આકાશદીપ/ગુલાબ વહુ
| ← સારંગી છેડી | આકાશદીપ ગુલાબ વહુ ધૂમકેતુ |
મારા પોતાને માટે → |
ગુલાબ વહુ !
હીંડોળાખાટ મંદમંદ ઝૂલી રહી હતી. એના ઉપર બેઠેલાં ગુલાબ વહુએ પાનની પેટી ઉઘાડીને એક સરસ પાન બનાવ્યું. રસિક કુશળતાથી એને ઘાટ આપીને મોંમાં મૂક્યું. એટલામાં એમને અચાનક કાંઈ સાંભરી આવ્યું હોય તેમ, એમણે ધીમેથી ઊઠીને નીચેની પરસાળમાં ડોકિયું કર્યું. એ ઉતાવળે પગલે તરત જ પાછાં હીંડાળાખાટે ફર્યાં. એક ઘડીભર અશાંત જેવાં ત્યાં બેઠાં રહ્યાં. પછી એમણે પણ કાંઈક તીવ્રતાભર્યા વેગથી બૂમ પાડી: ‘રેશમડી—એ રેશમડી !’
જવાબમાં ‘હો બા ! એ… આ આવી… બા !’ એમ બોલતીકને એક સોળ સત્તર વર્ષની, જરાક ભીને વાન પણ નમણી, રૂપભંડારી, જુવાન છોકરી, દાદરો ચડીને ડોકિયું કરતી દેખાણી.
‘શું કહ્યું, બા?’
‘શું કહ્યું બા ? ત્યાં ઊભાં ઊભાં રાણીસાહેબ બોલ્યાં: શું કહ્યું બા? આંહી આવને !’
રેશમડી ઓરડામાં આવી. ઓરડો આખો એના રૂપથી નવું રૂપ ધારી રહ્યો. હીંડોળાખાટને પણ જાણે મન થઈ આવ્યું હોય, ગુલાબ વહુને કહેવાનું કે, આ તરુણી જ મારા દેહ ઉપર શોભે, એમ એણે અવાજ માંડ્યો: ‘પહેલાં વહેલાં જો, આ કડાં અવાજ કરે છે.’ ગુલાબે કહ્યું: ‘નીચેથી તેલમાં મેળવેલું ચીંથરું લઈ આવ. પછી ખેમાજી આવ્યા’તા ?’
છોકરી પ્રશ્નનો જવાબ આપ્યા વિના જ નીચે કામ કરવા ચાલી ગઈ—ચાલી ગઈ શું દોડતી ગઈ.
‘ઉપર દેખાય છે એટલી જ ભોંયમાં છે !’
પણ એમના પોતાને સંભળાવા માટે જ બોલેલા આ શબ્દોને, પાછળના દાદરેથી ધીમે પગલે આવીને ઉભેલા, કિશોરીલાલે પકડી લીધા.
‘એ બિચારી શું કરે? તમારે એને ઉલમાં નાખવી છે, એને હવે ચુલમાં પડવું નથી ! એને આંહીં ઉછેરી, મોટી કરી, વળોંટ તમે આપ્યો, હવે એ બિચારી શું કરે?’
ગુલાબવહુ હીંચકા ઉપર એક તરફ સર્યાં. કિશોરીલાલ ત્યાં બેઠા ન બેઠા, પણ એટલામાં તો રેશમડી પાછી આવી પહોંચી હતી, એટલે ઘડીભર મૌન પથરાઈ ગયું.
આ રેશમડીને ત્રણ વરસની મૂકીને એકી મા જીવતી બાર વરસ ઉપર મરી ગઈ હતી. જીવતી જાતની ઠાકરડી હતી, પણ આગળપાછળ એને કોઈ હતું નહિ. કોણ જાણે કયા ગામડાની શહેરમાં આવી ચડી અને આંહીં કિશોરીલાલને ત્યાં ઘરનું કામકાજ કરવા રહી ગઈ. મૃત્યુ સમયે એનો જીવ કેમે જાય નહિ. નાનકડી રેશમડીનું હવે શું થાશે એ વિચારે એના આત્માને સમગ્ર દેહ સાથે જકડી લીધો હતો, તેની વેદનાના કોઈ પાર ન હતો. એ વખતે ગુલાબ વહુએ આગળ આવીને ગંગાજળ હાથમાં લઈ રેશમડીને પોતે પાળીને મોટી કરશે એવું વેણ આપ્યું અને વૃદ્ધાનો જીવ ગયો.
