આકાશદીપ/મનની મોજ
| ← શિવુભા | આકાશદીપ શિવુભા ધૂમકેતુ |
મનની મોજ
એક પળ અને એક ડગુમગુ ચાલતું ટટ્ટુ દેખાય છે. એની બન્ને બાજુએ ડુંગળી, ગાજર, મૂળા, વંત્યાક, બટાકાની ગાંસડીઓ લટકે છે. મેલી, ટૂંકી, ધોતડી, જાડું બગસરાશાઇ લટ્ટાનું પેર’ણ, ઉપર વીંટેલો ફાળિયાનો કટકો, ને હાથમાં આવળની સોટી લઇને એની પાછળ ધીમે ધીમે આવતો એક માણસ નજરે પડે છે.
‘મને ઓળખ્યો ? હું નરસીં બકાલ !’
પણ હું મારી વાત કહું એના કરતાં એ વાત કહેવાય એ મને વધારે ગમે. મારે પણ એક જીવન હતું, તમારા જેવું જ. તમારા જેવો જ હું પણ જીવતો, જાગતો બોલતો ચાલતો માણસ હતો. મે પણ સુખઃદુખ, વેદના, યાતના, આશા, નિરાશા ભોગળ્યાં હતાં. પોતે પોતાની વાત બીજાને મોંએ સાંભળવી એ પણ એક અનેરો આનંદ છે.’
આટલું બોલીને નરસીં બકાલ અદૃશ્ય થઈ ગયો, એની આખી વાત આ રહી.
નરસિહ કે નૃસિંહ—ખરી રીતે તો આસપાસના ગામડામાં ખૂબ જાણીતો થયેલો શબ્દ નરશીં—અને ઘણી વખત તો ‘નરશીં’માંથી અપભ્રંશ થઇને બની જતો ‘નરછીં’ બકાલ એકલો, પોતાના અડિયલ ટટ્ટુ સાથે, રસ્તો કાપી રહ્યો હતો, ટટ્ટુ સાથે, ટટ્ટુ ઉપર નહિ. કારણ કે ઉપર બેસવાનો હક્ક ગાજરમૂળાને માટે અનામત જેવો હતો. એને કે એના ટટ્ટુને આ રસ્તો કાંઇ નવો ન હતો. રવિવારે સૂરજ ઊગ્યા વિના રહે તો, નરસિહ આસપાસના ગામડાંની ‘વિઝીટ’ માર્યા વિના રહે.
નરસિંહ આ સંઘળાં ગામડાઓમાં બકાલું વેચવા જતો. દર રવિવારે પોતાના ટટ્ટુ ઉપર બકાલાની પોટલીઓ લટકાવી, બકાલું થોડું હોય તો કોઈ વખત માથે બેસીને, નહિતર ટટ્ટુને દોરતો, આ રસ્તે એ નીકળતો ને ગામડાઓમાં ફરીફરી બકાલું વેચી, જાર, બાજરો, ચોળા, કપાસ, મગ, અડદ, કળશી એમ જુદી જુદી ધાન્યસામગ્રી લઇને બીજે દિવસે ઘેર પહોંચી જતો. રાત ગમે તે ગામડામાં ગાળી લેતો.
આજે એ જ રીતે એ ચાલી રહ્યો હતો. જે રસ્તા ઉપર એણે જુવાનીમાં, દાણાના વેપારી, પછી રૂના વેપારી, છેવટે જીનના માલિક થવાનાં, સ્વપ્નાં સેવ્યાં હતાં, તે જ રસ્તા ઉપર, દિવસોના અનુભવ પછી ડાહ્યા બનેલા બન્ને—નરસી બકાલ અને એનું ટટ્ટુ—પોતપોતાની હંમેશની ચાલે આજે ચાલી રહ્યાં હતાં. એમને ઉતાવળ કરવાની જરૂર જણાતી ન હતી. તેમજ છેક ધીમે ચાલીને અંધારામાં ઠેબાં ખાવાની પણ ઇચ્છા ન હતી. એટલે બન્ને એમના નિયમ પ્રમાણે જ ચાલી રહ્યાં હતાં. નરસિંહે, ઘોડાની લગામ પણ ડોક ઉપર નાખી દીધી હતી. હાંક્યા વિના ચાલે એટલી જ ચાલ ઉપર સંતોષ માનીને એ પોતે કાંઈક વિચારમાં ને વિચારમાં મગ્ન, એની પાછળ ચાલી રહ્યો હતો.
