લખાણ પર જાઓ

આકાશદીપ/સારંગી છેડી

વિકિસ્રોતમાંથી
← ચમેલી આકાશદીપ
સારંગી છેડી
ધૂમકેતુ
ગુલાબ વહુ →


​


સારંગી છેડી!

⁠પ્રતાપમલ્લ ત્યાં ઊભો હતો પણ પોતાને કોઈ પિછાની શક્યું નહિ, એ એણે જોયું: એટલે એ વધારે નિશ્ચિંત બનીને ઊભો. એક વૃદ્ધ ડોસો પોતાના નાના બે છોકરા સાથે ચોકમાં બેઠો હતો. ચોકની ઠઠ જામતી હતી. એક બે સ્ત્રીઓ પણ કુતૂહલથી છેટે ઊભી ઊભી, શું થાય છે એ જોવામાં તલ્લીન હતી. એટલામાં ત્યાં અલી જમાદાર આવ્યો. લલિતપટ્ટનના વિખ્યાત બહાદુર પુરુષોમાં એની ગણના હતી. એની ધોળી દાઢી તરફ લોકોને માન હતું, અને એની ગરુડના જેવી ચળકતી આંખમાં, સપૂર્ણ વિશ્વાસ હતો. લલિતપટ્ટન નરેશનો તે વિશ્વાસપાત્ર નોકર હતો. તે જાતનો આરબ હતો અને આરબને સહજ બહાદુરી, રાજભક્તિ ને નિમકહલાલી એ ગુણો એનામાં જન્મથી જ સાથે આવ્યા હતા. એના વૃદ્ધ શરીર પર લલિતપટ્ટનના લોકોને એટલો વિશ્વાસ હતો કે જ્યારે તેની હાજરી હોય ત્યારે ગમે તે લૂટારાનો ભય હોય, છતાં જાણે ભય હોય જ નહિ એમ આખા નગરના લોકો અપ્રતિહત વ્યવહાર ચલાવ્યે જતા. અલી જમાદાર લલિતપટ્ટન નરેશના મહેલના ​મુખ્ય દરવાજા પર બેસતો. અને એ બેસતો ત્યારે લોકો જાણતા કે લલિતપટ્ટન સહીસલામત છે.

⁠પોતાના પ્રખ્યાત પ્રતિસ્પર્ધીને આવેલો જોઈ પ્રતાપમલ્લ જરાક દૂર ખસ્યો. પરંતુ જ્યારે અલી જમાદારે તેની સામે જોયું અને કાંઈ આશ્ચર્ય ન દેખાડ્યું, ત્યારે પ્રતાપમલ્લ સમજ્યો કે, સાધુના વેશમાં પોતે સલામત છે.

⁠પ્રતાપમલ્લ એક પ્રખ્યાત લૂંટારો હતો. કહેવાતું કે એની પાસે ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા હતા ! પ્રતાપમલ્લ લૂંટારો હતો, છતાં સાધારણ સ્ત્રીને એની આંખ પર જેટલો પ્રેમ અને વિશ્વાસ જન્મતાં તેટલો લલિતપટ્ટનના નરેશ પર પણ ન થતાં. ક્યારેક તો લૂંટ પૂરી થયા પછી સ્ત્રીઓ પોતાનાં પ્યારાં બચ્ચાં વાસ્તે એકાદ ઘરેણું પાછું પણ માગી લેતી; અને પ્રતાપમલ્લ ઉદાર દિલથી બધું પાછું આપી દેતો ! એના ચહેરા પર સૌંદર્ય ન હતું, પરંતુ ભવ્યતામાં ગુપ્ત રહેલી પવિત્રતાની છાપ હતી. એની નિર્મળ અને વિશાળ આંખમાં એક બે રાતા શેરડા સિવાય બીજું કોઈ ચિહ્ન ન હતું કે, જેથી માણસ એને લૂંટારો લેખે. એ આંખમાં ક્યારેક તો મધુર સ્નેહની પાછળ કરુણ રસ મળે એવું હૃદયંગમ કાવ્ય ચિતરાઈ રહેતું. અને ખરી રીતે તો એ લૂંટારો હતો જ ક્યારે ? પ્રતાપમલ્લ મૂળ તો લલિતપટ્ટન નરેશનો વફાદાર સરદાર હતો. પણ નરેશની આંખમાં જ્યારે વિકારની છાયા આવી, ત્યારે જીવનપર્યંત દૃઢ રહેલ સરદારે આ રસ્તો લીધો. ક્યારેક તે છૂપા વેશમાં આવી રીતે ગામમાં આવીને ચાલ્યો જતો. આજ પણ એ જ પ્રમાણે એ આવ્યો હતો, સાધુ થઈને.