આજે હવે એ રેશમડી જુવાનીમાં આવી હતી. જરાક ભીને વાન હતી, જરાક જ; પરંતુ એની રૂપરંગે ભરેલી નમણી દેહમાં એટલો જરાક ભીની વાન તો વળી કાંઈ ઑર રમણીય શોભા આપી જતો હતો. એમ લાગે કે આટલો જરાક ભીનો વાન ન હોત તો જાણે એની અરધી સુંદરતા હરાઈ જાત ! આટલાં વર્ષો આ કુટુંબમાં કુટુંબના બાળક જેવી બનીને રહી હતી, એટલે રીતભાત, બોલીચાલી, પસંદગી નાપસંદગી, શોખ, મિજાજ, સ્વભાવ, સ્વચ્છતા, રહેણીકહેણી, તમામે તમામ બાબતમાં આ કુટુંબની પ્રણાલિકાનું જ જાણે સંતાન બની ગઈ હતી. કોઈ કહે નહિં કે આ ઠાકરડી છે, અને કોઈ જાણી પણ શકે નહિ કે આ બીજી કોમની હશે. કિશોરીલાલનો જુવાન છોકરો—જેને સૌ બાબુભાઈ કહેતા, તે હમણાં પરદેશથી ઘેર આવ્યો ત્યારે તો એ રેશમડીને જોઈને છક્ક થઈ ગયો ! પહેલાં તો એ માની જ શક્યો નહિ કે પાંચ સાત વર્ષ ઉપર એણે જોયેલી એ જ આ રેશમડી હતી !
રેશમડીએ કડાંને તો બોલતાં અટકાવ્યાં. પણ એની પોતાની જુવાનીને એ કાંઈ થોડી બોલતી બંધ કરી શકવાની હતી ? એની જુવાની મોહક કે આકર્ષક હોત તો તો કાંઈ બહુ વાંધો ન હતો; પણ એના શરીરની મૂળ જાતિ અને જન્મરચનાને અનુરૂપ એવી, એની પાસે તો બોલતી જુવાની હતી. ધમધમાટ વાતાવરણને, જાણે પેલી લોકગીતોની, લેરખાતી, પંક્તિઓ વડે, સભર ભરી દેતી હોય તેમ એ ચાલે ત્યાં જ વાતાવરણમાં નવી ભભક ખડી થઈ જાય ! કડાંને બોલતાં બંધ કરીને એ નીચે જવા પાછી ફરી ત્યાં જ ગુલાબ વહુએ એને બોલાવી: ‘રેશમડી !’
‘જી ! બા !’
‘બાબુભાઈ નીચે છે ?’
‘હા બા; હાં; નીચે છે.’
‘એને આંહીં ઉપર મોકલજે, પછી ખેમાજી આજ આવ્યા’તા?’
‘ના, બા.’ અને રેશમડી નીચે દોડી ગઈ.
‘હું આવ્યો ત્યારે તમે શું કહી રહ્યાં હતાં?’
‘કોણ હું ?’
‘તમે કાંઈક ‘એટલી ભોંયમાં છે’ એવું બોલી રહ્યાં હતાં !’
‘હાં હાં, એ તો આ છોકરી આમ ગજબની છે. વરણ ફેર——એની છાપ ક્યાં જાય ?’
‘કેમ ? કાંઈ ચોરી કરે છે? અને આ ખેમાજી કોણ છે ?’
‘આ છોકરી ઠાકરડીના—હવે એની જુવાની આપણે ત્યાં ન જળવાય. એટલે મેં આ ખેમાજી શોધ્યો છે. એની જ નાતનો છે. ખેડ કરે છે. પાસે બે પૈસાનો જીવ છે. છોકરી એને ગમી છે. પણ આ છોકરીને તો અહીંથી ખસવું નથી ! એને કોઈ નજરમાં આવતો નથી !’