એટલામાં નગરપરાની સીમનાં ઝાડ દેખાયાં. નગરપરાથી ત્રણ માઇલ રાજપરા. અને રાજપરાથી ત્રણ માઇલ ભાંડેર, ભાંડેરમાં રાત ગાળી, બીજે દિવસે રોટલાટાણે સવારમાં પોતાને ગામ——સનાળીયા—પહોંચવાનો આજે એને અચાનક વિચાર આવી ગયો. ને કોણ જાણે કેમ એનાં પગલામાં પણ ઉતાવળ આવી.
ભાંડેરમાં રાત ગાળવી છે, એ વિચારે તેને પ્રેર્યો હોય કે ગમે તેમ, તેણે પોતાના ટટ્ટુને લગામ ઝાલીને જરાક ઉતાવળે દોર્યું. તેના આ વર્તનથી આશ્ચર્ય પામ્યું હોય તેમ ટટ્ટુ પહેલાં તો ઊભું રહ્યું. નરસિંહે પોતાને કોઈ દિવસ આ પ્રમાણે ઉતાવળે ચાલવાનું કહ્યું હોય, એવું એની સ્મૃતિમાં હતું નહિ. ખરી રીતે એ અને એનો માલિક ધીમા ચાલવા માટે જ નિર્માણ થયાં હતાં. આજે જ કોણ જાણે ક્યાંથી નરસિંહની રગમાં ઉતાવળ આવી બેઠી હોય તેમ એને લાગ્યું.
અને પોતે જ્યારે ઊભું રહ્યું અને નરસિંહે બાવળની સોટી લગાવી, ત્યારે તો એ પામી જ ગયું કે, કહો ન કહો, પણ ડોસાનું કાંઇક ફટક્યું લાગે છે !
ડોસો તો નરસિંહને કહેવો હોય તો ભલે, બાકી ખરી રીતે એને હવે જરાક અવસ્થા જણાતી હતી.
આ બકાલ નરસિંહની જુવાની જોનારા તો એને જાણી પણ શકે નહિં! એક વખતે એ હરેડ જુગારી હતો. મોટો થયો ત્યારે એણે જુગાર છોડ્યો—પણ પછી જીવનમાં એકધારા નિયમિત ધોરણ ઉપર ચાલવું એ એને હંમેશાં આકરું લાગવા માંડ્યું ! બાર વરસનો હતો ત્યારે જ એ ઝમકુડીની સાથે પરણ્યો હતો. એને પરણવું પડ્યું હતું. ત્યાર પછી થોડે વર્ષે માબાપ મરણ પામ્યાં—અને નરસિંહનું હવે ચાલત તો એ ઝમકુને કે કોઈ ને પરણત જ નહિ ને ! એણે રખડુજીવનનો સ્વાદ ચાખ્યો હતો. અને એને ખબર હતી કે પરણવાથી, જીવનને ઘણા ઘસારા વેઠવા પડે છે. આવી એની ફિલસૂફી એ કોઈ માનસશાસ્ત્રના સિદ્ધાંતમાંથી તારવેલી ન હતી—પણ માબાપ વિનાના રખડુ છોકરાઓમાં પરિસ્થતિને લીધે આવતી હોંશિયારી અને ઉછ્ર્ંખલતા એ બન્નેના મેળમાંથી એ જન્મેલી હતી. પણ ઝમકુડી એને કાંઇ, એની ફિલસુફી માટે છોડી દે તેવી ન હતી. એ તો એને વળગી. ઝમકુડી સાથે સ્થિર થયા પછી પણ, થોડાંક વર્ષ સુધી નરસિંહે ઘણું ખરૂં, જુગારીઓના મેળામાં રખડતો. એમાં જ્યારે તડાકો પડે ત્યારે જોઇ લ્યો એનો રંગ! એની ચાલમાં જૂદું જ જોમ રહેતું. ત્યારે એ હાલતાં તે ચાલતાં લેમન પીતો. બે રૂપિયાનું પાન બનાવવાનું કહેતો. કાં અત્તરવાળાની દુકાને પહોંચતા, અને નહિંતર કાળણ કંકુડીને ત્યાં સાત આઠ મિત્રોની મિજબાની—આખી રાતની મિજબાની, તે એ અવશ્ય જમાવતો.
