આકાશદીપ/ચમેલી
| ← તાતિયો ભીલ | આકાશદીપ ચમેલી ધૂમકેતુ |
મસ્તાની → |
ચમેલી
કોણ જાણે આજે શું થયું હતું, તે પળે પળે પંખીની માફક ઊડતી ચમેલી શાંત થઈ ગઈ હતી ! ખંજન પક્ષીને શાંત જોઈને જેવી નવાઈ લાગે એવી એ નવાઈ હતી. ચમેલી આંહીં પાંચ છ મહિના થયાં આવી હશે, પણ આડોશપાડોશમાં એનું નામ સૌની જીભે ચડી ગયું હતું. કોઈની ચમેલી ભાભી, કોઈની ચમેલી કાકી, કોઈની ચમેલી માશી, કોઈની ચમેલી મામી, અને અસંખ્યની તો ચમેલી બેન, પણ જ્યાં જુઓ ત્યાં હવામાં નામ તો ચમેલીનું જ ગૂંજતું હોય ! અને જ્યારે જુઓ ત્યારે હસતી ! કેમ જાણે એનો જન્મ જ હસવા માટે ન હોય !
અને એમ કેમ ન હોય ? માત્ર છ મહિનામાં તો એણે શહેરનો રંગ આબાદ પકડી લીધો હતો. નહિતર હતી ગામડાની, ભણેલી પણ બહુ નહિ, છતાં કોઈ પ્રૉફેસર બલવંતને એમ મેણું ન મારી શકે હવે, કે અલ્યા ! તારી વહુ તો બોઘા જેવી છે; એવી ‘અપ–ટુ–ડેઈટ’ એ બની ગઈ હતી. તે બોલવા ચાલવામાં પણ શું–એનામાં છટા છે, એ તો સૌ કોઈ કબૂલ કરતા; ભલે એનામાં દલીલબાજી ન હોય.
કોઈ કામ એવું નહિ જેમાં ચમેલીને રસ ન પડે. જ્યારે જુઓ ત્યારે એ ફરતી જ હોય. આ બે જણાનું રાંધ્યું, ને પ્રૉફેસર ગયા પ્રૉફેસરું કરવા કે ચમેલી છૂટી ! એને ચા ચવાણા ચેવડાથી માંડીને જેલી, ટોમેટાસૂપા સુધી તમામે તમામ વાતમાં રસ. બંગડી પીનથી માંડીને સીફોન સુધી તમામે તમામ જાતમાં એની ગતાગમ. અને યુરોપી મોરચાથી માંડીને અણુબોમ્બ સુધીની વાણી એના ધ્યાનમાં. એણે તો જાણે છ મહિનામાં કાયાપલટ કરી નાખી.
આજે એવી ચમેલીને, ગંભીર બનીને લીમડાની ડાળ ઉપર બેઠેલા પક્ષી સામે નજર માંડતી નિરખવી, એ તો કોઈ કરુણ કાવ્યની છેલ્લી પંક્તિ, જાણે સજીવન થઈ હોય એવું લાગે ! ચમેલી—અને ગંભીરતા, એને આજ છેલ્લાં છ મહિનામાં કોઈએ સાથે જોયાં ન હતાં ! એટલે આજે તમામ ઠેકાણે એક વાત નીકળી પડી: અરે ! આ શું થયું છે ચમેલીને ? આમ કાં જડ જેવી બેઠી ? પ્રૉફેસર સાથે બગડ્યું છે કે છે શું?’
પણ પ્રૉફેસર બલવંત શાંતમૂર્તિ હતા. વેદનાના સાગરને એ પી શકતા, કોઈ રીતે ચમેલી સાથે એને તકરાર થાય એ ’ન ભૂતો ન ભવિષ્યતિ‘ જેવી વાત હતી.
પણ હા, પેલો એક જુવાન દેખાય છે, બળવંતનો નાનો ભાઈ, એ આંહી થોડા દિવસ થયાં આવ્યો છે. સૌને લાગ્યું કે, ચમેલીનું ગાંભીર્ય એને લીધે છે.