‘હું પણ તમને એ જ કહી રહ્યો હતો. ભલે આપણે ત્યાં રહી !’
‘અને પછી—? એની જુવાનીની ચોકી કરવા કોણ તમે બેસવાના છો? કે હું ? આપણા ઘરમાં પણ જુવાન છોકરો છે. લોકની આંખે ને જીભે એ ઠેકાણે મારે ચડવું નથી ! એક વખત લોકની જીભે વાત ચડી તો પછી થઈ રહ્યું ! મારે એવું કરવું નથી !’
હમણાં જ પોતે નીચે પરસાળમાં ડોકિયું કર્યું ત્યારે બાબુભાઈની રેશમડી સાથે વાત કરવાની રીત કાંઈ ગુલાબ વહુને સારી ઢંગવાળી લાગી ન હતી. પણ અત્યારે એ વાતનો એણે જાણી જોઈને ઉલ્લેખ ન કર્યો. કઈ વાતનો ઉલ્લેખ કરવો, કઈ વાતનો કેટલો ઉલ્લેખ કરવો એ વિષયની પોતાની નિપુણતામાં એમને આત્મવિશ્વાસ પણ એવો દૃઢ હતો કે, એમાં એ કોઈનું સાંભળવા તૈયાર પણ ન હતાં. કિશોરીલાલને એ ખબર હતી, એટલે અત્યારે એણે વાત અટકાવી દીધી. એટલામાં તો બાબુભાઈ નીચેથી ઉપર આવી રહ્યો હતો.
ત્રણ દિવસમાં તો એ નાનકડું ચાર માણસનું અને ચાર માળનું મકાન વિવિધ વિચારધારાથી ધ્રૂજી ગયું. રેશમડી તો ખેમાજીનું નામ પડતાં વ્યગ્ર બની જતી હતી, એ તો ઠીક, પણ ઘરમાં એક મહાન વિગ્રહ આવી રહ્યો હતો.
કિશોરીલાલને થતું કે રેશમડી ભલે ત્યારે આંહીં જ રહી જતી—બાબુભાઈને પસંદ હોય તો. ગુલાબ વહુ તો એ સાંભળીને એક ઘડીભર અવાક્ જેવી બની ગઈ. પછી એણે ઉતાવળી વેદનાભરેલી વાણીમાં કહ્યું: ‘ઓ તમારું શું થાશે ? આવી તદ્દન નાખી દેવા જેવી વાત કરતાં તમને શરમ નથી આવતી ? પંદર વરસ આપણે ત્યાં થયાં એટલે આપણી નાતની થઈ ગઈ એમ ? બાપ–દીકરા એ ય વેવારમાં કાંઈ સમજો છો કે નહિ ?’
‘પણ વાત તો તું સાંભળ—’
‘હવે સાંભળી એ તો. મારે નથી સાંભળવી. તમારે નાક નહિ હોય. મારે નાતમાં ફરવું છે—તમારે તો મોટામાં જઈને વાતો કરવા બેસવું છે !’
‘પણ આપણે ત્યાં ત્રણ વરસની હતી ત્યાંથી રહી છે તેનું શું?’
‘એટલે શું થઈ ગયું ? નાનું છોકરું જાણીને આપણે રાખ્યું. પણ એથી કાંઈ જાત બદલાઈ જાય ? એની મા બિચારી આજે હોય તો ઓછી ઓછી થઈ જાત. કોઈ કહી શકે એમ છે કે આ ઠાકરડાની છોકરી છે?’
‘એટલે જ તમને હું કહું છું. આચારવિચાર, રહેણી-કરણી, બોલી, રીતભાત, તમામે તમામ એણે આપણાં પકડી લીધાં છે. જાણે કેમ બ્રાહ્મણ-વાણિયામાં જ જન્મી હોય ! અને બાબુભાઈને એ મેળમાં પણ લાગે છે! તો એને આંહીં રાખવામાં વાંધો શું ?’
‘તમે બાપ દીકરા—બન્ને ગાંડા તો નથી થઈ ગયા ના? ખેમાજી હમણાં નથી ફરકતો, તો બીજો એક છોકરો પણ મારી નજરમાં છે !’
