આકાશદીપ/શિવુભા
| ← વાર્તા વિનાની વાર્તા | આકાશદીપ શિવુભા ધૂમકેતુ |
મનની મોજ → |
શિવુભા
ચીભડિયા ગામની સીમ પૂરી થાય ને થોરડી ગામનાં ખેતર દેખાય ત્યાં સુધી મારી મા મને વળાવી જાતી. નાનકડું ધોતિયું, ભરેલી ટોપી, હાથમાં એકડો ઘૂંટી ઘૂંટીને ભુક્કા કાઢી નાખેલી મારી પાટી, હું દોઢ માઇલ હંમેશાં ભણવા જાઉં. સવારે જાઉં ને સાંજે આવું. બપેારે રોટલો ચારા કાકાને ત્યાં ખાઇ લઉં. મન તો એવું ઘર આંગણે ચોટ્યું હોય ! કાકી તો છાશે ય આપે નહિ ને! પણ કહું કોને ? મારી ઉમ્મર પણ કેવડી ? પાંચ વરસની. ત્યારનું મને મન હતું કે મારે મારા ગામમાં જ એક નિશાળ વહેલે મોડે કાઢવી કાઢવી ને કાઢવી. મોટો થાઉં એટલી વાર!
પણ ગામ અમારું હતું દરબારી સૈયારૂં. આઠ દસ તો દરબાર. કોઇ એક ધણી જ મળે નહિ! વસ્તી તો ઓગણીસસો માણસની ને દરબાર દસ. બસો માણસો ને એક દરબાર ! આવી એ ગામડાની રચના. એમાં કોઈ દી કોઈ નિશાળ થાવા જ દે નહિ ને ! એટલે નિશાળ માટેની પેરવી કરવા કોઈક આવી ચડે, તો માળા એ વખતે દસે દરબાર ભેગા થઈ જાય. નહિતર રોજ લડતા હોય ! પછી તો દસ દી સુધી ઉપર ઘીનું જ તો! જમાનો પણ રૂપિયા અઢી શેર ઘી– લીલી ઝાંય વાળું –એવો.
સાહેબ ઘણાખરા બ્રાહ્મણ-લાડુભક્ત ! દસ દી ઝાપટી જાય. દોઢ શેર બશેર વજન વધારતા જાય ને ડબરો ભરી જાય એ નફામાં. શેરો મારે કે ગામમાં ત્રણ છોકરાં પણ થાય તેમ નથી! એ તો દોઢ માઇલ નિશાળ આવે છે, ને ગામ લોકનાં સગાંવહાલાં ત્યાં છે, એટલે છોકરાંને પરબારાં ખાવા માટે ત્યાં મોકલી દે છે ! બાકી ભણવામાં આંહીનું કાંટિયું વરણ ઘણાંખરા મીંડું !’
એમ ને એમ હાલ્યું ઇ તો. આ સરકારે રાજ કર્યું એ પણ કાગળ વડે, ને ખોયું ત્યારે એ પણ કાગળ વડે ! તુમારનું તે કાગળનું તો સરકારમાં બહુ જોર. તુમારિયા પાર વિનાના થયા. પણ ચીભડિયા ગામમાં નિશાળ ન આવી તે ન આવી !
હું ભણી આવ્યો. મોટો માસ્તર થઈને આવ્યો. પણ કોઈ દરબાર ડગે–એ તો ન ભૂતો ન ભવિષ્યતિ. મેં કહ્યું: ‘બાપુ ! એક નિશાળ આપણા ગામમાં હોય તો સારું! હું જ આહીં રહું !’
‘અરે જાવ રે ! માસ્તર ! એવી નાખી દેવા જેવી વાત અમને શું તમે શિખવાડતા’તા? અમારે ગામમાં ઈ લફરું નો જોઇ ભા ! એના કરતાં ભલે નિશાળનો સા’બ ચાર દી લાડવા ખાઇ જાતો. ભ્રામણનો છોકરો તો છે!’
કોઈ એ મારું માન્યું નહિ. મારી નોકરી તો બીજે હતી. હું રજા ઉપર આવું ત્યારે સમજાવવાની મહેનત કરું પણ કોઈ એકના બે થાય નહિ.
હું મારા ગામડાની બીજી શી સેવા કરવાનો હતો ? આટલી સેવા કરવા મથામણ કરી, પણ કોઈ હોંકારો જ ભણે નહિ ને ! થાકી ગયો.