’હા બાઈ! હસમુખાં તો સૌ રહે, સાંજે રાંધવું ન પડે ત્યાં સુધી, પણ હવે તો ચમેલીબેનને રાંધવું પડતું હશે, આ બળલવંતભાઈના ભાઈ આવ્યા છે ને, દિલીપભાઈ, એટલે પંખીને પાંજરામાં પહેલું પૂરો ને લાગે એમ લાગે તો ખરું જ નાં ? આજકાલનાં બૈરાં, રાંધવાનું ન હોય, ’ફેમિલી રૂમ‘માં જવાનું હોય તો સોળે કળાથી ખીલે ! બંગડી લટકાવે, બીન ભરાવે ને ભાતભાતના ભાતીગળ પહેરે, પણ જો ‘ચૂલારૂમ’ માં જવાનું આવે તો જાણે દિવસનું પોયણું! આપણાં બૈરાંને કોણ વશ કરે? કહેવતમાં શું છે? કાં ચૂલો ને કાં ખોળો ! એમાં ખોળાને તો વાર છે— તે આ ચૂલાએ વશ કર્યાં! બીજું કાંઈ નથી લ્યો, બે વખત ચૂલો ફૂંકતાં એમને પેટમાં દુખે છે. બલવંતભાઈ તો હતા સાદા તે સાંજ–સવારનું જમી લેતા, ને આ છે જરાક વરણાગિયા—ચમેલીબેનને પેટમાં એ દુઃખે છે લ્યો!’
પણ કર્ણોપકર્ણ ફેલાતા આ સમાચારે ચમેલીબેનનું ગાંભીર્ય કાંઈ ઓછું ન કર્યું.
જ્યારે જુઓ ત્યારે એ તો લીમડાની ડાળ ઉપર બેઠેલા એકાદ પંખીને જોતી જ હોય!
દિલીપ જ્યારે ટપામાંથી એની ચામડાની બેગ લઈને પહેલવહેલો ઊતર્યો ત્યારે એને જોઈને ચમેલી તો ઓછી ઓછી થઈ ગઈ હતી. એને તો નાના દિયરની વસ્તી મળી, પાછું બે ભાઈની વચ્ચે ગાડાં ને ગાડાં ચાલ્યાં જાય એટલું અંતર હતું. પ્રોફેસર છતાં બલવંતનું પાટલૂન કોથળા ટાઇપનું. દિલીપનું તો પાટલૂન જ તમારી આંખો પકડી રાખે. બળાવંત હાથમાંથી ચોપડી મૂકે નહિ. દિલીપ ચોપડી હાથમાં જ લ્યે નહિ ! બલવંતને કોઈ કામમાં જાણે પોતાનો અભિપ્રાય નહિ. દિલીપને પોતાના અભિપ્રાય સિવાય, બીજા કોઈનો અભિપ્રાય નહિ. બલવંતને બધી ઉપાધિ લાગે. દિલીપને બધી મજા લાગે. વાતોનો તો એની પાસે ઢગલો. નવી નવી રમ્મતનો શોખ. નવી વાનગી પણ એ જાણે. ચમેલીને તો મજા પડી ગઈ. દિલીપ પણ આખો દિવસ ખુશમિજાજથી વાતો કરતો જ હોય. પાછા એણે તો અલક મલક જોયા હતા. આપણા દેશના—ભયંકર આચારવિચારથી એ તો ધ્રૂજી ઊઠતો!
ચમેલી પાસે કેવી કેવી વાતો એ કરે ? પહેલાં તો ચમેલી નિર્દોષ ભાવે એ સાંભળીને હસ્યા જ કરતી. પણ ધીમે ધીમે એને દિલીપના અવાજમાં ફેર દેખાયો અને એ ધ્રૂજી ઊઠી!
એક દિવસ બપોરે એ ઘરમાં કાંઈ કામે ગઈ ને દિલીપ પાછળ આવ્યો: ‘ભાભી ! આ મને ખબર નહિ હો, તમે પણ મારાથી આ છૂપાવી રાખ્યું? આમ તો તમે આગળ વધેલ છો! કોઈ કહી શકે નહિ કે તમને અમુક વાતની ગતાગમ નથી!’
