આકાશદીપ/વાર્તા વિનાની વાર્તા
| ← જન્મ પત્રિકા | આકાશદીપ વાર્તા વિનાની વાર્તા ધૂમકેતુ |
શિવુભા → |
વાર્તા વિનાની વાર્તા
[એક અનૈતિહાસિક અનુભવનો કલ્પનારંગી પરિચય]
આ વાર્તાસંગ્રહમાં આ એક વાર્તા નથી. એ નવલિકા નથી. પ્રસંગચિત્ર કે રેખાંકન નથી. લાંબી વાર્તા નથી. ટૂચકો નથી. કોઈ બાબતનું વર્ણન નથી. ક્યાંય સાંભળેલી કથની નથી, એ શું છે એની મને પોતાને ખબર નથી. અને એ શું છે એ જાણવાની તમારે તો જરૂર પણ નથી. હવે પછીની એક બે વાર્તાની જાણે કે પ્રવેશિકા છે.
એક વખતની આ વાત છે.
એ સમયે થોકડાબંધ વાર્તાઓ હું લખતો અને છેક ટપાલ ઑફિસ સુધી જાતે જ ટપાલમાં નાખવા જતો. જવાબ માટે ટિકિટો પણ સાથે બીડતો. પણ ત્રીજે કે ચોથે દિવસે વાર્તાઓનો ઢગલેઢગલો તંત્રીઓ મને પાછો મોકલી દેતા. કોઈને વાર્તા જોઈતી જ નહોતી ને ! એ સમય હું સંભારી રહ્યો હતો !
આજ સવારે હું વહેલો ફરવા નીકળ્યો, ત્યારે એવા મનોવ્યાપારની અવસ્થામાં, હું ઝપાટાબંધ મારે રસ્તે જતો હતો. અચાનક શિવુભા ગોર જેવું કોઇક દેખાણું. એ શિવુભાને હું નાનપણમાં ઓળખું.
અને શિવુભાનો અવાજ પણ સંભળાયો: ‘અરે! ભાઈ ! તમે મને તમે કહી રાખ્યું’તું ને કે, હું તને ક્યાંક ને ક્યાંક લઇ લેશ, પણ હજી સુધી કોઈને હું તે મને જ લટકાવી રાખ્યો છે?’
આંખો ચોળીને હું આ દિવાસ્વપ્નની માયા છે કે શું? એમ નક્કી કરવા થોભું છું, ત્યાં તો કોઈક બીજો માણસ દેખાણો: ‘કેમ મહારાજ ! ઓળખો છો? આપણે તો દીમાં દસ વખત મળતા ! હું નરસી બકાલ ! તમે મને ય ક્યાં લીધો છે?’
‘અને હું ? હું તો તમારા હિસાબમાં જ હવે નથી રહી કાં ? મારી પાછળ તમે ફર્યા કરતા’તા એ ભૂલી ગયા? હું રાણી!’
’આહા ! રાણી ! તું હમણાં ક્યાં છે?’
પણ રાણીના જવાબને બદલે એક નવો જ ચહેરો દેખાયો:
‘તમે મને દીઠો નથી, પણ મારી એક કામગીરીનો કટકો મદ્રાસી મહેલમાં જોયો છે એ તમને યાદ છે નાં? હું પાટણનો. પટોળાની છેલ્લી છેલ્લી અદ્ભુત નકશી કરવાવાળો. તે પછી હવે નકશીની એ વિશિષ્ટતા અલોપ થઈ ગઈ છે ! હું પોતે પણ હવે ભૂલી ગયો છું. શું કરું? એમાંથી શેર ખીચડી મળતી હોત, તો હું મારા બાપ-દાદાના સમયની સાત સાત પેઢીથી આવતી વસ્તુને કાંઇ એમ જાવા દેત? પણ શેર ખીચડીના પણ, પાટણના પ્રખ્યાત પટોળામાં વાંધા પડ્યા ! હવે તો હું બેંકમાં પટાવાળો છું. મારું પણ કાંઇક લખો ને ! ભાઈ સાહેબ!’
‘અને હું? મારું તમે ક્યારે આપવાના છો? ઇ. સ. ૧૯૨૪ની સાલથી હું તમારી પાછળ ભટકું છું એ તમને ખબર છે ? તે પછી તો તમે દિલ્હી—આગ્રા પણ જોઈ લીધાં ! હવે મને ક્યારે આલેખવાના છો ? હું તો ભારતની ભાગ્યવિધાતા, પૃથ્વીરાજની પ્રેયસી, સંયુક્તા, તમે મને પણ લટકાવો? સાતમા યુગમાં ફરતા ફરતા તમે ભોળા ભીમદેવ સુધી આવો ત્યાં સુધી મારે લટક્યા જ કરવું એમ ?’
