આકાશદીપ/પુરુષ અને સ્ત્રી
| ← ખરેલાં બે પાન | આકાશદીપ પુરુષ અને સ્ત્રી ધૂમકેતુ |
વસ્ત્ર ત્યાગ → |
‘ટી ટેબલ’ એ આ જમાનામાં ધીમે ધીમે વધારે ને વધારે મહત્ત્વ મેળવતું જાય છે, એના આકાર અને સજાવટ વિષે હજી કોઈએ જોઈએ તેટલો વિચાર કર્યો નથી; પણ નાતવરાને અબલે જેમ પાર્ટીનું મહત્ત્વ વધતું જાય છે અને નાતવરાનો ખોટા ખરચો રદ કરવાની જહેમત ઉઠાવનારા ‘પાર્ટી’ના એવા જ ખરચામાં સામાજિક નવવિધાન જુએ છે, તેમ ધીમે ધીમે આપણે ઘરઆંગણે ‘ટી ટેબલ’ પોતાનું અનોખું સ્થાન લેશે એમાં શંકા નથી. દરમ્યાન હવામાં ઊડતા રસિક પ્રશ્નોની ચર્ચા માટે ઘણાખરા ઘરોમાં તો એ ફેશનરૂપ થઈ ગયું છે. ખાસ કરીને સવારની ચા લીધા પછી—ને છાપામાં પહેલું મોં નાખતાં એ સ્થળ ઠીક ઠીક ચર્ચા જગાડે છે.
દેસાઈ મંજુલાલ અને શિવલક્ષ્મી એ બન્ને સવારમાં ‘ટી ટેબલ’ ઉપર બેસે ત્યારે ઘણુંખરું હવામાં ઊડતા એક બે પ્રશ્ન ઉપર રસિક ચર્ચા થાય : અને નવ દશની ચા આવ્યા પછી નાહવા જાય ત્યાં સુધી એ ચર્ચાને અનેક દૃષ્ટિબિંદુઓથી છણે. જૂના જમાનામાં જેટલી રસિકતાથી વૃદ્ધો ઓશરીમાં બેસીને શાક સમારતા, લગભગ તેટલી જ રસિકતાથી હવે આપણે ચાનું શાસ્ત્ર જમાવતા જઈએ છીએ : અને એમાં ચર્ચાતી જરૂરિયાત પણ લાગે છે. આજે મુખ્ય પ્રશ્ન ‘સમાજવાદ’નો હતો. પણ ડુંગર ઉપરથી દોડતું એક ઝરણું આગળ જતાં જેમ અનેક માર્ગે ફંટાઈ જાય છે તેમ ‘સમાજવાદ’માંથી ‘વ્યક્તિવાદ’માં, ત્યાંથી ‘ફ્રૉઇડ’માં અને વ્યક્તિવિકાસમાં ચર્ચા આવી પહોંચી.
શિવલક્ષ્મીએ પોતાનો પક્ષ રજૂ કર્યો: ‘સ્ત્રી વિના પુરુષનું અસ્તિત્વ નથી માટે...’
મંજુલાલે ચર્ચા આગળ ચાલતી અટકાવી: ‘આ તમારું વિધાન અમે કબૂલ કરતા નથી. સ્ત્રી વિના પુરુષનું અસ્તિત્વ જો નથી, તો પુરુષ વિના સ્ત્રી ક્યાંથી આવી ? બેમાં પહેલું કોણ એ કોઈ કહી શકતું નથી. જ્યારે એવું બને કે પુરુષ વિના સ્ત્રીને બાળક આવે—’
શિવલક્ષ્મીએ હાર કબૂલી : ‘ચાલો, એમ તો એમ. પણ ધારો કે સ્ત્રી ન હોય તો શું થાય ?’
‘શું થાય ? સઘળા પુરુષો લૉજમાં ખાવા જાય. બીજું શું થાય ? પણ પુરુષો ન હોય તો શું થાય એ તમને ખબર છે?'
‘કેમ, વળી શું થાય ! સ્ત્રીઓ નવરી પડે, એટલે તરત ગરબા ગાય, બીજું શું થાય?’
‘મારું પણ એજ કહેવાનું છે.’ મંજુલાલે કહ્યું, ‘પુરુષો લૉજમાં ખાવા જાય—ને સ્ત્રીઓ ગરબા ગાય—એ બન્ને એકબીજાની ગેરહાજરીમાં થતી ક્રિયા, એમ બતાવે છે કે પુરુષો જે છે તેમાંથી રચનાત્મક કામ કરે છે; સ્ત્રીઓ જે નથી એના વિષે કવિતા ગાય છે !’