​⁠લોકો એક વૃદ્ધ સારંગી વગાડનારની આસપાસ ટોળે મળ્યા હતા.

⁠અલી જમાદારને આવેલો જોઈ, લોકોએ તેને માનથી રસ્તો આપ્યો. સારંગી વગાડનાર વૃદ્ધ પુરુષના ચહેરા પર દુઃખની અનેક કરચલી પડી હતી. છતાં એ કરચલીમાંથી એનો દૃઢ અને આગ્રહી સ્વભાવ તરી આવતો હતો. એનો મોટો છોકરો આશરે દસ અગિયાર વર્ષનો હતો. એના કંઠમાં એક જાતનું માધુર્ય હતું. એનું પૃથક્કરણ કરવું જેટલું મુશ્કેલ હતું તેટલું જ મુશ્કેલ એનો મોહ અટકાવવાનું હતું. ક્યારેક મનુષ્યના કંઠમાં લાલિત્ય નથી હોતું; પણ હલકમાં જ રમ્ય માધુર્ય હોય છે. અને એ માધુર્ય સ્મૃતિમાં બહુ જ ઊંડો સંસ્કાર મૂકે છે. વૃદ્ધ ડોસો સારંગી મિલાવતો હતો અને નાનો છોકરો મોટાની સાથે ક્યારેક સૂર મિલાવતો હતો.

⁠ડોસાએ સારંગી છેડી.

⁠જો કે વૃદ્ધ ડોસામાં પણ, ગમે તેમ કરુણ રસની અદ્‌ભુત મિલાવટ હતી. એ સારંગીને માત્ર છેડતો જ હતો અને મોટો છોકરો ગાતો હતો. ડોસાની કલા ઉપર પણ લોકોનાં હૃદય પાણી પાણી થઈ જતાં હતાં, મોટો ગાતો હતો:

ઢૂંઢૂં મળે ન રોશની, આવી નજર ક્યારે ચડે;
ક્યાં જાઉં વિષ્ણુ કે મોહિની ? ના કૈં સૂઝે, આંખો રડે.
આરામ ઘડીભર પામવા, ક્યાંક્યાં ચમન શોધી લઉં;
વિશ્વાસમાં ખોળે મૂકી ક્યાં, ઝૂકવું સરને હવે?
એ ઝિંદગીના નૂરથી, આ જિંદગીમાં નૂર છે;
એ ના મળે તે ઝિંદગી આ ધૂળથી યે ધૂળ છે.

⁠બીજા ઉપર તો ઠીક પણ આ ગાનની આબાદ અસર ​તો પ્રતાપમલ્લ ઉપર થઈ. એનું હૃદય ખૂલી ગયું. એને જાણે કાંઈક નવીન જ પ્રકાશ મળ્યો હોય તેમ લાગ્યું. જેમ ઇતિહાસમાં તેમ માનવજીવનમાં ક્યારેક એક અનેરી પળ આવે છે. એ એક પળ જ હોય છે; અને વિશુદ્ધ અથવા સંસ્કૃત આત્માને અકસ્માત એમાંથી વિકાસનું પ્રથમ દર્શન થાય છે. અલબત્ત, મનુષ્યના જીવનમાં આ હંમેશનો બનાવ નથી, પરંતુ તેથી તેની સત્યતામાં જરા પણ શંકા રહે તેમ નથી.

⁠એટલી વારમાં લોકો તો પૈસા આપી આપીને વિખરાઈ જવા લાગ્યા હતા. પણ અલી જમાદાર આજે આનંદમાં હતો. એટલે એ ડોસાની પાસે આવ્યો.

⁠‘ક્યાં રહેવું બાવાજી?’ તેણે પૂછ્યું.

⁠વૃદ્ધ ડોસાએ નીચે જોયું. તે મનમાં જ બોલ્યો : ‘બાવાજી? !’

