લખાણ પર જાઓ

આકાશદીપ/શાપિત રાજલક્ષ્મી

વિકિસ્રોતમાંથી
આકાશદીપ
શાપિત રાજલક્ષ્મી
ધૂમકેતુ
અજાણ્યો મનુષ્ય →


​

શાપિત રાજલક્ષ્મી

જૂનાં ફર્નિચરનો વેપારી ગોવિંદરામ અમારી સામે રહેતો. મેલું ધોતિયું, ટૂંકી બાંયનું ગંજી-ફ્રાક અને કાળી ટોપી પહેરીને તે આખો દિવસ ઓટલે બેઠો જ હોય. ઘણું કરીને એનો વેપાર નહિ જેવો ચાલતો. કારણ કે ગોવિંદરામ માત્ર ‘ચીજ’ સંઘરતો. ‘સાહેબ ! ચીજ છે હો’ — એવી રીતે જ એને બોલવાની ટેવ હતી. પરંતુ ખુરશી, કૉચ, બારણાં, જાળી, ગાલીચા, હીંચકા સધળી જ વસ્તુઓ એની સામાન્ય ભાષા પ્રમાણે ‘ચીજ’માં ગણાતી. અને તેથી તેની કિંમત પણ આકરી પડતી. પરંતુ કયારેક – અને તે પણ જે જોઈ શકે તેને માટે જ – એ જરાક સાદું, દિલગીરી ભરેલું હસીને પોતાના હૃદયની સાચેસાચી ભાષા વાપરતો. ત્યારે એ ફર્નિચરનો વેપારી મટી જતો, ‘ચીજ’ કહીને આકરી કિંમત લેનારો વાણિયો પણ મટી જતો, અને એને બદલે જૂની જાહોજલાલીના અવશેષને નિહાળનારો કવિજન થઈ જતો. ઇતિહાસ–પ્રવાહનો જાણે છેલ્લો સાક્ષી હોય એવો, એ ખરેખર ભૂતકાળનો આદમી બની રહેતો. એક વખત સાચી કાશ્મીરી શાલ મેં એની પાસે ​જોઈ ત્યારે એના મોંમાં એવી ભાષા આવી ગઈ હતી: ‘આ ચીજ વેચવાની છે જ નહિ, પણ તમે પૂછ્યું એટલે કહું છું. એ શાલ છે, સાહેબ ! મલ્હારરાવ ગાયકવાડની. પદભ્રષ્ટ થયાની આગલી રાતે એમણે એ ઓઢી હતી. એ શાલ એક જ વખત વપરાઈ છે ! એ વેચવાની છે જ નહિ!’

⁠ગોવિંદરામના ‘ફર્નિચર’નો વેપાર તો એવો જ ચાલતો. સીસમ ઉપર કાશ્મીરી કારીગરીવાળાં ટેબલ ખુરશી કોઈ શોખીન લઈ જાય ત્યારે વળી બે પૈસા રળે; બાકી તો એની કિંમત આકરી પડતી એટલે મહિને-બે મહિને કોઈ સારું ઘરાક આવી ચડે ત્યારે ગોવિંદરામને તડાકો પડી જતો.

⁠પણ એ ઉપરાંત ગોવિંદરામ દુકાનના આગલા ભાગમાં લોટની ચક્કી પણ રાખતો, અને એ કામ માટે આખો દિવસ એને ત્યાં ધમાલ જામી જ રહેતી.