‘ના, એનો અર્થ એમ છે કે પુરુષ વધારે ખાઉધરો છે : અને સ્ત્રી વધારે રસમય છે.’
‘ના, એનો અર્થ એમ છે કે પુરુષ જરૂરિયાત સમજે છે : સ્ત્રીઓ જરૂરિયાત વધારે છે.’
‘તમારું એ વિધાન અમને માન્ય નથી. અમે તો એમ કહીએ કે પુરુષ લૉજમાં જાય એ એમ દર્શાવે છે કે પુરુષ સુરુચિ વિના માત્ર પેટ ભરી જાણે છે.’
‘અને સ્ત્રીઓ માત્ર સુરુચિ કેળાવે છે એમ ? આ તમારું દૃષ્ટિબિંદુ ખોટું છે. કારણ કે પુરુષ કરતાં સ્ત્રીઓ ઘણું વધારે ખાય છે, એ પ્રસિદ્ધ વાત છે.’
‘પુરુષો નારી વિષે લખે છે ત્યારે ઘણું ખરું અ–નારી વિષે લખે છે. પુરુષે સરજેલા સ્ત્રી–પાત્રની ચર્ચા જો કોઈ સ્ત્રી કરે તો તેમાં બટાટાને બદલે ટમાટા બાફ્યા છે એ ભૂત નજરે ચડે !’
‘જોયું ? – તમારી ઉપમા પણ રસોડામાંથી જ આવી !’
‘અને તમારી પણ ઑફિસમાંથી જ આવે છે નાં ? રસોડા અને ઑફિસને મુકાબલે પાછલી ક્રિયામાં વધારે ગુલામી છે.’
‘અને છતાં—તમારા મોટા વર્ગને હવે એ વાતનો મોહ થયો છે !’
‘એ તો તમને ગુલામીમાંથી છોડાવવા—જો કોઈ રીતે તમે તમારું મૂળ કામ–રસોડાનું હાથ ધરો તો !’
‘પુરુષો રસોડું કરશે તો સ્ત્રીઓ શું કરશે ?’
‘અત્યારે પુરુષો કરે છે તે, ખાઈને ઑફિસમાં જશે !’
‘અને ઑફિસમાં જશે ત્યારે કોઈના અંબોડામાંથી ફૂલ પડી જશે, ને કોઈની બંગડી સરી જશે, કોઈ પટાવાળાને ખીજશે ત્યાં હસી જવાશે : ને પટાવાળો હસશે ત્યાં ખિજાઈ જવાશે. તમારા જેવી એકાદ સ્ત્રીને ઑફિસમાં નીમી હોય—મને સ્ત્રીઓ જોઈને ઘણી વખત પતંગિયાં સાંભરે છે, કેટલાં સુંદર ! મોહક ! પણ કોઈ વાતમાં સ્થિર નહિ; પછી તે વાત પૂરી તળવાની હોય કે ભાષણ કરવાની હોય.’
‘અને અમને પુરુષો ભ્રમર જેવા લાગે છે : કઢંગા : ધમાલિયા; કોઈ વસ્તુનું સાચું સૌંદર્ય જાણવા માટે જોઈતી શાંતિ વિનાના.’
આ અનંત ચર્ચા કોણ જાણે ક્યારે પૂરી થાત, પરંતુ એટલામાં સંવાદનો અંત લાવનાર રોટી દેખાઈ. ચા લઈ આવતા નરભોજી–પુરુષ કે સ્ત્રી બેમાંથી એકમાં ન હતા, એટલે એના ઉપર કોઈને પ્રીતિ કે ઘૃણા ન હતી. એ તો ખરી રીતે ચાનું વાસણ હતા. અને નરભોજી પોતે તો સ્ત્રીપુરુષની ચર્ચામાં કાંઈ સમજતા નહિ, એને ત્યાં એવી ચર્ચા ન હતી. કારણ કે બન્ને કામે જાય તો જ બન્ને ખાય તેમ હતું. એના પડોશમાં ક્યાંક સ્ત્રી જોરાવર હતી; તો ક્યાંક પુરુષ સર્વસત્તાધીશ થઈને ફરતો. પણ બધી જગ્યાએ એને ખબર હતી કે હટાણું કરવા સ્ત્રી-પુરુષો સાથે જતાં. મજૂરીએ સાથે જતાં. કમાવા સાથે જતાં. એટલે એના મનને એમ કે જ્યાં જ્યાં ‘ટી-ટેબલ’ હશે ત્યાં ત્યાં સ્ત્રીપુરુષ હશે. એ પોતાને સ્ત્રી પણ ન માનતો, પુરુષ પણ ન માનતો; કેવળ નોકર માનતો. પણ આંહી ચાની હાજરીને લીધે નવાં શસ્ત્રો ઉપાડવાની તૈયારી થઈ. પરંતુ એટલામાં ‘હલ્લો ! સાહેબજી !’ કરતા પ્રૉફેસર નવીનચંદ્ર દેખાયા, એટલે ઘડીભર સૌ આવકારની ક્રિયામાં પડી ગયાં.
