લખાણ પર જાઓ

આકાશદીપ/મસ્તાની

વિકિસ્રોતમાંથી
← ચમેલી આકાશદીપ
મસ્તાની
ધૂમકેતુ
સારંગી છેડી →


​


*[૧]મસ્તાની

( ૧ )


સ્થળઃ ઔરંગાબાદ પાસે સતારા: ગોદાવરીનો તટ

⁠મસ્તાની: (સ્વગત) ઓ આસમાનની રોશની ! ગોદાવરીનું ચળકતું પાણી ! પર્વતની સુંદર પરંપરા ! આ સર્વની પાસે મસ્તાની આજે પોતાનું જિગર ખુલ્લું કરે છે. મસ્તાની સામે પુરુષોએ નજર કરી છે ત્યારે તેનું અંગેઅંગ પ્રગટતું અભિમાન જોઈ ને એ બિચારા પોતે જ શરમાયા છે. મસ્તાની સામે વૈભવનો ભોગ ધરનારા, પોતાના હીરાનું તેજ મસ્તાનીના દાંતના તેજ કરતાં ફિક્કું પડેલું જોઈને—વૈભવથી ન ખરીદાય એવી આ પ્રતિમા છે, એમ સમજી ગયા છે. મસ્તાનીનું શરીરસૌંદર્ય એ તો ઈશ્વરની થાપણ છે. મસ્તાનીના અમર ઇતિહાસનો એ જીવતો લેખ છે. વીર પુરુષના—કોઈ અદ્‌ભૂત સમયમૂર્તિના― એક જ દિશા ​તરફ ધસતા આત્મબલને સ્નેહપ્રદેશમાં ઉતારવાની કુદરતની અનુપમ કલા છે.

⁠‘પુરુષો મસ્તાનીનો ચહેરો જોવા માટે લાયક છે, હાથ પકડવા માટે નહિ. પુરુષો મસ્તાનીના વિદૂષક થવા લાયક છે; પુરુષો મસ્તાની પાસે લોટવા લાયક છે. મસ્તાનીનું ખીલતું યૌવન ચંદ્ર જોઈ શકે, ગોદાવરી જોઈ શકે, પર્વત જોઈ શકે; પુરુષ નહિ. પુરુષ છે ક્યાં ? રાજકાર્યમાં તો જે કપટી હતો, પરંતુ આત્માને ચડવાની નિસરણી જે સ્નેહ, તેમાં પણ જે કપટી બની શક્યો—તે આ પંચોતેર વર્ષનો જરીપુરાણો નિઝામ–ઉલ–મુલ્ક ? ! સારું, હિંદુસ્તાન આજે તેનાથી ધ્રૂજે છે.

⁠‘એ ! આજના હિંદુસ્તાનમાં પુરુષ ક્યાં છે? આ નિઝામ–ઉલ–મુલ્ક આજનો વીર પુરુષ ? મારી માને મેળવવા માટે તેણે કેટલી હિમ્મત દર્શાવી ? મારા બાપને મારવા જેટલી ! આ પુરુષ જો હિંદુસ્તાનનો વીર પુરુષ હોય તો હિંદુસ્તાનની પ્રજા જ નિર્માલ્ય છે. પ્રતાપ, શિવાજી, શહેનશાહ અકબર પછી પુરુષો પરવાર્યા ને ચાંદબીબી પછી સ્ત્રીઓ પરવારી. મસ્તાનીનું સારું યૌવન સાચવી રાખવા કુદરતે રચેલો આ અગમ્ય યોગ નથી ? રજપૂત, મરાઠા, મુસલમાન, યોદ્ધા ઘણા; લડનારા ઘણા: પણ પુરુષ? પુરુષ કોઈ નહિ!’

⁠“મસ્તાનીના કૃષ્ણ કલાપમાં, અદ્‌ભુત ચિત્રકારે પોતે ન સમજી શકાય તેવી રીતે આ આસમાનના જેવી આછી અને ઓછી છાંય રાખી છે! એના ચહેરા પર શ્યામ રંગની છાંટ છે! અરે, મને મારા પોતાના પર મોહ થાય ​એવી કલા છે ! મારે સ્વરૂપ નથી; મારે કલા છે. મારે સૌન્દર્ય નથી; લાલિત્યનો વહેતો પ્રવાહ છે. મારામાં સપ્રમાણ અવયવબંધ નથી; શરીરબંધ છે. જો હું પોતે જ ગઝલ છું, દર્દનો જીવંત ઇતિહાસ છું, રસની તૃષાનો ખરો ચિતાર છું, તો મારે—આ કલાનાયક, મારે—કોના માટે ગઝલ ગાવી ? કોનું દર્દ સાંભળવું? અરે, કોની તૃષા છીપાવવી? દિલ્હીનો સમ્રાટ આ બાલ સાથે રમવા માટે ચાલતો આવે, પણ સ્ત્રીના બાલ સાથે વિનોદથી રમી શકે એને જ પુરુષ કહેવો?’

