ આ વાક્યની મહારાજ ઉપર કાંઈ અસર થઈ નહિ : તેમણે મોં મલકાવ્યું ને જવાબ વાળ્યો: ‘ફિરંગીલોક! તમારી વાત સાચી છે. પણ સૂરતની લૂંટ હવે તો પ્રજાની થઈ ચૂકી. એમાંથી હું હવે કેમ કાંઈ ખર્ચી શકું?’
આ વાર્તાલાપ થયા પછી ત્રણ ચાર દિવસમાં રાયગઢ છોડવાનો મને હૂકમ મળ્યો.
હું જે દિવસ રાયગઢ છોડવાના નિશ્ચય પર આવ્યો તે પહેલાં એક દિવસ અગાઉ કિલ્લાના પહાડી સ્થાન ઉપર આથમતી સંધ્યા જોતો બેઠો હતો. ઇંગ્લાંડના ધુમ્મસથી વીંટાયેલો દરિયાકિનારો મારી નજર આગળ તરતો હતો. પાંચ હજાર ગાઉ દૂરથી — મારું પેલું ખૂણેખાંચરે પડેલું મકાન આજે નજર આગળ તરતું હતું! રાયગઢની ટેકરીઓમાં અંધકાર ફેલાવો શરૂ થયો હતો; મારી નજર દૂર દૂરનો ભાગ મૂકી પાસેનાં સ્થાન જોવા મંડી. મારી સામેના રસ્તા પર એક સાદો મરાઠો સિપાઈ ધીમે પગલે ચાલ્યો જતો હતો.
થોડે દૂર એ ચાલ્યો ન ચાલ્યો ત્યાં ત્રણ જણા પાસેની ઝાડીમાંથી નીકળ્યા અને તેને વીંટી વળ્યા. ત્રણે જણાના હાથમાં ઉઘાડી તરવારો હતી. વીજળીના ઝબકારા જેમ મરાઠા સિપાઈની તલવાર નીકળી, ને થોડી વારમાં હવામાં સરસરાટ થવા મંડ્યો : તલવારો ભટકવા લાગી; અને હવામાં એક જ અવાજ થઈ રહ્યો. હું તો હતો ત્યાં સ્તબ્ધ બની ગયો. પણ એ અસર તો તરત ગઈ, ને હું હતો ત્યાંથી વીજળીવેગે તેઓના તરફ દોડ્યો. પણ મારી પાસે હથિયારમાં માત્ર એક લાકડી હતી ! બરાબર ફેરવીને મેં એકના માથામાં એવા જોરથી તો ઘા કર્યો કે તે ગોઠણીઆભેર નીચે પડી ગયો. એ જોઈને બીજો તરત મારા તરફ ફર્યો. તેણે તરવારનો મારા પડખામાં ધા કર્યો. પણ મારા ઓવરકોટમાં અફળાઈ તે અંદર પેસી રહી. ફરી તરવાર ખેંચે તે પહેલાં મેં તેને એક પથ્થર પર જ પટકી માર્યો ને છાતી પર ચડી બેઠો. મારી સામે હવે બે જણા લડી રહ્યા હતા. મરાઠા સિપાઈએ પેલાને એક જ ઘાથી ઉડાવી દીધો. પણ એ જ વખતે મારી નીચે પડેલો આદમી – હું જરાક ઊભો થયો કે તરત જ નાસી છૂટ્યો ને ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો.
‘ફિરંગી બહાદુર !’
પણ એ શબ્દ સાંભળતાં જ હું આશ્ચર્ય પામ્યો; હું પાસે આવ્યો: ‘કોણ? અલ્યા...’
અને મારા શબ્દો મોંમાં જ રહ્યા. મહારાષ્ટ્રના સ્વામી શિવાજી મહારાજ પોતે જ એક સાદામાં સાદા મરાઠા સિપાઈના વેષમાં મારી સામે ઊભેલા હતા. મેં એકદમ વાક્ય ફેરવ્યું: ‘મહા...’