એ કોળણ કંકુડી હવે ભાંડેરમાં હતી. નરસિંહને એ ખબર હતી. હમણાં વર્ષો થયાં વહી રહેલા ભારનો થાક ઉતારવા માટે જતો હોય તેમ, નરસિંહ ભાંડેર તરફ આજે અચાનક જ વળ્યો. કદાચ એ ભાંડેર જવાનો છે એની ખબર અને પોતાને પણ ન હતી !
વર્ષો થયાં વહી રહેલો ભાર તો એટલા માટે, કે આ બકાલું—અરધોશેર ડુંઘળી ને એક શેર બટેટાં, પૈસાનાં મરચાં ને અરધા પૈસાનાં ગાજર—એમાં એનો શકરવાર પાકે તેમ ન હતો. એને તો ઘણું મન હતું કે છક્કા પંચાની રમ્મત જમાવીને, એક વખત તો આસપાસનાં બાર બાર ગામને નોતરીને એકસોઆઠ પારાયણનો જે જે કાર બોલાવી દઉં ! પણ પછી કાંઈક વયને લીધે, કાંઇક ઝમકુડીના નિત્યકંકાસને લીધે, અને વધુ તો, પોતે જેને પોતાની માનીને, રાત દિ જોયા વિના સેવા કરવા ખડેપગે તૈયાર રહેતો, જેનું ઘર પોતાના જેવા જુગારીઓનું વિશ્રામસ્થાન હતું અને છતાં જેને સાચો પ્રેમ—સાચ્ચો પ્રેમ હોઈ શકે તો—પોતે માનતો હતો કે, પોતાને જ મળ્યો હતો—એ કોળણ કંકુડીએ એ વખતે બતાવેલી ઉપેક્ષા વૃત્તિને લીધે, નરસિંહે, જુગાર છોડી દીધો, તે છોડી જ દીધો ! અને બકાલાના પૈસા આપનારા કંટાળા ભરેલા કામ ઉપર મન સ્થિર કર્યું. પણ આવા નમાલા ધંધાની ઘરેડમાં ચિત્ત પરોવી, પોતાની સઘળી આશા અને આકાંક્ષા દબાવી દઈ, જે ધંધાનો ભાર ઉપાડ્યો–એ ધંધાનો ભાર, હવે એને આકરો લાગે છે–એમ તો હરકોઇ જોનાર, એની ધીમી, સ્થિર, એકધારી ચાલ, ટટ્ટુની પણ એવી જ ચાલ અને નરસિંંહની નીચે નમેલી ડોક, એ ઉપરથી જ કહી શકે તેમ હતું! હમણાં હવે ઝમકુડીનું પણ મરણ થયું હતું. એટલે તો નરસિંહને ઘર કે ધંધામાં કશામાં રસ રહ્યો ન હતો. પાછળ કોઇ હતું નહિ. તેમ હવે એના જુનવાણી જુવાન માર્ગ તરફ પાછા ફરવાનું બળ એની પાસે રહ્યું ન હતું, એટલે આ લાંબા પંથ ઉપર ધીમે ધીમે ચાલ્યાં જતાં–માનવ અને પ્રાણી–બન્ને જીવનની છેલ્લી પળો ખેંચી કાઢવા જાણે પ્રયત્ન કરતાં હોય એમ લાગે. આજે એ નિત્ય જીવનના, નિયમિત પથમાં, કોળણ કંકુડીના સંસ્મરણોએ જરાક ચેતન પૂર્યું હોય તેમ નરસિહે પોતાની ચાલ ઉતાવળી કરી.
એની નજરમાં કોળણ કંકુની મૂર્તિ ખડી થઈ ગઇ હતી! એ મૂર્તિ–જે એણે જુગારી જીવનને છેલ્લા નમસ્કાર કર્યા હતા ત્યારે જોઈ હતી!
કેટલીક સ્ત્રીઓ સુંદર નથી હોતી. પણ ચાતુરી ભરેલી અજબ મીઠાશ એમનામાં હોય છે. એમનું આકર્ષણ એમના શરીરમાં એટલું નથી હોતું, જેટલું એમના સ્વભાવમાં હોય છે. આથી એ આકર્ષણ વય વધતાં વધે છે. ઘટતું નથી. જુદા જુદા સ્વભાવના અનેક જુગારીઓ પેાતાને ત્યાં જાળવનારી હોવાથી કંકુડી પણ એવી બની ગઈ હતી.