⁠‘ઓ કિરતાર, ફરીથી કહું છું કે દિલ્હીનો સમ્રાટ્ સમ્રાટ્ હશે. પણ પુરુષ નથી; મસ્તાનીને મયૂરાસન પર સમ્રાટ્ સાથે બેસવાનો શોખ નથી; એને તો નીલા ઘાસની ગાદીમાં પણ પુરુષ સાથે બેસવાનો મોહ છે. કોઈ બડી પંડિતા ગાર્ગી નામે થઈ ગઈ એમ કહેવાય છે ને? એ ગાર્ગીએ કહ્યું હતું કે જગતમાં કોઈ પુરુષ નથી, અને એટલા માટે મારે સ્ત્રીને સહજ લજ્જા નથી. આજે હું મસ્તાની, આખા હિંદુસ્તાનની સામે શરત મારું છું કે હિંદુસ્તાનમાં જો કોઈ પુરુષ નથી, તો મસ્તાની નામની કોઈ સ્ત્રી નથી. હું સ્ત્રી છું, પણ પુરુષ પાસે. ચાંદબીબી પાસે બધાને પુરુષ થવાનો અધિકાર નથી. સ્ત્રી અને પુરુષના ભેદ એ સૌએ પોતપોતાના દોષ છુપાવવા કર્યા છે. જન્મથી સૌ ન સ્ત્રી, ન પુરુષ એવા છે. સ્ત્રી અથવા પુરુષ તો થવાનું છે. જીવનનું જે અંતિમ લક્ષ્ય છે તે સૌએ હાથેકરી સિદ્ધ થયેલું ધાર્યું છે.

⁠‘આજે હું કહું છું કે અમારી સતારાની છાવણીમાં હું કોઈની સામે બુરખો ધરું એવો પુરુષ નથી. કોઈની રોશની એટલી તીવ્ર નથી: કોઈનામાં એટલી વીરત્વભરી છાપ નથી. ​પુરુષો પોતાને વીર કહેવડાવવા માટે સ્ત્રીઓ પાસે બુરખા નખાવે છે! ચકમાંથી જોઈને કહું છું કે પુરુષો મારી પાસે બુરખો નાખે તો એમનું અંતઃકરણ ડંખતું મટે. મસ્તાનીનો ચહેરો જોવો એ પુરુષાતનની પરીક્ષા છે! સ્ત્રીનો બુરખો નાખવાનો જમાનો ગયો; હવે પુરુષોનો સમય આવ્યો છે. ઓ પરવરદિગાર ! શું હિંદુસ્તાન અને શું હિંદુસ્તાનના પુરુષ ! ગોદાવરી ! સતારા ! પર્વતો ! તમારામાંથી ઇતિહાસ મળે છે તેટલો કોઈ પુરુષના જીવનમાંથી નથી મળતો ! અફસોસ ! ભોક્તા વિનાની કલા ! ભવ્યતા વિનાનું સૌન્દર્ય! પુરુષ વિનાનું સ્ત્રીજીવન !

( દાસી આવે છે )
 

⁠મસ્તાની: ચોક્કસ થયું ?

⁠દાસી : હા,

⁠મસ્તાની : ક્યારે ?

⁠દાસી : આજે જ સાંજે બાજીરાવ તથા તેના થોડાક સૈનિકો આવશે. મિજબાની અને ભેટનજરાણાં થશે.

⁠મસ્તાની : ઠીક; ત્યારે હવે આપણે ત્યાં જઈએ ત્યાં વખત થશે.

( જાય છે )
 
[ ૨ ]
[મિજબાનીના મંડપમાં બાજીરાવ આવે છે.
એક તરફ ચક નાખી સ્ત્રીવર્ગ બેઠેલ છે.]
 

⁠નિઝામ : બાજીરાવ ! આ સતારાની ભૂમિ ખુદાએ બેહિશ્તના ચમન જેવી બનાવી છે ! આ બાજુ સાતપુડાની શિખરપરંપરા; વચ્ચે લીલાંછમ ખેતર. કદાચ તમને ઘડીભર ​શિકાર કરવાનું મન થાય તેવો આ પ્રદેશ છે.

⁠બાજીરાવ : સતારા તો પરમાત્માએ એક મહારાષ્ટ્રમાં જ કર્યું છે. એ જ પૃથ્વીપર આસ્માનનો સાચો સિતારો છે. આ જમીન સારી છે, ખેતર હરિયાળાં છે, ગોદાવરીનો તટ મનહર છે, પણ કોંકણના ઝરા અહીં નથી. અહીં સિંંહાદ્રિની ભવ્યતા નથી. અહીં રાયગઢ જેવા કિલ્લા નથી. સ્ત્રીઓ રાસડા શરૂ કરે તેવું આ સ્થળ છે, પુરુષો સમશેર ખેલે તેવું નહિ. દક્ષિણનું પુના—સતારા એ તો કુદરતની કારીગરીનો બેનમૂન બાગ છે ! કાશ્મીરના કેસરીની છટાવાળો મંદમંદ પવન એ તો ત્યાંનો સામાન્ય પવન છે ! ઓ, કિરતારે સતારા ન કર્યું હોત તો બાજીરાવ ક્યાં રહેત ? સિંહાદ્રિ વિના મરાઠા ક્યાંથી હાક પાડત ? રાયગઢ વિના શિવાજીનું પરાક્રમ દિલ્હીમાં કેમ ખળભળાટ પેદા કરત ? વીરભૂમિ તો મહારાષ્ટ્ર છે.

⁠નિઝામ : વીરત્વની સાચી પિછાન તો અત્યારે પ્રપંચ રમાય તો થાય. નિઝામની વૃદ્ધાવસ્થા પોતે જ પવિત્ર નીતિશાસ્ત્ર છે. નિઝામ લડાઈમાં દુશ્મન છે તો લડાઈ પછી દાનો દોસ્ત છે, એ લોકમાં સામાન્ય બનતી કહેવત આડી આવે છે, નહિતર અત્યારે આ દુશ્મનોની સભામાં બાજીરાવ એકલો શું કરી શકે? સિંધિયા અને હોલ્કર અત્યારે શા કામમાં આવે ? મશ્કરી છે; પણ ધારો કે હું અત્યારે કપટ રમું તો?