‘કોણ ?’
‘ભીખુજીનો લખમણજી !’
‘લખમણજી ?’
‘તમે જોયો છે?’
‘તમે તે દિવસે મોકલ્યો હતો ચા લઈને. એ ?’
‘હા.’
‘ત્યારે એ લખમણજી તો રોંચા જેવો છે?’
‘એ તો એની નાતમાં હોય એમાંથી શોધવાનું ! ભગવાને વરા પૂરવથા કરી મૂક્યા છે, એમાં હું પણ શું કરું ને તમે પણ શું કરો?’
‘પણ મેં કહ્યું—આપણા બાબુને ને રેશમડીને મનમેળ છે—તમને એ નાખી દેવા જેવું લાગે છે ?’
‘જુઓ, તમે વાત કરો છો આંહીં મારી પાસે તો ભલે, પણ બીજે બોલશો તો કોક તમને કંગી કરશે, ને બીજું કાંઈ નહિ, મૂરખ ગણશે ! તમે તો કઈ દુનિયામાં રહો છો ?’
‘એનું નામ ફેરવી નાખશું. મંજુલા પાડીશું ! અને આપણે કયાં બીછોકરું છે તે કોઈની ગરજ પડે ?’
‘કરો તમતમારાં લગન—હું તો આ ચાલી—અલી રેશમડી !’
નીચેથી તંદુરસ્તી ભર્યો મધુર ટહૌકા જેવો અવાજ આવ્યો: ‘હં બા! આ આવી—’
થોડી વારમાં રેશમડી આવીને ઊભી રહી. કિશોરીલાલ તેની સામે જોઈ રહ્યા.
આવી સુંદર, હરેક કામમાં પ્રવીણ થયેલી, સંસ્કારી ગણાય એવી તરુણીને, ગમે તેના હાથમાં હવે સોંપી દેવામાં, પોતે વિશ્વાસઘાતનું મહાપાતક કરતા હોય એમ તેને જણાયું.
પણ ગુલાબવહુની સામે થઈને આ વાત કરવી એ અશક્ય હતું. એટલે ત્યાર પછીના દિવસોમાં પિતા અને પુત્ર બન્ને રેશમડીના નવા જીવનપ્રયાણની રચનાને મૂંગી વેદનાથી જોતા જ રહ્યા.
થોડા વખતમાં તો ગુલાબ વહુએ લખમણજી સાથે વિવાહ પણ ગોઠવી કાઢ્યો.
જ્યારે લગ્નની વિધિ પૂરી ગઈ, અને રેશમડી છેલ્લી વિદાય લેવા કિશોરીલાલ પાસે આવી, ત્યારે આ સંસ્કારી, સુંદર તેજસ્વી, ઘરરખુ રમણીને પોતે અન્યાય આપ્યો છે એ ભાનથી કિશોરીલાલનું હૃદય દ્રવી ગયું. પગમાં પડતી નિર્દોષ બાળાને એ છલકતી આંખે નિહાળી રહ્યા: એમણે એના હાથમાં એક સો રૂપિયાની થેલી આપતાં કહ્યું: ‘બેન ! કોઈ વખત તારે જરૂર પડે એ માટે આટલું તને આપું છું તે સાચવજે. અને તારે કાળી રાતે કામ પડે તો આ ઘરમાં આવતાં સંકોચ રાખવો નહિ. આંહીં તારું ખરું પિયર સમજી લેજે. લે હવે જા, બેટા ! સૌ નીચે તારી રાહ જોતા બેઠા. તારો વર પણ સારો લાગે છે. કાંઈ દુઃખ હોય તો લખજે હા—જરાય સંકોચાતી નહિ—હવે જા— ’ રેશમડી પોતાની નોકર હતી, એ કિશોરીલાલ જાણે સમવેદનામાં ભૂલી ગયા હોય તેમ, અને પોતાની દીકરીને સંબોધન કરતા હોય તેમ બોલી રહ્યા હતા. રેશમડીએ જવા માટે પગ ઉપાડ્યો અને એ છલકાતી આંખે એમને જોઈ રહી.
એમના હૃદય ઉપર મોટો ભાર પડ્યો હતો.