⁠એક પાસે ઉભેલા વૈશ્યે ફરીને સવાલ પૂછ્યો: ‘બાવાજી ! જમાદાર સાહેબ પૂછે છે કે ક્યાં રહેવું ?’

⁠મોટા છોકરાએ જવાબ આપ્યો: ‘ત્રિકમગઢ.’

⁠‘ઓ બડા ભારી રાજ!’ અલી જમાદારે કંઈક ગર્વમાં કહ્યું: ‘બડા ભારી રાજ. કુછ ન કુછ દેતે જાઓ બિરાદરો!’

⁠લોકો આવી આવીને કાંઈક આપીને, જેને જેમ ફાવ્યું તેમ વિખરાયા. અલી જમાદારે એક રૂપિયો આગળ ધર્યો: ‘લ્યો મહારાજ!’

⁠પ્રતાપમલ્લ હજી વિચારમાં ત્યાં જ ઊભો હતો. એ આજે આરામમય સ્થાનની જાણે શોધમાં હતો. આજ દિવસ સુધી આરામ શું છે એની તેને ખબર ન હતી.

⁠હવે જો કે ગાન અટકી ગયું હતું, પણ સારંગીની ધીમી ​સ્વર–ધૂન જાણે હજી રહી હતી. ડોસાના કરચલીયુક્ત ચહેરામાં આછું સ્મિત ફરકતું હતું. એની આંખ ઘડીભર પ્રતાપમલ્લ પર ઠરી. પણ એને અચાનક કાંઈક સાંભર્યું હોય તેમ તરત જ એણે દૃષ્ટિ પાછી ખેંચી લીધી. અલી જમાદારના મર્દાની સ્વભાવમાં આજે ઘેલછા આવી હતી, એ પણ ડોસાનું અનુકરણ કરવા લાગ્યો. હાથ પર આડો હાથ રાખી સારંગી બજાવવા લાગ્યો ને મોઢેથી બોલવા—એના પોતાના મનથી તો ગાવા લાગ્યો :

‘એ ઝિંદગીના નૂરથી, આ ઝિંદગીમાં નૂર છે.’

એ વળી પોતાની રીતે એને સમજી રહ્યો હતો.

⁠જમાદારને પોતાનો એકનો એક જુવાન વીશ વર્ષનો છોકરો યાદ આવ્યો હતો. એ જ એની જિંદગીનું નૂર હતું. ગાન તો બંધ થયું હતું. પરંતુ એના જુદા જુદા ભાવ લોકોમાં જુદી જુદી અસર ઉપજાવી ગયા હતા. પ્રતાપમલ્લ પોતાના મનમાં બોલી રહ્યો હતો:

‘આરામ ઘડીભર પામવા, ક્યાં ક્યાં ચમન શોધી લઉં? ’

⁠એને આજે અચાનક આરામ જોઈતો હતો.

⁠તે પાછો જવા ફર્યો, એટલામાં ડોસાએ એને ઈશારત કરીને બોલાવ્યો. એટલી વારમાં જમાદાર ચાલ્યો ગયો હતો. આસપાસ બીજું કોઈ નથી એ જોઈ ડોસાએ પ્રતાપમલ્લને ધીમેથી કહ્યું: ‘હું તમને ઓળખું છું. મેં તમને ક્યાંક જોયા છે!’

⁠પ્રતાપમલ્લ ચમક્યો: ‘કોને મને ? ભૂલતા તો નથી ને?’

⁠‘મૃત્યુને કોઈ ભૂલે?’ ડોસો બોલ્યો.

⁠પ્રતાપમલ્લ એકદમ સ્વસ્થ થઈ ગયો. અને શાંત રીતે બોલ્યો: ‘હું તમને પછી મળીશ. તમે ક્યાં ઊતર્યા છો?’

​⁠ડોસો જરાક હસ્યો. પ્રતાપમલ્લ શંકામાં પડ્યો; પરંતુ થોડી વારમાં એની શંકા ઊડી ગઈ. એના હૃદયને આઘાત થયો. એ વિચારવા લાગ્યો કે આ ન સમજી શકાય તેવો રમણીય શોક આજે મારે કેમ થઈ રહ્યો છે? આ ડોસો કોણ હશે?

⁠એટલામાં ડોસાએ જવાબ વાળ્યો: ‘નદીકિનારે ધર્મશાળામાં આઠ વાગ્યે આવજો; પણ તૈયાર થઈને જ આવજો.’