‘કેમ, શું ચાલે છે ?’
‘આ એસ્તો. તમારી જાતને પુરુષ–લેખકોએ શ્રેષ્ઠ ઠરાવી છે તેની ચર્ચા.’ શિવલક્ષ્મીએ કહ્યું.
‘ત્યારે આપણે એમ કરીએ તો., સમન્વય કરીએ. અમુક પ્રદેશની જગ્યાઓ તમારા માટે અનામત રાખીએ, એમાં પુરુષનો પ્રવેશ નહિ.’
‘ઉદાહરણ તરીકે ?’
‘રસોડાપ્રદેશ એ તો તમારો જ. એમાં અમે માથું ન મારીએ.’
‘હાં–બોલ્યા! રસોડા-પ્રદેશ!’ શિવલક્ષ્મીએ જરાક લટકું કરીને જવાબ વાળ્યો, ‘રસોડાપ્રદેશ તો અમારે પાછો તમારા માથામાં મારવો જ છે. અને રસોડાપ્રદેશમાં તો માથું મારવા આવો તો તમે શું કરી શકો તેમ છો? ભાતમાં મીઠું પડે ને દૂધની કઢી થાય!’ શિવલક્ષ્મીએ જરાક મિજાજ પણ ગુમાવ્યો હતો.
આવી ચર્ચામાં સમજ નહિ પડવાથી નરભોજી ચા મૂકીને આઘો ખસી ગયો હતો. એની બૈરીએ કહ્યું હતું, કે હું બગીચામાંથી અરધું ખડ વાઢીશ, પછી વખતે છોકરો રડશે એટલે ઘેર જઈશ. તારે વખત મળે તો તું અરધું વાઢી રાખજે. હું પછી આવીને ભારી લઈ જઈશ. આજે આ રસિક ચર્ચા બંધ નહિ થાય એમ ધારી નરભોજી આઘો-પાછો થઈ ગયો. ચર્ચા આગળ ચાલી–દરેક ચર્ચામાં બને છે તેમ, વધારે વેગમાં ને તેથી વધારે ખોટી રીતે.
પ્રોફેસર બોલ્યા : ‘ઠીક સારું, ચાલો, અમે રસોડાપ્રદેશ રાખીએ છીએ, તમે શું રાખો છો?’
‘ખાણાપ્રદેશ,’ શિવલક્ષ્મી હસી પડ્યાં, એમને ટેવ પડી ગઈ હતી—અને એ પોતે માનતાં પણ હતાં કે ઘણીખરી સ્ત્રીઓનો એ ઉદ્ધાર કરી રહ્યાં છે, એટલે આવી ચર્ચામાં પણ સ્ત્રીઓ જીતે તો એ વધારે ચા પીતાં.
‘સારું.’ પ્રોફેસરે શાંતિથી કહ્યું, ‘હવે ખાવાનું મેળવવું શી રીતે?’
‘કેમ વડે? કામીને?’
‘કામવા કોણ જાશે?’
’કેમ વળી ? પુરુષો —અને સ્ત્રીઓ બન્ને.’
‘બન્ને કાં?’
‘હાસ્તો.’