⁠બાજીરાવ : દિલ્હીના સમ્રાટની સભામાં પણ બાજીરાવ તો બાજીરાવ જ રહે. અત્યારે આટલું સૈન્ય છે, પરંતુ ખુદ સમ્રાટ્‌નું સૈન્ય હોય તો પણ બાજીરાવના મનમાં ક્ષોભ થાય ​નહિ. બાજીરાવ કપટ નથી કરતો, પણ કપટ કેમ થાય તે જાણે છે, જ્યાં જ્યાં બાજીરાવ ત્યાં ત્યાં એના સામંત, એ સામાન્ય સિદ્ધાંત—પછી શું નિઝામનો દરબાર હોય કે શું સમ્રાટ્‌નો દરબાર—બધે જ લાગુ પડે છે. નિયમ અને એને અપવાદ, એ બિચારા કહેવાતા યોદ્ધા માટે છે. મારો નિયમ સર્વત્ર અચલ છે.

⁠નિઝામ : અત્યારે ઘડીભર ધારો કે હું કપટ રમું છું, ક્યાં છે અત્યારે તમારા સામંતો ? રાણોજી ને મલ્હારરાવ અત્યારે શું કરે?

⁠બાજીરાવ : શું કરે ? બાજીરાવ પોતે જ એક સૈન્ય નથી? અને છતાં એના સામંતો તો હાજર જ હોય છે. અહીં અત્યારે પણ તેઓ હોય જ.

⁠નિઝામ : તમે તો એકલા જ આવ્યા છો!

⁠બાજીરાવ : મરાઠા એકલા હોય જ નહિ. શિવાજી મહારાજનો વાઘનખ એ અમારું ધ્યેય છે. શું સિંધિયા કે શું હોલ્કર, બેમાંથી એકેયને ન નિઝામ કે ન દિલ્હીદરબાર રોકી શકે. જુઓને આ તમારા જ સામંતો; અને એમની વચ્ચે—

( ચારે તરફ નજર ફેરવે છે)
 

⁠મલ્હારરાવ હોલ્કર : અને એમની વચ્ચે મલ્હારરાવ હોલ્કર પોતાની અચળ શમશેરના બળથી બેઠો છે. શ્રીમંત પેશ્વા સરકારની આંગળી ઊંચી થાય કે તરત જ મલ્હારરાવનો દેહ એની પાસે ટુકડેટુકડા થઈ જવા માટે તૈયાર છે !

⁠રાણોજી : અને રાણોજીની ભસ્મ એ તો પરશુરામ સ્વરૂપના વિશાળ ભાલાનું ત્રિપુંડ થવા માટે છે! એ શંકરના ​દેહ પર રાણોજીની ભસ્મ તો વૈભવરૂપ છે! રાણોજીની આ શમશેર એ શ્રીમંત પેશ્વાએ આપેલી વિભૂતિ છે!

( મરાઠા સામંતોની સમશેરો ચળકે છે )
 

⁠નિઝામ : ઓહો ! મલ્હારરાવ હોલ્કર ! રાણોજી સિંધિયા !

⁠રાણોજી : મરાઠી રાજ્યના સૂર્યની પાછળ રાણોજી છાયા છે!

⁠મલ્હારરાવ : જ્યાં મરાઠી રાજ્યનું હૃદય ત્યાં મલ્હારરાવનું લોહી!

( ભેટનજરાણાં થાય છે; સભા બરખાસ્ત થાય છે:
સૌ જાય છે, મસ્તાની એ તરફ જોઈ રહે છે.)
 

⁠મસ્તાની : (સ્વગત) એ સૌથી પહેલો ઊડતો સવાર ! કેટલું વીરત્વ ! આજે પુરુષ જોયો, એનાથી ઘોડો શોભે છે, એની પાછળ ચાલનારા પુરુષ છે, એ પોતે અસાધારણ પુરુષ છે. મસ્તાની આજે શરમાય એવું સ્ત્રીત્વ ગ્રહણ કરવા તૈયાર છે. આજે હવે હું શરમાઉં. એ પુરુષ–વીર પુરુષ—સાચો. આટલે છેટેથી એની ઘોડા પર બેસવાની છટા એને બીજાથી જુદો પાડે છે. શું પશુ, કે શું મનુષ્ય, વીરત્વની પૂજા એ માનવજીવનનો સહજ સંસ્કાર છે. બાજીરાવને જોઈ ઘોડો અભિમાનમાં ખૂંખારે છે; અને છેવટ, મસ્તાની પણ બાજીરાવને પૂજવા તૈયાર છે!’

( સૌ સ્ત્રીમંડળ ચાલ્યું જાય છે.
મસ્તાની પણ સાથે જાય છે. )
 

​
(૩)

⁠મસ્તાની : ( એકાંતમાં સ્વગત ) તે દિવસની અસરથી હજી મસ્તાનીની રસતૃષા છીપી છીપાતી નથી. અરે ! બાજીરાવને જોઈને આટલો ભયંકર ફેરફાર ? હું મસ્તાની જ ન રહી !