⁠મારા છોકરા સુબંધુ સાથે ગોવિંદરામને મૈત્રી હતી. એ મૈત્રીનું કારણ તો હું પણ કળી શક્યો નથી, પણ ગોવિંદરામના કાંઈક એકલા લાગતા જીવનમાં, સુબંધુએ સ્થાન મેળવી લીધું હતું. સુબંધુ નિશાળે જાય ત્યારે ગોવિંદરામની દુકાન પાસે થઈને કાંઈક તોફાન કર્યા વિના જાય જ નહિ ને! તોફાન કર્યા વિના જાય, તો તે દિવસે એણે છેલ્લો નંબર પૂરાવ્યો હોય, ને પાંચ વાગે પાછો ફરતાં તોફાન કરે ત્યારે જ જંપે. સુબંધુને તરતાં ગોવિંદરામે શિખવાડેલું. સુબંધુ માટે તેણે બહુ જૂના વખતની પણ ઊંચી કારીગરીવાળી એક ‘ફ્રેઈમ’ આપેલી. એ ‘ફ્રેઈમ’ વેચવાની એણે ચોખ્ખી ના પાડી હતી. મીઠાઈ ગમે તે પ્રકારની લાવ્યો હોય, પોતે જાતે આવીને સુબંધુને ભાગ આપે, પછી જ એ ખાય. એના આ હેતમાં કાંઈપણ હેતુ ​ન હતો. કેવળ પ્રેમની ખાતર જ પ્રેમ હતો. સુબંધુની હજારો ખાનગી નાની નાની વાતો — જે ઘણું કરીને બાળકો માબાપને કહેતાં જ નથી — એવી વાત ગોવિંદરામ પાસે પહોંચી ગઈ હોય.

⁠એ મૈત્રીનું એક ફળ એ થયું કે હું પોતે સમજું તેના કરતાં સુબંધુ જૂની ચીજોના વાતાવરણમાં વધુ સમજી શકતો. એ બોલીને દેખાડી શકતો નહિ, પણ મૂંગી વાણી મારફત એનો અનુભવ કરી શકતો. એટલું જ નહિ પણ ઘણી વખત તો સાચી અને નકલી વસ્તુઓ જોતાં વેંત જ જુદી પાડી દેતો. ગોવિંદરામ એ વખતે બોલતો નહિ, પણ એના ચહેરા ઉપરથી સ્પષ્ટ સમજી શકાય કે એ સુબંધુને પોતાની પ્રણાલિકાનો આદર્શ માનીને ઊંડો સંતોષ અનુભવી રહ્યો હતો. એ જાણે કહેતો હોય કે ‘આ છોકરો કોઈ ભવિષ્ય અને ભૂતકાળને જોડનાર છેલ્લો સાક્ષી બનશે ! પછી આવી ચીજો કોઈ સંઘરશે નહિ, કોઈ રાખશે નહિ, કોઈ એના પર થૂંકશે પણ નહિ !’

⁠એક વખત ગોવિંદરામને કોણ જાણે શું ભૂત ભરાયું, તે મારી પાસે આવ્યો.

⁠ખાસ્સા ઇંગ્લિશ બનાવટના સુંદર કૉચ ઉપર બેસીને હું તો મજેની લિપ્ટનની ચા પીતો હતો, ત્યાં ગોવિંદરામ આવી પહોંચ્યો.

⁠‘કેમ આવો છો?’

⁠ગોવિંદરામની વાત કરવાની રીત આવી અદ્ધરની જ હતી. અદ્ધરથી જ ઉપાડવાનો: ‘કાં, જોયું?’ આપણે આશ્ચર્ય પામીએ કે ‘શું, ભાઈ?’ ત્યાં એકાદ ખંડિત મૂર્તિનો હાથ ​રજૂ કરે: ‘એટલો સરસ છે ’ – અને પછી એ વાગ્ધારા અટકાવવી હોય તો તમારે એકાદ અર્વાચીન મકાનની વાત કરવી પડે.

⁠આજે પણ ગોવિંદરામે એવી જ હરખથી વાત ઉપાડી, ‘કાં, આવો છો?’

⁠અમારા મકાનની સિમેંટની ખીચડિયા અંગ્રેજી જાળી તરફ નજર નાખતાં મેં કહ્યું: ‘ ક્યાં?’

⁠મેં જોયું હતું ત્યાં નજર કરીને ગોવિંદરામે પોતાની દૃષ્ટિ એકદમ પાછી ખેંચી લીધી. ‘આજે હવે તમને દઉં!’