ત્યાર પછી મેં તો ચોરે છોકરાંને ભેગાં કરીને ભણાવવાનુંં શરૂ કર્યું. છોકરાં પણ આવવા માંડ્યાં, કોક કોક દી પઇ પઈ વાળી પેલી રંગીન ગોળી પણ એમને આપું !
દરબારો કહેઃ ‘ભલેને ખુવાર થાતો ભ્રમણ ! આંહીં ચીભડિયામાં નિશાળ નો થાય તે નો થાય ! દારૂ ગાળવાની ભઠ્ઠી કરવી હોય તો અમે કરી દઈએ. બાકી આ વાતમાં તો આ બિચારો શિવુભા ગાંઠનું ગોપીચંદન ખોવાનો છે !’
મને પણ લગની લાગી. એક આટલી તો મારા ગામની સેવા કરતો જાઉં ! બીજું કાંઈ ન બને તો કાંઈ નહિ !
અંતે બહુ બહુ મહેનતે માંડ માંડ એક સાહેબને કાંઇક સદ્બુદ્ધિ સૂજી તે, એણે સાત રૂપિયાની જગ્યા કાઢી. ચોરે નિશાળ બેસે, એમ નક્કી કર્યું !
પણ સાત રૂપિયામાં કોઈ પરગામનો માસ્તર જ આવ્યો નહિ. આવે તો કોઇ ખોરડું રહેવા આપે નહિ. દરખારો તો કાખલી કૂટવા માંડ્યા કે ‘લ્યો ! કાઢો નિશાળ ! આ ગામ તે ભણતું હશે ?’
છેવટે મેં મારી દસ રૂપિયાની નોકરીમાંથી અહીં સાત રૂપિયામાં આવવાનું કબૂલ કર્યું !
એમાં ભોગ તો ત્રણ રૂપિયાનો હતો. પણ ગવર્નર કોઈ ૭૨૦૦ ના ૪૮૦૦ લેવા બહાર પડે, તો વર્તમાનપત્રો જે હેડીંગ કરે, તે મને શિવુભા પંતુજીને, ક્યાં જોવા મળવાનું હતું? હું તો મારાથી થઈ શકે એટલી વધારેમાં વધારે જાતઘસણી કરી છૂટ્યો. ત્રીજા ભાગનો પગાર મેં ગુમાવ્યો, ઘરવાળાંનાં મેણાં ટોણાં મળ્યાં તે જુદાં! ગામ લોકો તો સલામ કરે ને બહુ થાય તો બે હાથ જોડીને જે જે કરે.
પણ દરબાર સૌ પામી ગયા કે મારે બેટે શિવુભાએ ભારે લફરૂં ખોસ્યું !
હું તો એમની કસૂંબા કોટડીમાં મળવા પણ ગયો. મારે એમ કે સૌ ખીજાશે—પણ ના, કોણ જાણે કેમ, કોઈએ કંઈ કહ્યું જ નહિ ને! સૌએ આવકાર દીધો! મેં મનમાં કીધું, ચાલો, સારું થયું. આ સૌએ માથે પડ્યું નભાવી લેવાની વૃત્તિ દાખવી એટલે હવે નિરાંતે રહેવાશે તો ખરું.
ચોરે બેસીને હું તો માંડ્યો ભણાવવા. થોડા વખતમાં તો અમારું ચીભડિયું ગામ એટલા પંથકમાં પ્રખ્યાતિ પામ્યું. અમે આંકની પાટ લઈએ, લેખાં પૂછીએ, મેં તો વળી મોટા છોકરાવમાં, સામસામા કોયડા નખાવવાનું શરૂ કર્યું, એટલે ગામનાં માણસ એ જોવા ભેગાં થાય! એમ કરતાં કરતાં તો છોકરાં, દેખાદેખીથી, કોળી, ખાંટ, આયર, વાઘરી સૌનાં આવવા માંડ્યાં. ને સંખ્યા પણ વધી.
એટલામાં યોગાનુયોગ એક સાહેબ પણ ઠીક આવી ગયો. એ ચીભડિયાની નિશાળ જોવા આવ્યો, ને નિશાળને કાયમની કરી દીધી! પગાર પણ દસ કર્યો.