રેશમડીને એમણે જવા દીધી ને કાંઈ ન કરી શક્યા કારણકે એમને માત્ર ત્રણ જ જણાનો સંસાર—પોતે, ગુલાબ વહુ અને બાબુભાઈ—એ સંસાર રેશમડીના આગમનથી છિન્નભિન્ન થતો એ સાંખી શક્યા નહિ. વર્ષોથી એમનું આ ચાર માળનું મકાન યાંત્રિક ઢબથી નિયમિત જીવન વ્યવહારને ટેવાઈ ગયું હતું. એમાં પહેલો પ્રશ્ન જ જ્યારે રેશમડીનો આવ્યો, ત્યારે કુદરતી રીતે, સૌ કોઈ, ઘર્ષણમાંથી ઉગરી જવા, સીધે રસ્તે જ કામ કરી રહ્યા. મનમાં ઘણા મુંઝાયા પણ ગુલાબ વહુના વ્યવહાર પક્ષને જીતી ન શક્યા.
પરિણામે રેશમડી ગઈ.
પણ રેશમડી તો ગઈ તે ગઈ. એનો વર થોડા વખત પછી જ બીજે કામ કરવા ઊપડી ગયો. એને આ ઉજળિયાત કામનો ભારે અણવિશ્વાસ લાગ્યો. તેમજ એમના રીતિરવાજમાં રહેલી દીલી ચાગલાઈનો અણગમો આવ્યો. એણે આંહીથી રસ્તો માપવામાં પોતાના સંસ્કારનું સુખ જોયું, એ ઊપડી ગયો—બીજે કામવા. રેશમડી પણ સાથે ગઈ. એની યાદ હવે તો કોઈ વખતની એમની સામાન્ય વાતચીત સિવાય બીજે ક્યાંય રહી પણ નહિ. એવું આંહીં જીવનનું એક ધારું ઝરણું વહેતું હતું.
પણ રેશમડીને કિશોરીલાલની નાતવાળા એમ જલદી ભૂલે તેવા ન હતા. ગુલાબવહુએ જે ઉત્સાહથી રેશમડીનો વિવાહ કર્યો એનો જ એક અર્થ એવો થયો કે ‘શું કરે બાઈ ! માથે પડ્યું એટલે કર્યા વિના કાંઈ છૂટકો હતો ? સારું થયું ઝટ ઉકેલ્યું. ન કર્યું હોત તો માથે કાળી ટીલી ચોંટી જાત ! કે’ છે ને કે છોકરે હઠ લીધી’તી; પરણું તો ને !’
‘હાય ! હાય ! કળજગ ચાર પાયે બેસશે એમ કહ્યું છે તે કાંઈ ખોટું છે ! આવું ક્યાંય સાંભળ્યું’તું ?’
‘સાંભળ્યું ન’તું એ આ નજરે દીઠું !’ આ પ્રમાણે બાબુભાઈ ને રેશમડી નિંદાના રસ–વિષય થઈ પડ્યાં. એમાંથી તો ઠેર ઠેર એક બીજી વાત ચાલી. ‘બાબુભાઈ રેશમડીને પરણવાના હતા ! તો હવે એવા વંઠેલને આપણે તો કોઈ નાતવાળાએ બોલાવવો જ નહિ?’
ગુલાબ વહુની કુનેહભરી અનેક ચાલ છતાં આ એક બાબતમાં એમને મળેલી શિખામણ ભારે નીવડી. નાતવાળાએ આ વાતમાં તો એકસંપી મોરચો રચ્યો. કોઈ કહેતાં કોઈ ગુલાબ વહુને ઉંબરે ચડી જ નહિ ને ! અમસ્તી વાતો કરે, વિવેક કરે, પણ વિવાહને નામે મોટું મીડું! ગરીબથી ધનિક સૌ આ બાબતમાં એક થઈ ગયા.
ગુલાબ વહુએ સામેથી હવે પોતે કહેવા માંડ્યું, તો પણ કોઈ આગળ આવ્યું નહિ. કન્યાકાળ વીતી જાય—એ તો સંસારમાં સમજાય તેવી વાત છે—પણ આ તો બાબુભાઈ નો વરકાળ વીતવા માંડ્યો !