⁠‘પણ શું?’ મેં કહ્યું.

⁠‘અરે ! તમે ચાલો તો ખરા.’

⁠‘શું માણેક છે, રત્ન છે, હીરા છે? કે છે શું ?’

⁠‘સુબંધુ ક્યાં છે?’

⁠‘હમણાં જ બહાર રમવા ચાલ્યો ગયો.’

⁠‘ઠીક ચાલો, ત્યારે. એ ચીજ તમારા લાયકની છે. તમને–તમને વિશ્વાસ નથી પણ...’

⁠ગોવિંદરામે વાક્ય પૂરું ન કર્યું: ‘તમે ચાલો તો ખરા...’

⁠અમે ચાલ્યા.

⁠એની દુકાનના આગલા ખંડમાં પેઠા એટલે ગોવિંદરામે સાવધાનીથી બારણું વાસ્યું.

⁠આગલા ખંડમાં થઈને અમે પાછળના ભાગમાં ગયા. ત્યાં કેટલાક કારીગર ચક્કી સમી કરતા બેઠા હતા. એક ડોશી નળ પાસે પાણી ભરતી હતી. એક જગ્યાએ તપેલામાં ચા ઊકળતી હતી.

⁠અમે છેક અંદરના ખંડમાં ગયા.

​⁠વળી પાછું ત્યાં પણ ધીમેથી બારણું ઠસાવીને ગોવિંદરામ મને ઉપલા મેડા પર લઈ ગયો.

⁠‘જુઓ આ.’ ગોવિંદરામે મારી સામે ચંદનની એક સુંદર ‘ફ્રેઈમ’ રજૂ કરી. તેમાં જૂના વખતની રજપૂત શૈલીનું સુંદર ચિત્ર શોભી રહ્યું હતું. એક બાઈ બેઠી હતી. આકાશમાં ચંદ્ર ખીલ્યો હતો. એક હાથમાં એક રત્ન હતું. બીજા હાથમાં પ્યાલું હતું. પ્યાલું હલાહલ ઝેરથી ભર્યું હશે એમ સહેજે અનુમાન થાય તેમ હતું. પણ એટલું છતાં તેનો ભાવાર્થ સ્પષ્ટ ન હતો.

⁠ગોવિંદરામ મારી પાસે આવ્યો. તેની આંખમાં વિચિત્ર પ્રકારનો નશો હતો.

⁠‘આ ! છબી તમે જોઈ ? શું સમજ્યા ?’

⁠‘પીંછી અદ્‌ભુત છે!’

⁠ગોવિંદરામે કપાળે હાથ દીધો. પાસેના કૉચ પર તે બેસી ગયો. ‘આ ‘ફ્રેઈમ’ આજથી બાર વર્ષ પહેલાં મારા હાથમાં આવી—પણ રહો, ખખડાટ શાનો થયો? સુબંધુ ક્યાં છે?’

⁠દાદરના પગથિયા ઉપર આવીને એક બિલાડી ઊભી હતી. ગોવિંદરામને એની હાજરી પણ ખૂંચી. તેણે તેને કાઢી મૂકી. પાછો કૉચ ઉપર આવીને બેઠો,

⁠‘તમે નવા જમાનાના માણસો શાપમાં માનતા નથી. પણ હું તમને આજે ખાતરી કરાવી આપીશ કે શાપ જેવી પણ કોઈ વસ્તુ હોઈ શકે. એ બને છે ક્યારેક—પણ એટલે તો, એ તદ્દન નથી જ એવી તમારી દલીલ, બળ વિનાની બની જાય છે. આ ચિત્રમાં શું છે એ તો મને પણ ખબર નથી. એક ભિખારી જેવા માણસ પાસેથી મને એ મળી ​છે. મળી ત્યારે મારા આનંદનો પાર ન હતો. ભિખારીને ખબર નહિ, પણ એમાં એક અણમોલ રત્ન જડેલું હતું. આ રહ્યું એ રત્ન!’