‘શાની વાત કરો છો દિલીપભાઈ ! મેં તો તમારાથી કાંઈ છૂપાવ્યું નથી ! ’
‘કેમ? કાલે કબાટ ઉઘાડીને તમે કપડાં જોતાં’તાં ત્યારે પેલી ‘બોક્સ’માં શું હતું?’
‘મારા એરિંગની વાત કરો છો? ’
‘જુઓ ! મને બનાવો છો કે?’ દિલીપનો અવાજ ધીમો પડ્યો, ‘કે પછી જાણી જોઈને તાવો છો?’
અવાજની ધીમાશ ને એમાં દેખાતી ભયંકર છદ્મમૃદુતા જોઈ ચમેલી ધ્રૂજી ગઈ. પણ તેણે હિંમ્મતથી કહ્યું: ’શાની વાત છે બોલી નાખોને!’
‘મને ખબર નહિ, મેં તો કીધું. મોટાભાઈ રહ્યા ટીલાંટપકાંવાળા એ તે આવી છેલ્લા ઢબની વાતમાં શું સમજે ? પણ તમે એને’ય રસિક બનાવી દીધા લાગે છે!’
‘દિલીપભાઈ ! એમ ગોળ ગોળ વાત કરો. તો તો મને એમાં કાંઈ ગતાગમ પડે નહિ. હું કાંઈ થોડું તમારી પેઠે ભણી છું.’
‘ભણ્યાં નથી, પણ ગણ્યાં કેટલું છો? હવે કાઢો કબાટમાંથી!’
‘પણ શું? શેની વાત છે?’
‘વાપરતાં નથી, ભાભી? પેલું ‘બોક્સ’માં છે એ ? એ... એ એટલા માટે જ છે. માણસ... પણ આ રહ્યું લ્યો–આંહી પડ્યું છે ને શું?’
દિલીપે શકારા બાજની ઝડપથી આ યુગમાં ઘેર ઘેર વસવા માંડેલાં રબ્બરી સાધન ઉપાડી લીધાં! ‘હું આના વિષે તમને પૂછતો હતો. ’કબાટમાં લૂગડાં ગોઠવતાં એ અચાનક બહાર રહીળી ગયેલ !
ચમેલી તો સ્તબ્ધ બની ગઈ: તેણે દિલીપની નજરમાં ભયંકર રોગ દીઠો. ‘દિલીપભાઈ! મારે કામ છે! તમે શું સમજો છો?’
‘પાછાં ઢોંગમાં પડ્યાં કે? તમને સમજાવ્યું નથી કે આ વપરાતાં થયા પછી, હવે કોઈ જાતની જવાબદારીનો ભય રહેતા નથી. વળી કોઈ પ્રત્યે આપણે દગાબાજ નીવડતા નથી...’
‘દિલીપભાઈ ! દિલીપભાઈ—દિલીપભાઈ... ’ ચમેલી તો ધ્રૂજતી બહાર દોડી ગઈ, દિલીપ એની પાછળ ધીમે પગલે બહાર આવ્યો: ’મને ખબર નહોતી તમે આટલાં orthodox — જૂનવાણી જડસુ છો. પણ એ તો ધીમે ધીમે આપણે એને ટેવાવું પડશે—શહેરોમાં જ્યાં ભેગું જીવન છે ત્યાં તો કલેશ અટકાવવા માટે આ અમોઘ શસ્ત્ર છે. તમે આવા વિચાર ધરાવો છો, આવી તદ્દન સાદી બાબતમાં હજી–ઑહ !—‘ અને એ ધીમે ધીમે ફરવા ચાલ્યો ગયો.