‘ફિરંગી બહાદુર !’ શિવાજી મહારાજ બોલતા હતા, — ‘આજે તેં મહારાષ્ટ્રની લાજ રાખી છે. ને મારો પ્રાણ બચાવ્યો છે: અને પ્રાણથી વહાલો યશ સાચવ્યો છે. બોલ, હું તને શું આપું ?’
હું બોલું તે પહેલાં તો મરાઠા સિપાઇઓ ચારેપાસથી દોડતા આવતા હતા. તેમાંના કેટલાકના મોં પર મૃત્યુજેવી ફિક્કાશ હતી. દગાનું નામ સાંભળીને અમંગળની કલ્પનાથી તેઓ વ્યગ્ર બન્યા હતા. થોડીવારમાં બન્ને લાસ ઉપડી ગઈ.
બીજે દિવસે સવારે ભરસભામાં મારી પ્રશંસા કરીને મહારાજ શિવાજીએ કહ્યું: ‘ફિરંગી બહાદુર ! તારે જે જોઈએ તે માગી લે!’
અને મારા મનમાં શું હતું? મારી માતાની તસ્વીર અને પેલી પેટી.
એ જ વખતે ડૉ. બાહટન યાદ આવ્યો. મારી માતાની સાચી તસ્વીરમાં ઈંગ્લાંડની ભૂમિને કિનારે કિનારે ફરતા ખલાસીઓ યાદ આવ્યા; એમના માટે હું કાંઈક કરું એ પ્રેરણા વ્યાપી ગઈ. મેં કહ્યું: ‘મહારાજ! મારા જાતભાઈઓને આપના રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપો!’
મહારાજના મોં પર આછું સ્મિત ફરક્યું : ‘બહાદૂર પુરુષ ! થોડા દિવસ પહેલાં તો તે તારી પેટી માંગી હતી!’
‘જી મહારાજ ! મારા ભાઈઓનું હિત કર્યું છે એ યાદી જ મને મારી માતાની તસ્વીર કરતાં પણ વધારે વહાલી લાગે છે!’
શિવાજી મહારાજે પેલી પેટી અને બીજી પણ મૂલ્યવાન વસ્તુઓ આપવા હૂકમ કર્યો, જેમાં એક સુંદર મોતીનો હાર પણ હતો. હજી એ હાર જોઉં છું ત્યારે વીર શિવાજીની તેજભરી મૂર્તિ ખડી થાય છે.*[૪]
- ↑ *મી. એન્થની સ્મિથને ત્રણ દિવસ સુધી કેદમાં રાખવામાં આવ્યો હતો. ૧૬૬૪માં શિવાજીએ પહેલી લૂંટ કરી ત્યારે બીજા કેદીઓ સાથે સ્મિથ પણ હતો. જ્યારે તેનો જમણો હાથ કાપવાનો હૂકમ થયો ત્યારે તેણે હિંદુસ્થાનીમાં બૂમ પાડી કે હાથને બદલે મારું માથું કાપી લ્યો. છેવટે એને બચાવવામાં આવ્યો. પછી શિવાજીએ તેને દૂત તરીકે અંગ્રેજો પાસે મોકલ્યો, પણ પ્રેસીડન્ટ ઓકસન્ડને તેને રોકી પાડ્યો. શિવાજીને વખત ન હતો, એટલે તેણે કાંઇ પગલાં લીધાં નહિ.
- ↑ * શિવાજીની એક છબી Orme–ની આપેલી છે.
- ↑ *જે દિવસે શિવાજીએ સૂરત લૂંટ્યું તે જ દિવસે દિલ્હીનો એક વેપારી ઢાકાની મલમલના તાકાનાં ગાડાં ભરી સૂરતમાં આવેલો હતા. તે પણ ઝપટમાં આવી ગયાનો ઐતિહાસિક ઉલ્લેખ છે.
- ↑ * અંગ્રેજી લખાણોના આધારે