પણ મારા મનને બીક હતી કે, હવે આ દરબાર કાં તો મને ભેગા થઈને કાઢશે, પણ ના, એ તો સૌ જાણે મૂંગા જ રહ્યા.
પછી તો ચીભડિયાની નિશાળનું વજન વધ્યું. બહારગામનાં છોકરાં પણ ત્યાં આવવા માંડ્યાં. મને તો આનંદ થયો. મારે હાથે એક કામ થયાનો ઊંડો સંતોષ મળ્યો.
પણ જો હું ગામ છોડું તો નિશાળ તરત બંધ થાય તેમ હતું. એટલે મેં તો બીજે દસ-બાર ને પંદર જાતા કરીને, પણ આંહીં જ દસ રૂપિયામાં મુકામ રાખ્યો. ગામ આખું મારાં વખાણ કરે. પણ કોઈ કંઈ પરખાવે એ વાતમાં કાંઈ માલ ન મળે!’
એવામાં તો અમારી જગ્યાના પણ પંદર થવાની મહાન યોજના આવી!
લાખે લેખાં ગણનારી સરકાર, નિશાળમાં દસના અગિયાર થાય, એને-એ વખતે ભવ્ય મહત્ત્વની યોજના ગણતી! અને હજી પણ શું બગડી ગયું છે? સૌ સમજે છે કે, ભાષણમાં આ મારા બેટા પંતુજીઓને, ખૂબ ચડાવવા ને બાકી તો ભંગીની સાથે જ રાખવા! ગવર્નર જનરલથી દોઢસાંતીના ગરાસિયા સુધી આજ પ્રમાણે બધા તે વખતે વરતતા, અને હમણાં પણ વરતે છે!
આ યોજનાને તોડી પાડવી એમ દરબારોએ નિશ્ચય કર્યો. એ યોજનાને પાર ઉતારવી એમ મેં નિશ્ચય કર્યો.
દરબારીઓએ એક જુક્તિ ગોઠવી. એક કોઈ એમનો ખટપટી કામદાર મળી ગયો. એણે બતાવ્યું કે, પાસેનાં ગામડે જ્યારે સાહેબ પરીક્ષા લેવા આવે, ત્યારે આપણે એને ગુપચુપ આંહીં બોલાવી લાવવા. ને તે દી ચોરામાં કોઈ એક છોકરૂં ફરકે જ નહિ એવું કરી મૂકવું. એટલે નિશાળ બંધ! કહેવું કે નામ ખોટાં, હાજરી ખોટી ને માસ્તર આંહીના છે ને ખસવું નથી આંહીથી, એટલે આ ધંધો આદર્યો છે. સૌને એ વાત ગમી ગઈ.
એક દિવસ હું તો સાંજે વાઘરોળા ગામે ભવાઈ હતી તે જોવા જાતો’તો, ત્યાં રસ્તામાં જ વાઘરોળાના બે પટલીયા સામા થઈ ગયા.
‘જે જે ગુરુદેવ!’ કરતા કને ઊભા રહ્યા: ‘આ તમારી કોર આવતા’તા, ત્યાં ઠીક થયું, તમે જ મળી ગયા. અમારો મનજી, ને દિવાળી ને નથુ ને ભગલો હમણાં બે ચાર દિ નહીં આવે !’
‘કેમ? એક વારે ચારેય જણા? કંઈ છે?’
‘તમને ક્યાં ખબર નથી માબાપ! તે અમને પૂછો છો?’
‘તો ય. પણ?’
‘આ સાંભળ્યું છે કે છોકરાંવને ખોજાં ઉપાડી જાય છે?’
‘કોણે કહ્યું?’
‘આ આણી કોર બે દી થ્યાં ઊડ્યું છે!’
‘ના ના, સાવ ખોટી વાત. કોણે આ ગપ હાંક્યું છે?’
‘આ ભગવાનજી કામદાર ને સૌએ આણીકાર બધે કે’વરાવી દીધું છે. હમણાં તમારે ત્યાં કોરૂંધાક બે પાંચ દી સમજો ને!’
મને મનમાં એક ત્વરિત વિચાર આવી ગયો. મારું બેટું! સાહેબ હમણાં આટલામાં છે, ને આ વાત, એની વચ્ચે કાંઈ મેળ તો નહિ હોય! અને વાતે ય એવી વે’તી મૂકી છે કે, કોઈ કોઈને પૂછે જ નહિ ને! અને અંદર અંદર ધ્રૂજ્યા કરે!