એટલામાં તો એક કાયદાનો ભણકારો પણ સંભળાયો.
બાબુભાઈ પોતાના કરતાં અમુક વયથી વધારે નાની ઉમરની કન્યાને કદાચ હવે પરણી જ ન શકે !
તો આખી નાતની કન્યાઓ બાબુભાઈના કરતાં તો તમામે તમામ એટલાં વરસે તો નાની હતી જ.
પણ ગુલાબવહુની આ ચિંતાને પરોપકાર દૃષ્ટિએ જોનારો કોઈ ને કોઈ હરિનો લાલ મળ્યો. પાડોશી ખુશાલચંદ એક દિવસ આવ્યા. ‘કાકી ! કન્યા તો એક છે. સોનાની વીંટી જોઈ લ્યો!’
‘પણ નાતની—ભાઈ ! નાતની ક્યાં છે?’
‘નાતની—નાતની—નાતની કેમ નહિ કાકી ? આ પંદર વરસ પહેલાં એના વડવા ઇંદોર જઈને રહ્યા. એટલે નાત મટી ગઈ ? એ તો વેપારીના દીકરા સાત સાગર પાર જાય એમાં કાંઈ નહિ. ભણીગણી કાંઈ નથી—પણ સોનાની વીંટી જોઈ લ્યો! મૂડી કાંઈ નથી, પણ પ્રતિષ્ઠા એની ! બીજા બધા તો એની પાસે આજકાલના ઊગતા !’
આ ખુશાલચંદે, છેવટે, સોનાની વીંટી સાથે, બાબુભાઈ માણેકનું, નંગ જડી આપ્યું. અને ગુલાબવહુ પણ આખી નાતને જાણે ‘ચેલેન્જ’ આપતાં હોય તેમ, નવી વહુ સાથે મોટી હવેલીએ જ્યારે દર્શન કરવા ગયાં ત્યારે તો નાત આખીનાં બૈરાં નાક ચડાવીને જોઈ જ રહ્યાં !
નવી વહુ તો જાણે રૂપરૂપનો ભંડાર હતી. વાતે રૂપે રંગે—આખી નાતમાં નોખી ભાત પાડતી. વહુને જોઈને ગુલાબવહુએ તો દિવસે દર્શનેથી આવીને બીજી વખત કંસારનું આંધણ મૂકાવ્યું. ત્રણ મહિનામાં આ તેત્રીસમી વખતનો કંસાર રંધાતો હતો.
પણ એ આંધણ હજી પૂરું ઉકળ્યું ન ઉકળ્યું ત્યાં બહારથી કોઈનો પગરવ સંભળાયો: ગુલાબવહુ તો જોઈ જ રહ્યાં. એમને આંગણે આવું લશ્કર આવી ચડવાનો આ પહેલો જ પ્રસંગ હતો. પોતે કોઈથી ગભરાય તેવાં ન હતાં છતાં ક્ષોભ પામ્યાં. સૌથી આગળ એક પોલીસ જમાદાર ઊભો હતો તેની સાથે બે ત્રણ સિપાઈ હતા, એમાં ગુલાબે ખુશાલને જોયો. તેણે ખુશાલને ઈશારત કરી, પણ જમાદારે તરત જ પૂછ્યું: ‘બાબુભાઈ કોણ ? ક્યાં છે એ ?’
‘કોણ ? બહાર ગયેલ છે. શું કામ છે એનું ?’ ગુલાબે જવાબ વાળ્યો.
‘એમના ઉપર આ વૉરંટ છે!’
‘શેનું ?’
‘તમને ખબર નહિ હોય—શેનું ?—’
‘અમે શું કાંઈ ભગવાન છીએ તે ખબર પડે?’
‘ઘરમાં કોઈ ભાઈ માણસ હોય તો બોલાવો. લક્ષ્મી નામની પરણેતરને પરણીને ઘરમાં બેસારવાનો એમના ઉપર આરોપ છે !’
‘લક્ષ્મી—? લક્ષ્મી કોણ છે? આંહીં તો કોઈ લક્ષ્મી નથી. લક્ષ્મી કે મંજુલા ?’