‘અને મારું શું? તમે મારી નોંધ કરી છે એ તમને ખબર છે? અકબરી જમાનાનો દસવંત ચિતારો– એ હું– ! હું છું તે ભીસ્તીનો છોકરો, પણ તમે મને આજ દિવસ સુધી પૂરી રાખ્યો છે તેનું શું? કાં મને આલેખો—નહિ તો છુટ્ટો કરો!’
’આ બધા તો ઠીક, તમારા જૂના દોસ્તો છે, પણ હમણાં હમણાં તમે મને સિંધની રેતરણના ખાડામાંથી ખાંખાંખોળાં કરીને ગાતી કાઢ્યો છે—પહેલો મને જ પ્રગટ કરો ને ! હું સોમનાથના પૂજારીનો છોકરો ! મારું કોઈ નામ જ મળે નહિ, પણ મેં લીધેલું વેર તો ગર્જનકના દરવાજા સુધી પાછળ પડ્યું હતું એ ખબર છે? આ તમારો જમાનો પણ મને જ પહેલો માગે છે ! મને— સોમનાથના પૂજારીના છોકરાને!’
‘અને હું—હું તમારી પણ, પ્રિયમાં પ્રિય નારીમૂર્તિ મૂર્તિ—આમ્રપાલી! મારું શું? મને લટકાવી રાખીને ચૌલાને પ્રગટાવી એ ન્યાય ક્યાંનો?’
કોઈને જવાબ આપવાનો મારો પ્રયાસ જ નિષ્ફળ હતો. કોઈ કંઈ સાંભળે તેમ હતું જ નહિ! એક પછી એક અવાજ મારે જ અનુભવવાના હતા.
‘અઢારસો સત્તાવનના વસંતને ભૂલી જઈને તમે આવા નારીમોહમાં પડશો એ મને ખબર હોત તો હું તમારી પાસે આવત જ નહિ ને!’
‘અરે! પણ, પ્રિયજનો! હું તમને સૌને યથાશક્તિ...’
મારી બોલી તો અધૂરી જ પડી રહી.
‘એ બધું ઠીક, પણ રૂદ્રમહાલયના ભવ્યસ્વપ્નનો સર્જક હું — જે સર્વશ્રેષ્ઠ ગુજરાતી — જયસિંહદેવ સિદ્ધરાજ! હું પણ રાહ જોતો ઊભો રહું એ ન્યાય ક્યાંનો? મારા વિના તો ગુજરાતનું ભવ્ય સ્વપ્ન—’
‘અરે! મહારાજ! મહારાજ!...’ મેં બે હાથ જોડ્યા, પણ ત્યાં તો બીજા અવાજ ઊઠ્યા.
‘જુઓ, આ તમારી ઇતિહાસકથાઓમાં અમને ભૂલતા નહિ, અમને ગુજરાતણોને! મંજુલાને, મુક્તાને, મોહિનીને, મંજુકેશીને, સુકેશીને, સુહાસિનીને અને બીજી અનેકને. અમને ભૂલશો તો અમે તમને ભૂલી જઈશું. નારી વિનાની નવલકથાનો જન્મ જ ક્યાં છે? એક તો સરજાવો અમારા વિના! નવલિકા કદાચ અમારા વિનાની હોઈ શકે પણ નવલકથાપ્રયોગ કરી જુઓને! ખબર પડે! જાણે લૂણ વિનાની રસોઈ જ તો!
‘અરે! દેવીઓ પાહિમામ્! પાહિમામ્! તમારા વિનાનો સંસાર સરજવાની, ખુદ બ્રહ્મદેવ જેવાની હિંમત ચાલી નથી તો હું કોણ? મંજુલાઓ, મુક્તાઓ, મોહિનીઓ, હું તમને કોઇને ભૂલું તેમ નથી. તમે છો તો ગુજરાત છે, અને નવલકથાઓ પણ છે. પણ હું શું કરું? મને જરાક શ્વાસ લેવાનો વખત...’
‘પણ...’ કાન પાસે રણકો સંભળાતાં હું બોલતો જ બંધ થઈ ગયો:
‘એ મંજુલા—ફંજુલામાં મને ભૂલતા નહિ હો! હું રૂખડી. હું નીચલા થરની. તમને પહેલી કીર્તિ અમારા જેવાં પાસેથી મળી છે એ ખબર છે ના? રૂખડી ભૂતડી ને ચોથડીમાંથી. અને તમે ભૂલો તોપણ અમે હવે તમને રેઢા મેલીએ તેમ નથી. તમારે તો તરત દોટ દેવી છે વૈશાલીમાં! પણ પેલાં આ ગેમલપર ને સરવરિયું ને ખડિયું ને ચીભડિયાં, થોરડી ને ભાંડેર એવું એવું સંભારો!’