ચમેલી તો આની વાતમાં કાંઈ સમજી નહિ. તે પહેલાં પ્રૉફેસર બલવંતની વાતમાં પણ કંઈ સમજી ન હતી. એને કંઈક એવું યાદ હતું કે પ્રૉફેસર બલવંત તો એની નાજુક તબિયતની વાત કરતો હતો. પણ બલવંત તો બલવંત હતો. અને આ તો ચમેલીને જુદી જ માટીનો માનવી લાગ્યો. એ તો હવે એકલી ઘરમાં રહેતી ધ્રૂજવા લાગી. એને આવી ગંભીર જોઈને બલવંતને ધ્રાસકો પડ્યો. એણે એને પૂછ્યું: ’ચમેલી! તને કંઈ લાગે છે?‘
’શાનું?‘
’વખતે બીક લાગતી હોય તો!‘
’ના રે! ના, એવું કંઈ નથી!‘
’હોય તો નહિ જ. તારી તબિયતની સંભાળ લેવા માટે તો મેં પેલાં વસાવ્યાં છે. એટલે એનો ઉપયોગ હોય ત્યાં સુધી તો વાંધો નથી, પણ ત્યારે તું ગંભીર કેમ બની ગઈ છો? મને તો બીક લાગી કે આવી નાજુક તબિયતે મંદવાડ આવે તો તો આવી બને નાં ? હમણાં હમણાં તો એવા ’કેઈસ‘ થાય છે!‘
ચમેલી બલવંતને કાંઈ કહી શકી નહિં. બલવંતના અત્યંત કોમળ સ્વભાવની ચમેલીને જાણ હતી. આવો ભાર સહન કરવાની એનામાં શક્તિ ન હતી. પણ પોતે વાત ન કરે તો આ દિલીપ—એનો શું ભરોસો ? અને એ એનો શું અર્થ કરે ?
એને તો હવે ચિંતા થઈ પડી ! એની બપોરની ઊંઘ ઊડી ગઈ. સવાર સાંજનો વિનોદ ઊડી ગયો. એને પહેલાં તો એમ હતું કે બે પાંચ દિવસ આને જાળવી લેવો—ને એના ઝપાટામાં ન આવવું. પણ ચમેલીએ બલવંતને કાંઈ કહ્યું નથી, એ જ્યારે દિલીપે જાણ્યું ત્યારે એણે એનો અવળો અર્થ લીધો ! વળી આ વાત જણાઈ જાય નહિ માટે ચમેલીએ બહારનો વિવેક બરાબર જાળવી રાખવાનું કર્યું એટલે તો દિલીપને પોતાની માન્યતા ખરી લાગી.
પરિણામે એ તો પોતાના જવાનો દિવસ ઠેલતો જ રહ્યો !
એક દિવસ સવારમાં એક ટપો આવીને ઊભો રહ્યો. ટપામાંથી બે જણાં ઊતર્યાં અને ચમેલી તો આભી જ બની ગઈ. એક તો એની વિધવા માશી હતી—પણ બીજી આ રંજન ! એ કેમ આવી હશે ?
રંજનને લઈને માશી આવ્યાં હશે, એને આંહી ઠેકાણાસર પાડવા તો?
અનુમાન કરતાં તો ચમેલીનાં ઘરણ મરી ગયાં.
અને ત્યાં તો થોડીવાર પછી આડી અવળી વાતો થઈ ને રંજન જરાક બહાર ગઈ ત્યાં જ માશીએ ફોડ પાડ્યો: ‘દિએ નહીં એટલી રાતે વધે છે, એટલે કીધું જઈ તો આવું. તારો દેર—અમે આવ્યાં ત્યારે બારણે ઊભો’તો એ નાં? છે તો દેખાવડો ! શું ભણ્યો છે ?’
ચમેલીના પેટમાં ધ્રાસકો પડ્યો: ‘માશી ! એ તો આજનાં ભણતર, એમાં દોઢિયાં થાવાં મુશ્કેલ. ધરવખરીમાં કાંડે બાંધે એ!’
‘વર હોય તો, ભૂંડી ! ઘર તો પછી થાય!’
‘પણ વર ન હોય તો?’
‘કેમ? એટલે તો બાઈ, તને પૂછ્યું. રંજનને તો તું તલેતલ જાણે છે. તારા દેરને પણ તું જાણે. તું જ કહે કે અમારે શું કરવું? આવતો શિયાળો હવે ખમે એમ નથી ! તમારે આંહીં શે’રમાં સાંઢડા ચાલે. ગામડાગામમાં આખું ગામ માથું ખાઈ જાય!’