‘મંજુલા હોય કે લક્ષ્મી—અમારે તો આ ફોટાવાળી બાઈનું કામ છે.’ પોલીસ જમાદારે ફોટો કાઢ્યો.
ગુલાબવહુ ફોટો જોઈને ચોંકી ગયાં. આ તો તેત્રીસમી વખતનો મહોત્સવ માટે પોતે જેને ઉજવી રહ્યાં હતાં એ એમની કુળવધૂનો જ ફોટો હતો. પણ તેમણે હિંમતથી છાશીયું કર્યું:
‘આંહીં કોઈ લક્ષ્મી નથી—મંજુ...’
‘અરે ભાઈ ! તમે નાહકનો વખત ગુમાવો છો. અમારે કોઈ લક્ષ્મી હોય કે મંજુલા હોય તેનું કામ નથી. અમારે તો આ ફોટાવાળી વાઘરણ મંગડીનું કામ છે. પછી એ આંહીં મંજુલા થઈને રહે, કે બીજે લક્ષ્મી થઈ તે રહે, કે પદ્મા થઈને રહે કે કમળા બનીને ફરે એની સાથે અમારે નિસ્બત નથી. કોણ ભાઈ માણસ ઘરમાં છે? બોલાવો એમને !’
ગુલાબવહુ તો હાંફળાં ફાંફળાં ઉપર દોડ્યાં: દાદરામાં જ એમની કુળવધૂ ઊભી હતી —પણ એના સામે જરાક નજર પડી ન પડી તે એ તરત અકળામણમાં આવી ગયાં, ‘હાય રે! આ રાંડ એ જ—આ રહી ! ’ એ મનમાં ને મનમાં બબડતાં ઉપર દોડ્યાં.
ઉપરથી કિશોરીલાલ, ગભરાટમાં ને ગભરાટમાં કોટનાં બટન જેવાં તેવાં ભીડીને, એની સામે જ આવતા મળ્યા તે ગુલાબવહુ સામે જોઈ રહ્યા: ‘શું છે ? તમે કેમ ગભરાઓ છો? મેં બધું સાંભળ્યું છે !’
‘પણ આ રાંડ–ફોટામાં હતી એ જ મરી છે!’ એટલામાં તો એમની કુળવધૂનો જ જવાબ સંભળાયો: ‘આ ! હાંવે, એ તો એ જ હું છું. પણ બોલતાં નહિ હવે—મારો પીટ્યો મને મારતો’તો !’
‘પણ રાંડની...!’ ગુલાબવહુએ દાંત કચકચાવીને ધીમા અવાજે એની ઉધડી લીધી: ‘ આ તારા બાપ... ’
‘એમ બીતાં નહિ બા! આવું તો મારે આ પાંચમી વખત થયું છે. આપણા ભોંયરામાંથી નીચે માર્ગ નીકળે છે કે નહિ?’
‘હા, હા,’ કિશોરીલાલે એકદમ એ વિચાર પકડી પાડ્યો. એમની કુળવધૂ—અત્યારે એમને તારણહાર લાગી.
‘તો જરાક મને બતાવી દ્યો—!’ તેણે નાક ઉપર આંગળી મૂકીને ગુલાબ બોલવા જતી હતી તેને બંધ કરી: ‘બોલ્યાં તો મર્યાં. બા! મને ઈશારતથી બતાવી દો—’
ગુલાબ પોતાની કુળવધૂને જરાક રસ્તો બતાવીને પાછી આવી, ત્યાં કિશોરીલાલ કોટનાં બટન સરખાં કરીને જરાક સ્વસ્થ થઈ ગયા હતા. તે ગુલાબવહુની પાછળ ધીમે ધીમે જતાં બોલ્યા : ‘ તમે જે પહેલી નિર્દોષ છોકરીનો વિશ્વાસઘાત કર્યો—પછી આ પરિણામ આવશ્યક હતું ને અનિવાર્ય પણ હતું ! મને તો એ લાગે છે! ’
‘ના, પણ મારે હવે શું કહેવાનું છે—કોઈ પૂછે તો—’
એટલામાં પોલીસ જમાદારનો અવાજ આવ્યો: ‘કિશોરીલાલ કોણ હે ?’