‘ત્યારે હવે હું એક પ્રશ્ન પૂછું છું. જનતાના ઘણા મોટા ભાગને તો કામ ને કમાણી વહેંચવા જ પડ્યાં છે. તે વિના આર્થિક દૃષ્ટિએ જીવી શકાય તેમ જ નથી. નથી વહેંચ્યાં માત્ર તમારા જેવા સુખી વર્ગે—અથવા વધારે યોગ્ય શબ્દ વાપરીએ તો આળસુ વર્ગે. તમે તમારી જાતને આળસુને બદલે બુદ્ધિશાળી ગણો તો પણ મને વાંધો નથી, કારણકે ખરી રીતે આપણે જે નવરા હોય તેને જ બુદ્ધિશાળી માનીએ છીએ. પણ મારો પ્રશ્ન આ છે : તમને એમ નથી લાગતું કે કાંઈ પણ કામ નહિ હોવાથી જ આ પ્રશ્નો—સ્ત્રીપુરુષના કામ વિષેના—સ્ત્રી રસોડું કરે, ઑફિસે જાય—એ ઉત્પન્ન થયા છે? સ્ત્રીઓ તો ઘણા જૂના વખતથી બન્ને કામ કરે છે. કોઈના ખેતરમાં મજૂરીએ જવું ને કોઈ ઑફિસમાં કાગળ લખવા જવું એમાં ક્યાં ફેર છે તે સમજી શકાતું નથી. એવી સ્ત્રીઓ માટે એમની એ ઑફિસ જ ગણાય—ને જે ઋતુમાં જે ઠીક પડે તે કામ કરે છે. તમારે જેને સાધનની વિપુલતા છે તેમણે ખરી રીતે તો પુરુષ અને સ્ત્રીના પ્રશ્નોને નવા દૃષ્ટિબિંદુથી છેડવા ઘટે છે. નોકરી એ કોઈ નવું દૃષ્ટિબિંદુ નથી.’
ચર્ચાનો રસ પ્રૉફેસરના ગંભીર વાક્યોને લીધે ઓસરી જતો જોઈ પ્રોફેસરને પશ્ચાત્તાપ થયો—આ આનંદમાં ભંગ કરવા માટે. આવી ચર્ચા આગળ ચલાવવાની પણ કળા છે. ને વિચાર કરી શકે તેવા માણસો આવી ચર્ચા આગળ ચલાવી શકતા નથી. તેમણે એક નવો સવાલ ઉઠાવ્યો:
‘બુદ્ધિશાળી માબાપ હોય તો છોકરાં કેવાં થાય ?’
‘કેમ, વળી બુદ્ધિશાળી. પણ તમારી વ્યાખ્યા, બુદ્ધિશાળી એટલે આળસુ, અમે એ ખોટી ગણીએ છીએ. આ પ્રશ્નમાં તમને નવું શું લાગે છે ?’
‘આજે મેં એક સરસ વાત વાંચી. ઘણું કરીને ન્યુયોર્કમાં જ બન્યું છે, એક પુરુષ ઘણો જ બુદ્ધિશાળી હતો. વકીલ તરીકે એની સામે ઊભા રહેવાની કોઈની તાકાત ન મળે, જ્યાં પ્રતિપક્ષી વકીલે વિજય ચોક્કસ માન્યો હોય, ત્યાં ‘સાહેબ, મારે કાંઈ ઉમેરવાનું છે;’ એમ બોલી એ એવી સજ્જડ દલીલ કરતો કે હારને બદલે અણધારી જીત મળતી. એની સ્ત્રી પણ એવી બુદ્ધિશાળી હતી. હવે હીરો હીરાને કાપે એ નિયમ પ્રમાણે ધણીની દલીલોને માત્ર આ સ્ત્રી જ દલીલોથી મહાત કરી શકતી. એ સ્ત્રી પણ વકીલાત કરતી. એટલે ઘણી વખત ઘેર આનંદની વાતોચીતો કરતાં પતિપત્ની, કોર્ટમાં વાદી–પ્રતિવાદીનાં વકીલ બની સામસામાં લડતાં. અલબત્ત એમાં બનતું એવું કે ’વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો.’ હવે આ બુદ્ધિશાળી દંપતીને એક સંતાન થયું.’
‘આ વાત કોણે લખી છે ?’ શિવલક્ષ્મીએ પૂછ્યું.
‘કોઈ પુરુષ લેખકે.’ પ્રૉફેસરે જવાબ વાળ્યો.
‘ત્યારે એ ખોટી છે.’
‘કેમ?’
‘કેમ વળી—જેને કમાણી કરવી હોય તેને સંતાન પોસાય ક્યાંથી ? આ કાંઈ ગામડાનાં મજૂરો હતાં? એ લોકો સંતતિનિયમન કરી શકતાં હતાં.’
‘એ જ વાત છે ત્યારે—નિયમનના પ્રયોગો છતાં સંતાન થયું!’
‘ઠીક ચાલો, પછી?’