⁠ગોદાવરીના તરંગો ! સુંદર ચંદ્ર ! હરિયાળાં ખેતરો ! આ બાજુ પર્વતમાલા ! ઓ, અનંત જીવનનો સંસ્કાર આજે જોશથી બહાર નીકળતો હોય, મસ્તાનીનું સમસ્ત જીવન નાશ થવાનું હોય, બાજીરાવના નેનમાં કાંઈ જાદુ હોય, ગમે તે હો, પરંતુ આ સારું યૌવન એની પાછળ કુરબાન છે! રે! વનવન રખડીશ, ખુલ્લા આકાશેઆકાશ પુકારીશ, સૈન્યેસૈન્ય શોધીશ, કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભમીશ, પરંતુ બાજીરાવ નહિ મળે ત્યાં સુધી આરામ નામ ન જાણીશ. ઓ પરવરદિગાર ! મારા હજારો જીવનના સંસ્કાર વ્યર્થ થાય છે, છો થાય. મારો આત્મા લૂંટાય, ભલે લૂંટાય. સમૃદ્ધિ જાય, નિઝામનો આશ્રય જાય: ભલે જાય. એક વખત નહિ, છો હજાર વખત જાય. કોઈ નવાબની પત્નીનું પદ જાય, ભલે જાય. અરે, નવાબનું સિંહાસન કે સમ્રાટ્‌નું મયૂરાસન એ તો લાકડાના કટકા છે! મસ્તાનીને તો બાજીરાવની પાછળ જિંદગી ગુમાવવી છે !

⁠ઓ, આસમાનની પવિત્ર રોશની ! ઓ અસંખ્ય દીવાઓ ! આ મસ્તાનીના દીવાનાપણાના તમે સાક્ષી રહેજો. બાજીરાવ માટે સમસ્ત જીવન કુરબાન છે ! એક નહિ તો હઝાર જિંદગી, પરંતુ બાજીરાવનો વીરત્વભર્યો હાથ આ સ્નિગ્ધ બાલ સાથે ન રમે ત્યાં સુધી એ બાલ ચંદ્રના ​કિરણની નજરે જ પડશે ! અરે હઝાર જિંદગી; પરંતુ એ રોશનીમાં જિંદગી ગુમાવવા માટે એક વખત પતંગિયું બનવું છે! ખુદાની કચેરીમાં પણ બોલવાની તાકાત છે કે ઓ પરવરદિગાર, બાજીરાવ ઉત્પન્ન ન કરજે, અથવા કરવો જ પડે તો કોઈ મસ્તાનીને બાજીરાવ માટે જ રાખી મૂકજે. એના અંગપ્રત્યંગમાં પરિચિત વીરત્વની છાપ છે; એના નયનમાં જાણે અનંત સમય પહેલાંના એકાદ મેળાપનો ગુપ્ત ઇતિહાસ લખાયો છે ! ઓ, બાજીરાવ ! પરવરદિગાર ! બાજીરાવ મારું રસાયન છે; બાજીરાવ મારી આંતરતૃષા છે; બાજીરાવ મારા થાકેલા હૃદયનો એક જ વિશ્રામ છે—આધાર છે! આત્મા ખીલી શકે એવું એ એક જ સ્થાન છે. બાજીરાવ ન હોય તો મસ્તાનીનું જીવન એ પણ મૃત્યુ છે!

⁠અને હવે, ઓ આસમાનના એક જ સિતારા, તું સાક્ષી રહેજે. મસ્તાની આજે પોતાનું જીવન નવી રીતે શરૂ કરે છે ! ઓ પેલા દૂર દેખાતા બાજીરાવના તંબુ, ચાલ, હવે બાજીરાવના વીરત્વને મળવા સૌન્દર્ય અધીર બને છે. મસ્તાની આજે ઘોડેસવાર બનશે. ગોદાવરીનો નિર્મળ જલપ્રવાહ સાક્ષી છે. હું હવે પ્રેમદીવાની છું. મારો એ મૃત્યુલેખ છે; મારા આત્માનો એ અમર સંસ્કાર છે; એને લીધે જ હું મસ્તાની છું!’

( ઘોડેસવાર થઈને જાય છે )


[ ૪ ]

⁠રાણોજી : આ સ્થળ જ સ્ત્રીના સૌંદર્ય જેવું છે ! જ્યાં જુઓ ત્યાં સુંદર નીલી ભૂમિ ! અરે, ક્યાંય કોંકણના પથ્થર થવા છે ?!

​⁠મલ્હારરાવ : કોંકણ તો પરશુરામની પ્રિય ભૂમિ છે!

⁠બાજીરાવ : કોંકણના નિર્મળ ઝરાઓ ! કઠણ શિલાઓ ! અરે, ઔરંગાબાદના હીરા કરતાં એ પથ્થર હંમેશાં વધારે વહાલા લાગ્યા છે ! કોણ જાણે કેમ છે, પણ સતારાની ભૂમિ સંભારતાં નાનપણમાં માતા લાડ લડાવતી તે સાંભરે છે ! દિલ્હીના સિંહાસન ઉપર મરું, કે તાજમહાલની સમક્ષ મરું, એ કરતાં સતારાના પથ્થર પાસે મરું તો મૃત્યુનો આનંદ ઓર આવે ! ઓ રાણોજી ! હું કદાચ ન હોઉં ત્યારે પણ તું સતારાના દરવાજા પાસે મરજે; પૂનાના મેદાનમાં મરજે! મૃત્યુના જેવો બીજો શો આનંદ હોય?’

⁠રાણોજી : પરશુરામાવતારની પૂનાના મેદાન પર એવી જ પ્રીતિ છે !

⁠બાજીરાવ : ‘પૂનાની જમીન પર સૂઉં છું ત્યારે મારી વહાલી માતાનો ખોળો સાંભરે છે ! ચાર વર્ષની વયે પૂનાના મેદાનમાં જે રમત રમ્યો તે રમત માટે બીજે મરવા કરતાં પૂનામાં મરવાનું મન થાય છે ! પૂના ! ઓ પૂના ! તારાં ખંડિયેર થશે ત્યારે બાજીરાવ પૂનાનો પથ્થર હશે તો પણ તો પણ રોઈ પડશે ! મલ્હારરાવ ! સમય અનંત છે. દિલ્હી તૂટે છે, તો ભવિષ્યમાં પૂના પણ કાં ન તૂટે?