મેં તો તરત જ એનું ઊંડાણ માપી લીધું. પટેલીયા બન્નેને હારે ઉપાડ્યા: ‘અરે! તમે કાંઈ સમજો નહિ ને ભલા માણસ, આ તો કામદારની રમત છે, એને નિશાળ ઉખેડી નાખવી છે. હાલો, મારી સાથે, આપણે ગામડે ગામડે કહેવરાવી દઈએ કે કાલે સાહેબ આવવાના છે, ને પતાસાં વહેંચવાનાં છે!’
‘પણ પતાસાં?’
‘પતાસાં ભેગાં થઈ જાશે — તમે હાલોને, મારી ભેગા!’
બીજે દિવસે દરબારની ડેલી ઉપર મેં નજર કરી. આઠદસ દરબાર બેઠા’તા, હું ત્યાંથી નીકળ્યો.
‘કાં? આવોને માહતર! આજ તો બહુ વે’લાં ઘોડાં જોડ્યાં છે!’
‘શું કરે ભૈ! એમને આ પારકી પજોસણ સાચવવાની ને!’ કામદાર ભગવાનજીએ મીઠી વાણીમાં કહ્યું. પણ એની આંખમાં બેઠેલી ઠંડી મશ્કરી દેખાતી હતી. મને ધરપત થઈ કે ના, મેં જે કર્યું તે છે તો બરોબર!
નવ વાગ્યા ને સાહેબનો સગરામ સીમમાં દેખાણો. એક છોકરા જાસૂસે ધોડીને ખબર આપ્યા. સાહેબે કાંઈ સૂચના-ચિઠ્ઠી તો મોકલાવી જ ન હતી. છોકરા બહાર ગામના તો હજી બહુ આવ્યા નો’તા, ને ગામના પણ થોડાક તો આડાઅવળા થઈ ગયા’તા. પણ મેં તો તરત આખા ગામમાં મારું સૈન્ય છૂટું મૂકી દીધું: ‘હાલો! સા’બ આવ્યા છે, તો નિશાળમાં પતાસાં વહેંચે છે! ધોડો! હાલો!’
સૈન્યે સૈન્યનું કામ બરાબર કર્યું.
સાહેબ આવ્યા, ત્યાં તો નિશાળ હકડેઠઠ હાલે! દરબાર એક બે, ચોરે ખાસ આંટા મારી ગયા, ને મનમાં ને મનમાં ઘા ખાઈ ગયા: મારો બેટો! એક આ માથાનો મળ્યો!’ દરબાર જીવુભાએ તો બે વેણ મને કહ્યાં પણ ખરાં. પણ ગમે તેમ નિશાળ તો ટકાવી દીધી. જગ્યા પંદરની થઈ, એક પાંચનો આસિસ્ટંટ પણ મળ્યો. પણ અમારા ગામના વેર અમારી અનોખી રીતે લેવાય છે. મારા ઉપર જે વીતી એ હું તમને શી રીતે કહું?’
શિવુભાનો સાદ ગળગળો થઈ ગયો. તે અવાક્ જેવો ત્યાં ઊભો જ રહી ગયો. હું તો એની સામે જોઈ જ રહ્યો, પણ મૂંગી વેદનાનો અવતાર હોય તેમ શિવુભા તો બોલતો બંધ થઈ ગયો હતો. તેણે લાંબા હાથ કરી એક તરફ નિશાની કરી, તો ત્યાં એક નવું દૃશ્ય દેખાયું. શિવુભા પોતે જાણે કે અદૃશ્ય થઈ ગયો હતો. દૃશ્યમાં દરબારોનો કસુંબા દરબાર દેખાયો. આ નવા દૃશ્યમાં પહેલાં તો અંદરોઅંદર દરબારો ગોષ્ટિ કરી રહ્યા હતા એ સંભળાયું:
‘જીતુભા! ભા! એમ તીખાં વેણ માહતરને નો કઈ. આ ભગવાન કામદારે કહ્યું ઈ બરાબર છે. ઘા તો આ કહુંબાનો મારો, મારો બેટો સાત જનમારા આપણને સંભારે!’