કાંઇક કુદરતી રીતે, કાંઈક ધંધાને લીધે, અને કાંઈક પરિસ્થિતિને અનુરૂપ બની જવાના સ્ત્રી સ્વભાવને લીધે, એવી ત્રિવિધ તાલીમને લીધે મેળવેલી, કંકુડીની આ આકર્ષણ શક્તિમાં, ગજબનો વધારો તો એના દેહને લીધે પણ થતો હતો. નાનું, કાંઇક મિજાજી, થોડું બેશરમ લાગે એવું, રસ ભરેલું, લાડભરેલી બેદરકાર સુંદરતાના પ્રતીક જેવું એનું નાક એના ચહેરાને અનોખી રીતે શણગારી રહેતું, નરસિંહ જે સમયે સેંકડો ગૂમાવતો ને હજારો મેળવતો, એ સમયે આ ચહેરા ઉપરની એકાદ બે છુટ્ટી રખડતી લટ માટે, એ પાંચસો-હજારની ન્યોછાવરી કરી નાખતો! અનેક જુગારીઓને પોતાને ત્યાં અડો જમાવવા દેતી ખરી, પણ કોળણ, એવી ચાલાક હતી કે, કોઇના પ્રેમમાં કોઇ દી પડી ન હતી. હા, એટલું ખરું કે તમે અખાડાના ગમે તે ‘મેમ્બર’ને પૂછો તો એ એમ જ કહેવાનો કે કંકુડીને પ્રેમ મારા ઉપર છે! અને તેથી બીજાને મુકાબલે એ મને વધારે જાળવે છે. કંકુડીના આવો લીંબુના પાણી જેવો સ્વભાવ હોવાથી અને વળી દરેકના સ્વભાવની ચાવી ઉપરાંત, પુરુષના સામાન્ય સ્વભાવની જાણકાર હોવાથી, જુગારીઓનો અખાડો ઘણા લાંબા વખત સુધી એને ત્યાં ચાલ્યો. જુગારીઓમાં મારામારી ન થઈ પડે માટે કોળણ કંકુડી પોતાના જોબનનો જામ હાથમાં ધરી રાખતી–પરંતુ એમાંથી એક ટીપું પણ કોઈને આપતી નહિ. દરેકને એમ લાગતું કે એ આખો જ જામ એનો છે; એકાદ ટીપું એને માટે નથી; એટલું છતાં આ કોળણના દિલમાં પણ, નરસિંહ પ્રત્યે ઈશ્ક ભરેલો એક નાનકડો ખૂણો અનામત હતો એમ કહેવું જોઇએ. કોઈ ન હોય ને નરસિંહ એકલો આવ્યો હોય–એવો પ્રસંગ વિરલ હતો–ત્યારે સાચા ગુલાબી અતલસના કાપડા નીચે છૂપાયલા યૌવનને, એ એવી બેદરકાર ભરેલી રીતે ઢંગધડા વિના પડી હોય તેમ પડીને, મેાહક કરી મૂકતી, કે, નરસિંહની આંખમાં દર્દે ગઝલ આવી જતી. પણ કોળણ એ માનસને તરત પલટાવી દેવા નરસિંહને પૂછતી: ‘કાં નરસિંહ! શું કરે છે ઝમકુડી? હવે તો સીધું ચાલે છે નાં? ઈ તો તું જ એવો છે–નફ્ફટ ને બેફીકર ! બાકી ઝમકુડી તો ઝમકુડી છે!’ એમ બોલીને પોતાના જે હાથથી એ નરસિંહને જરાક ધીમો પ્રેમ ભર્યો ધક્કો દેતી–જાણે આમંત્રણ આપતી હોય! પ્રેમની ભાષાની દૃષ્ટિએ, તો કંકુડી પોતાનું સધળું છાનું દર્દ આ હાથમાં મૂકી દેતી. એ જમાનાનો નરિસંહ તો આજનો બકાલ નરસિંહ ન હતો. ખાસી તંગ ઉરબ્બ ચોરણી ઉપર, મોંઘું લાંબું મલમલનું ઝીણું પહેરણ ને રેશમી કબજો પહેરનારો, ઓડિયાં રાખી કાંસકાને ચાવીસે કલાકે ઓડિયામાં જ રાખનારો, ખીસ્સામાં લટકતા ઈટાલિયન રેશમી રૂમાલ ને બસો પાંચસો રૂપિયાથી ઓછું પાસે ન રાખનારો, સુંદર, રખડુ, રંગે ચડેલો, ટેકીલો અચ્છો જુવાન હતો. ને એવે કોઇ વખતે કંકુડીની નજર સાથે એની નજર મળતી, તો જાણે કુદરતી રીતે એકબીજાં એકબીજાંને માટે હોય તેમ હજારો છાની વાતો એ કરી લેતાં.