‘પણ માશી ! હું કહું છું નાં કે આ તમારે કરવા જેવું . . . ’ ચમેલીનું વાક્ય પૂરું થયું નહિ.
‘કેમ? ક્યારે આવ્યાં છો?’ કહેતાક ને પ્રોફેસર બલવંત પાછળથી આવ્યા. તેમની પાછળ જ દિલીપ હતો. સામે બારણેથી રંજન આવી રહી હતી.
‘આવો, આવો, આ હમણાં જ આવ્યાં. કીધું દિલીપભાઈ આવ્યા છે તે મળી આવીએ. રંજન! આંહીં આવને—આ બળવંતભાઈ ને તો તું ઓળખતી પણ નહિ હો ! ક્યારે જોયા હોય?’
ચમેલી તો વિચારમાં પડી ગઈ. પછી એ માશી સામે જોઈ રહી. માશી તો જે હેતુ માટે આવ્યાં હતાં એને લગતી જ દરેક વાતને સમજે, એવી સ્થિતિમાં હતાં. એટલે ચમેલીની નજરમાં એણે પોતાને ઉત્તેજન અપાવનારું જ કાંઈક વાંચ્યું ને એ આગળ વધ્યાં.
‘આ અમારી રંજનને હવે ઠેકાણે પાડી દ્યો―તમે—એટલા માટે તો એને ભેગી લાવી છું!’
‘તે સારું કર્યું—અમારે પણ દિલીપભાઈનું કરવાનું જ છે. અમે પણ મૂંઝવણમાં પડ્યાં છીએ!’
‘લ્યો ! તો તો સોનામાં સુગંધ મળી. અમને તમારા જેવું ઠેકાણું ક્યાંથી મળે ? . . . ’
‘પણ એમ કાંઈ હોય ? હવે આ જમાનામાં... ’ ચમેલીને વાતનો કયો દોર આપવો તે સમજ ન પડી. ‘રંજનબેન અને દિલીપભાઈનું મન માને—હવે તો એમને જોવાનું . . . ’
‘બરાબર છે. એ તો પહેલું. જુઓ, એણે બરાબર તોડ કાઢ્યો નાં?’ બલવંતે કહ્યું.
‘કોનું પડખું સેવ્યું છે? કેમ ન કાઢે? એણે જ મને કહ્યું કે માશી! મારા દેર પણ હમણાં આવ્યા છે!’
‘એણે કહ્યું એમ ? ત્યારે તો... ’ પ્રોફેસર બલવંત વાક્ય ગળી ગયા.
ચમેલી કાંઈ સમજી નહિ. બીજા તો કાંઈ સમજે તેમ ન હતા. દિલીપ સાંભળી રહ્યો. ચમેલી પણ હેબતાઈ ગઈ. એને વાતના દોર કેમ લેવો તે સૂજ પડતી ન હતી.
‘પણ એને વાંધો શું છે? કન્યા પસંદ નથી ? ઘર નાનું લાગે છે? વિચાર નથી કે છે શું?’
‘તે તો માશી! કાંઈક બોલે તો ખબર પડે નાં? ’
‘તેં પૂછ્યું નહિ?’
‘રંજને પૂછ્યું હશે નાં?’
‘રંજનમાં તો એવી ગતાગમ હોય, દીકરી! તો તો ઊડતાં પંખી ન પાડે? આ તો બિચારી સીધી સાદી નિર્દોષ—’
ચમેલી ચમકી ઊઠી: ‘પણ માશી! તો તો મેં તમને કહ્યું નહિ જાવા દ્યો ને આ વાત જ! હું તમને એ કહેવા માગતી’તી ! આ કરવા જેવું નથી!’
બીજે દિવસે માશી ને ભત્રીજી એકાંતમાં પોતે પોતાની વિશ્રૃંભવાર્તા ચલાવી રહ્યાં હતાં. દિલીપે ના પાડી હતી—પરણવાની. એટલે માશી, ચમેલી પાસેથી વાત જાણવા માગતી હતી.