⁠ડોસાના બીજા વાક્યે પ્રતાપમલ્લ પાછો ચમકી ઊઠ્યો: ડોસો એને ભયંકર લાગ્યો. પણ એણે તો સ્વસ્થ રહીને જ જવાબ દીધો: ‘ભલે! ફિકર નહિ.’

⁠અને તે ત્યાંથી તરત અદૃશ્ય થઈ ગયો.

⁠રાતે પ્રતાપમલ્લ ડોસા પાસે ગયો. ડોસો તો ત્યારે પણ ચંદ્રના સુંદર પ્રકાશમાં સારંગી છેડી રહ્યો હતો. પ્રતાપમલ્લના હૃદયનો કોઈ અજાણ્યો પ્રદેશ પણ પરિવર્તન પામતો હોય તેમ, એનું હૃદય ડોસાની સારંગીમાં હતું. એણે એક સુંદર સુવર્ણહાર ડોસા પાસે મૂક્યો: ‘મહારાજ! મારું રંકનું આટલું સ્વીકારો.’

⁠ડોસો હસ્યો. પણ એ અજબ હતો. એનું તો એ જ હૃદયમંથન કરે તેવું હાસ્ય!

⁠‘મહારાજ! હું તૃચ્છ છું, પણ મૂકનાર મન તુચ્છ નથી. માટે ભેટ પણ તુચ્છ નથી.’

⁠ડોસો ફરી હસ્યો; આસપાસ જોયું; પછી ધીમેથી બોલ્યો: ‘પ્રતાપમલ્લ!’

⁠એક કુદકે પ્રતાપમલ્લ આઘો થઈ ગયો. એ ભડક્યો: ડોસો મને જાણે છે, એ વિચારે એ સાવધ થઈ ગયો. એના ​મનમાં હવે ગડભાંગ થવા માંડી.

⁠પણ ડોસો ફરીથી વધુ ધીમેથી બોલ્યો: ‘મારાથી ડરવાનું કારણ નથી. તું નીચે બેસ. મારે કાંઈક કહેવાનું છે.’

⁠પ્રતાપમલ્લ નીચે બેસી ગયો. એને ડોસાના શબ્દમાં અવિશ્વાસ મૂકવા જેવું કાંઈ ન લાગ્યું.

⁠ડોસાએ કોઈ કથા-વાર્તા માંડી હોય તેમ કહ્યું: ‘આજથી ત્રણ વર્ષ પહેલાંનો સમય સંભાર. સાંભરે છે?’

⁠પ્રતાપમલ્લ ડોસાની વધુ નજીક આવ્યો. પણ ડોસાની કાળી નિસ્તેજ મૂર્તિમાં ભસ્મ સિવાય એ કાંઈ વધારે ન કળી શક્યો. ડોસો ફરીને બોલ્યો:

⁠‘નથી સાંભરતું? ત્યારે જો, આજથી બરાબર ત્રણ વર્ષ પહેલાં તું પંડિત રમાનાથને ત્યાં નંદગામમાં મહેમાન હતો, એ સાંભરે છે?’

⁠પ્રતાપમલ્લનો ચહેરો ફિક્કો પડી ગયો. એ વૃદ્ધ ડોસાની તદ્દન નજીક આવ્યો. પંડિત રમાનાથનું ચિત્ર સ્મૃતિમાં ખડું થયું; એ ઘડીભર ધ્રૂજ્યો.

⁠‘હા, યાદ છે.’ એણે યંત્રવત્ જવાબ દીધો.

⁠‘પ્રતાપમલ્લ!’ ડોસાએ હવે કંપતા સ્વરમાં બોલવાની શરૂઆત કરી: ‘ભૂલ કરવી એ એક વાત છે; ભૂલને ભૂલી જવી એ બીજી. તું અત્યારે જે હાર મને આપવા આવ્યો છે એ તો મારી જ પુત્રીનો છે!’ વૃદ્ધનો સ્વર ધ્રૂજતો દેખાયો: ‘આ હાર તારી પાસે છે; પણ જેનો એ હાર છે, એ મારી યમુના ક્યાં છે? આ તો એકલો હારને યમુનાનો તો પત્તો નથી!’