પણ બન્નેને પાતપેાતાની મર્યાદાનું ભાન હતું. કંકુડીને ખબર હતી કે નરસીં આમ છુટક માણસ તરીકે ઠીક છે. બાકી એને સ્થિર કરો તો કાં એ ભાંગી પડે, કાં તમને વહેલે મોડે તગડી કાઢે. અને વધુ તો એ કે કંકુડી નરસીંના મેળની ખબર પડતાં જ માથાવઢ કજિયાની પરંપરા ઊભી થાય! એટલે એક બીજા માટે છતાં, એક બીજા માટે ન હતાં. એમનો પ્રેમ એમણે છાની રીતે પોતપોતાના એકાંત ખૂણામાં મનમોજ રાખીને મનમાં ભોગવવાનો હતો. બાકી બીજીરીતે તો આ જુગારીઓના અખાડામાં જીવનમરણ ખેલની વાતો બની જતાં વાર લાગે તેમ ન હતી. કંકુડી ડરપોક ન હતી, પણ ડાહી હતી. એટલે એ સૌને જાળવતાં જાળવતાં પ્રેમમૂર્તિ નરસીં માટે એક અનેાખી રીતનો પ્રેમ મનમાં ને મનમાં રાખી રહી હતી. ને નરસિંહ એ જાણતો.
એક વખત આ ટોળામાં એક નવો ‘મેમ્બર’ આવ્યો. તેના ઉસ્તાદી સ્વભાવે ને ફોજદારી કાયદાના જ્ઞાને સૌને વશ કરી લીધા. વળી એ જેલનો અનુભવ પણ લઈ આવ્યો હતો. ખોટા સિક્કા પાડવાના શકદારોમાં પણ એક વખત એ સંડોવાયો હતા. આ ટોળામાં આ કાંઈ જેવી તેવી આબરૂ ન ગણાય. એણે પોતાની બૈરીને ઘરેણાં માટે મારી હતી અને એમાંથી અકસ્માત એ મરી ગઈ હતી. છતાં એ મરણને એ કુદરતી અકસ્માતમાં ગણાવી શક્યો હતો. એ જાતને પરજીયો સોની હતો. ઇશ્કી હતો, દારુ પીતો, ભાગવતની કથા કરાવતો, અને સાધુ બ્રાહ્મણને જમાડતો. વખત મળે તો માણસને લૂંટતો તે પરબ પણ બેસારતો. એનો ઇશ્ક ધર્મ માટે હતો. અને ધર્મ ઈશ્ક માટે હતો. આ પરજીયો સોની–મોહન—આ ટોળામાં ભળ્યો, પછી પોતાની ચાલાકીથી એણે ટોળામાં ઈર્ષાનો અગ્નિ પેદા કર્યો. એક તો એ જબરો ચાલાક હતો ને જીત ઉપર જીત મેળવી શકતો; બીજું હાથનો બહુ છુટ્ટો હતો; ત્રીજું ધર્માંદો બહુ કરતો. એટલે કોઈ મેળામાં સૌ ભેગા થાય, એમાં મોહન જ અગ્રણી હોઈ, સાધુસંત ફકીરનાં ટોળાં એને વીંટાઈ વળતાં. સૌથી ભયંકર બીના તો એ હતી કે કંકુડીને પણ એની મોહિની લાગી હોય એમ જણાતું હતું; સૌના કરતાં નરસિંહના દિલ ઉપર એ ડાઘે ગંભીર અસર પેદા કરી.
એક વખત નરિસંહ આવ્યો ત્યારે કંકુડી એકલી હતી. નરસિંહના મન ઉપર મોહનનો ભાર તો હતો. આજે એ વાતનો ખુલાસો લેવાનો એનો નિશ્ચય હતો. એણે જોયું કે દરવખતની જેમ કંકુડી પોતાનું શરીર વધારે આકર્ષક લાગે એવા સ્વાંગ સજીને બેઠી છે.