‘પણ ક્યાંક બીજે ગોતવું તો પડશે નાં?’
‘પણ આ વાતમાં કાંઈ માલ નથી, માશી!’
‘પણ કાંઈક બોલ્યા હોત... આ આવ્યા બલવંતભાઈ!'
પ્રૉફેસર બલવંત આવ્યા. તે શાંતમૂર્તિ હતા. છતાં એમના ચહેરા ઉપર પણ આજે જરાક ગુસ્સો દેખાતો હતો. ચમેલીને નવાઈ લાગી.
‘કાં ભાઈ ?...’
‘તમે જરાક નીચે જઈને આડીઅવળી વાત કરોને—દિલીપને મેં બોલાવ્યો છે. હમણાં આંહીં આવશે. હું પૂછી લઉં. પછી તમને કહું...’
ચમેલી એની સામે જોઈ રહી. એણે બલવંતને આટલો આકરો આજે પહેલવહેલા જોયો. તેને કાંઈ સમજ પડી નહિ. એ પોતે આ વાત ન બને તો સારું એમ ઇચ્છી રહી હતી. પણ એને શી રીતે નકારાત્મક ભૂમિકા ઉપર લઈ જવી એ એ સમજતી ન હતી. પણ એવામાં બલવંતને પોતાને આમાં રસ લેતો જોઈ એ શાંત થઈ ગઈ.
પ્રોફેસરે તેની સામે જોયું. તેણે ધીમેથી કહ્યું: ‘દિલીપને તેં કાંઈ પૂછ્યું છે?’
‘શાનું?’
‘રંજન બાબતનું?’
‘ના.’
‘તો તારો શું મત છે?’
‘મારે? મારે શું કહેવાનું હતું ? પણ આપણે જ્યારે ઘરનો વિચાર કરીએ, વરનો વિચાર કરીએ, બધાનો વિચાર કરીએ—પણ જે વડે જીવન ચાલવાનું છે, એ અંતરંગ જીવનનો વિચાર ક્યારે કરીશુંં?’
બલવંતે વધારે એકાગ્રતાથી તેની સામે જોયું: ‘મારે તારી પાસેથી એ જ જાણવાનું હતું! તારે પોતાને કાંઈ ખાસ કહેવાનું છે?’
‘ખાસ તો શું હોય?’ તે બોલતાં બોલી, પણ તરત એના મનમાં એક વિચાર આવ્યો. બલવંતને કહો ન કહો પણ આ વાતની થોડી ગંધ હોય તેવું લાગે છે, તેનો ચહેરો ઊતરી ગયો. પણ એટલામાં તો દિલીપ આવ્યો: તેના વરણાગીવેડા આજે તો વધારે ખીલ્યા હતા. એક તરફથી એ રંજનને જાણે આકર્ષવા માગતો હતો. બીજી તરફથી જાતને બચાવી લેવા માગતો હતો.
‘દિલીપ! આપણે શું જવાબ દેવાના છે—આ રંજન વિષે!’ બલવંતે તરત એને પૂછ્યું.
’જવાબ દેવાનો છે?'
‘ત્યારે નહિ? તું એને પસંદ કરે છે કે નહિ? બીજું તને ફાવશે કે નહિ? છોકરી તો સારી છે!’
‘પણ, ‘ બ્રધર !' આ ‘બોધરેશન’ એનું શું?’
‘હાં...હાં...ત્યારે તને નહિ ફાવે કાં?’
’ભલે એ થોડા દિવસ રહે—’ દિલીપ બોલ્યો: ‘ આપણે જોઈએ —પરિચય થાય પછી.’
‘પણ પછી યે તું—તેં વિચાર કર્યો છે?’
‘શાનો?’
‘અરે! ગાંડાભાઈ! શાનો શું? પરણવાનો?’
‘પણ બ્રધર !’ એ તો પાછું 'બોધરેશન્'! ’
‘ત્યારે એમ બોલોને મારાભાઈ! તારે જવાબદારી લેવી નથી. પણ તો તો પછી સસ્તી મોજ લેવી છે એમ આનો અર્થ સમજવો? આ લોકો, દિલીપ ! એવી વસ્તુને હજી ટેવાયેલી નથી!’