⁠ગોવિંદરામે હથેળીમાં રત્ન ધરી રાખ્યું. લાલ હિંગળોક રંગનું એ માણેક હતું. એનો ઝગઝગાટ મોહ પમાડે તેવો હતો, પણ કોણ જાણે કેમ, જાણે કે એ રત્નને બદલે શોણિતનું બિન્દુ હોય એવું ભયાનક લાગતું હતું !

⁠‘આ લાગે છે રત્ન, પણ છે માનવહૃદયના છેલ્લામાં છેલ્લા નિઃશ્વાસનું રુધિરભીનું આંસુ. ચિત્રનો ઇતિહાસ મને ખબર નથી. કોઈને ખબર નથી. પણ આ રત્ન મેળવ્યા પછી એક અઠવાડિયામાં મેં પ્રાણથી પણ વહાલો એવો મારો એકનો એક છોકરો ગુમાવ્યો હતો!’

⁠હું મોટેથી ખડખડાટ હસી પડ્યો : ‘અરે ! ગોવિંદરામ ! તમારો આ વહેમી સ્વભાવ જ એ રત્નને રુધિરબિન્દુ બનાવે છે. બાકી એ બિચારું તો જે છે તે છે.’

⁠ગોવિંદરામે ડોકું ધુણાવ્યું : ‘ના, ના, એમ નથી. હજી સાંભળો તો ખરા. બરાબર એક અઠવાડિયા પછી પેલો ભિખારી મારી નજરે ચડ્યો. એ વખતે એના મોં ઉપર પ્રસન્નતા હતી. હૃદયમાં ઊંડો સંતોષ હતો. જાણે કોઈ મોટો ભાર ફેંકી દીધો હોય એવી નિશ્ચિંતતા હતી. એણે મને કહ્યું : ‘સાહેબ ! પેલી ‘ફ્રેઈમ’માં એક મોંઘામૂલું રત્ન આવ્યું છે?’

⁠‘તારે જોતું હોય તો લઈ જા!’ મેં કહ્યું.

⁠સાંભળતાં વેંત એ તો ઊભો જ થઈ ગયો. ‘મારે ? મેં આટલા વર્ષ એને સેવ્યું છે. જ્યાં જ્યાં એ ગયું છે ​ત્યાં ત્યાં વિપત્તિ આવી છે. પણ એ રત્નમાં એક બીજો ગુણ છે. એને રાખનારો કોઈ દિવસ ભૂખે નહિ મરે. લક્ષ્મી તો એના ચરણમાં આવી રહેશે; પણ દુ:ખ અને શોક એ બન્ને એનાં ચિરંજીવ સંગાથી રહેશે. હું માંડ એનાથી છૂટ્યો!'

⁠ત્યાર પછી એ રત્ન વિષે ઘણી ઘણી રીતે માહિતી મેળવવા મેં પ્રયત્ન કર્યો. પણ આટલી, આ ચિત્ર કહી શકે એના કરતાં વધારે માહિતી હજી તો મને મળી નથી !’

⁠મેં ફરી ચિત્ર સામે જોયું. ખરેખર ચિત્ર અદ્‌ભુત હતું. મેં ગોવિંદરામને કહ્યું: ‘આમાં તો ચિત્રકારે સ્પષ્ટ સૂચન કર્યું છે. આ રત્ન નથી, પણ હલાહલ વિષપાન છે.’

⁠‘આ રત્નને હું ફેંકી દઉં, પણ ફેંકી દેવાથી મારો અર્થ સરે તેમ નથી. એને કોઈને આપીને જ હું છૂટો થાઉં. ત્યાં સુધી આ ભયંકર શાપનો હું અકારણ ભોગ બની રહ્યો છું ! તમને ખબર નથી સાહેબ ! આ રત્ન મારી પાસે આવ્યા પછી લક્ષ્મી તો મારે ત્યાં ડગલે ને પગલે આવે છે ! એ છુપાવવા માટે તો હું પોતે ભુખડી બારશ જેવો રહું છું ને ! પણ આનો શાપ ! હું સુખી નથી, સાહેબ !’