નરસિંહે આવતાં વેંતજ પ્રશ્ન મૂક્યો: ‘કંકુડી ! હવે તું કાંઈ ઠઠેરો વધારતી જાય છે ! કોઈને હથેળીમાં રમાડવો છે કે શું? હમણાં કાંઈ મોહનો બહુ નજરે ચડ્યો લાગે છે!’
તે દિવસે કોણજાણે કેમ કંકુડીએ મિજાજ ખોયો : ‘અલ્યા! હું તે કંઈ તારી ગોલી મોલી છું કે શું? મારે વળી મોહનો શું ને તું શું?’
‘કેમ મોહનો શું ને હું શું ? મોહને તને કંઠી કરાવી દીધી છે, એની અમને ખબર પડી છે હો !’
‘આ રહી—આ ડોકમાં—એમાં શી મોટી ખાનગી વાત હતી ? ઈ તો હરમતનાં કામ છે ભેરૂ ! છાતી હાલતી હોય એનાં, પૈસો કાંઈ રાંડીરાંડના હાથમાંથી છૂટતો નથી !’
‘ત્યારે તો કેશવો કહેતો’તો એ સાચું લાગે છે!’
‘શું કે’તો’તો કેશવો ?’
‘કે કંકુડી તો મોહનમાં જ લટુ થઈ ગઈ છે!’
‘લટુ થાય છે મારે ભૂખરાત–આંહી તો કઇક મોહન આવ્યા ને કઈક ગયા ! પણ લટુ થઈ ગઈ હોઉં તોય એમાં કેશવાને શું? હું કાંઈ થોડી કોઇની વેચાણ છું ? મને મરજીમાં આવે ત્યાં મારું મન પાથરી દઉં ! હજી સુધી તો એક તારા સાટુ એને રાખ્યું છે―પણ તું―અલ્યા બહુ જ વહેમીલો છે ! બહુ વહેમ નહિ સારો। નરસીં.’
‘ત્યારે તો તું આ સાચું બોલે છે એમ નાં ?’
‘તો શું ખાટું બોલું છું ?’
‘સારું, હું બતાવીશ !’
‘હા, હા, બતાવજે ને!’
તે વખતે તો કંકુડી સાથે નરસીંને એટલી જ વાત થઇ. પણ મોહનની માયા વિષે એનું મન ખાટું થઈ ગયું હતું.
એમાં બીજે દિવસે લગભગ અરધી રાતે, નરસીં એ પોતાના ઘોડા પરથી ધબાક દઈને કંકુડીના ફળી પાસે ઉતારો કર્યો. એના હાથમાં બે હજાર રૂપિયાની ‘નેકલેસ’ ચમકી રહી હતી. એક તડાકો પડ્યોને એણે સાંજે ને સાંજે ઘોડા ઉપર ખંખેરી મૂક્યાં. સોનીને ત્યાંથી બે હજારની ‘નેકલેસ’ લીધી. આાજ એને કંકુડીને આપીને એને મોહનની માયા ભુલાવી દેવી’તી.
એ આવ્યો, ત્યારે ઉલ્લાસમાં હતો. એના અંગે અંગમાં કંકુડીની પ્રીતિ જાણે, અગ્નિ મૂકી રહી હતી. એની આંખમાં કંકુડી સિવાય બીજું કોઈ ચિત્ર ન હતું. મનમાં કંકુડી કકુંડી થઈ રહ્યું હતું. તે દોડતો આવ્યો.
પણ ઘરમાં હજી દીવો બળી રહ્યો હતો. તેથી બહારથી સાદ કર્યો.
‘કંકુડી !’
‘કોણ–એલા? નરસીં! તું છે ? આવને, મોહન બેઠો છે ! કેશવો આવવાનો છે ! આવ ને’
નરસીંનું હાલત તો આ નારીનું અત્યારે તો માથું ધડથી જૂદું કરી નાખત !
પણ એણે ગમ ખાધી. ઘોડાને અંદર દોરીને એ ઉભો. પછી એણે ઓશરીની કોર ઉપરથી જ ઘા કર્યો : ‘લે આ !’