⁠પ્રતાપમલ્લ ગંભીર બની ગયો… ‘હું મારું બનતું બધું ​કરીશ. કારણ કે આ હાર તો આ શહેરમાંથી જ આવ્યો છે, એ મને ખબર છે.’

⁠પ્રતાપમલ્લ પછી કાંઈ બોલ્યો નહિ. તે તરત ત્યાંથી ઊઠ્યો. પણ આજે એના પરિવર્તનની ક્ષણ હતી. તે ઘડીભર પોતાની મૂળ સ્થિતિમાં આવ્યો હતો. એટલે કે લૂંટારો જાણે તારણહાર થયો હતો. કેટલીક ગલી વટાવી તે એક ખંડિયેર જેવા મકાનમાં આવી પહોંચ્યો. આ પ્રતાપમલ્લનું તદ્દન ખાનગી સ્થાન હતું. બહારથી એવું ખંડિયેર દેખાતું હતું કે અંદર કોઈ હશે એમ કોઈને શંકા જ પડે નહિ. પ્રતાપમલ્લ અંદર ગયો, પાછો એણે વેષ બદલાવ્યો અને ત્યાર પછી ત્યાંથી રવાના થઈ ગયો.

⁠લલિતપટ્ટનમાં ત્રણ દિવસ પછી બૂમ પડી કે પ્રતાપમલ્લ નજીકમાં છે. કેટલાકે ચલાવ્યું કે એ તો હમેશાં શહેરમાં આવે છે! અલી જમાદાર કમ્મર કસી તૈયાર થયો. પરંતુ શહેરમાં એક બીજી ન ધારેલી આફત પણ એ જ વખતે ઊતરી પડી. બે દિવસ થયા ન થયા, ત્યાં તો શહેરમાં ભયંકર કૉલેરા ફાટી નીકળ્યો. લોકો મૃત્યુના નામ આગળ પ્રતાપમલ્લને પણ ભૂલી ગયા. માણસો નિરાધાર થઈ પડ્યાં. માતા–પિતા અને સંતાન વચ્ચેનો નૈસર્ગિક સંબંધ તૂટ્યો, કૉલેરાએ એવું રૂપ પકડ્યું. આ સર્વ ગેરવ્યવસ્થામાં એક જ વિરલ પુરુષ મૃત્યુની દરકાર રાખ્યા વિના, મૃત્યુશય્યાપર તરફડતાં બચ્ચાંને માતા પાસે, પુત્રને પિતા પાસે અને નિરાધારને કોઈ આધાર પાસે લઈ જતો હતો. એને મૃત્યુનો ભય ન હતો. એ વિરલ પુરુષ તે પેલો પ્રતાપમલ્લ !

​⁠લલિતપટ્ટનના એક નિર્જન ખૂણામાં તદ્દન કંગલ હાલતમાં એક સ્ત્રી મૃત્યુશય્યા પર પડી હતી. આખું ઘર ‘ગરીબી, ગરીબી’ પોકારી ઊઠતું હતું. પ્રતાપમલ્લ એક દિવસ ત્યાંથી પસાર થતો હતો. એ પોતાના ગુપ્ત વેશમાં હતો, છતાં એને ઓળખાઈ જવાની ધાસ્તી ઘણી હતી, તેથી ઝપાટાબંધ જતો હતો. પ્રતાપમલ્લ ઘડીભર ત્યાં થોભ્યો. અંદરથી કરુણ સ્વર આવતો હતો. તે અંદર ગયો. એક સુંદરી મૃત્યુના મુખમાં હતી. પરંતુ મૃત્યુની છાયામાં પણ એની રમણીયતાની અદ્‌ભુત છટા પ્રસરી રહી હતી. પ્રતાપમલ્લે ત્યાં જ ઝંપલાવ્યું. તે તેની શય્યા પાસે બેસી ગયો. એટલામાં નજીકના ઘરમાં કોઈક મરી ગયું. ફિકર નહિ. તે અડગ રહ્યો. તેને જીવનમાં આજે વળી એક નવીન સાહસનો અનુભવ થયો. આ સાહસમાં શૌર્યને બદલે કરુણા હતી; લેવાને બદલે દેવાનું હતું. પાસેના એક બીજા ઘરમાં બીજું કોઈક પણ મરી ગયું ! તેનું એક પાંચ વર્ષનું નિરાધાર જેવું બાળક પ્રતાપમલ્લ પાસે આવી ચડ્યું. અચાનક તે દિવસે વૃદ્ધ પંડિતે ગાયેલી લીટી તેને કંઠે આવી, એનું હૃદય પીગળી ગયું:

‘આરામ ઘડીભર પામવા ક્યાં ક્યાં ચમન શોધી લઉં?’