‘હવે એવું બન્યું કે આ સંતાન માત્ર ત્રણ વર્ષનું થયું, ત્યાં બન્નેને–માતાપિતાને મહાત કરે તેવી, વિચિત્ર દલીલો કરવા માંડ્યું. એટલું જ નહિં, કેટલીક વખત તો કોઈ ન હોય ત્યારે એ એકલું બેઠું બેઠું દલીલો કર્યા કરતું. એમ કે આજે મને નોકરે થોડું ખાવા આપ્યું છે, તેનાં બે કારણ હોઈ શકે. કાં એને એની બૈરીએ ધમકાવ્યો અથવા એણે બૈરીને ધમકાવી હોય ! અને એવી તો અનેક દલીલો કે જેનો અંત ન મળે!’
‘પુરુષોની વાર્તામાં કાંઈ ઢંગધડો હોતો નથી. હું મારે આ ચાલી !’ શિવલક્ષ્મી બોલ્યાં.
‘પણ એનો અંત તો સાંભળો!’
‘શું છે ?’
‘ડૉક્ટરોએ કહ્યું કે બાળકને પુરુષત્વ અથવા સ્ત્રીત્વ એમાંથી એક ‘ત્વ'નો સમન્વય સધાય એવું ઑપરેશન કરવામાં આવે તો એનામાં શક્તિ છે તે સંપૂર્ણ વિકાસ પામે!’
‘Water tight Compartment !’ શિવલક્ષ્મી બોલ્યાં. ‘તમારે પુરુષોએ અગ્રણી રહેવું ને સ્ત્રીઓને આવી ખોટી ઉપજાવી કાઢેલી વાર્તાઓથી પછાત રાખવી છે, એ નહિ બને!’
એટલામાં નરભોજી આવ્યા. સાધારણ નિયમ પ્રમાણે આ ટેબલ તરત સાફ થવું જોઈએ, હજી તે થયું ન હતું. શિવલક્ષ્મી નરભોજી તરફ ફર્યાં :
‘નરભોજી ! તમે ક્યાં હતા ? જોતા નથી, માખો કેટલી છે ?’
‘હું તો, સાહેબ ! બૈરુ આવ્યું’તું તે જરાક મદદે ગ્યો’તો.’ નરભોજીએ જવાબ વાળ્યો.
‘શી એવી તમારી મદદની જરૂર પડી ગઈ’તી ?’
‘શા‘બ, અરધ ખડ મેં વાઢ્યું ને ભારી કરી રાખી છે!’
‘તો તમારે, ટી-ટેબલ પાસેથી દૂર ન ખસવું. એટલું કામ બૈરાથી થઈ શકતું નથી? તમારે આંહી કામ પડતું મૂકીને બૈરાને મદદ કરવા દોડવાનું નથી, સમજ્યા?’
શરમિંદો થઈને નરભોજી ચાના પ્યાલા ઉઠાવવા લાગ્યો.
‘ચાલો ! ત્યારે, આ અનંત ચર્ચાનો અંત ન હોઈ શકે!’ પ્રૉફેસર બોલ્યા. અને સૌને નમીને તે ગયા અને આજની ચર્ચાના વિજય કે પરાજયમાં કાંઈ મોટું કામ થઈ ગયું હોય એમ ભારે હૈયે બીજા સૌ વિખરાવા લાગ્યા. બહાર નમતી સાંજના પડછાયા લાંબા થતા હતા. દૂરથી પાછી ફરવા માંડેલી ગાયો રસ્તા ઉપર ચાલી જતી હતી. કોઈ કોઈ ઠેકાણે કોયલ રહી રહીને બોલી રહી હતી.
શિવલક્ષ્મી ચૂપ થઈ ગઈ હતી.
શિવલક્ષ્મીને ખોટું લાગ્યું છે એમ ધારીને મંજુલાલે તેના ખભા ઉપર હાથ મૂક્યો: ‘તમે આટલું નરમ હૃદય ધરાવો છો?’
શિવલક્ષ્મીએ પાછું ફરીને જોયું. તેની આંખમાં આંસુ હતાં.
‘અરે! આ શું? આવી વાત હૃદયમાં લાવીને તમે રડો છો?’
‘ના, પણ મને આ ટેવ પડી છે—મને આજે વધારે બીક લાગે છે!’
‘શી?’
‘કે પ્રોફેસરે કહ્યું તેમ આપણું બાળક તો એવું નહિ થાય નાં?’
‘અરે ! જવા દો, જવા દો ! એ તો પ્રૉફેસર છે જ એવો અર્ધચક્રમ જેવો !’