⁠મલ્હારરાવ : પૂના તૂટશે ત્યારે હિંદુસ્તાનના મેદાનમાં પણ સ્ત્રીઓના રાસડા જ સંભળાતા હશે !

⁠બાજીરાવ : ક્યાં વાતોએ ચડ્યા ? નિઝામને આજે હરાવ્યો છે ને કાલે શિવાજી મહારાજનો ભગવો ઝૂંડો ઠેઠ અટકની સીમ સુધી ફરકાવવો છે ! ત્યાં સુધી મને આરામ નથી. શિવાજી મહારાજે કર્યું તેના સોમાં ભાગનું પણ ​હજી નથી થયું. બાજીરાવ દિલ્હીનો ડગમગતો રાજમુકુટ પૂનાને ચરણે ધરી શિવાજી મહારાજનું પિતૃશ્રાદ્ધ કરશે !

( પ્રતિહાર પ્રવેશ કરે છે )

⁠પ્રતિહાર : મહારાજ ! કોઈ સવાર મળવા માગે છે.

⁠બાજીરાવ : આવવા દે!

( પુરુષ વેષમાં મસ્તાની પ્રવેશ કરે છે)

⁠મસ્તાની : સેવક મસ્તાનખાન મરાઠી રાજ્યના સિતારા પાસે સ્વામીભક્તિ દર્શાવવાની તક માગે છે.

⁠બાજીરાવ : તમે ક્યાં હતા ?

⁠મસ્તાની : નિઝામ સરકાર પાસે. એ છોડ્યું. આજે આપનું શરણ ઇચ્છું છું.

⁠બાજીરાવ : કારણ ?

⁠મસ્તાની : રાજમંત્ર ગુપ્તમાં હોય એ સ્વામીને ક્યાં ખબર નથી ? ષટકર્ણમંત્ર એ વ્યર્થ રાજ્યનીતિ છે.

[ બાજીરાવ ઊભો થઈ એકાંતમાં જાય છે;
પાછળ મસ્તાની જાય છે. ]

⁠મસ્તાની : શું હોય ! બીજું શું હોય ? આજે બાજીરાવનો ઇતિહાસ બદલાવવો છે.

[ એક પછી એક પુરુષવેષ કાઢી નાખે છે. એમાંથી એનો કૃષ્ણ કેશકલાપ બહાર પડે છે. બાજીરાવ જોઈ રહે છે. મસ્તાનીનું લલિત સૌન્દર્ય ચોમેર પ્રકાશી રહે છે. ]

⁠મસ્તાની : નિઝામના જનાનાની રહેનારી મસ્તાની આજે વીર બાજીરાવ પાસે ભિક્ષા માગે છે !

⁠બાજીરાવ : પણ તમે કોણ ?

​⁠મસ્તાની : ઓ ! હું ? હું તો તારા પ્રેમની પ્યાસી ! હું મસ્તાની; નિઝામની આશ્રિતા છું. વીરત્વની છાપ તારા એક જ ચહેરામાં જોઈ એ ચહેરા પર આશક છું. તારી રોશનીમાં બળનાર પતંગિયું છું. તારા નયનમાં આત્માની જ્યોતિ જોનાર અભ્યાસી છું ! હું દર્દ છું, તું મારી ઔષધિ છે. હું કમળ છું, તું મારો સૂર્ય છે. અરે ! ચાતક કરતાં પણ વધારે પ્યાસી છું. હું તો બાજીરાવની મસ્તાની છું !

⁠બાજીરાવ : અરે ! આ શું ? મસ્તાની ! તું તો ઘેલી છે? હું કોણ ? તું કોણ ? આ શું ? ઘેલી નહિં તો ?

⁠મસ્તાની : ( પાસે જઈને ) ઘેલી નથી, મસ્તાની તો દીવાની છે. તમને જોતાં હજારો વર્ષનો પરિચિત સહવાસ લાગે છે. અરે ! તારી પાસે અંતરના બંધ તૂટે છે; રસાયન વહે છે; નસનસમાં આંતર તૃષાના શોષ પડે છે ! તારો અવાજ સાંભળતાં, જાણે તું મારા જીવનને બોલાવતો હોય તેવું લાગે છે ! તારું નયન અનંત સમયના અંધકારમાંથી ડોકિયું કહાડી આત્માને સાદ કરે છે ! હું શું કરું? (ખભાપર હાથ મૂકે છે) આ તારો સ્પર્શ અનેક નિદ્રાના પડમાંથી રસનો છલકતો પ્રવાહ વહેવરાવે છે! અરે ! તારા હાથ ન અડે ત્યાં સુધી આ આસમાની છાંટના બાલની સુરખી ઝાંખી લાગે છે ! તારો ચહેરો સુરેખ છે; એથી વધારે લાલિત્ય તારાં અંગપ્રત્યંગમાં છે. પણ લાલિત્યનો પ્રવાહ તો તારા આ ભેદી નયનમાંથી આવે છે! ( ફરી ખભા પર હાથ મૂકે છે ) બોલ, બોલ ! પ્રિયતમ ! મસ્તાનીના સૌન્દર્યને તારું જીવતું સૌન્દર્ય મળી શકે ?