‘પણ મને આ ‘બોધરેશન’ ગમતું નથી, બ્રધર!’
‘તે તારી ઈચ્છાનો વિષય છે. પણ જેમ તને ‘બોધરેશન’ ગમતું નથી, તેમ મને તારું કોઈ પણ ધ્યેય વિનાનું સ્વતંત્ર જીવન ગમતું નથી. હું એને એક પ્રકારની કાયરતા ગણું છું ! સ્વતંત્રતાને ધ્યેય સાથે સંબંધ છે, નહિતર એ કાયરતા છે.’
‘કાયરતા?’
‘ત્યારે નહિં? તમે જવાબદારી લેવા માગતા નથી. પણ જે કાંઈ સસ્તામાં મળી જાય—જવાબદારી વિના—તે લેવા માગો છો. કાયરતા પણ એ જ માગે છે. તને ન ગમે તો ભલે, પણ આ ઠીક નથી, વિશ્વક્રમમાં ક્યાંય એકલવાયાપણાને સ્થાન હોય જ નહિ.
’તમારી જાતને તમે બરાબર તપાસો એટલે તમારું અરધિયું તમને તરત મળી જાય. આ તો તમે જાત છુપાવો છો—અથવા કહો કે તમારી જાત વિષે તમે કાંઈ જ જાણતા નથી—એટલે તમને સઘળે અપૂર્ણતા લાગે છે! ચમેલી ! તું કાંઈક કહેતી હતી ને?’
‘મારે તો રંજનને કહેવાનું હતું!’ ચમેલીએ હિંમ્મતથી પ્રત્યુત્તર વાળ્યો.
‘શું?’
‘તમારા આંતરિક જીવન વિષેનો મારો પરિચય!’ બલવંત ચમકી ઊઠ્યો.
દિલીપ એકદમ સફાળો ઊભો જ થઈ ગયો. બલવંતે એને જતાં રોક્યો: ‘જો દિલીપ! એની પૂર્તિ હું કરી દઉં. વિજ્ઞાન, વ્યક્તિને માટે જરૂરી પ્રસંગનો આશીર્વાદ છે, બીનજવાબદારી ભરેલી રીતે જે લોકો વિજ્ઞાનને વાપરે છે—એ લોકો રાક્ષસોને નોતરે છે. મારે ત્યાં હજી વિજ્ઞાન રાક્ષસનો સ્વાંગ ધારી શક્યું નથી. આપણે ત્યાં એક વહેમ છે ખબર છે? ભૂતને કામ જોઈએ ! વિજ્ઞાન પણ ભૂતમંત્ર છે ! તારે તો હવે શાંત સ્વસ્થ રોજિંદું જીવન ગાળવા માટે પણ તાલીમ લેવી પડે એવું છે!’
દિલીપ બોલ્યા વિના ધીમે શાંત પગલે નીચે ઊતરી ગયો. તેને કાંઈ આ વાત ગળે ઊતરી નહિ. એણે જીવનવ્યવહારને જુદી રીતે જોવાની દૃષ્ટિ કેળવી હતી.
ચમેલી પ્રોફેસર સામે જોઈ રહી: ‘ત્યારે તો તમને આ ખબર હતી—મારે કહેવું . . . ’
‘મને? તને ગભરાયેલી દીઠી ત્યારે જ હું તો કળી ગયો હતો!’
એટલામાં નીચેથી દિલીપનો અવાજ આવ્યો: ‘મોટાભાઈ! પેલા લોકોને મેં કહી દીધું...’
‘કે?’
‘મને નહિ ફાવે!’
‘ચાલો, રંજન બચી ગઈ !’ ચમેલી બોલી.
થોડીવારમાં જ ઘર પાછું પહેલાં જેવું બની ગયું. દિલીપ ક્યાંક બહાર જઈ રહ્યો હતો.
‘ધ્યેય વિનાની સ્વતંત્રતા—એ જ મૃત્યુ નહિં હોય?’ પ્રોફેસરે એને જતો જોયો અને એ બોલી ઊઠ્યો.