⁠તે દિવસે પોતે આરામ શોધતો હતો. ગાનની લીટી સુંદર અને હૃદયંગમ લાગી હતી. પણ—આજે એની પાછળનું આખું ચિત્ર ખડું થયું.

⁠એણે પેલી સ્ત્રીને જરાક આરામ થાય એવી દવા ખવડાવીને પાછું શેરીમાં ભમવાનું શરૂ કર્યું. પણ હવે એને ઓળખાઈ જવાની ધાસ્તી પણ ગઈ હતી; પોતાના આરામની પણ ​દરકાર ન હતી; જિંદગીની પણ પરવા ન હતી.

⁠ત્રણ દિવસ થયા, અને પેલી સ્ત્રી તદ્દન સ્વસ્થ થઈ ગઈ. આવાડિયું થયું. તેના ચહેરા પર ગુલાબી રંગની આછી છાયા આવવા માંડી.

⁠પણ આટલા દિવસોમાં તો પ્રતાપમલ્લને નવા જીવનની ઝાંખી થઈ ગઈ. અત્યાર સુધી એ જ્યાં અન્યાય દેખે ત્યાં જાણે કે પોતાનું કર્તવ્ય હોય તેમ કૂદી પડતો. હવે એને લાગ્યું કે એના કરતાં પણ વધારે મોટું કામ તે પીડિતોને માટે આરામસ્થાન સરજાવવામાં રહ્યું છે. એને આ સ્ત્રીએ સેવાનો નવો રસમાર્ગ બતાવ્યો હતો ! એ કજિયાળો પંથ ભૂલવા માગતો હતો.

⁠એણે આજે પહેલી જ વખત અચાનક એ સ્ત્રીને પૂછ્યું: ‘તમારું નામ?’

⁠‘યમુના!’

⁠‘હેં ! ત્યારે તો પંડિત રમાનાથ...’

⁠‘મારા પિતા; પણ તમે એને ક્યાંથી ઓળખો?’

⁠‘પણ તમે અહીં ક્યાંથી? તમે તો ત્યાં દરબારગઢ...’ એમ પ્રતાપમલ્લ બોલી શક્યો નહિ. એની જાતમાહિતી પ્રમાણે તો એ ત્યાં હોવી જોઈએ.

⁠યમુનાએ નીચું જોઈને કહ્યું: હું ત્યાં જ હતી. મારું જીવન તો ભાઈ ! હરાઈ ગયું છે. પણ ત્યાંથી હું ગમે તેમ નાસી છૂટી. એ નાસી છૂટવાની શંકા અલી જમાદારના છોકરા ઉપર પડી. એટલે એનું ખૂન થયું!’

⁠‘હા ! ત્યારે તો જે ખૂન મારે ખાતે ચડે છે તે! આહા ! કેવી આ રમત ગોઠવાઈ ગઈ છે !’ પ્રતાપમલ્લ ​મનમાં ને મનમાં બોલી રહ્યો.

⁠પણ એટલામાં તો અલી જમાદાર આવતો દેખાયો. એને કોઈક જાણભેદુએ વાત કરી હતી. પ્રતાપમલ્લને ભાગવાનો હવે સમય ન હતો. જમાદારના છોકરાનું ખૂન યમુનાને લીધે થયું એ પ્રતાપમલ્લે જાણ્યું હતું. એટલે હવે એને પણ રેઢી મૂકવાનો વખત ન હતો. પ્રતાપમલ્લ આવા કજિયા માટે જ બહારવટાં ખેડતો. એટલે એણે પોતાના છોકરાને માર્યો છે એવી જમાદારની ચોક્કસ સમજણ હતી. અત્યારે એ વેર લેવા જ દોડ્યો આવતો હતો એ પ્રતાપમલ્લ સમજી ગયો. તે તૈયાર થઈ ગયો. બીજા કોઈ વિચારને અવકાશ પણ ન હતો.