⁠બાજીરાવ : અરે... મસ્તાની ! કાં બ્રહ્માવર્તના રમ્ય ​પ્રદેશનો હું શુદ્ધ બ્રાહ્મણ અને ક્યાં તું ? બ્રાહ્મણ શું સ્થિતિભ્રષ્ટ થશે? હું યોદ્ધો છું, પણ મને સૌથી વધારે પ્રિય વિશેષણ તો ‘બ્રાહ્મણ’ છે ! બાજીરાવના જીવનનો આખો ઇતિહાસ તપાસી એને વીર પુરુષ કહેવાની ના પાડનારા એને એક અદ્‌ભુત બ્રાહ્મણ કહેવા તૈયાર છે ! અને વિલાસ ? એ તો દિલ્હીના સમ્રાટ પાસે; નિઝામ પાસે; શાહૂ મહારાજ પાસે ! બાજીરાવ પાસે તો કર્તવ્યની આદર્શમૂર્તિ બ્રાહ્મણ છે ! ગોદાવરીના રમ્ય તટમાં વર્ષો પહેલાં સીતાનાં આભૂષણ વેરાયાં ત્યાર પછી આ પ્રદેશના મનહર સ્થાનમાં સ્ત્રીઓ સાથે નિઝામની સવારી ફરી છે ! આજે શુદ્ધ કાળિયાર નિઃશંક વિચર્યા કરે એવો સુંદર ‘બ્રહ્માવર્ત’ પ્રદેશ કરવા બાજીરાવ નીકળ્યો છે. મસ્તાની ! હું શુદ્ધ બ્રાહ્મણ તારા સ્પર્શને પણ જીવતું મૃત્યુ સમજું છું ! મારા સ્વયંશુદ્ધ દેહમાં એ સ્પર્શ શોભે નહિ ! શિવાજીનો ભગવો ઝૂંડો ફરકાવનાર આટલો સ્થિતિભ્રષ્ટ હોય નહિ ! હું મસ્તાનીનો સ્પર્શ કરું એના ઉપર તો આખા ભારતવર્ષનું ભાવિ લટકે છે ! અસાધારણ જવાબદારીવાળો મનુષ્ય સાધારણ માણસ જેવો વિલાસ કરી શકે નહિ ! અટકપર ભગવો ઝૂંડો ફરકાવનાર મસ્તાની પાસે નમ્યો એનાથી વધારે ભયંકર ઇતિહાસ શો હોય ? રાણોજી મલ્હારરાવ જેની પાછળ ચાલ્યા તે મસ્તાની પાસે રમ્યો એનાથી વધારે મોટું કલંક શું? નહિ, ઓ મસ્તાની, નહિ ! બાજીરાવનું જીવન જુદા જ વાતાવરણનું છે!

⁠મસ્તાની : અને રે પ્રિય ! બોલ, બોલ, બધા વાતાવરણોનો આ સરવાળો નથી ? તારા શુદ્ધ બ્રાહ્મણદેહને ​સ્નેહ પણ સ્પર્શ ન કરી શકે એટલો બધો એ રસવિહીન છે ? અરે ! દેહ તો સ્નેહના સ્પર્શથી વર્ણાંતર પામે છે. જન્મથી શુદ્ધ મછીકન્યાનો પારાશર સાથેનો પ્રસંગ, ઓ અદ્‌ભુત બ્રાહ્મણ, તને યાદ છે ? દેહ જ્યારે સ્નેહના ખરા તાપમાં તપે છે, ત્યારે આત્મા વિકાસક્રમમાં આગળ વધે છે. પછી દેહ રૂપાંતર પામે છે ! સ્નેહના બલથી રૂપાંતર પામેલી હું પણ બ્રાહ્મણકન્યા છું ! પછી શું ? અરે, માત્ર આ નામ ન હોય ! તું જોઈ શકશે કે સ્નેહનો તાપ શુદ્ધ રજપૂત અને બ્રાહ્મણકન્યા જેટલો જ દિવ્ય છે ! વીર પુરુષ ! તેં કહ્યું હું યવન છું, ત્યારે તો બાજીરાવને સમશેરનું જ જીવન છે ? અદ્‌ભુત જીવન નથી ? બાજીરાવનું રસજીવન શું આટલું સંકુચિત છે ?

⁠બાજીરાવ : બાજીરાવની સમશેર એના બ્રાહ્મણપદના અભિમાન રૂપે છે. મારું રસજીવન એ આત્માના અનંત સંસ્કારમાં સાધનરૂપ છે; અનંત સંસ્કારને ફેરવવા માટે નહિ. રસજીવન એ મારા આત્માનો વૈભવ છે; આત્માને જ ફેરવનાર કોઈ સ્થિતિ નથી.

⁠મસ્તાની : અને રે ! આ આત્મામાં જ દૃઢ છાપરૂપે રહે એવી મસ્તાનીની રસકથા બાજીરાવના અનંત સંસ્કારને ફેરવશે ! અરે, રસસવૈભવ એ પણ આત્માની જ સુંદરતા છે ! આ રસજીવન એ આત્માની જ કલા છે ! એ કલામાં—એ સૌન્દર્યમાં તમામ ભેદ નાશ પામે છે ! નહિ કે એ ભેદ આવશ્યક નથી, પણ મેનકા અને વિશ્વામિત્રની ભૂલ ભારતવર્ષના ધર્મપિતાની મા થવા યોગ્ય મનાઈ છે ! અસાધારણ મનુષ્યની સુંદર ભૂલ એટલે શકુન્તલા નહિ ? બાજીરાવ આવી ​ભૂલ ન કરે ? સુંદર ભૂલ કરવી, એ પણ જીવનની એક કલા છે !