⁠ગોવિંદરામ બોલતો બંધ થયો. જૂની વસ્તુઓનો એનો શોખ અદ્‌ભુત હતો, પણ આજે એણે ચારે તરફ દૃષ્ટિ ફેરવી ત્યારે જાણે સ્મશાનમાં ભૂતાવળ જોતો હોય એવી રીતે પોતાના વાતાવરણથી પોતે ભડકી રહ્યો હોય તેમ લાગ્યું !

⁠ધીમેથી ઊઠીને ગોવિંદરામની રજા લઈને હું તો ઘેર ગયો.

⁠તે રાતે એક ભયંકર સ્વપ્નમાંથી હું જાગી ઊઠ્યો ત્યારે જાણે સ્વપ્ન નહિ, પણ સાચી પ્રતિમા જોતો હોઉં એટલી બધી તાજી છાપ મારા મન ઉપર પડી રહી હતી. ​અત્યંત પ્રતિભાશાળી—પ્રતાપી અને તેજસ્વી એક સ્ત્રી મારી સામે ઊભી હતી. તેના કેશ છૂટા હતા. હાથમાં ખડ્ગ હતું. આંખો ઝગારા મારી રહી હતી. અણિશુદ્ધ નાક નાગની ફણાની માફક અભિમાન ભરેલું ઝેર સાચવી રહ્યું હતું. ખડ્ગથી પણ વધારે કાતિલ ઘા તો એ નજરમાં ભર્યા હતા. ‘તું શાપિત રાજલક્ષ્મીમાં નથી માનતો કાં? પણ યુગે યુગે લક્ષ્મી શાપિત બને છે, ત્યારે રુધિરભીનાં રત્નો માનવવંશને વારસામાં મળે છે. એમાં તને વહેમ, દંભ કે જુનવાણી પ્રથા જેવું શું લાગે છે? આજે તારા સમયમાં પણ શોણિતની ધારા વહી રહી છે: લક્ષ્મી માટે, જમીન માટે, જીવન માટે. એ ધારામાંથી હજારો રત્નો, જેને મેળવવા માણસો માણસોને કાપે છે તેવાં, ન ધણિયાતાં, નકામાં અને ન જોયેલાં, વેડફાઈ જાય છે. એમાંનું હરેક રત્ન શાપિત છે. જે જે વસ્તુ મનુષ્ય અન્યાયથી મેળવીને લોભથી સાચવે છે તે શાપિત બની જ જાય છે. તે એના સાચવનારને હણે છે. રાખનારને મારે છે.’

⁠સવારે હું ઊઠ્યો ત્યારે સુબંધુ મારી પાસે દોડતો જ આવ્યો: ‘જુઓ, જુઓ. આ શું છે?’ એણે મુઠ્ઠી ઉઘાડી. એના હાથમાં પેલું શાપિત રત્ન ઝગારા મારી રહ્યું હતું —જાણે લોહીભીની આંખે એ મારી સામે જોઈ રહ્યું હોય !

⁠‘અરે, અરે, આ તે ક્યાંથી કાઢ્યું ? — કોણે આપ્યું?’

⁠‘મને ગોવિંદરામ કાકાએ આપ્યું!’

⁠‘હેં!’

⁠મારું ચાલત તો હું ગોવિંદરામની ડોક મરડી નાખત. પણ નજર કરી તો ગોવિંદરામની દુકાન બંધ હતી. ​⁠’મારો બેટો ! જોયું ? પોતાનો છોકરો માર્યો, હવે આને મારવા ફરે છે!‘

⁠મેં સુબંધુના હાથમાંથી રત્ન ઝૂંટવીને ફેંકી દીધું. ‘ખબરદાર ! હવે એ લાવ્યો છે તો. એમાં હલાહલ ઝેર ભર્યું છે ! ગોવિંદરામ ક્યાં છે?‘

⁠’ગોવિંદરામ કાકા ! ગોવિંદરામ કાકા તો કોણ જાણે —‘

✽

⁠એ વાતને અઠવાડિયું વીતી ગયું. ગોવિંદરામ દેખાયો નહિ. એક વખત સુબંધુને સખત તાવ આવ્યો. બેભાન થઈ ગયો. મારા મનમાં પેલા શાપિત રત્નની કથા યાદ આવી.