પણ હવે તો મને જવાબ દેવાનો જ સમય રહ્યો નહિ. એક પછી એક, ઇતિહાસમાંથી, કલ્પનામાંથી, પરિચયમાંથી, પ્રસંગોમાંથી, નોંધપોથીઓમાંથી, વર્તમાનપત્રની કાપલીઓમાંથી, મુસાફરીના મિત્રોમાંથી, એક પછી એક વ્યક્તિ ઊભી જ થવા માંડી:
‘અને હું...’
‘અને હું...’
‘મને—પહેલાં મને!’
‘પહેલો તો હું જ...’
એવા એવા સ્વરોથી આખું આકાશ છવાઇ ગયું.
‘સજ્જનો અને સન્નારીઓ...’ મેં બોલવા પ્રયત્ન કર્યો.
‘અરે! આ કાંઈ પરિષદ નથી. અહીં તો અમે છીએ, તમારા વર્ષોના મિત્રો, સ્વજનો જેવા — આંહીં કોઈ સજ્જન પણ નથી, ને સન્નારી પણ નથી. અહીં તો છે આ ખાંટ રાધવો, અલીડો પિંજારો, રાણકી કોળણ, બકાલ નરછીં...’
‘પણ હું એક તમારી પરિષદ જ ભરવા માંગું છું. મારે તમને બે બોલ કહેવા છે. ને તમારા બે બોલ સાંભળવા છે. મારે તમને કેટલાંકને સરજવાં? તમે હવે થોડાંક બીજે સીધાવો.’
‘એટલે? આટલાં વર્ષે? બીજે જવાનું એમ? એ ખરેખર બને! બીજા ઘણાએ મને બનાવી છે. કેટલાકે મને ઓળખી નથી. અને કેટલાકને મેં ઓળખ્યા નથી. એનું શું? મારે પ્રગટ થવું છે!’ સંયુક્તાએ કહ્યું.
‘અને હું પણ નહિ. અને ઘડનારાઓએ મને જાણે એક રીસાળ નમાલો છોકરો ઘડ્યો છે! કેમ જાણે હું દોઢ ગામનો ગરાસિયો હોઉં ને કામદાર ભણાવે એટલું જ ભણતો હોઉં! મારું અવંતીનાથનું બિરુદ હવે લજવાય છે!’ મહારાજ જયસિંહદેવ સિદ્ધરાજે કહ્યું.
‘અને હું? હું હવે બીજે જાઉં? મારે તો તમે મને ‘આત્માનાં આંસુ’માં જે સજીવનતા આપી હતી એ પ્રાણહવા તમારી પાસેથી જોઈએ છીએ!’ આમ્રપાલીએ કહ્યું.
‘અને અમારે પણ...’ રૂખડીએ કહ્યું.
‘અને અમારે પણ...’ શિવુભાગોર્ બોલ્યો.
‘પણ હું તમને બધાને...’
‘તમે જ લખ્યું છે ને’ રૂદ્રશરણે કહ્યું, ‘બાલ્ઝાકની સૃષ્ટિમાં એ હજાર પાત્રો હતાં...!’
‘પણ એ બાલ્ઝાક હતો; હું તો બ્રાહ્મણ; એવી વાતો આંહીં ગુજરાતમાં તમારે ન કરવી. આંહીં તો આ તમને બોલાવ્યાં છે, એ પણ એક અંગ્રેજી લખાણને આધારે, એનું શું? તે પહેલાં મુનશીએ તમને બોલાવ્યાં હતાં એ પણ ત્યાંથી જ, જ્યાંથી આ હું ઉપાડી આવ્યો. એક લેખકે, નવલકથાના પાંચ-છ પાત્રો, કોઈ લેખકની શોધમાં પડ્યાં છે, એવું એવું લખ્યું છે, એને પણ આધાર મળી ગયો. આમાં બાલ્ઝાકનાં બે હજાર પાત્રો તો ક્યાંથી ઊભાં થાય બોલો જોઉં ? પણ હવે તમે સૌ એમ કરો — પહેલાં આ ઉતાવળિયાં ક્યારનાં રાહ જુએ છે નાનકડાં, એમને આવી જવા દ્યો. પછી પાછો તમારો વારો... આ શિવુભા ગોર બિચારા ઉતાવળા થાય છે. એને બીક છે કે રહ્યો એક નાનકડા ગામના પંતુજી, તે ક્યાંક ઠેબે ચડી જાશે. પહેલાં એની વાત આપણે સૌ સાંભળીએ. બોલો તો શિવુભા, તમારી વાત ઉપાડો.’