⁠બાજીરાવ : તારા શબ્દ લલચાવનારા છે; એથી વધારે લલચાવનારું તારું સ્વરૂપ છે ! પણ રે મસ્તાની ! બાજીરાવ જીવનમાં ભૂલ કરે એવો ઇતિહાસ તો મરાઠા રાજ્યનું કલંક થાય ! અને પૂનાનો પેશ્વા કલંકરૂપે ઇતિહાસમાં જીવવા કરતાં તો અજાણ્યા રૂપે મરવાનું વધારે પસંદ કરે !

⁠મસ્તાની : રે, પ્રિય બાજીરાવ ! મારું યૌવન તને લલચાવે તો એ મસ્તાનીનો વેશ્યા તરીકેનો વિજય છે; અને પેશ્વાની અધમ પુરુષ જેવી હાર છે ! પણ તને લલચાવનાર સંબંધ, ઓ પ્રિય, તું ન કળે તેવો આપણા આત્માના બંધનનો છે ! તને જોતાં, ન સમજી શકાય તેટલો ઇતિહાસ ખુલ્લો થાય છે; ન વાંચી શકાય એટલા ભાવ જન્મે છે; ન કળી શકાય એટલી લાગણી થાય છે ! બાજીરાવ મસ્તાનીને નહિ સ્વીકારે તો મસ્તાનીની કબર પર ફૂલ વેરશે, જીવતાં ન સ્વીકારી તેને મરતાં પૂજશે; જીવતાં ન જોઈ તેને મરતાં રડશે ! બાજીરાવ સમજશે કે અટક પાસે ઊડનાર ભગવા ઝૂંડામાં મસ્તાનીના ભરતકામની જરૂર હતી !

⁠બાજીરાવ : ઓ ! બાજીરાવ મસ્તાનીને ઓળખે છે, સમજે છે, પૂજે છે; પણ એના સ્પર્શથી ધ્રૂજે છે !

⁠મસ્તાની : કારણકે હંમેશાં સ્નેહના સ્પર્શની ધ્રૂજારીથી જ હૃદય વ્યક્ત થાય છે; હૃદય પછી આત્મા આવે છે. એ ધ્રૂજારી બ્રાહ્મણત્વના અભિમાનની ન હોય !

⁠બાજીરાવ : તો પણ બાજીરાવનો નિશ્ચય અડગ છે!

⁠મસ્તાની : તો રે, એ પ્રિયતમ ! તારા કોકણના ​અસહ્ય તાપમાં તપતા શરીર પર એક વાદળી છાયા કરશે: તારા જંગલેજંગલ રખડતા જીવનમાં મસ્તાની શબ્દ ફૂંકશે; થાકેલી ભમતી આંખ સામે મૂર્તિ રૂપે તરશે. તારા અંગેઅંગ પર ચોંટેલું હૃદય પાછું વળે તે પહેલાં મસ્તાની પોતાના આત્માના સૂક્ષ્મ સ્વરૂપે તારી આસપાસ ફરતી હશે ! આ જીવનમાં નહિ તો હજાર જીવનમાં, પણ મસ્તાની હવે તો બાજીરાવ પાછળ દોડવાની શરતમાં ઊતરી છે !’

⁠બાજીરાવ : ‘મસ્તાની ! આ દુરાગ્રહ શા માટે? બાજીરાવ એક સ્ત્રીથી જિતાયો એવું પાનું એના ઇતિહાસમાં ન શોભે ! હું માત્ર નિઝામને જીતનાર યોદ્ધો નથી; શાહૂ મહારાજની આજ્ઞા ઉઠાવનાર સામંત નથી; રાજદ્વારી ભેદનું પૃથ્થકરણ કરનાર શુષ્ક રાજદ્વારી પુરુષ નથી; હું તો મનને જીતનાર બ્રાહ્મણ પણ છું. મારું એ જ ખરું અભિમાન છે. હું અંતરના અવાજને માન આપનાર સેવક છું; મનનું પૃથક્કરણ કરનાર રસમય પંડિત છું ! તું મસ્તાની, રસથી પ્રેરિત હો, આત્માના અખંડ પ્રવાહથી ધકેલાતી હો, કે કોઈ રાજદ્વારી કુનેહ રૂપ હો, પણ બાજીરાવને કંચન કરતાં કામિનીનો વિવેક વધારે પ્રિય છે ! તારામાં શકુંતલા જેવું મનોરમ સ્વરૂપ છે; એ સ્વરૂપને હું પવિત્ર સમજું છું. પણ તારા એ પવિત્ર સ્વરૂપને સ્પર્શ નહિ કરું ! બાજીરાવના તંબુમાંથી સૌંદર્યપૂર્ણ પ્રતિમા અખંડ નિષ્કલંક કૌમાર્ય જાળવી બહાર નીકળે, એ ઇતિહાસ મને પોતાને જ શ્રદ્ધાપૂર્વક વાંચવાનું મન થાય તેવો છે! તારી દર્દમય ગઝલનો આ ઉત્તર છે; રસજીવનનો આ પ્રતિધ્વનિ છે; આત્માની કલાનો આ વિકાસ છે !