કંકુડીએ ‘નેકલેસ’ હાથમાં ઝીલી લીધી. પણ નરસીં તરત પાછો ફર્યો: ‘એલા ! કર્યા ઉપડ્યો એ? ચા પીવા નથી રોકાવું ?’
‘ના..’ નરસીંએ જવાબ વાળ્યો: ‘તારી વાત જોઈ લીધી.’
‘અરે ! પણ છે શું ? એ બકાલ !’
‘બકાલ તો હમણાં કહું એ...’ નરસીં ગુસ્સામાં ને ગુસ્સામાં ચાલી નીકળ્યો
કંકુડી બહાર દોડી, પણ નરસીં એ તો ઘોડાના પેંગડામાં પગ મૂકી દીધો હતો. કંકુડીએ એને આંતર્યો.
‘શું છે તારે? અદેખા !’
‘કાંઇ નથી—તું તારે તારું મન કરે ત્યાં બેસને ! પણ તેં મને બકાલ કહ્યો ને?—મારે પણ હવે બકાલનો ધંધો જ કરવો છે, પણ તું આ બકાલના બોલ સંભારજે. કોઈ તારી પડખે ઊભો રહેવાનો નથી! બધા ય ગઠીયા છે !’
‘પણ તું—તું હાલ્યો ક્યાં ?’
‘બસ... હવે...’
‘કેમ ?’
‘તારી મનની મોજ હોય ત્યાં તું ... મારો આંહી……’
‘ઓ... હો ! અરે ! બકાલ ! નરસીં ! તંઇ તો તું ભીંત ભૂલ્યો ’લ્યા ! તમે ભાયડા, લ્યા, ક્યારે સમજશો કે અમારી બૈરાની મનની વાત જુદી છે! મનની મોજ ઈ તો કોઈ જુદી જ ચીજ છે ! અલ્યા! મન તો પથરાતું હોય ત્યાં જ પથરાય ! તારા સમ, નરસીં ! મારા મનની ખરી મોજ એક તેં માણી છે!’
‘હવે શું કરવા ખોટા મલાવડા કરછ ?’
‘ઈ તો તને ખરે ખબરૂં પડશે. મનની મોજ માણનારા, પછી કોઈ બીજી ચીજમાં મન નો નાખે હો ! તમને ભાયડાને તો મન જેવી કોઈ વાત જ નથી ને! તું કોઇ દિ કોઇની પાછળ ગાંડો થયો છે ! અમારી તો આખી વાત અનોખી છે! પણ તું કાંઇ એમ કીધે માને? તું તો આવો અદેખો કેવો છે? અહીં તો થાનક ઠર્યુંં. હજાર આવે ને હજાર જાય. પણ મન, તો નરસીં ! જ્યાં ઠરતું હોય ત્યાં જ ઠરે હો! મનનાં તો મૂલ જ મન! આ તારાં નેકલેસડાં નહિ!’
‘ઠીક ઠીક હવે...’
‘પછી કંકુડીને સંભારીશ હો, કે કોળણ દલની દેનારી હતી !’
‘જોઈ ઈ તો...ઠીક લે ...!’
‘તો આ તારી પાછી લેતો જા, નેકલેસ, મારે આંહીં ક્યાં એની ભૂખ છે?’
‘ઈ હવે મારું સંભારણું ...’
નરસીંએ જોરથી ઘોડાને ‘એડી’ લગાવી દીધી. ઘોડો ઊલળ્યો. એટલે કંંકુડીને ખસી જવું પડ્યું. અને તરત જ નરસીં તો અંધારામાં અદૃશ્ય થઈ ગયો. આાજનો દી ને કાલની ઘડી.
આજ હવે એ બકાલ નરસીંં, પોતાની જીવનસંધ્યાની છેલ્લી પળે, જાણે એક વખત કંકુડીને મળી લેવા માગતો હોય તેમ, ભાંડેર તરફ જઈ રહ્યો હતો.
ભાંડેર એ પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. પણ હજી અંધારું વળ્યું ન હતું. એણે ચોરા પાસે પોતાનું ટટ્ટ બાંધ્યું. બકાલું ઉતારીને ઓટલા ઉપર મૂક્યું. પાસે કો’કનું ગાડું છૂટ્યું’તું એના બળદ પાસેથી થોડુંક ખડ લઇને ટટ્ટુને નાખ્યું. બીડી સળગાવી ને પોતે ત્યાં પગથિયે બેઠો.