⁠અને હમણાં ન દેખાતો ગોવિંદરામ અચાનક એ જ વખતે આવી ચડ્યો. તે ક્યાંક બહારથી પરબારો આવતો હોય તેમ લાગતું હતું.

⁠‘કાં, કેમ બેઠા છો ? સુબંધુને શું થયું?’ તેણે આવતાંવેંત પૂછ્યું. જાણે રત્નની વાત જાણતો જ હોય એમ તે બોલ્યો: ‘તાવ આવ્યો છે કે?’ મેં જવાબ ન વાળ્યો. પણ ઠપકાભરેલી આંખે તેની સામે જોઈ રહ્યો. પણ તે તરત નીચે વળ્યો. તે સુબંધુની કેડ ઉપર હાથ મૂકી ધોતિયા નીચે પહેરેલ કાળા દોરામાંથી એક રત્ન શોધી કાઢ્યું: ‘આ રહ્યું!’ તેણે કહ્યું, ને વળી આગળ બોલ્યો:

‘તે દિવસે, તમારા ગયા પછી તિરસ્કારમાં, ને શાપથી મુક્ત થવા મેં એને બહાર ફેંકી દીધું, જાણતો હતો કે એમ ફેંકવાથી મુક્ત નહિ થવાય છતાં — જોર કરીને ફેંકી દીધું. સામેના છાપરા ઉપર એનો અવાજ પણ સંભળાયો. પણ પછી આ સુબંધુના હાથમાં એ કેમ આવ્યું તે મને ખબર નથી.’

​⁠હવે મને સાંભર્યું. જે દિવસે સુબંધુએ મને રત્ન બતાવ્યું તેના આગલે દિવસે તે દડાની રમત રમતો હતો ને છાપરા ઉપર અટકેલા દડાને ઉતારવા ચડ્યો હતો.

⁠‘પણ હવે મારે એ બીજાને હાથ ન ચડે માટે પહેરી રાખવું છે. જૂના પોથીવાચનમાં નિષ્ણાત એક જણે મને એનું બીજું રહસ્ય પણ બતાવ્યું છે.’

⁠‘ શું?’

⁠‘સુબંધુની માંદગી વિષે ને રત્ન વિષે મને જેણે માહિતી આપી તેણે જ આ કહ્યું— ’

⁠‘કે?’

⁠‘હું એની પાસે ગયો હતો. અત્યારે એની પાસેથી આવું છું. એણે કહ્યું કે બીજાને આપી પોતાના ઉપરથી ભાર ઉતારવાની વૃત્તિમાં શાપિત રત્ન કરતાં પણ મોટો શાપ છે. એવું થાય છે ત્યારે અંતઃકરણમાં શાપમય લોહીનું એક બિંદુ હમેશાં બળ્યા કરે છે.

⁠‘માટે રત્નના શાપનાં દુઃખ કાઢી નાખવાં હોય તો રસ્તો આ છે. અજાણ્યા એવા હજારો માનવબંધુની વચ્ચે એવા શાપિત રત્નને ફરતું મૂકવું, એના કરતાં એ મારે જ પહેરી રાખવું. એમ કરવાથી એનો શાપ ધસાઈ જઈને એક દિવસ એ રત્ન પણ શુદ્ધ બની જશે. ’

⁠એટલું બોલીને ગોવિંદરામે એ રત્ન પોતાની ડોકમાં પહેરી લીધું, ને જેવો આવ્યો તેવો પાછો ઝડપથી પાછો ચલ્યો ગયો.