​⁠મસ્તાની : રે, સ્નેહના સૂક્ષ્મતત્ત્વના અભ્યાસી ! જ્યારે આત્મા સ્નેહના વાતાવરણના પ્રવાહમાં હોય છે ત્યારે રાજદ્વારી કુનેહ તારા અંતઃકરણમાં ઘડીભર પણ વાસ કરે છે ? મારા દર્દની ગઝલ તું ધારે છે તેટલી જ નથી. મારા જીવનનું તું એક જ કેન્દ્ર છે. તું ન હો—તું ન સ્વીકારે—પછી મારે કૌમાર્ય જેવું કાંઈ નથી. હું યવન છું, પણ તારા વીરત્વ માટે ભગવા ઝૂંડાને અટકની પાર રાખનારી ! તારા મનને જીતવાનો આ પ્રસંગ નથી. હૃદયને વૈભવ બુદ્ધિની બહાર છે ! હૃદયના વૈભવનું એક જ નિવાસસ્થાન આત્મા છે! રે પ્રિય ! મસ્તાની આત્માના બળથી ધકેલાતી આવી છે. તું જ મારું ચૈતન્ય છે, આત્માનો પ્રકાશ છે, રસ અને રસાયન છે. તું સારું શું નથી ? રસ્તે રસ્તે તારા માટે ફૂલ વેરું, તારા સારંગની રજેરજ પૂજું, અરે, તારા માટે શરીરના ટુકડેટુકડા કરી ફેંકી દઉં, પણ તને આ જિંદગીમાં –આવતી જિંદગીમાં–હજાર જિંદગીમાં—પણ એક વખત ચોક્કસ મળવાની ! હું મારા આત્માને શી રીતે છોડું? સંગીતમાંથી લાગણી શી રીતે દૂર થાય ? ફૂલમાંથી સુગંધ કેમ છૂટી પડે ? બાજીરાવ ! ઓ પ્રિય બાજીરાવ ! તું નહિ મળે તો તારી પ્રતિમા ઘડીશ, તું નહિ મળે તો નદીના કાંઠે રેતીરેતીમાં તારું નામ લખીશ, પણ તને હવે છોડું તે આત્મહત્યા છે ! તું જ મારું જીવન છે !

⁠બાજીરાવ : મસ્તાની, કોને ખબર છે તું ભૂલતી નહિ હોય ? બાજીરાવમાં શું છે?

⁠મસ્તાની : ‘બાજીરાવ મારા જીવનપ્રવાહનો અખૂટ ઝરો છે, મારા આત્માનું પ્રતિબિંબ છે, મારા સંગીતનો અસલ ​અવાજ છે.

⁠બાજીરાવ : આ સ્નેહનો પ્રશ્ન છે. એમાં ન્યાય ત્રીજા હાથથી જ શોભે. રાણોજી !

( રાણોજી હાજર થાય છે )

⁠બાજીરાવ : આ ચાકરી શોધનાર યુવાન !

⁠રાણોજી : [ ગંભીરતાથી ] સ્નેહનું આ કંઈ પ્રથમ જ તોફાન નથી !

⁠મસ્તાની : રાણોજી સિંધિયા ન્યાય્ય કહેજો. આ સ્નેહનું પ્રથમ તોફાન નથી ! અને આ નિર્દોષ તોફાન આત્માનો વૈભવ નથી ? મહારાજ ! પ્રજામાંથી રસજીવનનો નાશ થશે ત્યારે યાદ રાખજો કે બાજીરાવ અને શિવાજી પણ સ્વપ્નાં થશે ! ન્યાય આપો ! મસ્તાનીનું આ કાર્ય એ પણ પેશ્વા ઇતિહાસનું એક જ્વલંત ચિહ્ન નથી ?

⁠રાણોજી : પેશ્વાના વીરત્વ પાછળ સૌન્દર્ય હંમેશાં રખડ્યું છે ! સૌન્દર્યને સાચવનાર એ એક જ સ્થાન છે! પેશ્વા સરકારનો આ ઇતિહાસ નિષ્કલંક ગણાશે. મલ્હારરાવ !

( મલ્હારરાવ આવે છે)

⁠રાણોજી : મલ્હારરાવ ! આ વીરત્વની પાછળ સૌન્દર્ય ભમે છે એ ઉત્તમ દૃશ્ય જો !

⁠મલ્હારરાવ : વીરત્વ અને સૌન્દર્યનો વિરલ યોગ એટલે જ પ્રજાજીવનમાં નવા ચૈતન્યનો પ્રારંભ. આવા યોગનું ફલ પ્રજાજીવનનો ઇતિહાસ ઘડે છે. મહારાજ ! શ્રીમંત પેશ્વા સરકારના જીવનનું આ સ્મરણ વર્ષો પછી રસજીવનનો વૈભવ દર્શાવશે: આત્માની સુંદરતા પ્રકટ કરશે.

⁠બાજીરાવ : ત્યારે તમને આ યોગ ખૂંચતો નથી ?

​⁠મસ્તાની : આવો વિરલ યોગ ખૂંચશે ત્યારે શિવાજી મહારાજની ભૂમિ નીચે ઊતરશે. પરમ પ્રિય ! આ આત્માની અમર સુંદરતા આજે સ્નેહરૂપે પ્રગટ થાય છે!

⁠બાજીરાવ : બાજીરાવે હમેશાં સ્નેહનો વિજય સ્વીકાર્યો છે.

( રાણોજી અને મલ્હારરાવ બહાર જાય છે )

⁠મસ્તાની : આજે આત્માને કોઈ ઊંચે લેતું હોય તેમ જણાય છે; અને કોઈ સૌન્દર્યમાં નીતિતત્ત્વ પૂરતું હોય તેમ લાગે છે; આજે હવે પ્રકાશમાં પ્રવેશ થતો દેખાય છે ! ઓ ! બાજીરાવે આ જીવનમાં પ્રકાશ આપ્યો !


  1. ↑ * ઈ. સ. ૧૯૨૨ માં લખેલી આ સંવાદવાર્તા આંહીં સંઘરી લીધી છે. એમાં ફેરફાર નજીવો જ કર્યો છે.