⁠અલી જમાદારને તો અકસ્માત શત્રુ મળી ગયો, અને યમુના પણ મળી ગઈ. કૉલેરાને લીધે ચારે તરફ મરણપોકના અવાજથી વાતાવરણ ભયંકર થઈ રહ્યું હતું. અલીએ જ પહેલ કરી. પ્રતાપે તરત જવાબ વાળ્યો. અલીએ ઘા કરવા તલવાર ઉપાડી. પ્રતાપ બોલ્યો: ‘અરે ! તું અને હું બન્ને શત્રુ નથી.’

⁠‘ઓ કાફર ! હરામજાદા ! જબાન બંધ કર!’

⁠હવે તો દલીલને અવકાશ જ ન રહ્યો.

⁠અલી કૂદીને અંદર જ પડ્યો. પણ પ્રતાપે એક જ સપાટે તેને વધારે અંદર ધકેલી દીધો; અને યમુનાને નાના બાળકની પેઠે ઉપાડી લીધી. અલીની કળ વળે તે પહેલાં બહારવટિયો ઘર પર સાંકળ ચડાવી, જમાદારને જ કેદ કરી તત્કાલ રવાના થઈ ગયો !

⁠ત્યાર પછી પ્રતાપમલ્લ દેખાયો જ નહિ. પંડિતે આ ​સાંભળ્યું. યમુનાને ઉપાડી પ્રતાપ જતો રહ્યો એ પણ જાણ્યું. વૃદ્ધ ડોસાને પ્રતાપ પર તિરસ્કાર છૂટ્યો. એને ખાત્રી થઈ કે યમુનાને પોતાને ઘેરથી ઉપાડી જનાર પણ આ દુષ્ટ પ્રતાપ જ હશે! વૃદ્ધ પંડિતને હવે જીવનમાંથી જતાં પહેલાં અવશેષ કાર્ય પૂરું કરવાનું મન થયું.

⁠જે કામ માટે એણે ભેખ લીધો હતો, તે કામ બગાડનારને એણે હવે હરાવવાનો નિર્ણય કરી લીધો. એટલે એણે અલી જમાદારની મિત્રાચારી બાંધી. અલી જમાદારે સમાચાર કહ્યા કે તેના યુવાન પુત્રનું ખૂન કરનાર પણ પ્રતાપ હતો. એકનો પુત્ર મરાઈ ગયો હતો, બીજાની પુત્રી હરાઈ હતી. બન્ને એક થયા. સતત પ્રયાસને અંતે ઘણે વખતે પ્રતાપનો તો પત્તો લાગ્યો.

⁠પણ પ્રતાપે તો હવે શાંત એકધારું જીવન ગાળવું શરૂ કર્યું હતું. એનો જીવનક્રમ જાણે બદલાયો હતો. નાના વહેતા વહેળા પર સવારમાં યમુના અને પ્રતાપ ફરતાં. આસપાસ, જંગલી રીતે આડાઅવળા ઉગેલા પુષ્પના સુંદર છોડ ખીલી રહેતા. સામે કાંઠે વૃક્ષોની હારમાંથી હજી સૂર્યનાં કિરણ દેખાતાં ન હોય તે સમયે પોતાના નાના ખેતરમાં એ બન્ને જતાં અને થોડીઘણી મહેનત કરી શાકભાજી ઉગાડતાં. પછી એ બન્ને રામાયણ વાંચતાં, ત્યારે યમુનાનું સંગીત અને પ્રતાપની કથા સાંભળવા, આસપાસના ભોળા કણબી અને ભલા રબારીઓની ઠઠ જામતી. કેટલાંક નાનાં બચ્ચાં મોટી બેન [યમુના] પાસે રવિવારે દોડતાં દોડતાં આવતાં, ભલા અને ભોળા મુસાફરો અપારે વિશ્રાંતિ લેવા પ્રતાપના નાના કૂવા પાસે ઝાડના જૂથમાં બેસતા. બહારવટિયાના ​સાહસિક જીવનનું આ સંગીતમય રૂપાંતર હતું. તે પોતાની શાંત ઝૂંપડીમાં આનંદથી દિવસો પસાર કરી રહ્યો હતો. અને એ શાંત ફેરફાર લાવનાર પંડિત વેરે પડ્યો હતો!