‘ભા! સાચી કહી છે ભાવુભાએ. ઘા મારતાં આવડવા જોઈએ. તીખું વેણ આપણા મોંમાં નો શોભે!’
‘હા! બાપુ ! હા. વેણ કાઢોં તો વાત ડોળાય ને તો કાગળિયું થાય. પણ કસુંબાનું કાંઈ કાગળિયું થાય છે? જૂઓને, કાં તો આ બાજુ આવતો લાગે છે. એને મારા બેટાને આપણામાં ભળીને પછી પગ પહોળા કરવા છે. આ નિશાળ ઘાલી. એક વળી નાનકડું બચુ માસ્તરનું લફરું પણ આવ્યું! પછી આવશે મકાનનું લફરું. માણસને ટાળવાનું કરો. નકર મારો બેટો પેધી જાશે? પણ આ વખતે હવે એવો ટાળી દ્યો કે બેઠો જ નો થાય!’ કામદાર બોલ્યા.
‘પણ કોણ પે’લ કરશે?’
‘જીવુભા જ કરે, તીખાં વેણ ઇ બોલ્યા’તા ભા! હવે માહતરને એક જરા કહુંબો કરાવો તે બેયને મનમેળ થાય! પછી તો વાટકી વાટકીનું કામ કરશે. આ તો નાગરાજનું વરદાન છે ભા! એક વખત જીભે ચડ્યું હોય તો’ય મણીધરનો નશો!’
કોઈક દરબાર જુક્તિ કરી રહ્યો હતો.
એટલામાં પાછો શિવુભા દેખાણો. એ આ બાજુ દરબારના કસુંબાડાયરા તરફ આવી રહ્યો હતો.
થોડીવારમાં તો શિવુભાને આ કસુંબા દરબારમાં સૌ તાણ ઉપર તાણી કરી રહ્યા હતા. ‘થોડોક ભા! આપણે મનમેળ થઈ ગયો છે, એમ બતાવવા! બસ, આટલો જ ભા!’
બે પળ તદ્દન શાંતિ રહી. પાછું દૃશ્ય બદલાયું. હવે શિવુભા ઘરના આંગણે બેઠો હતો. શરીર એનું નખાઈ ગયું હતું. વહુને કહી રહ્યો તો, ‘ક્યાંકથી થોડુંક પેદા કર. એક મગની ફાડ જેટલું! કોઈ રીતે રે’વાતું નથી! અરે ભગવાન ! મને ક્યાં કમત સૂજી! ગામને ભણાવવાની!’
દરબારની કસુંબા જુક્તિએ એને હતો ન હતો કરી નાખ્યો હતો.
એનાં બે ત્રણ છોકરાં, નિર્માલ્ય જેવાં, ઓશરીની કોરે બેસીને મા સામે જોઈ રહ્યાં હતાં.
અને માની આંખમાંથી ડબક ડબક આંસુ પડતાં હતાં. ‘પણ તમને આ મારા પીટ્યાઓએ આ બંધાણ લાગુ પાડી દીધું ને તમારા ઉપર એમણે વેર લીધું! હવે ઘરમાં આ એક તાંસળી રહી છે વેચવાની!’
એ જ દૃશ્યમાં પ્રયત્ન કરતો દેખાય છે, શિવુભા, પોતાના બંધનથી પોતે મુક્ત થવાનો, પણ બંધાણ અફીણનું, જેમ જેમ છોડવા પ્રયત્ન કરે છે તેમ તેમ વધારે ને વધારે શરીર નખાતું જાય છે!
એ જ વખતે કિલ્લોલ કરતા દરબારો, દરબારી નિશાળના ખંડેર ઉપર, નજર માંડીને બેઠેલા દેખાય છે.
એક પણ છોકરો હવે ત્યાં દેખાતો નથી, ગામનાં છોકરાં સવારમાં રોટલા બાંધી બાંધીને પડખેના ગામડે ભણવા જાય છે. ગામ આખું વાત કરે છે: ‘શિવુભાએ પણ મફતનું મોટાં હારે વેર બાંધ્યું!’
શિવુભાની મૂંગી વેદના, ઝાંખા પડતા સૂર્યાસ્તમાં ભળી જાય છે.
એક ઘડીભર ત્યાં શોક ઘેરી શાંતિ છવાઈ રહે છે. થોડીવારમાં તરત બીજું દૃશ્ય બદલાય છે.