કોઈક બહાર ગામનો આવેલ છે એ જોઈને ચોરાનો ગલઢો બાવો બહાર આવ્યો. થોડીકવાર નરસીં સામે જોઇ રહ્યો. એનો ચહેરો ઓળખાયો : ‘ઓ હો ! ભાઈ ! તમે આંઇ ક્યાંથી ? બહુ દીએ દેખાણા ? ક્યાં હતા ? ક્યાંય મલક ઉતરી ગ્યા’તા? કે શું ?’
‘હા, ભાઈ, એવું જ તો. હમણાં તો ઠીક નો’તું. કીધું હવે આ જ તો જઈ આવું! શું છે ગામમાં નવાજૂની ?’
‘આંઇ ? આ ભૂખ ગામમાં તો શું નવાજૂની હોય ? આજ તમે લાવ્યા છો ત્યારે, ગામ બટેટાં દેખશે–એવું દાળદરી છે. આંહીં શું નવી ને શું જૂની ? નવાજૂનીમાં ગામ બહાર એક મંદિર થયું ઈ !’
'કોણે બંધાવ્યું ?'
'બીજું કોણ હતું ગામમાં ? આ કંકુડી કોળણ ! મરી ગઈ, પણ નામ રાખતી ગઈ ! જોવા જેવું છે!'
નરસીંને જાણે હૃદય સોંસરવો અને પાર ઉતરી જાય એવો એક ઘા પડી ગયો. પોતાનૉ જીવનસાર કોઇએ ખેંચી લીધો હેાય એવું એનુ લાગ્યું. થોડીવાર તો એ બોલી શક્યો નહિ ! કંંકુડી જ મળે નહિ~એ વિચારે એને બે પળ વિચાર કરતો કરી મૂક્યો પછી ધીમેથી બોલ્યેાઃ
'બાવાજી ! મદિર ક્યાં આવ્યું ?'
'આ દેખાય ભાઈ! આંહીંથી જ-જાવું હોય તો જઈ આવો ને. જોવા જેવું છે! હજી હું આહીં આરતી ટાણા સુધી છું. જોખમ તો નથી નાં કાંઈ ?'
'ના ના—’
નરસીં ડગુમગુ ઉભો થયો.
પણ એના પગ ભાંગી ગયા હતા. તે મંદિરની દશ ભણી ચાલી નીકળ્યો. કોળણે બાંધેલા એક નાના સરખા દેવાલયની એણે આશા રાખી હતી !
છેલ્લવેલું હવે એ જોઇ લઉં, એવી મનોદશામાં એ ધીમે ભારે પગલે ચાલી રહ્યો હતો.
મંદિરના ચોગાનમાં એ પહોંચ્યો. ત્યાં કોઇ હતું નહિ. ઘંટ વગાડી, પોઠિયા પાસે એ ઊભો. અંદર દર્શન કર્યાં. અચાનક નીચે ભોં ઉપર એની દૃષ્ટિ પડી ને માનતો ન હોય તેમ, બે ધડી ત્યાં નજર ખોડતો ઊભો જ રહી ગયો.
એના પગ નીચે જ, આરસની તકતીમાં, વાંચી શકાય એવડા મોટા અક્ષરોમાં, કોતરેલો એક લેખ હતો: 'ભગવાન નરસિંંહેશ્વરનું આ મંદિર, કોળણ કંકુડી એ, નરછીં બકાલના દોસ્તદાવે, એણે ભેટ આપેલ ‘નેકલેસ’ ના પૈસામાં પોતાના પૈસા ઉમેરીને, બન્નેના લોકકલ્યાણાર્થે બંધાવ્યું છે. ને આંહી સૌ દર્શને આવનારની ચરણરજ એમને નીત નીત મળતી રહે, માટે બન્નેનાં નામ કોતરાવ્યાં છે :
‘નરસીં બકાલ ... કોળણ કંકુડી !’
નરસીં કોણ જાણે કેટલીવાર સુધી ત્યાં ઊભો ઊભો આ લેખની સામે ટગર ટગર જોયા કરત ! એના મનમાં મોટેથી એક પડઘો પડી રહ્યો હતો : દલની દેનારી ખરી ! પણ એટલામાં ચોગાનમાં દર્શન માટે આવેલ કોઇએ ઘંટનાદ કર્યો, અને એ જાગૃત થઈ ગયો.