⁠પંડિતના જ્ઞાની સ્વભાવમાં એક અજ્ઞાનનું વાદળ રહી ગયું હતું. એને હવે યમુનાનું વેર લેવું હતું. યમુનાને હરી, બ્રાહ્મણપદમાંથી ભ્રષ્ટ કરનાર પર પંડિતનો શત્રુભાવ વૃદ્ધિ પામતો ગયો. જે એના ખરા દુશ્મન હતા એમની જ સહાયથી એ પ્રતાપને શોધવા નીકળ્યો. ખેતરમાં નિરાંતે ઝાડની શીળી છાયા નીચે પ્રતાપને એમણે બેઠેલો જોયો. અલીએ ખુલ્લો હુમલો ન કરતાં અચાનક રાત્રે હૂમલો કરવાનો નિશ્ચય કર્યો. પંડિતે એને અનુમોદન આપ્યું.

⁠રાત પડી. શાંત નિર્મળ ચંદ્ર સુંદર વાતાવરણને મધુર બનાવતો હતો. પ્રતાપ અને યમુના સ્વચ્છ ફળિયામાં બેઠાં હતાં.

⁠અલી જમાદાર અને પંડિત પાછળથી આવ્યા. પંડિતે નિશાન તાક્યું. એક ધડાકો થયો. અને એ સાથે જ અલી પણ ફળિયામાં કૂદ્યો.

⁠પણ પંડિત બીજું નિશાન તાકે તે પહેલાં અલીના હાથમાંની તલવાર ખેંચાઈ ગઈ હતી. એ જોઈને પંડિતના ધ્રૂજતા હાથમાંથી બંદૂક પડી ગઈ ! ધડાકો સાંભળી ખેડૂતો દોડી આવ્યા હતા. પંડિત ને અલી તેમના હાથમાં કેદ હતા. પ્રતાપ ફળિયામાં પાછો આવ્યો. હવે જ એને ખબર પડી કે પંડિતતાની બંદૂકના ઘાથી તો યમુના નીચે પડી છે !

⁠પ્રતાપે યમુનાને પથારીમાં મૂકી. પંડિત નજીક આવ્યો. પ્રતાપે તેને છૂટો કર્યો. યમુનાએ દીવાની આછી રોશનીમાં પિતાનું કરચલીયુક્ત વૃદ્ધ વદન પારખ્યું ! તેણે હાથ ​જોડ્યા અને તેને પાસે આવવા દેવા પ્રતાપને કહ્યું.

⁠‘પિતાજી! આ કામમાં તમે?’ યમુનાએ બહુ જ ધીમેથી કહ્યું.

⁠‘બેટી! યમુના!‘ પંડિતે જુસ્સામાં આવી કહ્યું: ’પ્રતાપને પૂરી શિક્ષા ન થઈ, વચ્ચે તું, તું ભોગ થઈ પડી!’

⁠પ્રતાપ ભડક્યો: ‘મને શિક્ષા? શું કરવા?’

⁠‘શાની શિક્ષા?‘ યમુના બોલી.

⁠‘ તને છેતરવાની—તને હરી લાવવાની. ’

⁠‘બાપુ ! મને હરનાર તો અલીનો પુત્ર હતો, પ્રતાપ નહિ. રાજાની ખરાબ દૃષ્ટિમાંથી બચવા હું નાસી છૂટી અને તે માર્યો ગયો. પ્રતાપે તો મને કૉલેરામાંથી બચાવી હતી.’

⁠‘હેં!’

⁠પંડિત સ્તબ્ધ થઈ ગયો: એ યમુનાને શોધવા નીકળ્યો ત્યારે તો પોતાની કલાથી દુશ્મનને રીઝવી એને પાછી મેળવવાની વાત એના મનમાં હતી. એ તો એ ચૂક્યો—અને એ ક્યાં જાતો પડ્યો? એ મનમાં વિચારી રહ્યો: ‘શા માટે એણે વ્રતભંગ કર્યો? શા માટે સારંગીનો અવિશ્વાસ કર્યો? શા માટે આ પંથ લીધો?’

⁠તેણે હવે પ્રતાપ સામે જોયું. પણ યમુના આજે જતી હતી! કોનો વાંક? પોતાનો? કુદરતનો? કર્મનો કે વ્રતભંગનો ?

⁠૧૯૨૨